આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી સમસ્ત વિશ્વમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે. શ્રીરામકૃષ્ણના આદર્શોને આપણે અનુસરીશું તો દિવ્યતાનો સંચાર થશે અને નૂતન સમાજનું નિર્માણ થશે.

શ્રીરામકૃષ્ણદેવે જીવનની પ્રયોગશાળામાં ભિન્ન ભિન્ન ધર્મનાં દેવીદેવતાઓનાં દર્શન કર્યાં અને જેટલા મત તેટલા પથની યથાર્થતા સિદ્ધ કરી. ઈશ્વરની સર્વવ્યાપકતાને સ્વચક્ષુએ નિહાળી. દક્ષિણેશ્વરમાં મૃણમયી કાલીમૂર્તિને તેમણે ચિન્મયી બનાવી અને તે દેવી સર્વત્ર- ફળ, ફૂલ, પૂજા સામગ્રી કે બિલાડીમાં પણ વિલસતી રહી, જડ અને ચેતન તત્ત્વમાં સમાનભાવે રામકૃષ્ણના દિવ્યચક્ષુમાં પ્રકાશિત થઈ! સમષ્ટિમાં ઈશ્વરદર્શન પામતા શ્રીરામકૃષ્ણે વ્યષ્ટિના નાના વર્તુળને વિશ્વના અનંત ક્ષિતિજમાં દૂર દૂર વિલીન કર્યું. સમષ્ટિનું સુંદર સાયુજ્ય સધાયું. દ્વૈતના દ્વારેથી વિશ્વઐક્યના અદ્વૈત શિખરે બિરાજમાન શ્રીરામકૃષ્ણે પ્રત્યેક જીવમાં શિવને નિહાળ્યા. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની આડશ આત્મઐક્યમાં સરી પડી અને સમષ્ટિ માટેની સંવેદના જાગી! કરુણાદ્ર હૃદયે પ્રત્યેક જીવને શિવ બનાવવા આજીવન અથાગ પ્રયત્નો કર્યા. અજ્ઞાન અને મોહમાં સબડતા જીવની અવદશાથી વિહ્‌વળ થઈ જતા અને પ્રત્યેક જીવને આત્મસ્થ કરવા સેવારત રહ્યા. માનવમસીહા શ્રીરામકૃષ્ણની શ્રેષ્ઠ સેવા આત્મદાનની રહી. ભેદભાવવિહોણી દિવ્યદૃષ્ટિએ પ્રત્યેક મનુષ્યને અભયદાન આપ્યું. આત્મચૈતન્યના આશીર્વાદથી માંડીને મનુષ્યને ‘માનહુંસ’ બનાવ્યા અર્થાત્‌ આત્મજ્ઞાનથી સભાન કર્યા!

એક વખત દક્ષિણેશ્વરમાં હાજરા મહાશયે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘તમે તો પરમહંસ, તમારે સર્વદા સમાધિમાં ડૂબ્યા રહેવું જોઈએ. નરેન્દ્ર, રાખાલ, વગેરે માટે શા માટે ચિંતા કરો છો?’ આ સાંભળીને શિશુ સહજ શ્રીરામકૃષ્ણને હાજરા મહાશયની વાત સાચી લાગી. પરંતુ ભવતારિણી માએ તેમને દેખાડી દીધું કે તે પોતે જ મનુષ્ય થઈ રહેલ છે. શુદ્ધ અંત:કરણરૂપી આધારમાં ઈશ્વર સ્પષ્ટ રીતે પ્રકાશિત થાય છે. ફરી એક વખત જગન્માતાએ શ્રીરામકૃષ્ણને લોકો કેવા સંસાર રૂપી કાદવમાં દિનરાત ડૂબ્યા રહીને ભયંકર યાતના ભોગવે છે, તે આંખ સામે દેખાડ્યું. એ જોઈને ઠાકુરને દયા આવી. તેઓ વિચારવા લાગ્યા: ‘ભલે, મને લાખોગણું કષ્ટ થાય તો પણ તેમના મંગલ માટે, ઉદ્ધાર માટે કાર્યરત રહીશ.’ આમ અહૈતુકી કૃપાને કારણે શ્રીરામકૃષ્ણ જીવકલ્યાણના માર્ગને અનુસર્યા હતા. પ્રભુએ કહ્યું હતું કે લીલાસંવરણ પહેલાં તેઓ પોતાના અવતારી સ્વરૂપને લોકો પાસે મુક્તમને વ્યક્ત કરશે. કાશીપુરમાં ૧લી જાન્યુઆરી ૧૮૮૬માં તેમણે ગૃહસ્થ ભક્તોને ‘તમને સહુને ચૈતન્ય થાઓ’ એવા આશીર્વાદ આપ્યા અને પ્રત્યેકને પોતાના પવિત્ર સ્પર્શથી પોતાના ઈષ્ટ દેવતાનાં દર્શન કરાવ્યા.

એક વખત દક્ષિણેશ્વરમાં વૈષ્ણવશાસ્ત્રનું પઠન થતું હતું. તેમાં દરેક વૈષ્ણવનાં મુખ્ય ત્રણ કર્તવ્યોનો ઉલ્લેખ હતો. જીવ પ્રત્યે દયા, હરિનામમાં રુચિ અને વૈષ્ણવોની સેવા! જીવ પ્રત્યે દયા સાંભળતા જ તેઓ સમાધિસ્થ થઈ ગયા. થોડીવાર પછી બોલ્યા, ‘જીવ પ્રત્યે દયા? કીટાણુંનો યે કીટ તું, જીવ પ્રત્યે દયા કરીશ? દયા કરનાર તું કોણ? ના, ના. જીવ પ્રત્યે દયા નહિ. શિવજ્ઞાને જીવની સેવા.’ દયામાં તો દેનાર મોટો અને લેનાર નાનો બને છે પરંતુ ઠાકુરે કહ્યું: ‘જીવની શિવજ્ઞાને સેવા, આ બધા શિવ – આ બધા નારાયણ. નારાયણ બુદ્ધિથી મનુષ્યની સેવા કરવાનો નવીન યુગમંત્ર આપ્યો અને યુવાન નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણ પાસેથી સેવાનો ગૂઢ મર્મ હૃદયંગમ કર્યો હતો અને સમય જતાં તે મંત્ર રામકૃષ્ણ મિશનનો મુદ્રા લેખ બન્યો.

શિવજ્ઞાને જીવસેવાનું ઉજ્જ્વળ દૃષ્ટાંત સ્વયં શ્રીરામકૃષ્ણે આપ્યું હતું. રામકૃષ્ણ મિશનના રાહતકાર્યનું બીજ શ્રીરામકૃષ્ણે રોપ્યું હતું. અભાવગ્રસ્ત લોકોની સેવા સ્વયં રામકૃષ્ણે કરી હતી. એક વખત મથુરબાબુ શ્રીરામકૃષ્ણને યાત્રા માટે લઈ જતા હતા. તેઓ દેવઘર પાસે પહોંચ્યા ત્યાં ઘણા ગરીબ લોકો હતા. એકદમ કંગાળ સ્થિતિમાં સબડતા આ લોકો પાસે પૂરતું ખાવાનું ન હતું, પહેરવા વસ્ત્ર ન હતાં; તેમના ર્જીણશીર્ણ હાડપિંજર જેવા ચહેરાઓ તેમજ તેલ વગરના બરછટ વાળ જોઈને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: ‘મથુર, આ બધાને માથામાં નાખવા માટે તેલ આપ. એક એક નવું વસ્ત્ર આપ અને પેટ ભરી જમવા આપ.’ મથુર બાબુ તો રહ્યા સંસારી! શ્રીરામકૃષ્ણ તરફ જોઈને તેઓ કહેવા લાગ્યા: ‘બાબા, આ તો ઘણા બધા લોકો છે, એટલા રૂપિયા જો અહીં ખર્ચી નાખીએ તો પછી તીર્થદર્શન કઈ રીતે થશે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપતાં કહ્યું: ‘તારી કાશીએ હું જઈશ નહિ. હું આ લોકો પાસે જ રહીશ. આ લોકોનું કોઈ નથી. આ બધાને છોડીને હું જઈશ નહિ.’ અલબત્ત મથુરબાબુએ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા પ્રમાણે નર-નારાયણની પૂજા કરી. 

આ પ્રસંગનું ઊંડું ચિંતન કરીએ તો સાબિત થાય છે કે શ્રીરામકૃષ્ણદેવ કેવળ મૂર્તિપૂજક ન હતા. હિંદુઓ માત્ર મૂર્તિની પૂજા કરતા નથી, પરંતુ મૂર્તિમાં રહેલ ઈશ્વરની પૂજા કરે છે. એ જ ઈશ્વર સર્વ જીવમાં વિદ્યમાન છે. શ્રીરામકૃષ્ણે સેવાનો માર્ગ બતાવ્યો છે. તેમનો સેવામંત્ર આધુનિક યુગનો વૈશ્વિક કલ્યાણમંત્ર છે. સઘનસેવામૂર્તિ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.