‘મા’ શબ્દ ‘ૐ’નું ધબકતું ચેતનવંતુ સાકાર સ્વરૂપ છે. ૐ એકાક્ષરી છે તેમ ‘મા’ ધન્ય એકાક્ષરી મંત્ર છે. ૐ કારમાં ત્રણ વર્ણ છે. અ, ઉ, મ્‌ અર્થાત્‌ જાગ્રત, સ્વપ્ન અને તુરીય અવસ્થાને તે વ્યક્ત કરે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે સર્પાકાર કુંડલિની જાગ્રત થાય તે જાગ્રતિને બ્રહ્મ કહેવાય. વળી તેની શક્તિ જ્યારે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય રૂપે બહાર આવે ત્યારે તે દૃશ્ય જગતરૂપે આપણી સમક્ષ પ્રગટ થાય છે. સંસ્કૃતમાં ‘આ’ કારનો અર્થ છે – વ્યાપ્ત. અર્થાત્‌ ‘ૐ’ કારમાં મ્‌ની પેલે પાર બ્રહ્મ છે તે જ હલન્ત ‘મ્‌’ને આકાર લાગે ત્યારે ‘મા’ બને છે; સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વવ્યાપી શક્તિરુપિણી ‘મા’ બને છે. શ્રીરામકૃષ્ણ કહેતા ‘તમે જેને બ્રહ્મ કહો છો તેને હું ‘મા’ કહું છું.

આપણે સહુએ જન્મદાત્રી માતાનો મહિમા તો અવશ્ય અનુભવ્યો છે. પાર્થિવ જગતમાં મીઠી મધુર માતાનો સ્નેહ જો આટલો અગાધ અને અમાપ હોય તો ઈશ્વરનું માતૃરૂપ તો કેવું મુગ્ધ અને અનુપમ હોય! જ્યારે જનનીના વિમલ વાત્સલ્યમાં આપણે પરમસુખ, પરમઆનંદ અને પરમશાંતિ પામીએ છીએ ત્યારે સ્વર્ગનું સુખ ઝાંખુ પડે છે. એક વખત યુધિષ્ઠિર માતા કુંતીના ખોળામાં માથું મૂકી સૂતા હતા; ત્યારે તેમના મુખમાંથી અનાયાસે શબ્દો સરી પડયા, ‘સ્વર્ગ બીજે કયાંય નથી, એ અહીં જ છે.’ માતાની વાત્સલ્યપૂર્ણ શીતળ છાયામાં ધર્મરાજને અમીના ઓડકાર આવ્યા હતા. લૌકિક મા પવિત્ર પ્રેમની મૂર્તિ સમી છે. કયારેક સાધારણ માનવી મા ની મમતાને પાર્થિવ માપદંડથી માપવા જાય છે અને અનાયાસે દોષ કરે છે. છતાંય માતાનું હૃદય શિશુની રક્ષા અને કલ્યાણ ઝંખે છે.

માતાના હૃદયની સ્નેહસૌરભ મધુર, મૃદુ અને અને સુંદર હોય છે. મા નો પ્રેમ શાશ્વત હોય છે – સંજીવની સમો જીવનને નવપલ્લવિત કરતો, હર્ષોલ્લાસ ભરતો, આશ્રયશાંતિ અર્પતો, અમી આશિષ વર્ષાવતો હોય છે. માતાના પ્રેમનો પરિઘ એટલો વિશાળ છે કે ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષની ભેદરેખા છિન્ન થઈને હંમેશા પોતાના બાહુપાશમાં જકડી રાખે છે.

મમતામયી મા ત્યાગ અને તિતિક્ષાની મૂર્તિ છે. ધરતીમાતા જેટલી ઉદાર અને સહનશીલા છે. માતા તો બાળક માટે સર્વસ્વનો ત્યાગ કરે છે. માતા બાળકને પોતાની કૂખમાંથી જન્મ આપે છે, ત્યારથી માંડીને અંત સુધી સંતાનથી દૂર થતી જાય છે. બાળકને કાખમાં લે છે. બાળક ચાલતું થાય ત્યારે ફળિયામાં, મોટું થાય એટલે ગામમાં, યુવાન થાય ત્યારે નગરમાં, મહાનગરમાં, દેશમાં, વિદેશમાં પક્ષીની માફક ઉડતું રહે છે. પરંતુ માતા પોતાના ઘરમાં સંતાનની મંગલકામના કરતી, કોઈ અમર આશાના તાંતણે જીવનદોરી ટકાવતી, વૃદ્ધત્વને દ્વારે પહોંચે છે! સંત કવિ મકરંદભાઈ દવે ઘણી વખત સ્વામી આનંદના જીવનનું ઉદાહરણ આપતા. સ્વામી આનંદની માતા શિયાણી ગામે રહેતાં. સ્વામી આનંદ નાની વયે ઘરબાર છોડી નીકળી પડયા હતા. એકવાર મોટી ઉંમરે તેઓ ભાવનગર આવેલા. ત્યાં દુર્લભજી પરીખનાં પત્ની વિજયાબહેને આનંદને પૂછયું, ‘આટલે આવ્યા છો તો શિયાણી નથી જવું? સ્વામી આનંદે કહ્યું કે ‘હવે તો હું શિયાણીનો માર્ગ પણ ભૂલી ગયો છું.’ વિજયાબેને તેમની સાથે માણસ મોકલ્યો. સ્વામી આનંદે જ્યારે શિયાણી પહોંચીને ડેલામાં પગ મૂકયો ત્યારે તેમની મા બોલી ઊઠયાં: ‘આવ્યો બચુ?’ તેમની માતા અત્યંત વૃદ્ધ થઈ ગયેલાં, ખાટલી પર શણિયું પાથરી સૂતાં હતાં. શરીર કચોલું વળી ગયેલું, આંખે અંધાપો હતો પણ દીકરાએ ડેલીમાં પગ મૂક્યો કે નાનપણમાં હુલામણા નામે બોલી ઊઠયાં.

સ્વામી આનંદે પૂછયું, ‘બા, મને કેવી રીતે ઓળખ્યો?’ માએ કહ્યું, ‘તારાં પગલાં પરથી – હું રોજ તારી વાટ જોતી હતી. મેં સાંભળ્યું કે બચુ મોટો મહાત્મા બની ગયો છે પણ મારી પાસે એક દિવસ આવશે ખરો. હું તો તારું તીરથ ખરીને?’ માના શબ્દો સાંભળીને સ્વામી આનંદે કહ્યું; ‘બા, તું તો ઈસુખ્રિસ્ત જેવી વાત કરે છે. તેમણે પણ કહેલું કે ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોમાં છે.’ આ સાંભળીને બાએ કહ્યું; ‘એમાં ઈસુએ નવું શું કહ્યું છે? સાચું તો સહુને સરખું સૂઝે ને!’

સ્વામી આનંદને વૃદ્ધ, અંધ અને નિર્બળ માતાનાં ચરણો છોડીને જતાં દુ:ખ થયું. તેઓ કહેતા, ‘… વહાલસોયી જનેતા બધી ભૂલો માફ કરે છે. એટલું તો હું જાણું છું.’

જગદ્‌ગુરુ શંકરાચાર્યે દેવ્યાપરાધક્ષમાપનસ્તોત્રની સુંદર રચના કરી છે, જેની ધ્રુવ પંક્તિ છે : ‘કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ’ સંતાનને જાણે માતા પાસે જન્મજાત અધિકાર મળ્યો હોય કે લાખો અપરાધ કરે તોય માતા ક્ષમા આપે.

શ્રીમા શારદામણિ કહેતાં, ‘મારું બાળક કાદવથી ખરડાઈ ગયું હોય અથવા તેને ધૂળ ચોંટી ગઈ હોય, તો તેને સાફ કરવાની અને પછી મારા ખોળામાં લેવાની શું મારી ફરજ નથી? માએ હંમેશા બાળકની જવાબદારી સ્વેચ્છાએ લીધી હોય છે. માતાજીએ તો તેમનાં સંતાનોની ઈહલોક ને પરલોકની પણ જવાબદારી લીધી હતી. તેથી અભય વરદાન આપતાં તેઓ કહેતાં કે ‘જ્યારે મનમાં ઓછું આવે ત્યારે કહેજો કે મારે એક મા છે.’ ‘બસ ‘મા’એ એકાક્ષરી મંત્ર પણ એકવાર ઉચ્ચારવા માતાજીએ કહ્યું છે. ધન્ય મા! ધન્ય એકાક્ષરી મહામંત્ર મા!!!

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.