માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ :

શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની સુંદર સ્થિતિ અને લયબદ્ધ સંગીતનું ઉદ્‌ગમ પણ આ શક્તિસ્રોતમાં રહેલું છે. હિન્દુઓ પરમેશ્વરને માતા અને પિતા- બન્ને સ્વરૂપે પૂજે છે. ભારતમાં શિવશક્તિ કે ઉમા-મહેશ્વરને લોકો આદિ પિતા અને આદિ માતા સ્વરૂપે પૂજે છે. શિવશક્તિ અભિન્ન – અખંડ અદ્વૈત. શિવ વિના શક્તિ રહી શકે નહિ. માતૃશક્તિ અને પિતૃશક્તિ એક અખંડ દિવ્યશક્તિનાં અભિન્ન સ્વરૂપો! બ્રહ્મની નિષ્ક્રિય સ્થિતિ ચેતનાશક્તિથી સક્રિય બને ત્યારે સમસ્ત બ્રહ્માંડમાં દ્વૈતભાવ ભરે છે. જેમ અગ્નિ અને તેમની દાહકશક્તિને જુદાં ન પાડી શકાય. શ્રીરામકૃષ્ણ-શારદામણિએ આ સત્યને ચરિતાર્થ કર્યું!

यथाग्नेर्दाहिका शक्ति: रामकृष्णे स्थिता हि या
सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम् ॥

અગ્નિમાં રહેલ દાહકશક્તિની માફક શ્રીરામકૃષ્ણમાં સમાયેલા સર્વ વિદ્યા સ્વરૂપિણી શ્રીમા શારદાદેવીને હું પ્રણામ કરું છું.

શ્રીરામકૃષ્ણદેવે યોગીન માને કહ્યું હતું, ‘એમને અને આને એક માનજો.’ અર્થાત્‌ તેઓ બન્ને પરસ્પર એકબીજાની અંદર-બહાર પરિવ્યાપ્ત છે. માત્ર બાહ્ય રીતે જુદાં પરંતુ અંતરથી બન્ને એક – અભિન્ન આત્મા. શ્રીશારદાદેવી પ્રસંગોપાત કહેતા : ‘અમે શું અલગ?’ અર્થાત ઠાકુર અને માતાજીને અભેદ ભાવે નિહાળો. એક વખત સ્વામી વીરજાનંદજીએ માતાજી પાસે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, ‘શ્રીરામકૃષ્ણદેવનાં પ્રત્યક્ષ દર્શન થયા નહિ, શું થશે?’ માતાજીએ જવાબ આપતાં કહ્યું, ‘ઠાકુરનાં દર્શન તો કર્યા છે.’ આ વાત સાંભળી વીરજાનંદજી સ્તબ્ધ થઈ ગયા કારણ કે શ્રીરામકૃષ્ણને તેમણે સશરીરે તો જોયા ન હતા. પરંતુ પછીથી તેમને એ વાતનો ગૂઢાર્થ સમજાયો કે જ્યારે પોતે શ્રીશ્રીમાને જોયા છે ત્યારે શ્રીરામકૃષ્ણનાં પણ દર્શન થઈ ગયા કહેવાય.

માતાજી શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા :

માતાજી શ્રીરામકૃષ્ણની મહાસમાધિ બાદ ચોત્રીસ વર્ષ કાર્યરત રહ્યાં હતાં. શ્રીરામકૃષ્ણે પોતાના યુગધર્મ સંસ્થાપનની જવાબદારી માતાજીને સોંપી હતી. શ્રીરામકૃષ્ણના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદે પણ નાની ઉંમરે શરીર છોડી દીધું હતું. ત્યારબાદ માતાજી જ સાચા અર્થમાં રામકૃષ્ણ સંઘના કુશળ સંચાલિકા બન્યા હતા. શ્રીરામકૃષ્ણદેવના આદર્શોને સંઘ સ્વરૂપે પ્રકાશિત કરવા માતાજીએ અહોર્નિશ આરાધના કરી. સ્વજનો, ભક્તો અને સંન્યાસીઓને એકસૂત્રે બાંધવા રામકૃષ્ણભાવમાં તરબોળ થઈને માતાજીએ સતત જનતપૂર્વક સેવા કરી. આટલા લાંબા દીર્ઘકાળ સુધી શ્રીરામકૃષ્ણની હયાતી વગર માતાજી સતત કાર્યરત રહ્યાં પરંતુ તેમની સફળતાનું રહસ્ય તેમના રામકૃષ્ણમય સ્વરૂપમાં છૂપાયેલું છે. રામકૃષ્ણ ગતપ્રાણાએ આજીવન તન, મન, ધન, આધ્યાત્મિક સાધન-ભજન અને ભાવ સર્વસ્વ શ્રીરામકૃષ્ણભાવ સંસ્થાપન માટે પ્રેમથી લૂંટાવ્યું. માતાજી શ્રીરામકૃષ્ણના હૂબહૂ અનુકૃતિ બની રહ્યાં – પ્રતિચ્છાયા બની રહ્યાં.

માતાજી એક સામાન્ય સ્ત્રીની માફક રહેતાં. માતાજી રોજબરોજની નાની-મોટી તમામ ક્રિયાઓમાં શ્રીરામકૃષ્ણને કેન્દ્રસ્થાને રાખતાં. બાકી બધું ગૌણ. શ્રીરામકૃષ્ણદેવ સર્વ જીવના આધ્યાત્મિક અભ્યુદય માટે આવ્યા હતા. માતાજીએ ચૂપચાપ આટલું મોટું યુગ કાર્ય હસતાં હસતાં પાર ઉતાર્યું. શ્રીરામકૃષ્ણમયી માતાજીનાં મન, પ્રાણ, બુદ્ધિ, કર્મ, સ્થિતિ – અંદર-બહાર, ઘર, મંદિર કે મઠમાં અત્ર તત્ર સર્વત્ર કેવળ શ્રીરામકૃષ્ણ! માતાજીના પવિત્ર મનમાં એક પળ માટે પણ રામકૃષ્ણ સિવાય અન્ય વિચાર સુદ્ધાં ન આવતા. તો પછી માતાજી શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા બની રહે તેમાં નવાઈ શું છે? પ્રતિચ્છાયાની પાતળી ભેદરેખા આત્મ ઐક્ય દ્વારા ક્યારેક રામકૃષ્ણ અદ્વૈતમાં સ્થિર થઈ જતી!

(૧) એકવાર માતાજી શ્રીરામકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં એટલી ઊંડી સમાધિમાં ઊતરી ગયા હતા કે સમાધિ ભાંગે જ નહીં. યોગિનમાએ ઘણા વખત સુધી ભગવાનના નામનું રટણ એમના કાનમાં કર્યું તો પણ સમાધિ ઊતરવાનું કોઈ ચિહ્‌ન જોવા ન મળ્યું પછી યોગિન મહારાજે આવીને ભગવાનના નામનો જપ કરવાથી ભાવ જરા શાંત થયોને શ્રીરામકૃષ્ણ સમાધિ ઊતરતાં જેમ બોલતા હતા તેમ બોલ્યા : ‘ખાવું છે એમની સામે થોડું ખાવાનું અને પાણી રાખવામાં આવ્યું. ત્યારે શ્રીરામકૃષ્ણની માફક જ એમણે જરાક ખાધું એટલે સુધી કે શ્રીરામકૃષ્ણ જેમ પાનનો અણિવાળો ભાગ દાંતથી કરડીને ફેંકી દઈ પાન ખાતા તેવી જ રીતે એમણે પાન ખાધું. યોગિન મહારાજે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે માતાજીએ શ્રીરામકૃષ્ણની માફક જ જવાબ આપ્યો. જ્યારે માતાજીનું મન બાહ્ય જગતમાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમનામાં શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો હતો.

(૨) સ્વામી કેશવાનંદ એકવાર માતાજી પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે વાત સાંભળતાં સાંભળતાં ખેદ કરીને બોલ્યા કે એમનું કેટલું દુર્ભાગ્ય કે પ્રભુ શ્રીરામકૃષ્ણ પૃથ્વી પર અવતર્યા તો પણ પોતે એમનાં દર્શન ન કરી શક્યાં. ત્યાં માતાજી પોતાના તરફ આંગળી ચીંધી બોલ્યાં: ‘આની અંદર તેઓ સૂક્ષ્મદેહે બિરાજે છે. ઠાકુરે પોતે કહ્યું હતું કે હું તમારી અંદર સૂક્ષ્મદેહે રહીશ.’ નરેશચંદ્ર ચક્રવર્તી જે વખતે દીક્ષાર્થી મિત્રોને લઈને જયરામવાટી ગયા હતા ત્યારે માતાજી એને હાથે પૂજા સ્વીકારવાની ઇચ્છાથી એને ફૂલ લાવવાનું કહી બોલ્યાં: ‘મને પીળાં ફૂલ ગમે ને ઠાકુરને સફેદ.’ કિશોરીને (સ્વામી પરમેશ્વરાનંદને) બંને જાતનાં ફૂલો લઈ આવવાનું કહે. ફૂલ લઈ જલદી પાછા આવતાં નરેશચંદ્રે જોયું કે માતાજી એની એ જ જગ્યાએ ઊભાં હતાં. માતાજીની પાસેથી સંકેત મળતાં એમણે જમણે પગે સફેદ ફૂલ ધર્યાં, ને ડાબે પગે પીળાં ફૂલ ધર્યાં ને પછી વ્યાકુળ અંતરથી કહ્યું: ‘મા, મારાં ઇહકાળ અને પરકાળનાં બધાં કર્મોનું ફળ તમારે ચરણે અર્પણ કર્યું.’ આમ પોતે જ ઇચ્છા કરી પૂજા સ્વીકારી સમજાવી દીધું કે એમના શરીરમાં શિવ ને શક્તિ એકત્ર બિરાજે છે. તેથી જ શિવસ્વરૂપ શ્રીરામકૃષ્ણ માટે સફેદ ને શક્તિ સ્વરૂપિણી માતાજી માટે પીળાં ફૂલ!

(૩) વારાણસી ‘રામકૃષ્ણ મિશન’ સેવાશ્રમમાં માતાજી ૯મી નવેમ્બરે પધાર્યાં હતાં. તેઓ સેવાશ્રમનાં મકાનો, બગીચાઓ અને વ્યવસ્થાની પ્રશંસા કરી બોલ્યાં: ‘અહીં ઠાકુર સ્વયં બિરાજે છે ને મા લક્ષ્મીનો ભંડાર પૂર્ણ છે.’ સેવાશ્રમની યોજનાની વાત સાંભળી માતાજી બોલ્યા : ‘જગ્યા એટલી બધી સુંદર છે કે મને કાશીમાં જ રહી જવાની ઇચ્છા થાય છે.’ વાસ્તવમાં માતાજીએ ત્યાં શ્રીરામકૃષ્ણને સૂક્ષ્મસ્વરૂપે બિરાજતા નિહાળ્યા હશે તેથી શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા સ્વરૂપિણી માતાજીનો વાસ પણ ત્યાં હોય જ એ સ્વાભાવિક છે.

(૪) સ્વામી અભેદાનંદજીએ માતાજીને ‘પ્રકૃતિ પરમાભયાં વરદાં’ સ્તોત્રની રચના સંભળાવી હતી. જ્યારે ‘રામકૃષ્ણગતપ્રાણા’ શ્લોક અભેદાનંદજીએ શરૂ કર્યો કે તુરંત માતાજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ભાવસમાધિમાં ગરકાવ થઈ ગયા. વળી સ્વામી અભેદાનંદજીએ સમાધિસ્થ માતાજીમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં!

(૫) શ્રીઠાકુર અને શ્રીમાની અભિન્નતા તરફ ધ્યાન દોરતાં એક વાર સ્વામી પ્રેમાનંદજી મહારાજ જરા ઊંચા અવાજે બોલ્યા: ‘જે લોકો ઠાકુર અને માતાજી વચ્ચે ભેદ જોશે તેની કોઈ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ થવાની નથી. કારણ કે એ બંને તો એક જ સિક્કાની બે બાજુ છે.’

(૬) એકવાર બે ભક્તો સાથે એક ત્રીજો માણસ પણ ‘ઉદ્‌બોધન’માં માતાજીનાં દર્શન માટે ગયો હતો. માતાજીએ ત્રણ પાતળમાં પ્રસાદ આપી, જિહ્‌વા દ્વારા સ્પર્શ કરી તેમને આપ્યો. ત્યારે ત્રીજો માણસ બોલી ઊઠ્યો: ‘મા, હું ઠાકુર સિવાય કોઈનો પ્રસાદ લેતો નથી.’ માતાજીએ કહ્યું: ‘ત્યારે ન ખાતો.’ થોડીવારમાં જ એની ભૂલ ભાંગતાં એ બોલી ઊઠ્યો: ‘મા, હવે સમજ્યો છું. તમે અને ઠાકુર અભિન્ન છો.’ માતાજી ત્યારે ગંભીરતાથી બોલ્યાં: ‘ત્યારે ખાઈ લે.’

(૭) આમ કોઈક વાર સ્પષ્ટ રીતે અભેદની વાત કર્યા છતાં એમ ન માનવું કે કોઈના મન પર તેઓ ભારપૂર્વક કોઈ સિદ્ધાંત ઠોકી બેસાડવા માગતાં હતાં. જો કે કોઈ કોઈ ભાગ્યશાળી સહેલાઈથી આ વાત સમજી શકતા. છતાં બીજા શંકાશીલ માણસોને વખત લાગતો. તેઓ ધીરે ધીરે આ વાત સમજશે એમ જાણીને માતાજી તેની રાહ જોતાં. જયરામવાટીમાં સ્વામી સાધનાનંદને દીક્ષા આપ્યા પછી માતાજીએ શ્રીરામકૃષ્ણની છબી બતાવીને કહ્યું: ‘આ તારા ગુરુ છે.’ શિષ્યે પ્રશ્ન કર્યો: ‘મા, આપે કહ્યું કે ઠાકુર ગુરુ છે, તો આપ કોણ છો?’ માતાજી જવાબ વાળ્યો: ‘દીકરા, હું તો કોઈ જ નથી. ઠાકુર જ ગુરુ છે, ઈષ્ટ છે.’ વળી એકવાર દીક્ષા આપતી વખતે શ્રીરામકૃષ્ણની છબી દેખાડી માતાજીએ કહ્યું: ‘આ તમારા ગુરુ છે.’ તરત જ શિષ્યે જવાબ આપ્યો: ‘હા, મા તેઓ તો જગદ્‌ગુરુ છે.’ પછી મા-કાલી ભવતારિણીની મૂર્તિ બતાવીને માતાજીએ જ્યારે કહ્યું કે ‘આ તમારા ઈષ્ટદેવતા છે’ ત્યારે શિષ્ય બોલ્યા: ‘મા, સાક્ષાત્‌ દેવી હાજર છે, ત્યારે પરોક્ષ તરફ શા માટે જાઉં?’ ભક્તનો અંતરભાવ જાણી માતાજી હસીને બોલ્યાં: ‘ભલે દીકરા, તેમ થાઓ.’ તેમ – આ શબ્દ પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો.

માતાજી – શ્રીરામકૃષ્ણના ભાવવિગ્રહ

ત્યાગ, તપશ્ચર્યા અને સેવાની મૂર્તિ સમા માતાજી શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ ભાવવિગ્રહ હતાં. ઈશ્વરના માતૃભાવની આરાધના જ નહિ પરંતુ ચરિતાર્થ કરવાની અપૂર્વ શક્તિ પ્રકાશ માતાજીએ પાથર્યો! માતાજીના માતૃત્વનો મહિમા વર્તમાન વિશ્વમાં પ્રસરી રહ્યો છે. માતાજીએ હજારો-લાખો લોકોને આત્મદાન કર્યું. તેમ છતાંય માતાજીના જીવનમાં આધ્યાત્મિકતાનું કોઈ બાહ્ય ઐશ્વર્ય નથી દેખાતું. શ્રીરામકૃષ્ણદેવની માફક પળે પળે સમાધિસ્થ થતા નહિ. માતાજીએ બ્રહ્મજ્ઞાનની ચાવી સાડીના છેડે બાંધીને રાખી હતી. માતાજી કૃપા કરે તો અજ્ઞાની-જ્ઞાની, નિર્ધન-ધની, પાપી-પુણ્યશાળી બની જાય.

ઉદ્‌બોધનમાં એક કર્મચારી માતાજીના ઘરે પરચુરણ કામ કરતા તેમનું નામ ચંદ્રમોહન દત્ત હતું. માતાજી પાસે તેઓ અવારનવાર આવજા કરતા. એકવાર સ્વામી પ્રજ્ઞાનંદ સાથે ગંગાસ્નાન કરવા જતી વખતે સ્વામી શુદ્ધાનંદજીએ મજાક કરતાં કહ્યું : ‘ચંદ્ર, તું તો રોજ મા પાસે જઈ પ્રસાદ ખાઈ આવે છે. હું તને એક વાત શિખવું તે તું માને કહી શકશે?’ ચંદ્રે જવાબ આપ્યો: ‘ શા માટે નહીં’ શુદ્ધાનંદજી બોલ્યા : ‘તું માને કહીશ કે ‘મા, મને મુક્તિ જોઈએ છે’ ચંદ્રે કહ્યું : ‘આપ જરા ઊભા રહો. હું હમણાં જ કહી આવું છું.’ તેમણે ઉપર જઈને જોયું કે માતાજી પૂજામાં બેઠાં હતાં. આસ્તે આસ્તે એ ઓરડામાં ગયા પણ ગમે તે કારણે તેમનું આખું શરીર કંપવા લાગ્યું. થોડા વખત પછી માતાજીએ એમની તરફ જોયુંને આવવાનું કારણ પૂછ્યું ત્યારે પણ ચંદ્રમોહન ધ્રુજતા હતા અને ગળું સૂકાઈ રહ્યું હતું. રોજની જેમ એ બોલ્યા : ‘પ્રસાદ જોઈએ છે.’ આંગળી ચીંધી માતાજીએ ખાટલા નીચે ઢાંકેલો પ્રસાદ દેખાડ્યો ને પાછાં પૂજા કરવામાં તલ્લીન થઈ ગયાં. ચંદ્રમોહનની એ કંપારી લગભગ એક કલાક પછી શમી. બ્રહ્મમયી માનો કેવો પ્રબળ પ્રભાવ! શ્રીરામકૃષ્ણની શક્તિ-શ્રીમા શારદા-મહામાયાની કૃપા વગર માયાને તરી ન શકાય.

માતાજી ભક્તોના મન ઉપર ખૂબ દૃઢ સંસ્કાર પાડી દેતા કે શ્રીરામકૃષ્ણ જ સર્વસ્વ છે. માનદાશંકર દાસગુપ્તાને પત્રમાં લખ્યું હતું કે જો એને માતાજીના સ્વરૂપનું જ ધ્યાન ધરવું હોય તો ધરી શકે છે. કારણ શ્રીરામકૃષ્ણ અને તેમની વચ્ચે કાંઈ ભેદ નથી. ફક્ત બાહ્યરૂપમાં જ ભેદ છે, જે સત્તા શ્રીરામકૃષ્ણમાં છે, તે જ તેમના દેહમાં છે. ફરી બીજા પત્રમાં પણ માતાજીએ લખાવ્યું હતું, ‘ઠાકુર જે છે, હું તે જ છું.’ એક દિવસ માતાજી સાથે વાત કરતાં એક સંન્યાસીએ પ્રશ્ન પૂછ્યો: ‘ઠાકુર શું હંમેશાં આપને દર્શન આપે છે? આપના હાથેથી કંઈ ભોજન ગ્રહણ કરે છે? માતાજી બોલ્યા: ‘અમે શું જુદાં છીએ?’ … પણ તરત જ ખચકાઈને બોલ્યાં : ‘આ શું બોલી નાખ્યું?’

શ્રીરામકૃષ્ણ વારંવાર માનવકલ્યાણ માટે અવતરે છે અને શક્તિરૂપિણી માતાજી પણ સાથે સાથે આવે છે. માતાજી યુગપુરુષની અવતાર લીલામાં છાયા – પ્રતિચ્છાયા બની રહે છે!

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.