ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક જીવનદર્શનની આધારભૂમિકા પર રચાયેલ હોવાં જોઈએ. એટલે જ સમાજના સાર્વત્રિક યોગક્ષેમ માટે અધ્યાત્મ કેન્દ્રી નેતૃત્વ સુદીર્ઘકાળનાં શાણપણ અને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરાં પાડી શકે છે. હવે આમાંથી આવા પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે: 

અધ્યાત્મ કેન્દ્રી નેતાઓ કેવા હોય છે, એમનાં ગુણલક્ષણ કેવાં હોવાં જોઈએ? પોતાના વ્યવસાયના સંચાલનમાં આવતા પડકારોનો સામનો તેઓ કેવી રીતે કરે છે? પોતાનો નફો રળવાની સાથે એમના કાર્યથી  સમાજના અસરગ્રસ્ત લોકોનાં ક્ષેમકલ્યાણ સાધવામાં તેમજ આર્થિક રીતે નિર્ભર બનાવવામાં તેઓ કેવી રીતે સફળ થાય છે?

‘ગ્લોબલ માઈન્ડ ચેઈંજ’ના લેખક અને ‘વર્લ્ડ બિઝનેસ એકેડેમી’ના સહસ્થાપક વિલીસ હાર્મને અધ્યાત્મકેન્દ્રી ઔદ્યોગિક ક્ષેત્રના નેતાઓ વિશે આ શબ્દો ઉચ્ચાર્યા હતા: 

‘વિશ્વના ઉદ્યોગપતિઓ સૌ પ્રથમ તો આ ધરતીના પ્રબુદ્ધ નાગરિકો છે. એમની કાર્યક્ષમતા અને જવાબદારીઓ વૈશ્વિકસ્તરની છે. એમના કાર્યક્ષેત્રનો પરિઘ રાષ્ટ્રિય સીમાઓને પણ ઓળંગી જાય છે અને વિશ્વવ્યાપી બને છે. એમના નિર્ણયો અર્થતંત્રને તો પ્રભાવિત કરે છે, સાથે ને સાથે વિશ્વના વિધ વિધ સમાજો અને એમની સાથે સંલગ્ન ગરીબી, પર્યાવરણ અને સલામતીની સમસ્યાઓને પણ પ્રભાવિત કરે છે. રાજકારણીઓ કરતાં વ્યાપાર-ઉદ્યોગ સંસ્થાનોના વડા વધુ સરળતાથી રાષ્ટ્રિય સીમાઓને ઓળંગીને આગળ વિશ્વમાં પોતાની છાપ પાડી શકે છે. આવું કાર્ય રાજકારણીઓ કે એમના વહીવટી સંવાહકો સહજ-સરળ અને વધુ અસરકારક રીતે ન કરી શકે.’

એટલે જ આજે સમગ્ર વિશ્વમાં આપણે વ્યાપાર- ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વકેન્દ્રી કે સ્વાર્થભાવનાને બદલે વધારે પ્રમાણમાં સામાજિક કલ્યાણની જવાબદારીનું વલણ વધતું જોવા મળે છે. વ્યાપાર ઉદ્યોગ સંસ્થાનોએ ગ્રાહકો, એમને મૂડી પૂરી પાડનારા નાના-મોટા રોકાણકારો, મુખ્ય ડીલરો, બજારના નાના મોટા વેપારીઓ, કાયદા-કાનૂન કે કરવેરાના અધિકારીઓ, જાહેરાતના જાહેર પ્રચારપ્રસારનાં માધ્યમો (મીડિયા)ને પણ ધ્યાનમાં લેવાં પડે છે. આ માટે એક ઉદાહરણ લઈએ:

૧૯૯૭માં વોકર રિસર્ચના એક સંશોધન અભ્યાસ દ્વારા એવું તારણ નીકળ્યું કે જ્યારે ચીજવસ્તુની કીમત અને ગુણવત્તા સપ્રમાણ હોય ત્યારે જે ઉત્પાદકો પોતાની સામાજિક જવાબદારી નિભાવવા તત્પર હોય એમની ચીજવસ્તુઓ ૭૫% ગ્રાહકો ખરીદે એવી શક્યતા છે. જે તે વ્યાપાર કે ઉદ્યોગ સંસ્થાનમાં પોતાની મૂડીનું નાનું મોટું રોકાણ કરનાર લોકો પણ જે તે કંપનીની સામાજિક જવાબદારીની ભાવના તરફ નજર રાખવાના જ.

કોઈ પણ વ્યાપાર ઉદ્યોગ સંસ્થાન દ્વારા સમાજને લાભ મળવો જોઈએ. ગરીબીના દરિયામાં તમે સમૃદ્ધિનો ટાપુ રચી ન શકો. એટલે જ સંપત્તિ કે પૈસો રળવો એ જ ઉદ્યોગ સંસ્થાનનો એક માત્ર હેતુ ન હોઈ શકે. પણ આ સંપત્તિ કે નફો સમાજ કલ્યાણના કાર્યની ભાગીદારીમાં વપરાય તો એ અનૈતિક ન ગણાય. ભગવાન શ્રીકૃષ્ણે ગીતા (૩.૧૨-૧૩)માં કહ્યું છે: 

‘યજ્ઞથી પુષ્ટતુષ્ટ થયેલા દેવો તમને મનગમતા ભોગો આપશે જ. પણ એમણે આપેલા ભોગોને એમને (દેવોને) અર્પણ કર્યા વગર જે એકલો ભોગવે છે, તે ચોર જ છે.’ ‘યજ્ઞમાંથી વધેલું જમનારા સજ્જનો સર્વપાપોમાંથી મુક્ત થઈ જાય છે, પણ જેઓ ફક્ત પોતાને માટે રાંધે છે તે પાપીઓ પાપ જ ખાય છે.’

અહીં યજ્ઞ એટલે વ્યાપાર-ઉદ્યોગ એમ માની શકાય અને દેવો એટલે ગ્રાહક, સમાજ, પર્યાવરણ, સમસ્ત પ્રકૃતિ વગેરેને ગણી શકાય. આ બે શ્લોકોનું તાત્પર્ય એ છે કે વેપાર-ઉદ્યોગના સંચાલકોએ પોતાના કાર્યકરો અને આ કંપનીમાં નાનું કે મોટું મૂડી રોકાણ કરનારા લોકોનાં ક્ષેમકલ્યાણની જ માત્ર ચિંતા કરવાની નથી હોતી પણ પોતે કરેલા નફાનો લાભ સમાજનાં ક્ષેમકલ્યાણ માટે પણ વપરાય એની કાળજી લેવી જોઈએ. આજે ઘણા ઉદ્યોગપતિઓ પોતાની કંપનીનાં ક્ષેમકલ્યાણની સાથે સાથે સામાજિક જવાબદારીઓ તરફ સંવેદનશીલ હોય છે. ક્યારેક ક્યારેક વૈશ્વિક સ્તરે પણ તેઓ દાનધર્મી સંસ્થાઓની સ્થાપના કરીને લાખો લોકોને સહાય કરે છે. દા.ત. માઈક્રોસોફ્‌ટના ચેરમેન બિલગેટ્‌સે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક સ્તરે આરોગ્ય, કેળવણી અને બીજી સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી છે. આ ફાઉન્ડેશનમાં પોતાની સંપત્તિનો મહદંશ એમણે દાન તરીકે આપ્યો છે. 

અમેરિકાના સુખ્યાત વ્યાપાર-સંસ્થાન વોલમાર્ટનું આ મુદ્રાલેખ જેવું વાક્ય છે: 

‘અમે અમારા ગ્રાહકોને મૂલ્ય પૂરું પાડવા મથીએ છીએ. ઓછી કીમતની અને વધુ ને વધુ પસંદગી આપતી વસ્તુઓના વેચાણ દ્વારા અમે એમના જીવનને બહેતર બનાવીએ છીએ.’ 

નૈતિકતાનું આ વિધાન વોલમાર્ટની પરંપરાને બહુ સારી રીતે અભિવ્યક્ત કરે છે. આ કથનનો સીધો સાદો અર્થ એટલે મૂલ્ય કે નૈતિકતા દ્વારા આ કંપનીને સમયમાં સાતત્ય સાંપડે છે અને એના સતત અસ્તિત્વનો મૂલાધાર પણ સ્પષ્ટ કરે છે.

ભારતમાં સૌથી વધારે સ્ટીલનું ઉત્પાદન કરતી ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની (ટિસ્કો)નું ઉદાહરણ લઈએ. ટિસ્કો સંસ્થાને આ શબ્દોમાં પોતાનું વર્ણન કર્યું છે: ‘અમે સ્ટીલ પણ બનાવીએ છીએ.’ ટિસ્કોનું વ્યાપારી મૂલ્ય પોતાના મૂડી રોકાણકારો માટે નફો રળવાનું હોઈ શકે, સાથે ને સાથે આ કંપની દ્વારા આ માનવીય મૂલ્યોનું વધુ ને વધુ વિશાળ ફલકમાં સમાવર્તન પણ કરવામાં આવે છે. એનું વ્યાપારી મૂલ્ય કંપનીની ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ કરવામાં રહેલું છે પણ એના પાયામાં માનવીય મૂલ્યો રહેલ છે. સાચી વાત તો એ છે કે સૂક્ષ્મ કે હાર્દ સમા માનવીય મૂલ્યો એ કંપનીને સતત સફળતા તરફ દોરી જાય છે. આ કંપની ભારતની સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓમાંની એક ગણાય છે.

કોઈ પણ સંસ્થાનના સંવાહક કે નેતાનું સૌથી મહત્ત્વનું કાર્ય સંસ્થાકીય મૂલ્યોને પાળવા-પોષવામાં  છે. એમાં પાયાની માનવીય આશાઓ, ઇચ્છાઓ રહેલી છે અને આપવાની ભાવના મુખ્ય છે. આ માનવીય મૂલ્યો તો આપણા અસ્તિત્વની ગહનતામાંથી આવે છે. અંતરમાંથી આવતા અવાજને આપણે ‘આમાં મારા માટે શું છે?’ એમ નથી પૂછતા. એને બદલે આપણા અંતરાત્માને આપણે માનવ તરીકે ‘હું બીજાના ભલા માટે શું આપી શકું? હું મારાં સંપત્તિ, જ્ઞાન કે શક્તિમાં બીજાને કેવી રીતે ભાગીદાર બનાવી શકું? હું મારા વંશજ માટે પાછળ શું સારું છોડી શકું છું?’ આવા પ્રશ્નો પૂછવાના. આપણા અંતરમાંથી આવતી આવી સદિચ્છાઓ આપણી વધુ ને વધુ મેળવવાની ભૂખમાં નથી પરંતુ બીજાને પોતાનું વધુ ને વધુ આપવામાં છે અને કંઈક જુદી ભાત પાડવાની ઇચ્છામાં છે.

સંશોધકો દ્વારા આખા દેશમાં વિસ્તરેલ ભારતીય ૧૨ વ્યાપારી ઉદ્યોગ સંસ્થાનોના હજાર જેટલા સંવાહકોના આઈ.આઈ.એમ.ના ૨૦૦૧ના સર્વેક્ષણમાં સંશોધકોએ આવું પૂછ્યું હતું: ‘વ્યાપાર સંસ્થાનના સંવાહકમાં કેવા કેવા ગુણોની તમે અપેક્ષા રાખો છો?’ આનો પ્રતિભાવ આપનારા બધાએ અહીં આપેલા પાંચ ગુણોની અપેક્ષા સંવાહકમાં સેવી હતી: (૧) પ્રચૂર સંચાલન ક્ષમતા (૨) પ્રેરક ચારિત્ર્ય અને વ્યક્તિત્વ (૩) અગમદૃષ્ટિ (૪) નીતિ કે સદાચારનાં મૂલ્યો (૫) આધ્યાત્મિક શક્તિ.

વાસ્તવિક રીતે કોઈ પણ સંસ્થાનના નેતૃત્વનું મૂલ્ય એ સ્થાનગત નથી, પણ માનવીય સંબંધગત છે. ભારતના કોર્પોરેટ નેતાઓમાં સૌથી મોટો ચમત્કાર કરનાર રુશિ મોદી માને છે કે કોઈ પણ ઔદ્યોગિક કે વ્યાપાર સંસ્થાનના નેતા કે સંવાહકની ક્ષમતાશક્તિનું મુખ્ય સ્રોત માનવીય સંબંધો કેળવવામાં રહેલું છે. એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે એક વખત એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા: 

‘મેં (આધુનિક વ્યવસ્થાપનનો એક માત્ર ગ્રંથ) બાઈબલ વાંચેલ છે. બાઈબલમાં ટેન કમાન્ડમેંટ્‌સ એટલે કે શાણપણની દસ આજ્ઞાઓ છે તે આ છે: ‘તમારી સાથે જેમણે સદ્‌ભાવ રાખ્યો છે તેવું જ સત્કાર્ય તેમના માટે કરો. તું તારા પાડોશીને તારી માફક ચાહજે, વગેરે.’ આ એક એવું દર્શનશાસ્ત્ર છે કે જેના પર સારા ઔદ્યોગિક સંબંધો રચી શકાય અને સારા પરસોનેલ મેનેજમેન્ટનું આચરણ પણ કરી શકાય; તેમજ સર્વોત્કૃષ્ટ માનવીય સંબંધો વિકસાવી શકાય.’

હરમન મિલરના નિવૃત્ત મુખ્ય સંવાહક મેક્સ દેપ્રિએ આ વાત યોગ્ય રીતે કરી છે: ‘તમારે નેતૃત્વને એક અનુયાયીની દૃષ્ટિથી જોવું જોઈએ.’ એનું મૂળ કારણ એ છે કે કોઈ પણ ઔદ્યોગિક કે વ્યાપારી સંસ્થાનના વડાનું સૌથી મોટું કાર્ય છે, કાર્યકરોનું નેતૃત્વ. સાથે ને સાથે પોતાના સંસ્થાનનાં ધ્યેય કે આદર્શને પહોંચવામાં હજારો મનને ઉત્તેજવાના છે અને પ્રેરવાના પણ છે. એ લોકો આવું ભગીરથકાર્ય કેવી રીતે કરે છે? 

રામકૃષ્ણ મિશન જેવી મહાન સંસ્થાના સ્થાપક સ્વામી વિવેકાનંદે આવા નેતાને આટલું જ કાર્ય કરવાનું કહ્યું છે – નેતાએ નોકરના નોકર બનવું પડે. સાચો અને જાગ્રત નેતા તો પડદા પાછળ રહીને દોરવણી આપતો હોય છે. લોકોની આવી રીતે સેવા કરવાની પસંદગી કર્યા પછી સંવાહકો કે નેતાઓએ પોતાના કાર્યભંડારમાંથી પક્ષપાત, પૂર્વગ્રહ અને સત્તાનાં તત્ત્વોને દૂર કરવા જોઈએ; પછી એમને કોઈનું નેતૃત્વ કરવાનો નૈતિક હક મળે છે, પછી ભલે ને એ માત્ર નોકરી કરવા આવ્યા હોય.

પોતાના સંપત્તિ, સમૃદ્ધિનો અતિપરિગ્રહ, સંચયવૃત્તિનો બોજો વધારી દે છે. આનાથી ઊલટું સાચી અને પૂર્ણ આબાદી કે સમૃદ્ધિ તો આપવામાંથી આવે છે. ‘તમારે જે કંઈ આપવા જેવું હોય તે આપો. આપેલું પાછું તમારી પાસે જ આવશે… પણ અત્યારે જ આવશે એવું તમે ન ધારતા… પણ તે તમારી પાસે હજારગણું થઈને આવશે ખરું.’ આમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. આપણે વિપુલ અને પ્રચૂર માત્રામાં આપીએ તો આપણને પણ પ્રચૂર માત્રામાં હંમેશાં મળવાનું. આ પ્રકૃતિનો અફર નિયમ છે.

મોટોરોલાના ઉપાધ્યક્ષ કુમારી બોબી ગુટમેને કહ્યું છે કે તેઓ સમગ્ર વિશ્વમાં ઘૂમી વળ્યાં છે અને એમણે સંસ્કૃતિની વધુ ને વધુ વિવિધતા નજરે નિહાળી છે. આવી વિવિધતા આપણા સમગ્ર જીવનકાળમાં આપણે જોઈ પણ ન શકીએ. એમણે વ્યાપાર ઉદ્યોગ સંસ્થાનોમાં વિવિધતા વિશે આવા ઉદ્‌ગારો કાઢ્યા છે: 

‘વ્યાપારમાં વિવિધતા એ સારી વસ્તુ છે. મગજની ક્રિયાશીલતા એ કોઈ પણ એક રાષ્ટ્ર, પ્રજા કે સંસ્કૃતિનો પોતાનો આગવો કે માલિકીનો નથી. તે માનવ પ્રજામાં સમપ્રમાણમાં અપાયું છે. એટલે જ એ વ્યાપાર-ધંધાના ફાયદા કે રસ માટે જેટલી બને તેટલી ક્રિયાશીલતા લાવવાનો પ્રયત્ન કરે છે.’ સમગ્ર વિશ્વમાં વ્યાપાર ઉદ્યોગ સંસ્થાનમાં વિવિધતાનું મૂલ્ય આંકવાનાં આનાથી ઉત્કૃષ્ટ કારણો મેં ક્યારેય સાંભળ્યાં નથી. મોટોરોલામાં આ બહેન માનવીય સંબંધોમાં બે સિદ્ધાંતો કે આદર્શોને મહત્ત્વના ગણે છે. (૧) લોકો માટે સતત આદરભાવ (૨) જરાય નમતું ન જોખે એવી કાર્યનિષ્ઠા.

વિવિધતામાં એકતા એ પ્રકૃતિની સંરચનાનું એક રહસ્ય છે. આ સિદ્ધાંત સાથે પ્રકૃતિ પોતાના વિવિધ ઘટકોને ક્રિયાશીલતાના સમતુલનમાં રાખે છે. પર્યાવરણની સંરચનામાં માટી, વનછોડ, જીવજંતુઓ અને પ્રાણીઓ અતિ વિશાળ સમૃદ્ધ વિવિધતા સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આમ છતાં પણ તેઓ પરસ્પર આંતર્‌-સંબંધોથી સંલગ્ન છે સાથે ને સાથે સમગ્ર પ્રકૃતિ સાથે પણ સંકળાયેલ રહે છે.

એક બીજાનાં માન્યતા, નૈતિક સદાચાર અને ભેદપ્રભેદને ઓળખી જાણીને એક બીજા સાથે વિશ્વાસ માનમરતબો અને સન્માનની સાથેનું વર્તન રાખવાની પ્રતિબદ્ધતાવાળું કાર્યક્ષેત્ર ઊભું કરવા પર ભાર દઈને ધ જનરલ ઈલેક્ટ્રિક કંપની ઓફ અમેરિકા આ વિવિધતાના આદર્શને અપનાવ્યો છે.

મેડટ્રોનિક કંપનીના ભૂતપૂર્વ વડા બિલ જ્યોર્જ કહે છે તે પ્રમાણે – હવે જેની સાથે આપણને રોજે રોજનો પનારો પડ્યો છે એવાં વ્યાપાર-ઉદ્યોગ સંસ્થાનોમાં આ આધ્યાત્મિક દૃષ્ટિકોણને એકીકૃત કરી શકાય ખરો? આવી વાત બનતી હોય એવા એક સંસ્થાનનું મારી પાસે ઉદાહરણ છે. મેડટ્રોનિક નામની બાયોમેડિકલ કંપનીની એક વાત કહેવા માગું છું: 

‘અર્લ બેકન નામના એક આધ્યાત્મિક નેતાએ ચાલીસ વર્ષ પહેલાં મેડટ્રોનિક નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આ અલ બેકને સૌ પ્રથમવાર બેટરીથી ચાલતું હળવું પેસમેકર (હૃદયની ગતિને જાળવી રાખતું યંત્ર) શોધી કાઢ્યું હતું. એ એક અગમ દૃષ્ટિવાળા હતા અને ૧૯૬૦માં જ્યારે એમની કંપની નાદારીને આરે ઊભી હતી ત્યારે એક મિશન જેવું વિધાન લખ્યું. એણે ભવિષ્યનાં સો વર્ષ સુધી ચાલનારી મેડટ્રોનિકની પરિકલ્પના કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી ભલે તેઓ આ કંપનીમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, છતાં પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે અર્લ બેકન હજુ પણ મેડટ્રોનિકના એક આધ્યાત્મિક પ્રેરણાદાતા અને આત્મા જેવા છે.

એમણે લખેલા મિશનનું વિધાન ૩૦ વર્ષ પહેલાં લખાયું છે. એમાંથી એક પણ શબ્દનું પરિવર્તન થયું નથી અને એ વિધાન મેડટ્રોનિક કંપનીને લોકોના જીવનની પૂર્ણતા અને તંદુરસ્તીને જાળવી રાખવા આહ્‌વાન કરે છે. અમારા ૯૦૦૦ કર્મચારીઓ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ લેબોરેટરી, કારખાના, હિસાબી વિભાગ કે ઈસ્પિતાલમાં કામ કરતાં હોય પણ તેઓ આ મિશનને સંપૂર્ણપણે વરેલા છે.

અમારા આ સંસ્થાનમાં ‘હેતુઓ દ્વારા વ્યવસ્થાપનને બદલે નીતિ સદાચારનાં મૂલ્યો દ્વારા દોરવણી’ પર વધુ ભાર દેવામાં આવે છે. અમે માનીએ છીએ કે અમારામાંના બધા એટલે કે સામાન્ય નોકરથી માંડીને એના મુખ્ય સંવાહકો સુધીના એક સમાન છે, અમારા કાર્યમાં માર્ગદર્શન આપવા માટે નીતિ અને સદાચારના ગુણો વિશે તેઓ સંમત છે અને દરેક કર્મચારીને એની અનુભૂતિ કરવા માટે પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે. આવી નીતિ વિશેષ કરીને કેટલીય સ્વમાર્ગદર્શન મેળવનારી કાર્યકારી ટૂકડીઓ માટે અગત્યનું છે. આ ટુકડીઓ અમારા સંસ્થાકીય માળખાની કરોડરજ્જુ બની રહી છે.

નીતિ અને સદાચારનાં મૂલ્યો કયાં છે? એમાંનું પ્રથમ છે – લોકોને સંપૂર્ણ આરોગ્ય બક્ષવું. બીજું છે – ગ્રાહકોની અમારા ઉત્પાદનથી સેવા કરવી તેમજ ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી સેવાઓ આપવી. ત્રીજું છે -દરેક કર્મચારીની વ્યક્તિગત ક્ષમતાને ઓળખવી, જાણવી. સારો નફો રળવો તેમજ નાનું મોટું મૂડી રોકાણ કરનારને નફામાં ભાગીદારી આપવી. કંપની તરીકે એક પ્રબુદ્ધ નાગરિકતાની જાળવણી કરવી.’

હાલની આધુનિક ઔદ્યોગિક અને વેપારી પેઢીઓ છેલ્લી બે સદીઓમાં ઊભરી આવી છે. તે પહેલાં સૌથી વધારે શક્તિશાળી સંસ્થાનો સમાજ કે સંગઠનના નામે જાણીતા હતા. એમાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સમુહો હતા. આવા સમાજોમાં લોકોને સામાન્ય ક્ષેમકલ્યાણમાં ભાગીદારી મળતી અને એક કે બીજી રીતે બધા એક સમાન હતા. આધુનિક ઔદ્યોગિક કે વેપારી સંસ્થાનોની જેમ આ જૂના સમાજો કોઈ એના મુખ્ય ઉદ્દેશથી સુનિશ્ચિત થતા ન હતા અને એમને નફો રળવાની પાછળ દોડવાનું પણ ન હતું. પણ એ બધા સમાજના સામાન્ય હેતુઓને કે આદર્શોને ધ્યાનમાં રાખીને ચાલતા. 

હાલના ઔદ્યોગિક સંસ્થાનો કે જૂના સમયના એ વિભિન્ન સામાજિક સંસ્થાનો ભલે જુદા જુદા હેતુઓવાળા લાગતા હોય પણ એ બધાની વચ્ચે એક સામાન્ય ભૂમિકા એ છે કે એ બધા માનવીઓથી રચાયાં છે, માનવીઓ જ એનું સંચાલન કરે છે અને માનવીય જરૂરિયાતો અને ઇચ્છાઓની પૂર્તિ કરીને એમની સેવા કરવી એ એમનો મુખ્ય હેતુ છે. કોઈ પણ વેપાર ઉદ્યોગ સંસ્થાન સમગ્ર સમાજની ખેવના કરવાની ભાવના કે એને મુક્ત રાખવાની ભાવનાથી દૂર થાય તો તે વિષચક્ર જેવું બની જાય અને એનું ભાવિ ઠંડે કલેજે થતી ક્રૂરતાભર્યું વલણ જ રહેવાનું. 

આધુનિક ઔદ્યોગિક કે વેપાર સંસ્થાનોના અગ્રણીઓ મૂળભૂત રીતે કંપનીની પરિકલ્પનાઓને રૂપ આપનારા છે. એનો મુખ્ય હેતુ પોતાની હરીફ કંપનીને વેપાર-ધંધામાંથી બહાર કાઢવાનો છે. આવા અગ્રણીઓને એમની નિશ્ચિત કરેલી નીતિઓ જ દીવાદાંડી બને છે, સિદ્ધાંતો કે આદર્શોનું ત્યાં મહત્ત્વ નથી. અને આ નીતિઓ તો માત્ર દસ્તાવેજો અને ઉદ્‌ઘોષણાઓ જ છે. તેમને જીવન સાથે પૂરેપૂરો નાતો નથી. એટલે જ જે અગ્રણીઓ પરિકલ્પનાઓને રૂપ આપનારા છે તેઓ સંજોગો બદલતા નીતિઓની રેલમછેલ કરી મૂકે છે. આજનાં ઔદ્યોગિક સંસ્થાનોમાં આપણે એવા અગ્રણીઓનાં ઘણાં ઉદાહરણો જોઈએ છીએ કે જેઓ પોતાની નીતિઓની રેલમછેલ કરતા હોય છે. અને જ્યારે નફો ઘટે ત્યારે તેઓ નિર્દય બનીને કર્મચારીઓમાં કાપ મૂકે છે અને કર્મચારીઓના રક્ષણની પ્રતિબદ્ધતાનો અંત આવે છે.

ભારતના લાખો લોકોને આઝાદીના પથે વાળનાર અને દોરનાર મહાત્મા ગાંધીજીએ ‘ટ્રસ્ટીશીપ’ એટલે કે તમે તો માત્ર ઈશ્વરે આપેલી ગુણસંપત્તિના રખેવાળ છો, માલિક નહિ – ના સિદ્ધાંતને પોતાના કાર્યની આધારભૂમિકા બનાવી. આ ટ્રસ્ટીશીપ નામનો શબ્દ સૌ પહેલાં આપણી સમક્ષ સ્વામી વિવેકાનંદે મૂક્યો હતો. અમેરિકાના મહાન ઉદ્યોગપતિ અને ધનપતિ જોન રોકફેલર એમને અમેરિકામાં મળ્યા હતા. એ વખતે એમના જીવનમાં ઘેરી હતાશા ફરી વળી હતી. આ મહાપુરુષ પાસેથી કંઈક સાતા વળશે એવું સાંભળીને તેઓ સ્વામીજી પાસે આવ્યા. તેમણે બધી વાત વિગતે કરી. સ્વામીજીએ શાંતિથી બધું સાંભળી લીધું. પછી કહ્યું કે તમે મહાન ઉદ્યોગપતિ છો એ વાત સાચી. તમે આટલી ધનસંપત્તિ એકઠી કરી એ પણ સાચું. પણ આ બધું આપનાર તો પ્રભુ છે. એમની કૃપા વિના તમારા નસીબનું પાંદડું ખસ્યું ન હોત. એટલે તમે તમારા ઉદ્યોગ કે સમૃદ્ધિના સ્વામી કે માલિક નથી. તમે તો એના માત્ર રખેવાળ છો. એટલે કે તમારે તમારી સંપત્તિનો સદુપયોગ બહુજન હિતાય બહુજન સુખાય કરવો જોઈએ. તમે એકલપેટા બનીને એ સંપત્તિનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશો તો તમને દુ:ખ, અશાંતિ અને હતાશા સિવાય કંઈ મળવાનું નથી. સાચું સુખ, સાચી શાંતિ જોઈતી હોય તો તમારી સંપત્તિનો ઉપયોગ સૌના કલ્યાણ માટે કરો. તમે એના રખેવાળ બનો. 

આ છે સ્વામી વિવેકાનંદે રોકફેલરને આપેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. શરૂઆતમાં તો સ્વામીજીના આવા ઉપદેશે રોકફેલરના અહંકાર પર આઘાત કર્યો. એટલે નાખુશી સાથે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. થોડા દિવસો પછી તેઓ વળી પાછા સ્વામીજી પાસે આવ્યા. પોતાની સાથે તેઓ સંપત્તિના મહદંશના દાનની દરખાસ્ત અને એક સર્વકલ્યાણ માટેની યોજના લઈને આવ્યા હતા. એમણે આવીને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, હવે તો તમે મને શાબાશી આપશો જ.’ આ સાંભળીને સ્વામીજીના મુખ પર હાસ્ય તરી વર્યું અને એમણે કહ્યું: ‘ખરેખર તો તમારે મારો આભાર માનવો જોઈએ!’

રોકફેલર પર સ્વામીજીના આ શબ્દોની જબરી અસર પડી. એમણે ‘રોકફેલર ફાઉન્ડેશન’ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું. એ ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે. એની આવકમાંથી આફ્રિકા અને એશિયાના ગરીબ દેશો અને વિશ્વનાં બીજાં ગરીબ રાષ્ટ્રોના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણ માટે વિવિધ પ્રકલ્પો હાથ ધરાય છે. એને લીધે આવાં રાષ્ટ્રોની ગરીબ પ્રજાનું ઘણું કલ્યાણ થયું છે. સૌના કલ્યાણ માટે સંપત્તિનો ઉપયોગ કરવો એ છે – ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત.

આજનાં ઔદ્યોગિક સંસ્થાનોમાં પણ જો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું અનુસરણ થાય તો સ્વહિતની સાથે પરહિત એની મેળે સધાવાનું અને આત્મકલ્યાણ સાથે સર્વકલ્યાણની કે સર્વોદયની ભાવનાનું મોજું સર્વત્ર ફરી વળશે એમાં કોઈ નવાઈની વાત નથી.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.