ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે ૧ કરોડ પુસ્તકો વાંચે એવી સંકલ્પના છે. આ નવા અને અત્યંત આવશ્યક સાહિત્યિક વાચન અને અભ્યાસના વિચાર આંદોલનમાં ૫૦ હજાર જેટલા ગ્રંથસારથિ – માર્ગદર્શક શિક્ષકો અને ૧૦ હજાર જેટલા નિર્ણાયકો પોતાનું મૂલ્યવાન યોગદાન આપે એવી અપેક્ષા રાખવામાં આવી છે. ૧૫ હજાર જેટલી ગ્રંથયાત્રાઓ, એટલી જ સંખ્યાની પ્રેરણાસભાઓ, ૨૫૦૦ વાચન શિબિરોનું આયોજન થશે. એમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને પ્રેરણા, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. પુસ્તક પ્રેમી લોકો દ્વારા ૧૦ લાખ જેટલાં પુસ્તકો વાચન સામગ્રી રૂપે તરતાં મુકાશે. શાળા, કોલેજો સિવાય ૧૦૦૦ સ્થળે ‘ગમતું પુસ્તક’ વિશેના વાર્તાલાપો યોજાશે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિચાર-પ્રેરક પુસ્તકો પર ૨૫૦૦૦ ‘શેરી વાર્તાલાપો’નું પણ આયોજન થશે. વાચન સ્પર્ધામાં ભાગ લેનાર કુલ ૧૪૦૦ શાળા ૧ લાખ વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાશે, તેમજ કોલેજના ૧૧૦૦૦ વિદ્યાર્થીઓને પારિતોષિક અપાશે.

આટલી વિશાળ સંખ્યામાં અને વિસ્તૃત પાયે આ વાચન અભિયાન હાથ ધરાયું છે ત્યારે સૌ કોઈના મનમાં આ પ્રશ્ન ઊભો થાય એ સ્વાભાવિક છે. શા માટે આપણે પુસ્તકો વાચવાં જોઈએ? સામાન્ય રીતે આપણા સમયનો અત્યંત મૂલ્યવાન ભાગ આપણે નિરર્થક વેડફી દઈએ છીએ.પુસ્તકોનું સુયોગ્ય વાચન આપણને બધાને મૂલ્યવાન સમયને બચાવવામાં સહાયરૂપ બને છે. સાથે ને સાથે આપણી માનસિક શક્તિ અને ક્ષમતામાં પણ ક્રમશ: વધારો કરે છે.

કોઈ પણ વ્યક્તિ દરરોજ એકાદ કલાક ઇચ્છનીય વિષય પરનો અભ્યાસ કરવામાં ગાળે તો એમને પોતાની વિચાર સમૃદ્ધિ અને પોતાના વ્યક્તિત્વ વિકાસમાં ઘણો મોટો ફાયદો થવાનો. જેને આ ટેવ કેળવી છે એવા લોકો હંમેશાં સમાજમાં વધુ પ્રભાવક રહેવાના. જ્યારે આવી ટેવ ન કેળવનાર પાછળ રહી જવાના એ વાત પણ ચોક્કસ છે. નિત્ય વાચનાર અને અભ્યાસુ એવી ઉચ્ચકક્ષાએ પહોંચેલ, પોતાની ક્ષમતાનો પ્રભાવ પાડનાર વ્યક્તિ અને મધ્યમ કક્ષાનું વ્યક્તિત્વ અને ક્ષમતા ધરાવનાર વ્યક્તિ વચ્ચે ઘણો ભેદ જોવા મળે છે. આ બનવાનું કારણ એ છે કે એક સતત વાંચે છે અને અભ્યાસુવૃત્તિવાળો છે, જ્યારે બીજામાં આવું નથી. સારું વાંચવાની ટેવવાળો માણસ પોતાના ફુરસદની પળોનો સદુપયોગ કરે છે અને સમયની કીમતને એ જાણે છે. તે પોતાની વ્યક્તિગત શક્તિઓ, ક્ષમતાઓનો વધુ વિકાસ કરવા આ ફુરસદની પળોનો ઉપયોગ કરે છે. અને બીજા ફુરસદનો સમય નિરર્થક અને બિનઉત્પાદક પ્રયાસોમાં ગાળે છે.

એ દેખીતું છે કે વાચન અને અભ્યાસની કોઈ ચોક્કસ પદ્ધતિ, સંતોષપ્રદ પરિણામ આપી શકે. તમે કોઈ પણ કાર્યક્ષેત્રમાં નિયમિતપણે અને સુવ્યવસ્થિત રીતે આગળ વધો તો તમે સમયના સોનાને વાપરવામાં કરકસર પણ લાવી શકશો અને શક્તિને નિરર્થક વેડફી નાખવાથી બચી શકશો. આવી કોઈ પણ સારી પદ્ધતિ તમને વધુ ઝડપી અને વધુ ચોક્કસ પરિણામ લાવવામાં સહાયરૂપ થશે. આવી વાચન-અભ્યાસની ચોક્કસ પદ્ધતિનું ચુસ્તપાલન આપણા મનને સંયમ-નિયમમાં રાખવામાં ઘણું મોટું પ્રદાન કરી શકે.

સખત અને સતત અભ્યાસનાં મૂલ્ય અને મહત્ત્વ

પુરુષાર્થ કે મહેનત વિના ઉત્કૃષ્ટતા મળતી નથી. જ્ઞાન તો અભ્યાસ અને વાચનથી જ મેળવી શકાય. લમણે હાથ દઈને માત્ર આશા અપેક્ષાઓ સેવવાથી, ઇચ્છાઓના મિનારા રચવાથી, કલ્પનાના મહેલો ખડા કરવાથી કે નિસાસા નાખવાથી કંઈ મળતું નથી. માનવીએ જીવનમાં શાણપણ અને કાર્યનિષ્ઠા કેળવવા વ્યવહારુ, પુરુષાર્થભર્યું, ખંતીલું વાચન અને પરિશીલનની આવશ્યકતા રહે છે.

વિશ્વના મહાન વિચારકોની વિલક્ષણતા બતાવતાં બળ કે શક્તિ, મનની પુરુષાતનભરી તાકાત જેવા ગુણોને કેળવવા તમારે ઊંડાણપૂર્વક, સર્વગ્રાહી રીતે, પ્રબળતાથી વિચારવા ટેવાવું પડે. માત્ર ને માત્ર અદમ્ય શક્તિ અને તેનો સુયોગ્ય ઉપયોગ તમારા મનને ઉન્નત કરવામાં મદદ કરી શકે.

દરરોજ એકાદ કલાકનું પણ સતત અને સખત વાંચન તેમજ ગંભીર ચિંતનની ટેવ તમારા મનને ઝડપથી શિસ્તબદ્ધ બનાવી દેશે. જેમ જેમ તમે આ ટેવ કેળવો તો તે સમૃદ્ધ આનંદ અને સંતોષનું સ્રોત બની શકે.

ક્યારેક આપણને શુષ્ક અને નિરસ લાગતા વાચનને પણ સતત ચાલુ રાખવું એ વિપુલ મૂલ્યવાન ટેવ છે. ભલે એ શુષ્ક-નિરસ હોય પણ તમે એ વાચન અભ્યાસમાં મંડ્યા રહો તો તેનાથી તમારી ઇચ્છાશક્તિમાં ઘણો મોટો વધારો થશે એ વાત ચોક્કસ છે. સાથે ને સાથે આવા કાર્યની પૂર્તિ માટે તમારી જાતને કર્તવ્યનિષ્ઠ કે ફરજમંદ બનાવવા ઘણું ફાયદાકારક બની રહેશે.

વિશ્વની અત્યંત મૂલ્યવાન અને શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓને ઘણા લોકોએ પૂર્ણપણે જાણી-ઓળખી નથી. હાસ્ય-વ્યંગના તણખા, નવલિકા-નવલકથા જેવાં હળવાં સાહિત્યની તુલનામાં સામાન્ય રીતે આત્મકથા, જીવનકથા, તત્ત્વદર્શન, વિજ્ઞાન, ધર્મશાસ્ત્રો એ વાચવામાં નિરસ અને કઠિન હોય છે. પરંતુ એક નિષ્ઠાવાન અને ખંતીલો વિદ્યાર્થી આવા વાચનમાં મંડી પડે છે અને સાહિત્ય પ્રત્યેનાં રસરુચિ કેળવે છે. સાથે ને સાથે પોતાની આ ઉત્કટતાનો યોગ્ય બદલો પણ એને મળે જ છે.

તમારા વાચનને અને અભ્યાસને વધુ ફળદાયી બનાવવા કેવી રીતે વાંચવું જોઈએ એ વિશેનાં કેટલાંક ઉપયોગી સૂચનો અહીં આપીએ છીએ :

વિશેષ વાચન માટે વિષયની ચોક્કસ પસંદગી કરો

 વેરવિખેર અને અસ્થિર વિચાર માટે કેટલાય વિષય પરનાં કેટલાંય થોથાંના પાના ઉથલાવવાની સર્વ સામાન્ય ભૂલ કે ખામી વાચકોમાં જોવા મળે છે. પરિણામે ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર’ જેવું થાય છે. એટલે આની સામે તમારે વિશેષ કરીને સાવધાન રહેવું પડે. ચોક્કસ સમયગાળા માટે એક જ વિષયને અભ્યાસ માટે પસંદ કરો અને મહદંશે એને તમે ગ્રહણ કરી લો ત્યાં સુધી એના વાચનમાં લીન રહો.

એનો અર્થ એ નથી થતો કે તમારે કોઈ પણ એક વિષય પર જ ગોંધાઈ રહેવાનું છે. એની સાથે તમારે એક ગ્રંથના વાચન પર તમારું મન અને સમય આપવો જોઈએ. અલબત્ત, તમારા અભ્યાસ-વાચનની વિવિધતા માટે પણ વિવેકપૂર્વક ગોઠવણી કરવી જોઈએ.

નિત્ય વાચન-અભ્યાસનું સમય પત્રક અને આયોજન

વાચન અને અભ્યાસ માટે સુવ્યવસ્થિત આયોજન આવશ્યક છે. વાચન-અભ્યાસ માટે કરેલ દરરોજના આયોજનને નિષ્ઠાપૂર્વક અને ચુસ્તપણે અનુસરીને તમે મહત્તમ વાચન-અભ્યાસ કાર્યને પૂર્ણ કરી શકો છો.

આ આયોજનમાં તમારી આખા દિવસની પ્રવૃત્તિઓ પણ સમાયેલી હોવી જોઈએ. તમારે તો માત્ર અભ્યાસ માટે કેટલો સમય આપવા માગો છો અને એ વાચન અને અભ્યાસ દ્વારા કેવી સ્વસુધારણા કરવા માગો છો એની ગોઠવણ કરવી જોઈએ.

તમારા વાચન કે અભ્યાસમાં તમારાથી જાણ્યે-અજાણ્યે કોઈ બાબત ઉવેખાઈ તો નથી ને, એ જોવા માટે દરેક દિવસના અંતે તમારા કાર્યને તમારે ફરીથી જોઈ જવું જોઈએ; આ ઘણી મહત્ત્વની વાત છે. તમારા આયોજન પ્રમાણે કંઈ બાકી રહી જતું હોય તો એમાં સુધારો કરવા તમારે થોડાં જલદ અને ખંતપૂર્વકનાં પગલાં ભરવાં પડે. વાસ્તવિક રીતે તો તમારા આયોજનની સફળતાનો આધાર એનું પૂર્ણપણે પાલન કરવામાં છે.

સાંગોપાંગ અને આરપારના અભ્યાસની ટેવ

સામાન્ય રીતે કોઈ પણ કાર્યને કે વાચનને આપણે અધૂરાં મનહૃદયે આદરીએ છીએ; વચ્ચે થોડી મુસીબત આવે કે છોડી દઈએ છીએ; અંતે કાર્યને વચ્ચેથી અધૂરું છોડીને એમને એમ મૂકી દઈએ છીએ. હવે તમારે મક્કમ મને આ દોષોને નિવારવાં જ  જોઈએ. તો અને તો જ તમને ધાર્યાં સુનિશ્ચિત ઉત્તમ પરિણામો મળશે. કોઈ પણ વિષયનું પરિક્ષણ, નિરીક્ષણ ઉતાવળે ન કરવું, એવો એક નિયમ બનાવી દો. કોઈ પણ કાર્યને કે પુસ્તકના વાચનને સાંગોપાંગ પૂરું કરવા સમય ન ફાળવી શકો ત્યાં સુધી રાહ જુઓ અને થોભી જાઓ. આ ટેવ તમારામાં ધીમે ધીમે પણ દૃઢ નિર્ણયશક્તિ કેળવવામાં સહાયરૂપ થશે.

એટલે જ તમારી પસંદગીના ચોક્કસ વિષય વિશેના ગ્રંથ અત્યંત રસરુચિ અને ઊંડાણપૂર્વક વાચો. આવી વાચન અભ્યાસ પદ્ધતિ તમારી જ્ઞાનવૃદ્ધિમાં સહાયરૂપ થશે. સાથે ને સાથે વધારે બુદ્ધિ માગી લેતાં કાર્યો માટે તમને સુસજ્જ બનાવી દેશે. તમારી સમક્ષ ચોક્કસ ધ્યેય સતત રાખો, જેથી એ તમારા જીવનમાં વધુ પુરુષાર્થ માગી લેતાં કાર્યમાં એક અનન્ય પ્રેરણાબળ બની રહેશે.

આમૂલ કે સમગ્રતયા વાચનની ટેવ જેમ જેમ તમે વધુ વિકસાવતા જાઓ અને એને આચરણમાં મૂકતા જાઓ તેમ તેમ તમને મહદ સંતોષ મળી રહેવાનો. કોઈ પણ કાર્યને જીવ પરોવીને કરવાની ટેવ તમારી શક્તિઓમાં અનેક રીતે વૃદ્ધિ કરે છે. એનાથી ધીમે ધીમે તમારી માનસિક ક્ષમતામાં પણ વૃદ્ધિ થવાની.

દસ પુસ્તકોના ઉપરછલ્લા વાચન કરતાં એક ગ્રંથનું સાંગોપાંગ અધ્યયન અને પાકી સમજણ એ વધુ લાભદાયક છે. અધ્યયન દરમિયાન કોઈ પણ નાનામાં નાની વસ્તુ ન સમજાય ત્યારે એને પૂરેપૂરી ગ્રહણ કરવા માટે તમારું મન એમાં જ લગાડી દો. ઉપરછલ્લી સમજણથી છલકાઈ ન જવું. તલસ્પર્શી અધ્યયન-વાચનની ટેવ પાડો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી કહે છે તેમ ‘પલ્લવગ્રાહી પાંડિત્ય નહિ, પણ તલસ્પર્શી અધ્યયનવાળું પાંડિત્ય.’ આવું કરવામાં શરૂઆતમાં તમારી પ્રગતિ કદાચ તમને ધીમી પણ લાગે, પરંતુ ધીમી લાગતી આ પ્રગતિથી પૂરેપૂરા ઊંડાણવાળી અધ્યયનની ટેવ તમને ફાયદાકારક નીવડવાની.

મક્કમ મને મંડ્યા રહેવાની ટેવ કેળવો

તમે એકવાર નક્કી કરેલ અભ્યાસ-આયોજનને ચુસ્તપણે વળગી રહો. આ માત્ર એકાદ-બે દિવસ કે એકાદ-બે અઠવાડિયા પૂરતું નહિ પણ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે એમાં મંડ્યા રહેવાનું છે. વચ્ચે વચ્ચે તમે એક યોજનામાંથી બીજી યોજનામાં ઠેકડો મારવાની ટેવ ન પાડો. તમારા માટે આ ઘણું નુકશાનકારક બની જશે. સાથે ને સાથે તમારા વાચન કે અભ્યાસનું સંતોષપ્રદ પરિણામ પણ તમને મળશે નહિ. જેમ જેમ તમે તમારા ફુરસદના સમયમાં વાચનની પાછળ મંડ્યા રહેવાની ટેવથી તમારા જીવનમાં તમે વધુ ઝડપી અને ચોક્કસ પ્રગતિ સાધી શકશો.

વહેલા ઊઠવાની ટેવ

એક કહેવત છે : ‘રાત્રે વહેલા જે સૂવે ને વહેલા ઊઠે વીર; બલ, બુદ્ધિ, વિદ્યા વધે અને સુખી રહે શરીર.’ સામાન્ય રીતે રાતના ૧૦ વાગ્યે સૂઈ જવું અને ૫ વાગે ઊઠી જવું એ આપણા માટે અનેક રીતે મંગળદાયી છે. વહેલા ઊઠવાની ટેવથી દિવસની સારી શરૂઆત તો થાય જ. લાંબે ગાળે તમને જીવનમાં વાચન, મનન, અધ્યયન માટે દરરોજના એક કલાકની ગણતરીએ આખા વર્ષમાં ૩૬૫ કલાકનો વધારો થાય. આપણા સમગ્ર જીવનકાળની ગણતરી કરીએ તો કેટલાં વર્ષોનો ઉમેરો તમે કરી શકો, એની કલ્પના કરી લો! અને આ સમયને તમે નિરર્થક વેડફી નાખવાને બદલે સમયને સોનાની જેમ વાપરો તો તમારા જીવનમાં કેટલું જબ્બર પરિવર્તન આવી શકે એની પણ કલ્પના કરી લો.

સાવધાનીપૂર્વકની વિચારવિમર્શની ટેવ

કોઈ પણ કાર્ય કે અભ્યાસ ટેવ માટે વિશુદ્ધતા કે ક્ષતિરહિતતાને ભોગે ત્વરિતતા ન ચાલે. તમારો હેતુ ‘કેટલી ઝડપથી’ ન હોવો જોઈએ; પણ ‘કેટલું વધારે સારું કર્યું’ એ હોવો જોઈએ. એમ કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરવા જેવું હોય તે ઉત્તમ રીતે જ કરવું, નહિ તો ન કરવું, એ વધારે સારું.

ચોક્કસ નિર્ધારિત સમયમાં કોઈ પણ કાર્ય કરવાની અને એને સારી રીતે પૂર્ણ કરવાની ટેવ પાડો. આવી ટેવથી વારંવાર કાર્ય કરશો એટલે ધીમે ધીમે આ ટેવ વધુ સારી રીતે કેળવી શકાશે. એક વખત આ ટેવ તમારા જીવનમાં બરાબર બેસી જાય તો તમને એક કાર્યનિષ્ઠ વિદ્યાર્થી કે કાર્યકર બનાવી શકશે. સાવધાનીપૂર્વકની આવી વિચારવિમર્શની ક્ષમતાથી કોઈ પણ કઠિન લાગતા વિષય પર તમે પૂરતું ધ્યાન આપી શકો, એનું ચિંતન-મનન કરી શકો, એના ભાવ પ્રતિભાવ આપી શકો છો. અલબત્ત, આવી પ્રક્રિયામાં થોડું ધીમાપણું આવશે; પણ સાથે ને સાથે સાવધાની પણ આવશે, જે તે વિષયનો સુયોગ્ય અભ્યાસ કરવા માટે આવશ્યક સંસાધનો પણ મળી રહેશે.

સઘન અભ્યાસની ટેવ

તમારી સામે જે વિષય કે ગ્રંથ છે એને પૂરેપૂરા ધ્યાનથી વાંચવો જોઈએ. આ કાર્ય માટે તમે તમારા મનને વિષયની નજીક જેટલું વાળી શકો તેટલું વધારે સારું. એકાદ-બે કલાક સુધી સતત અને સખત વાચન કરો એ વધારે સારું છે. એટલું યાદ રાખવાની જરૂર છે કે એકાગ્રતાનો અર્થ કોઈ માનસિક દબાણ કે તણાવ વચ્ચે કાર્ય કરવું કે વાચવું એવો નથી. ખરેખર તો તમારી ક્ષમતાઓને મુક્તપણે એમાં પરોવવી જોઈએ અને એમને સહજ-સરળ અને ખંતપૂર્વક કામે લગાડી દેવી જોઈએ. તમે શા માટે વાચન-અધ્યયન કરો છો એ મૂળ હેતુને ધ્યાનમાં રાખીને તમારી વિચારશક્તિને કેન્દ્રિત કરીને એ વિષયવસ્તુ પર કામે લગાડી દો.

વાચન અભ્યાસનાં અવલોકન અને સમીક્ષાની ટેવ

 તમે જે કંઈ વાંચો છો, એ વાંચી લીધા પછી કે જરૂર જણાય તો વચ્ચે વચ્ચે પણ એના વિષય વિશે અવલોકન કરવું કે એની સમીક્ષા કરી લેવી વધારે આવશ્યક ગણાય. દિવસમાં આવા અવલોકનકાર્ય માટે ઓછામાં ઓછી ૧૦ થી ૧૫ મિનિટ ફાળવો. એનાથી તમારું નવું મેળવેલું જ્ઞાન તરોતાજા રહેશે અને તે તમારા મનમાં કાયમને માટે જડાઈ જવાનું.

સ્મૃતિ માટે અવલોકન અને પુનરાવર્તન અગત્યનાં પાસાં છે. સ્મૃતિમાં કાયમને માટે સંઘરી રાખવા માટે કોઈ એક વિષય પર સુદીર્ઘકાળનું વાચન બહુ ઉપયોગી નહિ થાય. પણ એના કરતાં વારંવાર અવલોકન અને પુનરાવર્તન કરવાથી તમારી સ્મૃતિમાં એ કાયમને માટે અંકિત થઈ જવાનું. વારંવારના પુનરાવર્તનથી ભાર વિના તમારી સ્મૃતિશક્તિ કેળવાય છે અને એ વધુ સ્વયંભૂ રીતે અને સર્વશ્રેષ્ઠ પરિણામ સાથે કાર્ય કરે છે.

દિવસ ભરના વાચનના અંતે એક અવલોકન કરી લેવું; સપ્તાહના અંતે સપ્તાહના વાચન પર ડોકિયું કરી લેવું; અને મહિનાના વાચન પછી મહિના વાચન પર વિહંગાવલોકન કરી લેવું આવશ્યક છે. આ અવલોકન વાસ્તવિક અને સાંગોપાંગ હોવું જોઈએ.

આપણે અત્યાર સુધી કેવી રીતે રીતે વાંચવું એની વિગતે વાત કરી ગયા. હવે સૌ કોઈના મનમાં ‘આપણે શું વાંચવું જોઈએ?’ એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય.

સૌ પ્રથમ તો આપણે પસંદગીના વિષયોનું નિયમિત વાચન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણા નિર્ધારિત અભ્યાસક્રમ કે ક્ષેત્રવિશેષના વાચન સિવાય પણ પસંદગીનાં પુસ્તકોનું વાચન કરવું જોઈએ. એનાથી આપણો સ્વવિકાસ પણ થશે અને માનસિક તણાવમાંથી મુક્તિ પણ મળશે. આપણો ઐતિહાસિક દૃષ્ટિકોણ પણ વધારે વિકસિત બને, જીવનમાં જ્ઞાન-અનુભવ મેળવવામાં પણ તે સહાયરૂપ બની શકે છે. સામાન્ય રીતે તમે સદ્‌વાચનની ટેવ પાડો. નબળાં પુસ્તકોના વાચનથી તમારાં મન વિચાર બગાડશે અને તમારા મનને વિચારોની કચરાટોપલી બનાવી દેશો. સાથે ને સાથે સદ્‌વાચનથી મળતા સારા વિચારોથી તમે દૂર રહેશો અને એના દ્વારા તમને જીવનમાં મળતી પુષ્ટિ અને સંતુષ્ટિથી પણ વંચિત રહેશો, એટલે ‘તમે ખરેખર જમવાનું શરૂ કરો એ પહેલાં તમારી ભોજનસામગ્રીને ચાખી લો, પરખી લો.’ એવી જ રીતે તમારા જીવનને ઘડનાર ગ્રંથોની રસસામગ્રીનો પહેલાં એક ચસકો તો લઈ જુઓ.

તમારી નજર સમક્ષ હંમેશાં જીવનના ઉચ્ચ આદર્શો જ રાખો. આ આદર્શને પરિપૂર્ણ કરવામાં સહાયતાનો હાથ લંબાવી શકે એવા વિવિધ વિષયોના સદ્‌વાચનની ટેવ પાડો. જેમ જેમ તમે તમારી ભીતર રહેલી ક્ષમતાઓને ઓળખતા જશો તેમ તેમ તમારી સમક્ષ વધુ ને વધુ ઉચ્ચતર આદર્શો આવતા જવાના. આવા ઉચ્ચકક્ષાના વાચનથી તમારા જીવનની વિસ્તૃતિ વધશે, તમને આદર્શોની નિકટ લાવી શકશે અને વધુ ઉચ્ચતર અને ઉપયોગી કાર્ય માટે તમને વધુ સક્ષમ બનાવશે.

વાચનની ઉત્કૃષ્ટ સામગ્રીમાંથી વધુ પ્રેરણાદાયી સામગ્રી આપણને સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી સાંપડશે, એ વાત નિર્વિવાદ છે. આ ગ્રંથમાળાની વિશેષતા એ છે કે સ્વામીજી તમને ‘આ’માં કે ‘તે’માં  શ્રદ્ધા-વિશ્વાસ રાખવાનું કહેતા નથી; કોઈ વાત કે વચનને એમ ને એમ માની લેવાનું પણ કહેતા નથી. એ તો તમને તમારી બુદ્ધિ શક્તિને ઉપયોગમાં લાવવાનું કહે છે. એ તમારી ભીતરની શક્તિ કે પુરુષાર્થને પ્રમાણવાનું, તમારી ભીતરની સ્વતંત્રતાને અનુભવવાનું, અને એવી જ અનુભૂતિ બીજા બધા સાથે કરવાનું કહે છે. જગતના બાહ્ય પરિબળો પર ઓછામાં ઓછો આધાર રાખીને તમારી ભીતર રહેલી દિવ્યતાની અનંત શક્તિના ભંડારનો આશરો લેવાની વાત કરે છે.

સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના દસ ભાગમાં સંગૃહિત થયેલી અમૂલ્ય વાણીમાં તમે શ્રદ્ધા રાખો કે નહિ, તમે એને ગંભીરતાથી લો કે ન લો, તમે એનો તલસ્પર્શી અભ્યાસ કરો કે ન કરો – પરંતુ આ ગ્રંથમાળાના મહાસાગરમાં લગાડેલી એક ડૂબકી પણ તમને અદ્‌ભુત તાકાત, હિંમત આપશે અને જીવનમાં આવતા અનેકવિધ પડકારોનો સામનો કરનાર વીરનાયક બનાવશે. એનાથી તમારી નામર્દાઈ અને દંભવૃત્તિને સદાને માટે ખંખેરી નાખવા સક્ષમ બની શકશો. આ જગતમાં તમારા જીવનનાં વિવિધ સમસ્યાઓ, મુશ્કેલીઓ, દુ:ખકષ્ટો અને ભયભર્યાં અનુભવોની વચ્ચે એક સહજ-સરળ બાળકની જેમ તમને રમતા બનાવી દેશે.

રામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યની અમર અને પ્રેરણાદાયી વાણીને ધ્યાનમાં રાખીને આપણે શું વાંચવું, શા માટે વાંચવું અને કેવી રીતે વાંચવું એની વિગતે વાત હવે પછીના સંપાદકીયમાં કરીશું.

(અમારાં પ્રકાશનોમાંથી પ્રેરણાદાયી વાચન સામગ્રીની યાદી મુખપૃષ્ઠના અંદરના પાના ૨ અને ૩ પણ આપી છે.)

Total Views: 29

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.