સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ

સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી બન્યા હતા છતાં પણ એમનાં માતાએ સામનો કરેલ ભયંકર ગરીબીને તેઓ કદી ભૂલ્યા ન હતા. સ્વામીજીનાં માતાને ૨૦ રૂપિયા મોકલનાર પ્રમદાદાસ મિત્ર સમક્ષ એમણે પોતાનો બધો બળાપો કાઢ્યો. સિમલા, કોલકાતાથી ૧૪ જુલાઈ, ૧૮૮૯ના રોજ સ્વામીજીએ લખેલા એક પત્રમાં એમનાં માતુશ્રીએ કુટુંબ ગૌરવને ધ્યાનમાં રાખીને એ પૈસા ન સ્વીકાર્યા એવી વાત છે.૪૩ સ્વામીજીના ‘અથડામણ-મથામણવાળી’ જિંદગીમાં તેઓ પોતાનાં માતાને તેમજ બે નાના ભાઈ મહેન્દ્રનાથ અને ભુપેન્દ્રનાથને ક્યારેય ભૂલ્યા ન હતા.

જ્યારે સ્વામીજી પશ્ચિમની પ્રથમ મુલાકાતે જવાના હતા ત્યારે જ એમની માતા વિશેના એક સ્વપ્નથી તેમનું મન સંપૂર્ણપણે બેચેન બની ગયું. પછીથી એમણે આ પ્રસંગને આ શબ્દોમાં વર્ણવ્યો છે :

‘એક વખત જ્યારે હું મન્મથનાથના ઘરે ઊતર્યો હતો ત્યારે એક રાત્રે મને સ્વપ્ન આવ્યું કે મારાં માતા મૃત્યુ પામ્યાં છે. મારું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ન હતો. સાથે ને સાથે આ સમય દરમિયાન હું અમારા મઠમાં પણ એકેય પત્ર ન લખતો. આ સ્વપ્નની વાત મેં મન્મથનાથને કરી. તેમણે આ વાતની હકીકતની ખાતરી કરવા કોલકાતા એક તાર કર્યો. એક બાજુએ સ્વપ્નને કારણે મારું મન બેચેન બન્યું હતું, તો બીજી બાજુએ મદ્રાસના મારા મિત્રોએ બધી પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી અને તેઓ મારી તરત જ અમેરિકા ઉપડવાની બાબતમાં ભારપૂર્વક આગ્રહ કરી રહ્યા હતા. પણ મારી માતાના કોઈ સમાચાર મળે એ પહેલાં હું જવા રાજી ન હતો. મન્મથનાથે મારા મનની પરિસ્થિતિને બરાબર પારખી લીધી હતી. શહેરથી થોડે દૂર રહેતા એક માણસ (ગોવિંદ શેટ્ટી)ને આનું સમાધાન કરવા મળવા કહ્યું. એમની પાસે પ્રેતાત્માઓ વિશેની રહસ્યમય શક્તિઓ હતી. તે ભવિષ્ય કહી શકતા. ભૂતકાળને પણ જાણી શકતા અને માણસના જીવનનું ભાવિ પણ ભાખી શકતા. મન્મથનાથની વિનંતીથી મારા મનના સંશયને દૂર કરવા એ માણસ પાસે જવા હું તૈયાર થયો. થોડું રેલગાડીમાં અને થોડું પગે ચાલીને અંતર કાપીને અમે ચાર જણા મન્મથનાથ, આલાસિંગા, હું અને એક બીજા – એ જગ્યાએ પહોંચ્યા. સ્મશાનની બાજુમાં બિહામણા રૂપવાળો, સૂકલકડી અને કાળોમેશ એક માણસ બેઠેલો છે. ત્યાં બેઠેલા માણસને મળ્યા. એના સેવકોએ સ્થાનિક ભાષામાં પિશાચસિદ્ધનો પરિચય કરાવ્યો અને કહ્યું કે આ માણસ પ્રેતાત્માની બધી શક્તિ ધરાવે છે. સૌ પહેલાં તો એ માણસે અમારા તરફ જરાય ધ્યાન ન દીધું અને અમે જ્યારે એ જગ્યાએથી નીકળવાની તૈયારીમાં હતા ત્યારે તેણે અમને રાહ જોવા વિનંતી કરી. અમારા મિત્ર આલાસિંગાએ દુભાષિયા તરીકેનું કામ કર્યું અને તેમણે એ ભાઈએ કરેલી વિનંતીની વાત સમજાવી. ત્યારબાદ એક પેન્સિલ લઈને એણે આડાઅવળા લીટા દોર્યા અને મનને એકાગ્ર કરીને સાવ સ્થિર થઈને બેઠો રહ્યો. પછી સૌથી પહેલાં એણે મારું નામ, ગોત્ર અને ‘ચૌદ પેઢીના સમાચાર’ આપીને કહ્યું કે ઠાકુર શ્રીરામકૃષ્ણ હરઘડી એમની જોડે જોડે ફરે છે. પછી એણે મારાં માતાના મંગલ સમાચાર પણ આપ્યા અને એમ પણ કહ્યું કે મારે ધર્મ પ્રચાર કરવા માટે ટૂંક સમયમાં બહુ દૂર જવું પડશે. મદ્રાસ પાછા ફરીને કોલકાતાના તારથી પણ મારી માતાના સારા સમાચાર મળ્યા.’ ૪૪

સ્વામીજીની પોતાનાં માતા પ્રત્યેની લાગણીની આવી કેટલીક ઝલકો આપણે જોઈ છે. ભુવનેશ્વરી દેવી માટે સ્વામીજી ‘પોતાની આંખના રતન’ જેવા હતા. સ્વામીજીને મન આ દુનિયામાં જેમને માટે ચાહના હતી એવાં એક હતાં એમનાં માતા. ૧૯ જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ પોતાના મિત્ર જૂનાગઢ રાજ્યના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને લખેલા એક પત્રમાં તેઓ જણાવે છે :

‘આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે જાણીને મને ઘણો જ આનંદ થયો છે. પરંતુ આપે મારા હૃદયના એકમાત્ર મર્મસ્થાનને હાથ લગાડ્યો છે. દીવાન સાહેબ, આપે જાણવું જોઈએ, કે હું કાંઈ કઠિન હૃદયનો પશુ નથી. દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ કર્યા સિવાય, મારા ગુરુ શ્રીરામકૃષ્ણ જે મહાન જીવનધર્મનો ઉપદેશ કરવા આવ્યા તે પ્રકાશમાં આવત નહીં; અને જે યુવકો આજના જડવાદ અને ભોગવિલાસનાં ધસમસતાં મોજાંઓ સાથે અડગ ખડક જેવા ઊભા રહ્યા છે તેમનું શું થાત? તેમણે ભારતનું અને ખાસ કરીને બંગાળનું ઘણું ભલું કર્યું છે; અને આ તો હજુ શરૂઆત છે. પ્રભુની દયાથી તેઓ એવું કાર્ય કરી બતાવશે કે આખું જગત તેમને યુગો સુધી આશીર્વાદ આપતું રહેશે. આમ એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે, યુગોથી નીચે ને નીચે અધ:પતન પામ્યે જતાં, જેમને કોઈ મદદ કરનાર – અરે, જેમને વિશે કોઈ વિચાર કરનાર પણ નથી, તેવાં લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે; અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીકનાં છે તેમને દુ:ખી અને અસહાય બનાવવાનું છે. આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે. ‘બાકીનું પ્રભુ સંભાળશે.’૪૫

એ નોંધવું રસપ્રદ બની રહેશે કે સ્વામીજીએ ૭૭૫થી વધુ પત્રો લખ્યા અને આજ સુધી પ્રકાશિત થયા છે. પણ એમાંથી એમણે પોતાનાં માતાને લખ્યો હોય કે એમનાં માતાએ એમને લખ્યો હોય એવો એકેય પત્ર મળતો નથી. આમ છતાં પણ જેઓ સ્વામીજીના જીવનનો અભ્યાસ કરે છે તેમને મા (ભુવનેશ્વરીદેવી) પ્રત્યેની તેમની કુણી લાગણીનો ખ્યાલ આવી જાય છે. એ વખતે તેઓ મહાન નૈતિક તાકાત અને અદ્‌ભુત સહિષ્ણુતા સાથે પોતાની મુશ્કેલીઓનો સામનો કરતા હતા; તેમજ પોતાનાં માની આર્થિક સ્થિતિને સ્વાવલંબી બનાવવા માટે સતત ચિંતા સેવતા હતા. સાથે ને સાથે તેમના મહાન ચારિત્ર્ય પ્રત્યે સ્વામીજી ઘણો આદરભાવ પણ ધરાવતા હતા.

૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીને મળેલી અસાધારણ સફળતાની ઈર્ષ્યા કરનારા બ્રાહ્મોસમાજી નેતા પ્રતાપચંદ્ર મઝુમદારે સ્વામીજીના ચારિત્ર્યની વિરુદ્ધ લાંબા સમય સુધી ભાંડણ લીલા ચાલુ રાખી અને કેટલાય બંગાળીઓને સ્વામીજીને અપયશભાગી બનાવવાના કાર્ય માટે ઉકેશ્કેર્યા પણ ખરા. ભારત અને અમેરિકામાં ફેલાવાતાં આવાં જૂઠાણાઓને, અમેરિકાના સભ્ય સજ્જન લોકો કે જે એમનો જાહેરમાં અપપ્રચારને અવગણીને સ્વામીજીએ ઈશાબેલ મેક્‌કિન્ડલીને ન્યૂયોર્કથી ૨૬ એપ્રિલ, ૧૮૯૪ના રોજ આમ લખ્યું હતું:

‘એક અપવાદ સિવાય, મારા દેશના લોકો સુદ્ધાં મારે માટે શું કહે છે તેની હવે હું પરવા કરતો નથી. એ અપવાદ છે મારી વૃદ્ધ માતાનો. તેને આખી જિંદગીમાં ઘણું દુ:ખ પડ્યું છે; અને તે બધું છતાં, ઈશ્વર અને માનવીની સેવા કરવા મને સોંપી દીધાનું સહી શકી, એ ઓછું નથી. પણ જેમ મઝુમદાર કોલકાતામાં ફેલાવે છે તેમ, પોતાનાં સંતાનોમાં સહુથી વહાલા સંતાનને- તેની આશાને – દૂર દૂરના દેશમાં પશુ જેવું અને ચારિત્ર્યહીન જીવન જીવવા માટે અર્પણ કર્યો હોય, તો એવી અફવા તો તેનું મોત લાવે. પણ ઈશ્વર મહાન છે; ‘તેનાં’ સંતાનોને કોઈ ઈજા પહોંચાડી નહીં શકે.૪૬

Ref:

  ૪૩. Swami Vivekanander Vani O Rachana, 6.228
  ૪૪.  Life of SV by Disciples, Vol. I, p.380-1
  ૪૫.  C. W. VIII : 297-8.
  ૪૬.  C. W. VIII : 462

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.