સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ આપ્યું હતું. સ્ત્રીઓ પર આનો વિશેષ કરીને ઘણો ગહન પ્રભાવ પડ્યો અને એમના વાર્તાલાપથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં હતાં. સ્વામીજીની જાણબહાર કેટલીક અમેરિકન સન્નારીઓએ કુમારી મેરીના ખોળામાં રહેલા બાળ ઈશુના સુંદર ચિત્ર સાથે માતા ભુવનેશ્વરીને એક પત્ર લખ્યો. આ વક્તવ્યનો ઉલ્લેખ કરીને શ્રીમતી બુલ લખે છે :

‘વેદો, સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃત નાટકોમાંથી આ આદર્શો આપીને અને ભારતની નારીઓ માટે આજે સૌથી વધારે ઉપયોગી લાભદાયી નિયમો ટાંકીને એમણે એક પુત્રરૂપે પોતાની માતાને ભવ્ય અંજલિ આપી. પોતાનાં નિ:સ્વાર્થ પ્રેમ અને પવિત્રતાભર્યા જીવન દ્વારા એમણે જ એમને સર્વોત્કૃષ્ટ કાર્ય કરવા પ્રબળ બનાવ્યાં હતાં. એને જ લીધે એક સંન્યાસીના જીવન જીવવાની પસંદગી વારસામાં મળી હતી.’૪૭

સ્વામીજીની જીવનકથામાં આપણને એમનાં માતા વિશે આવું વાંચવા મળે છે :

‘સ્વામીજીના જીવનમાં આ વાત ઊડીને આંખે વળગે એવી છે કે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો અને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં એમણે પોતાનાં માતાને શ્રેષ્ઠ શબ્દાંજલિ અર્પણ કરી છે. પોતાના એક સહમિત્રના ઘરમાં સહ-અતિથિ રૂપે જે થોડાં સુખદ સપ્તાહ ગાળ્યાં હતાં એને યાદ કરીને તે મિત્ર આમ લખે છે : ‘તેઓ અવારનવાર એમનાં માતા વિશે બોલ્યા. એમના કહેવાનો ભાવાર્થ આજે પણ મને યાદ છે કે તેમનાં માતા અદ્‌ભુત આત્મસંયમવાળાં હતાં. એમણે એવી કોઈ નારી નથી જોઈ કે જેણે એમના જેટલા સુદીર્ઘકાળના ઉપવાસ કર્યા હોય! એક વખત તો એમણે નિરાહાર રહીને ૧૪-૧૪ દિવસના અપવાસવ્રત કર્યાં હતાં.’ અહીં આપેલા, એમના હોઠેથી સરેલા ઉદ્‌ગારો એમના અનુયાયીઓ માટે સાંભળવા એ સામાન્ય વાત હતી : ‘મારી માતાએ જ મને આ પથે ચાલવાની પ્રેરણા આપી હતી. મારા જીવન અને મારા કાર્યમાં એમનું પ્રબળ ચારિત્ર્ય મારા માટે સતત પ્રેરણાનું સ્રોત હતું.’૪૮

૧૮૯૭માં પશ્ચિમના પ્રથમ પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ સ્વામીજીએ સૌ પ્રથમ તો પોતાનાં માતાને મળવા ગયા. જો કે આ સમયે એમને પ્રવૃત્તિઓ અને કાર્યોનું ઘણું મોટું ભારણ હતું; છતાં પણ તેઓ એમની અવાર-નવાર મુલાકાત લેવા જતા. એમની પ્રથમ મુલાકાતનું આ શબ્દચિત્ર છે : ‘પોતાના પશ્ચિમના યશોજ્વલ કાર્ય અને ત્રણેય ખંડમાં એમને મળેલ પ્રેમભાવ પછી તેઓ પોતાનાં માતાને મળ્યા. એમના ખોળામાં પોતાનું માથું નાખીને બાળકના જેવી અસહાયતા અને ટીખળીપણા સાથે તેઓ બોલી ઊઠ્યા: ‘મા, તું મને તારા હાથે કોળિયો ખવરાવ અને મને મોટો કર.’૪૯ બીજા એક દિવસે જ્યારે સ્વામીજીને પોતાનાં માતાને મળવાનું થયું ત્યારે ભુવનેશ્વરીદેવીએ હજુ પોતાનું બપોરનું ભોજન પતાવ્યું હતું. સ્વામીજી એ જોઈને નિરાશ થયા કે એમને પ્રસાદ લેવા જેવું કંઈ બાકી રહ્યું ન હતું. માતાની થાળીમાં માત્ર વાંસની એક ચમચી જ પડી હતી. સ્વામીજી એ તરત જ લઈ લીધી અને પોતાના મોમાં મૂકી.’૫૦

પોતાનાં માતા માટેની ચિંતા અને એમને જીવનમાં થોડોઘણો સુખાનંદ આપવા માટેની એમની આતુરતાની એક બીજી ઝાંખી પણ આપણને જોવા મળે છે. એક વખત સ્વામીજી અને સ્વામી બ્રહ્માનંદ બલરામ બોઝના ઘરે રહેતા હતા. સ્વામીજીને ડાયાબીટીઝ હતું, એટલે તેઓ રાત્રે માંડ માંડ સૂઈ શકતા. પરિણામે દિવસે ઝોલાં ખાવા પડતાં. એક દિવસે એમનાં માતાની નોકરાણી બાબુરામના ઘર પાસેથી પસાર થઈ રહી હતી અને એણે સામાન્ય ભાવે બલરામ મંદિરમાં જઈ ‘નરેન’ વિશે પૂછ્યું. સ્વામી બ્રહ્માનંદે સ્વામીજીના ઓરડામાં ડોકિયું કર્યું અને એમને સૂતેલા જોઈને, તેઓ સૂતા છે એમ કહ્યું. પછી તો એ નોકરાણી ચાલી ગઈ. જ્યારે સ્વામીજી પોતાની આ ટૂંક નિદ્રામાંથી જાગ્યા ત્યારે સ્વામી બ્રહ્માનંદે એમને નોકરાણીના આવવાની વાત કહી. એમને આ વાત તરત ન કહેવા માટે સ્વામીજીએ ઘણો ઠપકો આપ્યો. એમની ધારણા એવી હતી કે એ નોકરાણી પોતાનાં માતા વિશેની કોઈ અગત્યની બાબત માટે આવી હશે. એમણે તરત જ ઘોડાગાડી કરી અને માતાના ઘરે ગયા. ત્યાં જઈને એને ખ્યાલ આવ્યો કે એમણે એને ત્યાં મોકલી ન હતી, એ તો ત્યાંથી પસાર થતાં આવી હતી. સ્વામી બ્રહ્માનંદ તરફનું પોતાના થોડા નિર્દય વર્તનનો પસ્તાવો સ્વામીજીને થયો. એટલે એમણે પોતાનાં માતાના ઘરે એમને લાવવા ઘોડાગાડી મોકલી. જેવા સ્વામી બ્રહ્માનંદ આવ્યા કે તરત જ પોતાની ટેવ પ્રમાણે એમની ક્ષમાયાચના માગી.૫૧

સ્વામીજીએ પોતાનાં માતા પ્રત્યેના પ્રેમભાવને પરિપૂર્ણ કરવા કાર્ય દ્વારા બધું કર્યું. સાથે ને સાથે પોતાનાં માતાના આધ્યાત્મિક હૃદયને માટે અત્યંત મહત્ત્વનું એમને આનંદમાં રાખવાનો ઘણી રીતે પ્રયાસ કર્યો હતો. ૧૯૦૧ની ઓક્ટોબરના રોજ સ્વામીજીએ શ્રીમા સારદાદેવીના નામે બેલૂર મઠમાં પ્રથમ દુર્ગાપૂજા કરી. આ દુર્ગાપૂજા વખતે શ્રીમા સારદાદેવી ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વામીજીના આમંત્રણથી તેમનાં માતા પણ આવ્યાં હતાં.

સ્વામીજી પોતે વ્યક્તિગત રીતે જગદ્ધાત્રી પૂજા વખતે પોતાનાં માતાના ઘરે બધી વ્યવસ્થા સંભાળતા. એ વખતે સંન્યાસીઓને પણ પૂજામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.૫૨

સ્વામીજીની તત્કાલ નબળી તંદુરસ્તી જોઈને ભુવનેશ્વરીદેવીને પોતાના મનમાં નક્કી કરેલી માનતા પરિપૂર્ણ ન થયાનું દુ:ખ થયું. ઘણાં વર્ષો પહેલાં જ્યારે સ્વામીજી બાળપણની ગંભીર બીમારીમાં સપડાયા હતા ત્યારે એમણે શ્રીમા કાલીને એમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી હતી. જ્યારે તેઓ સાજા થયા ત્યારે મા કાલીના કાલીઘાટના મંદિરમાં વિશેષ પૂજા કરવાની દૃઢ માનતા પોતાના બાળકને સાજો કરવા માટે માની હતી. નાનપણમાં તો એ માનતા પૂર્ણ થઈ નહીં. આજ્ઞાંકિત પુત્રની ભાવના સાથે માતાની માનતા પૂર્ણ કરવા થોડાં દિવસો પછી ૧૯૦૧માં સ્વામીજીએ બધાં વિધિવિધાનો સાથેે કાલીઘાટના કાલીમંદિરમાં પૂજા કરી. એ માટેનાં બધાં વિધિવિધાન પણ એમણે કર્યાં હતાં. આદિ ગંગામાં સ્નાન કરીને ભીને કપડે તેઓ મંદિરમાં પ્રવેશ્યા. મા કાલીની મૂર્તિ સામે તેઓ ત્રણ વખત આળોટ્યા. પછી સાત વખત શ્રીમંદિરની પ્રદક્ષિણા કરી. નટમંદિરની પશ્ચિમે આવેલા સંકુલમાં એમણે એકલાએ જ હોમ-આહૂતિની વિધિ પૂર્ણ કરી. મઠમાં પાછા ફર્યા પછી આ વખતે પોતાનાં માતાની માનતાને પૂર્ણ કરવા મંદિરના પુજારીઓએ એમને પરવાનગી આપી એ માટે એમની પ્રશંસા પણ કરી. આ પહેલાં ૧૮૯૯ના મેમાં કાલીઘાટમાં શ્રીમા કાલીની પૂજા કરવા માટે પુજારીઓએ એ વખતે બતાવેલી સમભાવ અને પ્રેમની લાગણીને પણ આ વખતે યાદ કરી હતી.૫૩

સ્વામીજી સાથે લાંબી યાત્રાએ જવાની ભુવનેશ્વરી દેવીની હૃદયની પ્રબળ ઇચ્છા હતી. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમની આ ઇચ્છાને પરિપૂર્ણ કરવા અને છેલ્લા દિવસોમાં તેઓ (માતા અને પુત્ર) એક સાથે રહે એવી ઇચ્છા લાંબા સમયથી સેવી હતી. અંતે પોતાનાં માતા અને બીજા સગાસંબંધીઓ પૂર્વ બંગાળના ઢાંકા અને ચંદ્રનાથ તેમજ આસામના કામાખ્યા માતાની યાત્રાએ ગયાં. દરેક સ્થળે તેઓ એમની સાથે જ રહ્યા. ભુવનેશ્વરીદેવીને દક્ષિણના રામેશ્વરની યાત્રાએ લઈ જવાની એમની ઇચ્છા પરિપૂર્ણ ન થઈ. પોતાની બગડતી તબિયતને લીધે એમને આ યાત્રા રદ કરવી પડી.

પોતાના મૃત્યુનો પહેલેથી જ ખ્યાલ આવી જતાં સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને પોતાની ગેરહાજરીમાં એમની સારસંભાળ લેવા અને કાયદાકીય કેસનું સમાધાન કરવા વિનંતી કરી હતી. એમણે સ્વામી બ્રહ્માનંદજીને ઉત્તરના કેટલાંક યાત્રાસ્થળોએ લઈ જવા પણ કહ્યું હતું.  સ્વામીજીની મહાસમાધિ પછી સ્વામી બ્રહ્માનંદજી નિયમિત રીતે સ્વામીજીનાં માતાને મળતા રહેતા અને એમને દિલાસો આપતા તેમજ અનેક રીતે એમને સહાય પણ કરતા. બેલુર મઠના એક સંન્યાસી કે બ્રહ્મચારી સાથે ૧૯૦૦ અને ૧૯૦૩માં ભુવનેશ્વરી દેવી જગન્નાથપુરીની યાત્રાએ ગયાં હતાં. ૧૯૧૧માં સ્વામી બ્રહ્માનંદજી ભુવનેશ્વરીદેવી સાથે પુરી ગયા હતા. પુરીની યાત્રામાંથી પાછા ફર્યા પછી ૨૫ જુલાઈ, ૧૯૧૧ના રોજ ભુવનેશ્વરીદેવીના ‘દુ:ખકષ્ટમય જીવન, કૌટુંબિક ફરજોની વેદી પર થયેલ ત્યાગ અને તપ’નો અંત આવ્યો.૫૪

સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવના સંક્ષિપ્ત સર્વેક્ષણને એમના મધુર સંબંધોની એક વધુ વિગત આપીને આપણે પૂર્ણ કરીએ છીએ :

‘એક દિવસ સવારે સ્વામીજીનાં માતા એમને મળવા આવ્યાં… તેઓ પહેલા માળની ઓસરી સુધી ગયાં અને પછી મોટા અવાજે ‘બિલ્લુ..’ એમ બોલવા લાગ્યા. અને તરત જ એમનો પ્રિય બાળક ઓરડામાંથી બહાર આવ્યો. મહાન વિવેકાનંદ એમની માતાને મન તો હજી નાનો તરુણ જ હતો. તેઓ ભુવનેશ્વરીદેવી સાથે સીડી ઊતર્યા અને પછી બગીચાની પગથિ પર બંને સાથે ચાલ્યાં, તેમજ ધીમે અવાજે વ્યક્તિગત બાબતોની વાતચીતો પણ થઈ.

છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન જ્યારે જ્યારે સ્વામીજી કોલકાતામાં રહેતા ત્યારે તેઓ પોતે જ પોતાનાં માતાને મળવા જતા. જ્યારે બેલુર મઠમાં હોય ત્યારે અવારનવાર કોલકાતામાં એમને મળવા જતા પણ કોઈ સંજોગવશાત્‌ એકાદ-બે અઠવાડિયાં સુધી સ્વામીજી ભુવનેશ્વરી દેવી પાસે જઈ ન શકતા ત્યારે તેઓ પોતે જ સ્વામીજીને મળવા બેલુર મઠમાં આવતાં. સાથે ને સાથે કૌટુંબિક બાબતો વિશે એમનાં સલાહસૂચન પણ માગતાં. ૫૫

માતા વિશે સ્વામીજીના પ્રશંસાના ઉદ્‌ગારો

સ્વામીજીની એક પ્રબળ અને સ્પષ્ટ સંકલ્પના હતી કે કોઈ પણ બાળક પોતાનાં માતપિતાને એમાંય વિશેષ કરીને માતાને માન-આદર આપ્યા વિના સાચી મહત્તા મેળવી ન શકે. ભારતીય સંસ્કૃતિની પ્રણાલીના સાચા અનુયાયી તરીકે સ્વામીજીએ પોતાનાં માતાના મહાન ચારિત્ર્યની ગૌરવગરિમા આ શબ્દોમાં કરી છે:

‘..હંમેશાં સહન કરતાં અને સદૈવ ચાહતાં.. મારાં માતાએ મને આપેલા પ્રેમથી જ હું આજે જે છું તે બન્યો છું. એ માટે હું એમનો અત્યંત ઋણી છું અને હું ક્યારેય એમનું ઋણ ચૂકવી ન શકું…

હું જાણું છું કે મારો જન્મ થયો તે પહેલાંથી મારાં માતા ઉપવાસ કરતાં, પ્રભુને પ્રાર્થતાં અને એવું ઘણું ઘણું કરતાં કે જે હું પાંચ મિનિટ માટે પણ ન કરી શકું. એમણે આવું બધું બબ્બે વર્ષ સુધી ચાલું રાખ્યું. હું દૃઢપણે માનું છું કે જે કંઈ ધર્મસંસ્કૃતિના સંસ્કાર મારી પાસે છે તેને માટે હું તેમનો ઋણી છું. સતત જાગ્રતપણે મારી માતાએ હું જે છું તે બનવા આ વિશ્વમાં મને લાવી મૂક્યો. જે કોઈ પણ સદ્‌ગુણની આંતરિક ભાવના મારામાં છે તે મારી માતાએ મને જાગ્રતપણે આપી છે, જરાય ચૂક્યા વિના.’ ૫૬

માતૃત્વ અને પોતાનાં માતાનાં સદ્‌ગુણોને વર્ણવતાં સ્વામીજી ક્યારેય થાકતા નથી. ૧૮ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયાના પાસાડેનામાં આપેલ ‘ભારતીય નારી’ વિશેના એક વક્તવ્યમાં સ્વામીજીએ કહ્યું હતું:

‘માતૃત્વના આદર્શમાંથી આવે છે જબરદસ્ત જવાબદારી. મૂળ ત્યાં છે. શરૂઆત ત્યાંથી કરો. વારુ, માતાનું આટલું બધું સન્માન જાળવવાની વાત શી? જરૂર એટલા માટે છે કે અમારાં શાસ્ત્રો એમ શીખવે છે કે જન્મ પૂર્વેની અસર બાળકને શુભ કે અશુભ પ્રેરણા આપે છે. ભલે હજારો વિદ્યાલયોમાં ભણી વળો, લાખો પુસ્તકો વાંચી નાખો, લાખો વિશ્વના સર્વ વિદ્વાનોનો સંપર્ક સાધો, પરંતુ જો તમે યોગ્ય સંસ્કારો સહિત જન્મ્યા હો તો આ બધા કરતાં ઉચ્ચ કક્ષા એ છે…

અમારાં શાસ્ત્રો કહે છે : જન્મ પહેલાંના સંસ્કારો પ્રત્યે ધ્યાન આપો. માતા પૂજનીય શા માટે ગણાવી જોઈએ? કારણ કે તેણે પોતાની જાતને પવિત્ર બનાવી છે; પોતાની જાતને વધારેમાં વધારે પવિત્ર બનાવવા સારુ તેણે અનેકવાર ઉગ્ર વ્રતાદિ તપશ્ચર્યાઓ કરી છે…

મારાં માતા અને પિતાએ ઉપવાસવ્રત કર્યાં છે અને વર્ષોનાં વર્ષો સુધી પ્રભુની પ્રાર્થના કરી છે કે જેથી મારો જન્મ થાય. કોઈ પણ બાળક જન્મે તે પહેલાં તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે. મનુસ્મૃતિ નામના ગ્રંથ દ્વારા નિયમો આપનાર મહાન મનુએ સાચા આર્યની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ‘એ જ સાચો આર્ય છે કે જે પ્રાર્થના દ્વારા જન્મે છે.’

તેઓ (ભુવનેશ્વરીદેવી) એક સંત રૂપે મને આ વિશ્વમાં લાવ્યા. તેમણે વર્ષો સુધી પોતાના દેહને શુદ્ધ, પવિત્ર; આહારને પવિત્ર અને નિર્મળ; વસ્ત્રોને પણ શુદ્ધ પવિત્ર રાખ્યાં. સાથે ને સાથે પોતાની કલ્પનાઓને પણ પવિત્ર અને શુદ્ધ રાખી. એનું કારણ એ હતું કે જેથી હું જન્મ લઉં. એમણે (મારા માટે) આટલું બધું તપ કર્યું એ માટે તેઓ પૂજવા યોગ્ય છે.’ ૫૭

એ જ વક્તવ્યમાં એમણે માતા પ્રત્યેના એમણે પહેલાં કરેલ આધ્યાત્મિક સાધનાની પૂજ્યભાવનાને અનુભવી હતી, તેની વાત કરતાં કહ્યું હતું: ‘નાના બાળક અને કિશોર અવસ્થા સુધી પણ દરરોજ અમે વહેલી સવારે નાનો પાણીનો કળશો લઈને માતાની સમક્ષ મૂકતાં માતા એમાં પોતાનાં ચરણ ધોતાં અને અમે એ ચરણામૃત પીતા.’ ૫૮

સ્વામીજી તો ‘સઘન ભારત’ હતા. એમનામાં ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસો પણ જોવા મળે છે અને માનવ માતાના રૂપે એમણે માતૃપૂજા કે વંદનાને પ્રેરી છે. સમગ્ર વિશ્વના સાહિત્યગ્રંથોએ માતૃપ્રેમને સૌથી વધારે પવિત્ર સમર્પણભાવના રૂપે ગૌરવાન્વિત કરી છે. ભારતના માતૃપૂજાના આદર્શમાં આપણે જો કંઈ ઉમેરવા ઇચ્છતા હોઈએ તો એમનાં પોતાનાં માતા પ્રત્યેનાં ભવ્યોદાત્ત પ્રેમભક્તિના આદર્શમાંથી તે ઉમેરણ આપણને મળે છે. જન્મથી જ પ્રજાના આધ્યાત્મિક આદર્શથી અભિસંચિત એવા સ્વામી વિવેકાનંદ તત્ત્વજ્ઞાન અને આદર્શને રજૂ કરે છે અને પોતે પણ એ આદર્શવાદના અનુસરણીય પુરુષ છે. ભુવનેશ્વરીદેવી અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન આત્માઓ એક દિવસમાં જન્મતા નથી. તેઓ તો શાશ્વત હિંદુ સંસ્કૃતિની નિપજ છે. સમગ્ર માનવજાતનાં ક્ષેમકલ્યાણ માટે વ્યવહારુ વેદાંતના જીવંત કથામૃત રૂપે સ્વામીજીએ આપણી સમક્ષ એમનાં માતા પ્રત્યેના ઉદાહરણ રૂપ બને તેવા પોતાના સમૃદ્ધ વારસાને મૂક્યો છે.

Ref :

47.  Life of SV by Disciples, Vol. I, u.516.
48.  Life of SV by Disciples, Vol. I, u.516.
49.  Brahmavadin, 16/7, July, 1911, u.306.
50.  Shankar, Achena Ajana Vivekananda (Kolkata: Sahityam, 2004), u.82.
51.  Swami Prabhananda, Brahmanaanda-Charit, u.279.
52.  Comu. Bio. SV, Part II, u.1391.
53.  SV, Patriot-Prouhet, u.114.
54.  Comu. Bio. SV, Part II, u.1391-92.
55.  Manmatha Nath Ganguly in Reminiscences, u.345.
56.  M.L.Burke, Swami Vivekananda in America : New Discoveries, Prophetic Mission, Vol. II, u.239. of. C.W. IX: 202-3.
57.  C.W., VIII : 60-1.
58.  C.W., VIII : 57.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.