આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ શરીરના ઘસારાનો દર’ તરીકે પરિભાષિત કર્યો. તેમણે માનસિક તણાવને ઉચ્ચ રક્તચાપ, પાચનતંત્રનું કેન્સર વગેરે સર્વસામાન્ય આધુનિક બીમારીઓના મૂળભૂત કારણ તરીકે ઓળખી બતાવ્યો. માનસિક તણાવ સ્વાયત્ત જ્ઞાનતંત્રને નિયંત્રિત કરતા મગજના હાઇપોથેલેમસ નામના એક ભાગને ઉત્તેજિત કરે છે. ત્યારબાદ હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિને કાર્યાન્વિત કરી તેમાંથી ACTH નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ ACTH ગ્રંથિઓને અન્ય હોર્મોન અને એડ્રીનલ જેવા સ્ટીરોઇડના સ્ત્રાવ માટે ઉત્તેજિત કરે છે. તણાવ દરમ્યાન એડ્રીનલ કોર્ટેક્સ કોર્ટિસોલ નામક સ્ટીરોઇડ હોર્મોનનો વિપુલ પ્રમાણમાં સ્ત્રાવ કરે છે. લોહીમાં શર્કરાનું ઊંચું પ્રમાણ, ઉચ્ચ રક્તચાપ તેમજ શરીરમાં અન્ય નોંધપાત્ર ફેરફારો આપણી સહનશક્તિ કરતાં વધુ પ્રમાણમાં તણાવ ઉત્પન્ન કરે છે અને તણાવ બીમારી ઉત્પન્ન કરી આપણા સમગ્ર જીવતંત્રને જોખમમાં મૂકી દે છે. સતત તાણભર્યા જીવનની આ કેટલીક ગંભીર શારીરિક અસરો છે.

The Stress of Life પુસ્તકની પ્રસ્તાવનામાં સેલી લખે છે: આમ છતાં આપણે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી તણાવને નજરઅંદાઝ નથી કરી શકતા, પરંતુ આપણે તેની નુકસાનકારક આડઅસરોને ઓછી કરવા માટે અસરકારક રીતે વર્તવાનું શીખી શકીએ.. એવી ઘણી સામાન્ય બીમારીઓ છે કે જે જંતુઓ, વિષ કે અન્ય બહારની વસ્તુઓથી થવા કરતાં તણાવ પ્રત્યેની આપણી ગ્રહણશીલ પ્રતિક્રિયાને કારણે થતી હોય છે. આ દૃષ્ટિએ માનસિક નબળાઈ અને ભાવનાત્મક અશાંતિ, લોહીનું ઉચ્ચ દબાણ, હૃદય અને રક્તવાહિનીઓને લગતી તકલીફો અને મૂત્રપિંડને અસર કરતી સમસ્યાઓ જેવી બીમારીઓ ખરી રીતે તણાવની ગ્રહણશીલતાને કારણે થતી હોય છે…. સેલી સમાપનમાં કહે છે કે તણાવ નોંધપાત્ર રીતે મન અને શરીર સાથે સંકળાયેલ છે અને આપણા જીવનમાં તેનું લાંબા સમય સુધી માનસિક દૃષ્ટિએ મહત્ત્વ હોય છે. તે સૂચન કરે છે, હંમેશાં ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે લડત કરો, પરંતુ ક્યારેય તેમાં આવતા અવરોધોને નિરર્થક ન ગણો. આપણે બધા જાણીએ છીએ કે ભય કયારેક શારીરિક દર્દના રૂપમાં છુપાયેલો હોય છે. સામાન્ય શરદીથી લઈને પક્ષાઘાત જેવી અસર કરતી સંધિવા જેવી બીમારીઓ લગભગ ઊંડે ઘર કરી ગયેલા ભય અને અપરાધભાવને કારણે ઉદ્ભવતી હોય છે. પ્રતિષ્ઠા પરના જખમ કરતાં શરીર પરના જખમની ઓછી ચિંતા થાય છે. યુંગનો એવો દાવો છે કે ૩૫ વર્ષથી ઉપરના એવા તેના હજારો દર્દીઓ ‘પોતાની સમસ્યાના અંતિમ ઉપાય તરીકે ધાર્મિક દૃષ્ટિકોણનો આશ્રય લેતા.’ જેને યથાર્થ કહી શકાય, જીવન પ્રત્યેના આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં માનસિક અસ્વસ્થતા બૌદ્ધિક અને ભાવનાત્મક સમાધાનનો અભાવ દર્શાવે છે. ‘આપણે જેવા છીએ, તેવું જ આપણે ચિંતન કરીએ છીએ અને આપણે જેવું ચિંતન કરીએ છીએ, તેવા જ આપણે હોઈએ છીએ.’ માનસિક અસ્વસ્થતા અહંકાર, અપરાધભાવ, ભય અને ઘૃણામાંથી જન્મે છે.

કાર્લ મેનિંજર પોતાના પુસ્તક Man Against Himselfમાં માનસિક અસ્વસ્થતા એટલે ખોટા દૃષ્ટિકોણ સાથેનું જીવન એમ કહી તે બાબતે પોતાને જે બોધ થયો તે વિષે ચર્ચા કરે છે. માનસિક વિકૃતિથી પીડાતી વ્યક્તિ પોતે જ પોતાની મુસીબતોને આમંત્રણ આપે છે અને વિકૃતિને કારણે તેને છોડવાનો ઇન્કાર કરે છે. સાચા દૃષ્ટિકોણના અભાવને કારણે પોતાના હતાશ મનોભાવને વળગી રહી વિનાશ નોતરે છે. The Magic Mountain નામના પુસ્તકમાં થોમસ માન વ્યક્તિની નકારાત્મકતાના ઉદાસ ભાવને ખૂબ સુંદર રીતે આલેખે છે. જીવનના પડકારોનો સામનો કરવા કરતાં બીમાર થવું સહેલું છે. વિજેતા કવિ જ્હોન મેસેફિલ્ડની દ્યોતક કવિતા The Harm I Have Done in Being Me નો વિષય છે સ્વકેન્દ્રિતા, સ્વયં પર દયા, અપરિપક્વ જીવન. આધુનિક અજ્ઞેયવાદ એ મનના વિખરાયેલા માળખાવાળું કરુણ સ્વરૂપ છે.

ભાવનાત્મક અસલામતી ચિંતા, સ્વ-દયા, ક્રોધ અને હતાશા તરફ દોરી જાય છે. આપણી માનસિક અને શારીરિક સ્થિતિ પર અસર કરતી અને અગ્રણી ભૂમિકા ભજવતી ભાવનાનું ડૉક્ટરોએ વિસ્તૃત રીતે અવલોકન કર્યું છે. ભાવના પ્રેરિત બીમારી વિષે આપણે માહિતગાર છીએ. આજે ડૉક્ટરો કહે છે કે ૭૦ થી ૮૫ ટકા શારીરિક બીમારીઓ ભાવના સંબંધી ઉશ્કેરાટને કારણે ઉત્પન્ન થતી હોય છે. હૃદયની તકલીફ, લોહીનું ઊંચું દબાણ, અલ્સર, અસ્થમા અને કેટલીક પ્રકારના સંધિવા જેવી કમજોર કરી નાખનારી બીમારીઓ લાગણીને કારણે થતા તણાવથી ઉત્પન્ન થાય છે. None of These Diseases નામના સુંદર પુસ્તકમાં તેના લેખક ડૉ. એસ. આઈ. મેકમિલાન કહે છે કે આ પ્રકારે ભાવનાથી ઉત્પન્ન થતી કુલ ૫૧ બીમારીઓ છે. એટલા માટે જ જો કોઈ હતાશ વ્યક્તિ લાંબા સમય સુધી પોતાને નિરંકુશપણે હતાશામાં જ રાખે તો તે વ્યક્તિ પોતે બીમાર છે એમ સમજી બેસે છે.

ભાવનાઓ સ્વયંભૂ રીતે નથી ઉત્પન્ન થતી. આપણી લાગણીઓ મનની વિચારવાની પદ્ધતિમાંથી પ્રવાહિત થાય છે. ઉદાહરણ તરીકે, માનો કે, તમને અચાનક જ વિશાળ શ્રોતાગણને સંબોધન કરવા મંચ પર આમંત્રણ આપવામાં આવે છે. જો તમે એ પ્રકારના અનુભવથી ટેવાયેલા નથી, તો તમારું મન તરત જ સભાન થઈ ભય કે ધ્રાસ્કો અનુભવશે, જે તમારા શરીરમાં માનસિક ફેરફાર લાવશે. તમારી બેચેનીને કારણે પગ ધ્રૂજવા લાગશે અને મોઢું સૂકાવા લાગશે. તમારો મૂળ અવાજ સંપૂર્ણપણે સીમિત થઈ કાં તો ઊંચો થઈ જશે અથવા તો તરડાઈ જશે. આમ ભાવનાત્મક તણાવ સમગ્ર શરીરને અસરકર્તા એવી ઝડપી અને એકબીજા સાથે સંકળાયેલી પ્રતિક્રિયાને આકાર આપે છે.

મજ્જાતંત્રના જીવવિજ્ઞાનીઓ (ન્યૂરોબાયોલોજિસ્ટ) અને અન્ય તબીબી સંશોધકોએ આરોગ્ય અને માંદગી બાબતે મન અને શરીર વચ્ચેના જટિલ પારસ્પરિક આધારને પુષ્ટિ આપી છે. મનોમજ્જાપ્રતિકાર સંબંધી શાસ્ત્ર (સાઇકોન્યૂરોઇમ્યુનોલોજી)-ચિત્ત, મગજ અને શરીર વચ્ચેના આદાનપ્રદાનના વિષયમાં નવીન એવું વિજ્ઞાન- તેના સંશોધનોના પ્રાયોગિક ઉપાયોને આગળ વધારવાની ખાતરી આપે છે. બેથેસ્ટા, મેરીલેન્ડ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના સંશોધકોએ ઉદાસ માનસિક સ્થિતિ તેમજ લોહીનું ઊંચું કે નીચું દબાણ, અનિદ્રા, અને અસ્થમા વગેરે ભય અને ચિંતાથી ઉત્પન્ન થાય છે એ વિષે પ્રતીતિજનક પુરાવાઓ આપ્યા છે. તે કેન્સર જેવા બિનચેપી રોગ, અન્ય ચેપી રોગ તથા વિષાણુઓ સામે આપણા શરીરને રક્ષણ આપતી રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે.

British Medical Jouranal અને અન્ય પ્રતિષ્ઠિત સામયિકોએ તાજેતરમાં જ એવું કહ્યું છે કે અસ્થમાની સારવાર માટે પ્રાણાયામની સહેલી ટેક્નિક અશાંત મનને શાંત કરનાર છે. આ તેની માનસિક દર્દીને મટાડવા માટેની ઉપયોગિતા સૂચવે છે. પ્રાણાયામનો અભ્યાસ સાધારણ કક્ષાનું નૈતિક અને સૌમ્ય જીવન જીવતા હોય એવા લોકો કરી શકે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ; તેના વિના રાજયોગની સાધના જોખમકારક છે અને કદાચ ગાંડપણ લાવી મૂકે. માણસો એક બાજુ રાજયોગની સાધના કરે અને સાથે સાથે જીવન અપવિત્ર ગાળે તો પછી યોગી બનવાની આશા તેઓ કેવી રીતે રાખી શકે?’ (સ્વા. વિ.ગ્રં-૧.૧૮૬)

પ્રાણાયામ એક યોગ્ય શિક્ષક પાસેથી જ શીખવો જોઈએ. સ્વામીજી કહે છે, ‘શ્વાસોચ્છ્‌વાસની ક્રિયાનો પહેલો પાઠ તો ફક્ત શ્વાસને માપસર અંદર લેવો અને બહાર કાઢવો એ છે. એનાથી શરીરયંત્રમાં સંવાદિતા આવશે. કેટલાક સમય સુધી આનો અભ્યાસ કર્યા પછી તેની સાથે ૐ કે એવા કોઈ બીજા મંત્રનો જપ જોડો તો સારું થશે….’ (સ્વા.વિ.ગ્રં-૧.૧૮૨)

પ્રાણાયામ આંખો બંધ કરીને કરવો. એ વખતે ઇષ્ટમૂર્તિનું ધ્યાન ન કરતાં નિયમિત સંખ્યામાં જપ કરવો ને શ્વાસ-પ્રશ્વાસ તરફ ધ્યાન રાખવું. ડાબા હાથે વેઢાથી સંખ્યાની ગણતરી રાખવી. શ્વાસ લેતી વખતે મનમાં વિચાર કરવો કે તમે પવિત્રતા, દયા, બળ, શક્તિ આદિ સદ્ગુણો તમારી અંદર ખેંચી રહ્યા છો; શ્વાસ મૂકતી વખતે મનમાં એમ ધારવું કે તમારી અંદરના કુભાવો, મલિનતા, સંકુચિતતા, ઈર્ષા, પાપબુદ્ધિ વગેરે કાદવ બહાર કાઢી નાખો છો. (પરમ પદને પંથે, સ્વામી વિરજાનંદ)

સાચી રીતે અને શુદ્ધ ઉદ્દેશ સાથે કરેલ પ્રાણાયામ કરોડરજ્જુના મૂળમાં ગૂંચળું વાળીને રહેલ કુંડલિનીને જાગ્રત કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એ જાગૃતિ વિવિધ પ્રકારે આવી શકે ઈશ્વર પરના પ્રેમ દ્વારા, પૂર્ણત્વે પહોચેલા ઋષિમુનિઓની કૃપા દ્વારા અથવા તો દાર્શનિકની પૃથક્કરણાત્મક ઇચ્છાશક્તિ દ્વારા’ વગેરે કોઈ પણ દ્વારા આ જાગૃતિ આવે છે. ઉન્માદ શમાવવા માટેની દવાઓ જેવી બાહ્ય તબીબી સારવાર કરતાં પ્રાણાયામ વધુ અસરકારક રીતે અશુદ્ધિઓ અને તણાવને મનમાંથી દૂર કરે છે.

આપણે લાંબા સમય સુધી નિમ્ન કક્ષાના આવેગોને મનમાં આશ્રય આપીએ છીએ ત્યારબાદ માનસિક બીમારીઓ દેખા દે છે. આજે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. પાંચ વર્ષનાં બાળકોના પણ અસામાન્ય વર્તનને નિયંત્રણમાં રાખવા આવી દવાઓ લેવાની જરૂર પડે છે. શારીરિક દર્દને દૂર કરવા સાથે માનસિક અને ભાવનાત્મક તણાવને દૂર કરવા આ બાળકો પણ પોતાના વડીલોની જેમ યોગના વર્ગો કે સંગીત દ્વારા ઉપચાર પદ્ધતિના માર્ગે જઈ રહ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમના અન્ય દેશોમાં ખાસ જરૂરિયાતોવાળા બાળકો માટેની શાળાઓમાં, હૉસ્પિટલોમાં અને માનસિક સંસ્થાઓમાં દુ:ખને દૂર કરવા, ભાવનાત્મક તણાવ ઘટાડવા અને તેના નિવારણ માટે તથા શારીરિક અને માનસિક વિકલાંગતા સાથે સંકળાયેલ ગંભીર માનસિક તકલીફોમાં દવાના પુરક તરીકે સંગીત ઉપચાર પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે અને તેને તાજેતરનાં વર્ષોમાં કાયદેસરતા પ્રાપ્ત થઈ છે.

સંગીતનો ઉપાય એ પૂર્વીય દેશો, ચીન, જાપાન અને ભારતમાં તબીબી ઉપચારની ઉપરાંતનો વધારાનો ઉપચાર પણ છે. આ ઉપચાર માટે સૂર-રાગમાં રહેલી ચમત્કારિક શક્તિના સંશોધન ક્ષેત્રે આશાસ્પદ સંભાવનાઓ રહેલી છે. બાળકોમાં શારીરિક, ભાવનાત્મક અને માનસિક તણાવ આપણને તે બાબતે સાવધાન રહી આપણી જીવનશૈલીમાં સુધાર લાવવાનું સૂચન કરે છે. એક ડૉક્ટરે કહ્યું છે:

ડૉક્ટર પાસે આવતા દર્દીઓમાંથી ૭૦ ટકા લોકો જો તેઓ ભય અને ચિંતાઓથી મુક્ત થઈ જાય તો પોતાની જાતે જ સાજા થઈ શકે તેમ છે. એક ક્ષણ પણ એમ ન વિચારો કે તેમની બીમારીઓ માત્ર કાલ્પનિક છે, એમ હું માનું છું. તેમની બીમારી કદાચ દાંતના દુઃખાવા જેવી, સણકો આવે તેવી કે ક્યારેક તેથી પણ ૧૦૦ ગણી વધુ ગંભીર હોય છે. નબળા મનની અશાંતિ, પેટનાં ચાંદાં, હૃદય સંબંધિત દ્વિધા, અનિદ્રા, કેટલીક પ્રકારનો માથાનો દુઃખાવો અને અમુક પ્રકારના પક્ષાઘાત વગેરે આ પ્રકારની બીમારીઓ છે.

ભય ચિંતાનું કારણ બને છે. ચિંતા તમને પરેશાન અને નિરુત્સાહ બનાવે છે અને તે તમારા પેટના જ્ઞાનતંતુઓને અસર કરે છે અને ખરેખર તો હોજરીના પાચક રસોના સ્રાવને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે, જે મોટે ભાગે પેટનાં ચાંદાંનું કારણ બને છે.

માનસિક બીમારી ખરેખર તો અસુરક્ષા, તણાવ, મૂંઝવણ અને આધુનિક જીવનની જબરજસ્ત જટિલતાને પ્રતિબિંબિત કરે છે. લાંબા સમયની ચિંતા અને ભયથી ગ્રસ્ત વર્તમાન જીવન વાસ્તવિકતા સ્વીકારવાની સમર્થતાને જોખમમાં મૂકે છે. દરરોજ સમાચારપત્રોમાં મહત્ત્વાકાંક્ષી અને પ્રવૃત્તિના ભારણથી ત્રસ્ત અધિકારીઓના અને વેપારીઓના દુઃખદ સમાચાર આપણે વાંચીએ છીએ. જ્યારે તેમના પ્રયત્નો તેમની લોભી વૃત્તિને સંતુષ્ટ નથી કરી શકતા ત્યારે તેઓ હતોત્સાહ થઈને ચિંતા, ભય, પરાજયથી નિરાશ થઈ જાય છે. ક્યારેક તો તેઓ યુવાનીમાં જ મૃત્યુ પામે છે. ઘણા તેમાંથી રાહત મેળવવા વિવિધ પ્રકારની કસરતો તરફ વળે છે, પરંતુ તે શારીરિક વ્યાયામ મુક્તમને, શાંતચિત્તે અને આનંદપૂર્વક ન થતો હોવાથી તે શારીરિક વ્યાયામથી નુકસાન થવાના ઘણા દાખલાઓ મળે છે. ફ્રિટ્‌જોફ કેપ્રા સારા અથવા ખરાબ સ્વાથ્યની અંતિમ અસરનું નિરીક્ષણ કરે છે:

સ્વાસ્થ્ય ખરેખર તો શારીરિક, માનસિક અને સામાજિક પાસાંને એક બીજા સાથે સાંકળતી, સમાવિષ્ટ કરતી એક બહુપરિમાણીય ઘટના છે. સ્વાસ્થ્ય અને બીમારી એ બન્ને એક જ લીટીના બે વિરુદ્ધ છેડા છે એવી સામાન્ય સમજ તદ્દન ગેરસમજ ઊભી કરનારી છે. શારીરિક બીમારીઓને હકારાત્મક માનસિક વલણ અને સામાજિક સહાનુભૂતિ દ્વારા સંતુલિત કરી શકાય છે, જેથી એકંદર સુખાકારીની અવસ્થાનું નિર્માણ થાય. બીજી તરફ, ભાવનાત્મક સમસ્યાઓ અને સામાજિક એકલતા વ્યક્તિને શારીરિક રીતે તંદુરસ્ત હોવા છતાં બીમાર કરી શકે…જે વ્યક્તિગત રીતે નાદુરસ્ત છે તે સામાન્ય રીતે સમાજ અને આસપાસના પરિવેશ માટે પણ નાદુરસ્ત છે.

દસકાઓ પહેલાં એક માનસશાસ્ત્રીએ દાવા સાથે નોંધ્યું છે કે શિશુઓ જેટલાં ચેપી રોગોથી ગ્રસ્ત થાય છે તેના કરતાં ભય અને આસપાસના લોકોના ધિક્કારથી વધુ ગ્રસ્ત થાય છે. તેણે અવલોકન કર્યું છે કે, પરંતુ સદ્ભાગ્યે શિશુઓ પ્રેમ અને સદ્ગુણ તથા વિશ્વાસ પણ જલદીથી ગ્રહણ કરે છે અને પરિણામે તેઓ તંદુરસ્ત અને સ્વસ્થ બને છે. આ કોઈ સરળ દૃષ્ટિકોણ નથી. તબીબોએ અવલોકન કર્યું છે કે જે મનુષ્ય લાંબા સમય સુધી દ્વેષભાવથી પીડાય છે, કોઈ પ્રત્યે રોષ કે ઘૃૃણાની લાગણી ધરાવે છે તે સમય જતાં સાંધાની કે સ્નાયુઓની સમસ્યા, ત્વચા પર ચકામાં, એલર્જી, અલ્સર, ઉચ્ચ મધુપ્રમેહ વગેરેથી પીડિત બને છે. આપણી આંતરિક દીર્ઘકાલીન શારીરિક વ્યાધિઓ બાહ્ય અસાધ્ય સમસ્યાઓ રૂપે બહાર આવે છે.

Total Views: 791

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.