દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી કાઢે છે. આવા પથદર્શક આદર્શપુરુષો દરેકેદરેક પેઢીમાં એટલે કે એક કે બે પચ્ચીસીમાં લોકો સમક્ષ આવતા રહે છે. ઈશ્વરની આ એક અદ્‌ભુત સંરચના એવી પણ છે કે ક્યારેક યુગવિધાયક આદર્શ પથદર્શક એવા મળે છે કે જે તત્કાલીન યુગમાં સમાજમાં સર્વ ક્ષેત્ર માટે પ્રેરણાપુરુષ બની રહે છે. પણ એમાંથી કેટલાક અનન્ય મહાપુરુષો પણ આવે છે કે તેઓ પોતાના જમાનામાં તો સૌને માટે પ્રેરણાપુરુષ બની રહ્યા; પરંતુ એમના પછીના કાળમાં ઉત્તરોત્તર પેઢીઓ માટે તેઓ વધારે ને વધારે પ્રાસંગિક બનીને પ્રેરણાનું ગંગાજળ સૌ કોઈને પાતા રહે છે. આવા લોકો દુરંદેશી હોય છે. એટલે કે એમના જીવન અને સંદેશ તત્કાલ સમાજ કે પ્રજાને અનુરૂપ હોય અને એમની આગવી ત્રીજા નેત્રની શક્તિને કારણે તેઓ સર્વ કાળે શિવ બની રહે છે. એમનામાં કેટકેટલીયે પેઢીઓની પરિસ્થિતિને જોઈને, જાણીને એનું આમૂલ પરિવર્તન કેવી રીતે કરવું અને તત્કાલ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે શોધવો એ પણ પોતાની આ પરમ દૃષ્ટિથી જોઈ શકે છે. સ્વામી વિવેકાનંદ આવા જ એક મનીષી અને યુગનાયક હતા.

તેમના જમાનાના યુવાનો, સ્વાતંત્ર્યવીરો અને સમગ્ર સામાન્ય જનસમૂહ પર એમનો જબરો પ્રભાવ પડ્યો હતો, એ વાત તો સર્વવિદિત છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય ટિળક, ડો. રાધાકૃષ્ણન્‌, પંડિત નહેરુ, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ કાલેલકર, જમશેદજી ટાટા જેવા અનેક પ્રતિભાવાન લોકો પર એમનો પ્રબળ પ્રભાવ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછીના ૮૩ વર્ષ બાદ ૧૯૮૫માં. આંતર રાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે ભારત સરકારને યુવાનોના આદર્શ પુરુષ સ્વામી વિવેકાનંદ નજરે આવ્યા. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ ૧૨ જાન્યુઆરીને ભારત સરકારના ખેલકૂદ ખાતાના પત્ર ક્રમાંક ડી.ઓ.એન.એફ. ૬-૧/૮૪/ આઈ.વાય.વાય. તા. ૧૭ ઓક્ટોબર, ૧૮૮૪ પ્રમાણે ‘રાષ્ટ્રિય યુવા દિન’ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને તે પ્રમાણે રાષ્ટ્રભરમાં દર વર્ષે ૧૨ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણી થાય છે. ભારત સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રિય યુવા દિન જાહેર કરવા માટેનું કારણ પણ એ પત્રમાં આપ્યું છે : ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું તેમણે પાલન કર્યું, જેમનો એમણે ઉપદેશ આપ્યો એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે તેમ છે.’ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રિય યુવા દિન અને રાષ્ટ્રિય યુવા સપ્તાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઉજવવા જે કાર્યક્રમ યોજવા નિર્દેશ આપ્યા છે તેમાં સ્વામી વિવેકાનંદના આદર્શો પર વિચાર કરવાની બાબતને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

ચિરયુવા સ્વામી વિવેકાનંદ યુવાવર્ગ માટે આદર્શ રૂપ છે. પોતાની યુવાવસ્થામાં સર્વોત્કૃષ્ટતાના શિખરો આંબી લીધા. ૩૯ વર્ષની યુવાવયમાં જ પોતાનું ભૌતિક શરીર છોડ્યું. ભૌતિક રૂપે અને ભાવ રૂપે તેઓ સદૈવ યુવાન રહ્યા. ૧૦ ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સમગ્ર સાહિત્યનું વાચન કરવાથી આપણને સૌને જોવા મળશે કે એમણે લખેલ મોટા ભાગના પત્રો પોતાના યુવા ગુરુભાઈઓ, આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા જેવા યુવક યુવતીઓને લખેલા. એમના મોટા ભાગના વાર્તાલાપો શરત્ચંદ્ર ચક્રવર્તી જેવા યુવકો સાથે થયેલા. એમના મોટા ભાગનાં વ્યાખ્યાનો, વિશેષ કરીને ભારતમાં આપેલાં વ્યાખ્યાનો ભારતની યુવા પેઢીને ઉદ્દેશીને અપાયાં હતાં.

૧૦ ભાગમાં સંગ્રહિત થયેલા સ્વામીજીના યુવાનો માટેના સંદેશનો એક સંક્ષિપ્ત નિષ્કર્ષ આ અને હવે પછીના સંપાદકીયમાં આપવાનો અમારો વિનમ્ર પ્રયાસ રહેશે. એમની દૃષ્ટિએ કેવા યુવાનો અપેક્ષિત હતા એ વાત આપણને આલાસિંગાને લખેલા પત્રો પરથી ખ્યાલ આવે છે :

‘મારે તો એવા લોખંડી ઇચ્છાશક્તિ અને એવાં હૈયાં જોઈએ કે જેમને થડકવું કેવી રીતે તેની ખબર પણ ન હોય. કાર્યને વળગી રહો. (સ્વા.વિ.ગ્રં.મા. ૯-૨૭૬) બહાદુર બનો, બહાદુર બનો! માણસ મરે છે માત્ર એક જ વાર. મારા શિષ્યો નિર્માલ્ય ન હોવા જોઈએ.’ (૯-૨૭૦)

૧૬ નવેમ્બર, ૧૮૯૫ના રોજ લંડનમાં આપેલ ભક્તિયોગ વિશેના પોતાના પ્રવચનમાં એમણે કહ્યું હતું:

‘પહેલાં તો તમારી જાતમાં શ્રદ્ધા રાખો. ત્યાર પછી ઈશ્વરમાં. મુઠ્ઠીભર શક્તિશાળી માણસો જગત આખાને ઉથલાવી નાખવાના. આપણે જરૂર છે લાગણીવાળા હૃદયની, વિચારશીલ મગજની અને કામ કરે તેવા સશક્ત હાથની.’ (૭-૩૫૨)

તેમજ મદ્રાસના ૯ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ ‘આપણી સમક્ષ પડેલું કાર્ય’નામના વ્યાખ્યાનમાં રહસ્યવાદ અને બીજી નબળાઈઓની ટીકા કરતાં એમણે કહ્યું હતું:

‘બહાદુર, હિંમતવાન માણસોની આપણને જરૂર છે. જેની આપણે જરૂર છે તે છે લોહીમાં જોમ, જ્ઞાનતંતુઓમાં તાકાત, લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓ; નરમ અને પોચી ભાવનાઓ નહીં.’ (૨-૧૫૨)

આવો જ વિચાર સાન્ફ્રાંસિસ્કોમાં ‘પ્રતિકપૂજા’ વિશે બોલતા એમણે કહ્યું હતું:

‘જોમ, જીવન, આશા, સ્વાસ્થ્ય એ બધી શુભ વસ્તુઓની નિશાની છે શક્તિ. જ્યાં સુધી શરીર ટકી રહે ત્યાં સુધી શરીરમાં મનમાં અને બાહુમાં બળ હોવું જોઈએ.’ (૬-૯૪)

યુવાનો માટે પ્રાથમિક જરૂરિયાત વિશે વાત કરતાં એમણે ૧૩ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ મદ્રાસમાં ‘ભારતીય જીવનમાં વેદાંત’ નામના વ્યાખ્યાનમાં યુવાનોને આહ્‌વાન કરતાં કહ્યું હતું :

પોપટની પેઠે આપણી ઘણી બાબતો વિશે મોંએથી બોલી જઈએ છીએ, પણ કરતા કંઈ નથી; બોલબોલ કરવું પણ કામ ન કરવું એ જાણે કે આપણો સ્વભાવ બની ગયો છે. એનું કારણ શું? શારીરિક નબળાઈ. આ જાતનું નબળું મગજ કોઈપણ કાર્ય કરવાને શક્તિમાન નથી થતું. આપણે તેને મજબૂત બનાવવું જોઈએ. સૌ પ્રથમ આપણા નવયુવકો તાકાતવાળા બનવા જોઈએ; ધર્મ પાછળથી આવશે.

મારા યુવક મિત્રો! સુદૃઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે, કારણ કે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડા એક અનુભવ લીધા છે. તમારાં બાવડાં અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટ્ટાર ઊભું રહેશે અને તમને લાગશે કે તમે માણસો છો, ત્યારે ઉપનિષદો અને આત્માનો મહિમા સારી રીતે સમજશો. આપણી જરૂરિયાતોનો વિચાર કરી આપણે કામે લાગવાનું છે. (૨-૧૨૦)…

એ જ પ્રવચનમાં યુવાનો માટેના ઉપનિષદના સંદેશ વિશે વાત કરતાં સ્વામીજીએ કહ્યું હતું :

‘મારે માટે તો પાને પાને ઉપનિષદો પોકારી રહ્યાં છે : શક્તિ શક્તિ! આ એક મોટી બાબત યાદ રાખવાની છે; મારા જીવન દરમિયાન આ એક જ પાઠ મને શીખવવામાં આવ્યો છે. તે કહે છે કે શક્તિમાન બનો. ઓ માનવી! દુર્બળ બનો નહીં. માણસ પૂછે છે કે શું મનુષ્ય સહજ નબળાઈઓ ન હોય? ઉપનિષદો ઉત્તર આપે છે કે હોય; પણ વધુ નબળાઈથી શું એ મટવાની છે? કાદવથી કાદવ સાફ થઈ શકવાનો છે? પાપથી પાપ ધોવવાનું છે? દુર્બળતા દુર્બળતાને દબાવવાની છે? ઉપનિષદો પોકાર કરે છે કે શક્તિમાન બનો, ઓ મનુષ્યો! સામર્થ્યવાન બનો; ઊભા થાઓ અને તાકાતવાન બનો! … મારા મિત્રો! તમારા એક સગા ભાઈ તરીકે, જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે, હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય! અને ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે; આખા જગતને ચેતનવંતુ કરી મૂકે એવી શક્તિ એમાં ભરેલી છે. એમની દ્વારા આખા વિશ્વને સજીવન કરી શકાય, તાકાતવાન બનાવી શકાય. શક્તિમાન બનાવી શકાય, એ ઉપનિષદો દરેક દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ. (૨.૧૧૫-૧૭)

કોલકાતાના શોભા બજારમાં ૨૮ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ એમને આપેલ માનપત્રના પ્રત્યુત્તરમાં એમણે ‘ભૌતિક સુવિધાઓ વગર જીવનમાં આગળ કેમ વધી શકાય?’ યુવકોના એવા પ્રશ્નોના જવાબમાં સ્વામીજીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું :

‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકયા વગર આગળ વધો!’ ડરો નહીં, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમ વર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. અને ઇતિહાસ કેવળ પોતાનું પુનરાર્તન જ કરી શકે કોઈ વસ્તુથી ડરો નહીં. તમે અદ્‌ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુ:ખનું મોટું કારણ ભય છે; મોટામાં મોટા વહેમ હોય તો તે ભય છે; આપણી આપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે. અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે, ‘ઉઠો, જાગો અને ધ્યેય પહોંચો નહીં ત્યાં સુધી અટકો નહીં. (૨.૧૮૯-૯૦)

કોલકાતાના સ્ટાર થિયેટરમાં ૧૧ માર્ચ, ૧૮૯૮માં આ જ વાતને સ્પષ્ટ કરતાં સ્વામીજીએ કહ્યું હતું:

‘નવયુવકો! તમે શ્રીમંતો અને પૈસાદાર, બડેખાંઓ ઉપર મીટ માંડીને બેસી રહોમાં. જગતનાં મહાન અને વિરાટ કાર્યો ગરીબોએ કર્યાં છે. તમે ગરીબો! આવી જાઓ! તમે બધું કરી શકો છો. અને તમારે બધું કરવું જ જોઈએ. ભલે તમે ગરીબ રહ્યા, છતાં ઘણાય લોકો તમારા દૃષ્ટાંતનું અનુકરણ કરશે. મક્કમ બનો; અને સૌથી વિશેષ તો હાડેહાડમાં પવિત્ર અને સાચા બનો. તમારા ભાવિમાં શ્રદ્ધા રાખો. (૨.૨૯૫)

મોટા ભાગના યુવાનો અને એમાંય વિશેષ કરીને ભારતના યુવાનો પોતાની ભાવિકારકિર્દી માટે હંમેશાં ચિંતામગ્ન રહે છે; અને નિર્બળ મન સાથે તેઓ જ્યોતિષીઓના પંજામાં સપાડાય જાય છે. ‘પછી ગ્રહદશા નબળી છે, આપણે કંઈ ન કરી શકીએ, લલાટે લખ્યું હોય એ જ થાય’ એવી નિર્બળતાની ભ્રમજાળમાં ફસાઈ જાય છે. અમેરિકામાં પોતાના વ્યાખ્યાન પ્રવાસ દરમિયાન અવારનવાર અસંખ્ય લોકોએ જ્યોતિષ, ભાગ્યવાદ, રહસ્યવાદ વગેરે વિશે ઘણા પ્રશ્નો કર્યા હતા. આ બધાનો જાણે કે પ્રત્યુત્તર હોય તેવી રીતે અમેરિકામાં ‘માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા’ એ પ્રવચનમાં મક્કમ વાણીમાં સ્વામીજીએ કહ્યું હતું :

ઘણા જીવોનો પૈસો જ ઈશ્વર હોય છે; નબળા મનના માણસો જ્યારે બધું ગુમાવે છે અને પોતે નબળાઈનો અનુભવ કરવા લાગે છે, ત્યારે પૈસો કમાવવાના સર્વ પ્રકારના અવળા ધંધા અજમાવે છે અને જ્યોતિષશાસ્ત્રનો અને એવી બધી બાબતોનો આશરો લે છે. સંસ્કૃતમાં એક કહેવત છે : ‘આ દેવ કરે છે, એમ કહેનારા માણસો કાપુરુષો (બાયલા) અને મૂર્ખ છે.’ પરંતુ શક્તિશાળી માણસો તો છાતી ઠોકીને કહે છે : ‘મારું ભાગ્ય તો હું ઘડી કાઢીશ!’ ઘરડા થતા જતા માણસો જ ભાગ્યની વાતો કરે છે; યુવાન માણસો મોટે ભાગે જોષીઓ પાસે જતા નથી. ગ્રહોની અસર આપણા ઉપર ‘કદાચ’ હોય પણ તેનું આપણને બહુ લાગવું ન જોઈએ.’ (૭-૩૧૫-૧૬)

ભગવાન બુદ્ધના જીવનમાંથી એક ઘટના પ્રસંગને ટાંકીને સ્વામીજી આ જ પ્રવચનમાં કહે છે :

ભગવાન પોતે કહે છે : ‘જેઓ ગ્રહોની ગણતરી દ્વારા કે એવી કળા અને બીજા ખોટી પ્રયુક્તિઓ દ્વારા આજીવિકા મેળવતા હોય, તેમને સદા દૂર રાખવા.’ બુદ્ધ તો મહાનમાં મહાન સંત હતા; એ તો બધું જાણતા જ હોય, ગ્રહો ભલેને આવે? તેમાં શું નુકસાન છે? જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય, તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમયી બાબતો સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદને મળવું; સારો ખોરાક ખાવો અને આરામ લેવો. (૭-૩૧૫-૧૬)

ભાગ્યવાદી યુવકો હંમેશાં નિષ્ફળતાથી ડરીને નિરાશાવાદી બને છે અને લમણે હાથ દઈને બેઠા રહે છે. સ્વામીજી બીજીવાર અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે અમેરિકા એક મોટી આર્થિક મંદીના મોજામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતું હતું. હજારો યુવકોએ પોતાની નજર સામે જ પોતાના મનના મહેલને પત્તાની જેમ કડડભૂસ થતા પણ જોયો. એ વખતે સ્વામીજીએ ૨૯ મે, ૧૯૦૦ના દિવસે ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પરના પોતાના ત્રીજા વ્યાખ્યાનમાં યુવાનોને તત્કાલીન નિરાશાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પ્રેરણાદાયી વાણી વહાવી હતી. આ પ્રેરકવાણી આજે પણ આપણા દેશના યુવાનો માટે પ્રાસંગિક ગણી શકાય :

પાપ એક જ છે, અને તે છે નબળાઈ. જ્યારે હું નાનો હતો ત્યારે મેં મિલ્ટનનું પેરેડાઈઝ લોસ્ટ વાંચેલું. તેમાંના કોઈપણ પાત્ર માટે મને માન ઉપજયું હોય તો તે એકમાત્ર સેતાનને માટે હતું. તે જ વ્યક્તિ મુનિ છે કે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી. કે જે દરેકનો સામનો કરે છે અને લડતાં લડતાં ખપી જવાને કૃતનિશ્ચયી છે.

ઊભા થાઓ અને લડતાં લડતાં મૃત્યુને ભેટો!… એક ગાંડાઈમાં બીજી ગાંડાઈનો ઉમેરો કરો નહીં. જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહીં. જગતને મારે આટલું જ કહેવાનું છે. સબળ બનો!… તમે પ્રેતો અને ભૂતોની વાતો કરો છો. આપણે જ જીવતા જાગતા ભૂતો છીએ. બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યુનું ચિહ્‌ન છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો! તેમાં મોત છે. જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો. માત્ર વીરને માટે જ મુક્તિ છે. માત્ર વીરોને સુંદરી વરમાળા આરોપે છે. મુક્તિને પાત્ર વીર જ હોય છે… સર્વ પ્રકારની નિર્બળતા, સર્વ પ્રકારનાં બંધનો એ બધી કલ્પનાઓ છે. એક શબ્દ સંભળાવતાંની સાથે જ એ અદૃશ્ય થઈ જશે. નબળા થશો નહીં! એ સિવાય બીજો કોઈ રસ્તો નથી… ઊભા થાઓ અને સબળ બનો! ભય ન રાખો; વહેમ ન રાખો. જેવું છે તેવા જ સત્યનો સામનો કરો. જો મૃત્યુ આવે અને એ આપણું મોટામાં મોટું દુ:ખ છે. તો ભલે આવે! આપણે વીરની જેમ મરવા ઇચ્છીએ છીએ. હું જાણું છું તે ધર્મ આટલો જ છે, હું તે પામ્યો નથી. પણ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું કદાચ તે પ્રાપ્ત ન કરું; પણ તમે કદાચ પ્રાપ્ત કરી શકશો. આગળ વધો!… ઊઠો! જાગો; અને ધ્યેય પહોંચો નહીં ત્યાં સુધી અટકો નહીં! (૫-૩૬-૩૭)

નિરાશાનું મૂળ આપણી તન-મન-આત્માની નિર્બળતા છે. એ નબળાઈનો સામનો કરવા અને તેને સમૂળગી ઉખેડી નાખવા સ્વામીજીએ ૧૦ નવેમ્બર, ૧૮૯૬ના રોજ લંડનમાં આપેલ ‘જીવન વ્યવહારમાં વેદાંત’ના પ્રથમ પ્રવચનમાં વાત કરી છે:

નબળાઈને યાદ કર્યા કરવાથી ઝાઝો ફાયદો થતો નથી; શક્તિની જરૂર છે; બધો વખત નબળાઈનો વિચાર કર્યા કરવાથી શક્તિ આવતી નથી; નબળાઈનું ચિંતવન કર્યા કરવું એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી. પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે તે તરફ તેનું ધ્યાન ખેંચો… તમારા આત્માને ઉચ્ચમાત્રામાં અભિવ્યક્તિ કરો. યાદ રાખવાની બાબત એ એ એકજ છે; અને આપણે સહુએ કરી શકીએ છીએ. કદી ‘ના’ નહીં; ‘મારાથી બનતું નથી’ એમ કહી ન કહો, કારણ કે તમે અનંત છો. તમારી પ્રકૃતિની તુલનામાં દેશ અને કાળ કંઈ હિસાબમાં નથી. તમે સર્વ કંઈ કરી શકો છો; તમે સર્વશક્તિમાન છો. (૫-૨૮૭)

આલમબજાર મઠના દિવસો દરમિયાન સ્વામીજીના ગુરુબંધુઓ અત્યંત વિષમ અને કટોકટી ભરેલી પરિસ્થિતિમાંથી પસાર થતા હતા. એમને ક્યારેક એક ટંકના ભોજનનાયે સાંસા પડતા. આવી સંન્યાસી જીવનની વિષમપળે પોતાના ગુરુબંધુઓને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ ન્યૂયોર્કથી લખેલ પત્રમાં સ્વામીજી લખે છે :

નિષેધાત્મક વૃત્તિને તો મરકી માનીને કચડી નાખો એટલે દરેકે દરેક પ્રકારે તમારી સમૃદ્ધિમાં વધારો થશે… જુઓ, આ પરદેશીઓ મારા ઉપદેશને સમજી શકયા અને તમે તમારા નિષેધાત્મક વલણને લીધે રોગથી પીડાઓ છો!.. ‘અમે દુર્બળ છીએ. અમે દીન છીએ.’ આ બધી નાસ્તિકતા છે. ‘હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરશું નહિ અને વીર બનશું’ આ જ ખરી આસ્તિકતા છે. (૮-૬૦-૬૧)

સ્વામીજીએ ૧૦ નવેમ્બર, ૧૮૯૬ના રોજ લંડનમાં આપેલ ‘જીવન વ્યવહારમાં વેદાંત’ના પ્રથમ પ્રવચનમાં નિરાશા હતાશાને નિર્મૂળ કરવાના રામબાણ ઈલાજ જેવા ઉપાયોની વાત આ શબ્દોમાં કરી છે:

જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરો; તમે પવિત્ર આત્મા છો;  ઊઠો, જાગ્રત થાઓ; ઓ મહાનુભાવો! આ નિદ્રા તમને છાજતી નથી. અને ઊભા થાઓ; તમને આ પડી રહેવું શોભતું નથી. એમ ન ધારો કે તમે નિર્બળ અને દુ:ખી છો. ઓ સર્વશક્તિમાન! તમે ઊઠો, જાગ્રત થાઓ, અને તમારું સાચું સ્વરૂપ પ્રગટ કરો. તમે તમારી જાતને પાપી ગણો છો એ તમને શોભતું નથી; તમે તમારી જાતને નિર્બળ માનો છો એ યોગ્ય નથી. વિશ્વને એ સંભળાવો. તમારી પોતાની જાતને સંભળાવો. અને જુઓ કે કેવું વહેવારુ પરિણામ આવે છે! જુઓ કે વીજળીના ચમકારા પેઠે દરેક વસ્તુ કેવી પ્રગટ થઈ જાય છે! દરેક વસ્તુ કેવી રીતે બદલાઈ જાય છે! માનવ જાતને એ સંભળાવો, અને તે મને તેમની શક્તિ બતાવી આપો. (૫-૨૯૦)

આપણા સમાજમાં આપણને જોવા મળે છે કે માતપિતા, પાલક, શિક્ષકો પોતાના પાલ્યને કે વિદ્યાર્થીને મોટે ભાગે આંગળી પકડતાં બનાવી દે છે. એ બીચારા હંમેશાંને માટે પરાવલંબી જ રહેવાના. પરાધીનને તો સ્વપ્નનું સુખેય ક્યાંથી હોય? આવી પરાધીનતાને અને પરાશ્રયની સોનાની સાંકળમાં મુક્ત થવા માટે સ્વામીજીએ ૮ એપ્રિલ, ૧૯૦૦ના રોજ સાન્ફ્રાંસિસ્કોમાં અત્યંત પ્રેરણાદાયી પ્રવચન ‘ભાવિ ધર્મ શું વેદાંત છે?’માં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

વેદાંતે પૂછેલો એક માત્ર મહાન પ્રશ્ન આ જ છે: લોકોને આટલો બધો ભય શા માટે છે? એનો ઉત્તર એ છે કે તેમણે પોતાની જાતને નિરાધાર અને પરાવલંબી કરી મૂકી છે. આપણે એવા આળસુ છીએ કે આપણે માટે આપણે પોતે કંઈ જ કરવા ઇચ્છતા નથી. આપણે ને એ વ્યક્તિરૂપ ઈશ્વર, એક તારણહાર કે આપણા ને બધુંય કરી દે એવો એક પયંગબર જોઈએ જ છે, જેમકે કોઈક ગર્ભશ્રીમંત માનવીપણે કદી ચાલે જ નહિ. કાયમ પાલખીમાં કે વાહનમાં જ જાય આવે. વર્ષો જતાં આખરે એક દિવસે તેને ભાન થાય છે કે તેને આખે શરીરે પક્ષઘાત થઈ ગયો છે. તે વેળા તેને ભાન થાય છે કે પોતે જે રીતે જીત્યો તે માર્ગ આખરે તો સારો ન જ હતો; પોતાને બદલે બીજો કોઈ માણસ ચાલી ન જ શકે. જેટલી જેટલીવાર એવું બન્યું છે તે બધીવાર પોતાને નુકસાન જ થયું છે. એક માણસને બદલે જો દરેક બાબત બીજો માણસ જ કરે, તો પેલો માણસ પોતાના અવયવોનો ઉપયોગ કરવાનું જ ગુમાવી બેસશે જે કોઈ બાબત આપણે જાતે કહીએ છીએ તે જ ખરી રીતે આપણે કરીએ છીએ. આપણે માટે બીજો જે કંઈ કરે છે. તે કદી આપણું થઈ શકે જ નહિ. (૬-૨૮૨-૮૩)

સ્વામીજીએ ૨૮ મે, ૧૯૦૦ના દિવસે ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પરના પોતાના બીજા વ્યાખ્યાનમાં આ વિશે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું :

નામર્દ થવાથી તને કાંઈ મળશે નહિ… પીછે હઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે. જગતના સર્વ દેવો સમક્ષ તમે રહ્યાં છો. તેથી દુ:ખ દૂર થયું ખરું? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાને મોતે મરે છે. એ દેવો કયાં છે!… તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે, તો એથી લાભ શો? સામી છાતીએ લડીને મરો… (૫-૨૧)

(ક્રમશ:)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.