આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ થયા છે; પણ એ બધા પ્રયાસો પ્રમાણમાં જટિલ લાગ્યા છે. આ બધી સંસ્થાઓ, પદ્ધતિઓ અને રાજકીય શાસન સાથે સંલગ્ન બધાં આંદોલનો એક પછી એક અમલમાં આવ્યાં, અપનાવવામાં આવ્યાં અને એક પછી એક એ બધાં સૌ કોઈને અપૂરતાં અને અપૂર્ણ લાગ્યાં. અમેરિકા- યુરોપના લોકશાહીવાદી રાષ્ટ્રો, સામંતશાહી રાષ્ટ્રો કે સામ્યવાદને વરેલ રાષ્ટ્રો હોય કે પરતંત્રતાની ગર્તામાં વર્ષો સુધી સરી પડેલ ત્રીજી દુનિયાના બીચારાં-બાપડાં રાષ્ટ્રો હોય; આ બધાં અંતે તો અશાંત દશામાં જ જોવા મળે છે, એમનામાં દિશાવિહીનતા પણ એટલી જ જોવા મળે છે. આ બધાંમાં ભૌતિકવાદનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું છે અને એની ત્રાસદીઓ એ બધાં ભોગવી રહ્યાં છે.

ગમે તે રાષ્ટ્ર કે પ્રજામાં સત્તા અને સંપત્તિ તો હંમેશાં આપખુદશાહી વલણવાળા લોકોના હાથમાં હોય છે. આવા બધા લોકો જાતે કામ કરતા નથી, પણ લાખો અને કરોડો લોકોના કામનું ચાલાકીથી સંચાલન અને શોષણ કરે છે. બંધારણીય રાજસત્તા, સ્વાતંત્ર્ય, મુક્તિ અને લોકસભા જેવાં ધારાગૃહો વિશે આપણે બધા સાંભળતા રહીએ છીએ, એને પ્રશંસતા પણ રહીએ છીએ. પણ આ જાણે કે મોટી ઠેકડી ઉડાડવા જેવું છે. ગમે તે દેશમાં જાઓ, પાર્લામેન્ટ, સેનેટ, ગુપ્તમત, વગેરે એ બધું હોવા છતાં દેશમાં કેટલાક શક્તિશાળી માણસો મૂડીવાદી લોકોની મદદથી પોતાને ઠીક લાગે એ રસ્તે દેશને-સમાજને દોરી જાય છે; બાકીના બીજા બધા તો ઘેટાના ટોળાની જેમ તેની પાછળ પાછળ દોડી જાય છે. આ મૂડીવાદી પ્રણાલી વિશે સ્વામીજીએ કહ્યું હતું:

‘યંત્રો વસ્તુઓને સસ્તી બનાવે છે, તેનાથી પ્રગતિ અને ઉત્ક્રાંતિ થાય છે, પણ એક માણસ પૈસાદાર થાય તે ખાતર લાખો લોકો કચડાઈ જાય છે. જ્યારે એક માણસ પૈસાદાર બને છે, ત્યારે હજારો માણસો તે જ વખતે વધારે ને વધારે ગરીબ બને છે અને સંખ્યાબંધ લોકોને ગુલામ બનાવાય છે. આમ બધું ચાલ્યા જ કરે છે.’ (૭.૧૧૩) (કૌંસમાં આપેલ બધા નંબર જૂની ગ્રંથમાળા પ્રમાણે છે.)

લગભગ દરેક દેશના મોટા ભાગના લોકો જીવનસંઘર્ષમાં જ સતત અને સતત ઝઝૂમતા રહે છે. આને લીધે સામાન્ય જનસમૂહને પોતાના જીવનમાં આગેકદમ ભરવા માટેનો સમય સાંપડતો નથી. માનવે જ સર્જેલા એક મશીનની જેમ કામ કરતા અને અનેક ઉત્પાદનો સર્જતા આ લોકોને પોતાના પરિશ્રમનું પૂરતું ફળ મળવાનું તો એકબાજુએ રહ્યું પણ ચબરાક બુદ્ધિશાળી અને ભણેલા-ગણેલા લોકો એમના પરિશ્રમના ફળને હડપ કરી લે છે. આમ જોઈએ તો ઘણા દેશોમાં આ પરિસ્થિતિમાં હવે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. નીચલાવર્ગના માણસો થોડા જાગ્રત બન્યા છે એટલે કહેવાતા ઉચ્ચવર્ગના બુદ્ધિશાળી લોકો બહુ ઝાઝો સમય આ લોકોને પોતાની નાગચૂડમાં જકડી રાખી શકશે નહિ.

આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવા અને સર્વજનકલ્યાણની ભાવના સર્જવા યુવાનો આગળ આવે એમ સ્વામીજી ઇચ્છતા હતા. એમણે શિકાગોથી નવેમ્બર, ૧૮૯૪માં જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈને એક અત્યંત પ્રેરક પત્રમાં લખ્યું હતું:

‘જેમણે લાખો ચગદાયેલા શ્રમજીવીઓનાં હૃદયનાં રક્તને ભોગે કેળવણી લીધી છે અને એશઆરામ ભોગવે છે પણ તેમનો કદીયે ખ્યાલ સરખોય કરતા નથી, તેમને હું દેશદ્રોહી કહું છું.’ (૧૨.૧૨૫)

એવી જ રીતે સ્વામીજીએ શિકાગોથી ૧૮૯૪માં પોતાના પ્રિય મિત્ર આલાસિંગાને સંબોધીને લખેલ પત્રમાં આ શબ્દો હતા :

‘જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું. ગરીબોને પીસીને પોતાનો તમામ પૈસો કમાનારા, ફૂલફટાટ થઈને દમામ ભેર ફરનારા લોકો જ્યાં સુધી ભૂખ્યા જંગલીઓની કોટિમાં આવી રહેલા આ વીસ કરોડ લોકો માટે કશું  કરતા નથી, ત્યાં સુધી એવા લોકોને હું અધમ કહીશ.’ (૧૧.૨૪૨-૪૩)

સ્વામીજી સ્પષ્ટપણે માનતા હતા કે રાષ્ટ્રની પ્રગતિનો આધાર સામાન્ય જનના શિક્ષણ અને બુદ્ધિશક્તિના વિકાસ પર છે. ભારતના મૂઠીભર માણસોએ સદીઓ સુધી જ્ઞાન, બુદ્ધિશક્તિનો ઈજારો રાજસત્તાને ઈશારે અને સહારે પોતાના હાથમાં રાખ્યો હતો. આપણી અવનતિનું મુખ્ય કારણ એ હતું. એટલે જ તેઓ સ્પષ્ટપણે માનતા કે નિમ્નાતિ નિમ્ન સામાન્ય માનવસમાજને સુશિક્ષિત બનાવવાથી જ આ સમસ્યાનો સાચો ઉકેલ આવી શકશે.

સ્વામીજી સામાન્ય જનસમૂહની જેમ જ આપણી ઉપેક્ષિત નારીઓની કેળવણી વિશે એટલા જ સજાગ હતા. તેઓ કહેતા કે બધાં રાષ્ટ્રો નારીને ઉચિત સન્માન અને શિક્ષણ આપીને જ મહાન બન્યાં છે. નારીની અવગણના કરનાર રાષ્ટ્રો અવગતિને પામ્યાં છે. સ્ત્રીઓની ઉન્નતિ થાય અને સામાન્ય જનસમૂહમાં જાગરણ આવે તો જ ભારતનું સાચું ક્ષેમકલ્યાણ થાય. સ્ત્રીઓની ઉન્નતિ થતાં એમનાં સંતાનો પણ ઉદાત્ત કાર્યો દ્વારા દેશને ઉજાળે; સાથે ને સાથે સંસ્કાર, જ્ઞાન, સામર્થ્ય અને ભક્તિનો પણ દેશમાં ઉદય થાય.

વિશેષાધિકાર પ્રગતિને હણે છે

સ્વામીજી માનતા કે માનવજીવનમાં વિશેષ અધિકારનો વિચાર અનર્થનું મૂળ છે. પ્રજાજીવનમાં જ્યારે વિશેષાધિકારો દૂર થાય છે ત્યારે જ પ્રકાશ અને પ્રગતિ આવે છે. આ વિશેષ અધિકાર ઘણા પ્રકારના હોઈ શકે. બળવાનનો નિર્બળ પરનો વિશેષ અધિકાર, સત્તાધીશોનો સત્તાવિહોણા પરનો અધિકાર, ધનવાનોનો નિર્ધન પરનો અધિકાર, બુદ્ધિવાળાનો અજ્ઞાન-અભણ લોકો પરનો અધિકાર. અન્ય કરતાં વધુ સંપત્તિવાળો મનુષ્ય ઓછી સંપત્તિવાળા પર પોતાનો વિશેષ અધિકાર ભોગવવા ઇચ્છે છે પણ સૌથી વધારે સૂક્ષ્મ અને બળવાન વિશેષાધિકાર છે બુદ્ધિનો. આ વિશેષાધિકારવાળો માનવ પોતે વિશેષ જ્ઞાન ધરાવે છે એટલે એનો અધિકાર ભોગવવાનો દાવો કરે છે. વેદાંત પ્રમાણે દરેક મનુષ્યમાં એક સમાન દિવ્યતા રહેલી છે. દરેકમાં એ જ દિવ્યશક્તિ રહેલી હોય તો પછી વિશેષાધિકારનો દાવો ક્યાં ટકે એમ છે? અજ્ઞાનીમાં જ્ઞાન ઓછું વિકસિત થયું કારણ કે વિકાસ પામવાની તક એને કદાચ ઓછી મળી હોય અને સંજોગો પણ પ્રતિકૂળ હોય. જ્યારે એને તક આવી મળે છે ત્યારે એના જ્ઞાનનું અજવાળું જોવા મળે છે.

અમુક માણસો સ્વાભાવિક લાયકાતને લઈને વધારે ધન મેળવી શકે છે. પણ એમની નાણા કમાવાની શક્તિને કારણે તેઓ જે લોકો દ્રવ્ય મેળવી શકતા નથી, તેમના પર જુલમ કરે અને ત્રાસ ગુજારે એ નીતિમત્તા નથી. સ્વામીજી એમ પણ માનતા કે ધર્મના ક્ષેત્રમાં દેખાતાં દ્વેષ, ઈર્ષ્યા કે સંઘર્ષના મૂળમાં પણ આર્થિક પરિસ્થિતિ કે અસંતોષ મુખ્ય કારણ છે. તેઓ માનતા કે સામાન્ય લોકો ધર્મ, સંપ્રદાય અને એ બધા દ્વારા દોરાય છે ખરા પણ જ્યારે તેઓ એક સમૂહ તરીકે સંઘર્ષ કરે છે તો એમાં એમને ક્રિયાશીલ બનાવવા માટે આર્થિક કારણ મુખ્ય હોય છે. સ્વામીજીએ સાન્ફ્રાંસિસ્કોમાં ૨૬ મે, ૧૯૦૦ના રોજ ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા’ પર આપેલ પ્રથમ વ્યાખ્યાનમાં કહ્યું હતું :

‘જ્યારે જ્યારે કોઈ ધર્મ સફળ થાય છે, ત્યારે ત્યારે તેમાં આર્થિક મૂલ્ય હોવું જ જોઈએ. ભલે હજારો સમાન સંપ્રદાયો સત્તા મેળવવા માટે મથતા હોય, પણ જે સંપ્રદાય આર્થિક પ્રશ્નોનો મુકાબલો કરી શકે, તે જ સત્તા પ્રાપ્ત કરશે. માનવી પેટથી દોરવાય છે. તમે જોયું નથી કે માણસ ચાલે છે ત્યારે તેનું પેટ આગળ હોય છે, અને માથું પાછળ હોય છે!’ (૭.૧૫)

આપણે ભારતમાં સદીઓથી ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મુર્ખાઈભરી વાતો કરતા રહ્યા છીએ. એમાં વિશેષ કરીને પૈસા કે સંપત્તિના ઉપાર્જન કે સંચયને એક પાપ કે ઘૃણાની દૃષ્ટિએ જોવામાં આવે છે. ભલે ધર્મ અને આધ્યાત્મિકતાની દૃષ્ટિએ એ સાચું પણ હોય તો ગણ્યાંગાંઠ્યા સંતો કે આધ્યાત્મિક વિભૂતિઓનો ઉદ્‌ભવ કરવા બાકીનાં કરોડો લોકોને ભૂખમાં ડૂબાડી રાખવાનાં છે! એટલે જ આલાસિંગા પેરુમલને ૧૯ નવેમ્બર, ૧૮૯૪ના રોજ ન્યૂયોર્કથી લખેલ એક પત્રમાં સ્વામીજીએ એક ક્રાંતિકારી વિચારની વાત કરી છે :

‘સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રીપુરુષો સાચી આધ્યાત્મિક વૃત્તિવાળાં છે. હવે માત્ર આટલા જ લોકોના આધ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડને જંગલીપણા અને ભૂખમરામાં ડુબાડવાં? શા માટે કોઈએ ભૂખે મરવું જોઈએ? મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન.. ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુદ્ધાં જરૂરી છે.’ (૫.૨૯૨-૯૩)

સ્વામીજીએ વિભિન્ન વિષયો પર પોતાના શાણપણભરી રત્નકણિકાઓ ઉચ્ચારી હતી, તેનો સંગ્રહ ભગિની નિવેદિતા અને અન્ય શિષ્યાઓએ ‘ઉક્તિઓ અને ઉદ્‌ગારો’ નામના શિર્ષકથી ગ્રંથમાળા ભાગ-૮માં સંગ્રહાયેલા છે. એમાંથી આ ઉદ્‌ગાર આજે પણ પ્રાસંગિક છે :

‘અત્યાર સુધી આપણા હિંદુ ધર્મનો મહાન દોષ માત્ર ‘ત્યાગ’ અને ‘મુક્તિ’ એ બે શબ્દો સમજવામાં જ રહેલો છે; અહીં કેવળ ‘મુક્તિ’ જ; ગૃહસ્થી માટે કંઈ પણ નહિ. પણ જેમને હું મદદ કરવા માગું છું, તે બરાબર આ જ લોકો છે.’ (૧૦.૨૨૨)

ઉપર્યુક્ત ગ્રંથમાં આવા જ એક બીજા સંગ્રહ ‘વચનામૃત’માં સ્વામીજીના આ ઉદ્‌ગારો આ વાતને વધુ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવે છે :

‘જો શાસ્ત્રો કેવળ સંન્યાસીઓને જ માર્ગદર્શન કરાવે અને ગૃહસ્થાશ્રમીઓને ન કરાવે, તો પછી ગૃહસ્થાશ્રમીને આવાં એકદેશી શાસ્ત્રોની શી જરૂર છે? જો શાસ્ત્રો માણસોને જ્યારે તેઓ બધું કામકાજ છોડી દઈને જંગલમાં જઈને બેસે ત્યારે જ સહાયક થઈ પડતાં હોય, અને રોજના કામકાજમાં રોકાયેલા દુનિયાદારીના માનવીને માર્ગદર્શક થતાં ન  હોય – તેની રોજિંદી મજૂરી, રોગ, દુ:ખ, અને દારિદ્રમાં – પશ્ચાત્તાપના વિષાદમાં – દલિતની આત્મનિંદામાં – સમરાંગણની ભીષણતામાં – કામ, ક્રોધ અને વિલાસના આવેગમાં – વિજયના ઉન્માદમાં – પરાજયના અંધકારમાં અને છેલ્લે મૃત્યુની કાળરાત્રિમાં – જો એ શાસ્ત્રો એમના હૃદયમાં આશાનો પ્રદીપ પ્રગટીને રસ્તો બતાવી શકતાં ન હોય, તો દુર્બળ માનવજાતને એવાં શાસ્ત્રોની જરૂર નથી.’ (૧૦.૧૮૭)

શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં ૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ ‘ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી’ વિશેના પોતાના વ્યાખ્યાનમાં એમણે કહ્યું હતું:

‘પૂર્વમાં જરૂર ધર્મની નથી; તેમની પાસે ધર્મ ખૂબ છે. લાખો ભૂખ્યા હિંદુઓ રોટી  માટે પોકાર પાડી રહ્યા છે. તેઓ આપણી પાસે રોટલો માગે છે, જ્યારે આપણે પાણાં આપીએ છીએ. ભૂખ્યા લોકોને ધર્મનો ઉપદેશ કરવો, એ એમનું અપમાન છે. ભૂખ્યા માણસને તત્ત્વજ્ઞાન શીખવવા બેસવું એ તેનું અપમાન છે.’ (૩.૧૮)

વોશિંગ્ટનથી ૧૭ ઓક્ટોબર, ૧૮૯૪ના રોજ પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને એક પત્રમાં એમણે પોતાના હૃદયની વેદના આ શબ્દોમાં વ્યક્ત કરી છે :

‘જે ઈશ્વર અગર જે ધર્મ વિધવાનાં અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલાનું બટકું આપી ન શકે એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી. સિદ્ધાંતો ગમે એટલા ઉચ્ચ હોય, કે તત્ત્વજ્ઞાન ગમે એટલું સુસંબદ્ધ હોય, પરંતુ જ્યાં સુધી એ પુસ્તકો અને જડ નિયમોમાં પુરાયેલાં હોય ત્યાં સુધી હું એને ધર્મ કહેતો નથી.’ (૧૧.૨૩૫)

અત્યાર સુધી ભારતના બધા સંન્યાસી કે ધાર્મિક સંપ્રદાયોએ મુમુક્ષુત્વના આધારે ધર્મનો પ્રચાર કર્યો, જેમાં વિવેક, વૈરાગ્ય, અપરિગ્રહ, અહિંસા, જેવા ઉચ્ચકક્ષાના સાધકો માટેનો ઉપદેશ પોતાનું દાડિયું માંડ માંડ રળતા સામાન્ય જનસમૂહને પરાણે ઠાંસતા. એટલા માટે સાચા ધર્મની વાત અને સર્વ કલ્યાણ કરવાની વાતના કેટલાક નિયમો સ્વામીજીએ સર્વ પ્રથમ એ વર્ગ સમક્ષ મૂક્યા છે. એમાં ‘શિવભાવે જીવસેવા’ના એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના ઉપદેશને ધ્યાનમાં રાખીને ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’નો આદર્શ એ સંન્યાસીઓ સમક્ષ મૂક્યો છે. જો આ આદર્શનું પાલન થાય તો સામાન્ય જનસમૂહનાં દુ:ખદારિદ્ય્રની દવા સહજ-સરળ બની જાય. તેઓ આલમબજાર મઠમાં ૧૮૯૭ના વર્ષે પોતાના એક શિષ્ય સાથે થયેલા વાર્તાલાપમાં કહે છે :

‘સંન્યાસી જન્મે છે : બહુજનહિતાય બહુજનસુખાય । એટલે લોકોનું હિત કરવા અને તેમને સુખી કરવા. જે માણસ સંન્યાસ સ્વીકારીને આ આદર્શને ભૂલી જાય તેનું જીવન સાવ વ્યર્થ છે. બીજાઓ માટે પોતાના જીવનનું સમર્પણ કરવા, લોકોનાં કરુણ રુદન અટકાવવા, વિધવાઓનાં આંસુઓ લૂછવા, મૃત્યુએ છીનવી લીધેલા પુત્રના વિયોગે ઝૂરતી માતાના હૃદયને શાંતિ આપવા, અજ્ઞાન જનતાને સંગ્રામમાં ઝઝૂમવા સમર્થ બનાવવા, આધ્યાત્મિક કેળવણીના પ્રચાર દ્વારા સહુને ઐહિક અને આધ્યાત્મિક કલ્યાણ પ્રાપ્ત કરાવવા તથા જ્ઞાનનો પ્રકાશ પાથરીને સહુમાં સૂતેલા બ્રહ્મરૂપ સિંહને જગાડવા માટે આ જગતમાં સંન્યાસી જન્મ લે છે.’ (૧૦.૨૮૪-૮૫)

યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્ર જીવનના પ્રત્યેક પાસાનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઊતારીને દરેક માનવ, દરેકેદરેક ભારતવાસી સ્વકલ્યાણ, સમાજકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ અને વિશ્વકલ્યાણ કરીને પોતાને અને દેશને કેવી રીતે ઉજ્જ્વળ કીર્તિ અપાવી શકે એની વાતો આપણને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ભાગ ૧ થી ૧૦માં અલગ અલગ સમયે, સ્થળે, અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આપેલ એમનાં વ્યાખ્યાનો, પત્રો, લખાણો અને ઉદ્‌ગારોમાંથી સાંપડે છે. સ્વામી વિવેકાનંદ એક વિરલ સંન્યાસી હતા. એમણે સામાન્ય જનોના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આપણા દેશના પીડિતવર્ગના જાગરણ માટેના સ્વામીજીના ઉદ્‌ગારોની હવે પછીના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરીશું.

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.