ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક – બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી હતી. તે ગોકુળમાં ગોપીઓને ઘેર ફૂલ-તુલસી આપવા જાય ત્યારે ગોપીઓ લાલાની વાતો કરે તે માલણ સાંભળે. એને કૃષ્ણ-કથા સાંભળવાનું વ્યસન થયું હતું. લાલાની વાતો ન સાંભળે ત્યાં સુધી એને ગમે જ નહીં. એ નિયમથી કૃષ્ણકથા સાંભળે છે કે ‘લાલાએ આજે આવું કર્યું, લાલાએ આજે આવું કહ્યું’ ધીરે ધીરે એના હૃદયમાં પ્રેમ જાગે છે, લાલાનાં દર્શનની ભાવના જાગે છે કે ગોપીઓ જેની વાતો આખો દિવસ કરે છે એ કનૈયો કેવો હશે! મારે લાલાને જોવો છે. માલણ યશોદાજીના આંગણે જઈને ઊભી રહે છે કે કનૈયો બહાર આવે તો લાલાનાં દર્શન કરું. માલણને શ્રીકૃષ્ણ – દર્શનની બહુ ઇચ્છા થઈ છે પણ સાથે સાથે એના મનમાં બીજી પણ ઘણી વાસનાઓ પડી છે. સંસારની એક પણ વાસના મનમાં હોય તો જીવ ભગવાનનાં દર્શન માટે લાયક નથી. માલણ જ્યારે દર્શન કરવા આવે ત્યારે કનૈયો બહાર જાય જ નહીં, અંદર બેસી રહે. માલણ લાલાની પ્રતીક્ષા કરે છે, કનૈયો બહાર આવતો નથી. ઘણા દિવસ આવું થયું. એને દર્શનની ઇચ્છા છે. પણ લાલાનાં દર્શન થતાં નથી. માલણે એક દિવસ ભૂદેવને કહ્યું છે કે, ‘મહારાજ, હું જ્યારે ત્યાં જાઉં છું ત્યારે લાલો બહાર આવતો નથી. ગોપીઓ કહે છે કે એ પ્રેમાળ છે. મારાં કંઈક પાપ હશે તે મને લાલાનાં દર્શન થતાં નથી. મને લાલાનાં દર્શન થાય એવો કોઈ ઉપાય બતાવો.’ ભૂદેવે કહ્યું કે સવારે ઊઠીને ધ્યાન કરતાં બહુ તન્મનતા થાય ત્યારે દર્શન થાય છે, દેહભાન ભુલાય ત્યારે દેવ દેખાય છે. જેને યાદ આવે છે કે ‘હું પુરુષ છું, હું સ્ત્રી છું’ એને દેવનાં દર્શન બરાબર થતાં નથી. પરમાત્માનું તું ધ્યાન-સ્મરણ કર. માલણે કહ્યું કે સવારથી જ હું ધ્યાન કેવી રીતે કરું? ભૂદેવ કહે : લાલાની ઘરમાં સેવા કરજે. માલણે કહ્યું કે મહારાજ, હું સેવા કરી શકતી નથી. ભૂદેવે કહ્યું કે ‘લાલાને માટે કઈક નિયમ તો લેવો જ પડશે. ભક્તિનો તું કંઈક નિયમ લે.’ મન દગાખોર છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહિ. એક વાર મનને પાપ કરવાની છૂટ આપશો તો મન ફરીથી માગશે. પછી તો મનને પાપ કરવામાં જ મજા આવશે. જીવન બગડશે. આ કથા સાંભળ્યા પછી તમારા મનને કોઈ પણ ભક્તિના નિયમથી બાંધી રાખો, છૂટું મૂકશો નહિ. એને એક વાર પણ પાપ કરવાની રજા આપશો નહિ. પાપ છોડશો અને ભક્તિનો કાંઈક નિયમ લેશો તો આ કથાનું સોળ આની ફળ તમને મળશે, તમારું કલ્યાણ થશે, અમારા ભગવાન ખૂબ કૃપા કરશે. લોકો એવું સમજે છે કે પાંચ-દશ રૂપિયા ભેટ ધરીએ એટલે ભાગવતનું બધું પુણ્ય આપણને મળી જાય. અરે, પૈસાથી પુણ્ય મળે છે? પ્રભુએ પૈસો આપ્યો હોય એનો થોડો સદુપયોગ કરો તે ઠીક છે, સારું છે. પણ કથાનું ફળ મળે એવી ઇચ્છા હોય તો પાપ છોડો : ‘આજથી મેં નિશ્ચય કર્યો છે કે ગમે તે થાય હું જૂઠું નહિ બોલું, હું ક્રોધ નહિ કરું.’ પાપ છોડીને જે ભક્તિ કરે એ જીવ ઉપર ભગવાન જલદી પ્રસન્ન થાય. લોકો થોડી ભક્તિ કરે છે પણ ઘણા ભાગે પાપ ચાલુ જ રાખે છે. તેથી એ ભક્તિ ભગવાનને ગમતી નથી. માલણને ભૂદેવે કહ્યું છે કે તારે કોઈ નિયમ તો લેવો જ પડશે. માલણ કહે : ‘મહારાજ, હું બહુ ગરીબ છું, કંઈક કરી શકું એવો નિયમ મને આપો.’ ભૂદેવે વિચાર કરીને કહ્યું છે કે માલણ, તું નંદબાબાના આંગણામાં જઈને ઊભી રહે છે તે સારું નથી. આજથી તું નંદબાબાના રાજમહેલને એકસો આઠ પ્રદક્ષિણા કરવાનો નિયમ લેજે. તારાં પાપ બળશે. પ્રભુને દયા આવશે. પ્રદક્ષિણા કરતાં કરતાં પ્રભુને પ્રાર્થના કરજે કે હે પરમાત્મા, મારે તમારાં દર્શન કરવાં છે. માલણે વિચાર કર્યો કે બે પૈસાનોય ખર્ચો નથી. મારે રોજ ગોકુળમાં તો જવું જ પડે છે, હું આંગણામાં ત્યાં ઊભી રહું એ સારું નથી. એટલે આજથી એકસો આઠ પ્રદક્ષિણા કરીશ. તેણે કહ્યું : ‘મહારાજ, મારે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની એ સમજાવો.’ મહારાજ કહે : ‘શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં હાથ જોડીને પ્રદક્ષિણા કરવાની. મનથી સ્મરણ કરો અને જીભથી ભગવાનના નામનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરો ત્યારે ધીરે ધીરે ચાલો.’ કૂતરું પાછળ પડે અને જેમ કોઈ દોડે તેમ કેટલાક પરિક્રમા કરતાં દોડયા જ કરે છે અને પરિક્રમા પૂરી કરે છે. એ બરાબર નથી. માલણે ભૂદેવને પૂછયું કે બાલકૃષ્ણ લાલનાં દર્શન મને કયારે થશે? ભૂદેવે કહ્યું કે થશે, ત્રણ વર્ષ તું નિયમથી પરિક્રમા કર. લાલાને દયા આવશે. એ બહુ પ્રેમાળ છે, અતિ ઉદાર છે.

માલણ રોજ નિયમથી નંદબાબાનાં રાજમહેલને એકસોઆઠ પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતાં લાલાને રીઝાવે છે : ‘નંદકુમાર, બહાર આવો, મને દર્શન આપો.’ ધીરે ધીરે હવે એનું મન શુદ્ધ થયું છે. શ્રીકૃષ્ણ દર્શન માટે તલસે છે. માલણ વિચાર કરે છે : ગોપીઓ કહે છે કે એ તો બહુ પ્રેમાળ છે, છૂમ છૂમ કરતો દોડતો આવે છે. ત્રણ વર્ષ થયાં હું લાલાની પાછળ પડી છું, હજી એકવાર પણ મને દેખાયો નથી. આજે માલણે નિશ્ચય કર્યો છે કે લાલાનાં દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી. સુંદર ફળમેવાની ટોપલી માથે છે, એ લાલાને પ્રેમથી બોલાવે છે : ‘ફળ લો, ફળ લો.’ લાલાના કાને તે શબ્દ ગયો છે. લાલાએ વિચાર કર્યો : ‘આ જીવ ત્રણ વર્ષ થયાં મારી પાછળ પડયો છે. આ જીવ દર્શન માટે તો બહુ લાયક નથી, પણ એની ભક્તિને મક્કમ કરવા માટે આજે હું દર્શન આપું.’ કરેલાં કર્મનું ફળ આપનાર પરમાત્માને આજે ફળ લેવાની ઇચ્છા થઈ. આજે બાલકૃષ્ણ લાલ દોડતાં દોડતાં બહાર આવ્યા છે. પાંચ વર્ષનો કનૈયો છે. એ બહુ સુંદર દેખાય છે. યશોદામાએ પીળું પીતાંબર પહેરાવ્યું છે, સોનાનો કંદોરો છે, બાજુબંધ ધારણ કર્યાં છે, કાનમાં કુંડળ છે, નાકમાં મોતી લટકે છે, કપાળમાં સુંદર તિલક છે. રેશમ જેવા સુંવાળા અને વાંકડિયા કેશ છે, મોરપિંછનો મુગટ છે, હાથમાં નાનકડી વાંસળી છે, ચરણમાં સુવર્ણનાં નૂપુર છે, છૂમ છૂમ કરતાં ચાલે છે. લાલાની આંખમાં પ્રેમ ભર્યો છે. લાલાએ બે હાથ લંબાવ્યા છે અને માગે છે : ‘મને ફળ આપો.’ માલણને બાલકૃષ્ણ લાલનાં દર્શન થયાં છે. ચાર આંખ મળે ત્યારે દર્શનમાં બહુ આનંદ આવે છે. કનૈયો પ્રેમથી માલણને જુએ છે. માલણને લાલાનાં દર્શનથી બહુ આનંદ થયો છે : કેવો દેખાય

છે! યશોદામાએ બહુ પુણ્ય કર્યું છે કે કે આવો બાળક એના પેટે જન્મ્યો છે. લાલાને મારી નજર ન લાગે તો સારું, મારી આંખ બહુ ખરાબ છે. આ બાળક સદાસર્વદા આનંદ આપે છે. લાલાનાં દર્શન કર્યા પછી માલણને લાલા સાથે બોલવાની ઇચ્છા થઈ છે. પ્રેમ ક્ષણે ક્ષણે વધે છે. લાલાને કહ્યું કે ‘બેટા, હું બહું ગરીબ છું, કાંઈ ફળ આપવા આવી નથી, વેચવા આવી છું. તું થોડું અનાજ લઈ આવ.’ બાલકૃષ્ણ લાલ દોડતા ઘરમાં ગયા. માલણે અનાજની માગણી તો કરી પણ એને ખૂબ દુ:ખ થયું છે : ‘મારી ભૂલ થઈ છે. આ ફળ તો શું બાળકને મારા પ્રાણ આપ્યા હોત તો પણ ઓછા હતા. એ પ્રેમથી બહાર આવ્યો. મારી બુદ્ધિ બગડી કે મેં લાલાને કહ્યું કે ફળો વેચવા આવી છું, હું ગરીબ છું. પણ એમાં મેં લાલાને કાંઈ ખોટું કહ્યું નથી. મેં સાચું કહ્યું છે. માલણને ચિંતા હતી કે ઘેર ગયા પછી હું શું ખાઈશ? માલણે લાલાને સાચું જ કહ્યું હતું. પણ હવે માલણને થાય છે કે એ બહાર આવશે કે નહિ? નહિ આવે. ના, ના, આવશે. મને કહ્યું છે કે હું આવીશ. માલણનો પ્રેમ બહુ વધવા લાગ્યો છે. માલણના ઘરમાં આઠ કન્યાઓ હતી, એક પણ દીકરો ન હતો. લાલાને જોયા પછી એના મનમાં એવો પ્રેમ જાગ્યો કે આવો દીકરો મને થાય તો સારું. યશોદાજી બાલકૃષ્ણ લાલને ગોદમાં લઈને બેસે છે એમાં માને કેવો આનંદ થતો હશે! આવો આનંદ કોઈ દિવસ મને થશે? લાલાને જોયા પછી માલણના હૃદયમાં એવો ભાવ જાગ્યો છે કે કનૈયો બે મિનિટ મારી ગોદમાં આવે તો મને બહુ આનંદ થશે. માલણ લાલાની પ્રતીક્ષા કરે છે. બાલકૃષ્ણ લાલ ઘરમાં ગયા છે. મુઠીમાં ચોખા લઈને દોડતાં દોડતાં પાછા આવે છે. લાલના હાથ બહુ કોમળ છે. તે રસ્તામાં ચોખા વેરાય છે. થોડા ચોખાના દાણા મુઠીમાં રહ્યા હતા તે ટોપલીમાં નાખ્યા. માલણના હૃદયમાં પ્રેમ છે. એની ભાવના છે કે બાળક મારી ગોદમાં આવે, પણ હું એને કેવી રીતે કહું કે તું મારી ગોદમાં આવ? એવું મારાથી બોલાય કેમ? એના હૃદયનો પ્રેમ બાલકૃષ્ણ લાલ સમજી ગયા છે. બાલકૃષ્ણ લાલ તો એની ગોદમાં બેઠા. માલણને બહુ આનંદ થાય છે. એનો પ્રેમ વધવા માંડયો. એના મનમાં એવો ભાવ જાગ્યો કે કનૈયો મારી ગોદમાં તો આવ્યો, પણ એકવાર એ મને મા કહીને બોલાવે. મારાથી એવું બોલાય નહિ કે તું મને મા કહીને બોલવ. માલણ સંકોચને લીધે બોલી શકતી નથી. લાલાને દયા આવે છે; એની ભાવના છે કે હું તેનો દીકરો થાઉં. હું બધાંનો બાળક છું, હું બધાંનો બાપ છું અને બધાંનો દાદો પણ હું જ લાગું છું. જીવ જેવો ભાવ રાખે છે એ ભાવ પ્રમાણે હું પ્રેમ કરું છું. માલણની બહુ ભાવના હતી. લાલાએ કહ્યું કે ‘મા, મને ફળ દે.’ લાલાએ માલણને મા કહીને બોલાવી. એને અતિશય આનંદ થયો છે કે લાલાને શું આપું? એના હાથમાં દ્રાક્ષ છે, જાંબુ છે. માલણ લાલાનાં ઓવારણાં લે છે – એને કોઈની નજર ન લાગે. માલણે લાલાને કહ્યું : ‘બેટા, આજે મારી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં અનાજની માગણી કરી, હવે કોઈ દિવસ હું તારી પાસે નહિ માગું. ગમે તેમ કરીશ, પણ રોજ તારે માટે મજાનાં ફળમેવા લઈ આવીશ. બેટા, મારી બહુ ઇચ્છા છે કે હું જ્યારે ફળ લઈને આવું ત્યારે તું બહાર આવજે. બેટા, હું એમ નથી કહેતી કે તું મારી ગોદમાં બેસ; તને ગમે તો બે મિનિટ તું મારી ગોદમાં બેસજે, મને બહુ આનંદ થશે. બેટા, હું લાયક નથી પણ એક વાર તું મને મા કહીને બોલાવે તો મારું બધું દુ:ખ હું ભૂલી જાઉં.’ માલણ બોલે છે પણ લાલાએ આ બધું સાંભળ્યું જ નથી. હાથમાં ફળ આવ્યા પછી કનૈયો દોડતો દોડતો ઘરમાં જાય છે. કનૈયો ઘરમાં ગયો પણ માલણનું મન ચોરીને ગયો. માલણ પાસે હવે મન રહ્યું જ નથી, માલણ તો પાગલ જેવી થઈ ગઈ છે. એને યાદ આવે છે કે કનૈયો મને મા કહીને બોલાવે છે. માલણને તો એવું થયું કે અહીં જ રહી જાઉં. યશોદામા મને ઘરમાં દાસી તરીકે રાખે તો કેવું સારું. હું હલકામાં હલકું જે બધું કામ હશે તે કરીશ. ઘરમાં જે એંઠું હશે તે મને ખાવા આપશે તો પણ ચાલશે. પણ મારે ઘેર જવું નથી. એને ઘેર જવાની ઇચ્છા થતી નથી. ઘેર ગયા વિના છૂટકો નથી. ઘેરથી લોકો શોધતાં અહીં આવશે. એણે ટોપલી માથે રાખી. એ લાલાનું સ્મરણ કરતી કરતી ઘેર આવી. ઘેર આવ્યા પછી એણે જોયું તો ટોપલી રત્નોથી ભરેલી હતી. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું હતું. એનું જન્મનું દારિદ્રય લાલાએ દૂર કર્યું હતું. ‘મારે આંગણે આવેલો જીવ ગરીબ નહિ રહે.’ તમે જે કથા સાંભળો છો, તમે પ્રભુના નામનો જે જપ કરો છો, તમે જે દાન આપો છો – આ કરેલાં સર્વ સત્કર્મનું પુણ્યરૂપી ફળ શ્રીકૃષ્ણને અર્પણ કરો. કોઈ પણ સારું કામ કર્યા પછી મેં કર્યું છે તે ભૂલી જાવ. જે કરેલાં કર્મરૂપી પુણ્યનું ફળ ભગવાનને અર્પણ કરે છે એની ટોપલી ભગવાન રત્નોથી ભરી દે છે. માનવની બુદ્ધિ પણ ટોપલી જેવી જ છે. પ્રેમલક્ષણા ભક્તિ એ જ રત્ન છે. અપરોક્ષ જ્ઞાન એ જ રત્ન છે. કરેલાં કર્મ શ્રીકૃષ્ણને અર્પણ કરવાથી બુદ્ધિમાં પ્રેમલક્ષણા ભક્તિ સ્ફુરે છે, અપરોક્ષ જ્ઞાનનું સ્ફુરણ થાય છે. માલણની ટોપલી રત્નોથી ભરી દીધી છે. એનો ચારે ય બાજુ પ્રકાશ દેખાય છે. એને પ્રકાશમાં બાલકૃષ્ણ લાલ દેખાય છે. જમણી બાજુમાં શ્રીકૃષ્ણ, ડાબી બાજુમાં શ્રીકૃષ્ણ, આગળ શ્રીકૃષ્ણ, અંદર શ્રીકૃષ્ણ, બહાર શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ સિવાય બીજું કંઈ જ નથી. એ ચારેય બાજુ શ્રીકૃષ્ણનાં દર્શન કરતી,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ હરે હરે,
હરે રામ, હરે રામ, રામ, રામ હરે હરે.

શ્રીકૃષ્ણ -કીર્તન કરતી, શ્રીકૃષ્ણ દર્શનમાં અતિ આનંદમાં તન્મય થઈ છે. બાલકૃષ્ણ લાલ ફળ લઈને ઘરમાં જાય છે. મને કહે છે કે મા, દ્રાક્ષ લાવ્યો છું, યશોદામાંના મુખમાં આપે છે. યશોદામાને આનંદ થાય છે. આ દ્રાક્ષ કયાંથી લાવ્યો હશે! આવી મીઠી દ્રાક્ષ મેં ખાધી નથી. એક દાસીએ કહ્યું આ કનૈયો બહાર ગયેલો, એક માલણની ગોદમાં બેઠેલો અને તેણે માલણને મા કહીને બોલાવેલ, ત્યારે માલણે દ્રાક્ષ આપી. યશોદામાને જરાય ખોટું લાગ્યું નહીં. કનૈયો બધાને મા કહીને બોલાવે છે તેથી શું? એ બધાંનો બાળક છે. આજે બધાં લાલાને આશીર્વાદ આપે છે. મારો દીકરો સુખી થશે. આજે કનૈયો સવારથી બધાંને – ગોપીઓને, ગોવાળને અને મિત્રોને દ્રાક્ષ આપે છે છતાં ટોપલી ભરેલી જ રહે છે. યશોદામાએ વિચાર કર્યો કે આજે લાલાને આશીર્વાદ આપવા મારે આંગણે અન્નપૂર્ણા આવ્યાં હશે. શ્રીકૃષ્ણની બાળલીલાઓ સાંભળવાથી શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાથી સેવા – સ્મરણ કરે તો ધીરે ધીરે તે શ્રદ્ધા આસક્તિમાં પરિણમે છે, ભગવદ્‌ સ્વરૂપમાં મન આસક્ત બને છે. સ્વરૂપમાં અને નામમાં આસક્ત થઈને ભક્તિ કરે તેની ભક્તિ વ્યસનરૂપ થાય. ભક્તિ જ્યારે વ્યસન બને છે ત્યારે તે ભક્તિને પ્રેમલક્ષણા ભક્તિ કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ વાસનાનો વિનાશ કરે છે. પ્રેમલક્ષણા ભક્તિ પરમાત્માને બાંધે છે. આ જીવ જ્યારે ઈશ્વરને બાંધે છે ત્યારે માયાના બંધનમાંથી છૂટે છે. ગોપીઓનો પ્રેમ હવે અતિશય વધી ગયો. ગોપીઓ પ્રેમથી લાલાને બાંધે છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય…

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.