નારદજીને પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્‌ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર નહિ ભૂલું, જે ગુરુદેવે મને પ્રભુનો રંગ લગાડયો, જે ગુરુદેવે મને પ્રભુના માર્ગમાં વાળ્યો, જે ગુરુદેવે મારાં વિકાર – વાસનાનો નાશ કર્યો. હું તો સાધારણ દાસીનો દીકરો હતો, મારા ગુરુદેવે કૃપા કરી.

વ્યાસ મહર્ષિએ પ્રશ્ન કર્યોછે: મહારાજ, તમારા પૂર્વજન્મની કથા સાંભળવી છે. તમને ભક્તિનો રંગ કેવી રીતે લાગ્યો? તમારું પાપ કેવી રીતે છૂટયું? મર્યા પછી પૂર્વજન્મ યાદ આવે નહિ. અત્યંત વિસ્મરણ એને જ મરણ કહે છે. તમને પૂર્વજન્મ યાદ આવે એનું કારણ શું? પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ કયાં છે?

નારદજી વ્યાસ મહર્ષિને પૂર્વજન્મની કથા સંભળાવે છે: પૂર્વજન્મમાં હું દાસીપુત્ર હતો. હું બહુ નાનો હતો ત્યારે મારા પિતા ગુજરી ગયા હતા. મારા પિતા મને યાદ આવતા નથી. મારી વિધવા મા મને યાદ આવે છે. મારા પિતાનું મરણ થયા પછી મારી મા એક બ્રાહ્મણના ઘરમાં દાસી થઈ. આ દાસીનો દીકરો હું પણ તે બ્રાહ્મણના ઘરમાં મોટો થયો. આખો દિવસ મારી માને કામ કરવું પડતું. કપડાં ધોવાં, વાસણ સાફ કરવાં વગેરે અનેક પ્રકારનાં કામ મારી મા કરતી. હું મારી માની પાછળ પાછળ ફરતો, માને પ્રત્યેક કામમાં મદદ કરતો. મારી મા રાજી થતી. મારા ઉપર ખૂબ પ્રેમ રાખતી, મને બહુ લાડ લડાવતી. એક જ દીકરો હતો તેથી માનો મારામાં વિશેષ પ્રેમ હતો. માને બહુ આશા હતી કે દીકરો મોટો થશે, નોકરીએ લાગશે, એનું લગ્ન થશે, એની વહુ આવ્યા પછી હું સુખી થઈશ. દસ વર્ષની મારી અવસ્થા થઈ હતી. કોળી ભીલનાં બાળકો સાથે હું રમતો હતો. લૌકિક સુખમાં ફસાયેલો હતો.

તે સમયે કેટલાક ભજનાનંદી સાધુઓ ફરતાં ફરતાં અમારા ગામમાં આવ્યા. ગામના લોકોએ બહુ આગ્રહ કર્યો: તમે બે-ચાર મહિના અહીં બેસી તમારી ભક્તિનો લાભ આપો. સંતો અમારા ગામમાં ચાર મહિના રહ્યા. ગામના લોકોએ એમને માટે વ્યવસ્થા કરી. મારા ઘરધણીની આજ્ઞા થઈ, મને સંતો પાસે લઈ ગયા અને તેમને કહ્યું: આ એક ગરીબ વિધવાનો દીકરો છે, તમારી સેવામાં તેને અહીં આપીએ છીએ. તમારા માટે ફૂલ, તુલસી ઈત્યાદિ લઈ આવશે, તમે જે કહેશો તે કામ કરશે, તે બહુ ગરીબ છે.

સાધુઓનું ભોજન થયા પછી મને પ્રસાદ પણ ત્યાં જ મળતો. સાચા સંતનાં દર્શન દુર્લભ છે. કદાચ કોઈને સંતનાં દર્શન થાય, પણ સંતની સેવા મળવી બહુ દુર્લભ છે. કદાચ કોઈને સંતની સેવા પણ મળે, પરંતુ સેવામાં તેને સોળ આની શ્રદ્ધા થાય નહિ. જે ચોવીસ કલાક સંતની સેવામાં રહે છે તેને કોઈ વખત સંતના દોષ પણ દેખાય. નિર્દોષ એક પરમાત્મા જ છે. જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે એ કોઈ ને કોઈ ભૂલ કરે છે. સંતમાં એકાદ દોષ હશે; સાથે સાથે એક સદ્‌ગુણ પણ હોય છે. દોષ તો તે ભક્તિથી દૂર કરી શકે છે. તન અને મન મળના આધારે રહે છે. મન અતિ શુદ્ધ થાય તો તે ભગવાનમાં મળી જાય છે. મન મેલું છે તેથી જ શરીર જીવંત છે. સંતમાં પણ એકાદ દોષ હોય છે. ભગવાનને સંતોના હાથે કેટલાંક કામ કરાવવાની ઇચ્છા હોય છે. સંતો પૂર્ણ નિર્દોષ થાય તો કંઈ કરી શકે નહિ. પૂર્ણ નિર્દોષ થાય તો ઈશ્વરથી અલગ રહી શકે નહિ. જીવમાત્રમાં કોઈ દોષ તો હોય છે. જે ચોવીસ કલાક સંતોની સેવામાં રહે છે તેને સંતના દોષ પણ દેખાય અને તેથી સંતમાં સોળ આની શ્રદ્ધા થતી નથી. કદાચ કોઈને સંતોમાં સોળ આની શ્રદ્ધા પણ થાય, છતાં સંતને જેની લાગણી નથી તેને ભક્તિનો રંગ લાગતો નથી. સંતો વિષયાનંદ આપતા નથી, ભજનાનંદ આપે છે. કોઈ સંત જ્યારે કૃપા કરે છે ત્યારે જ ભક્તિમાં આનંદ આવે છે. સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી, સંત સન્મતિ આપીને, બુદ્ધિ સુધારીને સુખી કરે છે. સંત વિકાર-વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે.

નારદજી કહે છે: નાનપણથી મારામાં બે સદ્‌ગુણ હતા. નાનપણથી જ મને એવી ટેવ પડી હતી કે સવારે ત્રણ – સાડા ત્રણ થાય એટલે જાગી જતો. મારા ગુરુદેવ તો ચાર વાગ્યે ઊઠે. મારા ગુરુદેવ જાગે એટલે હું એમને સાષ્ટાંગ વંદન કરતો. ગુરુદેવને આનંદ થતો. સવારે જે બહુ વહેલા ઊઠે તે સંતોને ગમે. મારામાં બીજો એક સદ્‌ગુણ હતો, હું બહુ ઓછું બોલતો. જે બહુ ઓછું બોલે તે સંતોને ગમે.

मुनयरल्पभाषिण:।

વધારે બોલે તે સંતોને ગમતું નથી. હું મારા ગુરુદેવની આગળ હાથ જોડીને ઊભો રહેતો. મારામાં વિનય હતો. દારિદ્રયમાં એક મોટો સદ્‌ગુણ હોય છે. દારિદ્રય દૈન્ય લાવે છે: ‘પાસે એક પૈસો નથી, હું કાંઈ ભણેલો નથી, હું અભિમાન શેનું કરું?’ દારિદ્રયમાં અભિમાન મરે છે. સંપત્તિ પોતાની સાથે અભિમાન લાવે છે.

મહારાજ, હું આપને શું કહું? એકવાર હું કથામાં ગયો હતો. ત્યાં કથામાં મને બહુ આનંદ આવ્યો. મારા ગુરુદેવ કથા બહુ સરસ કરતા. મોટા જ્ઞાની પુરુષો બેઠા હોય તો તેમને ડોલાવે, અને મારા જેવાં બાળકો કે કોઈ અજ્ઞાની બેઠા હોય તેનું પણ કલ્યાણ કરે. બહુ વિવેકથી, બહુ પ્રેમથી કથા કરે. સવારે તો ઉપનિષદ્ની, બ્રહ્મજ્ઞાનની થોડી વાતો કરે અને સાયંકાળે શ્રીકૃષ્ણ કથા કરે. મારા ગુરુજીના ઈષ્ટદેવ શ્રીબાલકૃષ્ણલાલ. ગુરુજીએ બાલકૃષ્ણલાલનું સ્વરૂપ બહુ ગમે. શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં એમની આંખમાં આંસુ આવે, ગળું ભરાય. એમને શ્રીકૃષ્ણ કથા અતિ પ્રિય લાગે. ગુરુદેવ બહુ પ્રેમથી શ્રીકૃષ્ણ કથા કરે. મને કથામાં અતિ આનંદ આવતો. શ્રીકૃષ્ણની બાળલીલામાં પ્રેમ વધતો. મધુમંગલ, મનસુખો, આ બધા ગરીબ ગોવાળોનાં બાળકો છે. આ ભણેલા નથી. આ બાળકોના ઘરમાં સંપત્તિ નથી. પણ લાલાને એ બહુ વહાલા લાગે છે. લાલો ગરીબ ગોવાળો સાથે પ્રેમ કરે છે: હું તમારા જેવો જ ગોવાળ છું. હું કોઈ દેવ નથી, ઈશ્વર નથી. અહીં કોઈ મોટો નથી, હું તમારા જેવો જ છું. લાલો ગોવાળ મિત્રો સાથે બહુ પ્રેમ કરે છે.

મનસુખો બહુ દુબળો હતો. એના શરીરનાં હાડકાં દેખાતાં હતાં. લાલાએ મનસુખાના ખભે હાથ મૂકી કહ્યું: તું મારો મિત્ર ખરો કે નહિ? મનુસખાએ માથું હલાવ્યું. લાલાએ કહ્યું: ત્યારે આવો દુબળો મિત્ર મને ગમતો નથી. મારા મિત્રો મારા જેવા જ તગડા થવા જોઈએ. તું મારા જેવો તગડો થા. જીવ – ઈશ્વરની અનાદિ કાળની મૈત્રી છે. ઈશ્વર ઇચ્છે છે કે બધા મારા જેવા થાય. મનસુખો રડવા લાગ્યો. એણે કનૈયાને કહ્યું: તું તો રાજાનો દીકરો છે. તારી મા તને રોજ મલાઈ અને માખણ બહુ ખવરાવતી હશે તેથી તું તગડો થયો છે. મેં કોઈ દિવસ માખણ ખાધું જ નથી. મને મારી મા દૂધ પણ આપતી નથી. હું બહુ ગરીબ છું ને, એટલે મારી મા મને છાશ આપે છે. લાલા, મારા જેવા ગરીબને કોણ માખણ ખવરાવે? મને કોઈ માખણ ખવરાવે તો પછી તગડો થઈ જાઉં. મનસુખાએ કહ્યું તે લાલાએ ધ્યાનમાં રાખ્યું. લાલો મનસુખાને સમજાવે છે: તું રડીશ નહિ, આવતી કાલથી હું તને રોજ માખણ ખવરાવીશ, લોકો ભલે મને માખણ ચોર કહે, લોકો લાલાને માખણચોર કહીને બોલાવે છે. લાલાએ ચોરી તો કરી પણ બધું માખણ મિત્રોને ખવરાવ્યું. મિત્રો માટે તે માખણચોર થયા. તમને કોઈ માખણચોર કહે તો ગમશે? લાલાને લોકો માખણચોર કહીને બોલાવે તો લાલાને જરા પણ ખોટું લાગતું નથી. તે મિત્રોને માટે જ માખણચોર કહેવાયા. લાલાની ભાવના હતી કે મારા બધા મિત્રો મારા જેવા હૃષ્ટપુષ્ટ બને.

નારદ વ્યાસજી મહર્ષિને કહે છે: મારા ગુરુદેવે લાલાનું આવું વર્ણન કર્યું. હું બાળક હતો. મારા મન પર તેની બહુ અસર થઈ. મને કથામાં અતિશય આનંદ આવ્યો: પરમાત્મા બાળકો સાથે પ્રેમ કરે છે. પ્રભુના દરબારમાં બાળકને જલદી પ્રવેશ મળે છે. જેનું હૃદય બાળકના જેવું નિર્દોષ, નિર્વિકાર છે એ પરમાત્માને બહુ વહાલો લાગે છે. ગુરુદેવ એવી રીતે કથા કરતા. મને કથામાં એવો તો આનંદ થવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયું. તે પછી કોઈ દિવસ રમવા હું ગયો જ નથી. મને કથામાં બહુ આનંદ મળવા લાગ્યો. શ્રીકૃષ્ણકથા એવી મધુર છે. બાળકોને આનંદ થાય, જુવાનને આનંદ થાય, સાધુસંતોને આનંદ થાય, નાસ્તિકને પણ આનંદ થાય. નાસ્તિક કથા સાંભળે તો એને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગે.

હું રોજ કથામાં જવા લાગ્યો. કોઈ વખત ગુરુદેવ મને જુએ. સંતોની આંખ સદાને માટે પ્રેમભરી હોય છે. સંતો જેને પ્રેમથી જુએ, જેને પ્રેમથી સ્પર્શ કરે એનું કલ્યાણ થાય. શ્રીગૌરાંગ મહાપ્રભુજીના ચરિત્રમાં આવે છે: એક કાજી હતો. વૈષ્ણવ ભક્તો કીર્તન કરે તે એને ગમતું નહિ. તે ચાબખાથી ભક્તોને મારતો. શ્રી મહાપ્રભુજીના કાને વાત આવી. મહાપ્રભુજીએ નિશ્ચય કર્યો; મારા વૈષ્ણવોને મારે છે, આજે એના આંગણે જઈને હું કીર્તન કરું. વૈષ્ણવોએ ના પાડી: એ જીવ લાયક નથી, તમારું અપમાન કરશે. પણ મહાપ્રભુજી તો ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે,’ કીર્તન કરતાં કરતાં કાજીના આંગણામાં ગયા. પેલો અધમ જીવ એમને મારવા દોડયો. જેવો મારવા માટે પાસે આવ્યો કે પ્રેમાવતાર ચૈતન્ય મહાપ્રભુજી એને ભેટી પડયા. અને જ્યાં સ્પર્શ કર્યો કે કાજીને ભક્તિનો રંગ લાગ્યો. એનું હૃદય પીગળ્યું. એ પાગલ બની ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ’ બોલવા લાગ્યો. સંત જેને પ્રેમ આપે છે, તેને પરમાત્માનાં દર્શનની આંખ આપે છે. સંત જેને સ્પર્શ કરે છે, જેને જુએ છે તેના રોમ રોમમાંથી પરમાત્માના નામનો જપ થાય છે. સંતનું શ્રીઅંગ નામમય બને છે.

નારદજી કહે છે: ગુરુદેવ કથા કરતાં મને અનેક વાર જુએ છે: આ બાળક સવારે વહેલો ઊઠી રોજ કથામાં આવે છે. આ જીવનું પરમાત્મા કલ્યાણ કરે. સંત બુદ્ધિ સુધારે છે, ભક્તિનો રંગ લગાડે છે. સંત સંસારનું લૌકિક સુખ આપતા નથી. સંસારનું સુખ તો જીવ અનેક જન્મોથી ભોગવતો આવ્યો છે. સંસારનું સુખ ભોગવીને એને કયાં શાંતિ મળી છે? સંતો સાચું સુખ આપે છે; ખરો આનંદ આપે છે.

એક દિવસ ગુરુદેવે મારા ઉપર કૃપા કરી તે મને યાદ આવે છે. ઉત્સવનો દિવસ હતો, અનેક સાધુ મહાત્માઓ પધાર્યા હતા. સવારથી હું તેમની સેવા કરતો હતો. બપોરના બે વાગ્યે સાધુઓનું ભોજન થયા પછી હું પતરાળાં ઉઠાવવા માટે ગયો. ગુરુદેવ ત્યાં વિરાજતાં હતા. સંતનો પ્રેમ શુદ્ધ હોય છે; સંસારનો પ્રેમ સ્વાર્થથી ભરેલો હોય છે. જેને પરમાત્મા મળ્યા છે એને બીજો સ્વાર્થ રહેતો નથી. જેને પરમાત્માનો અનુભવ થાય છે તે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. સંતની આંખો સદાને માટે પ્રેમથી છલકતી રહે છે. ગુરુદેવેની નજર મારા ઉપર પડી. એમણે મને પૂછયું: બેટા, તું જમ્યો કે નહિ? મને બહુ ભૂખ લાગી હતી, હું થાકી ગયો હતો, મારા જેવા ગરીબને જલદી ખાવાનું કોણ આપે? ગુરુદેવનો મારા ઉપરનો પ્રેમ જોઈ મારું હ્યદય પીગળ્યું. મારી આંખમાં આંસુ આવ્યાં:મારા ગુરુદેવ મારી બહુ કાળજી રાખે છે, મારી ઉપર એમનો કેવો પ્રેમ છે! હાથ જોડી હું ઊભો રહ્યો અને કહ્યું: હજુ હું સંતોની સેવા કરીશ પછી પ્રસાદી લઈશ. ગુરુદેવને થયું: આ બાળકને કોઈએ ખાવાનું આપ્યું નથી. સવારે બે વાગ્યે ઊઠે છે, આખો દિવસ સેવા કરે છે, રોજ કથા સાંભળે છે, આ જીવનું પરમાત્મા કલ્યાણ કરે, આ જીવને ભક્તિનો રંગ લાગે, એનું મન શુદ્ધ થાય. ગુરુદેવને દયા આવી. મને કહ્યું: બેટા, મારા પતરાળામાં થોડુંક એંઠુ રહ્યું છે તે તું ખાઈ જા.

મારા ગુરુદેવને એવો નિયમ હતો કે તેઓ બાલકૃષ્ણલાલને અર્પણ કર્યા વિના પાણી પણ પીતા ન હતા. એ ભગવાનનો પ્રસાદ હતો. મારા ગુરુજી આરોગી ગયા હતા. ગુરુદેવે કૃપા કરી તે પ્રસાદ મને આપ્યો. મહારાજ, તમને શું કહું? તે પ્રસાદ ખાધા પછી મને નવું જીવન મળ્યું. હું રોજ કથા સાંભળું, કીર્તન કરું પણ તે દિવસે કથા કીર્તનમાં બહુ તન્મય થયો. કીર્તનમાં હું દેહભાન ભૂલ્યો. મને પ્રભુના સ્વરૂપનો થોડો અનુભવ થયો. આનંદમાં હું નાચ્યો. ભજનમાં- કીર્તનમાં બુદ્ધિપૂર્વક બહુ નાચે તો સારું નહિ, થોડી તન્મયતા જોઈએ. તન્મયતામાં હ્યદય પીગળે, પરમાત્માનું સ્વરૂપ દેખાય તો અંદરનો આનંદ મળે. ખબર પણ નહિ કે આ શરીર નાચે છે. તન્મયતામાં અતિ આનંદમાં શરીર નાચે છે. તે દિવસે કીર્તનમાં હું નાચતો હતો. ચાર મહિના મેં સતત સેવા કરી, કૃષ્ણકથા સાંભળી. ધીરે ધીરે પ્રભુમાં  પ્રેમ જાગ્યો. પ્રેમ જાગે તો જ પાપ છૂટે. પ્રેમ કર્યા વિના કોઈ જીવ રહી શકતો નથી. આ જીવ જગત સાથે પ્રેમ કરે છે, પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. ગુરુદેવે એવી કૃપા કરી કે મને ભજનમાં – કીર્તનમાં ધીરે ધીરે તન્મયતા થવા લાગી, આનંદ આવવા લાગ્યો.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.