શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવતનો મનથી આશ્રય કરશો તો તે તમને પરમાત્માની ગોદમાં બેસાડશે.
શ્રીમદ્ ભાગવત મુમુક્ષુઓ માટે એક એવો અતિ ઉત્તમ ગ્રંથ છે કે જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું અનુપમ સંમિશ્રણ છે. ભગવદ્ એ ભવરોગની દવા છે. યોગીઓને વનમાં તપશ્ચર્યા કરતાં કરતાં સમાધિમાં જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ ગૃહસ્થને પોતાના ઘરમાં જ શ્રીમદ્ ભાગવતનું નિયમિત અધ્યયન કરવાથી મળે છે. મનના મેલને દૂર કરવાનું સાધન ભાગવત શાસ્ત્ર છે. ભાગવત કદી એમ નથી કહેતું કે ઘર છોડવાથી જ ભગવાન મળે છે. ભાગવત તો ઘરમાં પણ વિવેકથી રહી ભક્તિ કરવાનું કહે છે. ઘર ને ઘરમાં જે કંઈ છે એ બધું પરમાત્માનું જ છે. એ પ્રકારના સમર્પણ ભાવથી રહો. જ્યાં આપણે આ તનના પણ માલિક નથી, તો ધનના અને ઘરના માલિક કઈ રીતે થઈ શકવાના છીએ? તમે ઘરના માલિક નહીં પણ સેવક થઈને રહેજો. માલિક તો શ્રીકૃષ્ણ છે તમે તો એનો ઉપયોગ કરનારા સેવક છો. માનવીને પ્રાપ્ય ધન-ઘરનો માત્ર ઉપયોગ કરવાનો જ અધિકાર છે. ઉપભોગ કરવાનો નહીં. લક્ષ્મીના માલિક તો શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ સિવાય કોઈ લક્ષ્મીપતિ નથી. ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ જ્ઞાનસત્ર છે. જે ભાગવત કથાનો એક એક પ્રસંગ જીવનમાં ઉતારે એનું જીવન સુધરશે, તે સુખી થશે. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે. પરમાત્માનો સાક્ષાત્ અનુભવ થાય એ જ ભાગવતનું ફળ છે.
જપ ધ્યાનનો મહિમા
પરમાત્મા શ્રીકૃષ્ણનું ‘નામ’ અને ‘ધામ’ મંગલમય છે. જપ કરવાથી બધા પાપ બળે છે. ધ્યાન સાથે જપ કરવાથી મન સુધરે છે. ધ્યાન સાથે જપ ન કરવામાં આવે ત્યાં સુધી પાપ કરવાની આદત છુટતી નથી. બહું પુસ્તકો વાંચવાથી વાસના છૂટતી નથી પણ સત્સંગ કરવાથી પાપ કરવાની વૃત્તિ નાબૂદ થાય છે. જપથી જીવન સુધરે છે, સ્વભાવ સુધરે છે. ખૂબ જપ કરવાથી ધીરે ધીરે વાસના છૂટે છે. અનેક જન્મનાં પાપના સંસ્કાર જપ કરવાથી જ દૂર થાય છે. બોલવાનું ઓછું કરો તો જપ કરવાનો વધુ અવસર મળશે. ધન કમાવવું અને વાપરવું એ તો સહેલું કામ છે. પણ એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરવો બહુ મુશ્કેલ છે. જપ કરવાથી મન શુદ્ધ થાય છે, સંસારમાં રહીને સતત ભક્તિ કરવી કઠિન છે. વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થમાં જાઓ, ત્યાં મનથી એકાગ્ર ચિત્તે સંસારને ભૂલીને જપ-ધ્યાન-કીર્તન કરો તો મનખા-દેહ, જન્મારો સુધરી જશે.
પ્રભુનું ધ્યાન કરતાં કરતાં જે દેહભાન ભૂલે છે એની પાછળ પાછળ પ્રભુ ફરે છે. ધ્યાન કરતાં કરતાં મનુષ્ય જેમ જેમ જગતને ભૂલે છે, તેમ તેમ આનંદ મળતો જાય છે, જે ઠાકોરજીના સ્વરૂપમાં (ધ્યાનમાં) આપણને ખૂબ આનંદ આવે છે તે આપણા માટે ઈષ્ટ છે. જે દેવનું ધ્યાન કરવું હોય એ દેવના ધામનું પ્રથમ ધ્યાન કરો તો જ તમે ધ્યાનમાં તમારા ઘરને અને ગામને ભૂલી શકશો. ઘર, ગામ અને જગતનો સંબંધ છૂટ્યા વગર ધ્યાનનો આનંદ આવતો નથી. કારણ ધ્યાન જગતનો સંબંધ છોડવા માટે છે.
દરરોજ પ્રાતઃકાળમાં વહેલાં ઊઠી અડધો કલાક ધ્યાન કરો. ઈશ્વરનું નામ-સ્મરણ કરો. બાર વર્ષ સુધી નિયમપૂર્વક આ પ્રમાણે કરો તો તમને અજબ અનુભવ થશે. તમે પ્રાતઃકાળમાં જપ, ધ્યાન, તપ કર્યા હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતાં અટકાવશે. પ્રાતઃકાળમાં હૃદય થોડું પીગળી જાય તો તમારો આખો દિવસ આનંદમાં જાય છે. પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે.

શ્રીડોંગરેજી મહારાજના શ્રીમુખેથી વહેતી શ્રીમદ્ ભાગવતની અમૃતમયી કથામાંથી મનનીય અંશોનું શ્રીમતી માલતી નરેશ જોષી દ્વારા કરવામાં આવેલ સંકલન.

Total Views: 398
By Published On: August 1, 2012Categories: Dongreji Maharaj0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram