ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર જોયું. હવે આપણને આઝાદી તો મળી. પાંચ દસકા પછી પણ સ્વામીજીની અપેક્ષા પ્રમાણે દેશભક્તો આપણને ભાગ્યે જ જોવા મળે છે. સાચો દેશ ભક્ત કોણ છે? એનાં ગુણલક્ષણ કેવાં હોવાં જોઈએ, એ વિશે સ્વામીજીના આ ઉદ્‌ગારો જોઈએ.

વિક્ટોરિયા હોલ મદ્રાસમાં આપેલ ‘મારી સમર યોજના’ નામના વ્યાખ્યાનમાં સ્વામીજીએ સાચા દેશભક્ત પાસે આવાં ગુણલક્ષણની અપેક્ષા સેવી હતી:

‘મારા ભાવિ સુધારકો! મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં રહેલા આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે, તેને માટે તમારા દિલમાં કાંઈ થાય છે? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળાંની પેઠે છવાઈ ગયો છે? તમને એ હલાવી નાખે છે? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા?’ (૪.૧૦૫)

બ્રિઝિમેડોઝ, મેટ્‌કાફ, મેસેચ્યુસેટ્‌સથી ૨૦ ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ પોતાના શિષ્ય આલાસિંગા પેરુમલને ઉદ્દેશીને લખેલા પત્રમાં એમણે સાચા દેશભક્તની ત્યાગબલિદાન અને સેવા સમર્પણની ભાવના કેવી હોવી જોઈએ, એ વિશે આ શબ્દો લખ્યા છે:

પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહની જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ. (૧૧.૨૦૧-૦૨)

પ્રભુ આગળ તમારું શિર નમાવો. તથા જેમના માટે એ પ્રભુ વારંવાર અવતાર ધારણ કરે છે અને જેમને એ સૌથી વિશેષ ચાહે છે એવા ગરીબ, અધમ અને દલિતો માટે મહાન બલિદાન, સમસ્ત જીવનનું બલિદાન આપો! દિનપ્રતિદિન અધમ અવસ્થામાં ઊતરતા જતા આ ત્રીસ કરોડ લોકોની મુક્તિ માટે તમારું આખું જીવન સમર્પણ કરવાનું વ્રત લો. (૧૧.૨૦૩)

એ એક દિવસનું કાર્ય નથી; અને એનો માર્ગ ભયંકર મુશ્કેલીઓથી ભરેલો છે. પણ આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્થસારથિ આપણા સારથિ થવાને તૈયાર છે અને તેના નામથી અને તેનામાં અખૂટ શ્રદ્ધા રાખીને, યુગોથી ભારત ઉપર જમા થયેલા વિપત્તિઓના ડુંગરને સળગાવી મૂકો; એ બળીને ભસ્મ થઈ જશે. (૧૧.૨૦૩)

મદ્રાસના લોકોએ આપેલા માનપત્રનો પ્રત્યુત્તર આપતી વખતેના પોતાના સંબોધનમાં ત્યાગ અને સૌનો સુમેળ સાધવાની વાત કરતાં સ્વામીજીએ કહ્યું હતું:

તમારી સુખસગવડો, તમારી મોજમજાઓ, તમારાં નામ, તમારો યશ કે મોભો, અરે તમારાં જીવન શુદ્ધાં વિસર્જન કરો. અને માનવ અંકોડાની સાંકળોનો એક પુલ તૈયાર કરો કે જેના પર થઈને લાખો લોકો આ સંસાર-સાગરને પાર કરે. (૫.૨૭૯)

શિકાગોથી નવેમ્બર, ૧૮૯૪માં જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને લખેલ એક પત્રમાં સ્વામીજીએ સામાન્ય જનસમૂહના પરસેવાની કમાણી પર ઊછરનાર અને દોરદમામ જમાવનાર નરરાક્ષસોની ઝાટકણી કાઢી છે :

જેમણે લાખો ચગદાયેલા શ્રમજીવીઓનાં હૃદયનાં રક્તને ભોગે કેળવણી લીધી છે અને એશઆરામ ભોગવે છે પણ તેમનો કદીયે ખ્યાલ સરખોય કરતા નથી, તેમને હું દેશદ્રોહી કહું છું. (૧૨.૧૨૫)

એવી જ રીતે મદ્રાસના પોતાના પ્રિય શિષ્ય આલાસિંગાને શિકાગોથી ૧૮૯૪માં લખેલા એક પત્રમાં ઉપર્યુક્ત દેશદ્રોહી વૃત્તિની વાત કરતાં સ્વામીજીએ લખ્યું છે:

જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું. ગરીબોને પીસીને પોતાનો તમામ પૈસો કમાનારા, ફુલફાટક થઈને દમામભેર ફરનારા લોકો જ્યાં સુધી ભૂખ્યા જંગલીઓની કોટિમાં આવી રહેલા આ વીસ કરોડ લોકો માટે કશું કરતા નથી, ત્યાં સુધી એવા લોકોને હું અધમ કહીશ. (૧૧.૨૪૨-૪૩)

સાન્ફ્રાંસિસ્કોમાં ૨૮ મે, ૧૯૦૦ના રોજ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા વિશેના બીજા વ્યાખ્યાનમાં યુવાનોને વીર અર્જુન બનવાની હાકલ કરતાં સ્વામીજી કહે છે :

ઊભો થા અને યુદ્ધ કર. એક ડગલું પણ પીછીહઠ ન કરીશ; એ જ મુદ્દો છે…  છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે. તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું? માટે યુદ્ધ કર! નામર્દ થવાથી તને કાંઈ મળશેનહિ… પીઠેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે.(૭.૨૧)

વિક્ટોરિયા હોલ મદ્રાસમાં આપેલ ‘મારી સમર યોજના’ નામના વ્યાખ્યાનમાં સ્વામીજીએ જીવનના સંઘર્ષમાં સાચા રણવીરની વ્યાખ્યા આપતાં કહ્યું હતું:

દુનિયા આખી તમારી સામે હાથમાં તલવાર લઈને જો ખડી થઈ જાય, તો પણ તમે જે સાચું માનો છો તે કરવાની તમારામાં હિંમત છે? તમારાં સ્ત્રીપુત્રાદિ તમારી વિરુદ્ધમાં હોય, તમારો પૈસો બધો ખલાસ થઈ જાય, તમારી કીર્તિને માથે પાણી ફરી વળે, તમારી સંપત્તિ સાફ થઈ જાય, તે છતાં તમારી માન્યતાને વળગી રહો ખરા? તે છતાં તમે તેની પાછળ પડીને તમારા ધ્યેય પ્રતિ મક્કમતાથી આગળ વધ્યે જાઓ ખરા? (૪.૧૦૬)

કોલકાતામાં ‘સમગ્ર દૃષ્ટિએ વેદાંત’ એ વિષય પર આપેલ વ્યાખ્યાનમાં સ્વામીજીએ ગણ્યાગાંઠ્યા પણ સાચા સિંહમર્દ વિશે આવી વાત કરી છે :

અરે, જો દસ સૈનિકો, માત્ર બે જ સૈનિકો વિજયી થઈને પાછા ફરે તો પણ લાખો સૈનિકો એ પ્રયત્નમાં નિષ્ફળ જાય તેથી શું થઈ ગયું? લાખો ભલે મર્યા! તેમના લોહીએ વિજયમાળા હાંસલ કરી છે. (૪.૨૦૮)

આ જ વાત ન્યૂયોર્કથી ૨૫મી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુઓને ઉદ્દેશીને લખેલ પત્રમાં પણ ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ ખપી જનાર દધીચિ જેવા બનવાની વાત કરી છે :

જેઓ પોતાનાં લોહી રેડીને બીજા માટે રાજમાર્ગ બનાવે તેઓ જ ખરા મહાન પુરુષો છે. પોતાના શરીરનું બલિદાન આપીને એક માણસ પુલ બાંધે છે અને તેની મદદથી બીજા હજારો લોકો નદી ઓળંગે છે. શાશ્વતકાળથી આમ બનતું આવ્યું છે. (૧૦.૫૯)

પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા અને મદ્રાસના બાલાજી તેમજ બીજા મિત્રોને ઉદ્દેશીને યોકોહામાથી ૧૦ જુલાઈ, ૧૮૯૩ના રોજ લખેલા એક પત્રમાં સાચા સફળ વીરની અને સૌનું ક્ષેમકલ્યાણ હૈયે રાખનાર વિશે વાત કરતાં આ શબ્દો લખ્યા છે :

આપણે સફળ થશું જ. જંગમાં સેંકડો ખપી જશે, પણ બીજા સેંકડો એ કાર્યને હાથ ધરવા તૈયાર થઈ જશે. સફળતા પ્રાપ્ત કર્યા વગર કદાચ મારું મૃત્યુ થાય, તો પણ બીજો એ કાર્ય હાથ ધરશે… શ્રદ્ધા અને સહાનુભૂતિ – જ્વલંત શ્રદ્ધા અને જ્વલંત સહાનુભૂતિની જરૂર છે. જીવન કંઈ નથી, મૃત્યુ કંઈ નથી, ભૂખ ને ટાઢ પણ કંઈ જ નથી. પ્રભુનો જય જયકાર હો! આગળ ધપો, પ્રભુ આપણો સેનાપતિ છે. કોણ પડ્યું તે જોવા પાછું વળીને નહિ જુઓ; આગળ ને આગળ ધસો. બંધુઓ! આમ અને આ જ રીતે આપણે આગેકૂચ કરીશું. એક જણ પડશે તો બીજો એનું કાર્ય ઉપાડી લેશે. (૧૧.૨૦૩-૦૪)

કેલિફોર્નિયાના લોસ એન્જિલિસમાં ૪ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ ‘કર્મ અને તેનું રહસ્ય’ એ વિશેના પોતાના વ્યાખ્યાનમાં જીવનમાં શક્તિનું મહત્ત્વ શું એ વિશે આ શબ્દો એમણે ઉચ્ચાર્યા હતા:

શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત બોજો અને દુ:ખ છે; મૃત્યુ છે. (૭.૪૬)

બેલૂર મઠની ભાડાની જગ્યામાં નવેમ્બર, ૧૮૯૮માં પોતાના એક શિષ્ય સાથેની પરિચર્ચામાં બદ્ધ અને મુક્ત માનવની વાત કરતાં આમ કહ્યું છે :

મુક્તિની ભાવના પરત્વે જે નિરંતર જાગ્રત છે તે મુક્ત બને છે; જે પોતે બદ્ધ છે એમ માને છે તે અનેક જિંદગીઓ સુધી બંધનમાં જ સબડ્યા કરે છે. આ સત્ય હકીકત છે. આ સત્ય પારમાર્થિક તેમજ વ્યવહારિક બંને ક્ષેત્રોને સરખું લાગુ પડે છે… એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે,.. વીર બનો. હંમેશાં બોલો: ‘મને કોઈ ડર નથી’, દરેકને કહો: ‘નિર્ભય બનો.’ ભય તે મૃત્યુ છે, ભય તે પાપ છે, ભય તે નરક છે, ભય તે અધમ છે, ભય તે મિથ્યા જીવન છે. (૧૦.૩૧૧-૧૨)

પોતાના ગુરુબંધુ રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી)ને ૧૮૯૫ના રોજ લખેલા એક પત્રમાં શક્તિવાન માનવનાં લક્ષણો વિશે આ શબ્દો વાપર્યા છે :

મહાપુરુષો કહે છે કે ‘ઝેર નથી’, ‘ઝેર નથી’ એમ દૃઢપણે નકારવામાં આવે તો સર્પનું ઝેર પણ શક્તિહીન બની જાય છે. શું તે જૂઠું છે? ‘હું તો કંઈ જાણતો નથી; મારામાં કંઈ નથી,’ આવું કહેવામાં કેવી વિચિત્ર નમ્રતા રહેલ છે! હું તો કહું છું કે તે ત્યાગનો ડોળ છે અને નમ્રતાની મશ્કરી છે. આવી પોતાને હલકો પાડનારી ભાવના દૂર ફેંકી દો! ‘જો ‘હું’ નથી જાણતો, તો પછી જગતમાં બીજું કોણ જાણે છે?’ અત્યારે ‘હું નથી જાણતો’ કહીને તમે બચાવ કરો છો, તો આટલો વખત તમે શું કરતા હતા? આવા શબ્દો તો નાસ્તિકના હોય; આ નમ્રતા રખડુ અને કંગાલ માણસની છે. આપણે બધું કરી શકીએ છીએ. અને બધું કરીશું જ!.. ભગવતીની કૃપાથી એકલે હાથે હું જ એક લાખ જેવો છું અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઈશ. (૧૦.૯૩-૯૪)

ભારતની પ્રજાએ આપ-લેના નિયમને અપનાવીને પોતાનો તેમજ રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે કરી શકાય તેના વિશે વાત કરતાં કોલકાતાના ટાઉન હોલમાં ૫ સપ્ટેમ્બર, ૧૮૯૪ યોજાયેલ સભાના પ્રમુખ રાજા પ્યારી મોહન મુખર્જીને ન્યૂયોર્કથી ૧૮ નવેમ્બર, ૧૮૯૪ના રોજ લખેલ પત્રમાં સ્વામીજી લખે છે :

એ નિયમ છે આપ-લેનો. અને જો ભારત પોતાને ફરીથી ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ. વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યુ છે. જે દિવસથી બીજી પ્રજાઓનો આપણે તિરસ્કાર કરવો શરૂ કર્યો, તે જ દિવસથી આપણા મૃત્યુની શરૂઆત થઈ; અને જો આપણે પાછા વિસ્તાર એટલે કે જીવન તરફ પાછા નહિ આવીએ તો આપણું મૃત્યુ કોઈ અટકાવી શકશે નહિ. (૫.૨૯૦)

૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુઓને લખેલા પત્રમાં તેજસ્વી, બુદ્ધિવાન અને વીરત્વને વરેલા યુવાન શિષ્યોને ઘડવાની વાત કરતાં આ શબ્દો લખ્યા છે:

આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની હિંમત દાખવે. મારું કહેવું સમજો છો? આવા સેંકડોની, સ્ત્રીઓ અને પુરુષો બંનેની, આપણને જરૂર છે. (૧૦.૭૪)

૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુઓને ઉદ્દેશીને લખેલ પત્રમાં નિષેધવાદનો સખત શબ્દોમાં વિરોધ કરતાં સ્વામીજીએ આ શબ્દો લખ્યા હતા :

‘અસ્તિ’ ‘અસ્તિ’ (બધું છે, બધું છે) કહો; રચનાત્મક વિચારો કેળવો.  ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (નથી, નથી) એવા નિષેધવાદમાં માનવાથી આખા દેશનો વિનાશ થઈ રહ્યો છે!.. તો પછી નિષેધાત્મક વિચારો કરીને તમારે તમારી જાતને કૂતરાં-બિલાડાં જેવી બનાવવી છે?.. જ્યારે લોકોને હું નિષેધાત્મક વિચાર કરતાં જોઉં છું ત્યારે મારા મસ્તક પર વજ્રઘાત થયો હોય એવું લાગે છે… ધસી પડતા બરફના પહાડની પેઠે જગત પર તૂટી પડો! તમારા વજનથી પૃથ્વીને બે ભાગમાં ચિરાઈ જવા દો! (૧૦.૫૮)

કોલકાતાથી કાશીપુરને રસ્તે ૧૮૯૭માં ગોપીલાલ શીલના બગીચામાં પોતાના શિષ્ય સાથે સમગ્ર ભારતના સાર્વત્રિક જાગરણ માટે કેવા યુવાનોની જરૂર છે એ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો આવા હતા :

મને થોડા ઉત્સાહી અને ભાવનાશાળી યુવકો મળે, તો આખા દેશમાં ક્રાંતિનાં પૂર વહાવી દઉં… આવા તીક્ષ્ણ બુદ્ધિવાળા યુવાનો ભાગ્યે જ કોઈ બીજા દેશમાં મળે. પરંતુ તેમના સ્નાયુઓમાં બળ નથી. મગજ અને સ્નાયુઓનો એકીસાથે વિકાસ થવો જોઈએ. લોખંડી સ્નાયુઓ અને કુશાગ્રબુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારાં ચરણમાં પડે. (૧૦.૨૪૬)

‘ભારતના આધ્યાત્મિક વિચારોનો ઈંગ્લેન્ડ પર પ્રભાવ’ એ વિશે ૧૮૯૮ના માર્ચની ૧૧મીએ કોલકાતાના સ્ટાર થિયેટરમાં ભગિની નિવેદિતાનો પરિચય આપતાં સ્વામીજીએ નવયુવકોમાં રહેલા ત્યાગ અને સેવાના ગુણોની વાત કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા:

…નવયુવકો! મારું હૈયું તમારા તરફ ખેંચાય છે. જેઓ ગરીબ છે તેમના ઉપર બધો આધાર છે; કારણ કે ગરીબ હોય તે કામ કરવાના જ. તમારી પાસે કંઈ નથી એટલે તમે પ્રામાણિક થવાના. તમે પ્રામાણિક થશો એટલે તમે સર્વસ્વના ત્યાગ માટે તૈયાર થશો. (૪.૨૯૫)

અમેરિકાથી પાછા ફર્યા પછી કોલકાતામાં યોજાયેલ સ્વામીજીના સત્કાર સમારંભમાં એમને આપેલ માનપત્રના પ્રત્યુત્તર વખતે સ્વામીજીએ ભાવના, ત્યાગ, સમર્પણ, ઉત્સાહ અને અદમ્ય બળની તાકાત વિશે વાત કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા:

એક કલ્પનાપ્રધાન જાતિ તરીકે, લાગણીશીલ માણસો તરીકે આપણી મજાક ઉડાવવામાં આવે છે, મારા મિત્રો! હું તમને કહું કે બુદ્ધિ ખરેખર મોટી વસ્તુ છે. પરંતુ એ અમુક સીમાએ જઈને અટકે છે. પ્રેરણા કેવળ હૃદયમાંથી આવે છે. ભાવનાઓ દ્વારા જ ઉચ્ચમાં ઉચ્ચ રહસ્યોને પમાય છે… નવયુવકો! ઊઠો, જાગો, કારણ કે સમય સાનુકૂળ છે અત્યારથી જ સર્વ કંઈ આપણી સમક્ષ ખુલ્લું થતું આવે છે. બહાદૂર બનો; ડરો નહિ… ઊઠો, જાગો, કારણ કે તમારો દેશ આ મહાન બલિદાન માગે છે. નવયુવકો જ એ કરી શકશે. નવયુવાન, ઉત્સાહી, શક્તિશાળી, દૃઢ બાંધાના મેધાવી મનુષ્યો માટેનું એ કાર્ય છે… માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે… તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કોઈ કાળે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી – શ્રદ્ધાની શક્તિથી બનેલી છે. (૪.૧૮૭-૮૮)

સાચી દેશભક્તિ, જીવનસંઘર્ષમાં ટકી રહેવાની અદમ્ય તાકાત, વિકાસની જીવનમાં અગત્ય વિશેના સ્વામીજીના ઉદ્‌ગારો અને એમની યુવા શક્તિમાં રહેલી અસીમ શ્રદ્ધાની વાત આપણે આ સંપાદકીયમાં કરી. હવે પછીના સંપાદકીયમાં સ્વામીજીના સર્વજન હિતાય અને સર્વજન સુખાય વિશેના કેટલાક વિશેષ અને આજના યુગને અને આજના આપણા રાષ્ટ્રને સૌથી વધુ પ્રાસંગિક બની શકે તેવા અમરવાણીના ઉદ્‌ગારો વિશે વાત કરીશું.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.