આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો કર્યા છે. આવા પ્રયાસોની ઘણી વખત નિંદા ટીકા પણ થતી રહે છે અને પ્રજાસેવકો, સેવાભાવી સંસ્થાઓ, ક્યારેક હતાશા નિરાશા પણ અનુભવે છે. સેવાધર્મ ઘણીવાર અપગમ્ય અને પરમ ગહન એવો ધર્મ કહ્યો છે. સેવાને પંથે ચાલનારે ખાંડાની ધારે ચાલવાનું છે. ક્ષુરસ્ય ધારા જેવું મુશ્કેલ કાર્ય છે. આપણે સૌએ આટલી વાત તો યાદ રાખવી જોઈએ કે આપણે જેમની સેવા કરીએ છીએ એ બધા લોકો ખરેખર ઈશ્વરનું રૂપ જ છે. એ ભાવના સાથે જો આપણે સેવાયજ્ઞને ચાલુ રાખીએ તો ક્યારેય ટીકાનિંદા આપણને આપણા માર્ગથી ચલિત કે હતાશ નહિ કરી શકે. દરેક માનવી શું છે? એનું અસલ સ્વરૂપ શું છે? એ આપણે જાણી લઈએ તો આપણું કાર્ય સહજસરળ બની જાય. અંગ્રેજોના આગમન પછી ભારત પર થયેલા વિધર્મીઓના આક્રમણથી આપણા સામાન્ય ભારતીય જનોનાં મન પર કોણ જાણે કેમ પણ પોતે પાપી છે અને એ પાપનું ફળ ભોગવે છે એવી ભૂલભરેલી માન્યતા ઘર કરી ગઈ.

આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં ૧૯ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ રજૂ થયેલ ‘હિંદુ ધર્મ વિશે નિબંધ’માં માનવના, વિશ્વના સર્વ માનવના મૂળ સ્વરૂપની વાત કરતાં આ અમરવાણી જેવા ઉદ્‌ગારો કાઢ્યા હતા:

તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે : ઓ સિંહો! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. (૩.૧૦)

પ્રાચીન ઋષિઓએ પરમતત્ત્વની આરાધના કરતાં કરતાં મળી આવેલું ઉપરનું સૂત્ર માનવને અમૃતના સંતાન ગણવાનું કહે છે. ભારતના તેમજ વિદેશના પોતાના શિષ્યોને અલગ અલગ પ્રસંગે કહેલ ઉદ્‌ગારો કે વચનામૃતોનો સંગ્રહ ગ્રંથમાળાના ૧૦મા ભાગમાં આપણને મળે છે. એમાં માનવના સાચા સ્વરૂપની વાત કરે છે. સાથે ને સાથે સ્વર્ગ અને નરકની આપણી વર્ષો જૂની કલ્પનાના જાળામાં આપણે સાવ સપડાઈ ગયા હતા. એમાંથી બહાર નીકળવું ઘણું દુષ્કર હતું. પણ એમાંથી બહાર નીકળ્યા વગર છૂટકોય નથી. આ છૂટકારો મળતાં જ માનવ પોતાના કાર્યની જવાબદારી પોતાના શિરે લેતાં શીખશે અને પ્રબળ શક્તિ કેળવશે. આવા ક્રાંતિકારી શબ્દો ઉચ્ચારતા તેઓ કહે છે :

ઈશ્વરે મનુષ્યત્વ ધારણ કરેલ છે; મનુષ્ય વળી પાછો ઈશ્વર થવાનો જ. મનુષ્ય મૃત્યુ પામીને સ્વર્ગે જાય છે એ બચ્ચાંની વાતો છે. આપણે કદી આવતા નથી તેમ જતા નથી; આપણે જ્યાંના ત્યાં જ છીએ. (૧૦.૧૭૮)

મનુષ્યજન્મ દ્વારા આ પૃથ્વી પર ઈશ્વર આપણને એવી શક્તિ પ્રદાન કરે છે કે જેથી આપણે હંમેશાં સર્વોત્કૃષ્ટતા તરફ આગળ વધતા રહીએ. સ્વર્ગ અને સ્વર્ગના દેવો કરતાં પણ માનવ દેહમાં અને માનવ આત્મામાં વિશેષ શક્યતાઓ રહેલી છે. એ વાતને સ્પષ્ટ કરતાં સ્વામીજી ‘રાજયોગના પહેલાં પગથિયાં’ નામના પ્રકરણમાં કહે છે :

જગતમાં બીજાં બધાં શરીરો કરતાં માનવશરીર સૌથી મહાન છે, અને મનુષ્ય સૌથી મહાન પ્રાણી છે, સઘળાં પશુઓ કરતાં, સઘળા દેવો કરતાં મનુષ્ય વધુ ઉચ્ચ છે. (૩.૧૧૦)

માનવમનની ઇચ્છાશક્તિ અને વિચાર વિશે વિગતવાર વાત કરતાં સ્વામીજી ‘કર્મયોગ’ નામના પ્રકરણમાં કહે છે :

જે સર્વ કાર્ય આપણે જગતમાં જોઈએ છીએ, મનુષ્ય સમાજમાં જે સર્વ પ્રકારની ક્રિયાઓ અને જે સર્વ કામો આપણી આસપાસ પડેલાં છે, તે બધું વિચારનું પ્રદર્શન છે, તે સર્વ માનવની ઇચ્છાશક્તિનો આવિષ્કાર છે. (૩.૨૪)

કર્મનિષ્ઠ, જ્ઞાની અને પ્રેમની ગંગા ધરાવનાર માનવ કેવી રીતે વિરાટ બની શકે અને એના દ્વારા સમગ્ર જગતને કેમ સર્વપ્રેમી બનાવી શકાય એની વાત કરતાં સાન્ફ્રાંસિસ્કો વિસ્તારમાં ૯ એપ્રિલ, ૧૯૦૦ના રોજ સ્વામીજી ‘ઉપાસક અને ઉપાસ્ય’ નામના વ્યાખ્યાનમાં કહે છે :

એક સમાન રીતે કર્મપરાયણ, જ્ઞાનવાન અને પ્રેમાળ હોય તેવો વિરાટ માનવ શા માટે ન થાય? શું એ અશક્ય છે? ચોક્કસ નહિ. ભાવી માનવ આ છે; અત્યારે તેવા સાવ થોડાક [જ] છે. [એવાઓની સંખ્યા વધતી જશે] અને અંતે આખું વિશ્વ માનવતાપ્રેમી બનશે. (૮.૮૪)

સ્વામી વિવેકાનંદનાં એક શિષ્યા કુમારી એસ. ઈ. વાલ્ડોની નોંધ ‘દિવ્યવાણી’માં (મંગળવાર, ૩૦ જુલાઈ) માનવની મહત્તા વિશે વાત કરતાં સ્વામીજીના આ શબ્દો નજરે ચડે છે :

માનવ-સ્વભાવમાં રહેલી મહત્તાને કદીય ભૂલશો નહિ. ભૂતકાળમાં કદી થયો હોય અને ભવિષ્યમાં કદી થવાનો હોય તેવો ઈશ્વર આપણે જ છીએ. જે અનંત સાગર ‘હું છું’ તેના ઈશુઓ અને બુદ્ધો તો તરંગો માત્ર છે. (૯.૭૦)

મિસ આઈસાબેલ (મેક્કિન્ડલે)ને લંડનથી મે, ૧૮૯૬ના એક પત્રમાં ધર્મના સાચા સ્વરૂપ વિશે વાત કરતાં સ્વામીજી લખે છે :

નિત્ય, અનંત, સર્વવ્યાપક, સર્વજ્ઞ પરમાત્મા એ તો સિદ્ધાંત છે, એ વ્યક્તિ નથી. હું અને તમે અને સર્વ કંઈ એ સિદ્ધાંતનાં મૂર્ત સ્વરૂપો છીએ. આ અનંત સિદ્ધાંત જે વ્યક્તિમાં જેટલો વધારે વ્યક્ત થાય તેટલી એ વ્યક્તિ વિશેષ મહાન બને છે. અંતે તો બધાં તેનાં પૂર્ણ સ્વરૂપો બનશે અને એક બનશે: જેવાં તે તત્ત્વત: અત્યારે છે જ. ધર્મ એટલે જે કાંઈ છે તે આ જ છે, અને તેનું આચરણ આ એકત્વની ભાવના, એટલે કે પ્રેમ દ્વારા થાય. બધી જૂની રૂઢિઓ માત્ર પુરાણા વહેમો છે. તેમને જિવાડવાની શા માટે મહેનત કરવી? જો જીવન અને સત્યની સરિતા પાસે જ વહેતી હોય તો તરસ્યા લોકોને ખાબોચિયાનું પાણી શા માટે પાવું? (૧૨.૫૮)

પરમકુડીમાં યોજાયેલ સ્વાગત સમારંભમાં સ્વામીજીને અપાયેલ માનપત્રના પ્રત્યુત્તરમાં સ્વામીજીએ ઈશ્વર અને મનુષ્યના સાચા સંબંધ તેમજ ઈશ્વરને અભિવ્યક્ત કરવાની વાત સમગ્ર વિશ્વને ભારતવર્ષ કરી શકે તેમ છે તેમ કહ્યું હતું. તેમજ દરેકેદરેક પ્રાણીમાં પરમાત્માની રહેલ અનંત શક્તિ, જ્ઞાન, પવિત્રતા અને દિવ્યતા વિશે બોલતાં સ્વામીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા:

ઈશ્વર અને મનુષ્ય વચ્ચે, સંત અને પાપી વચ્ચે ભેદ શો છે? કેવળ અજ્ઞાનનો. મહાનમાં મહાન પુરુષ અને તમારા પગ નીચે સળવળતા ક્ષુદ્ર જંતુ વચ્ચે તફાવત શો છે? જ્ઞાન અને અજ્ઞાનનો. એ જ બધો તફાવત પાડે છે. ક્ષુદ્ર સળવળતા જંતુની અંદર પણ સ્વયં પરમાત્માની અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત પવિત્રતા અને અનંત દિવ્યતા સમાયેલાં છે; માત્ર એ અવ્યક્ત સ્થિતિમાં છે. તેમને અભિવ્યક્ત કરવાની જ જરૂર છે. આ એક જ મહાન સત્ય ભારતે વિશ્વને શીખવવાનું છે, કારણ કે એ સત્ય અન્ય કોઈ જગાએ નથી. આ આત્માનું વિજ્ઞાન છે, આધ્યાત્મિકતા છે. (૪.૫૦)

આપણા સમાજમાં અંગ્રેજોના વખતમાં તો કેટલાક વિશેષાધિકારો હતા અને એ વિશેષાધિકારોએ સામાન્ય જનનું કચ્ચરઘાણ કરી નાખ્યું છે. આઝાદી પછી થોડો વખત તો બધું સમુસૂતર ચાલ્યું પણ કોણ જાણે કેમ આ વિશેષાધિકાર એકને બદલે બીજા રૂપે આપણા સમાજમાં આજે પણ દૃષ્ટિગોચર થાય છે. એને લીધે એક જબરી ભેદભાવની દીવાલ ઊભી થઈ છે અને એને મજબૂત બનાવવાના પ્રયાસો પણ થાય છે, તે આપણા સૌથી મોટા દુ:ખની વાત છે.

આવા વિશેષાધિકારોને દૂર કરવા આપણે વેદાંતનું શરણું લેવું પડે તેમ છે. એમાં મનુષ્યમાં રહેલી ભીતરની મૂળ શક્તિની, સર્વમાં રહેલી એક સમાન તત્ત્વની શક્તિની વાત સ્વામીજીએ ‘વેદાંત અને વિશેષાધિકાર’ નામના લંડનમાં આપેલ પોતાના વ્યાખ્યાનમાં  શબ્દોમાં રજૂ કરી છે :

માનવજીવનમાં વિશેષાધિકારનો વિચાર અનર્થનું મૂળ છે. જાણે કે બે બળો સતત રીતે કાર્ય કરી રહ્યાં છે; એક બળ જ્ઞાતિવાદના પક્ષમાં કાર્ય કરી રહેલ છે અને બીજું તેની વિરુદ્ધમાં કાર્ય કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક બળ વિશેષાધિકાર માટે કાર્ય કરી રહેલ છે, જ્યારે અન્ય બળ તેને તોડવા માટે કાર્ય કરે છે. જ્યારે જ્યારે કોઈ પ્રજામાં વિશેષાધિકારો નાબૂદ થાય છે ત્યારે ત્યારે તેમાં વિશેષ પ્રકાશ અને પ્રગતિ આવે છે. આપણી આસપાસ આ પ્રયત્ન આપણે જોઈ રહ્યા છીએ. અલબત્ત પ્રથમ આવે પાશવી વિશેષાધિકારનો વિચાર, બળવાનનો નિર્બળ ઉપરનો વિશેષાધિકાર. સંપત્તિનો પણ વિશેષાધિકાર હોય છે. અન્ય કરતાં વધારે સંપત્તિવાળો મનુષ્ય જેમની પાસે ઓછી સંપત્તિ હોય છે તેમના પર સહેજ વિશેષાધિકાર ભોગવવા ઇચ્છે છે. બુદ્ધિનો વિશેષાધિકાર તેનાથી વધારે સૂક્ષ્મ અને બળવાન હોય છે; એક માનવી અન્ય કરતાં વિશેષ જ્ઞાન ધરાવે છે તેથી તે ખાસ અધિકારનો દાવો કરે છે. પણ છેલ્લો અને સહુથી ખરાબ અને ત્રાસજનક વિશેષાધિકાર તો છે ધર્મનો. જો અમુક માણસો એમ માને કે તેઓ ધર્મ વિશે – ઈશ્વર વિશે – વધારે જાણે છે, તો તેઓ બીજા ઉપર ઊંચા પ્રકારના અધિકારનો દાવો કરે છે. તેઓ કહે છે : ‘ઓ સામાન્ય માનવીઓ! આવો અને અમારી પૂજા કરો. અમે પરમાત્માના સંદેશવાહકો છીએ એટલે તમારે અમારી પૂજા કરવી પડશે.’ કોઈ પણ માણસ વેદાંતી ગણાવાની સાથોસાથ અન્ય ઉપર કોઈના માનસિક, શારીરિક કે ધાર્મિક વિશેષાધિકારનો દાવો સ્વીકારી ન શકે. કોઈને માટે કશો વિશેષાધિકાર હોવો જ ન જોઈએ. દરેક મનુષ્યમાં એક જ શક્તિ રહેલી છે; કોઈ તે વધારે પ્રમાણમાં અભિવ્યક્ત કરે છે, તો કોઈ ઓછા પ્રમાણમાં અભિવ્યક્ત કરે છે; દરેકમાં એ જ શક્યતા રહેલી છે.  (૫.૭૪-૭૫)

સનાતન કાળથી અપાતો આવતો સનાતન સંદેશ બધા જીવો એક સરખી રીતે ઈશ્વરની અભિવ્યક્તિ છે.  જે ભેદ દેખાય છે તે જે તે વ્યક્તિને મળેલી તકને લીધે છે. આ અવસર સાંપડતા માનવીની ભીતરનું ચૈતન્ય વીલસી ઊઠે છે અને ભેદભાવની દીવાલો ચણતાં વિશેષાધિકારો એની મેળે તૂટી જાય છે. અદ્વૈતની આ વાતને ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં સ્વામીજીના શબ્દોમાં જોઈએ :

..વિશેષાધિકારનો દાવો ક્યાં ટકે એમ છે? તમામ જ્ઞાન દરેક આત્મામાં, વધુમાં વધુ અજ્ઞાનીમાં પણ, રહેલું છે. અજ્ઞાનીમાં તે જ્ઞાન વિકસિત થયું નથી, કેમ કે વિકાસ પામવાની તક કદાચ તેને મળી નહિ હોય, અથવા તો આસપાસના સંજોગો કદાચ તેને અનુકૂળ નહિ હોય. જ્યારે તક મળશે ત્યારે તે જ્ઞાનને પ્રકટ કરશે. એક મનુષ્ય બીજા કરતાં જન્મથી જ ઉચ્ચ છે એ વિચારને વેદાંતમાં કોઈ સ્થાન નથી. બે પ્રજાઓમાં એક પ્રજા વધુ ઉચ્ચ છે અને બીજી નીચી છે, એનો પણ કશો અર્થ નથી. બંનેને એક જ પ્રકારના સંજોગોમાં મૂકો અને એક જ પ્રકારની બુદ્ધિનો વિકાસ થાય છે કે નહિ તે તપાસો. એ પહેલાં એક પ્રજા બીજી પ્રજા કરતાં વધુ ઉચ્ચ છે એમ કહેવાનો તમને કશો અધિકાર નથી. વળી ધર્મની બાબતમાં તો કોઈ પણ જાતના વિશેષાધિકારનો દાવો હોવો જ ન જોઈએ. મનુષ્ય જાતની સેવા કરવી એ જ એકમાત્ર વિશેષાધિકાર છે, કારણ કે તે ઈશ્વરની ઉપાસના છે. ઈશ્વર અહીં છે, આ સર્વ મનુષ્યોમાં તે રહેલો છે, મનુષ્યનો આત્મા તે જ છે. મનુષ્ય કયો વિશેષાધિકાર માગી શકે? ઈશ્વરના કોઈ ખાસ સંદેશવાહકો છે નહિ, ભૂતકાળમાં હતા નહિ, અને ભવિષ્યકાળમાં થવાના નથી. મોટા કે નાના, બધા જીવો એકસરખી રીતે ઈશ્વરની અભિવ્યક્તિ છે; ફેર માત્ર એના પરિમાણમાં જ છે. સનાતન કાળથી અપાતો આવતો એ સનાતન સંદેશ તેમને ધીમે ધીમે મળે છે. એ સનાતન સંદેશ દરેક પ્રાણીના હૃદયમાં કોતરાયેલો હોય છે અને સહુ તેને વ્યક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સંજોગો સાનુકૂળ હોવાથી કોઈક આ સંદેશને બીજા કરતાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે, પણ સંદેશવાહક તરીકે તો તેઓ બધા એકસરખા જ છે. આમાં ઉચ્ચતાનો દાવો ક્યાં ટકી શકે એમ છે? અજ્ઞાનીમાં અજ્ઞાની મનુષ્ય, અજ્ઞાનીમાં અજ્ઞાની બાળક, પૂર્વે થઈ ગયેલા કોઈ પણ સંદેશવાહકોના જેવો જ ઈશ્વરનો મહાન સંદેશવાહક છે અને ભવિષ્યમાંના કોઈ પણ સંદેશવાહકના જેટલો જ એ મહાન છે. વાત એમ છે કે દરેક પ્રાણીના હૃદયમાં એ સનાતન સંદેશ હંમેશને માટે અંકિત થયેલો જ છે. જ્યાં જ્યાં કોઈ પણ પ્રાણી છે ત્યાં ત્યાં તેનામાં પરમ પિતાનો સનાતન સંદેશ રહેલો છે. એ તેનામાં છે જ. તેથી અદ્વૈતનું કાર્ય આ સર્વ વિશેષાધિકારોને તોડી નાખવાનું છે. (૫.૭૪-૭૫)

વિશેષાધિકારને લીધે વિશ્વના દરેક રાષ્ટ્ર અને દરેક પ્રજાના સામાજિક જીવનમાં જબરો સંઘર્ષ જોવા મળે છે. આ સંઘર્ષનું મૂળ કારણ માણસની પોતાની કોઈ પણ પ્રકારની વિશેષ શક્તિ દ્વારા ‘લાભ ખાટી જવાની’ વૃત્તિ છે. એને લીધે જ જુલમ અને ત્રાસ ઉદ્ભવે છે. આ જુલમ અને ત્રાસથી સમાજને મુક્ત કરવો હોય તો વિશેષાધિકારોને તોડવા જ રહ્યા. એ સિવાય લોકોમાં સાચી એકતા જન્મતી નથી. લંડનની સિસેમ ક્લબમાં ‘વિશેષાધિકાર’ વિશેના પોતાના વ્યાખ્યાનમાં સ્વામીજી કહે છે:

પણ જે પ્રાપ્ત થઈ શકે તેવું છે તે છે આ વિશેષાધિકારની નાબૂદી. ખરી રીતે સમગ્ર જગત સમક્ષ આ જ કાર્ય રહેલું છે. દરેક જાતિમાં અને દરેક દેશમાં એ એક સંઘર્ષ બધાં સામાજિક જીવનમાં હંમેશાં ચાલી રહ્યો છે. માનવીનો એક સમૂહ બીજા સમૂહ કરતાં વિશેષ બુદ્ધિશાળી છે એ મુશ્કેલી નથી; પરંતુ ખરી મુશ્કેલી એ છે કે આ સમૂહ તેમની પાસે બુદ્ધિનો લાભ હોવાથી ઓછી બુદ્ધિવાળાઓને મળતો સ્થૂળ આનંદ પણ ખૂંચવી લે છે. આવા વિશેષાધિકારનો લોપ કરવા માટે આ સંઘર્ષ છે. અમુક મનુષ્યો બીજા કરતાં શરીરે વધારે બળવાન હોવાથી સ્વાભાવિક રીતે પોતાનાથી નબળા માણસોને દબાવવાના કે હરાવવાના, એ સ્વત:સિદ્ધ હકીકત છે. પણ એમનામાં આ સબળતા હોવાથી તેઓ જીવનમાં પ્રાપ્ત થઈ શકે તે તમામ સુખો પોતાને માટે જ એકત્રિત કરે એ બરાબર નથી, એ નીતિસર નથી; અને લડત એની સામે જ છે. અમુક માનવીઓ સ્વાભાવિક લાયકાતને લઈને બીજાના કરતાં વિશેષ દ્રવ્ય એકત્ર કરે એ સમજી શકાય છે; પણ તેમની દ્રવ્ય મેળવવાની આ શક્તિને કારણ જેઓ તેટલું દ્રવ્ય મેળવી શકતા નથી તેમના પર જુલમ કરે અને ત્રાસ ગુજારે એમાં નીતિ નથી. યુદ્ધ તેની સામે જ છે. બીજાના ઉપર સરસાઈ ભોગવવી એ વિશેષાધિકાર છે, અને યુગોથી આ વિશેષાધિકારનો ધ્વંસ કરવો એ નીતિનું ધ્યેય રહ્યું છે. સાથોસાથ વિવિધતાનો ધ્વંસ કર્યા વગર સમાનતા પ્રતિ લઈ જનારું, એકતા પ્રતિ લઈ જનારું; પણ આ જ કાર્ય છે. (૫.૮૪)

શ્રીરામકૃષ્ણદેવ સાથે એક ભક્તજનની ચર્ચામાં સાચા વૈષ્ણવનાં લક્ષણની ચર્ચા થતી હતી. એમાં વાત આ હતી કે સાચો વૈષ્ણવ સત્સંગ પ્રેમી છે, સાધુસંગ કે સત્સંગ કરે છે, વૈષ્ણવની સંગાથે રહે છે; અને છેલ્લે આવે છે – જીવ પર દયા. જીવ પર દયા, એવા શબ્દો સાંભળીને ઠાકુર બોલી ઊઠ્યા કે છી, છી. જીવ પર દયા! જીવ પર દયા કરનાર તું કોણ? જીવની તો સેવા હોય. શ્રીરામકૃષ્ણદેવના આ શબ્દો સ્વામી વિવેકાનંદ માટે એક મહાન આદર્શ રૂપ બની ગયા. એમણે મનોમન પ્રતિજ્ઞા કરી કે હું મારા જીવનમાં આ આદર્શને ચરિતાર્થ કરી બતાવીશ. સ્વામીજીએ સમગ્ર ભારતવર્ષનું પરિભ્રમણ કરીને સામાન્ય જનનાં દુ:ખ અને પરિતાપને નજરે નિહાળ્યાં હતાં. એમનું હૃદય એ બધું જોઈને દ્રવી ઊઠતું.

વોશિંગ્ટનથી ૨૭ ઓક્ટોબર, ૧૮૯૪ના રોજ પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને ઉદ્દેશીને લખેલા પત્રમાં દીનહીન પ્રત્યેની એમની લાગણીના ઉદ્‌ગારો આવા છે:

તમને તમારા જાતિભાઈઓ પ્રતિ પ્રેમ છે? ઈશ્વરને શોધવા તમારે બીજે ક્યાં જવું છે? શું આ બધા દરિદ્ર, દુ:ખી અને દુર્બળ મનુષ્યો પોતે જ દેવો નથી? પહેલાં એમની સૌની પૂજા શા માટે ન કરવી? ગંગાકિનારે કૂવો ખોદવા શા માટે જવું?… જે ઈશ્વર અગર જે ધર્મ વિધવાનાં અશ્રુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટલાનું બટકું આપી ન શકે એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી. સિદ્ધાંતો ગમે એટલા ઉચ્ચ હોય, કે તત્ત્વજ્ઞાન ગમે એટલું સુસંબદ્ધ હોય, પરંતુ જ્યાં સુધી એ પુસ્તકો અને જડ નિયમોમાં પુરાયેલાં હોય ત્યાં સુધી હું એને ધર્મ કહેતો નથી. (૧૧.૨૩૫)

આ છે સાચા ધર્મની વાત. આ ધર્મનું સાચું અનુસરણ થાય તો સ્વર્ગનું રાજ્ય આ ધરતીના માનવ માટે દૂર ન રહે. એ રાજ્યને સર્જવાનું કાર્ય તો આપણે માણસોએ પ્રજાજનોએ કરવાનું રહેશે. જ્યાં સુધી સામાન્યજનદેવને ન જગાડાય ત્યાં સુધી આ કાર્ય અશક્ય અને અસંભવ બની રહેવાનું. સ્વામીજીએ આપણા ત્રણ ઋણની વાત કરી હતી: ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ.’ એમની સાથે એમણે બીજા બે નવા આદર્શો આપણા સૌની સમક્ષ, સૌનાં ક્ષેમકલ્યાણ માટે મૂક્યા છે; એ છે – ‘દરિદ્ર દેવો ભવ, મૂર્ખ દેવો ભવ.’ રામકૃષ્ણ મઠ અને મિશનના મુદ્રાલેખમાં ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ આ શબ્દો એ મહાન સંન્યાસીએ આપણી સમક્ષ મૂક્યા છે.

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.