ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને એનો પ્રભાવ પણ એક બીજી પર પડ્યો છે.  વિશ્વના સંશોધકો દ્વારા સંસ્થાનવાદ પૂર્વેના કાળના વૈશ્વિક વ્યાપાર વાણિજ્ય અને સાંસ્કૃતિક સંમિલનને સમજ્યા ત્યારથી આ પારસ્પરિક પ્રભાવ વધારે ને વધારે સ્પષ્ટ થતો ગયો. વિજ્ઞાનના ઇતિહાસના શિક્ષણમાં સામાન્ય રીતે કોઈ પણને મુખ્યત્વે યુરોપકેન્દ્રી અભિગમ જોવા મળે એ સ્વાભાવિક છે. વિશિષ્ટ રીતે ગ્રીસ પરના બીજા કોઈ પ્રભાવની અવગણના કરીને આ અભિગમ ગ્રીસથી જ શરૂ થાય છે, એમ માનવામાં આવે છે. ત્યાર પછી, આધુનિક વિજ્ઞાન અત્યંત ત્વરિત ગતિએ આગળ વધવાનો દાવો મહદંશે યુરોપીય વિજય તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ પ્રગતિમાં યુરોપિયન નવસુધારણા અને નવજાગૃતિ પર બીજાના વિશેષ કરીને ભારતના પ્રભાવની એમાં અવગણના કરવામાં આવી છે.

ધીમે ધીમે સંસ્થાનવાદ સ્થપાયો અને વિકસ્યો. તેની સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રે ભારત સહિતનાં બીજાં રાષ્ટ્રોની વાત પ્રત્યે આંખમીચામણા થયા. ૩૦૦૦ વર્ષ પહેલાં જ્યારે યુરોપના અને એમાંય વિશેષ કરીને બ્રિટનના લોકો જંગલી અવસ્થાએ હતા ત્યારે ભારતીય લોકો ખૂબ સુસંસ્કૃત હતા એ વાત બ્રિટિશના સંસ્થાનવાદીઓએ ક્યારેય સ્વીકારી નહિ. પોતાના જ્ઞાનભંડાર પ્રત્યે તેમજ સંસ્કૃતિ પ્રત્યે માનસિક રીતે ઉપેક્ષાની ભાવના કેળવે એ રીતે અને એ હેતુથી સંસ્થાન વાદીઓના કહેવાતા ઇતિહાસકારોએ એક ભ્રામક અને વાસ્તવિકતાથી દૂર એવો ઇતિહાસ રચી દીધો. થોમસ મેકોલેના નામે આ અભિગમને ‘મેકોલેઈઝમ’ કહેવાય છે. ૧૮૩૦થી શરૂ થયેલ બ્રિટિશ સાંસ્કૃતિક શાહીવાદી નીતિ પ્રમાણે મેકોલેની કેળવણીથી સજ્જ થયેલા સિવિલ સર્વન્ટે એના સૌથી વધારે અગ્રણી પ્રણેતા બની ગયા હતા.

જ્યારે અત્યંત વિસ્તૃત ક્ષેત્રના પુરાતત્ત્વના પુરાવાઓને લીધે ભારતીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની અવગણના કરવી મુશ્કેલ બની ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ એ ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિની નીપજ છે. દુર્ભાગ્યે ભારતને આઝાદી મળી હોવા છતાં પણ ઇતિહાસની આ વિકૃતિઓને સુધારવાના કોઈ પણ સારા પ્રયત્નો થયા નથી.

સંસ્થાનવાદીઓએ કબ્જે કરેલ દેશોની જૂના વિશ્વની સભ્યતાઓમાં અહીં આપેલી કેટલીક બાબતોમાં ભારત અનન્ય દેશ હતો એ વાત નોંધવી આવશ્યક છે:

* ભારતની સંપત્તિ, સમૃદ્ધિ ઔદ્યોગિકી અને કારીગરોનાં કૌશલ્ય અને મહેનતથી એ આવી હતી. લશ્કર દ્વારા કોઈને લૂંટીને કે કોઈને ધૂતિને એ સંપત્તિ એકઠી થઈ ન હતી.

* આ ઉદ્યોગોની નિપજો, ચીજવસ્તુઓ અને સંપત્તિની ભારતમાંથી યુરોપમાં સ્થાનાંતરિત થતી રહેતી.  ૧૬મી સદી સુધી ચીન સાથે ભારત એક મુખ્ય નિકાસકારી દેશ તરીકે જાણીતો હતો. પછીથી એ માલસામાનની આયાત કરતો દેશ બની ગયો.

* બ્રિટનમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના મુખ્યનિધિનું સ્રોત તો ભારત જ રહ્યું હતું. પણ પછીથી આજ ભારત રાષ્ટ્ર એક મોટું કરજદાર રાષ્ટ્ર બની ગયું. સમૃદ્ધિ અને સંપત્તિની દૃષ્ટિએ સૌને ઇર્ષ્યા થાય એવા દેશમાંથી આ દેશ ગરીબોની ભૂમિ બની ગયો.

* જે દેશ એશિયાભરના પ્રતિભાવાન વિદેશી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું પ્રભાવક અને પ્રતિભાવક કેન્દ્ર બની ગયો હતો, તે દેશ સૌથી વધુ સંખ્યામાં નિરક્ષરનો દેશ બની ગયો. આ બધી વણલેખેલી અને વણકહેલી વાત હકીકત તરીકે રહી છે. વિલ ડ્યૂરાં જેવા મહાન ઇતિહાસકારો સિવાય ભાગ્યે જ આ વાતને કોઈ યુરોપીય ઇતિહાસકારે આ વાતને સ્પષ્ટપણે કહી છે. તેઓ ‘એક મુકદ્દમો – ભારતની તરફેણમાં’ નામના પોતાના પુસ્તકમાં કહ્યું છે: 

‘આમ તો ભારત વિશે લખવાની મારી લાયકાત જરાક અમથી ગણાય : હું ફક્ત બે વખત એના પૂર્વ-પશ્ચિમ છેડા વચ્ચેથી પસાર થયો છું, એક વખત ઉત્તરથી દક્ષિણ સુધી ગયો છું અને માંડ એકાદ ડઝન શહેરો જોયાં છે. ઉપરાંત મેં સોએક જેટલા ગ્રંથોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને મારી જાતને સજ્જ કરી છે. તેમ છતાં આ બધું કરતાં કરતાં મારી એ પ્રતીતિ વધુ દૃઢ બની છે કે તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ધર્મ અને કલાની બાબતમાં અસીમ સમૃદ્ધિ ધરાવતી ૫૦૦૦ વર્ષ જેટલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં, અને હવે એની ખંડિયેર થતી ભવ્યતામાં, એના આઝાદી માટેના શસ્ત્રહીન સંઘર્ષમાં, એટલું અનહદ સંમોહક છે કે એની આ મુદ્રાની સામે મને મારું જ્ઞાન તદ્દન તુચ્છ અને થાગડથીગડ લાગે છે…

આ મહાન પ્રજાને ભૂખમરાથી મોતને ભેટતી મેં નજરોનજર જોઈ છે. અને મને એ વાતની પાકી ખાતરી થઈ ચૂકી છે કે આ શક્તિહીનતા અને ભૂખમરો, એ લોકોનો લાભ ઉઠાવનારાઓ દાવો કરે છે તે રીતે અતિવસતિ અને અંધશ્રદ્ધાના કારણે નથી. એનું કારણ તો છે એક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રનું કરેલું એવું શોષણ કે જે સમગ્ર વિશ્વના નોંધાયેલા ઇતિહાસમાં સૌથી ગુનાઇત અને સૌથી ઘૃણાસ્પદ છે…

ભારત આપણી જાતિના લોકોની માતૃભૂતિ હતી અને સંસ્કૃત યુરોપિયન ભાષાની માતા છે. આપણી ફિલસૂફીની જનની પણ ભારત હતી ને આરબોના માધ્યમથી તે આપણા ગણિતના મોટા હિસ્સાની જનની થઈ. ભારતભૂમિ બુદ્ધ દ્વારા ખ્રિસ્તીધર્મમાં રહેલા વિચારોની માતા બની, ત્યાંના ગ્રામ-સમુદાયો થકી તે સ્વ-શાસન અને લોકશાહીની પણ માતા બની છે. ભારતમાતા અનેકશ: આપણા બધાની જનની છે.’

(પૃ. ૧ થી ૪)

બીજાને કચડી નાખીને સફળતા મેળવેલ પશ્ચિમ ભારતની આ સર્વોત્કૃષ્ટતાને ઓળખવામાં નિષ્ફળ નીવડ્યું છે. ભારતીય સંસ્કૃતિને અવારનવાર એક રહસ્યમય સંસ્કૃતિ તરીકે ગણવામાં આવી છે. એ લોકોની દલીલ એવી છે કે તે તાર્કિક નથી અને સમાજના ભૌતિક વિકાસની દૃષ્ટિની ઊણપો એમાં રહેલી છે. અવારનવાર પશ્ચિમના રંગે રંગાયેલ કેટલાક અંધાનુકરણ કરનારા ભારતીયોએ અહીં દર્શાવેલા સંસ્થાનવાદી ઉદ્‌ઘોષણાઓને સમજ્યા-જાણ્યા વિના સ્વીકારી લીધી છે.

* પશ્ચિમ કરતાં ભારત તાર્કિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઊતરતું છે.

* ભારત વિશ્વની ઉપસ્થિતિને ઈન્કારનારો દેશ છે. સમયપ્રવાહમાં થીજી જનારો અને પરદેશી આક્રમણકારોની મદદ સિવાય આગે કદમ માંડવામાં અશક્ત દેશ છે.

* ભારતની સંસ્કૃતિ એમના પર આક્રમણ કરનાર દ્વારા લવાયેલી સંસ્કૃતિ છે. અલબત્ત એમની જ્ઞાતિવાદ જેવી પોતાની સમસ્યાઓ ‘એમની પોતાની’ જ છે.

* ભારતીય સમાજ સામાજિક રીતે પછાત હતો, એમાં નૈતિકતાનું ધોરણ નીચું હતું એટલે જ પોતાની વર્તમાન સમસ્યાઓમાં સુધારણા લાવવા તેઓ પશ્ચિમીકરણ પર આધાર રાખે છે.

આ માટે આપણે નીચેની બાબતોનું આંતર્નિરીક્ષણ કરવું પડે. શું ભારત વિકાસશીલ કે વિકસિત સમાજ છે કે પુન: વિકસિત સમાજ છે? શું ભારતીય લોકો હંમેશાં દરિદ્ર દુ:ખી હતા અને તેઓ સામાજિક સમસ્યાઓથી અને પ્રદૂષણોવાળી પરિસ્થિતિઓમાં જીવતા હતા? શું આ બધી સમસ્યાઓ જ ભારતનું સારતત્ત્વ છે? આજના ભારતની સામાજિક રાજનૈતિક પતન અને સંકટ પાછળ કોઈ ઇતિહાસ છે ખરો? જો એ હોય તો તે ઇતિહાસ આઝાદી પછીનાં પચાસ વર્ષના સમયગાળા પછી પણ આર્થિક, સામાજિક સમસ્યાઓ રહી છે, એને માટે બહાનાબાજી ન ચાલવી જોઈએ. ભારતીયોએ પોતાની શક્તિમત્તાનું મૂલ્યાંકન ફરીથી નક્કી કરવાની આવશ્યકતા છે. શું ભારત ઘણા લાંબા સમયથી કહેવામાં આવ્યું છે તેમ પ્રૌદ્યોગિકી અને બૌદ્ધિક સંપત્તિની આયાત કરનારો અને એના પર આધાર રાખનારો દેશ છે? કે પછી પોતાના ભવ્ય ભૂતકાળના સમયમાં જેમ આ દેશે કર્યું હતું તેમ આ રાષ્ટ્ર પ્રૌદ્યોગિકી અને બૌદ્ધિક સમૃદ્ધિની વિશ્વભરમાં નિકાસ કરનાર એક સુસમૃદ્ધ દેશ છે?

શું વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધા કરવા તેમજ કેળવણીના સૌથી વધુ બૌદ્ધિક સંપત્તિવાળા ક્ષેત્ર તરીકે વિકસવા તેમજ અબજો ડોલરના ખર્ચે સ્થપાયેલ કેળવણીના ઉદ્યોગ સાથે, પશ્ચિમની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ સાથે ટકી રહેવા ભારતે પોતાના ઉચ્ચતર કેળવણીના ક્ષેત્રને વધુ સુવિકસિત અને સમૃદ્ધ બનાવવું જોઈએ?

જો આમ થાય તો ભારત વળી પાછો પોતાના અત્યંત સુસંસ્કૃત અને શિષ્ટકાળમાં હતો તેવો દેશ બની શકે. એ વખતે નાલંદા અને તક્ષશીલા જેવા વિશ્વવિદ્યાલયો – વિદ્યાવિહારોમાં એશિયાના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ આવતા તેમ આજે પણ આ વિદ્યાધન આ દેશમાં કેળવણી મેળવવા, અમેરિકાની ‘આઈ.વી. લિગ’ની જેમ આજે પણ આવવાનું. શું પોતાનાં માળખાં, સંશોધનો, વિકાસ, તેની પ્રમાણભૂતતા માટેનાં પ્રામાણિક પ્રમાણપત્રો, તેજસ્વી યુવાનોના કારકિર્દી તેમજ એમણે મેળવેલી ઉપાધિની યથાર્થતા અને કાયદેસરતા માટે ભારતે પશ્ચિમની ઉચ્ચતર કેળવણી પર આધારિત રહેવું જોઈએ?

‘થર્ડ વર્લ્ડ’ના લોકોને ઉચ્ચતર કેળવણી આપવા ચીને પોતાના વિશ્વવિદ્યાલયોમાં જંગી ઉન્નતિ કરી છે. આવું કરવા પાછળ ચીનની વ્યૂહરચના ટૂંકાગાળાના આર્થિક લાભ મેળવવાની નથી પણ એમની લાંબાગાળાની મહત્ત્વકાંક્ષા તો પશ્ચિમે આજે વિશ્વભરના વિચારકોની પેઢી પર જે પ્રભાવ પાડ્યો છે એ પ્રભાવનો સામનો પોતાના પ્રભાવનો પ્રચાર-પ્રસાર કરીને કરવાનો છે. આવું હિંમત અને સાહસભરેલું વિચાર-આંદોલન લઘુતાગ્રંથિઓથી આવી ન શકે. આવી લઘુતાગ્રંથિ નામનો રોગ આજે ભારતના સુશિક્ષિત લોકોને લાગુ પડ્યો છે.

ઈ.સ. ૧૮૦૦ સુધી ભારતના પ્રણાલીગત જ્ઞાને ભારતીયો માટે મોટા પાયે આર્થિક ઉપાર્જન કર્યું હતું. ભારતની આ આબાદ સમૃદ્ધિએ કેટલાય આક્રમણખોરોને આકર્ષ્યા હતા. બ્રિટિશની પરાકાષ્ઠાના સમયની સાથે સરખાવીએ તો ભારત વિશ્વમાં સૌથી વધુ સમૃદ્ધ રાષ્ટ્રમાંનું રાષ્ટ્ર હતું. ભારતના લોકો પછાતેય ન હતા, અભણેય ન હતા અને ગરીબેય ન હતા. કેટલાક ઇતિહાસકારોએ હમણાં હમણાં એમ કહેવાનું અને દર્શાવવાનું શરૂ કર્યું છે કે આર્થિક શોષણ, જૂલમ-ત્રાસ, તેમજ સામાજિક રીતે કહેવાતી નવરચના જે સંસ્થાનવાદીના હાથે થયા તેને લીધે કેટલીક સદીઓ દરમિયાન કરોડો નવા દરિદ્રો ઊભા થયા. આ તર્ક કે સાચી સમજણ આજના ભારતની ગરીબીનો અર્થ તાર્કિક રીતે સમજાવે છે. ભારતની પ્રણાલીગત જ્ઞાન પદ્ધતિને જાણી-સમજીને દરેકેદરેકને ભારતની આજની ગરીબી અને સામાજિક અનિષ્ટોની બાબત પર નજર નાખવાની ફરજ પાડે છે.

હાલના ભારતના ‘આઉટ સોર્સિંગ’ ઉદ્યોગ અને તેની ક્ષમતાએ મૂડી રોકાણો આકર્ષવાનું કાર્ય પણ ભારતની છાપ અને બિઝનેસ જગતમાં કંઈક કરી છૂટવાની ભાવના તેમજ ભારતીય સંસ્કૃતિની ઉત્કૃષ્ટતા પર આધારિત છે. જ્યારે ભારત પોતાને એક વૈશ્વિક બળ તરીકે જુએ છે અને ઓછામાં ઓછું ક્ષેત્રિય શક્તિ તરીકે ઓળખે છે ત્યારે ભારતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં નજરે દેખાય તેવાં નિદર્શનો કરવાં પડશે.

હાલમાં ભારતની વૈશ્વિક સમૃદ્ધિ કે વિશ્વના અર્થતંત્રમાં ડોક્ટરી વિદ્યા, માહિતી ટેક્નોલોજી, અર્થતંત્રના તજ્‌જ્ઞો અને જાહેર સાહસોના સંવાહકો રૂપે જે ઉચ્ચગ્રાહિતા જોવા મળે છે તે સંસ્થાનવાદની ભાવાત્મક અસર હોવી જોઈએ, એવું અવારનવાર કહેવામાં આવ્યું છે. એવું પણ સાંભળવામાં આવે છે કે  ભારતની ભીતર થતાં તેમની સફળતાનાં વિવરણો પણ  સંસ્થાનવાદીઓની ‘બૌદ્ધિક, તાર્કિક વિચારો’ની કેળવણી, અંગ્રેજી ભાષા, લોકશાહી અને એવાં બીજાં કારણો અને પરિણામોને લીધે એ સફળતા મળી છે.

અલબરુની અને ભારતમાં આવનાર બીજા મુલાકાતીઓએ સદીઓ પહેલાં આવી નોંધ કરી છે કે ભારતીય લોકો ચિકિત્સા અને આરોગ્ય ક્ષેત્રમાં અગ્રણી હતા. તેઓ સંશોધન અને શિક્ષણનાં ક્ષેત્રમાં પણ મધ્યપૂર્વના દેશોમાં મોખરે હતા. ચીનમાં આવેલી આવી નોંધો ભારત વિશેના આ દાવાને સહાયક અને પૂરક બનાવે છે. ગણિતશાસ્ત્ર, કૃષિ, ધાતુવિદ્યા, ઔષધ, વહાણવટુ અને વ્યાપાર તેમજ ભાષા જેવાં વિવિધ ક્ષેત્રમાં નવો ચીલો પાડનારા ભારતીયો હતા. જેમ ગ્રીસની સંસ્કૃતિ યુરોપની સંસ્કૃતિની જનની ગણાય છે, તેવી જ રીતે ભારત પણ એશિયાના દેશોની સંસ્કૃતિની માતા હતી. પૂર્વ અને અગ્નિએશિયાના દેશો પર ભારતના પ્રભાવની નોંધ ત્યાંના આજના સમાજે લીધી છે અને એમનાં લખાણોમાં એ પ્રભાવની વાત સંગ્રહાયેલી છે. પરંતુ યુરોપના લેખકોએ આવું આલેખ્યું નથી. એમનાં વર્ણનોમાં તો ભારતીય સ્રોતોને એક કોરાણે ધકેલી મૂકવામાં આવ્યા છે.

ભારતીય લોકો લોખંડને નીપજાવનારામાં પ્રથમ હતા. દિલ્હીનો સુખ્યાત લોખંડનો મિનારો વિશ્વની જૂનામાં જૂના ઢાળેલા લોખંડનો નમુનો છે અને તે સોળ સદીઓથી ટકી રહ્યો છે. અત્યારના અગ્રણી ધાતુવિદો આવી પ્રક્રિયાને સમજવા માટે સંશોધનો કરી રહ્યા છે. અને નૌસેના માટે ઉપયોગી થાય તેવા કાટ ન ખાય તેવા લોખંડને બનાવવા પ્રયત્નશીલ છે. પશ્ચિમ સિવાયના બીજા દેશોના સ્રોતમાંથી રોગ-નિવારણ પ્રણાલી અને તેમાંય ભારતીય આરોગ્ય પ્રણાલીને પુનર્જીવિત કરવામાં આવી છે. આ આધુનિક ઔષધશાસ્ત્રમાં એક પૂરક બની રહે તેવી બાબત છે. શારીરિક આરોગ્ય પ્રણાલી જેવી કે આયુર્વેદમાં પણ મનોચિકિત્સાની ભારતીય પ્રણાલીમાં પણ રસ જાગવા માંડ્યો છે, એમાં યોગ અને ધ્યાનને આપણે ગણી શકીએ. અત્યારે પશ્ચિમના દેશોમાં માનસિક તણાવ અને ઉત્પ્રેરણા તાલીમની સંસ્થાઓ રૂપે આવાં યોગ અને ધ્યાનનાં કેન્દ્રો ચાલે છે.

૫%થી પણ ઓછી સંખ્યામાં ભારતના શિષ્ટ સાહિત્યના ગ્રંથો (સંસ્કૃતના અને તમીલના)નો અનુવાદ થયો છે. આપણા પ્રાચીન પુરુષોએ જ્ઞાન અને અંતર્દૃષ્ટિની પ્રણાલીનો કેટલો ભવ્ય ભંડાર આવાં ગ્રંથોમાં ભરપૂર ભર્યો હશે! આપણે આપણી પ્રણાલીગત જ્ઞાનપદ્ધતિઓનો અભ્યાસ કરીએ, તેને બરાબર સંરક્ષીને સંવર્ધન કરીએ અને પુનર્જીવિત કરીએ એ આપણા માટે અત્યંત મહત્ત્વનું બની ગયું છે. યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના આ વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનાં વિસ્તૃતિ અને ગહનતા અતિ ઉચ્ચ કક્ષાની છે. ત્યારે આજના વૈજ્ઞાનિકો અને ઈજનેરોની કહેવાતી તીક્ષ્ણ બુદ્ધિમાં એનો એક ઝબકારો આપવા આપણે પ્રયત્ન કરવો જોઈએ.

Total Views: 29

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.