મહાકાલી :- માર્કંડેય – પુરાણમાં મહાકાલીનું વર્ણન આ પ્રકારે છે. મધુકૈટભનો વધ કરનારી, સ્વયં બ્રહ્માની રક્ષા માટે દેવતાઓએ જે દેવીની આરાધના કરી તે મહાકાલી નામથી પ્રસિદ્ધ છે. આ જ દેવીએ યોગનિદ્રારૂપ ધારણ કરીને પાલનકર્તા નારાયણને પણ ગહન નિદ્રામાં સુવડાવી દીધા હતા. દેહનો રંગ નિલકાંત મણિ સમાન ઉજ્જવલ છે.

મહાકાલીનાં દસમુખ, દસ હાથ અને દસ ચરણ છે. પ્રત્યેક મુખમંડળમાં ત્રણ ત્રણ નયન છે. દાંત  સુઉજ્જવલ અને સુસ્પષ્ટ છે. દેવીનાં સર્વાંગ વિવિધ આભૂષણોથી આભૂષિત છે. દેવીએ હાથમાં ખડ્ગ, બાણ, ધનુષ, શંખ, ચક્ર, ગદા, ત્રિશૂલ, પરિઘ, ભુષુંડી અને નરમુંડ ધારણ કર્યાં છે. આ જ દેવી વૈષ્ણવી માયાના નામથી પણ પ્રસિદ્ધ છે.

અષ્ટભુજા કાલી :- તંત્રસાર અને મહાકાલ સંહિતામાં અષ્ટભુજા કાલીના રૂપનું સવિસ્તર વર્ણન છે. મા પંચવદના, મહારુદ્રરુપિણી, પ્રત્યેક મુખમંડળમાં ત્રણ નયન છે. તેઓ શક્તિ, ત્રિશૂલ, ધનુર્બાણ, ખડ્ગ, ઢાલ, વર અને અભયમુદ્રા ધારિણી, અષ્ટભુજા સર્વાલંકાર વિભૂષિતા છે. મહાકાલ એની સદા વંદના કરે છે.

શ્મશાન કાલી :- તંત્રસારમાં શ્મશાન કાલીનું વર્ણન મળે છે. માઁ શ્મશાનવાસિની છે. કપાલીક, ભૈરવી, તાંત્રિક અને શવ (શબ) સાધનરત સાધકગણ માના શ્મશાનકાલીના રૂપનું ધ્યાન કરે છે. મા ભિષણા, ભયંકરી મૂર્તિમાં વિરાજમાન છે. માનાં અંગો ઘોર કૃષ્ણવર્ણાં, રક્તાભનેત્રો આલુલાયિત કેશ, (ખુલ્લા વાળ) શુષ્ક દેહ અને પિંગળ નયન છે. ડાબા હાથમાં પાનપત્ર (કારણ-દારૂ) અને જમણા હાથમાં સદ્ય-છિન્ન નરમુંડ છે. મા હાસ્યવદના, દિગંબરી, સુરાપાનથી મદમત્ત અને વિવિધ અલંકારોથી વિભૂષિતા છે. ભયંકર રૂપ ધારણ કર્યું હોવા છતાં પણ મા હંમેશાં સંતાનનું મંગળ ઇચ્છે છે. ભગવાન શ્રીરામકૃષ્ણ દેવ કહે છે કે સ્મશાનવાસિની દેવીની છબિ ગૃહસ્થના ઘરમાં અમંગળદાયક છે.

ગુહ્યકાલી :- ચામુંડા તંત્રમાં ગુહ્યકાલીનું અતિસુંદર વર્ણન છે. ગુહ્યકાલી સાધન-જગતનું અતિ ગોપનીય વિગ્રહ છે. દેવી ભીષણા, ગાત્ર ઘોર કૃષ્ણવર્ણાં, પરિધાનમાં કટિમાત્ર આચ્છાદિત કૃષ્ણ વર્ણનું વસ્ત્ર છે. શ્વેત દંતરાશિ ભયંકર રૂપે દેખાય છે. બંને આંખો ઊંડી ઊતરેલી છે. સદા હાસ્યરતા, કંઠમાં પચાસ નરમુંડની માળા, સર્પનું યજ્ઞોપવીત, ત્રિનેત્રી, માથા પર જટા, એની ઉપર અર્ધચંદ્ર વેષ્ટિત સહસ્ત્ર નાગનો મુગટ છે. દેવીનું આસન કુંડલિકૃત બે સર્પ છે. દેવીનું કટિબંધન સર્પાભૂષણથી અલંકૃત છે. સર્પરાજ તક્ષક અને નાગરાજ અનંત બંને હાથોમાં કંકણરૂપે શોભાયમાન છે. ચરણોમાં સર્પનાં નુપૂર અને બંને કાનોમાં બે શિશુના મૃતદેહ છે. દેવીના બંને હાથ વર અને અભય મુદ્રામાં છે. માઁ આસવપાનમાં ભાવોન્મત્તા, અટ્ટહાસ્યમયી અને બધા ભક્તોને અભિષ્ટ પ્રદાન કરે છે.

ભદ્રકાલી :- શક્તિ ઉપાસકોની બહુ પ્રચલિત આરાધ્યા દેવી છે ભદ્રકાલી. દેવી ભગવતીએ ભદ્રકાલીના રૂપમાં અનેકવાર લીલા કરી છે. ‘ભદ્ર’ અર્થાત્ મંગલ અને કાલનો અર્થ છે અંતિમ સમય. અર્થાત્ જીવોના અંતિમ સમયે જે મંગલ પ્રદાન કરે છે તે જ છે ભદ્ર – કાલી. દક્ષયજ્ઞ વિનાશના સમયે મહાદેવની જટાથી ભૈરવ વીરભદ્રની ઉત્પત્તિ થઈ અને દેવી ભગવતીના કોપ-અગ્નિ થી ઉત્પન્ન થયાં હતાં દેવી ભદ્રકાલી. ‘दक्षयज्ञ विनाशिन्यै महाघोरायै योगिनी कोटिपरिवृत्तायै, भद्रकाल्यै हीं ॐ दुर्गायै नम:।’ દેવીએ કોટિ યોગિનીઓ સંગે રહીને દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો હતો. કાલીકા પુરાણના મત અનુસાર સૃષ્ટિના આદિ સમયે દેવી ભગવતીએ ઉગ્ર ચંડીના રૂપમાં અઢાર ભુજા ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો હતો. આજ પુરાણના મત પ્રમાણે દ્વિતીય સૃષ્ટિમાં ષોડશભુજા ભદ્રકાલીનાં અવયવોનું વિસ્તૃત વર્ણન છે. માનાં અંગો આતશીફૂલ સમાન છે. મસ્તક પર જટાજૂટ છે અને અત્યંત સુંદર મુગટથી સુશોભિત છે. લલાટમાં અર્ધચંદ્ર, કંઠ રત્નહાર અને નાગપાશથી સુશોભિત છે. ષોડશભુજા અતી – તીક્ષ્ણ ધારવાળાં અસ્ત્ર-શસ્ત્રથી સુસજ્જ છે. મા સિંહવાહિની છે. ડાબા ચરણથી મહિષાસુરનું મર્દન કરીને ત્રિશુલથી અસુરનો વક્ષભેદ કરે છે. તંત્રસાર પ્રમાણે આ જ ભદ્રકાલી કાલીરૂપમાં પૂજિતા છે.

સિદ્ધકાલી :- કાલીતંત્રમાં આ દેવી વિષે ઉલ્લેખ છે. માઁ દ્વિભુજા છે. દક્ષિણ હાથમાં ખડ્ગ ધારણ કર્યું છે, આ ખડ્ગાઘાતથી ચંદ્રના શરીરમાંથી અમૃતધારા વહાવીને માઁ સ્નાન કરી રહ્યાં છે. દેવી ત્રિનયના, મુક્તકેશી અને દિગમ્બરા છે. માઁ ની અંગકાંતિ નિલકમલ સમાન છે. વામ ચરણ શિવજીના હૃદય ઉપર અને દક્ષિણ ચરણ શિવજીનાં બંને ચરણોની વચ્ચોવચ્ચ  છે. દેવી સાધકોને અભય પ્રદાન કરે છે અને સિદ્ધિ પ્રદાન  કરે છે. તેથી દેવીનું નામ થયું સિદ્ધકાલી.

આદ્યાકાલી :- મહાનિર્વાણ તંત્રમાં આપણને આદ્યાકાલીનું વર્ણન મળે છે. દેવી ગાઢ નીલવર્ણા છે. લલાટમાં ચંદ્રરેખા, ત્રિનેત્રા, રક્તવસ્ત્રાવૃત્તા અને દ્વિભુજા છે. બંને હાથ વર અને અભયમુદ્રામાં છે. મહાદેવ દેવીના આ રૂપ-દર્શનથી વિભોર થઈને નૃત્ય કરી રહ્યા છે. દેવી પણ આ નૃત્ય જોઈને મુગ્ધ નયનથી આનંદ વિહ્વળ થઈ રહ્યાં છે. સાધકગણ આદ્યાકાલીનું પ્રસન્ન ચિત્તથી ધ્યાન કરે છે.

ચામુંડા કાલી :- કાલીકા પુરાણ, માર્કંડેય પુરાણ અને દેવી ભાગવતમાં ચામુંડા કાલી વિશે વિસ્તૃત વર્ણન છે. ચામુંડા કાલીની પૂજા દુર્ગા- પૂજા વખતે ‘સંધિપૂજા’ ના સમયે થાય છે. આ દેવીના આર્વિભાવની કથા ખૂબ પ્રચલિત છે. શુંભ-નિશુંભનો વધ કરવા માટે દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. આથી પ્રસન્ન થઈને દેવીએ પોતાના શરીરમાંથી એક અપૂર્વ લાવણ્યમયી દેવીનું રૂપ પ્રાગટય કર્યું. તે દેવી કૌશિકી દેવીના નામથી ઓળખાય છે. શુંભ-નિશુંભના અનુચર ચંડ-મુંડ દેવીના આ અતુલનીય રૂપ-માધુર્યને જોઈને મોહિત થઈ ગયા. જ્યારે મોહાવિષ્ટ ચંડ-મુંડ દેવીને પકડવા અગ્રસર થયા તો દેવી એટલાં બધાં ક્રોધિત થઈ ગયાં કે ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈને કાળાં થઈ ગયાં. દેવીના આ ક્રોધાવિષ્ટ ભ્રૂકુટી – કુટિલ લલાટથી એક કરાલ વદના, અસિ અને પાશધારિણી ભયંકર દેવીનો આવિર્ભાવ થયો.

આ દેવીનો ગાત્ર-વર્ણ નીલકમલ સમાન છે, દેવી ચતુર્ભૂજા છે. ઉપરના જમણા હાથમાં નરશિરા સમન્વિત એક દંડ છે, નીચેના હાથમાં ચંદ્રહાસ અસ્ત્ર છે. ઉપરના ડાબા હાથમાં ઢાલ અને નીચેના હાથમાં પાશ છે. પરિધાનમાં વ્યાઘ્રચર્મ, અતિ રુગ્ણ શરીર, અસ્થિ ચર્મસાર, ભયાનક દંતરાશિ, ઊંડાં ઊતરેલાં ઘોર રક્તવર્ણાં ચક્ષુ, રક્તમયી જિહ્વા છે.

દેવીનું આસન એક મુંડહીન અસુરનો મૃતદેહ છે. આ ભયાનક રૂપ ધારિણી દેવીએ ચંડ-મુંડનો વધ કર્યા પછી બંને છિન્ન મસ્તક દેવી કૌશિકીને ઉપહાર સ્વરૂપે આપ્યાં. ત્યારે દેવી કૌશિકી પ્રસન્ન થઈને બોલ્યાં, ‘તમે મારો જ અંશ હોવા છતાં પણ તમે ચંડ-મુંડનો વધ કરીને મને પ્રસન્ન કર્યાં છે, તેથી આજથી તમે દેવી ચામુંડાના નામથી ઓળખાશો.’ દુર્ગાપૂજાની અષ્ટમી અને નવમી તિથિએ દેવી ચામુંડાની પૂજા થાય છે. અગ્નિ પુરાણમાં બીજા પણ આઠ પ્રકારનાં ચામુંડા કાલીનાં નામ મળે છે.

અભિનવ ગુપ્તના તંત્રલોક અને તંત્રસાર ગ્રંથમાં ચામુંડા કાલીનાં ૧૩ પ્રકારનાં નામ અને તેના ધ્યાનમંત્ર પણ પ્રાપ્ત છે. જેમકે સૃષ્ટિકાલી, સ્થિતિકાલી, સંહારકાલી, રક્તકાલી, સ્વકાલી, યમકાલી, મૃત્યુકાલી, રુદ્રકાલી, પરમાર્કકાલી, માર્તંડકાલી, કાલાગ્નિ રુદ્રકાલી, મહાકાલી અને મહાભૈરવ ઘોર ચંડ કાલી. આ સિવાય બંગદેશમાં કાલીનાં બીજા પણ કેટલાંક નામ પ્રાપ્ત થાય છે. પરંતુ શાસ્ત્રોમાં તેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. જેમકે રક્ષાકાલી, શ્વેતકાલી, વિશાલાક્ષીકાલી.

દેવીનાં અંગ – પ્રત્યંગ :- દેવી કાલીનાં વર્ણ અને અંગ-પ્રત્યંગ પણ વિશેષ અર્થ ધરાવે છે. પંડિતોએ દેવીનાં અંગ-પ્રત્યંગ વિશે શાસ્ત્રોમાં વિષદ ચર્ચા કરી છે.

ગાત્રવર્ણ :- ઘોર કૃષ્ણવર્ણા, કારણ કે શ્વેત, કૃષ્ણ, નીલ અને પીળા વગેરે રંગોના સંમિશ્રણ કરવાથી કાળો રંગ જ થઈ જાય છે. વિશ્વચરાચરની બધી વસ્તુઓ જ્યારે આ અચિંતનીય, અવ્યક્તાદી પ્રકૃતિમાં લીન બનીને એકીભૂત થઈ જાય છે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વગેરે કાંઈ પણ બાકી રહેતું નથી. તમોમયી વિ. અવસ્થાના કારણે માનો રંગ કાળો છે. सृष्टैरादौ त्वमेकासीत्‌ अगोचरम्‌ પરંતુ સાધકોની દૃષ્ટિએ માનો રંગ કાળો નથી. રામપ્રસાદ કહે છે, ‘मॉं कि आमार कालो रे, लोके बोले काली-कमलो, आमार मन तो बोले ना कालो।’ ઠાકુર શ્રીરામકૃષ્ણ દેવ કહે છે, ‘દૂર છે તેથી કાળો લાગે છે, આકાશ દૂરથી ભૂરું દેખાય છે પરંતુ ખરેખર કોઈ રંગ નથી. સમુદ્રનું પાણી દૂરથી નીલવર્ણું લાગે છે. પરંતુ હાથમાં લઈને જોઈએ તો કોઈ રંગ નથી. માનું વદન કરાલવદન છે, કારણ મા સંહારકર્ત્રી, પ્રલયના સમયે સમગ્ર વિશ્વ બ્રહ્માંડને કરાલવદનમાં લય કરી દે છે. સમગ્ર સૃષ્ટિનો મા ગ્રાસ કરી લે છે આથી ઓષ્ઠાધારમાં રક્તધારા વહી રહી છે.

માઁ મુક્ત કેશી (ખુલ્લા વાળ) છે કારણ કે દેવી વેણીબદ્ધા નથી. અર્થાત્ માઁ વિલાસવર્જિત નિર્વિકારા છે. આલુલાયિત કેશ ગતિનું પ્રતીક છે. માઁ ની ગતિને કોઈ રોકી શકતું નથી. માઁ જીવને માયાના બંધનથી બાંધે પણ છે અને મુક્ત પણ કરે છે.  – બ્રહ્મ, – વિષ્ણુ, ईश- મહેશ. માઁ આ ત્રણ દેવોની પણ મુક્તિદાત્રી છે, આથી મા મુક્તકેશી છે. દેવી ચતુર્ભુજા ડાબા હાથમાં ખડ્ગ છે. નિષ્કામ સાધકોના મોહપાશને મા આ જ્ઞાનઅસિ દ્વારા છેદન કરે છે. અને નીચેના હાથમાં છિન્ન મસ્તક ધારણ કરે છે જે મોહપાશમુક્ત તત્ત્વજ્ઞાનનો આધાર છે. અર્થાત્ કરુણામયી મા સાધક સંતાનને મુક્તિ પ્રદાન કરવા માટે સદા તત્પર છે. આથી જ્ઞાન અસિ દ્વારા બંધન મુક્ત કરીને પોતાના અભયહસ્તમાં આશ્રય આપે છે. દક્ષિણ હસ્તદ્વયમાં મા સંતાનને સંસારની યંત્રણાથી મુક્ત કરવા માટે અભય અને વરદાન આપે છે. અર્થાત્ એક જ આધારમાં મા ભીષણા, ભયંકરી અને બીજી બાજુ કરુણાઘનમૂર્તિનો આધાર છે.

દેવીના ગળામાં રક્તસ્રોતધારામાં રંજિત પચાસ નરમુંડની માળા છે. મસ્તક મનુષ્યની બુદ્ધિનું સ્થાન છે. મૃત્યુ પછી સાધક સંતાનને શુભ બુદ્ધિ પ્રદાન કરવા માટે મા જ્ઞાનરૂપી મુંડ ને પોતાના હૃદયમાં ધારણ કરે છે. બીજા અર્થમાં મુંડમાળા પચાસવર્ણનું પ્રતીક છે. કાલી પચાસ વર્ણમયી છે. વર્ણમાલા સર્વશાસ્ત્ર વગેરેનું, શબ્દસૃષ્ટિનું મૂળ છે, અર્થાત્ વર્ણથી શાસ્ત્રાદિ પ્રકાશિત થાય છે. વર્ણ વગર શાસ્ત્રાદિ અપ્રકાશિત રહે છે. આથી જ મા આદિતત્ત્વમયી છે. મા દિગમ્બરા છે. કારણ જે સર્વવ્યાપિની, ભૂમાસ્વરૂપિણી છે તેને કયું વસ્ત્ર અથવા આચ્છાદાન આવૃત્ત કરી શકે? દસે દિશાઓ માનું આવરણ છે. મા સર્વબંધન હારિણી આથી મા દિગમ્બરા છે. દેવીના કાનોમાં મૃતશિશુ કર્ણાભરણના રૂપમાં આભૂષિત છે. શાસ્ત્રો કહે છે, ‘બાલકવત્, સરલ, નિર્વિકાર, તત્ત્વજ્ઞ સાધક દેવીને સૌથી વધુ પ્રિય છે. તેની પ્રાર્થના, પોકાર મા પહેલાં પૂર્ણ કરે છે.’

માની જીભ લોહીલુહાણ છે અર્થાત્ રક્તવર્ણી છે. કારણ રક્તવર્ણ રજોગુણનું પ્રતીક છે. પરંતુ મા રજોગુણને શ્વેતદંતથી અવદમિત કરે છે, શ્વેતદંત પંક્તિ સત્ત્વગુણનું પ્રતીક છે. અર્થાત્ મા સત્ત્વગુણથી રજોગુણનું દમન કરે છે.

માનું ઉન્નત વક્ષસ્થળ વિશ્વ માતૃત્વનું પ્રતીક છે. સંતાનને સ્નેહપીયૂષ ધારાથી પરિતૃપ્ત કરીને તત્ત્વજ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરવા માટે મા સદા તત્પર રહે છે. મા ની કમર નરકરથી વેષ્ટિત છે, કારણ જીવ દેહત્યાગ પછી પુનર્જન્મ સુધી સૂક્ષ્મ શરીરથી માના વિરાટ શરીરમાં જ આશ્રય લે છે. હાથ જીવની ક્રિયાશક્તિનું પ્રતીક છે. દેવીએ સંતાનને તેનાં કર્મ અનુસાર ફળપ્રદાન કરવા માટે હસ્તને પોતાની કમરનું આભૂષણ બનાવ્યું છે.

દેવી ત્રિનયના છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપ ત્રિનેત્રોથી મા સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ; ભૂત, વર્તમાન અને ભવિષ્ય, બધાંનું દર્શન કરે છે, અર્થાત્ મા ત્રિકાલજ્ઞ છે. મા શબરૂપી શિવ પર દંડાયમાન છે. શિવ નિષ્ક્રિય પુરુષ આથી શવાકાર છે. અને માઁ નિત્યક્રિયાશિલા આદિ પ્રકૃતિ છે. પુરુષ પ્રકૃતિને આધીન છે. આથી શિવજી મા ના પદતળે શાયિત છે. આચાર્ય શંકર કહે છે, ‘શક્તિ વગર શિવ સ્પંદન રહિત છે, આથી શિવ શવરૂપમાં નીચે શાયિત થઈને ઉર્ધ્વમુખી થઈને માની કૃપાદૃષ્ટિની પ્રતીક્ષા કરે છે.

દેવી શ્મશાનવાસિની છે. શ્મશાન જીવની કર્મભોગની અંતિમ પરિણતિ અર્થાત્ અંતિમ વિશ્રામ સ્થળ છે. શ્મ-શવ (મૃત શરીર) અને શાન- (શયન), જીવનું સર્વસ્વ હરણ કર્યા પછી પ્રલય સમયે બધું જ માના સ્વશરીરમાં લય પામે છે. ત્યારે સમગ્ર સંસાર મહાસ્મશાનમાં પરિણિત થાય છે. તે જ મહાસ્મશાન માનું એકમાત્ર નિવાસસ્થાન છે. પંચભૌતિક શરીર ક્ષણસ્થાયિક, વિનાશશીલ છે. આ જ તત્ત્વની ધારણા કરવા માટે મા શ્મશાનવાસિની છે. મહાનિર્વાણ તંત્ર મા ની સ્તુતિ કરતાં કહે છે, ‘હે મા જગદમ્બા, આ વિશ્વ ચરાચર નિખિલ જગત તમારી જ સૃષ્ટિ છે. સર્વકારણના કારણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ કેવળ નિમિત્તમાત્ર છે. તમે જ આદિ, તમે જ અનંત અને બાકી બધું કેવળ નિમિત્તમાત્ર છે.’

‘निमितमात्रम्‌ तद्‌ ब्रह्म सर्वकारण-कारणम्‌।’ (४.२६)

મહાનિર્વાણ તંત્ર કહે છે, ‘सर्वप्राणि हितकरम्‌ भोगमोक्यैक कारणम्‌ विशेषत: कलियुगे जीवानामाशुसिद्धिदम्‌।’(७-५)

અર્થાત્ પરાપ્રકૃતિ મહાકાલીની સાધનાથી સમસ્ત જીવો તેમની ભોગ્ય અને મોક્ષ વસ્તુના અધિકારી બને છે. તેથી કાલી સાધના બધાં પ્રાણીઓ માટે હિતકારી છે. વિશેષત: કળિયુગમાં કાલીસાધના દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ તંત્રમાં ભગવાન શિવ સ્વયં કહે છે, ‘ब्रह्मज्ञानं अवाप्नोति श्रीमदाद्या-प्रसादत:। ब्रह्मज्ञानं यतोमर्त्ये जीवनमुक्त: न संशय:॥’ (महानिर्वाण तंत्र, ७.८१) અર્થાત્ આદ્યાકાલીના અનુગ્રહથી સાધક બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. અને મુનિઓના મત પ્રમાણે બ્રહ્મજ્ઞાનથી જીવન્મુક્તિ મળે છે એમાં કોઈ સંશય નથી. કાલિકા તંત્ર પ્રમાણે જે દેવીની સમ્યક્ અર્ચના કરે છે તેમની જિહ્વામાં સરસ્વતી તથા ઘરમાં લક્ષ્મી સદા વિરાજિત રહે છે. અને તેનું સંપૂર્ણ શરીર તીર્થસ્વરૂપ થાય છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ સમયે મા શારદાદેવી રડતાં રડતાં કહી રહ્યાં હતાં, ‘ઓ મા કાલી, તમે કયાં ચાલ્યાં ગયાં?’ આથી સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ મા કાલીનું જ સ્વરૂપ છે. બીજી બાજુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવે સ્વયં શ્રી શ્રી મા વિષે સ્વીકાર કર્યો છે કે, ‘જે મા મંદિરમાં છે, જે મા આ શરીરની જન્મદાત્રી છે અને જે આ સમયે મારી પદસેવા કરી રહ્યાં છે (મા શારદાદેવી), આ ત્રણેય મા આનંદમયી ના જ સ્વરૂપ છે.’ એકવાર ઠાકુરના ભત્રીજા શિવલાલ દાદાએ માને પૂછયું હતું, ‘કાકી તમે કોણ છો?’ માએ કહ્યું, ‘બધા લોકો મને કાલી કહે છે.’ આ વાતને શિવલાલ દાદાએ માના મુખેથી ત્રિસત્ય (ત્રણ વખત) કરાવ્યું હતું.

બીજી એક ઘટનામાં માએ સ્વીકાર કર્યો છે, ‘હું કોઈ ધર્મની મા નથી, ગુરુપત્નીના રૂપમાં પણ નથી. હું સત્ય, સત્ય મા છું.’ આ સિવાય બીજાં પણ કેટલાંય દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે કે મા શારદા મા કાલીનું જ સ્વરૂપ છે. અર્થાત્ મારા ઈષ્ટદેવ અને ઈષ્ટદેવી બંને આદ્યાશક્તિ મહામાયા કાલીનું જ સ્વરૂપ છે. આ લેખમાં માના સ્વરૂપ અને પ્રકારભેદનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ તો મા અનંતરુપિણી, અનંત ગુણવતી, અનંત નામ્નિ ગિરિજા મા છે.

સંદર્ભ ગ્રંથાવલિ :

૧. શ્રીરામકૃષ્ણ વચનામૃત, ૨. કાલી તંત્ર, ૩. મહાનિર્વાણ તંત્ર, ૪. તંત્રસાર, ૫. દેવી ભાગવત, ૬. કાલિકા પુરાણ, ૭. અગ્નિ પુરાણ, ૮. નિરુક્ત તંત્ર, ૯. ચામુંડા તંત્ર, ૧૦. વિષ્ણુ પુરાણ, ૧૧. શ્રી શારદાદેવી જીવન ચરિત્ર, ૧૨. યોગિની તંત્ર, ૧૩. કુબ્જીકા તંત્ર, ૧૪. તંત્રાલોક, ૧૫. ભગવતી ગીતા, ૧૬. માર્કંડેય પુરાણ, ૧૭. કૂલાર્ણવ તંત્ર, ૧૮. પિચ્છિલા તંત્ર, ૧૯. ભગવદ્ ગીતા, ૨૦. વાયુ પુરાણ.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.