(અનુ. કુસુમબહેેન પરમાર)

આસો માસના શરદ પ્રભાતે શિશિરથી

ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ પૂજા. કેવળ બંગાળીઓની જ શા માટે? ભારતમાં બધી જગ્યાએ દુર્ગાદેવીની પૂજા વિભિન્ન નામે વિભિન્નરૂપે થાય છે. પરંતુ બંગાળીઓ પાસે દેવી જાણે પરમ આત્મીય. દુર્ગાદેવી જાણે ઘરની દીકરી. દુર્ગાપૂજાના આ દિવસોમાં દુર્ગાદેવી પોતાના પતિ, પુત્ર, કન્યાને લઈને પોતાના ઘેર લઈ આવે છે. મા દુર્ગાને આવકારવા પ્રત્યેક બંગાળી જાણે તીવ્ર પ્રતીક્ષા કરે છે. કેવો અદ્‌ભુત ભાવ! અન્યાય, અસત્ય, અસુંદર, અસામાજિક તત્ત્વને દૂર કરીને સુંદર, મહિમામંડિત જીવનને ઉજાગર કરવા માટે મા દુર્ગા આવે છે.

આપણે દેવી દુર્ગાનો ઉલ્લેખ તૈત્તિરીય આરણ્યક ઉપનિષદમાં જોઈએ છીએ. આચાર્ય સાયન તેમના વેદભાષ્યમાં દુર્ગિ અને દુર્ગાનો ઉલ્લેખ કરે છે. નારાયણ ઉપનિષદમાં દુર્ગા ગાયત્રીની કથા કહી છે. “કાત્યાયનાય વિદ્મહે કન્યકુમારી ધીમહિ, તન્નો દુર્ગિ : પ્રચોદયાત્’ સાયન આચાર્ય કહે છે : અહીં દુર્ગા અને દુર્ગી મૂલત : એક, શ્રીશ્રી ચંડી વેદસ્વરૂપા. શ્રીશ્રી ચંડીનું પ્રથમ ચરિત્ર ઋગ્વેદ સ્વરૂપા, મધ્યમ યજુર્વેદ સ્વરૂપા અને ઉત્તમ ચરિત્ર સામવેદ સ્વરૂપા. તંત્રશાસ્ત્રમાં પછીથી વેદમાતા સ્વયં ચંડીરૂપે પ્રકટ થયાં છે. ઋગ્વેદમાં ભુવનેશ્વરી દેવીનો મંત્ર મળે છે; વિશ્વદુર્ગા, સિંધુદુર્ગા, અગ્નિદુર્ગા ઇત્યાદિ. સામવેદમાં પણ રાત્રિસૂક્ત વિખ્યાત છે. માર્કણ્ડેય પુરાણમાં ૮૧-૯૩ અધ્યાય અર્થાત્ તેર અધ્યાયમાં શ્રીશ્રી ચંડી અથવા દુર્ગા સપ્તશતી નામથી વિખ્યાત છે. શાસ્ત્રના મત પ્રમાણે દુર્ગાયજ્ઞમાં ૭૦૦ આહુતિ આપવાની વિધિ છે અને આ ૭૦૦ મંત્ર માટે જ ગ્રંથને દુર્ગા સપ્તશતી કહેવામાં આવે છે. વેદના છંદો આપણને ચંડીમાં જોવા મળે છે. વેદમાં ત્રણ છંદો છે : “ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ.’ ઋગ્વેદના મત પ્રમાણે આ ત્રણ છંદના પઠનથી આપણને બ્રહ્મતેજ, આયુષ્ય અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. “તામગ્નિવર્ણાં તપસા જ્વલન્તીં વૈરોચનીં કર્મફલેષુ જુષ્ટામ્’ અર્થાત્ હું તે જ વૈરોચની, અગ્નિવર્ણા, સ્વયંના તેજ-તાપથી શત્રુને દઝાડનારી, કર્મફલદાત્રી દેવી દુર્ગાનો શરણાગત છું. તે અગ્નિવર્ણા દેવીને કેન્દ્રમાં રાખીને પુરાણ અને લોકવાયકામાં પણ આપણને દૈત્ય મહિષાસુરના વિનાશનાં અદ્‌ભુત આખ્યાનોની ભેટ મળી છે. માર્કણ્ડેય, વરાહ, વામન, કાલિકાપુરાણ અને દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વરુણ, અગ્નિ, વાયુ, ઇન્દ્ર વગેરે મુખ્ય દેવતાઓના દેહતેજમાંથી તેજોરાશિ સંમિલિત થઈને મહિષાસુરના વિનાશ માટે મહિષાસુરમર્દિની અથવા મહિષમર્દિનીનું પ્રાગટ્ય થયું હતું. અલબત્ત, આ સુવિખ્યાત ઉપાખ્યાનોનો ઉલ્લેખ સુપ્રસિદ્ધ ગં્રથ ચંડી અથવા માર્કણ્ડેય પુરાણની અંતર્ગત થયો છે. ચંડીના બીજા અધ્યાયમાં મેધા ઋષિ રાજા સુરથ અને વૈશ્ય સમાધિને કહે છે : “દેવાસુરમભૂદ્યુદ્ધં… દેવાનાં ચ પુરન્દરે’ (૨.૨) અર્થાત્ પૂર્વકાળમાં દેવતાઓ અને અસુરો વચ્ચે સો વર્ષ સુધી ઘોર સંગ્રામ થયો હતો. અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓનો નાયક ઇન્દ્ર હતો. એ યુદ્ધમાં દેવતાઓની સેના અસુરોથી પરાસ્ત થઈ અને મહિષાસુર સ્વર્ગનો અધિપતિ બન્યો હતો. હવે પ્રશ્ન એ ઊઠે કે આ મહિષાસુર કોણ? મહિષીના ગર્ભથી તેનો જન્મ થયો હતો તેથી મહિષાસુર. વરાહપુરાણ, કાલિકાપુરાણ, વામનપુરાણ અને દેવી ભાગવતમાં મહિષાસુરના જન્મની કથા છે. આદિ કલ્પમાં સંવત્સર નામના એક ઋષિ હતા. તેના પુત્રનું નામ હતું સુપાર્શ્વ. સુપાર્શ્વના પુત્રનું નામ સિંધુદ્વીપ હતું. ઋષિના વંશમાં જન્મ્યો હોવા છતાં પણ સિંધુદ્વીપ અસુર હતો. ઋષિપુત્ર હોવા છતાં તે શા માટે અસુર હતો, તે વિશે અહીં ચર્ચાનો વિષય નથી. તેની કન્યાનું નામ હતું માહિષ્મતિ. તે વિપ્રચિત્તિની અગ્રજા હતી. દૈત્ય વિપ્રચિત્તિ વંશીય દાનવોના વધની વાત ચંડીમાં છે. (૧૧.૪૩-૪૪)

માહિષ્મતિ એક દિવસ અસ્વર નામના એક ઋષિના આશ્રમમાં સખીઓ સાથે ફરવા ગઈ હતી. આશ્રમનું રમણીય વાતાવરણ જોઈને તેને ત્યાં રહેવાની ઇચ્છા થઈ ત્યારે તેણે મહિષીનું રૂપ ધારણ કર્યું અને મહા તેજસ્વી ઋષિને ડરાવવા લાગી. ધ્યાનમાં ઋષિએ જાણ્યું ત્યારે ભયાનક ક્રોધથી તેને શાપ આપ્યો : “હે પાપી! તું મહિષીરૂપ ધારણ કરીને મને ભય દેખાડવા આવી છો? તો આ રીતે આજથી સો વર્ષ સુધી તું આવા જ મહિષીરૂપમાં રહીશ.’ અભિશાપ સાંભળીને માહિષ્મતિ ખૂબ જ ભયભીત થઈ ગઈ. ઋષિના ચરણોમાં પડીને ક્ષમા માગવા લાગી અને શાપમુક્તિનો ઉપાય બતાવવા વિનંતી કરવા લાગી. પછીથી ઋષિનો ક્રોધ શાંત થતાં બોલ્યા : “તારું આ મહિષીરૂપ એક પુત્ર સંતાનના પ્રસવ પછી શાપમુક્ત થશે.’ આ માહિષ્મતિના ગર્ભથી જ મહિષાસુરનો જન્મ થયો. (વરાહપુરાણ, અધ્યાય ૯૫)

રંભ અને કરંભ નામના બે ભાઈ પ્રચંડ પરાક્રમી અસુર હતા. તેઓ બંને પુત્ર વિનાના હતા. તેઓ પુત્રપ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરતા હતા. તે જોઈને દેવરાજ ઇન્દ્ર ભયભીત થયા અને તપસ્યારત કરંભનો કપટતાથી વધ કર્યો. ભાઈના મૃત્યુથી રંભ દુ :ખી થઈને આત્મહત્યા કરવા તૈયાર થયો ત્યારે અગ્નિદેવે તેને આત્મહત્યા કરતો અટકાવ્યો. તેની કઠોર તપસ્યાથી સંતુષ્ટ થઈને અગ્નિદેવ રંભને વરદાન આપવા તૈયાર થયા. રંભે વરદાનમાં અગ્નિદેવ પાસેથી ત્રિલોકવિજયી એક પુત્ર સંતાનની યાચના કરી. અગ્નિદેવ “તથાસ્તુ’ કહીને ચાલ્યા ગયા. થોડા સમય પછી રંભાસુર મહિષીના રૂપથી મુગ્ધ થયો અને તેની સાથે વિવાહ કર્યો અને તે મહિષીના ગર્ભથી મહિષાસુરનો જન્મ થયો. (વામનપુરાણ, અધ્યાય ૧૭; દેવી ભાગવત, સ્કંદ-૫, અધ્યાય ૨)

મહિષાસુર જ્યારે યુવાન થયો ત્યારે બાહુબળથી તેણે સ્વર્ગ પર અધિકાર મેળવ્યો. ત્યારબાદ દેવતાઓ સ્વર્ગથી પદચ્યુત થઈને બ્રહ્માને સાથે લઈને ભગવાન વિષ્ણુ અને શિવની પાસે ગયા. તત : પરાજિતા દેવા : પ્રદ્મયોનિં પ્રજાપતિમ્…. યત્રેશગરુડધ્વજાૈ —।। (ચંડી-૨.૪)

દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને મહેશને મહિષાસુરના અત્યાચારનો વૃત્તાંત સવિસ્તાર કહ્યો અને તેમને રક્ષણનો ઉપાય જણાવવા વિનંતી કરી. દેવતાઓની આપદા વિશે સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવને દૈત્યો પર ખૂબ ક્રોધ આવ્યો. ચંડીમાં આ ઘટનાનું વર્ણન અપૂર્વ છે : “ઇત્થં નિશમ્ય દેવાનાં… સુરાસ્તત્ર જ્વાલાવ્યાપ્ત દિગન્તરમ્’ (૨.૯ અને ૧૨) વિષ્ણુ અને મહાદેવ ક્રોધિત થયા ત્યારે તેમના મુખમંડળે ભયંકર રૂપ ધારણ કર્યું અને અતિ ક્રોધિત વિષ્ણુ, બ્રહ્મા અને શિવના મુખમંડળમાંથી મહાતેજ પ્રકટ થયું. ઇન્દ્રાદિ દેવતાઓના શરીરમાંથી પણ મહાતેજ નીકળીને એકઠું થયું. “અતુલં તત્ર… વ્યાપ્તલોકત્રયં ત્વિષા’ (ચંડી-૨.૧૩) બધા દેવતાઓના શરીરમાં રહેલ ત્રિલોકવ્યાપી એ અતુલનીય તેજોપુંજ એકત્ર થઈને ધીમે ધીમે એક નારીમૂર્તિમાં રૂપાંતરિત થયો. તે સુંદર નારી જ દેવી દુર્ગા! મહિષાસુરના વધ માટે તેમનો આવિર્ભાવ થયો. પુરાણમાં વર્ણન છે કે દેવીનું પ્રત્યેક અંગ દરેક દેવતાના તેજથી ઘડાયું હતું; જેમ કે મહાદેવના તેજથી દેવીનું ઉજ્જ્વળ મુખશ્રી, યમરાજના તેજથી દેવીની કેશરાશિ, વિષ્ણુના તેજથી બળવાન બંને બાહુ, અગ્નિના તેજથી દેવીનાં ત્રિનયન ઇત્યાદિ. ત્યારબાદ તે તેજસ્વી દેવીને દેવતાઓએ પોતપોતાનાં અસ્ત્રો આપીને રણસંગ્રામની મૂર્તિરૂપે શણગારી. સૌ પ્રથમ મહાદેવે તેમનું ત્રિશૂળ, વરુણે શંખ, પવનદેવે ધનુષ્યબાણ, ઇન્દ્રે વજ્ર, પ્રજાપતિ બ્રહ્માએ સ્ફટિકાક્ષની માળા તથા બ્રહ્માજીએ કમંડળ ભેટરૂપે આપ્યાં. પર્વતરાજ હિમાલયે દેવીને વાહનરૂપ સિંહ, શેષનાગે મહામણિથી શોભતો નાગહાર આપ્યો. તદુપરાંત બીજા બધા દેવતાઓએ પોતપોતાનાં અસ્ત્ર અને અલંકાર આપ્યાં. પછી એક રોમાંચક ભયંકર યુદ્ધમાં એક-એક કરીને શુંભ-નિશુંભ અને છેવટે મહિષાસુરનો વધ થયો.

પુરાણના પ્રમાણથી સમજી શકાય છે કે દેવી દુર્ગા અને મહિષાસુરનો જે સંગ્રામ થયો તે શુભશક્તિ અને અશુભશક્તિનો સંગ્રામ હતો. હંમેશાં અશુભશક્તિનો પરાજય અને શુભશક્તિનો વિજય થાય છે.

રામાયણ અને મહાભારતમાં પણ દેવી દુર્ગાનું વર્ણન અતિ મહિમામંડિત આખ્યાનમાં જોવા મળે છે. બંગાળી કૃત્તિવાસ રામાયણમાં પણ શારદીય દુર્ગાનો કથાપ્રસંગ અતિ લોકપ્રિય છે. માન્યતા છે કે બંગાળના કૃષ્ણાનંદે આગમવાગીશ દશભુજા દુર્ગાની પૂજાને પ્રચલિત કરી હતી. પરંતુ દુર્ગામંગલ અને દુર્ગા સપ્તશતીમાં દેવી ચંડિકા અને ચંડીપાઠ પ્રસંગે જાણવા મળે છે કે બંગાળમાં રાજા દનુજમર્દન દેવે પ્રથમવાર દુર્ગાપૂજાનો પ્રારંભ કર્યો હતો. દુર્ગા શબ્દનો સંધિ-વિચ્છેદ કરીએ તો – દ+ઉ+ર્+અ+ગ+આ – આમ છ અક્ષર મળે. આ અક્ષરો વિશેષપણે તાત્પર્યપૂર્ણ છે. “દૈત્યનાશાર્થ વચનો દકાર : પરિકીર્તિત :, ઉકારો વિઘ્નનાશસ્ય વાચક : વેદ સમ્મત : રેફો રોગઘ્નવચનો ગશ્ચ પાપઘ્ન વાચક :, ભયશત્રુઘ્ન વચનશ્ચકાર : પરિકીર્તિત :’ (દુર્ગાેત્સવ તત્ત્વ અને દુર્ગાપૂજા તત્ત્વ- રઘુનંદન ભટ્ટાચાર્ય) એટલે કે “દ’કારનો અર્થ દૈત્યનાશ, “ઉ’કારનો અર્થ વિઘ્નનાશ, “ર’કારનો અર્થ રોગનાશ, “ગ’કારનો અર્થ પાપનાશ અને “આ’કારનો અર્થ ભય અને શત્રુનો નાશ.

ઋગ્વેદમાં દુર્ગાનું નામ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. છતાં પણ ખિલકાંડમાં “દુર્ગામ્ દેવિમ્ શરણમહમ્ પ્રપદ્યે’ કહેલું છે. અર્થાત્ હું દુર્ગાદેવીનું શરણ ગ્રહણ કરું છું. હજુય વધારે કહેલું છે : “તામગ્નિવર્ણાં તપસા જ્વલન્તીં વૈરોચનીં કર્મફલેષુ જુષ્ટામ્’ અર્થાત્ દુર્ગાદેવી અગ્નિવર્ણા, તપસ્યાના તેજથી દેદીપ્યમાન, વિશેષ દ્યુતિ, સર્વ પ્રકારના કર્મફલની પ્રાપ્તિ માટે સર્વજનોના સમાશ્રિતા. મા દુર્ગા દશ દિશાઓમાં વ્યાપ્ત થઈને વિરાજે છે તેથી તેને દશભૂજા, દશ પ્રહરણધારિણી – મહાશક્તિ દુર્ગા કહેવામાં આવે છે. બ્રહ્મસ્વરૂપા, આ જ મહાશક્તિ વેદાંતમાં “માયા’ના નામથી ઓળખાય છે. કેનોપનિષદમાં આ શક્તિ જ ઇન્દ્રને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે છે. દુર્ગા જેમ બ્રહ્મવિદ્યાદાયિની છે તેમ યોગીઓને મુક્તિ આપનાર છે. “ત્વમ્ બ્રહ્મવિદ્યા મહાનિદ્રા ચ યોગિનામ્’. તેઓ સર્વ દેવતા અને સઘળાં પ્રાણીઓની જનની છે. તેઓ વાયુમાં સ્પંદનશક્તિ, પથ્થરમાં જડશક્તિ, જળમાં દ્રવ્યશક્તિ, અગ્નિમાં તેજશક્તિ, આકાશમાં શૂન્યશક્તિ અને સંસારના વ્યવહારમાં શક્તિરૂપે પ્રતિષ્ઠિત છે. તેઓ વરાભયદાયિની, કરુણારૂપિણી, જ્યોર્તિમયીરૂપે વિરાજમાન છે. શ્રીશ્રી ચંડીમાં દેવતાઓ દેવીને ઉદ્દેશીને સ્તુતિ કરે છે : “ત્વમ્ વૈ પ્રસન્ના ભૂવિ મુક્તિ હેતુ :’ અર્થાત્ દેવી પ્રસન્ન થઈને શરણાગતને મુક્તિ પ્રદાન કરે છે.

આ સિવાય પૌરાણિક કથામાં મા દુર્ગાની બીજી એક વાત પણ છે. દુર્ગમ નામનો એક અસુર બ્રહ્માના બળથી બળવાન હતો. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે તે કોઈ પુરુષના હાથે મરશે નહીં અને વેદને તે પોતાના અધિકારમાં રાખી શકશે. આ વરદાન મેળવીને અસુરે દુર્ગમ વેદને બંદી બનાવવા માટે સ્વર્ગ, મર્ત્યલોકમાં આક્રમણ કર્યું હતું. એક એક કરીને બધા જ તેનાથી પરાજય પામ્યા હતા. પરિણામે વૈદિક મંત્રોના ઉચ્ચારિત યજ્ઞોમાં અગ્નિદેવતાને આહુતિ આપવાનું બંધ થયું. તેથી દેવતાઓ નિસ્તેજ થઈ ગયા અને યજ્ઞાગ્નિની જ્વાળાથી યજ્ઞનો ધુમાડો બંધ થઈ ગયો અને આકાશમાં મેઘ આચ્છાદન બંધ થઈ ગયું. વરસાદ ન થવાથી અન્ન, શાકભાજીની ફસલ બંધ થઈ ગઈ. પરિણામે ચારેકોર હાહાકાર મચી ગયો. ત્યારે સ્વર્ગના દેવતાઓ મર્ત્યલોકની જીવનરક્ષા માટે ચિંતિત થયા અને આદ્યશક્તિ દેવીના શરણાગત થયા. લગભગ સો વર્ષ સુધી દુષ્કાળ પડતાં ધરાધામ જ્યારે સુકાઈ ગઈ ત્યારે તેના નિવારણ માટે શિવજીના શરીરમાંથી એક અપૂર્વ સુંદર દેવીમૂર્તિનો આવિર્ભાવ થયો. પદ્માસના ચતુર્ભુજા તે દેવીના શરીરમાંથી ૬૧ ચક્ષુ નીકળ્યાં. “તત : શતેન નેત્રનામ્ નિરીક્ષિષ્યામિ યન્મુનિન —। કીર્તયિષ્યન્તિ મનુજા : શતાક્ષીમિતિ માં તત : —।।’ અર્થાત્ દેવી તેમનાં શત ચક્ષુથી આર્ત સંતાનો તરફ દૃષ્ટિપાત કરે. પછી તે શત ચક્ષુ દ્વારા સ્નેહ કરુણાની વારિધારા ઝરવા લાગી. આમ તે દેવીનું નામ શતાક્ષી પડ્યું. દેવીએ પોતાના ચાર હાથમાં ધનુષ્યબાણ, પદ્મ અને દશ પ્રકારનાં શાકભાજી ધારણ કર્યાં. એ પદ્મબીજ જળમાં પડ્યાં અને પદ્મકાનન સર્જાયું અને દેવીના હાથમાંથી જાતજાતનાં શાકભાજી, ફળમૂળ માટીમાં પડ્યાં અનેે નવેસરથી ખાદ્યવસ્તુનું સર્જન પણ થવા લાગ્યું. જગતમાં નૂતન પ્રાણસંચાર થયો. શસ્યસંચારથી ધરતી પ્રાણવંત થઈ. આ દેવીનું નામ શાકમ્બરી થયું. તેમણે જ દુર્ગમ અસુરના હાથમાંથી વેદને પાછા આણ્યા અને યુદ્ધમાં તેને પરાજિત કર્યો. “દુર્ગાદેવીતિ વિખ્યાતમ્ તન્મે નામ ભવિષ્યતિ’.

રામાયણના યુગમાં પણ ઋષિ વાલ્મીકિ રામાયણના સૂત્રાકારમાં રાવણવધ પહેલાં રામચંદ્ર ભગવાને દેવી આદ્યાશક્તિ પાસે વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિની પ્રાર્થના કરતો એક શ્લોક છે. બંગાળીમાં તુલસી રામાયણમાં રામચંદ્ર ભગવાનની આરાધનાની વાત સવિસ્તાર જોવા મળે છે. બૃહદ્ ધર્મપુરાણ અને દેવી ભાગવતમાં રાવણ વધ માટે પ્રજાપતિ બ્રહ્માએ પૃથ્વી પર આવીને બિલ્વવૃક્ષ નીચે દેવી દુર્ગાની પૂજા કરી હતી એવી કથા છે. સપ્તમીથી નવમી સુધી પૂજાનું વિધાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે : “રાવણસ્ય વધાર્થાય રામસ્યાનુગ્રહાય ચ અકાલે બ્રહ્મણાબોધો દેવ્યાસ્ત્યિકૃત : પુરા’.

રામકૃષ્ણ ભક્તમંડળીમાં આપણે મા શારદાને દુર્ગાની પ્રતિમૂર્તિ માનીએ છીએ કારણ કે યુગપુરુષ સ્વામી વિવેકાનંદે મા શારદાને જીવંત દુર્ગા કહીને બિરદાવ્યાં છે. આપણે માતાજીના જીવનમાં એવી અનેક ઘટનાઓ જોઈએ છીએ જે અનાયાસે પ્રમાણ આપે છે કે મા શારદા જીવંત દુર્ગા છે. ગિરીશબાબુના ઘરે દુર્ગાપૂજાના સમયે મા ખૂબ જ અસ્વસ્થ હોવા છતાં ઉપસ્થિત રહ્યાં હતાં કારણ કે ગિરીશબાબુએ જીદ પકડી હતી કે મા જો ન આવે તો તેમની પૂજા વ્યર્થ જશે. મૃણ્મયી મૂર્તિની પૂજાનો કોઈ અર્થ નથી. ભૈરવ ગિરીશની ઇચ્છા પૂર્ણ કરવા માટે એવા અસ્વસ્થ શરીર સાથે પૂજા સમયે મા ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમની પુષ્પાંજલિ ગ્રહણ કરી હતી. પરંતુ સંધિપૂજાના સમયે બિમારી વધતાં માતાજી ત્યાં જઈ શકશે નહીં તેમ ગિરીશને જણાવાયું. તે વખતે સંધિપૂજાનો સમય ગાઢ રાત્રિનો હતો. ગિરીશબાબુને આ સમાચાર મળતાં સાવ ભાંગી પડ્યા. તેઓ રડતાં રડતાં મા દુર્ગા પાસે પ્રાર્થના કરવા લાગ્યા કે સંધિપૂજા સમયે મા શારદા ઉપસ્થિત ન રહે તો શાની પૂજા, કોની સંધિપૂજા? ભૈરવ ગિરીશનો પોકાર માતાજીના કાને પડ્યો. મા અચાનક બોલ્યાં કે તેઓ ગિરીશના ભવનમાં જશે. કેટલીક મહિલા ભક્તોને સાથે લઈને માતાજી બલરામબાબુના ઘરની પશ્ચિમ બાજુની સાંકડી શેરીના માર્ગ પરથી ગિરીશના ઘરે પહોંચ્યાં અને બોલ્યાં : “હું આવી છું.’ ગિરીશબાબુ આનંદથી આત્મહારા થઈને બોલવા લાગ્યા : “હું વિચારતો હતો કે મારી પૂજા બરાબર થઈ નથી અને બરાબર એ વખતે જ માતાજી બારણા પાસે આવીને બોલે છે : “હું આવી છું’ અરે, તમે બધા ક્યાં છો? આવો, આવો, માતાજીનાં ચરણોમાં પુષ્પાંજલિ આપો.’ માતાજીએ પ્રસન્નમુખે સૌની પુષ્પાંજલિ સ્વીકારી. મા શારદા સાક્ષાત્ દુર્ગા છે, એનું આ એક મોટું પ્રમાણ છે.

એક વખત જ્યારે બેલુર મઠમાં નક્કી કરવામાં આવ્યું કે આ વર્ષે મઠમાં દુર્ગાપૂજા થશે ત્યારે માતાજી જયરામવાટીમાં હતાં. બોધન-આવાહનના દિવસે મા બેલુર મઠ આવી પહોંચ્યાં. બાબુરામ મહારાજે જોયું કે માતાજીના આગમનનો સમય થઈ આવ્યો છે પરંતુ હજુય મંગલ ઘટ, કેળાનાં વૃક્ષો પ્રવેશદ્વાર પર મુકાયાં નથી. તે જોઈને તેઓ બોલી ઊઠ્યા કે આ શું હજુય આ બધું થયું નથી? મા કઈ રીતે આવે? અર્થાત્ જેઓ આવવાનાં છે તેમના આવાહન માટેના બધા ઉપચારો તો સંપૂર્ણ સજાવ્યા નથી. જેવા બધા શુકન-ઉપચાર કર્યા કે તુરત માતાજીની ગાડી આવી પહોંચી. આ બધું આયોજન જોઈને મા હસીને બોલ્યાં : “બધું ફિટફાટ છે, જાણે કે સજીધજીને મા દુર્ગા આવ્યાં છે.’

માને કોઆલપાડાના હિરપદ ખલાસી પર ખૂબ સ્નેહ હતો. હિરપદે પોતાના કુળગુરુ પાસેથી દીક્ષા લીધી હતી. એક દિવસ માતાજીએ તેને કહ્યું કે તારો ઇષ્ટમંત્ર સંભળાવ તો? હિરપદ કોઈપણ સંકોચ વિના મંત્ર બોલ્યો અને તરત મા શારદા સ્વયં દેવી દુર્ગારૂપે તેમની સામે ઊભાં રહ્યાં હતાં.

શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે : “જન્મકર્મ ચ મે દિવ્યમ્’ અર્થાત્ મારા જન્મ અને કર્મ બધું જ દિવ્ય છે. માતાજી એકવાર બોલ્યાં હતાં : “ઘણીવાર હું વિચારું છું કે શું હું રામ મુખોપાધ્યાયની પુત્રી? બીજા અને મારામાં શો તફાવત છે?’ આના ઉત્તરમાં સ્વામી ઈશાનંદે એક સાધુને તેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું : “તમે એવા કયા મનુષ્યને જુઓ છો, જેનામાં કોઈ વાસના જ ન હોય? અમે માતાજીને જોયાં છે. તેઓ સંપૂર્ણપણે નિર્વાસના હતાં.’ જીવોને વાસના હોય પરંતુ ઈશ્વર વાસનાહીન. માતાજી હતાં સ્વયં ઈશ્વરી. અંતે અર્ગલાસ્તોત્રના મંત્ર વડે દેવીને પ્રણામ કરું છું :

“જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની —।

દુર્ગા શિવા ક્ષમા ધાત્રી સ્વાહા સ્વધા નમોઽસ્તુતે —।।

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.