ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ – ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રભાવક વ્યાખ્યાનકળા વિશે આપણે વિગતવાર વાત કરી ગયા. જ્ઞાન અને માહિતીમાં જે નવી ઉત્ક્રાંતિ સર્જાઈ છે અને આઈ.ટી. ક્ષેત્રે નવાં નવાં કેળવણીનાં ઉપકરણો ઊભાં થતાં જાય છે એના વિશે થોડી ચર્ચા આપણે કરીશું.

શિક્ષણમાં પાવર પોઈન્ટનો ઉપયોગ

કોઈ પણ વિદ્યાર્થી એકી સાથે એક કલાક કે ૪૫ મિનિટ સુધી સતત શીખવાની ધ્યાનમુદ્રામાં રહે એવું બનતું નથી. વક્તવ્યના સતત વહેતા પ્રવાહમાં વચ્ચે વચ્ચે થોડા અલ્પવિરામની અપેક્ષા વિદ્યાર્થીઓ સેવતા હોય છે. એટલે વિષયવસ્તુને નાના નાના ખંડોમાં વહેંચીને એની ચર્ચા કલાક એકમાં થાય તો વિદ્યાર્થીઓનાં રસરુચિ જળવાઈ રહે. કોમ્પ્યુટર વિજ્ઞાનના આ આધુનિક યુગમાં ‘પાવર પોઈન્ટ’ દ્વારા વિષય વસ્તુને નાના નાના મુદ્દાઓમાં વહેંચીને, એની અલગ અલગ સ્લાઈડ્સ બનાવીને વિદ્યાર્થી સમક્ષ મૂકવામાં આવે તો શીખવાની પ્રક્રિયા સહજસરળ અને રસપ્રદ બની રહે. આ પ્રક્રિયા દ્વારા દૃશ્યશ્રાવ્ય (ઓડિયો વિજ્યુઅલ) માધ્યમથી વિષયવસ્તુ વિદ્યાર્થીના મનમાં વધારે સારી રીતે જામી જાય છે. પરંતુ એનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જો શિક્ષક પાવર પોઈન્ટનો ઉપયોગ કરે તો શીખવાની પ્રક્રિયામાં ઘણો ફાયદો થાય.

* પાવર પોઈન્ટની રજૂઆત સહજ, સરળ અને સ્વાભાવિક હોવી જોઈએ. કારણ વગરના રંગનો, આકર્ષક બોર્ડરનો ઉપયોગ ઓછો કરવો. એને લીધે નિરર્થક આકર્ષણો ઘટે.

* સ્લાઈડના માધ્યમથી શીખવતી વખતે શિક્ષકે એટલો તો ખ્યાલ રાખવો રહ્યો કે વિદ્યાર્થીએ ક્યારે સ્લાઈડ તરફ નજર નાખવી અને ક્યારે શિક્ષકના વક્તવ્ય પર ધ્યાન રાખવું. એટલે સ્લાઈડને ઓન/ઓફ કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય.

* વિષયવસ્તુની ચર્ચા પૂરી થાય પછી એ સ્લાઈડને બંધ કરવાનું કે બીજી સ્લાઈડ લાવવાની વાતને ભૂલવું નહિ.

* પાવર પોઈન્ટ એક સાધન કે ઉપકરણ જ છે, એ શિક્ષકને બદલે કામ કરતું સાધન નથી, એટલે કે શિક્ષક એમાં અગત્યનો બની રહેવો જોઈએ.

* વિષયવસ્તુની સમજણમાં જ્યાં જ્યાં આકૃતિ દોરવાની જરૂર પડતી હોય એમાં સ્લાઈડનો ઉપયોગ કરવાથી એ આકૃતિઓને દોરવાની મથામણમાં સમયનો દુવ્યર્ય થતો બચી જાય છે અને વિષયની વધુ વિગતવાર રજૂઆત કરી શકાય છે.

* વિષયવસ્તુમાં આકૃતિ કે ફોટાની સાથે જો કોઈ પ્રાસંગિક વિડિયો હોય તો વચ્ચે વચ્ચે એ પણ બતાવી શકાય. એનાથી વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહેશે અને શીખવા માટેની પકડ પણ આવી જશે.

* ઇતિહાસ જેવા વિષયમાં કાળક્રમને યાદ રાખવા માટે આવી સમયરેખા જેવી સ્લાઈડ અત્યંત ઉપયોગી બની શકે છે.

* સંખ્યા કે જથ્થો બતાવવા માટે જો ગ્રાફનો ઉપયોગ થાય તો એ સમજવામાં વધારે સરળ બની જાય છે.

* સ્લાઈડમાં વિષયવસ્તુ સૂત્રાત્મક રીતે પ્રસ્તુત કરવી જોઈએ. વિગતવાર માહિતી તો શિક્ષકે પોતે આપવાની રહે છે.

ઈન્ટરનેટ અને કેટલીક નવી શિક્ષણ પદ્ધતિઓ 

* શિક્ષણમાં પરસ્પરના આદાનપ્રદાન એટલે કે પ્રશ્નોત્તરી દ્વારા કે પરસ્પરના વિચારોની આપલે દ્વારા વિષયવસ્તુને વિદ્યાર્થીઓ સમજી શકશે અને પોતાની સ્મૃતિમાં સરળતાથી જાળવી શકશે.

* વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડના ઉપયોગથી શિક્ષકનું કાર્ય વધારે ઝડપી બની શકે.

* વિશેષ તો ઉચ્ચતર શિક્ષણના ક્ષેત્રમાં ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ થતો હોય છે. એમાં બ્લોગ, વેબ પેઈજિસ, પોર્ડકાસ્ટ્સના ઉપયોગથી શિક્ષક શાળાના સમય પછી પણ વિદ્યાર્થીના સંપર્કમાં સતત રહી શકે છે. વિદ્યાર્થીઓને વિષયવસ્તુને આવતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી શકે છે.

* જી-ટોક અને વીઓઆઈપીના માધ્યમથી શિક્ષક પોતાના વિદ્યાર્થી સાથે ઓડિયો કે વિડિયો કે બંને દ્વારા ઘર બેઠા વર્ગખંડનો અનુભવ કરાવી શકે. દૂરસુદૂરના શિક્ષણ માટે આ પ્રસાધન સૌથી વધારે ઉપયોગી નીવડે છે.

* પુસ્તકાલયો હવે ડિજિટલ બનતા જાય છે. અને ઈ-બૂક્સના માધ્યમથી પુસ્તકો અને એની અંદર રહેલ જ્ઞાનનું આદાનપ્રદાન સરળ અને સસ્તું બની ગયું છે.

* આઈ.ટી.ના આ બધાં સાધનો દ્વારા જ્ઞાનગ્રહણ ઘણું સરળ બની ગયું છે. વ્યક્તિગત અને જીવંત સંપર્કવાળાં શિક્ષણનું સ્થાન આવાં સાધનો લઈ ન શકે. એટલે આવી ટેકનોલોજીની સહાય લેવામાં વાંધો નથી પણ એના પર વધારે પડતો આધાર રાખવો એ હિતાવહ નથી.

શિક્ષક માર્ગદર્શક અને સ્વશિક્ષણનો પ્રેરક

વિદ્યાર્થીને સારી રીતે સ્વશિક્ષણ તરફ વાળવો એ ઉત્તમ શિક્ષક કે શિક્ષણનું પ્રથમ કર્તવ્ય છે. જો વિદ્યાર્થી હંમેશાં શિક્ષકના તૈયાર કોળિયા પર આધાર રાખે તો તેનો વિકાસ શક્ય નથી. શિક્ષકે વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચવું અને વિષયવસ્તુને સમજવો, સ્મૃતિમાં જાળવી રાખવો અને જરૂર પડે ત્યારે પોતાની રીતે સુપેરે પ્રસ્તુત કરવો જેવાં કૌશલ્યો શીખવવાં પડે.

મૌન વાચન કરવું એ એક કળા છે અને એ શીખવવી પડે; પણ એની સાથે મોટેથી વાંચવાની કળા પણ શીખવવી જોઈએ. જેથી ઉચ્ચારણ શુદ્ધિ અને રજૂઆતની કળા આરોહ-અવરોહ સાથે શીખી શકાય.

કોઈ પણ પુસ્તક કે ગ્રંથ વાંચ્યા પછી પોતાની સ્મૃતિમાંથી એને પુન: પોતાની રીતે રજૂ કરવાની રીત વિદ્યાર્થી શીખે છે કે કેમ એ પણ જોઈ લેવું જોઈએ.

સારા વાચન સાથે નોંધ કરવાની ટેવ પણ વિદ્યાર્થીમાં પાડવી જોઈએ. મોટી સમજૂતિઓને સંક્ષિપ્તમાં કેવી રીતે નોંધવી એ કળા પણ એમને શીખવવી જોઈએ.

આ નોંધ કરવાની રીત એ એક વિશ્લેષણાત્મક કૌશલ્યની કળા છે. એ માટે આપણે આટલું કરવું જોઈએ.

* વિષયવસ્તુ વિશે વ્યાખ્યાન આપતાં પહેલાં હંમેશાં એની રૂપરેખાઓ, મુખ્યવસ્તુ, ગૌણબાબતો વિગતવાર આપવી.

* વિદ્યાર્થીઓને આ પદ્ધતિ બરાબર સમજાવી દો અને પછી એ જ રીતે એમને પોતાના વાચનની નોંધ કરતાં કરો.

* એક વ્યાખ્યાનની રેખાકૃતિ આપો અને પછી વિદ્યાર્થીઓને એવી જ રેખાકૃતિ પોતાની મેળે કરવાનું કહો.

* ગ્રંથવાચન પછી દરેક પ્રકરણના અંતે એક સાર-સંક્ષેપવાળો પરિચ્છેદ લખાવો. આવું પરિચ્છેદ લેખન જરૂર જણાય તો પાને પાને પણ કરી શકાય.

* જો કે અત્યારે આપણા શિક્ષણમાં કમભાગ્યે કંઠસ્થ કે મુખસ્થ કરવાની વાત કે એનો મુખપાઠ કરવાની વાત હવે શિક્ષણમાંથી લુપ્ત થઈ ગઈ છે. વાસ્તવિક રીતે આ બધા પ્રયાસો સ્મૃતિને વિકસાવવા તેમજ શીખવાની પાયાની ભૂમિકાઓ તૈયાર કરવામાં ઘણી ઉપયોગી નીવડે છે.

શિક્ષકે વિદ્યાર્થીઓને કોઈ પણ ગ્રંથલેખન કે વક્તવ્યમાં વાક્યોનું પ્રયોજન, પરિચ્છેદનો ઉપયોગ, ઉદ્ધરણ વિશે ટિપ્પણી, ગ્રંથનાં પ્રકરણો, ગ્રંથની પૂર્વભૂમિકા અને અંતે થતું સંક્ષિપ્ત સારલેખનનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ. આ માટે શિક્ષકે આટલું કરવું.

* થોડા વિદ્યાર્થીઓ આજે લેખકો પોતે કેવી રીતે પોતાના વિચારને રજૂ કરે છે અને સંક્રમિત કરે છે એને જાણી શકે છે. 

* યોગ્ય અને સારા પરિચ્છેદને સઘન અભ્યાસ માટે પસંદ કરવા. એ ચોક્કસ પરિચ્છેદમાં કેવું મહત્ત્વનું લખાણ, સમાયું છે એ સમજાવવા માટે વિદ્યાર્થીઓને કહેવું.

* નીચે આપેલી ટિપ્પણી કે નોંધ પાછળનું દૃષ્ટિબિંદુ પણ વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ.

શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ બરાબર વાંચી શકે છે એવું ધારી ન લેવું. કેટલાક વિદ્યાર્થીઓમાં આવું બનતું નથી. પહેલા વાચનમાંથી તો લેખકના મંતવ્યનો તેઓ અંદાજ જ આપી શકે. પછી એમને વધુ કાળજીપૂર્વક વાચવા કહેવું જોઈએ.

વિદ્યાર્થીઓને પરિચર્ચામાં જોતરવા

જેમ કોઈ પણ વિદ્યાર્થી માટે કેવી રીતે વાંચવું અને સમજવું એ તો આવશ્યક છે; પણ એ વિશે પરિચર્ચા કરવી એ પણ એટલી જ મહત્ત્વની છે.

આદાનપ્રદાનની પ્રક્રિયા વિનાના વિદ્યાર્થી બનાવવાને બદલે પ્રશ્ન પૂછવાની, પરિચર્ચા કરવાની ટેવ પાડીને તાર્કિક રીતે સક્રિય બનાવાની જરૂર છે. આ કૌશલ્ય કેળવવા માટે શિક્ષકોએ આ પ્રમાણે કરવું જોઈએ:

* શિક્ષકે વિદ્યાર્થીને કોઈ પણ વિષયની પ્રસ્તુતિ વખતે ચોક્કસ શબ્દો, વાક્યોનો ઉપયોગ કરવાની કળા શીખવવી જોઈએ. વળી એમણે પોતાના વિષયવસ્તુને બીજાના ગળે ઉતારવાનો પ્રયાસ પણ કરવાનો છે. જે વિષયવસ્તુ વિશે એ બોલે છે તે રજૂઆત સુસંબંધ અને સુસંગત છે કે નહિ એ પણ જોવું જોઈએ.

* વર્ગખંડમાં એક માર્ગીય સંભાષણપ્રથા કે અમુક વર્ચસ્વ ધરાવનારા બોલે અને બીજા બધા શ્રોતા બનીને સાંભળે એ રીત શિક્ષણમાં વ્યાજબી ન ગણાય. બધાને આ પરિચર્ચામાં આવરી લેવાનો પ્રયત્ન શિક્ષકે કરવો જોઈએ. નબળામાં નબળાનો પ્રતિભાવ પણ સાંભળવા કાન ખુલ્લા રાખવા જોઈએ.

* પરિચર્ચા વખતે શિક્ષકે દરેક વિદ્યાર્થીનો નામોલ્લેખ કરીને સંબોધવા જોઈએ અને યોગ્ય માન-આદર આપીને એની વાતોને, રજૂઆતને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ.

* શિક્ષકે વિદ્યાર્થીઓને રજૂઆતમાં મીતભાષી બનાવવો જોઈએ. ઓછામાં ઓછા શબ્દોમાં વધુ ને વધુ વિષયવસ્તુને રજૂ કરવાની કળા એને શીખવવી જોઈએ. તો એ રજૂઆત પ્રભાવક બની શકે.

* રજૂઆત કરતી વખતે સામાન્ય રીતે વિદ્યાર્થી ભૂલ કરવાનો; પણ આ ભૂલને તત્કાલ બતાવીને એને હતોત્સાહ ન કરો, પણ રજૂઆતના અંતે કે જરૂર જણાય તો વચ્ચે ‘આ રીતે રજૂઆત કરી હોત તો એ અસરકારક ન બનત!’ એવી ટિપ્પણી સાથે એને પોતાની ભૂલ સુધારવાનો અવકાશ પણ આપવો જોઈએ.

* કોઈ પણ પરિચર્ચામાં પ્રશ્નો કેવી રીતે પૂછવા અને કેવા પ્રશ્નો પૂછવા એ પણ એક કળા છે. કોઈ પણ વિષયવસ્તુની રજૂઆત વખતે પ્રશ્નો ન પૂછીએ તો અને એ પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળે તો વિષયવસ્તુને ગળે ઉતારવી કઠિન બને છે.

* પરિચર્ચાના અંતે વિષયવસ્તુ વિશે જે રજૂઆત થઈ હોય એના વિશે એક મીતાક્ષરી નોંધ તૈયાર કરવાનું કહેવું જોઈએ અને આ મીતાક્ષરી કેવી રીતે તૈયાર થાય તેનું કૌશલ્ય કેળવવું જોઈએ.

* વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો નાના જૂથ પાડીને એક વિષયના અલગ અલગ મુદ્દાઓ આપીને એની પરિચર્ચા જૂથમાં કરાવવી. દરેક જૂથના નેતાને પોતે કરેલ ચર્ચાના સારસંક્ષેપ તૈયાર કરવા કહેવું અને અંતે બધા જૂથ સમક્ષ પોતાના જૂથની ચર્ચાનો સાર-સંક્ષેપ રજૂ કરવો અને એ માટે જરૂરી સુધારાવધારા પણ કરવાની ટેવ વિદ્યાર્થીઓમાં પાડવી.

* આ પ્રકારના વિદ્યાર્થીકેન્દ્રી પરિચર્ચાના શિક્ષણમાં એક ભય પણ છે. અનુભવી નિષ્ણાત શિક્ષકના માર્ગદર્શન અને ઉપસ્થિતિ વિના આવી ચર્ચાઓ યોજાય તો વિદ્યાર્થીઓ ક્યારે ચીલો ચાતરીને આડા-અવળા ભાગવા મંડે, એની ખબર પડે નહિ.

(ક્રમશ:)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.