ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો – શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો શિક્ષક અને વિદ્યાર્થીઓને સતત પરિચર્ચામાં જોડવા જેવાં અલગ અલગ પાસાઓની વાત કરી હતી. 

આજે સમગ્ર દેશમાં સર્વજનહિતાય અને સર્વજન સુખાય જીવન જીવનારા અને સર્વના યોગક્ષેમમાં પોતાનું યત્કિંચિત આપવા તૈયાર લોકો કે નાગરિકોનો સાર્વત્રિક અભાવ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં પણ આ પરિસ્થિતિનાં વરવાં રૂપો પણ જોતા રહીએ છીએ. એને પરિણામે સર્જાતી અનેક સમસ્યાઓ અને વિષમતાઓને દૂર કરવા માટે આજની કેળવણીએ કંઈક જૂદું કાર્ય કરવું પડશે. શિક્ષણ આજે જે છે એમાં એક એવું તત્ત્વ ઉમેરવાનું છે કે જેથી ‘સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવા વહૈ તેજસ્વિનાવધીતમસ્તુ’ આ આદર્શને આપણા જીવનમાં ઉતારીને જીવનને સંતત્વ તરફ દોરી જવાનો છે.

એ માટે આજના દરેકેદરેક દેશવાસીને આપણે માત્ર નાગરિક નહિ પણ પ્રબુદ્ધ નાગરિકતાનું શિક્ષણ આપવાનું છે. આ શિક્ષણ જેટલું વહેલું અને સારી રીતે શરૂ થાય એટલું રાષ્ટ્રનું ક્ષેમકલ્યાણ નજીક. નહિ તો શું થશે એનો વિચાર જ ન થઈ શકે.

પ્રબુદ્ધ નાગરિકતાની કેળવણી

* જગતના ઇતિહાસ તરફ દૃષ્ટિ કરીએ તો જ્યાં નાગરિકત્વની ભાવના પ્રબળ છે, એટલે કે પ્રબળ અને સતત જાગૃત સમાજ, અર્થવ્યવસ્થા અને કુશળ રાજનીતિની કેળવણી કે જ્ઞાન હોય તે સમાજ કે રાષ્ટ્ર હંમેશાં શક્તિશાળી બને છે અને વિકાસનાં શિખરોને સર કરી શકે છે.

* આ નાગરિકત્વની બે દિશાઓ છે. એક: રાજકીય દૃષ્ટિએ પુખ્ત ઉંમરે મળતો રાષ્ટ્રનો નાગરિક દરજ્જો. એમાં જે તે દેશના બંધારણ પ્રમાણે દરેક નાગરિકને એક સમાન હક્ક મળે છે. સાથે ને સાથે ફરજો પણ એણે બજાવવાની હોય છે. આ વાત થઈ દેશના એક સામાન્ય નાગરિક માટેની. બીજી: રાજનૈતિક દૃષ્ટિએ આપણે નાગરિક બની ગયા. પણ એનાથી કંઈ બહુ ઝાઝુ વળવાનું નથી. ખરેખર તો દરેકેદરેક નાગરિકે આ બીજા પ્રકારનું નાગરિકત્વ કેળવણી દ્વારા કેળવવાનું છે અને તે છે પ્રબુદ્ધ નાગરિકત્વ. આ નાગરિકત્વ કેળવવા આપણે નૈતિક અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ કેળવવી પડે. ગમતાને ગુંજે ભરવાનું નહિ, પણ એનો ગુલાલ કરતાં શીખવું જોઈએ. ત્યાગની કેળવણી, સૌના માટે સમસંવેદના અનુભવવાનું શિક્ષણ અને એ આદર્શ પ્રમાણે જીવન જીવવાની કળા વિદ્યાર્થીઓને શીખવવી પડે.

* માનવ અધિકારોને આપણે સમજીએ, જાણીએ અને એનું અનુસરણ કરીએ એટલે રાજનૈતિક નાગરિક બન્યા કહેવાય.

* પ્રબુદ્ધ નાગરિકત્વમાં આપણે આપણી માનવી તરીકેની જવાબદારીઓને જાણવી-સમજવી પડે અને એ પ્રમાણે સૌના યોગક્ષેમ માટે આચરણ પણ કરવું પડે. એટલે કે પ્રબુદ્ધ નાગરિકત્વનું શિક્ષણ એ સદાચરણનું શિક્ષણ છે. આજની કેળવણીમાં આ નૈતિક સામાજિક જવાબદારીની ભાવનાને કેળવવા અને ઉન્નત કરવા માટે આપણે એક નવી શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.

પ્રબુદ્ધ નાગરિકતાની કેળવણી એટલે સદાચરણનું શિક્ષણ

* શાળામાં એવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવા જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ શાળામાં પ્રબુદ્ધ નાગરિકતાના આદર્શને ઝીલવા-ઝીરવવા તૈયાર થાય. એનો અર્થ એ થયો કે પ્રબુદ્ધ નાગરિક બનાવવા માટે આપણે કોઈ આદર્શોનું માળખું રચીને, એનો પાઠ્યક્રમ બનાવીને બેસી રહેવાનું નથી; પણ વિદ્યાર્થીઓ સમાજમાં રહેતાં રહેતાં એ આદર્શોને અનુરૂપ જીવન જીવતાં શીખે એવું કાર્યશિક્ષણ આપવાનું છે. સમયે સમયે આ મૂલ્યોનું યોગ્ય મૂલ્યાંકન થાય એવી એક વ્યવસ્થા પણ ગોઠવવી પડે અને જરૂર પ્રમાણે વિદ્યાર્થીઓને અપાતા પ્રશિક્ષણમાં થોડાંઘણાં પરિવર્તનો પણ લાવવાં પડે. આરુણી પાણીની પાળ આડે સૂઈ જાય અને પાણીને રોકી લે અને બીજાને બચાવી લે એવી કેળવણી આપવાની છે.

* વિદ્યાર્થીને એવું એક પાઠ્યક્રમનું માળખું આપવાનું છે કે જેના દ્વારા તે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં કરતાં સૌને માટે જીવવાનું શીખે. એટલે કે પ્રવૃત્તિ દ્વારા આ સદાચારની કેળવણી આપવાની છે અને એના દ્વારા એને પ્રબુદ્ધ નાગરિક બનાવવાના છે.

* પ્રવૃત્તિઓ દ્વારા અને કાર્ય દ્વારા જ્યારે વિદ્યાર્થી પ્રબુદ્ધ નાગરિક બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને સમાજમાં પોતે શો ભાગ ભજવવાનો છે અને સમાજ પ્રત્યેની એની કેટલી જવાબદારી છે એનો પણ ખ્યાલ આવે છે.

* સમાજના ઋણનો ખ્યાલ આવ્યો. પણ આ ખ્યાલ પરિણામવિહોણો હોય તો નકામો. એટલે કે વિદ્યાર્થીને સમાજનું ઋણ અદા કરતો કરવાનો છે. દરેકની ક્ષમતા પ્રમાણે દરેક વ્યક્તિ સમાજનું ઋણ અદા કરતો થાય તો સામાજિક કલ્યાણ હાથવેંતમાં રહે. આ કેળવણી આપણે વિદ્યાર્થીઓને આપવાની છે.

* જ્યારે આગ લાગે અને કૂવો ખોદવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે સૌ બાઘા-બોઘા બનીએ છીએ. આવી પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીને બહાર લાવવા આપણે વિદ્યાર્થીઓને એમની શક્તિમત્તા અને ક્ષમતાઓને કેળવતા કરવાના છે અને સમાજને જ્યારે એ બધાની આવશ્યકતા પડે ત્યારે આપતો કરવાનો છે.

* હવે સમાજમાં સામાજિક અને આર્થિક પર્યાવરણો તો બદલતા રહે છે, એને માટે પણ આપણે એવું પ્રવૃત્તિ-શિક્ષણ આપવાનું છે કે એ બદલતા સંજોગો એને મૂંઝવી ન દે પણ એની આરપાર જઈ શકે તેવો કરવાનો છે.

* વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી પ્રબુદ્ધ નાગરિક બનવા માટેની પૂરતી પ્રવૃત્તિ અને તકો એને મળી રહે. સાથે ને સાથે એ સામાજિક કક્ષાએ, સાંસ્કૃતિક કક્ષાએ, જ્ઞાતિ કે સમૂહની કક્ષાએ અને વ્યક્તિગત કક્ષાએ સુદીર્ઘકાળ સુધી ટકી રહે તેવું વાતાવરણ પણ સર્જવાનું છે.

* આવી પ્રવૃત્તિઓમાં વ્યક્તિ અને વૈશ્વિક પડકારો, વ્યક્તિ અને સામાજિક પરિવર્તનો, વ્યક્તિ અને જાહેર પડકારો, વ્યક્તિ અને સરકાર, વ્યક્તિ અને ધર્મ, વ્યક્તિ અને લોકશાહી, વ્યક્તિ અને વિજ્ઞાન, વ્યક્તિ અને દર્શન કે કળા, વ્યક્તિ અને સમૂહ, વ્યક્તિ અને કુટુંબ, વ્યક્તિ અને મિત્ર, વ્યક્તિ અને અંતરાત્મા જેવાં અનેક સંબંધોનાં પાસાંને સમાવવાં પડે.

વ્યક્તિગત કક્ષાએ જે તે વ્યક્તિ અને પોતાનું સ્વરૂપ, વ્યક્તિ અને મિત્ર, વ્યક્તિ અને કુટુંબ, વ્યક્તિ અને ટુકડી કે સમૂહનો સમાવેશ થાય છે.

સામુહિક કક્ષામાં વ્યક્તિ અને સામાજિક સંસ્થાઓ, વ્યક્તિ અને સરકાર, વ્યક્તિ અને સામાજિક, રાષ્ટ્રિય અને વૈશ્વિક માળખાનો સમાવેશ કરી શકાય છે. 

સાંસ્કૃતિક કક્ષાએ વ્યક્તિ અને ધર્મ, વ્યક્તિ અને વિજ્ઞાન, વ્યક્તિ અને દર્શનશાસ્ત્ર, વ્યક્તિ અને કળા; સામાજિક સ્તરે વ્યક્તિ અને વૈશ્વિક પડકારો, વ્યક્તિ અને લોકશાહી, વ્યક્તિ અને પર્યાવરણ, વ્યક્તિ અને સામાજિક પરિવર્તનોનો સમાવેશ થાય છે.

એટલે આપણે અભ્યાસક્રમનું માળખું કંઈક ઉપર પ્રમાણે રાખવું પડે. એ પ્રમાણે પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. તો આપણે સામાન્ય માનવને કે વિદ્યાર્થીને આવતીકાલનો નાગરિક અને પ્રબુદ્ધ નાગરિક બંને બનાવી શકીએ.

માનવીય ક્ષમતા-વિકાસ

સામાન્ય રીતે આપણે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને પ્રદાન કરતા નાગરિકો ઊભા કરવા હોય તો લોકોને નવી નવી વસ્તુઓ કે દર્શનો કરવાનો છૂટો દોર મળવો જોઈએ. 

ઉપનિષદ આપણું પ્રાચીન પ્રણાલીગત શાસ્ત્ર છે અને એ ક્ષમતાને છૂટો દોર આપવાની વાત કરે છે. જ્યારે આપણે કોઈ ગહનતમ વિષયમાં વિચારતા હોઈએ કે એનું સૂક્ષ્મ દર્શન કરતા હોઈએ, ટૂંકમાં કહીએ તો એમાં ડૂબકી લગાડવાની હોય ત્યારે આવા છૂટા દોરની વાત આવે છે.

વિદ્યા એટલે કોઈ પુસ્તકીયું જ્ઞાન નથી. વિદ્યા દ્વારા વિદ્યાર્થીઓમાં એવાં કૌશલ્ય ખીલવાં જોઈએ કે જેથી કઈ વસ્તુ કેવી રીતે બનાવી શકાય એની ગુરુચાવી એને તરત જ સૂજી આવે. પુસ્તકીયા જ્ઞાનમાં આવું થતું નથી. પણ વિદ્યા દ્વારા આવું થઈ શકે છે એટલે એ વધારે મહત્ત્વની છે. આવી વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી, એ પ્રશ્ન છે. એના માટે તો વાસ્તવિક રીતે શીખવું પડે છે. જ્ઞાનનું સતત ઉપાર્જન કરવું પડે અને એને સંયોજવું પણ પડે. કોઈ પણ વિદ્યાર્થી આવું ત્યારે જ કરી શકે કે જ્યારે તે એના ગહનતમ સ્તરે ઊંડો ઊતરે. દા.ત. સિતારવાદન શીખવું હોય તો માત્ર પુસ્તકના આધારે ન શીખી શકાય. પણ એના માટે તો તમારે સિતાર હાથમાં લેવું પડે અને સારા સિતારવાદક પાસે જઈને એની યોગ્ય તાલીમ સારા એવા સમયગાળા સુધી લેવી પડે. એટલે કે વિષય સાથે સાયુજ્ય કેળવવું પડે. આપણી આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં આવી વ્યવહારુ વિદ્યાનું મહત્ત્વનું પ્રદાન છે.

એવી જ રીતે શ્રદ્ધા એટલે કે ક્રિયાશીલ સત્ત્વશીલ  શ્રદ્ધાનું પણ મહત્ત્વ છે. એમાં આંધળા અનુકરણની વાત નથી. સત્યને અનુભવીને કેળવાતી શ્રદ્ધા જ સાચી શ્રદ્ધા છે. જે કંઈ શિક્ષકો કહે કે શીખવે એને જ સત્ય રૂપે વિદ્યાર્થી એમ ને એમ માની લે તો એ સાચી કે સત્ત્વશીલ શ્રદ્ધા નથી, એ અંધશ્રદ્ધા કહેવાય. વિદ્યાર્થીને તો આપણે સાચી સત્ત્વશીલ શ્રદ્ધા તરફ વાળવાના છે. આવું ત્યારે જ બને કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ સત્યને પ્રમાણવા લે અને એ પ્રમાણે એનું આચરણ કરીને એનું પુન: સ્થાપન કે પુન: સર્જન કરે ત્યારે એનામાં આ સત્ત્વશીલ અને ક્રિયાત્મક શ્રદ્ધા ઉદ્ભવે. આ રીતે કોઈ પણ વિદ્યાર્થી સર્જનાત્મક ચારિત્ર્યનો ઉપયોગ કરશે અને સાથે ને સાથે પેલી સાત્ત્વિક શ્રદ્ધાનું પણ ઉપયોજન કરશે. આવું મન જે વિદ્યાર્થી કેળવે એ ઘણી ત્વરાથી શીખી શકે છે. એવું જોવા મળ્યું છે કે જે લોકો અત્યંત ત્વરાથી શીખે છે તેમનામાં આવી ક્રિયાત્મક શ્રદ્ધા હોય છે. એમને લોકોમાં પાયાની શ્રદ્ધા અને મૂળભૂત વિશ્વાસ હોય છે. એ ભૂમિકા ઉપર તે બધું રચે છે અને ઉન્નત બને છે.

ઉત્ક્રાંતિ એક સતત ચાલતી યાત્રા છે. એ એક અદ્ભુત જાગરણ છે. એટલે પ્રારંભમાં વિદ્યાર્થીઓ માટે આપણું ધ્યેય પદ્ધતિસર આ જાગરણ લાવવાનું છે. આ જાગરણ પદ્ધતિસર રીતે, માપન-મૂલ્યાંકન કરી શકાય તે રીતે અપેક્ષિત પરિણામોવાળું અને મૂલ્યાંકન ક્ષમતાવાળું હોવું જોઈએ, એ આપણી સામે મહત્ત્વની સમસ્યા કે કોયડો છે.

દા.ત. ઈજનેરી વિદ્યાશાખામાં ભણતા વિદ્યાર્થીઓને ઈજનેરી વિદ્યાનું જ્ઞાન આપવામાં આવે છે. પછી એ લોકો એમાં વ્યવહારુ કૌશલ્યોનો ઉમેરો કરે છે. વળી, સ્વવિકાસનાં કૌશલ્યોનો ઉમેરો થવો જોઈએ; પોતે ઉમેરેલ કૌશલ્યો પણ એમાં સામેલ થાય છે અને ત્યારે જ સંપૂર્ણપણે સુવિકસિત વ્યક્તિત્વ કેળવીને પ્રબુદ્ધ નાગરિક બને છે.

આમાં તો વિદ્યાર્થીની ભીતર રહેલી ક્ષમતાઓને જાગ્રત કરીને બહારનાં ક્ષેત્રોમાંથી તકનીકી કૌશલ્યો મેળવીને બંનેનો સુમેળ સાધવાનો છે; એટલે કે બંનેને સાથે સંયોજવાના છે.

હવે સમગ્ર માનવ સંસાધનની ક્ષમતાની જાગૃતિ કરવા માટે કોઈ સીધાસાદા કર્મચારી કે યાંત્રિક રીતે કાર્ય કરતો માનવ બનવાનું નથી. પરંતુ એણે લોકોની વચ્ચે, સમાજમાં પ્રદાન કર્તા તરીકે જવાનું છે. તો અને તો જ આપણે સમાજના બીજા વ્યક્તિઓને પણ કંઈક ને કંઈક નવું ક્રિયાત્મક કાર્ય કરતાં અને નવું નવું સર્જતા બનાવી શકીએ.

વર્ગખંડમાં આ પ્રકલ્પને લેવો હોય તો શિક્ષકની ભૂમિકા આ નાગરિકતાનાં મૂલ્યોને પોતાની મેળે-રીતે વિદ્યાર્થીઓ શોધતાં બને અને એ પ્રમાણે આચરણ કરતા થાય એવું વાતાવરણ સર્જવાનું છે.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.