શ્રી મોરારીબાપુની કથા પર આધારિત ‘દિવ્ય રામાયણ’ પુસ્તકમાંથી સાભાર સ્વીકાર.

ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં સંગમમાં ત્રિવેણી સ્નાન કરીને શ્રીરામચંદ્ર, સીતાજી, લક્ષ્મણજી વંદના કરે છે. શ્રીરામચંદ્રજી માધવરાયજીની પૂજા કરી અક્ષયવટની પ્રદક્ષિણા કરીને ગુહરાજ સાથે બધાં ભરદ્વાજ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં પ્રભુના શ્રીમુખેથી સીતાજી, લક્ષ્મણજી અને ગુહરાજને તીર્થોના રાજા પ્રયાગરાજનું માહાત્મ્ય સાંભળવા મળે છે. ભગવાન શંકર તથા પ્રયાગના તટ ઉપર આવેલાં સર્વે તીર્થોનું વિધિવત પૂજન કરીને ભગવાન શ્રીરામચંદ્રજી ભરદ્વાજ મુનિના આશ્રમે મુનિ પાસે આવે છે.

તબ પ્રભુ ભરદ્વાજ પહિં આએ
કરત દંડવત મુનિ ઉર લાએ।
મુનિ મન મોદ ન કછુ કહિ
જાઈ બ્રહ્માનંદ રાસિ જનુ પાઈ।।

શ્રી ભરદ્વાજજી પ્રભુને દંડવત્ પ્રણામ કરે છે. ત્યારે શ્રીરામચંદ્રજી મુનિને હૃદયે ચાંપે છે. તે સમયે મુનિનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. બ્રહ્માનંદ મળી ગયો હોય તેમ હર્ષિત થાય છે. આજે પ્રયાગ ધન્ય બની ગયો છે. ભગવાન રામચંદ્રજી ભરદ્વાજ મુનિને સુખાકારી પૂછે છે ત્યારે મુનિ કહે છે.

કરમ બચન મન છાડિ છલુ
જબ લગિ જનુ ન તુમ્હાર।
તબ લગિ સુખુ સપનેહુઁ
નહીં કિએં કોટિ ઉપચાર।।

પ્રભુ! માનવી જ્યાં સુધી મન, વચન અને કર્મથી છળ છોડીને આપનો દાસ થતો નથી ત્યાં સુધી તે કરોડો ઉપાય કરવા છતાં સ્વપ્નમાં પણ સુખી થતો નથી. ભરદ્વાજજી બહુ સાચું કહે છે. મન, વચન અને કર્મથી જીવ જ્યાં સુધી કપટ છોડીને પ્રભુની શરણાગતિ લેતો નથી ત્યાં સુધી તે સુખી ન થાય.

ભગવાન તે દિવસનો રાત્રિ વિશ્રામ ભરદ્વાજજી આશ્રમમાં કરે છે. પ્રાત:કાળે પ્રયાગ સ્નાન કરી આદરપૂર્વક મુનિને પ્રણામ કરી વિદાય માગતાં ભગવાન મુનિને પૂછે છે.

રામ સપ્રેમ કહેઉ મુનિ પાહીં
નાથ કહિએ હમ કેહિ મગ જાહીં ॥
મુનિ મન બિહસિ રામ સત કહહીં
સુગમ સકલ મગ તુમ્હ કહું અહહીં ॥

બાપજી! અમારે કયા માર્ગે જવું? ત્યારે મુનિ મનમાં હસી પડે અને શ્રીરામચંદ્રજીને કહે છે કે, પ્રભુ! આપના માટે તો સર્વ માર્ગો મંગલમય છે.

અહીં એક સહજ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે કે, ભગવાનને રસ્તામાં ઘણા સાધુ સંતો મળતા હશે. તેમાંથી કોઈને ય માર્ગ ન પૂછયો અને કેવળ ભરદ્વાજજીને કેમ પૂછયું?

સંતો કહે છે કે, ભરદ્વાજજીનો આશ્રમ ત્રણ નદીના સંગમ ઉપર આવ્યો છે. ગંગા, યમુના અને સરસ્વતી એ જ્ઞાન, ભક્તિ અને કર્મનું સ્વરૂપ છે. જેનામાં જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગની જાણકારી હોય, અર્થાત્ મોક્ષના ત્રણે માર્ગની જેને જાણકારી હોય તેવા સંતને માર્ગ પૂછીએ તો તે જ સાચો માર્ગ બતાવી શકે.

કોઈ પણ એક માર્ગ (જ્ઞાન, ભક્તિ, કર્મ) જાણનારને આપણે પૂછીએ તો એ પોતાના જ માર્ગનું પ્રતિપાદન કરશે અને બીજા માર્ગનું ખંડન કરશે. માટે જ તુલસીદાસજી કહે છે કે, જીવનમાં જ્યારે માર્ગ પૂછવાનો વખત આવે ત્યારે કોઈ એવા સંતને પૂછજો કે જેનામાં જ્ઞાન પણ હોય, ભક્તિ પણ હોય અને કર્મનો એક પણ સિદ્ધાંત તૂટતો ન હોય. આવા સમન્વયી સંતને પૂછો કે, કયા માર્ગે જવું? તો એ તમને ઈશ્વરના સાક્ષાત્કારના રાજમાર્ગ ઉપર મૂકી જશે.

ભગવાનને રસ્તો બતાવવા સાથે જવા માટે મુનિએ શિષ્યોને બોલાવ્યા ત્યારે પચાસેક શિષ્યો આનંદ સાથે ત્યાં દોડી આવ્યા. સર્વેને શ્રીરામચંદ્રજી ઉપર અપાર પ્રેમ હતો. બધાએ કહ્યું, માર્ગ બતાવવા અમે આવીશું.

મુનિ બટુ ચારિ સંગ તબ દીન્હે
જિન્હ બહુ જનમ સુકૃત સબ કીન્હે ॥

જેમણે ઘણા જન્મો સુધી સત્કર્મો કર્યા હતા તેવા ચૂંટેલા ચાર બ્રહ્મચારીઓને મુનિએ ભગવાન સાથે રસ્તો બતાવવા મોકલ્યા. શ્રીરામચંદ્રજી પ્રણામ કરી, ભરદ્વાજજીની આજ્ઞા મેળવીને પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા.

મુનિએ ચાર શિષ્યોને ભગવાન સાથે મોકલ્યા એનો અર્થ એવો થાય કે તેમણે ચાર વેદોનો માર્ગ બતાવ્યો. આપણે કોઈ સાચા સંતને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પૂછીએ તો તે આપણને સીધો સરળ વેદમાર્ગ જ બતાવશે, સત્યનો સનાતન માર્ગ જ બતાવશે. તેના ઉપર ચાલવામાં ભૂલા પડવાનો કોઈ ડર નથી.

બિદા કિએ બટુ બિનય કરિ ફિરે પાઈ મન કામ ।
ઉતરિ નહાયે જમુન જલ જો સરીર સમ શ્યામ ॥

યમુના કિનારે આવીને પ્રભુ ચારે બ્રહ્મચારી શિષ્યોને વિદાય આપે છે. બધાં યમુનાજીના જલમાં સ્નાન કરે છે, જે શ્રીરામચંદ્રજીના શરીર સમાન શ્યામ હતું.

યમુનાના કિનારે એક ઘટના બને છે. ભરદ્વાજજીના શિષ્યો વિદાય થાય છે ત્યારે તુલસીદાસજી લખે છે કે,

તેહિ અવસર એક તાપસુ
આયા તેજપુંજ લઘુબયસ સુહાવા ।
કવિ અલખિત ગતિ બેષુબિરાગી
મન ક્રમ બચન રામ અનુરાગી ॥

તે સમયે એક નાની ઉંમરનો તપસ્વી રામજીનાં દર્શને આવે છે. તે પ્રકાશના પુંજ સમાન તેજસ્વી હતો, કે જેની ગતિ કવિથી (તુલસીદાસજીથી) અજાણી હતી. તે વૈરાગીના વેશમાં મન, કર્મ અને વચનથી શ્રીરામચંદ્રજીનો પ્રેમી હતો. પોતાના ઈષ્ટદેવને મળવાથી તેનાં નેત્રોમાંથી પ્રેમનાં અશ્રુ વહેવા લાગે છે. તે ભગવાનને દંડવત પ્રણામ કરતાં ભગવાન તેને હૃદય સરસો ચાંપે છે.

પિયત નયન પુટ રૂપુ પિયૂષા
મુદિત સુઅસનુ પાઈ જિમિ ભૂખા ॥

તે બાળ તપસ્વી પોતાનાં નેત્રો વડે ભગવાનના સૌંદર્યનું અમૃત પીવા લાગ્યો.

રામાયણમાં આ પ્રસંગ અહીં અટકી જાય છે. સંતોનો મત છે કે, તેજ પુંજનો અર્થ એ થાય છે કે, અગ્નિદેવ માનવ શરીર ધારણ કરીને શ્રીરામચંદ્રજીની સેવા કરવા ત્યાં આવે છે. કારણ કે કોઈ પણ એક સેવકે સાથે રહીને સેવા કરવી જોઈએ. અયોધ્યાથી પ્રભુ નીકળ્યા ત્યારે સુમંત સાથે હતા. શૃંગવેરપુરથી સુમંત અયોધ્યા પાછા જાય છે અને ગુહરાજ પ્રભુ સાથે સેવા કરવા આવે છે. અહીં યમુનાના કિનારેથી પ્રભુ ગુહરાજને પણ વિદાય કરે છે ત્યારે પ્રભુની સેવા કરવા અગ્નિદેવ માનવ શરીર ધારણ કરી અહીં આવ્યા એવો સંતોનો અભિપ્રાય છે.

કેટલાક સંતો કહે છે કે, બાળ તાપસનું રૂપ લઈને હનુમાનજી અહીં પ્રભુની સેવા અર્થે આવે છે. જ્યારે અમુક સંતો હે છે કહે, મન, કર્મ અને વચનથી સાચા રામપ્રેમી શ્રીતુલસીદાસજી પોતે તેમના પૂર્વજન્મમાં ત્યાં પ્રભુની સેવા કરવા આવ્યા હતા. ક્ષેપકરૂપી આ પ્રસંગ રામચરિત માનસમાં અહીં જ અટકી જાય છે.

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.