જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર રીતે અહીં આ વાત સમજાવે છે. – સં.

આપણે કંઈ આ જન્મમાં જ ધરતી પર પહેલા વહેલા જન્મ્યા નથી. આપણે આ પહેલા આ દુનિયામાં અનેક વાર જન્મ લઈને આવ્યા હોઈશું અને ખબર નથી, હજી કેટલી ય યાત્રાઓ સૌને કરવી પડશે. માણસ આ ધરતી પર આવ્યો ત્યારથી એક સનાતન સવાલ લઈને આવ્યો છે અને એ સવાલ એ છે કે ‘આ વિશ્વમાં દુ:ખનો કોઈ દિવસ નાશ થાય એમ છે? આ જગતમાં દુઃખનો ક્યારેય અંત આવશે ખરો? જીવનમાં દુઃખ આવે જ નહીં એવી ઘણી ક્ષણો નિર્માણ કરી શકાય કે નહીં?’

આ જગતમાં દુઃખનો નાશ જો શક્ય હોત તો વડીલોએ એમ ન કહ્યું હોત કે ‘આ જગત દુઃખમય છે.’ ‘સંસાર દુઃખમય છે.’ ‘દુઃખનો નાશ નથી.’ ‘દુઃખના નાશની કોઈ વ્યવસ્થા નથી’ આ જગતમાં જ્યાં આપણે જીવીએ છીએ એ દુઃખોથી ભરેલું છે તો પછી સુખ શબ્દ આવ્યો ક્યાંથી? જો દુઃખનો નાશ જ ન હોય તો સુખ શબ્દ કેમ આવ્યો? એક પ્રશ્ન ઊઠે છે પણ તુલસીદર્શનના આધારે મારે તો બોલવું છે કે આ વિશ્વમાં દુઃખનો નાશ નથી અને તેનો નાશ થવાની કોઈ વ્યવસ્થા નથી. એવી માથાકૂટમાં પડશો નહીં, નહીંતર સમય ગુમાવશો. દુઃખના નાશનો એક જ ઉપાય છે કે આ જગતમાં દુઃખને ભૂલી જવું. દુઃખને ભૂલશો તો સુખી થશો. બાકી નાશ શક્ય નથી અને હનુમાન ચાલીસાની પ્રસિદ્ધ ચોપાઈ છે –‘તુમ્હારે ભજન રામકો પાવૈ જનમ જનમકે દુઃખ બિસરાવૈ.’

હવે શાંતિથી વિચાર કરો, જરા કલ્પના દોડાવો. તુલસીદાસજી આ ચોપાઈમાં થોડો ફેરફાર કરીને એમ ન લખી શક્યા હોત – ‘તુમ્હારે ભજન રામકો ભાવે, જનમ જનમકે દુ:ખ મિટાવે.’ પરંતુ આવા બધા અર્થોવાળા શબ્દો પર ચોકડી મૂક્યા પછી ગોસ્વામીજીએ અનુભૂતિપૂર્વક લખ્યું કે, ‘તુમ્હારે ભજન રામકો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ.’ અહીં દુઃખને ભૂલી જવાની, વિસારે પાડવાની, વિસ્મૃતિની વાત છે. દુઃખોનો નાશ શક્ય નથી, દુઃખને ભૂલી શકો તો સુખી છો.

નાનાથી માંડીને મોટી કોઇ પણ સમસ્યા આવે, આ સમસ્યા પછી કૌટુંબિક હોય, સમાજિક હોય, સંસ્થાગત હોય, કે રાષ્ટ્રીય હોય, વ્યક્તિથી માંડી સમષ્ટિ સુધી, અથથી ઈતિ સુધીની દરેક સમસ્યાને દૂર કરવાનો એક જ ઉપાય છે એને ભૂલી જવી.

ભૂલો એટલે સુખી. જ્યારે મોટી મુશ્કેલી જીવનમાં એ છે કે આપણે ભૂલી શકતા નથી. કોઈ પણ માણસને તમે પૂછો કે હવે કેમ ચાલે છે તો કહેશે હમણાં તો બહુ સારું છે પણ જુઓને ત્રણ વરસ પહેલાં કેવું થઈ ગયું? હવે ત્રણ વરસને શું કામ યાદ કરે છે? તું અત્યારે વર્તમાનને યાદ કરને! ત્રણ વરસ પહેલાનો ભૂતકાળ એના વર્તમાન સુખ પર પડદો મૂકી દે છે, એનું સ્મરણ દુઃખને તાજું કરે છે. શ્રુતિ અને વિસ્મૃતિ શાસ્ત્રના બે શબ્દ છે. શ્રુતિ એ તો આવશ્યક છે જ. સ્મૃતિ અને વિસ્મૃતિની જરૂરિયાત પણ છે. આમાં વિસ્મૃતિ એ પણ ઈશ્વરનો એક મોટો આશીર્વાદ છે.

મોટી મુશ્કેલી એ છે કે આપણે ભૂલતા નથી. યાત્રામાં ગયા હોય અને તમે પૂછો, ‘યાત્રામાં જઈ આવ્યા?’ બોલે ‘હા’-કેમ બહુ સરસ વ્યવસ્થા હતી? કહેશે ‘હા’– બસ સારી હતી. અંદર વીડિયો હતો. જમવાની વ્યવસ્થા સારી હતી. જ્યાં ઊતરીએ ત્યાં રહેવાની વ્યવસ્થા સારી હતી. દેવદર્શન પણ બરાબર થયાં હતાં. ઋતુ પણ સરસ હતી. પણ એક વખત શું હેરાન હેરાન થઈ ગયા કે વાત ન પૂછો. આમ એક વાર હેરાન થયાં તે યાદ રાખ્યું અને બાકીનું ભૂલી ગયા.

પહેલાના જમાનામાં જાઓ. ભૂતકાળનો વિચાર કરો. આપણા ઘરમાં પાંચથી છઠ્ઠી થાળી ન હતી. એક પેઢી, બીજી પેઢી જાઓ, ભૂતકાળમાં એક ગાદલું હતું ને મહેમાન આવે તો બીજે ઘરેથી માગવું પડતું હતું, ચાર પાંચ ગાદલાં હતાં. એક ખાટલો હતો. મહેમાન આવે તો નીચે સૂવડાવવા પડતા હતા. ઘી ક્યાંકથી ઉછીનું લાવવું પડતું હતું. ભૂતકાળને જોવા જાઓ અને વિચારો. ત્યારથી પછી પ્રગતિ કરી છે. માણસે વિકાસ કર્યો છે. પાંચ થાળીને બદલે પાંચસો થાળી થઈ. ને એક ગાદલાને બદલે પાંચ પાંચ બેડરૂમ થયા છે. એક મહેમાનને બદલે દશ દશ મંડળીને તમે સાચવી શકો છો. પણ કેમ દુઃખી છો? જીવનમાં એક જ ઘટના ઘટે છે કે દુઃખ ભૂલી શકાતું નથી. જો ભૂલી શકો તો સુખી. રામાયણકાર તુલસીજી કહે છે- જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.

શાસ્ત્રોમાં લખ્યું છે કે માણસ જન્મે અને માણસ મરે આ બે દુઃખ બહુ મોટાં છે. વેદાંત એમ કહે કે જન્મ-મરણથી મુક્ત થાય એટલે દુઃખમાંથી છૂટ્યા.

બધા વાતો કરે છે કે આમાંથી, જન્મ-મરણમાંથી છૂટો. ભક્તોની અને સંતોની વાત જુદી છે. પણ વેદાંત અને મોક્ષ માર્ગે એમ થાય કે જન્મ-મરણ એ બહુ મોટાં દુ:ખ છે. રામચરિત માનસમાં પણ લખ્યું છે ‘જન્મ મરણ પર બહુત દુ:ખ હોઈ’ આ બે મોટામાં મોટાં દુઃખ છે. તેની સરખામણીમાં બીજાં કોઈ દુઃખ આપ્યાં નથી. હવે વિચારો જન્મનું દુઃખ તો આપણે ભોગવ્યું છે કારણ કે આપણે જન્મીને આવ્યા છીએ; મરવાનું બાકી છે. એટલે એના અનુભવ વગર આપણે ચર્ચા નહીં કરીએ.

પણ આપણે સૌ જન્મીને આવ્યા છીએ એ હકીકત છે. એ ભયંકર પીડા હશે છતાં આજે જન્મના દુઃખનું ગમે તેટલું ભીષણ વર્ણન તમારી સામે કોઈ કરે અથવા તો અહીંયા કોઈ જન્મના સમયનું ચિત્ર બતાવે અથવા તો કોઈ સમર્થ વક્તા એણે તમને જન્મના દુઃખમાં ઓતપ્રોત કરી દીધા તો પણ તમને એ દુઃખની અસર થવાની નથી. કારણ કે જન્મનું દુઃખ તમે ભૂલી ગયા છો. એ તો બધાએ અનુભવ્યું છે છતાં યાદ નથી. બધા આ દુઃખમાંથી પસાર થઈને એ દુઃખનું ગમે તેટલું વર્ણન કોઈ પણ સાધુ સંત કરશે, મને અને તમને જરાય અસર થવાની નથી. તેનું એક જ કારણ છે કે દુ:ખ મટ્યું નથી પણ ભુલાઈ ગયું છે. વિસરાઈ ગયું છે.

તો હનુમાનજીનો આશ્રય કરશો તો એક જનમ નહીં. જનમ જનમ કે દુ:ખ બિસરાવૈ. એક જનમનું દુઃખ ભુલાય તો સુખ છે. અહીં તો ગોસ્વામીજી અનુભૂતિ સે કહતે હૈ તુમ્હારે ભજન રામકો પાવૈ જનમ જનમ કે દુઃખ બિસરાવૈ અને ઈશ્વર જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે માણસને દુઃખ આપે છે. કુછ સૂત્ર કો ઠીક સે સમજો. પ્રભુ જ્યારે મને અને તમને વધારે પ્રેમ કરે છે ત્યારે થોડુંક દુઃખ આપે છે. પ્રેમમાં એવો સ્વભાવ છે. ભાઈ-ભાઈને પ્રેમ કરતો હોય, મિત્ર મિત્રને પ્રેમ કરતો હોય, પતિ પત્નીને કે પત્ની પતિને પ્રેમ કરતી હોય- જ્યાં પ્રેમ છે ત્યાં છેડતી કરવાનો સ્વભાવ છે. અડપલું કરવાનો સ્વભાવ છે.

બે મિત્રો હોય તેની વચ્ચે ગાઢ પ્રેમ હોય. અતિ પ્રેમ હશે તો એ મશ્કરી કરશે. પેલાને ખબર નહીં હોય એમ એના ખિસ્સામાં કંઈક નાખી દેશે. દોરી પાછળ કંઈક બાંધી દેશે. એમાં આનંદ આવે. પેલાને ખબર પડી કે આણે મારી મશ્કરી કરી તો પહેલાં તો એની સાથે બે-ત્રણ દિવસ બોલશે નહીં અને નહીં બોલે તો પેલો વધારે રાજી થશે કે મેં કેટલો સતાવ્યો! જ્યારે અતિ પ્રેમ ગાઢ બને છે ત્યારે અડપલું કરવાની આદત પડે છે અને ઈશ્વર પણ જ્યારે અગાધ પ્રેમ કરે ત્યારે થોડીક વિપત્તિ દ્વારા અડપલું કરે છે. થોડુંક સંકટ નાખે છે, થોડુંક કષ્ટ આપે છે.

પરમાત્મા પ્રેમ કરે તેની સાથે અડપલું કરી દુઃખ આપે. ભગવાન બહુ સુખ આપે ત્યારે સમજો પ્રભુ તમારી સાથે પ્રેમ કરતો બંધ થયો છે. સુખી માણસો સાવધાન! સગવડવાળા માણસો સાવધાન! માને રસોઈ કરવી હોય, માને રોટલા કરવા હોય ને માને પાણી ભરવું હોય ત્યારે એને એમ લાગે કે મારે બીજું કામ કરવું છે, ત્યારે પોતાના બાબાને બિસ્કીટ કે ચૉકલેટ આપી દેશે કે તું ખાધા કર ત્યાં હું બીજું કામ કરી લઉં.

જ્યારે ઈશ્વરને આપણા તરફથી નજર હટાવવી હોય ત્યારે ઘડીક ચૉકલેટ કે બિસ્કીટ આપે કે તું ખાધા કર ત્યાં હું બીજે કામે જઈ આવું. સુખી માણસો બરાબર સાવધાનીથી સાંભળે. પરમાત્મા હદ કરતાં વધારે સુખ આપે ત્યારે સમજો કે પ્રભુને કોઈ બીજું કામ આવ્યું છે તેથી મને થોડાં વધારે રમકડાં આપી દીધાં છે. દુ:ખ આવે ત્યારે સમજો બહુ નજીક છે, બહુ પાસે છે, બહુ ધ્યાન રાખે છે, અડપલું કરે છે. થોડું કષ્ટ આપે છે.

તો દુ:ખ ભૂલવાથી સુખ છે. આ પહેલું સૂત્ર છે. હવે પ્રશ્ન એ આવે છે કે દુઃખ ભૂલાય કેમ? આપણે ભૂલી શકતા નથી એટલે મુશ્કેલી છે. ભૂલાય કેમ? એનો પહેલી અર્ધી ચોપાઈમાં જવાબ છે. ‘તુમ્હારે ભજન’ એક ઉપાય છે. ‘તમારું કોઈ ભજન કરે’ સૌરાષ્ટ્રમાં એક પરબની જગા છે. એ પરબની જગાના સમર્થ ભજનિકનું બહુ પ્રચલિત ભજન છે કે –

‘દાતા તમારા હશે ઈ તને ભજશે રે..

એને આઠે ન આવે લગાર…રે

પ્રભુના પીર બાવડું ઝાલવાની ખાવન લાગશે રે…’

‘તુમરે ભજન’ તમારું જે ભજન કરશે એ દુઃખને ભૂલી શકવાની કળામાં કુશળ બનશે.

બાળક બાલમંદિરથી ઘરે આવે અને રસ્તામાં પડી ગયું હોય, કોઈ મોટરની ઠોકર લાગી પગનું હાડકું તૂટ્યું હોય, કોઈક સજ્જન એને રોડ પરથી ઊઠાવી હૉસ્પિટલ લઈ જાય. ડૉક્ટર એને પ્લાસ્ટર બાંધે. બાળક ભાનમાં આવે, એને પૂછવામાં આવે તારા પપ્પા ક્યાં છે? ડૉક્ટરને ટૅલીફોન નંબર આપવામાં આવે, ડૉક્ટર ટૅલીફોન કરે. પિતા ઘરે નથી, મા હતી તે દોડતી આવે અને બાળક બિસ્તરમાં હૉસ્પિટલની પથારીમાં પડ્યો છે, એને ઊઠાવી તેને મા ગોદમાં લે. બાળકને તો પ્લાસ્ટર હોય. માનો સ્પર્શ એ અનુભવી ન શકે. છતાં માની ગોદ મળી એટલે દુઃખ ઓછું થઈ જાય. એનો અર્થ એ નથી કે પ્લાસ્ટર હટી ગયું છે.

ડૉક્ટરે કહ્યું હશે, એક મહિનો હૉસ્પિટલમાં રાખવો પડશે તો ત્યાં સુધી રાખવો પણ પડશે છતાં માની ગોદ મળે એટલે પચાસ ટકા દુઃખ ભુલાઈ જાય છે. છતાં જે બાળક ડૉક્ટર પાસે રડતો હતો એ મા પાસે પણ કદાચ રડશે. એના રુદનમાં કંઈક જુદો જ ભાવ હશે. ‘તુમ્હારે ભજન રામકો પાવૈ જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.’

***

જીવનમાં દુઃખ આવે જ નહીં એ વાત અશક્ય છે, દુઃખ તો આવવાનું જ, પરંતુ દુઃખને જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ જવાનું નથી. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ થાય છે.

– રવીન્દ્રનાથ ટાગોર

***

સંસારમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે. ચાર દુઃખ અનિવાર્ય છે. જન્મ, જ૨ા (વૃદ્ધાવસ્થા), વ્યાધિ અને મૃત્યુ. આ દુઃખો આવે ત્યારે શાંતિથી સહન કરજો. આ ચાર દુઃખો ઉપરાંતનાં જે દુઃખો છે તે તૃષ્ણાથી, રાગથી ઊભાં કરેલાં છે ને તેની જ સંખ્યા મોટી છે. આવી મોટી સંખ્યાનાં દુ:ખોથી સંપૂર્ણ રીતે છૂટી શકાય છે. આને માટે કોઈ ઈશ્વરી કૃપા કે મંત્રોની જરૂર નથી પણ ‘સાત’ સમ્યક્ (સમતોલ વિચારપૂર્વકની) દૃષ્ટિની જરૂર છે. આ સાત સમ્યક્ દૃષ્ટિ એટલે સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કર્મ, સમ્યક્ આજીવિકા, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, અને સમ્યક્ સમાધિ. આમાં આજીવિકા પણ મહત્ત્વનું પગથિયું છે. આજીવિકા જો અયોગ્ય રસ્તે મેળવતા હોય તો તેને માટે દુઃખ અવશ્ય છે.

– ભગવાન બુદ્ધ

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.