(તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.)

લોકાભિરામમ્‌ રણરંગધીરમ્‌, રાજીવ નેત્રમ્‌ રઘુવંશનાથમ્‌ ।
નિરુપમ કરુણાકરંતમ્‌ શ્રીરામચંદ્રમ્‌ શરણં પ્રપદ્યે ॥
મનોજવં મારુતતુલ્યવેગમ્‌ જિતેન્દ્રિયમ્‌ બુદ્ધિમતામ્‌ વરિષ્ઠમ્‌ ।
વાતાત્મજમ્‌ વાનરયૂથમુખ્યમ્‌ શ્રીરામદૂતમ્‌ શરણમ્‌ પ્રપદ્યે ॥

આજના આ પાવન પ્રસંગે જેમની આશીર્વાદક ઉપસ્થિતિ છે એવા પૂજ્ય સ્વામી શ્રી મહારાજ અન્ય સહુ પૂજનીય યતિવૃંદ, બ્રહ્મચારીવૃંદ, આપ સહુ ભાઈ-બહેનો અને જેમણે આટલી વયે પણ સમજપૂર્વક અને સાવધાનીપૂર્વક શ્રીરામકૃષ્ણ ભગવાનના આ પુરાણનું સમશ્લોકી સર્જન કર્યું એવા પૂજ્ય કેશવલાલ શાસ્ત્રી, અન્ય સહુ, આપે હમણાં જ યાદ કર્યું કે વર્ષો પહેલાં ત્રણ દિવસ રામાયણનાં ત્રણ પાત્રો લઈને હું અહીં બોલ્યો હતો કે રામાયણમાં સુગ્રીવને શિક્ષા મળી, વિભીષણને દીક્ષા મળી અને ભરતજીને પ્રેમની ભીક્ષા મળી. આ વિષય ઉપર ત્રણ દિવસ કહેવાનું હતું. એ મારી સ્મૃતિમાં છે. ભગવાન ઠાકુરના અવતાર કાર્ય માટેના જે કાંઈ પ્રસંગો છે એમને વર્ણવતો આવો એક ગ્રંથ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યો છે. હું એમ માનું છું કે આવા ગ્રંથો આપણે વિમોચિત કરીએ તો આપણા હાથ વધારે પવિત્ર થાય અને તેથી જ મને આનંદ થાય છે કે ઘણાં વર્ષો પછી હું આ પ્રસંગે આવી શક્યો.

શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ આવો વિષય મને આપ્યો છે. વિષય તો એક વિષયીને અપાય. મારી કોશિશ એવી છે કે મારે સિદ્ધ પણ નથી થવું અને વિષયી પણ નથી રહેવું. આપણે તો વચ્ચેના સાધક બની રહેવું છે. મારી કથા શ્રવણ કરતાં સહુ ભાઈ-બહેનોને ખબર છે કે કથા દરમિયાન જ્યારે જ્યારે હું ઠાકુરને સ્મરું, શ્રીઠાકુરને યાદ કરું અને ત્યારે આ જે અહીં શ્રીમંદિરમાં વિરાજિત સ્વરૂપ જે મૂળ કોલકાતાના શ્રીરામકૃષ્ણ મંદિરમાં પણ છે એ જ સ્વરૂપ પર બચપણથી જ મને મોહ નહિ, નેહ જાગ્યો છે. આમ તો પરમતત્ત્વ તરફ મોહ જાગે, આસક્તિ જાગે તોય વાંધો નહિ. ‘સએવ સાધુ સુક્રુતોત્ર મોક્ષદ્વારમ્‌’ એવું ભાગવતમાં ભગવાન કપિલે દેવહૂતિને કહ્યું છે. પણ મારા જીવનમાં અમુક મૂર્તિઓ વસેલી છે, એમાંની એક મૂર્તિ છે શ્રીઠાકુરની. હું ઘણી વખત કહું છું, ગાંધીજીનાં ઘણાં ચિત્રો દરેકને પોતપોતાની રુચિ પ્રમાણે ગમતાં હોય, પરંતુ મને તો ગાંધીજી પ્રાર્થનામાં બેઠા છે એ સ્વરૂપ, એ છબિ ખૂબ ગમે છે. તલગાજરડામાં હનુમાનજી જે બેઠાં છે એ મને ખૂબ ગમે. આ બધાંય આપણા અંગત નિષ્ઠાના વિષયો છે. ઠાકુરની આ ભાવમૂર્તિ પ્રત્યે મારા હૃદયનો એક નેહ રહ્યો છે. એની આજે વિશેષ વાત નહિ કરું પણ તુલસીદાસજીએ વિનયપત્રિકામાં રામની સ્તુતિ કરી એમાંની આ બહુ પ્રસિદ્ધ પંક્તિ – નવ કંજ લોચન, કંજ મુખકર, કંજ પદ, કંજારુણમ્‌ – અહીં ભગવાન રામની ચાર વસ્તુ વર્ણવી છે. તુલસી કહે કે રામની કમળ જેવી આંખો, રામનું કમળ જેવું મુખારવિંદ, રામજીના કમળ જેવા હાથ અને રામજીનાં કમળ જેવા ચરણ છે.શ્રીઠાકુર વિશે હમણાં એક શબ્દ અવતારવરિષ્ઠાય એવો બોલાયો. એમને તમામ અવતારોમાં વરિષ્ઠ સ્વરૂપ ગણવામાં આવ્યા છે. ઠાકુરની છબિ કે ઠાકુરનું સ્વરૂપને જ્યારે હું જોઉં ત્યારે નવ કંજ લોચન.. આ પંક્તિ જાણે કે એમનામાં ચરિતાર્થ થતી લાગે છે.   એમાંય આધ્યાત્મિક સિદ્ધિવાળા મહાપુરુષની આંખમાં જે તાકાત હોય છે એ સામાને પારખી પણ શકે અને મારા તમારા જેવાને પરમતત્ત્વ પણ દેખાડી શકે. એટલે જ એ આંખથી શ્રીઠાકુર કહેતા કે આ વિવેક (નરેન-સ્વામી વિવેકાનંદ) અહીંનો જીવ નથી, એ તો સપ્તતારકોમાંથી આ પૃથ્વીના ઉદ્ધાર માટે આવેલો એક અવતાર છે. આવું શ્રીઠાકુરે કહ્યું છે. હવે ઠાકુરનાં દર્શન કરતી વખતે એમની આંખ આપ સૌ જોજો. શરૂ શરૂમાં આપણને ધ્યાન ન લાગે તો બહુ ચિંતા ન કરવી, પણ આંખ સામે જોયા કરવું. સંન્યાસીની જેમ આપણેય ધ્યાનમાં ઊતરી પડીએ એટલી બધી ઉતાવળ ન કરવી. પહેલાં એને નિરખો, જુઓ, પરખો. એમની આંખોમાંથી આપણી જાણ બહાર સમાધિના ચમકારા કંઈ પણ કર્યા વગર પ્રાપ્ત થશે. આવું બધું છે એમની આંખમાં!  આ ઠાકુરની આંખ સામે જોઉં છું ત્યારે એક આંખ મને ભગવાન રામની લાગે છે અને બીજી આંખ ભગવાન કૃષ્ણની લાગે છે. બંનેમાંથી જાણે એક એક આંખો લીધી હોય એવું લાગે છે. આ બંને આંખો એમનામાં એક સાથે રહી છે. એટલે જ તેઓ અવતારવરિષ્ઠ છે. એ બેય અવતારોની આંખો મને શ્રીઠાકુરની આંખોમાં દેખાય છે.

હું અહીં આશ્રમમાં આવ્યો ત્યારે સ્વામીજીની ઓફિસમાં ગયો ત્યાં દીવાલ પર એક કેલેન્ડર જોયું. તેમાં શ્રીઠાકુરનું સ્વરૂપ સફેદ-ધવલવર્ણું છે. મને લાગ્યું, કેવું અદ્‌ભુત સ્વરૂપ! પછી શ્રીમંદિરમાં એમનાં સાક્ષાત્‌ દર્શન કર્યાં. મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે, આપ સૌ જ્યારે શ્રીમંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે પ્રભુને સારી રીતે નિરખવા જોઈએ… મારે આ વિષય પર બોલવાનું હતું એટલે કંઈ નક્કી કરીને, હોમવર્ક કરીને આવ્યો નથી. એમ કરું તો કંઈક ભૂલી પણ જવાય… આપણા સાહિત્યમાં શૃંગારરસમાં રૂપ વર્ણનમાં ઘણીવાર એવું આવે કે ભગવાને આ અદ્‌ભુત રૂપની  રચના કરવા ચંદ્રમાંથી થોડું લઈને મુખમાં નાખ્યું, સૂર્યમાંથી લઈને નાખ્યું, વગેરે વગેરે. આમ કરીને બધું ભેગું કરીને એક સર્વશ્રેષ્ઠ ચિત્ર નિર્માણ કરે છે. શ્રી ઠાકુરનું પણ આવું અદ્‌ભુત સ્વરૂપ છે, તેમાં તેમની આંખોમાં એક આંખ મને મારા રામની અને એક આંખ કૃષ્ણની હોય એવું લાગે છે, સાહેબ. હવે મારે તમને પૂછવું છે કે જમણી આંખ કોની અને ડાબી આંખ કોની હશે? હું પણ થોડો તમને અકળાવીશ, તમારે એ બધું ગોતવું પડે… આમ શ્રીઠાકુરનાં દર્શન કરતી વખતે તેની એક આંખ મર્યાદાપુરુષોત્તમ રામની છે અને બીજી પ્રેમપુરુષોત્તમ કૃષ્ણની છે. હવે કઈ જમણી અને કઈ ડાબી આંખ? આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ‘સંદેહપદેષુ અંત:કરણ પ્રમાણમ્‌’ કોઈ જગ્યાએથી પ્રમાણ ન મળે તો સાધકની અંત:કરણની પ્રવૃત્તિને પ્રમાણ માનવામાં આવે છે. મને એવું લાગે છે કે શ્રીઠાકુરની જમણી આંખ ભગવાન રામની છે, આપ સૌને પોતપોતાનો અનુભવ હોઈ શકે. કારણકે ‘રુચિનાં વૈચિત્ર્યા દૃજુકુટિલ નાના પથજુષાં’ સૌને પોતપોતાનો ભાવ હોય છે. પણ હું ઠાકુરને જોઉં છું ત્યારે તેમની જમણી આંખ, મને હંમેશાં રામજીની આંખ દેખાય છે. એમાં જે દાક્ષિણ્ય, શાલીનતા જોવા મળે છે તે મર્યાદાપુરુષોત્તમની આંખમાં પણ છે. પણ એમની ડાબી આંખ મને કૃષ્ણની આંખ લાગે છે. વામ છે, ડાબી છે, કારણ કે એ પ્રેમપુરુષોત્તમ છે. બધાં કૃષ્ણને પૂર્ણપુરુષોત્તમ કહે છે પણ હું તો કૃષ્ણને પ્રેમપુરુષોત્તમ કહેવાનું વધારે પસંદ કરું છું.

ડાબી આંખ કૃષ્ણની અને જમણી આંખ રામની. એટલે એમની એક આંખમાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા છલકે છે. એટલે જ એની સાથો સાથ જમણી આંખમાં મર્યાદા મૂકી છે. પ્રેમમાં શાલીનતા હોય છે, પ્રેમ એ મર્યાદાનો માર્ગ છે, પ્રભુપ્રેમને કારણે મીરાં નાચી હતી પણ મંચનો ત્યાગ કરીને કોઈ દિવસ નાચી ન હતી. એટલે મંચની મર્યાદા તોડી ન હતી. એટલે જ ઠાકુરની દક્ષિણ આંખ એ રામની આંખ છે, મર્યાદાપુરુષોત્તમની આંખ છે. રામ કે કૃષ્ણની આંખો આપણે જોઈ નથી, એમનાં વર્ણનો વાંચ્યાં છે. શ્રીઠાકુરની આંખો આપણને સમયકાળની દૃષ્ટિએ બહુ નજીક પડે છે, કારણ કે એને બહુકાળ ગયો નથી… વળી ઠાકુરની આંખ એટલે કેવળ સ્થૂળ અર્થમાં આંખ, એ વિશે મારે કહેવું નથી. આંખ એટલે દર્શન. એટલે જ શ્રીઠાકુરનાં દર્શનમાં ભગવાન રામનું દર્શન અને ભગવાન કૃષ્ણનું દર્શન એ બંને સમાહિત છે. બંને અવતારોનાં દર્શનનો એમાં સમન્વય છે. હમણાં એક સ્વામીજીએ કહ્યું કે શ્રીઠાકુરે બધા ધર્મોનો સમન્વય કર્યો છે. એમના સમગ્ર જીવનમાં આ સર્વધર્મસમન્વય ચરિતાર્થ થાય છે. શ્રીકૃષ્ણ ગૃહસ્થ છે, રામ પણ ગૃહસ્થ છે અને આપણા ઠાકુર પણ ગૃહસ્થ છે. આમ છતાં પણ એમની પાસે કેટકેટલા સંન્યાસીઓ તૈયાર થયા! માતપિતા ન હોય તો પુત્ર ન જન્મે, એટલે માતપિતા તો જોઈએ. એમ જ્ઞાન અને ભક્તિના મિલન વગર કદાચ સાચો સંન્યાસ પણ જન્મતો નહિ હોય. એટલે એ જ્ઞાન અને ભક્તિના રૂપમાં એક બાજુ વિવેકાનંદજી છે તો બીજી બાજુએ શ્રીસારદાજી છે અને વચ્ચે શ્રીઠાકુર બેઠા છે.

દક્ષિણેલક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા ।
ઉતૌ મારુતિ યસ્ય તમ્‌ વંદે રઘુનંદનમ્‌ ॥

આમ વિશ્વામિત્રજીએ રામરક્ષા સ્તોત્રમાં લખ્યું છે. પરંતુ અહીં ‘દક્ષિણે વિવેકાનંદો યસ્ય વામૈ તુ સારદામ્બા’ છે. હવે આમાં સન્મુખ કોણ? પેલા શ્લોકમાં તો હનુમાનજી આગળ છે અને આમાં તીવ્ર જિજ્ઞાસા લઈને એમના શરણે નિષ્ઠા સાથે આવેલા સાધકો એમની સન્મુખ છે…  આધ્યાત્મિકતાની દૃષ્ટિએ શ્રીઠાકુરનો કેટલો વિશાળ પરિવાર! કેટકેટલાને એમણે પોતાની નિકટતામાં પોતાના નિજપણામાં લાવીને પોતે પોષ્યા છે! સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો આંખ એ આંખ છે પણ બીજી દૃષ્ટિએ જોઈએ તો એ દર્શન છે. રામ સૂર્યવંશી અને કૃષ્ણ ચંદ્રવંશી છે. એટલે રામકૃષ્ણની એક આંખમાં સૂર્ય અને એકમાં ચંદ્ર! એની સાથે જ યોગની બધી પ્રક્રિયાઓ શરૂ થાય છે. એમાં ઈંગલા ચાલે, પિંગલા ચાલે કે સુષુમ્ણા ચાલે – સૂર્ય નાડી ચાલે છે કે ચંદ્ર નાડી ચાલે છે અને એ રીતે જીવન સાધના ચાલે છે. આ બાબતનો આપણને તરત જ ખ્યાલ આવી જાય. શ્રીઠાકુરની આંખો નવ કંજ લોચન છે. આ વાત હું કોઈને સારું લગાડવા કહેતો નથી પણ શ્રીઠાકુર પ્રત્યેના નેહને કારણે, એ જગજાહેર નેહને કારણે કહું છું. મેં મારા જીવનમાં આવી નિર્દોષ મૂર્તિ ક્યારેય જોઈ નથી. તેમનામાં બાળકના જેવી નિર્દોષતા! આરપાર જોઈ શકાય એવા એ મહાન આધ્યાત્મિક પુરુષ! આવા પુરુષોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ એટલે જ,પોતાની મહાસમાધિના ત્રણ દિવસ પહેલાં , પરમને પામવાના ત્રણ દિવસ પહેલાં સ્વામી વિવેકાનંદે પણ આવી શંકા કરી, આ રામ હશે! આ કૃષ્ણ હશે! અને એ રામ ને કૃષ્ણ રામકૃષ્ણ હશે! શ્રીરામકૃષ્ણના નિકટતમ ભક્તોએ શ્રીઠાકુરને વિનંતી કરી કે મા જગદંબાને પ્રાર્થના કરીને તમે થોડું ખાઈ શકો એવું તો કરો! પણ આ તો શ્રીઠાકુર! પરમ આધ્યાત્મિક વિભૂતિ! એટલે એમણે મા જગદંબાને પ્રાર્થી અને એમણે કહ્યું : ‘આટઆટલાં મુખેથી તો તું ખાય છે!’ આ સાંભળીને ઠાકુરે ઘણી શરમ અનુભવી. આવા પરમપુરુષનો મહિમા કોણ પામી શકે! આટલી બધી હૃદયની ઋજુતા! ભગવાન રામ પણ બહુ સરળ છે, સહજ છે. ભગવાન કૃષ્ણ પણ એટલા જ સહજ-સરળ! પણ એ બંનેના મૂળ પાયા બહુ મોટા કુટુંબોમાં છે. અને અહીં શ્રીઠાકુર બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં એક અકિંચન બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા. આવી અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં તેઓ પ્રગટ્યા…

રામચરિત માનસ શ્રીરામ વિશે આમ કહે છે: ‘તુમ અપરાધ જોગ નહિ ત્રાતા’ હે રાઘવ! તારામાં કોઈ દોષ નથી. એ જ રીતે આ ઠાકુરનું સ્વરૂપ પણ સાવ નિર્મળ નિર્દોષ! ગુજરાતના સુખ્યાત કવિ અને સંત પ્રકૃતિના શ્રી મકરંદભાઈ દવે ઇજિપ્તના એક પ્રસિદ્ધ ચિત્રની વાત કરી છે. એ ચિત્રમાં એક ત્રાજવું છે, બહુ મોટું ત્રાજવું છે. ત્રણ ત્રણ સાંકળો, મોટી મોટી ગોળ ગોળ કળીઓની સાંકળો છે, એમાં બે છાબડાં છે. એક છાબડામાં સાવ હળવું પાતળું, એનાથીયે હળવું જાણે કંઈ ન હોય એવું પક્ષીનું પીંછું છે. એ જમીન પર બેસી ગયું છે. બીજા છાબડામાં માનવીનું હૃદય છે. એ છાબડું લગભગ ત્રણેક ફૂટ ઊંચું એટલે કે ઉપર છે. બિલકુલ નાનું એવું પક્ષીનું પીંછું એના કરતાં હૃદય વજનદાર હોય જ; પણ એ પીંછાવાળું છાબડું જમીન પર બેસી ગયું અને હૃદયવાળું છાબડું હળવું થયું અને ઊંચું ગયું. પછી એક બિલાડી કે ગલુડિયાનું એવું કંઈક ચિત્ર છે. એ માંસનો લોચો સમજીને એ છાબડામાંથી માંસ ખાવા કૂદે છે. પણ એ છાબડું એટલું ઊંચું છે, એની હળવાશને લીધે તે માંસને આંબી શકતું નથી. બસ ચિત્રની વાર્તા કંઈક આવી છે. એનો અર્થ એ થાય કે પીંછા કરતાં પણ જેનું કાળજું હળવું બની જાય એને સમાજની કોઈ બિલાડી, કોઈ ગલુડિયું શિકાર કરી શકતાં નથી. જેનું હૃદય હળવું ફૂલ હોય એને કોઈ કશુંય ન કરી શકે. આવી હૃદયની નિર્દોષતા મને શ્રીઠાકુરમાં દેખાય છે. બીજાં ઘણાં ચિત્રો મને દેખાય છે પણ એમાં પૂર્ણ રૂપે હું સહમત ન થાઉં. મને ગમે એટલી વાત કહું, બાકી એવા કેટલાંક ચિત્રોમાં ઘણી રમત હોય છે, ખેલ હોય છે એવું પણ બને. એટલે એ બાબતમાં આપણે ન પડીએ. ઠાકુરમાં ખેલ કે રમત નથી. એમાં છે નિર્દોષતા, એમાં છે રામની સરળતા. એવું છે ઠાકુરનું દક્ષિણ અંગ. અને કૃષ્ણની સબળતા, કૃષ્ણનું યુગધર્મીય વર્તન એ જાણે એમનું વામ અંગ હોય એવું મને લાગે છે. ઠાકુરનાં નવકંજ લોચન – સૌમ્યચંદ્ર અને સૂર્ય એવી બે આંખો – જાણે કે મને ને તમને નિમંત્રિત કરતી હોય એવું લાગે છે. ઘણા ચહેરા જોઈએ તો જૂની યાદ તાજી થઈ જાય. આપણે એ માણસને ક્યાંક મળ્યા છીએ કે આના જેવું કોઈક આપણને મળ્યું હતું એવું લાગે.

હવે શ્રીઠાકુરનું મુખારવિંદ જુઓ. એમનો ચહેરો આપણને રામ અને કૃષ્ણનું સ્મરણ કરાવી જાય છે. કમળ જેવો અસંગ ચહેરો, નિર્લેપ ચહેરો… ભગવાન શ્રીકૃષ્ણ વિશે ‘કરારવિંદેન પદારવિંદમ્‌, મુખારવિંદે વિનિવેશયંતમ્‌’ કૃષ્ણના મુખ માટે પર ‘મુખારવિંદ’ એવો શબ્દ આપ્યો છે. એ મુખ કમળ છે. શ્રીઠાકુરના મુખમાં એવી જ અસંગતતા અને સહજસરળતા જોવા મળે છે. એમના મુખના બે હોઠ ખુલ્લા છે અને એમાંથી દેખાતા દંત જો એ થોડું ખૂલ્લું ન હોત તો એ ન દેખાત અને ચહેરો આટલો આકર્ષિત ન લાગત. એ બે હોઠ હું જોઉં છું ત્યારે મને લાગે છે કે જાણે કમળની બે પત્તીઓ ધીરે ધીરે ખીલી રહી છે અને દંતકળી દેખાય છે. રામ અને કૃષ્ણના ચહેરા પર દાઢી મૂંછ નથી. એ બે અવતારો આપણને બહુ દેવતાઈ સ્વરૂપના અવતારો લાગે છે. આ દાઢીમૂછવાળા ઠાકુર આપણી જ ધરતી ઉપર આપણી સાથે જ બેઠેલા અવતાર છે, આપણી સાથે વાતો કરતા અવતાર છે. આપણી સાથે ચર્ચા કરતા અવતાર છે. ઠાકુર તો આપણી બધી સમસ્યાઓનો હલ કરતા, આપણી આમને-સામનેના અવતાર છે. અહીં જેમની સાધના અને નિષ્ઠા પરિપક્વ હશે એમને આ ખૂલેલ હોઠ કોણ જાણે એમને કેટકેટલું કહેતા હશે! જો ભીષ્મને ગંગા બોલતી સંભળાતી હોય, જો કર્ણને સૂર્ય સવારમાં એના ગાલ પર પોતાનાં કિરણો દ્વારા પ્રેમ કરતો અનુભવતો હોય તો શ્રીઠાકુરના સેવકોને, શ્રીઠાકુરનાં શ્રીચરણોમાં સમર્પિત સાધકોને એના અર્ધખૂલા હોઠ કંઈક અસંગત વાત, કંઈક સંદેશ આપી જાય છે. તેઓ જાણે કે કંઈક બોલી રહ્યા છે. કાશ, યે બાતેં હમારે કાન સૂન પાતે! આપણા દેવસ્થાનોમાં આપણાં મંદિરોમાં આરતી થાય છે ત્યારે ઘણું બધું થાય છે એ બરાબર છે. પણ મંદિરોમાં અને દેવસ્થાનોમાં એટલી શાંતિ તો હોવી જોઈએ કે એ દેવતા શું બોલે છે તે સાંભળવા આપણે તત્પર બનીએ અને સાંભળીએ… શ્રીઠાકુરના અર્ધખૂલેલા હોઠોને કોણ જાણે કેટલું સહજતાથી આવું રૂપ આપ્યું છે! ખૂલા હોઠ નીચે દેખાતી દંતકળી પણ કેટલી મુક્ત છે! એમની અસંગતતાનું પ્રતીક છે. એમના બે દાંત જાણે કહે છે કે મારું વ્યક્તિ ચારિત્ર્ય એ કોઈ દંતકથા નથી પણ હકીકત છે. એ બત્રિસ પૂતળીની જેમ ઉપજાવી કાઢેલી વાર્તા જેવું નથી. અલબત્ત બત્રિસ પૂતળીની વાર્તામાંયે સંદેશ છે ખરો. જાણે કે ઠાકુર કહે છે, મારું વ્યક્તિત્વ, મારો અવતાર એક પરમનું અવતારકાર્ય છે. શ્રીરામ રામગીતાના રૂપે મુખર બને છે તો ક્યારેક શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતાના રૂપે મુખર બને છે એ બંનેનું સમન્વય રૂપ આપણા શ્રીઠાકુર ક્યારેક ગીતા અને ક્યારેક બધા ધર્મોને વિશ્વની સામે એકમુખતા પ્રદાન કરે છે… શ્રીઠાકુરના હોઠ અર્ધખૂલા છે એ પૂરેપૂરા ખૂલા નથી, એ જાણે કે વિકસિત સાધકનું પ્રતીક છે. એ બતાવે છે કે તેઓ એક મહા સિદ્ધ પુરુષ છે. એ પણ એક વિકાસની પ્રક્રિયા છે. પ્રભુમાં બહુ મુખરતા નથી, કેટલું બોલ્યા હશે! અને તે પણ સાવ ગામડાની ભાષામાં જ વાતો કરી છે. આમ આમનેસામને બેઠેલા લોકો સામે લોકભોગ્ય ભાષામાં અધ્યાત્મનાં અમૃત પીણાં સમગ્ર વિશ્વને પાયાં છે. એમના હોઠ બહુ ખૂલા નથી. હોઠ કેટલા પહોળા થાય છે એના પરથી સાધકનું માપ નીકળે છે. આ બધાં સાધકનાં પરીક્ષણ કેન્દ્રો છે. આપણા લોકદોહામાં કહ્યું છે ‘અતિ ભલો ન-બોલનો, અતિ ભલી ન ચૂપ; અતિ ભલો ન બરસનો, અતિ ભલી ન ધૂપ.’

રામકૃષ્ણ કથા એ પરમની કથા છે, એ પરમ પોતે કૃષ્ણના જેવી ‘મામૈકં શરણં વ્રજ’ ની હૈયા ધારણ નરેનને આપતાં કહે છે કે જે રામ જે કૃષ્ણ એ જ અત્યારે આ વખતે શ્રીરામકૃષ્ણ… શ્રીઠાકુર મૌન બેઠા છે. દક્ષિણામૂર્તિ (દક્ષિણેશ્વરનો મહાદેવ) મૌન બેઠો છે અને શિષ્યોના સંશયો ક્ષીણ થઈ જાય છે. એમનો ઉપરનો હોઠ મને જાણે કે રામજીનો હોઠ લાગે છે અને નીચેનો હોઠ જાણે કનૈયાનો લાગે છે! કૃષ્ણની જેમ એમણે વાંસળી વગાડી નથી પણ આધ્યાત્મિક ઉપાસનાની બધી પદ્ધતિઓ એમણે અપનાવી અને યતો મત તતો પથ એમ કહીને ઈશ્વરને પામવા ગમે તે પથે ચાલીને જઈ શકાય. આટલો મોટો સમન્વય એમણે સાધ્યો. એમની આ બેઠક જાણે કે સાધકને કહી રહી છે કે તમે કંઈ ન કરો અને મારી જેમ બેસી જાઓને તો ઘણું છે. બીજું કંઈ કરવાની જરૂર નથી. શ્રીઠાકુર બિરાજમાન છે. એમનો એક હાથ રામનો છે અને બીજો કૃષ્ણનો. ક્યારેક રામના હાથમાં ધનુષ્યબાણ છે, કૃષ્ણના હાથમાં ક્યારેક બાંસુરી છે તો ક્યારેક અર્જુનના રથના ઘોડાની લગામ છે. આ હાથનો પણ ઘણો મોટો મહિમા છે. ભગવતી શ્રુતિ કહે છે: ‘અયં મે હસ્તૌ ભગવાન, અયં મે ભગવન્તર’ રામે અને કૃષ્ણે એ વખતે ધનુષ્યબાણ ઉપાડ્યાં, ગિરિરાજ તોડ્યો અને કેટકેટલા કર્મયોગનાં કાર્યો એ બંને અવતારોએ કર્યાં. પણ ઠાકુરને જાણે કે એમ લાગ્યું હશે કે હવે બધું જ મૂકીને હાથ ભેગા કરીને શાંતિથી માણસ બેસી જાય, જીવ શાંત થઈ જાય. અહીં ઠાકુરના હાથ ભેગા છે એનો અર્થ એ થાય કે સમાજમાં કંઈ ડાબુ-જમણું નથી. એ બધાનો સમન્વય થઈ જાય. કોઈ હિંદુ ન રહે, કોઈ મુસલમાન ન રહે, કોઈ ઈસાઈ ન રહે, કોઈ પારસી કે જૈન ન રહે, બધા એક રસ થઈ જાય. આ બે હાથ જાણે કે આવી પ્રેરણા આપવા માટે જ ભેગા થયા હશે. એમના હાથ ‘વિનાશાય ચ દુષ્કૃતામ્‌’ બધો કચરો સાફ કરવા માટે હતા, નહિ કે કોઈને મારવા માટે; બધાનો ઉદ્ધાર કરવા માટે હતા.શ્રીઠાકુરે શ્રીરામ કે શ્રીકૃષ્ણની જેમ હાથમાં કંઈ રાખ્યું નથી! એટલે જ સાધકને જ્યારે મારી જરૂર પડે ત્યારે તરત જ હાથથી હું એને પકડી લઈશ. એને મારી પાસે લઈ લઈશ, મારો બનાવી દઈશ. બધાની વૃત્તિને ઠીકઠાક કરવા શ્રીઠાકુર આવ્યા હતા. કેટકેટલા ડૂબતાને તારવા માટે આવ્યા હશે તેઓ! એમની સિદ્ધિ પણ સહજ! દક્ષિણેશ્વરના ગંગાકાંઠે એક સિદ્ધ પુરુષે ગંગા ઉપર ચાલીને પાર કરી શકે તેવી સિદ્ધિ તેમની પાસે છે એવું શ્રીઠાકુરને કહ્યું. ત્યારે શ્રીઠાકુરે એમને કહ્યું કે અહા! તમે કેવું ગજબ કાર્ય કરો છો! તમે જે કરી શકો છો એ કાર્ય ગંગાના આ કિનારેથી સામે કિનારે જવા માટે પેલો દૂધવાળો માત્ર એકઆનામાં કરે છે! એનો અર્થ થયો કે એની પચ્ચીસ વર્ષની સાધનાની કિંમત એક જ આનો! પગ તો પ્રભુએ ધરતી પર સરખા ડગલા માંડવા માટે આપ્યા છે. આપણી લોકોક્તીમાં કહ્યું છે ‘આવી રૂડી સરોવરની પાળ, બગલા રૂડા બે બેઠા; બગલા કાલ ઊડી જશે આકાશ પણ પગલાં એનાં પડ્યાં રહેશે.’ અહીં રાજકોટમાં  રામકૃષ્ણનાં પગલાં છે, રમણમહર્ષિનાં પગલાં છે. (અહીં રાજકોટમાં શ્રીઠાકુર અને રમણમહર્ષિની અસ્થિઓ છે.) કેટલી બધી સાધના કર્યા પછી એકાંતે સુખેન આસ્યતામ્‌. ભગવાન શ્રીકૃષ્ણ પ્રાચીના પીપળે અંતિમકાળે બેઠા હશે ત્યારે બધું જ ખંખેરીને બેઠા હશે, ભગવાન રામ સરયુમાં વિલીન થવા તૈયાર થયા હશે ત્યારે એમનાં મનહૃદયમાં જેવી અસંગતતા હશે એવી જ છે શ્રીઠાકુરની આ શાંત વિરાજમાન બેઠક.

આપણા સમાજમાં વરકન્યાને પરણતી વખતે રામ-સીતાના, શંકરપાર્વતીના આયુષ્યના આશીર્વાદ અપાય છે. કૃષ્ણરાધાના આશીર્વાદ અપાય છે. મારો ઠાકુર જાય જ નહિ, આત્મા ન મરે તો મહાત્મા કેમ મરી શકે! એવા શ્રીમા સારદાદેવીએ પોતાનું સિંદુર કદી ભૂસ્યું ન હતું. વિશ્વમાતા મા સારદાએ વૈધવ્યને કોઈ દિવસ સ્વીકાર્યું ન હતું. એમને તો અટલ શ્રદ્ધા હતી કે ઠાકુર જઈ શકે જ નહિ. એ જ રીતે સેવા એ જ રીતે પથારી પાથરવી એ જ રીતે ભોજનની તૈયારી કરવી. એવાં પરામ્બા શ્રીમા સારદાદેવી એમનો વામ હિસ્સો છે. અને પેલો એક નવયુવાન નરેન્દ્રનાથ એમનો દક્ષિણ હિસ્સો છે. એ બંનેની વચ્ચે જે વિરાજમાન છે એ છે સાક્ષાત્‌ શ્રીઠાકુર!

આવું અવતરણ આપણી ભૂમિ પર થયું. શ્રીઠાકુરના રૂપમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણનાં ચરણોની ઝાંખી થાય, રામ અને કૃષ્ણનાં કરકમળની ઝાંખી થાય; રામ અને કૃષ્ણના ચહેરાની ઝાંખી થાય, રામ અને કૃષ્ણનાં નેત્રની ઝાંખી થાય એવા મારા હૃદયના શ્રદ્ધાભાવ શ્રીઠાકુરનાં ચરણોમાં સમર્પિત કરીને હું ઘણો આનંદ અનુભવું છું. શ્રીઠાકુર શાંત બેઠા છે, તેઓ કંઈક કહી રહ્યા હોય એવું લાગે છે. તેઓ જાણે કે ભક્તોને કહે છે : તું ગમે ત્યાં હો, ગમે તેનો હો, ગમે તેવો હો, ગમે તેવી સ્થિતિમાં હો, પણ હું તારી રાહમાં બેઠો છું. તું મારી પાસે આવ, હું તારી પ્રતીક્ષા કરું છું. મેં આંખો બંધ કરી નથી દીધી. મેં મારા હોઠ સીવી લીધા નથી. હું હજુ કંઈક દર્શન કરાવવા માગું છું. હું કંઈક કહેવા માગું છું. હે ભાવિકજન તું મારી પાસે આવી જા. મારો બનીને મારી પાસે આવી જા. બાકીનું બીજું બધું હું સંભાળી લઈશ.’ આવું અભયવચન તેઓ આપે છે. આવો કોઈ આર્ત જિજ્ઞાસુ ભક્ત મારી સન્મુખ આવે એમ હું ઇચ્છું છું, એમ તેઓ કહે છે. ખરેખર તો સદ્‌ગુરુઓની સ્થૂળ સમાધિ ન હોય. એમની સાચી સમાધિ તો એમના ઉદાત્ત શિષ્યો જહોય છે. શ્રીરામકૃષ્ણની સાચી સમાધિ સ્વામી વિવેકાનંદ જ બની શકે. અસ્તુ!

(શ્રીરામકૃષ્ણ પુરાણ ભાગ-૨ના વિમોચન વખતે ‘શ્રીરામ,શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ’ વિષય પર શ્રીમોરારિ બાપુએ આપેલ પ્રવચનની સી.ડી. શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તક વેચાણ કેન્દ્ર પર ઉપલબ્ધ છે.)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.