બરષા ગત નિર્મલ રિતુ આઈ ।
સુધિ ન તાત સીતા કૈ પાઈ ।।
એકબાર કૈસે હુઁ સુધિ જાનૌં ।
કાલહુ જીતિ નિમિષ મહેું આનૌં ।।

હે લક્ષ્મણ! વર્ષાઋતુ વીતી અને નિર્મળ શરદૠતુ આવી પહોંચી છતાં સુગ્રીવે સીતાની ભાળ મેળવવા માટે કંઈ કર્યું નથી. એક વાર કોઈ પણ રીતે જો સીતાની ભાળ મળી જાય તો કાળને પણ હરાવીને પળવારમાં સીતાને લઈ આવીશું. હે ભાઈ! ભલે ગમે તે જગ્યાએ હોય પણ જો સીતા જીવતાં હશે તો હું તેમને અવશ્ય લઈ આવીશ.

સુગ્રીવહુઁ સુધિ મોરિ બિસારી ।
પાવા રાજ કોસ પુર નારી ।।

સુગ્રીવે આપણને વચન આપ્યું હતું કે, વાલીના વિનાશ પછી હું સીતાજીની તલાશ માટે બધા પ્રયત્નો કરી છૂટીશ. પરંતુ સુગ્રીવને રાજ્ય, ખજાનો, કિષ્કિંધાનગરી અને પોતાની સ્ત્રી મળી ગઈ એટલે તે આપણને ભૂલી ગયો છે.

મોટા ભાગે બધાની આ જ દશા છે. જ્યારે જીવને સુલભતા મળી જાય છે ત્યારે પ્રભુને ભૂલે છે, પ્રભુના કાર્યને ભૂલી જાય છે. અને ત્યારે પરમાત્મા એ જીવને સુધારવા માટે, ભૂલી ગયેલા માર્ગે ફરી ચડાવવા માટે થોડી વિપત્તિ મોકલે છે.

સુગ્રીવ રાજ્ય અને ભોગમાં ડૂબીને પ્રભુનું કાર્ય ભૂલ્યો ત્યારે પ્રભુએ લક્ષ્મણને કહ્યું,

જેહિં સાયક મારા મૈં બાલી ।
તેહિં સર હતૌં મૂઢ કહં કાલી ।।

હે ભાઈ! જે બાણથી મેં વાલીને માર્યાે તે જ બાણથી આ મૂઢને કાલે મારી નાખીશ. અહીં ઘણા લોકો એ શંકા ઊભી કરે છે કે, ભગવાન રામચંદ્રજી તો એકવચની હતા. તેમણે કહ્યું કે કાલે સુગ્રીવને મારી નાખીશ તો પછી તેને માર્યાે કેમ નહિ? પરંતુ રામાયણમાં સંતોએ આના બહુ વાસ્તવિક ખુલાસા આપ્યા છે.

ભગવાને કહ્યું હતું કે, તેહિં સર હતૌં મૂઢ કહું કાલી. અર્થાત્ જો આજ સાંજ સુધીમાં તે મૂઢ પ્રભુના શરણે ન આવે તો પ્રભુ તેને કાલે મારી નાખશે. હવે તે દિવસની સાંજ સુધીમાં તો સુગ્રીવ પ્રભુના શરણે આવી ગયો હતો. પછી તેને મારવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે?

એક સંત કહે છે, પ્રભુએ અહીં એમ કહ્યું હતું કે ઈસર (તે હિસર નહિ) હતૌ મૂઢ કહઁ કાલી. પ્રભુ કહે છે કે જો તે જ બાણથી સુગ્રીવને મારું તો લોકો મને મૂઢ કહેશે. લોકો કહેશે કે પ્રભુએ જેનો હાથ પકડ્યો તેને જ માર્યાે. સુગ્રીવે થોડી ભૂલ કરી તો પ્રભુએ તેને મારી નાખ્યો. તો તો પ્રભુએ મિત્રદ્રોહ કર્યાે કહેવાય. મૂળ વાત એ છે કે, ભગવાનની જે સત્યપ્રિયતા છે એ કેવળ શબ્દોથી નથી પકડાતી.

એને પામવા માટે તો તેના હાર્દ સુધી પહોંચવું રહ્યું. તો જ સત્યને સમજી શકાય. ભગવાન બોલી ગયા કે, કાલે સુગ્રીવને મારીશ અને પછી માર્યાે કેમ નહિ, આવી ખોટી ખોટી ચર્ચા કરવાથી સત્યને પામી શકાય નહિ.

આપણને એક મોટું ગૂમડું થયું હોય, ઘણા દિવસોથી પરેશાન કરતું હોય અને આપણે એક ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે તે કહે કે, કાલે આનું ઓપરેશન કરીને અંદરથી પસ (પરુ) કાઢી નાખીશું. હવે કુદરતી રીતે જ રાત્રે જો ગૂમડું ફૂટી જાય અને અંદરથી પરુ નીકળી જાય તો પછી બીજા દિવસે ઓપરેશન કરવું કે નહિ? કે પછી ડોક્ટરે કહ્યું હતું કે કાલે ઓપરેશન કરીશું એટલે કાપવું જ પડે?

ધર્મ અને સત્યને ક્યારેય શબ્દોના કારાગૃહમાં પૂરી શકાતાં નથી. ભગવાનના શબ્દો સાંભળીને લક્ષ્મણજી ઊભા થઈ જાય છે. અને કહે છે, પ્રભુ! સુગ્રીવને જો મારવો જ હોય તો કાલે નહિ, આજે જ કામ કરી નાખીએ. આપણને અયોધ્યાવાસીઓને કાલનો અનુભવ બહુ સારો નથી. પિતાજીએ આપનો રાજ્યાભિષેક કરવાનું કાલ ઉપર રાખ્યું એમાં તો મોટો અનર્થ થઈ ગયો. અને રામરાજ્ય ચૌદ વર્ષ પાછળ ઠેલાયું. પ્રભુ! મોટા (વાલી)ને તમે માર્યાે હતો. હવે નાના (સુગ્રીવ)ને મને સોંપો.

લછિમન ક્રોધવંત પ્રભુ જાના ।
ધનુષ ચઢાઈ ગહે કર બાના ।।

ત્યારે લક્ષ્મણજીએ પ્રભુને ક્રોધવંત જાણીને પોતાનું ધનુષ ચડાવી હાથમાં બાણ લીધું. તે સમયે કરુણાનિધાન શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણજીને સમજાવ્યું કે, સુગ્રીવને મારવો નથી. તમે તેને કેવળ ભય બતાવીને અહીં મારી પાસે લઈ આવો.

ભગવાન કેટલા દયાળુ છે! સુગ્રીવ (જીવ) તેમને સદંતર ભૂલી ગયો છે છતાં, પ્રભુ કહે છે તેને મરાય નહિ, તે મારો છે. માટે તેને જરા ભય (વિપત્તિ) બતાવીને સુધારી દે.

આમ ભગવાનનો આદેશ મળતાં લક્ષ્મણજી કિષ્કિંધા તરફ પ્રયાણ કરે છે. ત્યારે ભગવાન વિચારે છે કે, લક્ષ્મણ તો શેષનાગ-કાળનું સ્વરૂપ છે. એનો એક ફૂંફાડો પણ સુગ્રીવ સહન નહિ કરી શકે. અને લક્ષ્મણજીના ભયમાં જ ક્યાંક સુગ્રીવ મૃત્યુ પામે તો મુશ્કેલી ઊભી થાય. એટલે બીજી બાજુથી સુગ્રીવને ચેતવણી આપવા માટે પ્રભુ પોતાની પ્રેરણાને હનુમાનજી પાસે મોકલે છે. અને તેથી કિષ્કિંધા નગરીમાં,

ઈહાઁ પવનસુત હૃદયઁ બિચારા ।
રામકાજ સુગ્રીવ બિસારા ।।
નિકટ જાઈ ચરનીન્હ સિસ નાવા ।
ચારિહુ બિધિ તેહિ કહિ સમુઝાવા ।।

પવનપુત્ર હનુમાનજીના હૃદયમાં પ્રેરણા થઈ કે સુગ્રીવ ભગવાન રામચંદ્રજીનું કાર્ય ભૂલી ગયો છે. તેથી હનુમાનજીએ તુરત જ સુગ્રીવ પાસે જઈ તેને ચારે પ્રકારની નીતિ (સામ, દામ, દંડ અને ભેદ) કહીને સમજાવ્યો.

હનુમાનજીએ સુગ્રીવને કહ્યું કે, તમે શ્રી રામચંદ્રજીને સીતાજીની શોધ માટે વચન આપ્યું હતું તે ભૂલી જવું એ બરાબર નથી. પ્રભુએ જેમ એક જ તીરથી વાલીનો નાશ કર્યાે તેમ, તેમના ભાથામાં ઘણાં તીર પડ્યાં છે. તેમાંથી એકાદ તીર તમને પણ મારી શકે. વળી, તે કેટલા વિશાળ હૃદયના છે કે તમે તેમને કહ્યું કે હું સીતાજીની શોધમાં મદદ કરીશ ત્યાં તેમણે તમારું કાર્ય કરી આપ્યું. તમને કિષ્કિંધાના માલિક બનાવી દીધા. તો જ્યારે તમે સીતાજીની શોધ કરી આપવાનું વચન પૂરું કરશો ત્યારે પ્રભુ તમને શું નહિ આપે? આમ કહીને હનુમાનજીએ એ વિષયી જીવને લાલચ પણ આપી.

સૂર્યના આડે વાદળ આવી જાય તો પવન જ તેને હટાવી શકે, સુગ્રીવની વિવેકબુદ્ધિ આડે વિષયરૂપી પડદો આવી ગયો હતો તે આજે પવનપુત્રએ હટાવી દીધો. ત્યારે,

સુનિ સુગ્રીવ પરમ ભય માના ।
બિષયઁ મોર હરિ લીન્હેઉ ગ્યાના ।।

હનુમાનજીનાં આવાં વચનો સાંભળીને સુગ્રીવ ખૂબ જ ભયભીય થયો. અને કહેવા લાગ્યો કે વિષયોએ મારું જ્ઞાન હરી લીધું હતું. માટે હે પવનકુમાર! હવે તમે જ મને સહાયરૂપ થાઓ. આમ, સુગ્રીવ જ્યાં હનુમાનજી પાસે કબૂલાત કરે છે ત્યાં લક્ષ્મણજી કિષ્કિંધાના પાદરે આવી પહોંચ્યા છે.

કાળઝાળ થઈ લક્ષ્મણજી આવી રહ્યા છે એવા સમાચાર મળતાં જ સુગ્રીવ ધ્રૂજવા લાગે છે. લક્ષ્મણજી એ શેષનાગ (કાળનું) સ્વરૂપ છે. અને એક વાત ચોક્કસ છે, કાળથી વિષયી બહુ ડરે છે. વૈભવમાં ડૂબેલા માણસોને કાળનો બહુ ભય લાગે છે. કાળનો ડર તો સંતો જીરવી શકે. સ્વામી રામતીર્થજી કહે છે ને-

જબસે સુના હૈ જિંદગી મૌતકા નામ હૈ,
તબસે સરપે કફન બાંધકે કાતીલકો ઢૂંઢતા હું.

સંતો કાળથી ક્યારેય ડરતા નથી, જ્યારે સંસારીઓ કાળથી ભાગતા જ ફરે છે. લક્ષ્મણજીને આવતા જાણીને સુગ્રીવ ગભરાઈ ગયો અને તેની પત્નીને, અંગદને અને હનુમાનજીને કહેવા લાગ્યો કે, તમે ત્યાં જઈને કુમારને શાંત કરીને લઈ આવો. મારાથી ત્યાં આવી શકાશે નહિ. મને બહુ ભય લાગે છે.

હનુમાનજી અંગદ તથા તારાને લઈને લક્ષ્મણજીને શાંત પાડવા માટે ગામ બહાર, જ્યાં લક્ષ્મણજી ધનુષબાણ લઈને ઊભા હતા ત્યાં આવે છે. લક્ષ્મણજીને અતિ ક્રોધમાં જોઈને પહેલાં તો હનુમાનજીને પણ ભય લાગે છે કે આમનો ક્રોધ કેમ કરી ઉતારી શકાશે?

લક્ષ્મણજી તો પરમ વૈરાગી છે માટે તેમની પ્રશંસા કરવાથી તેમનો ગુસ્સો શાંત ન થાય. આમ વિચારીને હનુમાનજી રામગુણ ગાવા લાગે છે. રામગુણની કથા સાંભળતાં જ લક્ષ્મણજીનો ક્રોધ શાંત થઈ ગયો. લક્ષ્મણજી હથિયાર હેઠાં નાખીને હનુમાનજીને ભેટી પડે છે. પછી,

કરિ બિનતી મંદિર લૈ આએ ।
ચરન પખારિ પલંગ બૈઠાએ ।।

પછી હનુમાનજી વિનંતી કરીને લક્ષ્મણજીને સુગ્રીવના રાજભવનમાં જ્યાં શયનખંડ છે ત્યાં લઈ આવે છે. હનુમાનજી લક્ષ્મણજીને અહીં સુધી લઈ આવ્યા ત્યારે રસ્તામાં સતત રામગુણ ગાતા હતા તેથી લક્ષ્મણજી જેવા વૈરાગીને સુધ ન રહી કે પોતે સુગ્રીવ જેવા વિષયીના શયનખંડ સુધી આવી ગયા. સુગ્રીવના શયનખંડમાં પહોંચીને હનુમાનજી લક્ષ્મણજીના પગ પખાળીને તેમને પલંગ ઉપર બિરાજિત કરે છે.

સનાતન ધર્મમાં એવો નિયમ છે કે વૈરાગી અને વિરક્ત સાધુને કોઈ ગૃહસ્થે પોતાના શયનખંડમાં ન લઈ જવાય. અહીં આપણા મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવે કે, હનુમાનજી જેવા સ્વામીભક્ત લક્ષ્મણજી જેવા વૈરાગીને એક ભોગીના ભોગભવનમાં લઈ આવે અને તેના પલંગ પર બિરાજિત કરે તે કેટલા અંશે વાજબી ગણાય? રામાયણના સંતો આ પ્રશ્નના સમાધાનમાં એક સુંદર કથા કહે છે તે આપણે જોઈએ.

જ્યારે લક્ષ્મણજીને જ્ઞાન થાય છે કે પોતે એક ભોગીના શયનખંડમાં આવી ગયા છે ત્યારે તે હનુમાનજીને પૂછે છે, ‘હનુમાન! તું મને ક્યાં લઈ આવ્યો? મારાથી આવા વિષયીના ભવનમાં અવાય નહિ. એમાં વળી તું મને આના શયનખંડમાં લઈ આવ્યો? અને હવે તેના પલંગ ઉપર બેસવાનું કહે છે? ત્યારે હનુમાનજી બહુ સુંદર જવાબ આપે છે.’

કહે છે, મહારાજ! આ ગામમાં પલંગ સિવાય બીજું કંઈ છે જ નહિ. આખું ગામ વિષયીઓનું છે. રામનું કાર્ય ચૂકીને બધા સૂઈ જનારા જ આ ગામમાં રહે છે. એટલા માટે આ ગામમાં પલંગ સિવાય બીજું કોઈ આસન હું આપને આપી શકું તેમ નથી.

વળી, હનુમાનજી કહે છે, મહારાજ! જ્યારે ગામમાં પધાર્યા જ છો તો સંકોચ છોડીને પલંગ ઉપર બેસી જાઓ. કેવો વિચિત્ર યોગ ભેગો થયો છે! પલંગ સંસારીનો, બેસનાર વૈરાગી અને બેસવાનો આગ્રહ કરે છે બ્રહ્મચારી !

હનુમાનજી કહે છે, મહારાજ! હું સમજું છું કે તમારાથી આ પલંગ પર ન બેસાય પરંતુ મહારાજ! આપને આ પલંગ ઉપર બેસાડવાનો આગ્રહ એટલા માટે કરું છું કે આપ શેષનાગનો અવતાર છો. કોઈ માણસ જે ઓરડામાં સૂતો હોય તે ઓરડામાં, જો કહે કે, નાગ જેવું કંઈક નીકળ્યું હતું તો પણ તે રાતભર સૂઈ શકતો નથી. ભલું હોય તો તે ઓરડાની બહાર જ નીકળી જાય. એમાં મહારાજ, જો જીવ (સુગ્રીવ) પોતાની આંખે પોતાના પલંગ ઉપર શેષનાગ (લક્ષ્મણજી)ને બેઠેલા એક વખત જોઈ લે તો પછી તેની તાકાત છે કે પલંગ ઉપર સૂઈ શકે? પછી તેની તાકાત છે કે તે રામચંદ્રજીનું કામ ભૂલી શકે? માટે જ હું આપને આ પલંગ ઉપર બિરાજિત થવાની વિનંતી કરું છું.

Total Views: 706

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.