યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ માટે કેળવણી), (૪) એજ્યુકેશન ટુ લીવ ટુગેધર (સામાજિક સહજીવન માટે કેળવણી).

એજ્યુકેશન ટુ નો – જાણવા માટેની ઉત્કૃષ્ટ  કેળવણીની ઘણી સંસ્થાઓ, સંશોધનસંસ્થાઓ, જ્ઞાનપ્રાપ્તિનાં વિશ્વકક્ષાનાં માધ્યમોથી આજે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક મોટી હરણફાળ શિક્ષણે ભરી છે; અને જાણવાના આકાશને આંબવા સુધી પહોંચી ગયા છે. આમ છતાં પણ ખાટલે મોટી ખોટ કે બીજા ત્રણ પાયા અત્યંત નબળા રહી ગયા છે. એટલે જ એજ્યુકેશન ટુ નો એ એજ્યુકેશન ટુ ડુ બનતું નથી. સૈદ્ધાંતિક જ્ઞાનનો ઢગલો છે પણ વ્યવહારુપણું એમાં બહુ ઓછું જોવા મળે છે અને એને જ કારણે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓએ ઘણું ગુમાવવાનું રહે છે. કોરું જ્ઞાન મેળવવાની કેળવણી અને કૌશલ્યો કેળવતી કેળવણી વચ્ચેની ખાઈ પ્રમાણમાં પૂરાતી નથી.

સામાન્ય રીતે શિક્ષક વર્ગખંડમાં કેવી રીતે પોતાનું શિક્ષણ પીરસતો હોય છે? મોટે ભાગે તો તે જ્ઞાનને આપવામાં જ પોતાનો સમય જોતરે છે. એ જ્ઞાનનું પ્રદાન તો કરે છે પણ વિદ્યાર્થીઓ એને ગ્રહણ કરી શકે છે કે નહીં એનો એને કંઈ ખ્યાલ આવતો નથી. એ તો માત્ર જ્ઞાનનો વિતરક બની રહે છે. એ જ્ઞાનને કાર્યમાં પરિણત કરવામાં વિદ્યાર્થી સફળ નીવડે તેવી પ્રેરણા તે આપી શકતો નથી. મોટે ભાગે શિક્ષક જ્ઞાનને જાણે કે ખાલી વાસણમાં દ્રવ્ય રેડવાની પ્રક્રિયા કર્યે રાખે છે, પણ ખરેખર તો એ જ્ઞાનને વિદ્યાર્થી પોતાની મેળે પોતાની ભીતરથી પ્રગટ કરે એવું કાર્ય થતું નથી. આ માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ:

એક વાહનમાં ચાર પૈડાં એકસરખી રીતે ફરતાં રહે છે. આમાંનું એક પૈડું વિદ્યાર્થી હોય, તો શિક્ષકે બીજા પૈડાંનો ભાગ ભજવીને એ ગાડીને દોડાવવાની નથી. એણે તો સ્ટેરિંગ વ્હીલનું કામ કરવાનું છે. પણ કમનસીબે આ દોડાદોડીના જગતમાં માત્ર શિક્ષક જ નહિ પણ પાછળના બે પૈડાં રૂપે માતપિતા પણ હોય છે. પરિણામે આ ત્રણેયના ચાલકબળ સાથે પેલા પૈડાંએ ફરતાં રહેવું પડે છે, દોરાવવું પડે છે. આ ખરેખર ગાડીને ચલાવવાની સાચી રીત નથી. શિક્ષક અને માતપિતા કે વાલીએ નક્કી કરેલી ગતિએ દોડવાની ફરજ પાડવી એ વિદ્યાર્થી માટે યોગ્ય ન કહેવાય. શિક્ષકે તો સ્ટેરિંગ વ્હીલની જેમ વિદ્યાર્થીને એક દિશા આપવાની છે અને એને પોતાની ગતિએ ચાલવા દેવો જોઈએ. 

આ ત્યારે જ સંભવ બને કે જ્યારે આપણે જ્ઞાન માહિતીના ઢગલાં ખડકવા કરતાં વિદ્યાર્થીની ભીતર રહેલી શીખવાની ક્ષમતાને એટલે કે વિદ્યાર્થી સ્વમેળે શીખતો બને એવું કાર્ય કરવું જોઈએ. પાશ્ચાત્ય શિક્ષણવિદ્ વિલ્બર સ્ક્રેમે વધુ ને વધુ ઉપકરણો દ્વારા અપાતી માહિતીના પ્રપાતને ‘હોટ મિડિયા’ કહ્યું છે. વધુ ને વધુ પ્રમાણમાં આ આધુનિક ઉપકરણોનો ઉપયોગ વિદ્યાર્થીની સ્વાભાવિક શીખવાની ક્ષમતાને હાનિ પહોંચાડે છે. ટીવી જેવાં જાહેર પ્રચાર-પ્રસારનાં સાધનોની શોધને ૫૦ થી વધુ વર્ષો થઈ ગયાં છે. મનોરંજન, સમાચાર, રમતગમત કે જાહેરાત જેવાં ક્ષેત્રોમાં એણે ઘણી મોટી હરણફાળ ભરી છે. પણ શિક્ષણના માધ્યમ તરીકે એણે એટલું મોટું પ્રદાન કર્યું નથી. એનું કારણ એ છે કે કેળવણી એટલે માત્ર જ્ઞાન ગુમાનનાં ગાંસડાં-પોટલાં બંધાવવાનું નથી. જો એવું જ હોય તો એનાથી વિદ્યાર્થી મેધાવી બની જવાનો. એટલે જ ટીવી જેવા ‘ઓડિયો વિજ્યુઅલ’ માધ્યમો દ્વારા શિક્ષકોને બદલે કેળવણી આપવાનાં માધ્યમો તરીકે ઉપયોગ કરીને વિદ્યાર્થીને સ્વમેળે શીખતો થાય એવી કેળવણી આપી શક્યા નથી; ભવિષ્યમાં પણ આવું નહિ બને.

કેળવણીમાં આપણે કેવી રીતે શીખવીએ છીએ એના કરતાં આપણે શું શીખવવા માગીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. શું આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે જ્ઞાન મેળવવું એ શિક્ષણ આપીએ છીએ? માત્ર માહિતીનાં તૈયાર કોળિયાં આપવા કરતાં એ પોતે જ એ જ્ઞાનની ખાણની ઉલેચે એ જરૂરી છે. સાથે ને સાથે વિદ્યાર્થી જે શીખે છે તે શા માટે શીખે છે એ વાતથી પણ તેમને વાકેફ કરવા જોઈએ. પોતે જે શીખે છે એનાથી એને પોતાને શો ફાયદો થવાનો છે અને સમાજને શો લાભ મળશે, એ વિશે પણ શિક્ષકે એને સંતોષપ્રદ માર્ગદર્શન આપવાનું છે. હું જે કેળવણી મેળવું છું એનાથી શું મારા જીવનનું પરિવર્તન થશે? એટલે કે તે વધારે ને વધારે બહેતર બનશે? અને એનાથી બીજાના જીવનમાં પણ આમૂલ પરિવર્તન આવશે ખરું? એ પણ વિદ્યાર્થીએ શીખવાનું છે અને શિક્ષકે એ બધું પીરસવાનું છે.

જો આ કરવું હોય તો એજ્યુકેશન ટુ નોને એજ્યુકેશન ટુ ડુ સાથે પૂરેપૂરું સાંકળી લેવું જોઈએ. સાથે ને સાથે એજ્યુકેશન ટુ બી અને એજ્યુકેશન ટુ લિવ ટુગેધર એક મોટરનાં ચાર ચક્ર છે, એમ ચલાવવાનાં છે. એટલે જ જ્ઞાન માટેની કેળવણી એ પરિવર્તનની કેળવણી બની જાય. પરિણામે એ કેળવણી માત્ર જ્ઞાનની કેળવણી બની રહેતી નથી, કોરાં કાર્યકૌશલ્યોને વધારવાની બનતી નથી, પણ એ તો વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર દ્વારા એનો આત્મવિકાસ કરીને એને બીજા સાથે જીવવાની એક ઉત્તમ કળા પણ શીખવે છે. એટલે જ શિક્ષકે માત્ર એક પક્ષીય રીતે શિક્ષણ આપવાનું નથી. 

શિક્ષકે સાથે મળીને શીખવાની કળા શીખવવાની છે – વિદ્યાર્થીઓ એક બીજાને શીખવતા થાય અને કેળવણી મેળવવામાં એક બીજાના પૂરક બને એવું કાર્ય કરવાનું છે. એને લીધે વિદ્યાર્થીઓ સાચા માનવ બનશે અને સૌની સાથે હળીભળીને રહેતાં શીખશે. સૌની સંવેદનાને પણ ઓળખતાં થશે. સૌને આદર આપતાં બનશે. એટલે શિક્ષકે વર્ગખંડમાં સહશિક્ષણની પ્રક્રિયાને વધુ ને વધુ પ્રેરવી જોઈએ. અહીં શિક્ષક તો માત્ર એક સુવિધા પૂરી પાડનારું બળ બની રહે છે. આજની આધુનિક શિક્ષણ પ્રણાલી પ્રમાણે એક શિક્ષક અહીં જણાવેલી ત્રણ બાબતો દ્વારા પોતાની સફળતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકે. 

(૧) કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રાસંગિક માહિતીને ગ્રહણ કરી શક્યા છે? (૨) ગ્રહણ કરેલી માહિતીને સમજીને એનો સૈદ્ધાંતિક ઉપયોગ કરવાની ક્ષમતા કેટલી કેળવી શક્યા છે? (૩) પોતે મેળવેલ ઉપર્યુક્ત માહિતી કે સંકલ્પનાઓને પરીક્ષા વખતે કે જરૂર જણાય ત્યારે લેખિત સ્વરૂપે અને પ્રાયોગિક રીતે કેટલા પ્રમાણમાં પ્રસ્તુત કરી શકે છે?

ઉપર્યુક્ત ત્રણ બાબતો સિવાય આ જ્ઞાન કે માહિતીના બીજા ઉપયોગ માટે આજનો શિક્ષક વધારે ચિંતા કરતો નથી. પણ શિક્ષણનો ઉપયોગ વ્યક્તિના સાર્વત્રિક ઘડતર માટે ચિંતા સેવીને કરતો હોય તો તે શિક્ષકના પોતાના કાર્યની સફળતા અને અસરકારકતાના મૂલ્યાંકન કરવાનાં માપન સાધનો જુદાં જ હોવાનાં. બીજા મુદ્દાઓ ઉપરાંત એ સૌ પ્રથમ આ જોશે: 

(૧) વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધે છે કે નહિ? (૨) વિદ્યાર્થીઓમાં શારીરિક, બૌદ્ધિક વિકાસ સાથે એનું નૈતિક બળ પણ વધ્યું છે કે કેમ? જો એનું નૈતિક બળ ખરેખર વધ્યું હોય તો વિદ્યાર્થીઓમાં ઇચ્છાશક્તિનો વિકાસ પણ થશે અને એને તે સાચી અને યોગ્ય દિશામાં વાપરતો પણ થશે. (૩) વિદ્યાર્થીની ભીતર રહેલી અનંત શક્તિને એ બહાર લાવવામાં એ સફળ થયો છે કે કેમ?

ઉપર જણાવ્યા પ્રમાણેના બે અલગ અલગ આદર્શ સાથે શિક્ષણકાર્ય કરતાં શિક્ષકો જુદી જુદી કેળવણી આપે છે અને એની અસરકારકતા પણ ભિન્ન હોય છે અને એ વિદ્યાર્થીઓ શિક્ષણમાંથી બહાર નીકળીને સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પોતપોતાની રીતે પોતે મેળવેલી કેળવણીના આધારે પોતાનું પ્રદાન કરતા રહે છે.

પહેલા પ્રકારનાં શિક્ષકો પ્રચૂર પ્રમાણમાં આપણને વ્યાવસાયિક અને વ્યાપારિક ધોરણે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળે છે. આવી સંસ્થાઓ, આવા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક માત્ર ધ્યેય છે – વિદ્યાકીય ક્ષેત્રે કેવી રીતે સર્વોત્કૃષ્ટતા મેળવવી! આવી શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યક્તિના સાર્વત્રિક વિકાસ માટે અને સમાજમાં પોતાનું એક પ્રબુદ્ધ નાગરિક રૂપે પ્રદાન આપવામાં કેટલી સફળતા પ્રાપ્ત કરશે એનું કોઈ મૂલ્યાંકન થતું નથી. એટલે જ શિક્ષણનો ધ્યેય કે લક્ષ્ય વિદ્યાર્થીને વિદ્યાકીય ક્ષેત્રમાં પ્રાવીણ્ય કેળવતો કરવાનો છે, સાથે ને સાથે એના પોતાના વ્યક્તિત્વ ઘડતર કરીને સમાજને પણ ઉપયોગી નીવડીને માનવીય ઉન્નતિના ધ્યેયો સિદ્ધ કરીને એણે અત્યંત ક્રિયાશીલતાવાળી માનવીય ક્ષમતાઓ ઊભી કરવી પડે; તો એ શિક્ષણ-સંસ્થા સાચી શિક્ષણ-સંસ્થા ગણાય અને એ શિક્ષણ પૂર્ણતાની કક્ષાનું ગણી શકાય.

આજના શિક્ષણમાં, વિચારસરણીમાં પાયાનું પરિવર્તન

આજની શૈક્ષણિક સંસ્થાઓમાં જો માનવ્યતાના વિકાસના આદર્શને સાથે રાખીને વિદ્યાકીય ક્ષેત્રને વિકસાવવું હોય તો શિક્ષકોએ આટલું કરવાનું રહે છે.

જ્ઞાન કે માહિતીનું આત્મસાતીકરણનો અર્થ માત્ર કોઈ વિદ્યાને સમજીને તેનો સારસંક્ષેપ આપવાની કુશળતા કેળવવી એટલો જ નથી. પણ એની સાથે માનવનું પરિવર્તન કરે તેવા આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ. એને જુદી રીતે મૂકીએ તો વિદ્યાનું આત્મસાતીકરણ એટલે વિદ્યાર્થીઓમાં પોતાની જાતનું સ્વમેળે આત્મપરિવર્તન કરવાની ક્ષમતાને વિકસાવવાનું છે. ભલે એની સામે સાનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ હોય તોયે એણે આત્મપરિવર્તનની ક્ષમતાને વધારે ને વધારે મજબૂત બનાવવી પડશે. એટલે વિદ્યાર્થીએ પોતે મેળવેલ વિદ્યાકીય જ્ઞાન અને એની સાથે મેળવેલ આત્મ પરિવર્તનના નૈતિક મૂલ્યોના જ્ઞાનનો સદુપયોગ કરીને પોતાની અંદર રહેલી અનંત શક્તિઓને ઊભરવા દેવાની છે. જો આજની માત્ર જ્ઞાન અને માહિતી પીરસતી શિક્ષણ સંસ્થાઓ કે શિક્ષણ પ્રણાલીમાં આવા પ્રકારનું પરિવર્તન લાવવા એની પાયાની રૂપરેખામાં ઘણું પરિવર્તન કરવું પડે તેમ છે અને આ પરિવર્તન ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અલગ અલગ રીતે કરવું પડે.

પહેલું પરિવર્તન – શિક્ષકની ભૂમિકામાં જ પરિવર્તન લાવવું પડે અને નવી દિશા લાવવી પડે. જો આવું પરિવર્તન આવે તો શિક્ષક માત્ર જ્ઞાન ગુમાનના ગાસડાં-પોટલાં ઉખેડતી વ્યક્તિ ન બની જાય પણ એ તો બને છે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને જાગ્રત કરવાનું પ્રેરકબળ. આવો શિક્ષક હંમેશાં વિદ્યાર્થીઓમાં વિદ્યાનું આત્મસાતીકરણ કરવાની પ્રક્રિયામાં પોતાની જવાબદારી વિદ્યાર્થીઓના ખભે ધીમે ધીમે નાખવાનો વધારે ને વધારે પ્રયાસ કરતો રહે છે. એટલે કે વિદ્યાર્થીઓના ખભે આ પ્રક્રિયાનો થોડોઘણો બોજો મૂકતો થાય છે અને વિદ્યાર્થીઓનો આપમેળે વિકાસ થાય એવો પ્રયાસ પણ કરતો રહે છે. એટલે આદર્શ વર્ગખંડમાં શિક્ષકનું મુખ્ય કાર્ય તો વિદ્યાર્થીઓ માટે શીખવાનું એક સુયોગ્ય વાતાવરણ રચવાનું છે; એને તૈયાર કોળિયા આપવાનાં નથી. આવા વાતાવરણમાં એને ફક્ત વિદ્યાર્થીઓને પ્રાપ્ય સાધનો અને સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને અને ઓછો સમય ખર્ચીને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો છે. સાથે ને સાથે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ પણ હંમેશાં એના મન સામે સ્પષ્ટ હોવો જોઈએ. એને લીધે એના મનની એકાગ્રતા અને એનાં રસરુચિ પણ જળવાઈ રહે.

વર્ગખંડના સંદર્ભમાં શિક્ષકે જ્ઞાનમાહિતી પૂરાં પાડવાનું કાર્ય કરતાં કરતાં એને ઉન્નત કરવામાં ટેકણ લાકડી બનવાનું છે. શિક્ષક વર્ગમાં શેનું આદાન પ્રદાન કરે છે? આજના શિક્ષણમાં પાઠ્યપુસ્તકમાં રહેલ જ્ઞાન પીરસવામાં જ મંડ્યો રહે છે. ક્યારેક વધારે પ્રાસંગિક અને ગ્રાહ્ય કરી શકાય તેવાં જ્ઞાન અને માહિતીનાં બીજાં સમાંતર ક્ષેત્રો પૂરાં પાડે છે. પણ નવા આદર્શ પ્રમાણે ઇચ્છનીય એ છે કે વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ વધે એટલા માટે શિક્ષક ‘શીખવાના પ્રેરણો’ પૂરાં પાડે છે. એને લીધે વિદ્યાર્થીની વિષય પ્રત્યેની ક્ષમતા વધે છે. આવો અભિગમ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેના, અભ્યાસમાં પૂરેપૂરું મન લગાડવામાં, જ્ઞાન પ્રાપ્તિમાં અને સ્વવિકાસની શૈક્ષણિક પ્રક્રિયા શિક્ષક રચી દે છે. એને લીધે શિક્ષક શિક્ષણ માટે એક પ્રેરકબળ બની રહે છે, અને વિદ્યાર્થી શિક્ષકની પ્રેરણાથી અને પોતાના આત્મબળથી આગળ વધે છે.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.