(ગતાંકથી આગળ)

અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન:

શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ (૩) શિવજ્ઞાને જીવસેવા (૪) માતૃભાવ. વિશ્વની માનવજાત માટે આ યુગમાં જે પ્રયોજન છે તેની એક માત્ર ઠાકુરના ભાવમાં જ પરિપૂર્તિ થઈ શકે. તેથી તેઓ કહેતા: ‘મુસલમાન બાદશાહના અને નવાબોના સિક્કાઓ આજે ચલણીનાણું ન બની શકે.’ દેશવિદેશમાં પહેલાંના અવતારો કરતાં તેમનો ભાવ દાર્શનિકથી માંડીને વૈજ્ઞાનિકને પણ સ્વીકૃત છે. હકીકતે તેમનામાં ધર્મચુસ્તતા અને સંકીર્ણતાનો અભાવ હોવાથી સર્વધર્મના વૈશિષ્ટ્યને સુરક્ષિત રાખીને સહ-અસ્તિત્વમાં કોઈ પ્રકારની અગવડ ન હતી. ઉદારતા અને ગંભીરતા માટે બુદ્ધિશાળી મનુષ્ય પાસે જાતિ, ધર્મ નિરપેક્ષ ઉદારભાવ ગ્રહણ યોગ્ય હોય છે. સર્વધર્મ પ્રતિ તેમની સમબુદ્ધિ અને સર્વધર્મો સત્ય છે, એમ જાણીને સ્વીકારે છે. સ્વામીજી કહે છે: ‘In all Religions we travel from a lesser to a higher truths, never from error to truth’ અર્થાત્ આપણે બધા ધર્મના અવલંબી, મિથ્યાથી સત્ય તરફ પ્રયાણ કરતા નથી, પરંતુ નિમ્નતર સત્યથી ઉચ્ચતર સત્ય તરફ આગળ ધપીએ છીએ. આ પરથી પ્રમાણિત થાય છે કે ચિરંતન નિત્ય સત્ય જ સર્વધર્મનો સાર છે.

ઉપનિષદ્ કહે છે: ‘સત્યમ્ જ્ઞાનમ્ અનંતમ્ બ્રહ્મ’ અર્થાત્ સત્ય સ્વરૂપ અનંતજ્ઞાન જ બ્રહ્મ. તેથી પ્રશ્ન થઈ શકે કે સર્વ ધર્મ જો સત્ય હોય તો શ્રીરામકૃષ્ણનો ભાવ શા માટે ગ્રહણ કરે? ઉત્તર આપતા કહી શકાય કે તેમને ગ્રહણ કરવાનો અર્થ એટલો કે બધા જ પોતપોતાના ધર્મનું આચરણ કરે પરંતુ ધર્મઝનૂનતા છોડીને ઉદાર અને સમબુદ્ધિ સંપન્ન થઈને અન્યાન્ય ધર્મને ઉતરતો ન માને અને પોતાના ધર્મની માફક શ્રદ્ધા રાખે, એને પોતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. આમ, રામકૃષ્ણના ધર્મની ઉદારતા અને ગંભીરતા સીમાહીન છે. તેમનો આદર્શ વર્તમાનયુગનું પ્રયોજન છે. સર્વદેશમાં, સર્વ રાષ્ટ્રમાં વ્યષ્ટિ અને સમષ્ટિના જીવનમાં પોતપોતાના ધર્માચરણની સ્વાધીનતા હોવા છતાં રામકૃષ્ણ ભાવનાનું આ એક ઉજ્જ્વળ પાસું છે.

બીજું – ‘જેટલા મત તેટલા પથ’ 

બધા ધર્મોની ધર્માન્ધતા, પુરોહિતો દ્વારા શોષણ, તર્કહીન દાર્શનિક તત્ત્વ, અલૌકિકતા વગેરે દ્વારા મનુષ્યની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને ધર્મ ધર્મ વચ્ચે દ્વન્દ્વ અને દ્વૈષ કરીને સમાજને વિષમય બનાવીને, ધર્મ ધર્મ વચ્ચે લડાઈ વગેરે અનેક પ્રકારની વિષમતાનું સર્જન કરવું કોઈ ધર્મ અથવા ધાર્મિક લોકોનું કામ નથી. તેથી તેમણે બધા ધર્મની સાધના કર્યા બાદ કહ્યું હતું: ‘જેટલા મત તેટલા પથ’. અર્થાત્ બધા ધર્મોના સમાન અધિકાર – ધનનો લોભ દેખાડીને અજ્ઞાનતા અને દરિદ્રતાનો લાભ લઈને ધર્માંતરણ કરવું, એ કોઈ ઈશ્વર પ્રેરિત પુરુષની વાણી હોઈ શકે નહિ. કેમ કે ઈશ્વરાનુભૂતિ બધા મનુષ્યની એક સરખી જ અનુભૂતિ હોય છે. ઠાકુર જેમ કહેતા જળનું નામ પાણી, એક્વા, વોટર, જે કંઈ હોય, જળનો સ્વાદ એક જ. તેથી સર્વધર્મની અનુભૂતિ જો એક જ હોય તો ધર્મ ધર્મ વચ્ચે સંઘર્ષને કોઈ સ્થાન જ રહેતું નથી. મત-પથ જે કંઈ હોય, અનુભૂતિ એક છે અને એ જ બધા ધર્મની અંતિમવાણી છે.

તૃતીય – શિવજ્ઞાને જીવસેવા

પ્રત્યેક જીવ એક કોષી જીવથી માંડીને મનુષ્ય પર્યંત બધા જ શિવ – અર્થાત્ આનંદ સ્વરૂપ. તેથી નિ:સ્વાર્થ ભાવે તેમની સેવા કરવી. ઈશ્વર, અલ્લાહ, ગોડ વગેરે જે નામ અપાયું હોય તે જ શિવ સ્વરૂપ સચ્ચિદાનંદની જ સેવા કહેવાય. હજુય ટ્રેનમાં કે બસમાં ગમે તે ધર્મના વૃદ્ધ-વૃદ્ધાઓ અને અંધ વગેરે મનુષ્યને દશ પૈસા આપીને બે હાથ કપાળમાં ઉઠાવીને પ્રણામ કરતા જોવા મળે છે. કારણ કે તેમનો ભાવ ભિખારીને પૈસા આપવાનો નથી. શક્તિ પ્રમાણે ભગવાનની પૂજા જ કરે છે. આ યુગમાં આ પ્રકારનો સેવાભાવ આખાય વિશ્વમાં મનુષ્યને શ્રીરામકૃષ્ણે શીખડાવ્યો છે. તેથી વિશ્વના દેશો સમાનતાલથી ચાલી શકે અને મોટા મોટા દેશો પોતાના મનુષ્યત્વનો પરિચય આપીને આખાય વિશ્વમાં સન્માન પ્રાપ્ત કરીને બે મુઠ્ઠી ઊંચા ઊભા રહી શકે.

ચોથો – માતૃભાવ

ઠાકુર કહેતા, આ વખતે માતૃભાવ. આ જગતમાં માતૃશક્તિ જ ઈશ્વરીય શક્તિનો સર્વશ્રેષ્ઠ પ્રકાશ છે. સહનશીલતા, ક્ષમાશીલતા, મમતામયી વગેરે ઈશ્વરના સાત્ત્વિક ગુણો જે પ્રકારે માતાઓમાં સંતાનના ઉછેર માટે પ્રગટ થાય છે, તે અન્ય નરનારીઓમાં અત્યંત દુર્લભ – માતૃભાવ, હિંસક પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આજે જો સમસ્ત પૃથ્વીના દેશ-વિદેશના નેતાઓ માતૃભાવ દ્વારા ભાવિત થાય તો અશુભ શક્તિનો નાશ થતા વધારે સમય લાગશે નહિ. રામકૃષ્ણ અવતારમાં સૌથી વધારે શક્તિનો પ્રકાશ આ માતૃશક્તિ દ્વારા થયો છે. તેથી જ તેમણે એક સ્ત્રીને ગુરુ કર્યાં, સ્ત્રીની માતૃભાવે પૂજા કરી અને સર્વ નરનારીમાં માતૃભાવનાં દર્શન કર્યાં. બીજા કોઈ અવતારના વાસ્તવિક જીવનમાં આટલી સુંદર રીતે માતૃભાવ પ્રકટ થયો નથી. યુગ પ્રયોજન માટે જ તેમના જીવનમાં માતૃભાવનો પૂર્ણ વિકાસ થયો હતો. સમસ્ત વિરોધી ભાવની સાથે એકમાત્ર માતૃભાવ જ સંભવે. તેથી સ્વામીજી ઇચ્છતા હતા કે રામકૃષ્ણને કેન્દ્રમાં રાખીને એક નવા સમાજનું ઘડતર કરવું અને તે એકમાત્ર માતૃભાવ દ્વારા જ સંભવે. ઉક્ત ભાવો દ્વારા આ યુગના સાધકો સિદ્ધિ લાભનો માર્ગ શોધી શકશે.

કઈ રીતે અનુધ્યાન કરીશું?

ઠાકુર ઘણા ઉપદેશ કહેતા. તેમાંનો એક – ‘અદ્વૈત જ્ઞાન છેડે બાંધીને જે ઇચ્છા હોય તે કરો.’ જ્ઞાન સ્વરૂપત: અદ્વૈત. જે જ્ઞાન ઇન્દ્રિય ગ્રાહ્ય જ્ઞાન તે જ દ્વૈત જ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાન જ અદ્વૈત જ્ઞાન. તેથી ઉપનિષદ કહે છે: ‘ન મેધયા ન બહુના શ્રુતેન’ – અર્થાત્ આ અદ્વૈત જ્ઞાન બહુ સાંભળવાથી કે મેધા દ્વારા પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાનના બે પ્રકાર – પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન. શાસ્ત્રોમાંથી મળતું જ્ઞાન પરોક્ષ જ્ઞાન અને ઉપલબ્ધિ દ્વારા મળતું જ્ઞાન અર્થાત્ અવાઙ્મનસગોચરમ્- અપરોક્ષ જ્ઞાન. હવે આ જ્ઞાનપ્રાપ્તિનું સાધન શું છે? ઠાકુર કહેતા જીવ ચાર પ્રકારના છે. જેવા કે બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. જેમને કર્તવ્ય બોધ છે તેઓ બદ્ધજીવ. બદ્ધ જીવ બે પ્રકારના સકામ અને નિષ્કામ કર્મ કરનાર. જે જીવ આસક્તિ વશ થઈને કર્તવ્ય કરે તે સકામ સાધક એટલે કે ઘર, સ્ત્રી, પુત્ર, આત્મીય સ્વજન બધા પોતાના એમ માને તે બધા જ સકામ સાધક અને જેઓ સ્થાવર, અસ્થાવર, સંપત્તિ, સ્ત્રીપુત્રાદિ ઈશ્વર છે એમ માને, કેવળ માત્ર ઠાકુરના ઉપદેશ પ્રમાણે દાસીની માફક કર્તવ્ય પાલન કરે તેઓ નિષ્કામ સાધક અને જેઓને કોઈ કર્તવ્ય નથી. નૂતન કર્મમાં સાધક પોતાને કર્તવ્યરત કરે નહિ, એકમાત્ર કર્તવ્ય, ઈશ્વરપ્રાપ્તિ માટે સાધનભજન કરે, તેઓ મુમુક્ષુ જીવ કહેવાય. ગુરુસેવા, તીર્થવાસ, મુક્તિ ગ્રંથ પાઠ, ભગવાનની પૂજા-અર્ચના માટે બ્રહ્મચારી રહીને જ્ઞાન-ભક્તિ માટે પ્રયત્ન કરે તેઓ મુમુક્ષુ જીવ. તેમાંના કોઈક મુક્ત થઈ જાય. તેઓ મુક્ત જીવ. જેઓ નિત્ય જીવ, જેઓ સ્વસ્વરૂપ જ્ઞાન લઈને જન્મ ગ્રહણ કરે તે માટે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે:

‘જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ્ યો વેત્તિ તત્ત્વત:। ત્યક્તા દેહમ્ પૂનર્જન્મ નૈતિ મામેતિ સોહર્જ્જુન॥’

નિત્ય જીવનું કર્મ અને જન્મ દિવ્યભાવથી ભાવિત. તેથી નિત્યજીવ અથવા ઈશ્વર કોટિ અવતારાદિ અદ્વૈત જ્ઞાન છેડે બાંધીને આવે. તેઓનું સાધન કેવળ માત્ર લોકશિક્ષણ માટે, પરંતુ બદ્ધ અને મુમુક્ષુ જીવોને સાધના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. 

સાંપ્રદાયિક સાધનપદ્ઘતિ છોડી દઈએ તો પણ બધા માટે ઓછામાં ઓછું ઠાકુર કહેતા: ‘નિર્જનવાસ, પ્રાર્થના, સાધુસંગ અને સત્-અસત્ વિચાર. આ ચાર ઉપાયનું અવલંબન કરવું. આ ચાર સાધનનું ફળ એક નથી. નિર્જનવાસ દ્વારા સાધક પૂર્વના શુભ અશુભ સંસ્કાર જાણી શકે અને નવા કર્મમાં પોતાને વ્યસ્ત ન કરે. 

પ્રાર્થના દ્વારા અશુભ સંસ્કાર નાશ થાય અને શુભ સંસ્કાર જન્મે. સાધુસંગ દ્વારા સાધક સાચા પથની અગ્ર ગતિ સમજી શકે. સદા સત્વિચાર દ્વારા જગત અનિત્ય અને ઈશ્વર સત્ય એવું જ્ઞાન થાય. અર્થાત્ ઈશ્વરનું સગુણ, નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન થાય. તેથી સ્વામીજી ઠાકુર વિશે કહે છે: ‘નિર્ગુણ ગુણમય.’ સત્-અસત્ વિચારના વિષયની થોડી વિસ્તૃત ચર્ચા કરીએ તો જોવા મળશે કે જીવના અંત:કરણને શાસ્ત્રકારોએ ચાર ભાગમાં વહેંચ્યા છે – જેમ કે અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ. અંત:કરણ એટલે અંતર-ઈંદ્રિય. આ અંતરિન્દ્રય રૂપ જીવના હૃદયમાં જે બુદ્ધિ જે વિચાર ઉદ્ભવે તે બધા વિચારોને પરિવર્તનાદિ માટે અહંકારાદિ નામકરણ થયું છે. અર્થાત્ અહંકારને લીધે હું અને મારુંનું જ્ઞાન થાય – ચિત્તની ઇચ્છા રૂપ વૃત્તિ, મનના સંકલ્પ કે વિકલ્પની વૃત્તિ અને નિશ્ચયાત્મક બુદ્ધિ થાય. 

હું પણાનો અહંકાર છે તેથી તો ઇચ્છા થાય. ઇચ્છા જાગે એટલે મન તે વસ્તુ મેળવવાની ઇચ્છા સેવે અને વિવેકના અભાવથી બુદ્ધિ સારા-નરસાનો વિચાર કર્યા વગર તે વસ્તુ મેળવવા નિશ્ચય કરે. આ રીતે જીવાત્મા સંસારના બંધનમાં ગુંચવાય જાય. આ અહંકારને ઠાકુર ‘કાચો અહં’ કહેતા અને જે હુંપણું શરીર મનબુદ્ધિથી પોતાને અલગ કરીને વિવેકપૂર્વક નિષ્કામ ભાવે પોતાનું કર્તવ્ય સાધન કરે, સંસાર અનિત્ય માનીને ભગવાનનું ધ્યાન કરે તે ‘હું’ને ઠાકુર કહેતા ‘પાકો અહં’. 

આ રીતે સત્ અસત્ વિચાર દ્વારા સાધક આત્માના સ્વરૂપનું પરોક્ષજ્ઞાન લાભ કરે છે. ત્યાર બાદ કોઈક ભાગ્યવાન સાધક જો પૂર્ણ વૈરાગ્યવાન થઈને દેહબોધ રહિત થઈ શકે તો જ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરીને અપરોક્ષ અનુભૂતિનો અધિકારી થઈ શકશે.

તેથી સ્વામીજી કહે છે: ‘ચોર જો જાણે કે કોઈ એક ઓરડામાં સોનાનો ઢગલો છે. જ્યાં સુધી તેના હાથમાં ન આવે ત્યાં સુધી આખી રાત ઊંઘી ન શકે. તેથી સાધક શ્રીરામકૃષ્ણના અનુધ્યાન દ્વારા નિજ હૃદયમાં શ્રી ભગવાનના શુદ્ધ સત્ત્વ વિગ્રહનાં દર્શન પામશે. ત્યારબાદ તેની સાધનામાં ગંભીરતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા વેદના મહાવાક્યની શોધ કરીને સચ્ચિદાનંદઘન શ્રીરામકૃષ્ણના નિર્ગુણ નિરાકાર રૂપનાં દર્શનમાં અપરોક્ષ અનુભૂતિ દ્વારા પરમાનંદના અધિકારીપદને અદ્વૈતજ્ઞાન છેડે બાંધીને જીવન સાર્થક કરશે જે મનુષ્યજીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે.

ઉપસંહારમાં શ્રીરામકૃષ્ણના અનુધ્યાનના ફળથી સંસ્કાર, ભય, અર્થ અને માનયશ વગેરે કોઈ પણના બદલામાં માણસની બુદ્ધિવૃત્તિ અને ચૈતન્ય શક્તિના વિકાસની ગતિને અવરોધી શકે નહિ,આ અનુધ્યાનના ફળની શક્તિ અમોઘ છે.

એવી કોઈ બીજી શક્તિ નથી. જે રીતે માણસની ચૈતન્ય શક્તિના વિકાસની સાથોસાથ જ્ઞાત – અજ્ઞાત રીતે રામકૃષ્ણ ભાવનાનો સર્વત્ર પ્રચાર અને પ્રસાર થયો છે તેમાં કોઈ શંકા નથી. જે ભાવિ વિશ્વવાસી કે જે વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રજીવન પણ શ્રીરામકૃષ્ણનું અનુધ્યાન કરશે તે આનંદ પામશે અને ભવિષ્યના વિશ્વમાનવ સમાજની પાસે ઉજ્જ્વળ અને ગૌરવપૂર્ણ બની રહેશે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.