(મૂળ બંગાળીમાં પ્રકાશિત આ લેખનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

અનંતભાવ સ્વરૂપ ભગવાન શ્રીરામકૃષ્ણનું અનુધ્યાન આખાય જીવનપર્યંત કરે તો પણ ભક્ત-સાધક પૂર્ણ રૂપે સમજી ન શકે. એટલે જ સ્વામીજી પણ શ્રીરામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવાની હિંમત કરી શક્યા નહિ. તેમને લાગ્યું: ‘શિવની મૂર્તિ ઘડવા જતાં ક્યાંક વાનર બની જાય.’ છતાંય ભક્ત બિલ્વમંગલની ઉક્તિ યાદ આવે છે:

યત્ર કવાપિ નિષદ્ય યાદવ કુલોત્તંસસ્ય કંસદ્વિષ:।
સ્મારં સ્મારમઘં હરામિ તદલંમન્યે કિ મન્યેનમે ॥

અર્થાત્ ગમે ત્યાં હોય કંસ યદુકુળ ભૂષણ શ્રીકૃષ્ણનું સ્મરણ કરતો રહે છે, તેથી તેના પાપનો નાશ થાય છે. આ રીતે ઉત્તમ ભક્તના અનુધ્યાનની પદ્ધતિની વાત છોડી દઈએ તો પણ આ દિવ્યલીલાના લેખનના માધ્યમથી તેમનું ચિંતન થશે અને તે દ્વારા કરેલાં કર્મોને શુદ્ધ કરવા માટેનો આ એક પ્રકારનો ઉપાય કહી શકાય. શ્રીરામકૃષ્ણદેવનો જન્મ, શૈશવ, કિશોરાવસ્થા અને સાધના તથા તેમની અવતાર લીલા વિ. ચિંતનના વિષયો છે. આ વિષયની બૃહદ્ વિશાળતા વિશે વિચારીએ કે રામકૃષ્ણ કોણ હતા? અનુધ્યાન શું? અનુધ્યાનનું કારણ અને કઈ રીતે અનુધ્યાન કરી શકાય? આ બધા પ્રશ્નોની સંક્ષિપ્ત આલોચના આ લેખનો ઉદ્દેશ્ય છે.

શ્રીરામકૃષ્ણ કોણ?

શ્રીરામકૃષ્ણદેવ વિશે પોતાની ઉક્તિ: ‘જે રામ, જે કૃષ્ણ (પોતાનું શરીર દેખાડીને) અત્યારે આ શરીરમાં આવ્યા છે.’ વળી સ્વામીજી કહે છે: ‘અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમ:.’ રવીન્દ્રનાથ ટાગોર કહે છે:

‘બહુ સાધક તણો બહુ સાધનાની ધારા
ધ્યાને તમારામાં મળે છે સર્વે
જીવનના અસીમ લીલાપથ મહીં
નૂતન તીર્થ રૂપ ધરીને આ જગતમાં
દેશ-વિદેશના પ્રણામ લાવ્યા તાણી
ત્યાં મારા પ્રણામ અર્પું છું…’

સમસ્ત વિશ્વના મનીષીઓ તેમને જે જે ભાવે સમજે છે, તે ભાવ પ્રમાણે લખે છે. પરંતુ એક વાત સ્પષ્ટપણે કહી શકાય કે શ્રીરામકૃષ્ણ આ યુગના પરમ વિસ્મયકારી પુરુષ છે અને વિશ્વના સમગ્ર માનવસમાજની તમામ જિજ્ઞાસાઓનો જવાબ તેમના જીવન અને વાણીમાંથી મળે છે. આજે વિશ્વ રામકૃષ્ણના ભાવમાં તણાઈ રહ્યું છે. તેમના વિશે જાણવા માટે જગતવાસી ઉત્સુક છે; કારણ કે રામકૃષ્ણમાં એક તરફ ભગવત્ સત્તા વિકસીત થઈ હતી તો બીજી તરફ આદર્શ મનુષ્યનું વ્યક્તિત્વ – બ્રહ્મતેજ અને ક્ષાત્રવીર્યનો સમન્વય શક્તિ પ્રકાશિત થઈ હતી. ભગવત્ સત્તા વિશે વિષ્ણુ પુરાણ કહે છે:

‘ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ: શ્રિય: ।
જ્ઞાનવૈરાગ્યયોશ્ચૈવ ષણ્ણામ્ ભગ ઇતીંગણા ॥

અર્થાત્ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ છ સંપત્તિઓ પૂર્ણ ભાવે જેનામાં હોય તે ભગવાન. શ્રીરામકૃષ્ણદેવમાં આ બધી સંપદા પૂર્ણપણે હતી. આ ષડ્શક્તિનું પ્રમાણ તેમનામાં મળે છે.

* ઐશ્વર્ય: ઠાકુર કહેતા કે આ વખતે સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને તેઓ આવ્યા છે. જાણે ગુપ્તવેશે રાજા. વિવેક, વૈરાગ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા વગેરે સત્ત્વગુણનું ઐશ્વર્ય છે. ઉક્ત ગુણો શૈશવથી જ તેમનામાં પ્રકાશિત થતા જોવા મળે છે. બીજું, ઐશ્વર્ય કહેતાં યોગ શક્તિ – અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ પણ સમજાય. આ બધી સિદ્ધિઓના અધિકારી હોવા છતાં તેઓ તેનો અયોગ્ય પ્રયોગ કરતા નથી. પરંતુ ભક્તોના મંગળ માટે ક્યારેક ક્યારેક કરે છે. જેમ કે મથુરબાબુને શિવકાલી રૂપે દર્શન આપવા, સાધક ગિરિજાની સિદ્ધિ હરી લેવી, સ્વામીજીને અષ્ટ સિદ્ધિ આપવાનો પ્રસ્તાવ, ગૌરી પંડિતની વાક્ શક્તિ હરી લેવી, વગેરે અનેક પ્રકારની સિદ્ધિઓ તેમના જીવનમાં જોવા મળે છે. આ પરથી સમજી શકાય કે રામકૃષ્ણદેવમાં પૂર્ણ ઐશ્વર્ય હતું.

* વીર્ય: તીવ્ર સાધનાના ફળે રામકૃષ્ણનું શરીર કૃશ હતું છતાંય મનની તેજોશક્તિ પ્રબળ હતી. પૃથ્વી પર તેઓ અનન્ય વ્યક્તિ હતા. કારણ કે તેમનામાં સર્વ નારી પ્રત્યે માતૃભાવ હતો. કોઈ પણ નારીને તેઓ નારી રૂપે જોઈ શકતા નહિ. એટલે સુધી કે તેમણે પોતાની પત્નીની માતૃરૂપે પૂજા કરી હતી. છ માસથી વધારે સમય સુધી પત્ની સાથે સહશયન કરવા છતાં સ્ત્રી માનીને સ્પર્શ કરી શક્યા નહીં. આખી રાત ભાવસમાધિમાં પસાર કરતા. કેમ કે નારી માત્ર તેમની પાસે જગદંબાના અંશ સ્વરૂપ! શ્રી શ્રીમા સારદાદેવીએ શ્રીરામકૃષ્ણની પદસેવા કરતાં કરતાં પ્રશ્ન કર્યો: ‘તમે મને કઈ દૃષ્ટિએ જુઓ છો?’ તુરત શ્રીરામકૃષ્ણ ઉત્તર આપે છે: ‘મંદિરમાં જે ભવતારિણી મા, નોબતમાં જે ગર્ભધારિણી મા, તે જ મા મારી પદ સેવા કરે છે.’ આટલા મોટા તેજસ્વી અને વીર્યવાન પુરુષની કલ્પના કરવી શું સરળ છે? તેઓ એક પૂર્ણ વીર્યવાનના મૂર્ત વિગ્રહ સ્વરૂપ હતા!

* યશ: શ્રીરામકૃષ્ણના જન્મથી જ તેમની યશગાથા પડોશીઓના મુખે સાંભળવા મળતી. બધા કહેતા કે ચંદ્રામણિના ગર્ભમાં એક દિવ્ય શિશુનો આવિર્ભાવ થયો છે. બાલ્યરૂપમાં જ ચિનુશાંખારીએ ઠાકુરને અવતાર તરીકે ઓળખ્યા હતા. કિશોરાવસ્થામાં જ્યારે પંડિતો શાસ્ત્રમીમાંસા કરી શક્યા નહિ ત્યારે ગદાધર (શ્રીરામકૃષ્ણનું બાળપણનું નામ) પાસેથી પ્રતિવાદરહિત તર્ક સાંભળીને સૌ સો મુખે પ્રશંસા કરવા લાગ્યા. પછીથી વિશ્વવિખ્યાત બ્રાહ્મસમાજના આચાર્ય કેશવબાબુએ શ્રીરામકૃષ્ણ વિશે એક સામયિકમાં પ્રચાર કર્યો. અને તેમનો યશ સારા વિશ્વમાં પ્રસારિત થઈ ગયો. એ સમયના જ્ઞાનીઓ, ગુણવાન, સાહિત્યકાર, કવિ અને વિદ્વાનસમાજમાં બધા જ સ્તરના મનુષ્ય પાસે શ્રીરામકૃષ્ણ એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા પુરુષ હતા. દક્ષિણેશ્વરના કાલીમંદિરના પૂજારી બ્રાહ્મણ – કોઈ કોઈ પાસે અવતાર અથવા સિદ્ધ પુરુષ હતા. વળી કોઈ તેને પાગલ બ્રાહ્મણ કહેતા તો વળી ભક્ત સાધક પાસે મજાના માણસ હતા. જે કોઈ તેમની પાસે આવતા તે પોતપોતાનાં પાત્ર ભરીને લઈ જતા. એવું તેમનું આકર્ષણ હતું. કથામૃતકાર શ્રીમ લખે છે: ક્યારે તેમની પાસે જઈશ, એકમાત્ર આ જ વિચાર રહેતો. આ રીતનું વ્યક્તિત્વ પૂર્ણ યશના અધિકારી સિવાય અન્યમાં શું સંભવે?

શ્રી: શ્રી એટલે લક્ષ્મી અથવા સર્વ સંપત્તિ. શ્રીરામકૃષ્ણદેવે પોતાના ભાણેજ હૃદયમુખર્જીને કહ્યું હતું: ‘અરે, ઓ હૃદુ જો હું આ બધું સત્ય છે તેમ સમજતો હોત તો કામારપુકુર ગામને સોનાથી મઢી દેત.’ સંન્યાસીના આદર્શ પ્રમાણે તેઓ ધાતુ સ્પર્શ કરી શકતા નહિ. મથુરબાબુ ઠાકુરના નામે સંપત્તિ લખી દેવા ઇચ્છતા હતા ત્યારે તેઓ તેને મારવા દોડ્યા હતા. તે સમયમાં લક્ષ્મીનારાયણ મારવાડી તેમને દશ હજાર રૂપિયા દેવા ઇચ્છતા હતા પરંતુ તેઓ સ્વીકાર કરી શક્યા નહિ. એક વખત દક્ષિણેશ્વરના મંદિરમાં દેવમૂર્તિનાં ઘરેણાંની ચોરી થઈ ગઈ ત્યારે મથુરબાબુએ કહ્યું હતું: ‘શું ભગવાન તેમનાં ઘરેણાંની રક્ષા કરી શક્યા નહિ?’ ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું: ‘મથુર, તમારી પાસે આ ઘરેણાંની કીમત છે. જેમના ઐશ્વર્યથી આ જગત ચાલે છે તેને શું સામાન્ય ઘરેણાં આપીને ભુલાવવા ઇચ્છો છો? આ તે તમારી કેવી હીનબુદ્ધિ!’ તેમ છતાંય સંકલ્પ માત્રથી ઇચ્છા કરતાં જ કોઈ પણ વસ્તુ અથવા સંપત્તિના અધિકારી થવું તે તેમના માટે અતિ સ્વાભાવિક હતું. શ્રી શ્રીમા કહેતાં: ‘આ વખતે ઠાકુર ત્યાગ શિખવવા આવ્યા છે.’ આ ત્યાગ જ તેમની પૂર્ણ શ્રી છે. એક પ્રસંગ યાદ આવે છે. એક વખત પાર્વતીના મનમાં લક્ષ્મીનાં આભૂષણો જોઈને તેમને ખૂબ દુ:ખ થયું અને પતિ શિવથી રિસાઈને બેઠાં. તે જોઈને ભગવાન શિવ બોલ્યા: ‘લક્ષ્મીનાં ઘરેણાં જોઈને તમને આટલું બધું દુ:ખ થાય છે? જાઓ, મારા ધૂણાની ચપટી ભસ્મ લઈને કુબેરના ભંડારમાં જેટલી ધનસંપત્તિ છે તેને ત્રાજવામાં તોલીને જોઈ આવો.’ એક પલ્લામાં ભસ્મ અને બીજી બાજુ કુબેરની સમગ્ર ધનસંપત્તિ મૂકી તો પણ ભસ્મવાળું પલ્લું જમીન પર નીચું જ રહ્યું. આ જોઈને પાર્વતીના મનનું દુ:ખ દૂર થયું અને સમજી ગયાં કે ત્યાગ જ બધા કરતાં શ્રેષ્ઠ ધન છે. આમ શ્રીરામકૃષ્ણના પૂર્ણ શ્રી માટે હવે કોઈ શંકાને સ્થાન જ ક્યાં રહ્યું?

જ્ઞાન: શ્રીરામકૃષ્ણના જ્ઞાનની વાત લખતાં યાદ આવે છે, તેઓ કહેતા: ‘મા ઢગલાબંધ જ્ઞાનરાશિ ઠાલવે છે.’ એક વખત ઠાકુર બોલ્યા હતા: ‘બ્રહ્મ ઉચ્છિષ્ટ થયું નથી.’ આ વાત સાંભળીને ત્યારના યુગના વિદ્યાના સાગર – ઈશ્વરચંદ્ર બોલ્યા હતા: ‘આજે એક નવીન વાણી સાંભળી.’ જેઓ વિદ્યાસાગર તે પણ તેમના જ્ઞાનની સીમા બાંધી શકતા નથી. બંકિમબાબુના મતે ‘દેવી ચૌધરાણી’ ઉપન્યાસનો પાઠ ચાલે છે. નિષ્કામ કર્મના વિષયે ‘દુકાનદારી જોઈએ’ એ વાત સાંભળીને ઠાકુર બોલ્યા: ‘જ્યાં જેવું ત્યાં તેવી જ વાત નીકળે – ‘દુકાનદારી’ની વાત ન કહેતાં, તેને જ સારી રીતે કહી શકે, પોતાને અકર્તા જાણી કર્તાની જેમ કામ કરવું.’ આ રીતે માઈકલ મધુસૂદન દત્ત વગેરે મોટા મોટા વિખ્યાત વિદ્વાનો સામે એવી આલોચના કરીને મંતવ્ય આપતા કે બધાને માનવું જ પડે. નિર્વિકલ્પ સમાધિમાં પૂર્ણ જ્ઞાન પામીને શ્રીરામકૃષ્ણદેવ છ માસ તે જ અવસ્થામાં હતા. આમ, તેઓ પૂર્ણ જ્ઞાની હતા એ બાબતમાં કોઈ શંકા હોઈ શકે? તેથી તેમની છેલ્લી વાત – ‘અદ્વૈત જ્ઞાન છેડે બાંધીને ઇચ્છા હોય તેમ કરો.’

વૈરાગ્ય: એક ભક્ત નરેનના (સ્વામીજીના) વૈરાગ્યની પ્રશંસા કરતા હતા ત્યારે ઠાકુર બોલ્યા હતા – આ જે જુઓ છો, અહીંની સરખામણીમાં માત્ર બે આના. આ વાતનો વિચાર કરતાં મનમાં થાય, ઠાકુરનો સોળ આના વૈરાગ્ય કેટલો ગંભીર હશે! એમ લાગે છે કે તેથી જ છ માસ નિર્વિકલ્પ સમાધિમાં રહી શક્યા. તે વખતે તેમનું શરીર ટકી શકત કે નહિ તે કોણ જાણે? દૈવ પ્રેરિત એક સંન્યાસી ત્યાં તેમને લાકડી મારી મારીને દૂધ પીવડાવવાની કોશિશ કરતા. તે પણ બધે વખતે સંભવ ન હતું. વળી ઠાકુર ધાતુ સ્પર્શ કરી શકતા નહિ; આ બાબતે સ્વામીજીએ પરીક્ષા કરી હતી. પરંતુ પોતે જ લજ્જિત થયા હતા. તેમના જીવનની ઘણી ઘટનાઓથી તેમના વૈરાગ્યને માપવાનું કાર્ય સામાન્ય મનુષ્ય માટે દુષ્કર હતું, ભગવાન સિવાય દેહ બોધ રહિત આ પ્રકારનું જીવન ધારણ કરવું જીવ માટે અસંભવ હોય છે. તેઓ પૂર્ણ વૈરાગ્યના અધિકારી હતા, તેનું સ્પષ્ટ પ્રમાણ તેમનું જીવન જ હતું.

આ રીતે દૃષ્ટાંત દ્વારા શ્રીરામકૃષ્ણના જીવનની ષડૈશ્વર્ય પૂર્ણ ભગવત્ સત્તાનું પ્રમાણ આપી શકાય. અહીં તેમની ભગવત્ સત્તાની થોડી વિવેચના કરી. આનાથી વધારે જાણવા માટે શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, મારા ગુરુદેવ, શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃત અને શ્રીરામકૃષ્ણ પુરાણ વગેરે ગ્રંથપાઠથી વિસ્તૃત માહિતી અવશ્ય મળશે.

શ્રીરામકૃષ્ણદેવ કોણ હતા, એ પ્રશ્નનો ઉત્તર તેમનાં શુદ્ધ સત્ત્વ આનંદઘન લીલા વિગ્રહના ષડૈશ્વર્યનું વર્ણન કરીએ તો પણ તેઓ સચ્ચિદાનંદઘન જ્ઞાનમૂર્તિ એ વિષયની વ્યાખ્યા કરવી વિશેષ જરૂરી છે. કારણ કે શ્રીરામકૃષ્ણના સત્ ચિત્ત આનંદઘન જ્ઞાનમૂર્તિના અનુધ્યાન દ્વારા સાધકની ચિત્તશુદ્ધિ થાય. અર્થાત્ ચિત્તની મલિનતા રૂપ નવી વાસનાઓ ઉદ્ભવે નહિ અને અશુભ સંસ્કાર નાશ પામે. સત્ત્વગુણનો પ્રકાશ થાય પરંતુ સાધકને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી અનુધ્યાનનું કાર્ય પૂર્ણ થાય નહિ. જેમ ઠાકુર કહેતા કે સત્ત્વગુણ પણ ચોર, તે માર્ગ બતાવી શકે પરંતુ સ્વરૂપ જ્ઞાન આપી શકે નહિ. જ્ઞાન તો સ્વયં પ્રકાશ અર્થાત્ સત્ત્વ, રજસ્, તમસ્ આ ત્રણ ગુણોથી પર. હવે પ્રશ્ન થાય કે રામકૃષ્ણનું સ્વરૂપજ્ઞાન શું છે? 

એક દિવસ તેમને દર્શન થયું. ‘શરીરમાંથી સચ્ચિદાનંદ બહાર નીકળીને કહે છે, એ યુગે યુગે અવતાર ધારણ કરે.’ આ પરથી સમજી શકાય કે શ્રીરામકૃષ્ણ ષડૈશ્વર્યપૂર્ણ ભગવત્ સત્તા. ઉપરાંત નિર્ગુણજ્ઞાન સચ્ચિદાનંદ સ્વરૂપ તેમનું બીજું એક સ્વરૂપ. તેથી શ્રીરામકૃષ્ણના સ્વરૂપ વિશે બે સિદ્ધાંત થયા. પ્રથમ તો તેઓ ષડૈશ્વર્યપૂર્ણ શુદ્ધ સત્ત્વ આનંદઘન લીલા વિગ્રહ. દ્વિતીય, સચ્ચિદાનંદ સ્વરૂપ. આ સચ્ચિદાનંદની ઉપલબ્ધિથી સાધક બ્રહ્મતેજનો અધિકારી થાય અને જ્ઞાનવૈરાગ્યાદિ ષડૈશ્વર્યના સાધન દ્વારા ક્ષાત્રવીર્યના અધિકારી થઈને આદર્શ મનુષ્યમાં પરિણત થયા. તેઓ આદર્શ ગુરુ, આચાર્ય કે અવતાર અને તેમને જ કહેવાય પુરુષોત્તમ.

અનુધ્યાન એટલે શું?

જડ, જગતની કોઈ પણ વસ્તુમાં એકાગ્રતાને મનનો સંયમ કહે છે. આત્મા, ઈશ્વર, ભગવાન વગેરે આધ્યાત્મિક વિષયમાં મનસંયમને ધ્યાન અથવા અનુધ્યાન કહે છે. શાસ્ત્રમાં સ્તરભેદ પ્રમાણે અનેક વ્યાખ્યા કરવામાં આવી છે. જેમ કે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવ ધ્યાન અને એકાગ્રતાના વિષયમાં ‘પક્ષીનું ઈંડું સેવવું’, ‘દાંતનો દુ:ખાવો’ વગેરે અનેક દૃષ્ટાંત દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે. ઉપનિષદમાં શ્રવણ, મનન, નિદિધ્યાસન વિશે કહ્યું છે. સૌ પ્રથમ ગુરુવચનનું શ્રવણ, ત્યારબાદ મનન અને છેલ્લે નિદિધ્યાસન કરવું જોઈએ.

શ્રીરામકૃષ્ણદેવના અનુધ્યાનનું કારણ:

શ્રીરામકૃષ્ણના અનુધ્યાનનાં બે કારણ છે. પહેલું, વ્યક્તિગત જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. બીજું, યુગ પ્રયોજન. આ વિષયને અનુલક્ષીને એક સુંદર બોધકથા છે.

એક વખત શિષ્યોના જ્ઞાનની પરીક્ષા કરવા માટે ગુરુદેવ બીમારીના બહાને સવારે સૂતા રહ્યા. શિષ્યો તેમને રોજના નિયમ પ્રમાણે પ્રણામ કરી શારીરિક કુશળ સમાચાર પૂછવા લાગ્યા ત્યારે તેઓને જાણવા મળ્યું કે ગુરુદેવ અસ્વસ્થ છે. શિષ્યોએ વિનયપૂર્વક પૂછ્યું કે શું ઉપાય કરવાથી તેઓ સ્વસ્થ થશે? તે સાંભળીને ગુરુદેવે કહ્યું કે સાહુડીનું માંસ ખાવાથી તેઓ સ્વસ્થ થઈ જશે. શિષ્યો તો આનંદથી જંગલમાં સાહુડીનો શિકાર કરવા ચાલ્યા જાય છે. તે જોઈને ગુરુદેવે શિષ્યોને સાવધાન કરતાં કહ્યું: ‘જુઓ વત્સ, શિકાર કરતી વખતે કોઈ જુએ નહિ, એ યાદ રાખજો. કોઈ જોઈ જશે તો તે માંસ ખાવાથી કોઈ લાભ નહિ થાય.’ શિષ્યોએ વિચાર્યું કે જંગલમાં વળી કોણ જોશે? બધા શિષ્યો શિકાર કરીને પાછા ફર્યા. પરંતુ જે પટ્ટશિષ્ય હતો તે શિકાર કર્યા વિના ખિન્ન મને પાછો ફર્યો. બીજા શિષ્યો તેની નિષ્ફળતા જોઈને તેની મશ્કરી કરવા લાગ્યા. તે વખતે ગુરુદેવે તેને પૂછ્યું: ‘બેટા, તું તો બધા કરતાં અસ્ત્રવિદ્યામાં પારંગત છો. છતાંય એક પણ શિકાર કરી શક્યો નહિ.’ શિષ્ય હાથ જોડીને બોલ્યો: ‘ગુરુદેવ, આપે કહ્યું કે કોઈ જુએ નહિ તે રીતે શિકાર કરજો. જેટલીવાર તીર સાધ્યું તેટલીવાર મનમાં થયું – અરે! હું તો જોઉં છું. ‘કોઈ જુએ નહિ’ તેમાં તો હું પણ છું.’ તે સાંભળીને બીજા શિષ્યો સમજી શક્યા કે શા માટે તે ઉત્તમ હતો? તે કેવળ અસ્ત્ર વિદ્યા જ શીખ્યો નથી, આત્માને પણ ઓળખી શક્યો છે. આ ઉત્તમ શિષ્ય શુદ્ધ સત્ત્વ ગુણનો આધાર. તેથી તેનું મન અંતર્મુખ અને વિવેકી હતું. તેથી શ્રીરામકૃષ્ણના બે પ્રકારના સ્વરૂપમાં પ્રથમ શુદ્ધ સત્ત્વ ગુણમય લીલા વિગ્રહના ધ્યાનથી સાધકના સત્ત્વગુણોનો વિકાસ થાય અને બુદ્ધિ વિવેકી બને. સાધક વિવેક સંપન્ન થવાથી રામકૃષ્ણની સચ્ચિદાનંદઘન જ્ઞાનમૂર્તિનું અનુધ્યાન કરતાં કરતાં પોતાના સ્વરૂપ આત્માને જાણી શકે. તેથી તો ઠાકુર કહેતા, ‘તમને સહુને ચૈતન્ય થાઓ.’

અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન:

શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ (૩) શિવજ્ઞાને જીવસેવા (૪) માતૃભાવ. વિશ્વની માનવજાત માટે આ યુગમાં જે પ્રયોજન છે તેની એક માત્ર ઠાકુરના ભાવમાં જ પરિપૂર્તિ થઈ શકે. તેથી તેઓ કહેતા: ‘મુસલમાન બાદશાહના અને નવાબોના સિક્કાઓ આજે ચલણીનાણું ન બની શકે.’ દેશવિદેશમાં પહેલાંના અવતારો કરતાં તેમનો ભાવ દાર્શનિકથી માંડીને વૈજ્ઞાનિકને પણ સ્વીકૃત છે. હકીકતે તેમનામાં ધર્મચુસ્તતા અને સંકીર્ણતાનો અભાવ હોવાથી સર્વધર્મના વૈશિષ્ટ્યને સુરક્ષિત રાખીને સહ-અસ્તિત્વમાં કોઈ પ્રકારની અગવડ ન હતી. ઉદારતા અને ગંભીરતા માટે બુદ્ધિશાળી મનુષ્ય પાસે જાતિ, ધર્મ નિરપેક્ષ ઉદારભાવ ગ્રહણ યોગ્ય હોય છે. સર્વધર્મ પ્રતિ તેમની સમબુદ્ધિ અને સર્વધર્મો સત્ય છે, એમ જાણીને સ્વીકારે છે. સ્વામીજી કહે છે: ‘In all Religions we travel from a lesser to a higher truths, never from error to truth’ અર્થાત્ આપણે બધા ધર્મના અવલંબી, મિથ્યાથી સત્ય તરફ પ્રયાણ કરતા નથી, પરંતુ નિમ્નતર સત્યથી ઉચ્ચતર સત્ય તરફ આગળ ધપીએ છીએ. આ પરથી પ્રમાણિત થાય છે કે ચિરંતન નિત્ય સત્ય જ સર્વધર્મનો સાર છે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.