યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત થયો: ‘અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય નમ:’ નરેન્દ્રનાથ આધુનિક યુગના યુવાપ્રતિનિધિ હતા. કોઈપણ વિચાર સમજ્યા વગર – અનુભવ્યા વગર સ્વીકાર કરતા નારાજ થતા તે જ વિવેકાનંદ ન જાણે શું સમજ્યા, શું જોયું – અનુભવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ પાસેથી શું મેળવ્યું જેથી કરીને અવતાર વરિષ્ઠાય કરીને પ્રણામ કર્યા! સ્વાભાવિક રીતે બે પ્રશ્ન ઉદ્‌ભવે કે અવતાર કોને કહેવાય? અને વરિષ્ઠ શા માટે કહ્યા? શ્રીમદ્‌ ભગવત ગીતામાં અવતારની વ્યાખ્યા આપતા શ્રીકૃષ્ણ કહે છે કે યુગે યુગે ભગવાન દેહ ધારણ કરીને દુષ્ટોનો સંહાર કરે છે, સજ્જનોની રક્ષા કરે છે. અધર્મનો નાશ અને ધર્મનું સંસ્થાપન કરે છે તે જ અવતાર. આપણા મનમાં પ્રશ્ન થઈ શકે કે શ્રીરામકૃષ્ણદેવે તો ભગવાન શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણની જેમ અસુરોનો વિનાશ કર્યો ન હતો. તો પછી તેમને અવતાર પણ ન કહી શકાય. વધારામાં વળી અવતાર વરિષ્ઠાય કઈ રીતે કહી શકાય? તો શું સ્વામીજીની વાણી મિથ્યા હોય? સ્વામીજીની વાણી અને અનુભવ કદી મિથ્યા ન હોઈ શકે. આપણું અજ્ઞાન જ આપણને આ રીતે સંદેહ કરાવે છે. આ વિષયમાં થોડો પ્રકાશ પાડતા નીચે પ્રમાણે ત્રણ મુદ્દાની આલોચના કરવાની જરૂર છે. પહેલું તો યુગ-પ્રયોજન શું હતું, બીજું શ્રીશ્રીરામકૃષ્ણદેવની શક્તિની વિશાળતા અને ત્રીજું સર્વ ધર્મના દર્શનની અનુભૂતિથી સમન્વય સાધન.

યુગ પ્રયોજન

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એક તરફ હિંદુ ધર્મની ગ્લાનિ થવાથી અવિશ્વાસ, સંદેહ, બુદ્ધિની જડતા, દાર્શનિક મતભેદ વગેરે જોવા મળતા હતા. જ્યારે બીજી તરફ હિંદુ ધર્મની અસારતાની વિવેચનાને લીધે ખ્ર્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો આગ્રહ, મૂર્તિ પૂજાની આસ્થાના અભાવને કારણે બ્રાહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરે નવા નવા સંપ્રદાયો ઊભા થયા. ઘણા કારણોને લીધે કેવળ નિમ્ન વર્ણના હિંદુઓ ધર્માન્તર કરતા નહિ પરંતુ કોલકાતાવાસી ઉચ્ચ વર્ણના હિંદુઓ પણ પોતપોતાના ધર્મને તુચ્છ માનીને બીજો ધર્મ ગ્રહણ કરવા લાગ્યા અને ઘણા લોકો બ્રાહ્મસમાજ વગેરે નવીન નવીન ધર્મસંપ્રદાયમાં જોડાયા. તેઓ હિંદુધર્મનું સર્વાંગીણ સ્વરૂપ સમજી ન શકયા અને માત્ર આંશિક ભાવ સમજીને સંપ્રદાયની રચના કરી. આજે તો તેમનો પ્રચાર-પ્રસાર રહ્યો નથી. કેવળ ઇતિહાસના પાનામાં તેનો ઉલ્લેખ રહ્યો છે. આ યુગ-પ્રયોજન માટે શ્રીરામકૃષ્ણદેવે દર્શાવ્યું કે મૂર્તિપૂજાથી ઈશ્વરદર્શન થઈ શકે. એટલું જ નહિ. હિંદુઓનો આત્મવિશ્વાસ પુર્ન:જાગ્રત થયો અને પોતાને હિંદુ કહેવડાવવામાં ગર્વ અનુભવવા લાગ્યા. એ યુગના પ્રવર્તકો જેવાં કે કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ઠાકુર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને બીજી ઘણી વિખ્યાત વ્યક્તિઓ શ્રીરામકૃષ્ણ પાસે આવતા અને પોતાની શંકાઓનું સમાધાન કરતા. એક વખત વિજયકૃષ્ણ ગોસ્વામીએ રામકૃષ્ણદેવને કહ્યું હતું ‘ક્યાંક બે આના, ક્યાંક ચાર આના જોઉં છું. પરંતુ આપની અંદર તો પૂરેપૂરા સોળઆના દિવ્યભાવનો પ્રકાશ જોઉં છું. તેથી જોવા મળે છે કે ગિરીશબાબુ અને બીજા ઘણાએ લોકો મથુરબાબુની જેમ ઠાકુરને યુગાવતાર તરીકે સ્વીકાર્યા હતા. ભૈરવી બ્રાહ્મણીએ બોલાવેલ પંડિતોની સભામાં મથુરબાબુ અને બીજા બધાની શંકાના સમાધાન માટે શ્રીરામકૃષ્ણદેવને અવતાર તરીકે સાબિત કર્યા હતા.

શક્તિની વિશાળતા

શ્રીરામકૃષ્ણદેવ કહેતા – ‘શક્તિનો જ અવતાર’ અગાઉ ભૂમિકા બાંધતા મેં કહ્યું કે શ્રીરામકૃષ્ણે તો અસુરોનો સંહાર કર્યો ન હતો. દુષ્ટોનું દમન પણ કર્યું નહિ તો પછી અવતાર કઈ રીતે કહેવાય? ઉત્તર આપતા કહું છું કે અસુર વિનાશ કરવા માટે તો અસ્ત્ર શસ્ત્ર અને બાહુબળ જોઈએ. શ્રીરામકૃષ્ણદેવ પાસે તો આ બેમાંથી એક પણ ન હતું. તો પછી તેઓ કઈ શક્તિનો આધાર હતા? શ્રીરામકૃષ્ણદેવ કહેતા – ‘આ વખતે સત્ત્વગુણનું ઐશ્વર્ય’ એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ, ભક્તિ, કરુણા. તેઓ કહેતા કે તેઓ ગુપ્ત વેશમાં રામ છે.

તેમનું બાહુબળ ન હોય છતાં – તેઓ દર્શાવી ગયા કે અસુરનો સંહાર કર્યા વગર જ તેને કઈ રીતે દેવ બનાવી શકાય. તેમનું સમગ્ર જીવન એક દૃષ્ટાંત અને ઉજ્જવળ સાક્ષી સમું હતું. કાંચન-પૈસાનો સ્પર્શ પણ ન કરતા. તેમજ ધર્મપત્ની સાથે એક શય્યામાં સૂતા છતાં ય માતૃભાવમાં વિભોર રહેતા. ગિરીશબાબુનું વસીયતનામુ લેવાનું કઈ શક્તિથી સંભવ થયું? તેમના જીવનમાં જોવા મળે છે કે સ્પર્શમાત્ર અથવા દૃષ્ટિ માત્રથી મનુષ્યના મનને-પાપી-તાપીના મનને પણ આધ્યાત્મિક-રાજ્યમાં ઉચ્ચ ઉઠાવીને લઈ જતા. સ્વામીજી કહેતા કે શ્રીરામકૃષ્ણદેવ ઇચ્છા માત્રથી લાખો લાખો વિવેકાનંદ તૈયાર કરી શકત – આ શું અગાઉના અવતારોથી વધુ શક્તિશાળી નથી લાગતા? કોઈને નાનો કરવાના કે નિંદા કરવાનો આશય નથી – કેવળમાત્ર મનને શુદ્ધસત્ત્વમાં લઈ જઈને અનુભવ કરવાનો વિષય છે. તેથી સ્વામીજીએ અવતાર વરિષ્ઠાય કહ્યા તે કેટલે અંશે સુસંગત તે વાચક પોતપોતાની તપસ્યા અને વિચારની શક્તિ દ્વારા સમજી શકશે.

સર્વધર્મદર્શનની અનુભૂતિની સમન્વય સાધન

શ્રીરામકૃષ્ણદેવે સર્વધર્મની સાધના કરીને પ્રત્યક્ષ દર્શન કર્યા અને નિજ સમન્વય સાધનની અનુભૂતિ તેમના રોજબરોજના જીવનમાં વણાયેલી હતી. સ્વામીજી પણ પ્રણામમંત્રમાં ઉચ્ચારે છેકે શ્રીરામકૃષ્ણદેવ સર્વધર્મ સ્વરૂપ છે એટલે કે વૈદિક ધર્મ અને અવૈદિક – વેદોની બહારના ધર્મ જેવા કે તંત્ર, બૌદ્ધ, ખ્ર્રિસ્તી, ઈસ્લામધર્મ વગેરે વિશ્વના આ સમગ્ર ધર્મોના જે જે સિદ્ધાંતો કહ્યા છે તે શ્રીરામકૃષ્ણ પૂર્વે કોઈએ કહ્યા નથી- અનુભવ્યા નથી. વેદના અંતિમભાગનું નામ ઉપનિષદ. હિંદુ આચાર્યોએ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત વગેરે ભાષ્ય લખીને અનેક મત-પથની વ્યાખ્યા કરી છે. શ્રીરામકૃષ્ણ બધા મતની સ્વતંત્રતા અને વિશેષતા જાળવીને સમન્વય કરે છે. આ પ્રકારના સમન્વયકાર્યમાં તેમના ભાવની ઉદારતા, ગંભીરતા અને અનેરું વ્યક્તિત્વ જોવા મળે છે. અદ્વૈત અંગે તેઓ કહેતા : ‘એકમાત્ર બ્રહ્મ જ એઠું નથી થયું. જે મોઢેથી બોલી શકાતું નથી. વિશિષ્ટાદ્વૈત સંબંધે તેઓ કહેતા : બિલ્વફળમાં જેમ ગર, બીજ, છાલ વગેરે છે તેમ અદ્વૈતમાં પણ જીવ, જગત, બ્રહ્મ બધું સમાયેલું છે.

એટલે કે જીવ, જગત, વિશિષ્ટ બ્રહ્મ એક દ્વૈતવાદની અનુભૂતિ સંબંધે શાસ્ત્રાદિ પાંચ રસની સાધનાના અંતે કહ્યું ‘રાધારાણીનો ભાવ અતિ શુદ્ધ ભાવ. જો કે રાધાજીનો ભાવ સ્વાભાવિક રીતે જ લોકપ્રિય છે. તંત્ર સાધના અંગે કહ્યું, ‘આ માર્ગથી પણ જવાય અને એમ પણ કહ્યું કે માતૃભાવ સાધનાની અંતિમ – ચરમ સ્થિતિ. આ રીતે અન્યોન્ય ધર્મની અનુભૂતિની વાત અલગ અલગ કહીને એક સિદ્ધાંત આપ્યો – ‘બધા જ શિયાળની એક સરખી બોલી’ – એટલે કે બધા જ પ્રાંતના શિયાળ એક સરખી રીતે પોકારે – તે જ રીતે બધા ધર્મના આચાર્યો ભગવાનને એક જ રૂપે અનુભવ કરે. માત્ર વ્યાખ્યા અલગ અલગ શબ્દોમાં કરે. આ બાબતની એક સુંદર વાર્તા છે. એક જ તળાવના એક ઘાટ પર હિંદુઓ પાણી હાથમાં લે છે અને કહે છે ‘જળ’ બીજા ઘાટ પર મુસલમાન જળ લે છે અને કહે છે ‘પાની’ ત્રીજા ઘાટે. ખ્ર્રિસ્તીઓ જળ લે છે અને કહે છે ‘વોટર’. બીજાએક ઘાટ પર યહૂદીઓ જળ લે છે અને કહે છે ‘એક્વા’. પરંતુ જળનું તત્ત્વસ્વરૂપ અને સ્વાદ બધા પાસે એક સરખું છે. તે જ રીતે સર્વધર્મની મૂળ અનુભૂતિ એક જ છે. કેવળ શાબ્દિક સિદ્ધાંત ભિન્ન ભિન્ન હોય છે. તેથી તેઓ ફરી કહે છે. ‘જેટલા મત તેટલા પથ’.

સ્વામીજી કહેતા – ઠાકુરના અગાઉ કોઈ અવતારે આવો આકાશ જેવો ઉદાર અને સમુદ્રની માફક ગંભીર ભાવ એકઠો કર્યો ન હતો. કોઈક ધર્મમાં ગંભીરતા છે પણ ઉદારતા નથી. વળી બીજા કોઈ ધર્મમાં ઉદારતા છે તો ગંભીરતા નથી. તેથી જોવા મળે છે કે એક તરફ એકદમ પાગલ તો બીજી તરફ સંકુચિત. તેથી ધર્મો અને વિધર્મોમાં લાભહાનિ, જૂથવાદી સંક્રામક વ્યાધિની જેમ માનવસમાજને વિનાશના માર્ગે લઈ જાય છે. તેથી સ્વામીજી ઠાકુરના ભાવનું વર્ણન કરતા કહે છે : કેવળ બીજાના ધર્મને સહાય કરવા ઉપરાંત તેમનામાં રહેલી સારી વસ્તુઓને પણ ગ્રહણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. સ્વામીજીએ તેથી કહ્યું કે વેદાંત એક માત્ર એવો ધર્મ છે જે વૈશ્વિકધર્મ બની શકશે. અર્થાત્‌ વેદાંત જ એકમાત્ર ધર્મ છે જે વિશ્વના સાર્વભૌમ ધર્મની યોગ્યતા ધરાવે છે. આ પ્રકારનું વેદાંત ક્યું છે? એ વેદાંત શ્રીરામકૃષ્ણના ઉદાર અને ગંભીરભાવની અનુભૂતિજન્ય વેદાંત છે. એ વેદાંત શ્રીરામકૃષ્ણ રૂપધારી દેહને કેન્દ્ર કરીને વિરુદ્ધ શક્તિઓને એકઠી કરીને સમન્વય કરે છે. આ જોઈને જ સ્વામીજીએ તેમને અવતાર વરિષ્ઠાય કહ્યા. જે અગાઉના અવતારમાં ક્યાંય જોવા મળતું નથી.

ઉપસંહાર

વર્તમાનયુગમાં તેમનો ઉદાર અને ગંભીર ભાવનો ચોક્કસ પ્રચાર અને પ્રસાર જોઈને શું શંકાને સ્થાન હોઈ શકે? સર્વદા સજાગ દૃષ્ટિ રાખીએ તો સમજી શકાય કે કઈ રીતે તેમનો ભાવ સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે. થોડા દિવસો પહેલા કથામૃત શતાબ્દીની ઉજવણી માટે કેટલાય પ્રકાશકોએ કથામૃતની પ્રતો છાપી હતી – કેવી અકલ્પનીય બાબત કહેવાય! સિનેમાની ટિકિટ લેવા જેમ લોકો લાઈનમાં ઊભા રહે તેમ કથામૃત ખરીદવા લોકો કતારમાં ઊભા રહેતા! વિદેશી લેખક રોમાં રોલાં, અને બીજા ઘણા લેખકોએ ઠાકુરનું જીવનચરિત્ર લખ્યું છે. ઠાકુરની લીલા સંવરતા પછી હજુ એક જ શતાબ્દી વિતી છે. આટલા ટૂંકા સમયમાં તેમના ભાવમાં વિશ્વ તણાઈ રહ્યું છે. અંતમાં લખું છું – ઠાકુરે પોતાનો ફોટો હાથમાં લઈને પોતે જ પોતાના ફોટાને ફૂલ ચડાવીને પૂજા કરી હતી અને કહ્યું હતું કે આ ફોટાને ફૂલ ચડાવીને પૂજા કરી હતી અને કહ્યું હતું કે આ ફોટાની ઘરે ઘરે પૂજા થશે. ઠાકુરની આ વાણી કેટલી સાચી પડી છે : તેથી જ સ્વામીજીના સૂરમાં સૂર મિલાવીને કહેવું પડે – ‘અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય નમ:’

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.