સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે. 

બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો સામાજિક સમસ્યાઓના દૈનંદિન પ્રસંગો જોઈને ‘આ તો કંઈ આપણને લાગતા-વળગતા નથી અને આનો કોઈ ઉકેલ નથી, એમ ને એમ ચાલવાનું’ આવી નમાલી વાણી ઉચ્ચારવાના. બહુ બહુ તો એના પર તાર્કિક વિચારો, એનાં ઐતિહાસિક કારણો, કોણ જવાબદાર છે કે હતા અને બીજાએ શું કરવું જોઈએ, એના ઉકેલ શા શા હોઈ શકે? એ વિશે નિરર્થક ચર્ચા કરતા રહેવાના.

હૃદયથી ચાલનારા અને પ્રેરણા મેળવનારા લોકો ઉપર્યુક્ત બાબતોની નિરર્થક ચર્ચામાં પડ્યા વગર સમ-સંવેદનાના ભાવથી પોતાની ક્ષમતા પ્રમાણે શક્યતા અનુસાર એ પરિસ્થિતિને નિવારવાનો કે સુધારવાનો પ્રયાસ કરશે.

પહેલા પ્રકારના લોકો એક બીજું વલણ અપનાવશે. તેઓ આ વિશ્વને અને એની પરિસ્થિતિઓને સંકુચિત સીમામાં વિભાજિત કરતા રહે છે. એમની દૃષ્ટિએ મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, મારી જ્ઞાતિ અને એમનું કલ્યાણ એ જ અગત્યનું બની જાય છે અને એ સીમામાંથી તેઓ બહાર નીકળતા જ નથી. તેઓ પોતાના મનથી સુખી-સંતુષ્ટ છે એમ માનતા રહે છે.

બીજા પ્રકારના લોકો સમગ્ર વિશ્વને કોઈ પણ સીમામાં બાંધ્યા વિના એક વિશ્વ, સૌનું વિશ્વ અને મારુંયે વિશ્વ એમ માનતા હોય છે. જીવનમાં ગમે તેવી તડકી છાંયડી અનુભવતા હોવા છતાં પણ, સમવિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ આ જગતના પોતાના અને અન્ય સુખી અને દુ:ખી, હતાશ-નિરાશ, ગરીબ-તવંગર, ઊંચ-નીચ, ધર્મ, પ્રદેશ, જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના દેશ-વિદેશની ભાવના વિના, માનવને એક માનવ રૂપે જોવાનો પ્રયત્ન કરે છે અને તેઓ એમ માનતા હોય છે કે આપણે બધા તો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે એકબીજા સાથે જોડાયેલા છીએ અને દરેક રુગ્ણ અવસ્થા માટે આપણે ક્યાંકને ક્યાંક થોડા-વધુ જવાબદાર છીએ. હૃદયના સ્ફુરણથી આવા લોકો કોઈ દુ:ખીને જોઈને અન્નવસ્ત્ર આપે છે ખરા, પણ એમની એ સહાય ઝાઝો સમય ટકી શકે કે ટકી જાય એવું વિચારવાની એમની પાસે ક્ષમતા ક્યારેક નથી જણાતી. આવા લોકો પ્રથમ કક્ષાના માણસો કરતાં સારા તો છે પણ એમનાં સુકાર્યો ધારીએ એટલાં ઉપકારક નીવડતાં નથી. 

ઉપર્યુક્ત બૌદ્ધિક અને હૃદયના ગુણો ધરાવનારા અલગ અલગ પ્રકારનાં બે વ્યક્તિત્વો આપણે જોયાં. પણ સમાજમાં અને વિશ્વમાં જો સાચું પરિવર્તન લાવવું હોય તો આ બંને ગુણધર્મો એટલે કે ‘હેડ એન્ડ હાર્ટ’ – બુદ્ધિ અને હૃદય બંનેનું સુભગ મિલન થાય એવા વ્યક્તિઓ સમાજે ઊભા કરવા જોઈએ. પણ ક્યારેક એવું પણ બને છે કે બુદ્ધિ અને હૃદય વચ્ચે સંઘર્ષ જામે છે અને આ વખતે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જ્યારે જ્યારે હૃદય અને બુદ્ધિ વચ્ચે આવો સંઘર્ષ ઊભો થાય ત્યારે તમારે હંમેશાં હૃદયને અનુસરવું, હૃદયના અવાજને સાંભળવો અને ત્યારે તમારી ભૂલ થશે નહિ.

ભારત વિશ્વમાં સૌથી મોટી યુવાશક્તિ ધરાવનારો દેશ છે. ભારત સ્વતંત્ર થયું, એને સાઠેક વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં પણ મેકોલેની શિક્ષણ પદ્ધતિના પીંજરામાંથી યુવાનો બહાર નીકળ્યા હોય એવું લાગતું નથી, એનું કારણ એ છે કે આપણી કહેવાતી કેળવણીએ અને કેળવણીકારોએ એમને આ પીંજરામાંથી બહાર નીકળીને મુક્તિનો આનંદ માણવાની તક નથી આપી, એ ખરેખર દુ:ખની વાત છે. અને વિચિત્ર વાત તો એ છે કે આ યુવાનોના હૃદયનો એટલે કે સમસંવેદનાના વિકાસની વાત તો દૂર રહી પણ એમનો બૌદ્ધિક વિકાસ થવાને બદલે એ પઢાવેલા પોપટ બનતા જાય છે.

આના પરિણામે યુવજગતમાં આર્થિક ઉપાર્જનની અસમતુલા, ગાંડો અને ચેપી ઉપભોક્તાવાદ, ગરીબ અને અસહ્ય દુ:ખ-પીડા અનુભવતા પોતાના દેશભાંડુઓ માટે સહાનુભૂતિનો ઘણો મોટો અભાવ જોવા મળે છે. એટલે જ આ યુવાનો અને કહેવાતા ભણેલા ગણેલા સમાજના ધનિકોમાં પણ પોતાના હકો માટેની હોડ મચી છે, ફરજને તો એ લોકો સાવ કોરાણે મૂકી દે છે. 

આવા યુવાનો જ્યારે ઔદ્યોગિક સાહસિકો બને ત્યારે એ લોકો ભાગીદારીની ભાવનામાં જીવતા નથી, એટલે કે પોતે જે કમાય છે એ કમાણીમાં સમાજના બીજા લોકોનો પણ ભાગ છે, એવો ટ્રસ્ટીશીપનો ભાવ નથી. એનો અર્થ એ છે કે તેઓ પોતાને મળેલી મૂડીના રખેવાળ છે એમ માનતા નથી. આને લીધે જે યુવાનો વ્યાપાર કે ઉદ્યોગના ક્ષેત્રમાં હરણફાળ ભરે છે તે વધુ ને વધુ ધનસંપત્તિ કે સમૃદ્ધિનો સંગ્રહ કરનારને પોતાના આદર્શ તરીકે ગણે છે અને એવું જ કરવા પ્રેરાય છે.

આપણા સમાજના ઉપલા મધ્યમવર્ગના યુવકોમાં બૌદ્ધિક વિકાસ જોવા મળે છે, પણ એમની પાસે સમ-સંવેદનાનો અભાવ જોવા મળે છે. એમની પાસે થોડી સંપત્તિ છે એટલે શિક્ષણમાં અભ્યાસસહાયની વિવિધ સુવિધાઓ મળી રહે છે. એટલે એમનો બૌદ્ધિક વિકાસ પ્રમાણમાં ઘણો સારો થતો જોવા મળે છે પણ આજની કેળવણીમાં એમને હૃદયના ગુણોનો વિકાસ કરવાનો અવસર મળતો નથી. એટલે એ લોકો હૃદયવિહોણા બૌદ્ધિકો બની જાય છે.

સમાજના ગરીબ, ભૂખ્યા-દુખ્યા, ઘરબારવિહોણા અને લમણે હાથ દઈને બેઠેલા પોતાના લોકો માટે એમનાં હૃદય પથ્થર જેવા બની ગયાં છે; એ લોકો આમ માનતા રહે છે કે ‘આ કંઈ આપણી સમસ્યા થોડી છે, એ તો એ લોકોની સમસ્યા છે! આ બધું દૂર કરવાની જવાબદારી સરકારની કે સામાજિક સંસ્થાઓની છે.’ આવી પરિસ્થિતિ માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તેઓ પણ થોડા ઘણા જવાબદાર છે અને એ બધું નિવારવાની એમની પણ કંઈક ફરજ છે એવું એ માનવા તૈયાર નથી. 

આવી પરિસ્થિતિ આઝાદી પછી આપણે સૌ જોતા આવ્યા છીએ અને આજે પણ જોવા મળે છે. છતાં પણ આવા મનોવલણમાં થોડું સુખદ પરિવર્તન આવતું દેખાય છે. 

આપણા આ યુવાનોમાંથી કેટલાક યુવાનોમાં બુદ્ધિ અને હૃદયની સમતુલા જળવાતી દેખાય છે. વ્યાપાર, ઉદ્યોગ દ્વારા એ લોકો કમાવાની ઇચ્છા ધરાવે છે અને પોતપોતાના ક્ષેત્રમાં તેઓ સફળતાને ઝંખે છે. એ માટે પૂરતો પરિશ્રમ, પુરુષાર્થ કરવા પણ તૈયાર રહે છે. સાથે ને સાથે તેઓ બીજા વંચિત કે પાછળ રહી ગયેલા લોકો માટે કંઈક લાગણી અનુભવતા થઈ ગયા છે. પોતાનાં ઉદ્યોગ, સાહસ કે વ્યાપાર શરૂ કરતાં કે પસંદ કરતાં પહેલાં તેઓ આટલું વિચારતા થયા છે કે મારા વ્યવસાય દ્વારા સમાજના વંચિતો કે પાછળ રહી ગયેલા લોકોને સહાયરૂપ બની શકાય ખરું? પરિણામે આવા યુવાનો નોકરી શોધનારા નથી રહ્યા પણ બીજાને નોકરી અપાવનારા કે એમને નોકરીની તકો પૂરી પાડનારા ઔદ્યોગિક સાહસિક બનવાનું વધારે પસંદ કરે છે.

આ ભાવનાથી પોતે જ રળે છે અને બીજાને પણ રોટી-રોજી રળતો કરી દે છે. આવા ‘સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકો’નો મુખ્ય હેતુ નફો રળવાનો કે સંપત્તિ એકઠી કરવાનો નથી, પણ એ વ્યવસાય દ્વારા એમણે ભલું કરવાનો એક આદર્શ નજર સામે રાખ્યો હોય છે. કોરો દાન-ધર્માદો કરવાની ભાવના નથી પણ બીજાને પગભર બનાવવાનો એક ઉમદા આદર્શ પોતાની સમક્ષ રાખે છે. આવા ઔદ્યોગિક સાહસિકો સામાજિક સેવા સંસ્થાઓથી થોડો જુદો આદર્શ પોતાની સામે રાખે છે. 

તેઓ પોતે રોકેલી મૂડીનું વળતર મેળવવા ઇચ્છે છે, પોતાના ધંધાની વિકાસની પણ ચિંતા સેવે છે પણ મળતા વળતર કે નફામાંથી સમાજના સાર્વત્રિક કલ્યાણ માટે અને નવયુવાનો માટે વધુ ને વધુ રોજગારની તકો મળી રહે એવું પણ એ ઇચ્છે છે.

આમાંના કેટલાક તો એવા છે કે પોતાના વ્યાપાર ઉદ્યોગનું આયોજન કરતી વખતે સમાજના વિકલાંગ કે અસહાય લોકોને નોકરી ધંધો અપાવીને પગભર કરવાનું ધ્યાનમાં રાખે છે. આનું આપણે એક ઉદાહરણ જોઈએ.

આવો જ એક પ્રયાસ મિરેકલ કુરિયરના યુવા સંસ્થાપક ધ્રુવ લાકરાએ કર્યો છે. ૨૦૦૮માં તે બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે એક બહેરામૂંગા છોકરાએ પોતાને કયા ગામની ટિકિટ જોઈએ છે એની જાણ કંડકટરને કાગળ પર લખીને કરી. એ વખતે એમના મનમાં એક વિચારનો તણખો થયો. એને એમ થયું કે આવા માણસો કુરિયરના વિતરણ કાર્યમાં ઘણા મદદરૂપ થઈ શકે. એમણે ઘરે આવીને ગુગલ વેબસાઈટ જોઈ ત્યારે એને માહિતી મળી કે ચીન પછી વિશ્વમાં બહેરા કે બહેરામૂંગાની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ‘આ લોકો માટે હું શું કરી શકું?’ એવો વિચાર કરતો હતો ત્યારે જ એક કુરિયરવાળો વસ્તુ આપીને સહી લઈને ચાલ્યો ગયો. આ દરમિયાન બંને વચ્ચે કોઈ પણ વાતચીત ન થઈ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું એવી એક કુરિયર કંપની બનાવું કે જેમાં બહેરામૂંગા લોકો કામ કરી શકે અને પોતાનો નિભાવ પણ કરી શકે. એક નાની એવી કુરિયર કંપની શરૂ કરી. એમની આ સહાનુભૂતિ સાથેની સાહસિક વૃત્તિવાળો પ્રયાસ જોઈને ઘણી સારી કંપનીઓ અને ધનિકોએ એને સહાય કરવાનો પ્રયત્ન કર્યો. કેટલાકે એમને પોતાનાં ખાલી મકાનોનો ઉપયોગ કરવાની છૂટ આપી તો કોઈકે મૂડી રોકાણ પણ કર્યું. ધીરે ધીરે આ કંપનીનો વિકાસ થતો ગયો અને વધુ ને વધુ બહેરામૂંગાને નોકરી મળી રહે એ હેતુથી કેટલાક ઔદ્યોગિક સાહસોએ અપ્રત્યક્ષ રૂપે કુરિયરના વિતરણ ચાર્જમાં વધારો કરવાની સહમતી પણ આપી. માર્ચ ૨૦૧૦ સુધીના બે વર્ષમાં જ દર મહિને ૬૦,૦૦૦ જેટલી ટપાલ, ચીજવસ્તુઓના વિતરણની કામગીરી કરે છે. 

ધ્રુવ પોતાના વ્યવસાય વિશે કહે છે કે જ્યારે મેં મેરિલ લિંચ નામની આંતર રાષ્ટ્રિય કંપનીની નોકરી છોડીને એક સેવાભાવી સંસ્થાની નાની નોકરી સ્વીકારી ત્યારે મને બધા મૂર્ખ કે ગધેડો માનવા માંડ્યા. પણ એના સેવાકાર્યથી પ્રભાવિત થઈને બે-એક વર્ષમાં વધુ અભ્યાસ કરવા ઓક્સફર્ડની શિષ્યવૃત્તિ મળી ત્યારે એ જ લોકો કહેવા માંડ્યા કે અમને તો ખબર જ હતી કે આ ધ્રુવ ખરેખર હોશિયાર છે.

ઓક્સફર્ડમાં ભણીને દેશ-વિદેશમાં મોટી નોકરી સ્વીકારવાને બદલે જ્યારે બહેરામૂંગા માટે આ મિરેકલ કુરિયરની સ્થાપના કરી ત્યારે લોકોએ ટીકા કરતા કહ્યું કે આવું સાહસ કરાય નહિ અને એમાં સફળતા મળે નહિ. પણ જ્યારે એમને પોતાના આ ઉત્કૃષ્ટ સેવાકાર્ય માટે હેલન કેલરનો વૈશ્વિક પુરસ્કાર મળ્યો ત્યારે લોકો એને વિજયી તારલો કહેવા માંડ્યા. એ વખતે એમણે યુવાન ઔદ્યોગિક સાહસિકોને આવી સલાહ આપી: 

તમારા કાર્યની કે સાહસની લોકો નિંદા કરે કે પ્રશંસા કરે પણ તમે જે કંઈ પણ કરો છો એ કરતાં જ રહો, એ મારી પહેલી સલાહ છે.

ક્યારેક લોકો તમને તમારા કાર્યમાં કે સાહસમાં પ્રોત્સાહક પણ નીવડશે અને ક્યારેક હતાશ કરી નાખશે. પરંતુ એમને ક્યારેય સાંભળતા નહિ; એ વખતે તમે થોડા બહેરા બની જજો અને ‘નહિ હો સકતા હૈ’ એ શબ્દો સાંભળતા નહિ.

આવા સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકોએ આટલું તો યાદ રાખવું જોઈએ:

ઔદ્યોગિક સાહસ એક આનંદ માણવાની મુસાફરી છે. જો આવું મનોવલણ કેળવશો તો સારું પરિણામ તો એની મેળે આવી મળશે.

કોઈ પણ કાર્યમાં સાહસ કે જોખમ ખેડવું એ વધારે અગત્યનું છે. સાહસ કે હિંમત કર્યા વિના તમે ક્યારેય ધનસંપત્તિ કે મૂલ્યો ઊભાં ન કરી શકો.

આજની અધીરતાની દુનિયામાં ધીરતા અને શાંતિ સૌથી વધારે મહત્ત્વના ગુણો છે. ધનસંપત્તિ તો કોઈ પણ મેળવી શકે, પણ આવાં મૂલ્યો સર્જવા માટે તમારે સમર્પણની ભાવના કેળવવી પડે, સમય પણ આપવો પડે અને પુરુષાર્થ ભરેલા પ્રયાસો પણ કરવા પડે.

ધનસંપત્તિ ઊભી કરવી અને સદ્‌ગુણો કે મૂલ્યોનું સર્જન કરવું એ બંને એક નથી. યુવસાહસિકો આ બંને વચ્ચેનો ભેદ સમજે એવી અપેક્ષા છે.

સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકોએ એટલું સમજવું જોઈએ કે નફાના લોભમોહને સંયમમાં લાવવાની જરૂર છે. એની લગામ હાથમાં રાખીને ખેંચીને સમાજના મહત્તમ કલ્યાણ માટે ધનસંપત્તિ ઊભી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.