શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા લોકોનું ધ્યાન દોરીને સન્માર્ગે ચાલવાની દોરવણી આપવાનો પ્રયાસ કર્યો છે.

મનુષ્ય સદ્‌ગુણોને ધ્યાનમાં લઈને પોતાની મહત્તા કે ગુણવત્તા જાણવાને બદલે બાહ્ય ઉપાધિઓ એટલે કે સ્થાવરજંગમ મિલકત, શૈક્ષણિક લાયકાતો, હોદ્દાઓ, માન-મરતબા દ્વારા પોતાનો મોભો નક્કી કરે છે. એને સ્વાભાવિક ગણીને એના તાલે એ હંમેશાં નાચતો રહે છે. આવા માનવોને ધ્યાનમાં રાખીને ૧૪,  ડિસેમ્બર, ૧૮૮૨ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે થયેલ વાર્તાલાપમાં શ્રીઠાકુરે એકવાર આ સરસ મજાની ઉપમા દ્વારા સૌને ગળે ઊતરી જાય એ રીતે સમજાવ્યું છે.

‘જુદી જુદી ઉપાધિ આવે અને એ સાથે જીવનો સ્વભાવ બદલાતો જાય. જેણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું હોય તેને જો જો કે મોઢામાં એકાદું નાટકનું ગાયન આવી જાય. એ ઉપરાંત ગંજીફે રમવાનું, ફરવા જતાં હાથમાં સોટી (Stick), એવું એવું આવીને વળગે. એકાદો દૂબળો માણસ પણ જો બૂટ મોજાં પહેરે, તો તરત તે મોઢેથી સીટી વગાડવા લાગે, દાદરો ચઢતાં સાહેબ લોકોની પેઠે છલાંગ મારીને ચઢે. માણસના હાથમાં જો કલમ આવે તો કલમનો જ એવો પ્રભાવ, કે તરત એકાદો કાગળ-બાગળ હાથમાં લઈને તે તેના પર સર સર કરતો ને લીટા તાણવા લાગે.’

શ્રીરામકૃષ્ણદેવ માનતા કે કામ-કાંચન એ સૌથી મોટી ઉપાધિ કે આપત્તિનું સ્થાન છે. આમાં ફસાયેલ માનવ એનો ગુલામ બની જાય છે. એના જીવન વ્યવહારમાં, એના વર્તનમાં કેવો ફેરફાર થઈ જાય એની સમજણ શ્રીરામકૃષ્ણદેવે પોતાના એક મિત્રની આ મજાની વાત દ્વારા રજૂ કરી છે: 

‘પૈસા પણ એક મોટી ઉપાધિ. પૈસાવાળો થતાં જ માણસ જુદા પ્રકારનો થઈ જાય. એનો એ માણસ ન રહે. અહીં એક બ્રાહ્મણ આવજા કરતો. બહારથી સારો વિનયી હતો. થોડાક દિવસ પછી અમે કોન્નગર ગયા. હૃદય પણ સાથે હતો. અમે હોડીમાંથી જેવા ઊતર્યા કે તરત જ દેખાયું કે એ બ્રાહ્મણ ગંગાને કિનારે બેઠો છે. એમ લાગ્યું કે હવા ખાતો હશે. અમને દેખીને બોલ્યો, ‘કેમ ઠાકુર, કેમ છો?’ તેના બોલવાની રીત જોઈને મેં હૃદયને કહ્યું, ‘અરે હૃદુ! આની પાસે પૈસા ભેગા થયા છે, એટલે તેનું બોલવાનું આવી રીતે છે.’ હૃદય પણ હસવા લાગ્યો.’

કોઈ પણ માણસના જીવનમાં પૈસો ભલે આવે પણ એની સાથે એનો અહંકાર ભળે એટલે વાંદરાને દારૂ પીવડાવ્યા જેવું થાય. ભાન ભૂલીને પૈસાના નશામાં અને એની ધૂનમાં પોતાની જાતને આખી દુનિયાનો શહેનશાહ માનવા મંડે છે. આવો મિથ્યા અહંકાર માણસને કેટલી હદે મૂર્ખામી તરફ દોરે છે, એ વાતને શ્રીઠાકુરે અહીં સરસ બોધકથાથી પ્રગટ કરી છે:

‘એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી ખૂબ ખીજવાઈ જઈને હાથીની સામે લાત ઉગામવા લાગ્યો અને બોલ્યો: ‘તારી એટલી બધી હિંમત કે તું મને ઓળંગીને ચાલે?’ પૈસાનો એટલો અહંકાર. (૧.૧૪૨-૧૪૩)

શ્રીરામકૃષ્ણદેવ માત્ર ઉપાધિઓના માઠાં પરિણામોની વાત સાથે તેના નિરાકરણનો પોતાની આગવી શૈલીથી પ્રયાસ કરતા. 

૨૬ નવેમ્બર, ૧૮૮૩ના રોજ બ્રાહ્મોસમાજના ધનાઢ્ય વ્યક્તિ મણિલાલ મલ્લિકના ઘરે ઠાકુરે પૈસા, વૈભવ, સંપત્તિ, ઐશ્વર્યના દંભમાં ફસાયેલ લોકો માટે એક સરસ ઉપમાનો પ્રયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું:

‘કોઈ કોઈ ઐશ્વર્ય, વૈભવ, માન, પદ એ બધાંનું અભિમાન રાખે. પણ એ બધાં બે દિવસ સારુ. મૂઆં પછી કશુંય સાથે આવવાનું નથી.’

પછી આ જ વાતને વધારે અસરકારક રીતે લોકોનાં મનપ્રાણમાં પ્રવેશે એ હેતુથી તેઓ ગાવા લાગ્યા:

‘વિચારી જો મન કોઈ કોઈનું નહિ,
ખોટો ભ્રમ આ જગમાં;
ભૂલ મા, દક્ષિણા કાલી માને,
બંધાઈ માયા જાળમાં…
જેના સારુ ચિંતાથી મરો,
એ શું તારી સાથે જશે?
એ જ પ્રિયા છાંટશે પાણી;
અમંગળ થવાની બીકે,…
દિન બે ત્રણ સારુ જગે,
માલિક કહીને સૌએ માને;
એ માલિકને દેશે ફેંકી,
કાળ-અકાળનો માલિક આવ્યે…’

પછી વળી, સરળ છતાં અસરકારક ઉપમા દ્વારા એમણે આ અહંકારમાંથી મુક્ત થવાનો ઉપાય દર્શાવ્યો:

‘એવી જ રીતે પૈસાનો અહંકાર કરવો નહિ. જો એમ કહો કે હું પૈસાદાર, તો પૈસાદારોમાંય વળી એથીયે મોટો, એથીયે મોટો છે. સંધ્યા પછી જ્યારે આગિયો ઊડે, ત્યારે તે મનમાં માને કે આ જગતને હું અજવાળું આપું છું. પણ જેવા તારા ઊગ્યા કે તરત આગિયાનું અભિમાન ગળી ગયું. એ પછી તારાઓ વિચારવા લાગ્યા કે અમે જગતને પ્રકાશ આપીએ છીએ. થોડીક વારમાં જ્યાં ચંદ્રમા ઊગ્યો એટલે તારાઓ લજ્જાથી ઝાંખા પડી ગયા. એટલે ચંદ્ર મનમાં મલકાવા લાગ્યો કે મારી જ્યોત્સનાથી જગત હસી રહ્યું છે, હું જગતને પ્રકાશ આપી રહ્યો છું. પણ જોતજોતામાં અરુણોદય થયો, સૂર્ય ઊગ્યો. એટલે ચંદ્ર પણ મલિન થઈ ગયો, અને થોડીક વાર પછી તો દેખાતોય બંધ થઈ ગયો. 

પૈસાદારો આ બધાંનો વિચાર કરે તો પૈસાનો અહંકાર થાય નહિ.’ (૧.૩૫૪)

ધનસંપત્તિ એકઠું કરો પણ એ જો પોતાને કામમાં ન આવે અને બીજાનાય ઉપયોગમાં ન આવે તો એ ધનસંપત્તિ નિરર્થક છે. પાપીનો માલ પોતે ન ખાય, બીજા ન ભોગવે અને વ્યર્થ જાય. એટલે જ નિરર્થક ધનસંપત્તિ એકઠી કરવી અને એનો અહંકાર બંને ભયંકર હાનિકર્તા છે. તેમજ પૈસા, ધન, સંપત્તિ વ્યાવહારિક દૃષ્ટિએ કેટલાં નિરર્થક અને હાનિકારક છે, એ વાતને સહજ સરળ ઉદાહરણો દ્વારા આપણી સમક્ષ શ્રીઠાકુરે મૂકી છે. ૨૬, નવેમ્બર, ૧૮૮૩ના રોજ શ્રી વિજયકૃષ્ણ ગોસ્વામીને ઠાકુરે કહ્યું હતું:

‘અવધૂતનો બીજો એક ગુરુ હતો મધમાખી. મધમાખી ખૂબ મહેનત કરીને કેટલાય દિવસો સુધી મધ એકઠું કરે. પણ એ મધ પોતાથી ખવાય નહિ. બીજો કોઈ આવીને મધપૂડો પાડીને ઉઠાવી જાય.’ (૧.૩૫૨)

આવી નિરર્થક ધનસંપત્તિ પાછળની આંધળી દોટ માણસની કેવી અવદશા કરે છે અને એની પાછળ કેવા કેવા અને કેટલા લોકો પડી જાય છે, પરિણામે એના જીવનની શાંતિ હણાઈ જાય છે. આ ઉપદેશને શ્રીરામકૃષ્ણદેવે વિજયકૃષ્ણ ગોસ્વામી સમક્ષ ભાગવતમાંના અવધૂતના ચોવીસ ગુરુના દૃષ્ટાંત દ્વારા સુંદર રીતે ૨૪, મે, ૧૮૮૪ના રોજ રજૂ કર્યો હતો:

ભોગ હોય એટલે યોગ ઘટી જ જાય. તેમ પાછું ભોગ હોય એટલે બળતરા હોય જ. શ્રીમદ્ ભાગવતમાં છે: અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીનેય એક ગુરુ કરેલ. સમળીની ચાંચમાં માછલું હતું, એટલે હજારો કાગડાઓ તેને ઘેરી વળ્યા. માછલું ચાંચમાં લઈને સમળી જે દિશામાં જાય તે બાજુએ કાગડાઓ પણ પાછળ ‘કા કા’ કરતા જાય. છેવટે જ્યારે સમળીની ચાંચમાંથી માછલું અચાનક પડી ગયું, ત્યારે કાગડા બધા એ માછલાની તરફ ગયા, પછી સમળીની તરફ ગયા નહિ.

સામિષં કુરરં જઘ્નુર્બલિનો યે નિરામિષા: ।
તદામિષં પરિત્યજ્ય સ સુખં સમવિન્દત ॥

(શ્રીમદ્ ભાગવત ૧૧.૯.૨)

‘માછલું એટલે કે ભોગની વસ્તુ. કાગડાઓ એટલે કે કાળજી, ચિન્તાઓ વગેરે. જ્યાં ભોગ ત્યાં કાળજી અને ચિંતા; ભોગનો ત્યાગ થતાં જ શાન્તિ.

સદ્હેતુ વિનાની સંપત્તિ ભેગી કરવાની વૃત્તિથી સમાજના બીજા લોકો તો એનો ગેરલાભ ઉઠાવવા તૈયાર રહે છે. પણ આવી સંપત્તિ ક્યારેક લોહીના સંબંધોને લોહિયાળ બનાવી દે છે. એટલે કે નજીકના માનવીય સંબંધોથી પણ એને વંચિત કરી દે છે. પરિણામે એના જીવનનાં શાંતિ અને આનંદ કેવી રીતે નષ્ટ થાય છે એ વાત બીજી ઉપમા દ્વારા શ્રીઠાકુરે હૃદય સોંસરવી ઉતરી જાય એવી ભાષામાં રજૂ કરી છે:

‘વળી જુઓ, અર્થ (પૈસા)થી જ પાછો અનર્થ થાય. તમે લોકો ભાઈઓ ભાઈઓ મજાના છો. પરંતુ ભાઈ ભાઈમાં ભાગ વહેંચણીને લીધે ઝઘડો થાય. કૂતરાં એક બીજાનાં અંગ ચાટાચાટ કરતાં હોય, પરસ્પરમાં ખૂબ પ્રેમ. પરંતુ જો કોઈ ખાવાનું નાખે તો એકબીજાં પરસ્પર કરડાકરડી કરે!’ (૧.૫૦૫)

પૈસાના મોહમાં પડેલો અને એ જ દુનિયામાં રાચતો માણસ આંખો હોવા છતાં અંધ બની જાય છે. એટલે કે આવી ધનસંપત્તિ માણસના મનમાં એક મફતિયાવૃત્તિ જન્માવે છે. એટલે એમને એમ બધું મેળવી લેવાની ઇચ્છા કરતો થઈ જાય છે. લોભ-લાલચથી પણ નીચો પડી જાય છે. વિનોદ અને કટાક્ષવાળા એક મજાના ઉદાહરણ દ્વારા ૧૨, એપ્રિલ, ૧૮૮૫ના રોજ શ્રીઠાકુર મહેન્દ્રને કહે છે: 

‘કેમ ભાઈ, છોકરાંછૈયાં નથી, કોઈની નોકરી કરવાની નથી; તોય ફુરસદ નહિ? આ તો સારી જંજાળ… અને અહીંયા તો ઠાકરથાળીમાં પૈસા મૂકવા ન પડે.’

‘યદુની મા એટલા સારુ કહે કે બીજા સાધુઓ માત્ર ‘આપો, આપો’ જ કર્યા કરે; બાબા, તમારું એવું નહિ!’ સંસારી લોકોને પૈસા ખરચ કરવા પડે એથી નારાજ થાય.’

શ્રીઠાકુરે તરત જ બીજી મજાની વાર્તા કહી:

‘એક જગાએ રામલીલા થતી હતી. એક જણને ત્યાં બેસીને જોવાની ખૂબ ઇચ્છા. પણ તેણે ડોકું તાણીને જોયું તો વચ્ચે પૈસા વગેરે ભેટ મૂકવાની થાળી પડી છે. એટલે એ ધીરે ધીરે ત્યાંથી સરકીને ચાલ્યો ગયો. બીજે એક ઠેકાણે રામલીલા થતી હતી ત્યાં ગયો. ત્યાં બહુ જ ભીડ જામી હતી. એક બે માણસોને પૂછતાં તેણે જાણ્યું કે અહીંયાં કંઈ ભેટ ધરવાની નથી. એટલે પેલો પોતાના બન્ને હાથની કોણીઓ ભરાવતો ભરાવતો ભીડમાંથી રસ્તો કરીને છેક નજીક જઈ પહોંચ્યો. પછી સારી રીતે બેસીને મૂછે તાવ દઈને સાંભળવા લાગ્યો. (હાસ્ય). (૨.૮૬)

ધનસંપત્તિ અને સત્તાના સિંહાસન પર બેસીને પોતાની શેખી ઉડાડનારા લોકો વિશે ઠાકુરે જાણે કે ચાબખા મારતા હોય એવાં ઉદાહરણો આપીને એમની હાંસી કરી છે. એનાથી સાવધાન રહેવાની અને એમને વિવેકપૂર્વક કેવી રીતે સંભાળી લેવા એની વાત ૨૬, સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામીને માધ્યમ બનાવીને શ્રીઠાકુરે જાણે કે આપણી સમક્ષ મૂકી છે:

‘આવા કેટલાકથી સાવચેત રહેવું. પહેલાં તો મોટો માણસ. તેની પાસે પૈસા, માણસો વગેરે હોય, તેના મનમાં આવે તો તે તમારું નુકસાન કરી શકે. એવાની સામે સાવચેત રહીને વાતચીત કરવી. કાં તો એ જે કહે તેમાં હા ભણ્યે જવી જોઈએ. ત્યાર પછી કૂતરું. કૂતરું જ્યારે દોડી આવે, કે હાઉ હાઉ કરતું ને ભસતું આવે ત્યારે ઊભા રહીને મોઢેથી બૂચ બૂચ એમ બૂચકારો કરીને તેને શાંત કરવું જોઈએ. ત્યાર પછી સાંઢ. એ શીંગડું મારવા આવે તો તેનેય મોઢાનો અવાજ કરીને શાંત કરવો જોઈએ. ત્યાર પછી દારૂ પીધેલો માણસ. તેને જો ખીજવી દો તો એ સાત પેઢીની સંભળાવે: ‘તારા બાપનું આમ ને તારા બાપનું તેમ,’ એમ કહીને ગાળો દે. તેને પણ કહેવું જોઈએ, ‘કાં કાકા, કેમ છો?’ તો એ બહુ રાજી થાય. તો એ તમારી પાસે બેસીને હુક્કો પીએ!’ (૧.૬૮૦)

ઉછી-ઉધારા કરનારા અને પોતાને તુંબડે ન તરનારા, લાલચુ વૃત્તિવાળા માગણની જેમ ફરનારા લોકો વિશે શ્રીઠાકુરે ૨, માર્ચ, ૧૮૮૪ના રોજ હૃદય અને શંભુમલ્લિકની એક ઘટનાની વાત કરતાં કહ્યું છે:

‘હૃદયે શંભુ મલ્લિકને કહ્યું હતું કે ‘મને થોડાક રૂપિયા આપો.’ શંભુ મલ્લિકના અંગ્રેજી (પાશ્ચાત્ય) વિચાર. તેણે કહ્યું કે ‘તમને શું કામ આપું? તમે તો કામ કરીને ખાઈ શકો છો, ગમે તેમ તોય તમે કાંઈક કમાઓ છો. પણ ખૂબ જ ગરીબ હોય એ જુદી વાત, કે પછી આંધળો, લૂલો, અપંગ હોય! એમને દેવાથી ફાયદો થાય.’ એટલે હૃદય બોલી ઊઠ્યો કે ‘મહાશય! આપ એમ કહેશો મા. મારે તમારા રૂપિયા નથી જોઈતા. ભગવાન કરે ને અમારે આંધળા, લૂલા, અપંગ, અતિ દરિદ્ર ને એ બધું થવું ન પડે. આપનેય દેવાની જરૂર નથી ને મારેય લેવાની જરૂર નથી!’ (૪૬૭)

સામાન્ય રીતે કામના-કાંચનના લોભી બનાવે છે. લોકો પોતાની કામનાઓને સંતોષવા કાંચનની પાછળ દોડે છે. જયપુરના ગોવિંદજી મંદિરના પૂજારીઓનું ઉદાહરણ આપીને આ વાત શ્રીઠાકુરે ૧૪,  ડિસેમ્બર, ૧૮૮૨ના રોજ ઘણી સહજસરળ રીતે રજૂ કરી છે:

કામિની-કાંચન જ જીવને બદ્ધ કરે. એનાથી જ જીવની સ્વતંત્રતા જાય. કામિનીને અંગે જ કાંચનની જરૂર. એને માટે જ બીજાની ગુલામી. સ્વતંત્રતા ચાલી જાય. તમે તમારા મન મુજબ કામ કરી શકો નહિ.

‘જયપુરમાં ગોવિંદજીના પૂજારીઓ પહેલાં પહેલાં તો વિવાહ ન કરતા. ત્યારે ખૂબ તેજસ્વી હતા. એક વાર રાજાએ તેડું મોકલ્યું તોય એ લોકો ન ગયા. ઊલટું કહેવરાવ્યું કે ‘રાજાને અહીં આવવાનું કહો.’ એ પછી રાજા અને બીજા લોકોએ મળીને તેમનાં લગ્ન કરી નાખ્યાં. લગ્ન થઈ ગયાં પછી રાજાની સાથે મુલાકાત કરવા સારુ કોઈને બોલાવવા જ જવું ન પડતું. એ લોકો પોતે જ હાજર થઈ જતા: ‘મહારાજ આશીર્વાદ આપવા આવ્યા છીએ. આ ભગવાનનું નિર્માલ્ય લાવ્યા છીએ, તે સ્વીકારો!’ ન છૂટકે આવવું જ પડે, કારણ કે કોઈ દિવસ છોકરાંનું અબોટણ હોય, તો કોઈ દિવસ છોકરાંની જનોઈ હોય, તો વળી કોઈ દિવસ ઘર બાંધવાનું કામ હોય, એ બધું.’ (૧.૧૩૯)

સંસારમાં રહો એટલે ધનસંપત્તિ એકઠી થવાની જ. પણ એ સંપત્તિને ત્યાગીને ભોગવી જાણોની ભાવનાથી ભોગવીએ તો એ સંપત્તિનો સદુપયોગ થયો ગણાય અને એમાં આત્મકલ્યાણ અને સર્વકલ્યાણ સમાયેલાં છે. ધનના સદુપયોગ વિશેની વાત ગિરીશને સંબોધીને ૧૬, એપ્રિલ, ૧૮૮૬ના રોજ સુંદર ઉદાહરણ સાથે શ્રીઠાકુરે કહી હતી:

‘કામિની-કાંચન જ સંસાર. ઘણા માણસો રૂપિયાને શરીરના લોહી બરાબર માને. પૈસાને હદ ઉપરાંત સાચવ્યા કર્યે, કાં તો એક દિવસ બધોય ચાલ્યો જાય. 

અમારે ત્યાં દેશમાં ખેતરને પાળ બાંધે, પાળ સમજો છો ને? જેઓ ખૂબ મહેનત કરી કરીને ચારે કોર પાકી પાળ બાંધી દે, તેમની પાળ પાણીના જોસથી તૂટી જાય. પણ જેઓ એક બાજુ જરા છીંડું રાખીને ઘાસની આડશ દઈ રાખે, તેમની જમીનમાં કેવો મજાનો કાંપ જામે ને કેટલો પાક થાય! 

જેઓ રૂપિયાનો સદુપયોગ કરે, દેવસેવા, સાધુ-ભક્તોની સેવા કરે, દાન કરે, તેમનું જ સાર્થક થાય; તેમનો જ પાક આવે.’ (૨.૩૫૪-૩૫૫)

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.