શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે ચીજવસ્તુઓને ધ્યાનમાં લઈને આવે છે. પણ શ્રીઠાકુર આ બધાનું એટલું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે અને એમાંથી એવો તત્ત્વનિચોડ કાઢે છે કે જે વાચીને આપણે મુગ્ધ બની જઈએ છીએ અને આપણને સરળતાથી ભગવત્પ્રાપ્તિના પથ પર આગળ વધવાની પ્રેરણા પણ મળી રહે છે.

વેદાંત પ્રમાણે બ્રહ્મને નિર્ગુણ, નિરાકાર અને નિર્લિપ્ત, અક્ષર, વગેરે શબ્દો દ્વારા વર્ણવાનો પ્રયત્ન થયો છે. પૂર્વ અને પશ્ચિમના આધુનિક દાર્શનિકોની મનોમૂંઝવણ એ છે કે આ કહેવાતા નિર્ગુણ, નિરાકાર, નિર્લિપ્ત બ્રહ્મના અસ્તિત્વ ઉપર માયા અને તેના દ્વારા પ્રતિભાસિત થતી ઉપાધિઓની અસરથી તે કેવી રીતે પર રહી શકે? દાર્શનિક રીતે જુદા જુદા સંપ્રદાયના આચાર્યોએ પોતપોતાની આગવી રીતે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ સામાન્યમાં સામાન્ય માણસને આ ગહનતત્ત્વની વાત સમજાઈ જાય એવી રીતે શ્રીઠાકુરે સાપ અને તેના ઝેરની, દીવા અને સૂર્યની ઉપમા દ્વારા રજૂ કરી છે:

૫, ઓગષ્ટ, ૧૮૮૨ના રોજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે થયેલી મુલાકાત વખતે વિદ્યા અને અવિદ્યાની વાત કહેતાં કહેતાં ઠાકુર બ્રહ્મજ્ઞાનની વાત કહે છે. એમાં બ્રહ્મ, વિદ્યા-અવિદ્યા, સત્-અસત્ની સૂક્ષ્મ ચર્ચા અને જ્ઞાનની વાત અત્યંત મિતાક્ષરી ભાષામાં સૌને ગળે ઊતરી જાય તેવી રીતે શ્રીઠાકુરે વાત આપણી સમક્ષ મૂકી છે.

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ એ વિદ્યા અને અવિદ્યાથી પર, માયાતીત.

‘આ જગતમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બન્ને છે; જ્ઞાનભક્તિ છે તેમજ કામ-કાંચન પણ છે; સત્ પણ છે, અસત પણ છે; સારુંય છે, તેમ નરસુંય છે; પરંતુ બ્રહ્મ છે અલિપ્ત: સારું નરસું જીવને માટે, સત્ અસત્ જીવને માટે. બ્રહ્મ તેથી લેપાતું નથી.

‘જેમ કે દીવાની સામે કોઈ ભાગવત વાંચે, અને કોઈ ખોટી સહી કરે, પણ દીવો નિર્લેપ!’

‘સૂર્ય સજ્જનને પણ પ્રકાશ આપે, તેમજ દુર્જનને પણ.

‘જો એમ કહો કે દુ:ખ, પાપ, અશાંતિ એ બધાં ત્યારે કોને માટે? તો તેનો જવાબ એ કે એ બધાં જીવને લાગુ પડે છે. બ્રહ્મ અલિપ્ત. સાપની અંદર વિષ છે, તે બીજાને કરડે તો મરી જાય, પરંતુ તેથી સાપને કશું થાય નહિ.’ (૧.૫૬-૫૭)

શ્રીઠાકુરે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહ્યું હતું:

‘બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહિ. બધી વસ્તુ એઠી થઈ ગઈ છે; વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન, એ બધાં એઠાં થઈ ગયાં છે! મોઢેથી બોલવામાં આવ્યાં છે, મોઢેથી ઉચ્ચારણ થયું છે, એટલે જાણે કે એઠાં થઈ ગયાં છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી થઈ નથી. એ વસ્તુ બ્રહ્મ. બ્રહ્મ શું તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.’

આ સાંભળીને વિદ્યાસાગરને થયું કે આજે એક નવી વાત શીખ્યો.

આ જ વાત શ્રીઠાકુરે એક સરસમજાની ઉપમાકથા દ્વારા સમજાવી દીધી:

‘એક બાપને બે દીકરા. બ્રહ્મવિદ્યા શીખવા સારુ બન્ને છોકરાને બાપે આચાર્યના હાથમાં સોંપ્યા. કેટલાંક વરસ આચાર્યને ઘેર રહ્યા પછી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને બાપને પ્રણામ કર્યા. બાપને ઇચ્છા થઈ કે જોઈએ, આ બન્નેને બ્રહ્મજ્ઞાન કેવુંક થયું છે. એટલે તેણે મોટા દીકરાને પૂછ્યું કે ‘બેટા! તું તો બધું ભણી આવ્યો; તો બ્રહ્મ કેવું છે તે બોલ જોઉં.’ એટલે મોટા દીકરાએ તો વેદમાંથી કેટલાય મંત્રો બોલી બોલીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માંડ્યું! બાપ ચૂપ રહ્યા. પછી જ્યારે નાના દીકરાને પૂછ્યું ત્યારે તે મુખ નીચું કરીને ચૂપ થઈ ગયો. મુખે એક શબ્દ સરખોય નહિ! પિતા તેના પર પ્રસન્ન થઈને બોલ્યા, ‘બેટા! તું જ સમજ્યો છે! બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ.’ 

‘માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. એક કીડી સાકરના પહાડ પાસે ગઈ હતી. એક દાણો ખાધો ત્યાં એનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો એક દાણો મોઢામાં લઈને દરમાં જવા લાગી. જતી વખતે વિચાર કરે છે કે આ વખતે આવીને આખો પહાડ જ ઉઠાવી જાઉં. ક્ષુદ્ર જીવો આવું બધું ધારે. તેમને ખબર નથી કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે.’

‘કોઈ ગમે તેટલો મોટો હોય, તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? શુકદેવ વગેરે બહુ તો મોટા મંકોડા, ખાંડના વધારેમાં વધારે આઠ દસ દાણા મોઢામાં લઈ જઈ શકે!’ (૧.૫૭)

બ્રહ્મ ભાષાતીત છે, અક્ષરાતીત છે એ વાત શ્રીઠાકુરે વધારે પ્રભાવક રીતે ૨૦મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૩ના રોજ આ વાર્તા દ્વારા આપણી સમક્ષ મૂકી છે:

એક છોકરીનો વર આવ્યો છે. તે બીજા સમાન વયના છોકરાઓની સાથે બહારના ઓરડામાં બેઠો છે. આ બાજુએ છોકરી અને તેની સમાન વયની સખીઓ અંદરની બારીમાંથી જુએ છે. એ સખીઓ વરને ઓળખતી નથી. એટલે આ છોકરીને પૂછે છે, ‘પેલો તારો વર?’ પેલી જરાક મોઢું મરકાવીને કહે છે કે ‘ના.’ બીજા એક છોકરાને દેખાડીને પૂછે છે, ‘એ તારો વર?’ એ છોકરી વળી કહે છે કે ‘ના.’ વળી એક છોકરાને દેખાડીને સખીઓ પૂછે છે કે ‘આવડો આ તારો વર?’ પેલી વળી કહે છે કે ‘ના.’ છેવટે તેના વરને દેખાડીને સખીઓ પૂછે કે ‘આ તારો વર?’ ત્યારે એ છોકરી હા પણ બોલી નહિ ને ના પણ બોલી નહિ. માત્ર સહેજ ફિક કરીને હસીને ચૂપ કરી રહી. એટલે સખીઓ સમજી ગઈ કે એ જ એનો વર. જ્યાં યથાર્થ બ્રહ્મજ્ઞાન, ત્યાં મૌન.’ (૧.૩૦૩)

નિર્લિપ્ત બ્રહ્મ વિશે વાત કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું કે જેમ પાનખર આવતાં વૃક્ષનાં પાંદડાં ખરે, એ નીચે પડે, ગટરમાં પડે કે કોઈ મંદિરના પવિત્ર સ્થળે પણ  પડે, ચાર ચોકવાળા રસ્તામાં પડે; પણ એનો પ્રભાવ કે અસર વૃક્ષ પર થતી નથી.

બ્રહ્મ નિર્લિપ્ત છે, નિર્ગુણ છે, છતાં એ જાજ્વલ્યમાન ભગવતી શક્તિ પણ ધરાવે છે. આ કેવી રીતે સંભવ બને? એ પ્રશ્નના નિરાકરણ માટે શ્રીઠાકુર એક સરસમજાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે:

‘ઈશ્વરનાં દર્શન થયે માણસ આનંદથી વિહ્વળ થઈ જાય, ચૂપ થઈ જાય. પછી સમાચાર આપે કોણ? સમજાવે કોણ?

‘સાત દોઢી (દેવડી)ની પછી રાજા. પ્રત્યેક દોઢીએ એક એક મહાઐશ્વર્યવાન પુરુષ બેઠેલ છે. પ્રત્યેક દોઢીએ શિષ્ય પૂછે છે કે આ શું રાજા? ગુરુ કહે છે, ના, નેતિ, નેતિ. સાતમી દોઢીએ જઈને શિષ્યે જે જોયું તે જોતાં જ તે એકદમ આશ્ચર્યચક્તિ! આનંદથી વિહ્વળ! પછી પૂછવાનું જ રહ્યું નહિ કે ‘આ શું રાજા?’ જોતાંવેંત સર્વ સંશય મટી ગયા.’

શ્રીઠાકુરની આવી નાની મોટી બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંત કથાઓ આપણને આધ્યાત્મિક જગતની ઘણી ગહનવાતો કહી જાય છે. આ બધી વાતોમાં આધ્યાત્મિકતા તો છલકતી રહે છે પણ સાથે ને સાથે એમનું વ્યવહારુજગતનું કેટલું બારિક નિરીક્ષણ છે એનો પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.