શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને આપ્યા છે, અલબત્ત, સંન્યાસીઓ, ત્યાગીઓની વાત તો કરી જ છે; પણ આ વિષમ કળિયુગમાં સદ્‌ગુણી ગૃહસ્થ સદ્‌ગુણોને કેળવીને એક અધ્યાત્મકેન્દ્રી જીવન કેવી રીતે જીવી શકે એની વાત એમણે અનેક દૃષ્ટાંતકથાઓ, ઉપમાઓ સાથે કરી છે.

૧૮૮૨ના માર્ચમાં માસ્ટર મહાશયે શ્રીઠાકુરને પૂછ્યું હતું કે સંસારી લોકોએ કેવી રીતે રહેવું કે જેથી ઈશ્વરપરાયણ જીવન જીવી શકાય. સામાન્ય રીતે આપણે સૌ સંસાર અને આધ્યાત્મિક સાધના કે ઈશ્વરપરાયણ જીવન બંને સાથે ન થઈ શકે, બેમાંથી એક રસ્તે ચાલવું પડે એવો ખ્યાલ રાખીએ છીએ. પણ શ્રીઠાકુર તો આ કળિયુગની વિષમ પરિસ્થિતિમાં જીવતા દુ:ખી પીડિત સંસારી લોકોના ક્ષેમકલ્યાણ માટે અવતર્યા હતા. એટલે એમણે ગૃહસ્થોના મનહૃદયને હંમેશાં શાશ્વત શાંતિ અને આનંદ મળે એવો માર્ગ બતાવ્યો છે. આ માર્ગ સહજ-સરળ છે. એમણે આ બધી વાત અહીં બે સરસ મજાનાં ઉદાહરણો દ્વારા આપણી સમક્ષ મૂકી છે. હવે આપણે એ પથ પર ચાલવાનો નિર્ણય કરવાનો છે.

શ્રીરામકૃષ્ણ – બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે. ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.’

‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડા પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’

સૌ પ્રથમ તો ભક્તિના પથે આપણે ચાલવું પડે. એ પથે આપણે ચાલતા થઈએ અને આપણે સન્માર્ગે હોઈએ તો આપણા ઈશ્વરપ્રાપ્તિના પથમાં ક્યાંય મુશ્કેલી ન આવે. જો એવું ન થાય તો ઊલટું મહા મુસીબતમાં મૂકાવું પડે. જો એમાંથી બચવું હોય તો આપણને સંસારી લોકોને શ્રીઠાકુર અહીં ફણસ ચીરવાની કળા, દહીં જમાવવાનું, ઘરેલું, સુંદર અને ગળે ઊતરી જાય તેવાં ઉદાહરણ આપીને માર્ગદર્શન આપે છે:

‘ઈશ્વર ભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’

‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’

‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.’

ભક્તિ-પ્રાપ્તિ માટે એકાંતમાં ઈશ્વરચિંતન થાય તો જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ મળે. એ સિવાય તો માનવનું મન સંસારમાં રહીને નીચે ઊતરી જવાનું. હવે એ મનને જો નીચે ઊતરવા ન દેવું હોય અને એને ઊર્ધ્વગામી બનાવવું હોય તો શ્રીઠાકુર આપણને ગૃહસ્થોને આવી સાદીસીધી સલાહ આપે છે. સાથે ને સાથે વિવેક વૈરાગ્ય બુદ્ધિથી વિચારવું પણ આવશ્યક છે. જે આ પથ પર ચાલે એને ઈષ્ટ પ્રાપ્તિ થાય જ. શ્રીઠાકુર કહે છે: 

‘વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની – કાંચનના જ વિચાર આવે.’

‘સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ-પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસાર જળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.’

‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ – કાંચન અનિત્ય. ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર. સમજો છો?’ (૧.૨૨-૨૩)

૧૫, જૂન ૧૮૮૩ના રોજ રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી)ના પિતા અને પિતાના સસરા આવ્યા હતા. સસરાના ‘ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત્પ્રાપ્તિ થાય કે કેમ’ એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર આપણને ઉદાહરણ અને ઉપમાઓ દ્વારા કહે છે કે નિર્જન, એકાંત સ્થળે કરેલી સાધના વિઘ્નવિહોણી સિદ્ધિ આપે છે, પણ બધા બખડજંતર વચ્ચે કરેલ સાધના કે તપનું ફળ મળતું નથી. પરિણામે મન અશાંત રહે છે અને સિદ્ધિપ્રાપ્તિ થતી નથી. સંસારમાં રહીને જો આપણે ઈશ્વરલાભ મેળવવા માગતા હોઈએ તો શ્રીઠાકુર આપણને આટલું કરવાનું કહે છે:

શ્રીરામકૃષ્ણ (હસીને) – કાદવી-માછલીની પેઠે રહો. એ માછલી રહે કાદવમાં, પરંતુ શરીરે કાદવ જરાય ન લાગે અને છિનાળ સ્ત્રીની પેઠે રહો. છિનાળ સ્ત્રી ઘરનું બધું કામકાજ કરે, પણ મન યારની પાસે હોય. મન ઈશ્વરમાં રાખીને સંસારનું બધું કામ કરો. પરંતુ એ બહુ કઠણ. બ્રાહ્મ-સમાજીઓને મેં કહ્યું હતું કે ‘જે ઓરડામાં અથાણાં, આંબલી અને પાણીનું માટલું હોય, તે જ ઓરડામાં વિકાર-જવરનો રોગી! તો પછી રોગ કેમ કરીને મટે? અથાણાં-આંબલીનો વિચાર આવતાં જ મોઢામાં પાણી છૂટે! પુરુષોને માટે સ્ત્રી અથાણાં-આંબલી જેવી. અને વિષયની તરસ તો સદા લાગેલી જ છે. એ પાણીનું માટલું. એ તૃષ્ણાનો અંત નહિ. વિકાર-જવરનો રોગી કહેશે કે એક માટલું ભરીને પાણી પી જાઉં. સંસારમાં અનેક જાતની ઉપાધિઓ. આ બાજુ જાઓ તો ચિંથરાનો માર, પેલી બાજુએ જાઓ તો ઝાડુનો માર, ત્રીજી બાજુએ જાઓ તો ખાસડાંનો માર અને નિર્જન સ્થાન ન હોય તો ભગવત્ચિંતન થાય નહિ. સોનું ગાળીને ઢાળિયો પાડવો હોય, તો જો ગાળતી વખતે જ પાંચ વાર બોલાવે તો સોનું ગાળવાનું બને કેમ કરીને? ચોખા છડવા હોય તો એકલા બેસીને છડવા જોઈએ. વચ્ચે વચ્ચે ચોખા હાથમાં લઈને જોવા જોઈએ કે કેવાક સાફ થયા. છડતાં છડતાં જો પાંચ વાર બોલાવે તો પછી સારી રીતે છડાય કેમ કરીને? (૧.૨૫૫)

સંસારમાં નિત્ય શું છે અને અનિત્ય શું છે? સંસારી લોકોએ કોને પકડવું જોઈએ કે જેથી એમને ઈશ્વર પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું શક્ય બને? એ વાત ૨૩ માર્ચ, ૧૮૮૪ના રોજ શ્રીઠાકુરે અધરને સમજાવતાં કહ્યું:

‘જુઓ, એ બધાં અનિત્ય. મિટિંગ, ઇસ્કૂલ, ઓફિસ એ બધાં અનિત્ય, ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. સંપૂર્ણ મન દઈને એની જ આરાધના કરવી ઉચિત.’

આ બધું અનિત્ય, શરીર તો ઘડીકમાં છે ને ઘડીકમાં નથી. માટે ઝટઝટ ઈશ્વરને સ્મરી લેવો જોઈએ.’

વળી પાછું કાચબી અને ઈંડાનું ઉદાહરણ આપીને આપણે ઈશ્વરમાં કેવી રીતે મન પરોવી રાખવું એ વાત આપણને આ શબ્દોમાં સમજાવી દે છે:

‘તમારે સર્વસ્વ ત્યાગ કરવાની જરૂર નહિ. કાચબીની પેઠે સંસારમાં રહો. કાચબી પોતે પાણીમાં ફરતી હોય; ઈંડાં કાંઠે પડ્યાં હોય. પરંતુ કાચબીનું બધું મન જ્યાં એનાં ઈંડાં પડ્યાં હોય ત્યાં હોય. (૧.૪૮૭)

આધુનિક શિક્ષણ પામેલા સરકારી ખાતામાં સારી નોકરી કરતા જ્ઞાનબાબુએ શ્રીઠાકુરને ૧૪મી સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ ‘જ્ઞાનોદય તો ભાગ્યશાળીને થાય’ એ વાત કરી. એના સંદર્ભમાં શ્રીઠાકુર આપણને જ્ઞાન-અજ્ઞાનના સંબંધની વાત વસિષ્ઠના ઉદાહરણ દ્વારા સાનમાં સમજાવી દે છે. આપણે સંસારમાં રહીએ છીએ તો શોક-આનંદ, સુખદુ:ખ, આવવાનાં. આ બધું આવે છે, ઘણી વખત જ્ઞાન-અજ્ઞાનના કારણે; આવી પરિસ્થિતિના નિવારણ માટે આપણે શું કરવું? એ મોટી મુંઝવણનો પ્રશ્ન છે. પણ શ્રીઠાકુર સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણા મનની મૂંઝવણને દૂર કરી દે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે ‘જ્ઞાની’ થઈને અજ્ઞાની કેમ? અરે હાં, સમજ્યો. જ્યાં જ્ઞાન, ત્યાં જ અજ્ઞાન. વસિષ્ઠ મુનિ એટલા મોટા જ્ઞાની, છતાં પુત્રના શોકથી રડ્યા હતા! માટે તમે જ્ઞાન અજ્ઞાનની પાર જાઓ. અજ્ઞાન કાંટો પગમાં વાગ્યો છે; એ કાઢવાને માટે જ્ઞાનરૂપી કાંટાની જરૂર. ત્યાર પછી એ નીકળી જાય એટલે બેય કાંટા ફેંકી દેવા.’

સંસારમાં નિર્લિપ્તભાવે ઈશ્વર ભક્તિ કેવી રીતે કરી શકાય અને આ જીવનને આનંદની કુટિર કેમ બનાવાય એની વાત શ્રીઠાકુર અહીં આપણને પૌવા ખાંડનારી નારીના એકી સાથે થતાં ધ્યાનપૂર્વકનાં અનેક કાર્યોના ઉદાહરણથી સમજાવે છે:

‘આ સંસાર ભ્રમણાની કુટિર (જાળ), જ્ઞાની કહે છે. જે જ્ઞાન-અજ્ઞાનથી પર થયો છે તે કહે છે કે ‘મજા-આનંદ(કરવાની) કુટિર.’ એ જુએ કે ઈશ્વર જ જીવ, જગત, આ ચોવીસ તત્ત્વો વગેરે બધું થયેલ છે.

‘ઈશ્વર-પ્રાપ્તિ કર્યા પછી સંસાર ચલાવી શકાય. ત્યારે નિર્લિપ્ત થઈ શકાય. અમારા દેશમાં પૌંવા ખાંડનારી બાઈઓને જોઈ છે કે તેઓ મોટા સાંબેલાની નીચે પૌંવા ખાંડે. તેઓ એક હાથે પૌંવા સંકોરે, બીજે હાથે ખોળામાંનું છોકરું ધવરાવે, અને વળી ઉપરથી ઘરાકની સાથે વાત પણ કરે કે ‘તમારી પાસે જે બે આના લેણા નીકળે છે તે દેતા જાઓ.’ પરંતુ તેનું રૂપિયે બાર આના મન હાથ ઉપર હોય, વખતે હાથ ઉપર સાંબેલું પડી જાય તો! તેમ બાર આના મન ઈશ્વરમાં રાખીને ચાર આના વડે સંસારનાં કામકાજ કરવાં. (૧.૬૨૭)

આ સંસારમાં રહીને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે સાધી શકાય અને એક ગૃહસ્થ સંસારમાં રહીને કેવી રીતે ઈશ્વરની આરાધના કરે છે કે જેથી એને ઈશ્વરપ્રાપ્તિનું ફળ મળે, પ્રતાપચંદ્રે ૧૫, જૂન, ૧૮૮૪ના રોજ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપણા જેવા સૌ ગૃહસ્થોને પણ લાગુ પડે છે. શ્રીઠાકુરે ચિંધેલા આ માર્ગે જો આપણે ચાલીએ તો આપણને પણ ઈશ્વરલાભ મળે ખરો. 

શ્રીરામકૃષ્ણ – હું કહું છું કે સંસાર કરવામાં દોષ શો? પણ સંસારમાં દાસીની પેઠે રહો.

શેઠના ઘરની વાત નીકળતાં, દાસી કહેશે કે ‘અમારું ઘર.’ પણ તેનું પોતાનું ઘર તો હોય ગામડામાં. શેઠના મકાનને બતાવીને મોઢેથી કહેશે કે ‘અમારું ઘર’. પણ મનમાં સમજે કે એ ઘર મારું નથી. મારું ઘર તો ત્યાં ગામડામાં. તેવી જ રીતે શેઠના છોકરાને મોટો કરે અને કહે કે મારો હરિયો બહુ તોફાની છે, મારા હરિને મીઠાઈ ભાવે નહિ. એ મોઢેથી ‘મારો હરિયો, મારો હરિયો’ કરે ખરી, પણ અંદરથી સમજે કે હરિયો મારો નહિ. શેઠનો છોકરો.

એટલે જેઓ અહીંયાં આવે તેમને હું કહું છું કે સંસાર ભલે ને ચલાવો, તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખીને કરો. એમ જાણજો કે ઘરબાર કુટુંબ એ બધું મારું નથી, ઈશ્વરનું. મારું ઘર તો ઈશ્વરની પાસે. એ ઉપરાંત કહું કે પ્રભુનાં ચરણકમલમાં ભક્તિને માટે આતુર થઈને પ્રાર્થના કરજો! (૧.૫૩૯)

સંસારમાં રહીને આપણે કેવી રીતે આધ્યાત્મિકતાના પથે આગળ વધી શકીએ અને સાધન-ભજન નિર્વિઘ્ને કરી શકીએ એવી બેલઘરિયાના ભક્તોની શંકાના ઉત્તરમાં શ્રીઠાકુર ૧૦, જૂન, ૧૮૮૩ના રોજ ભક્તોને આવો ઉપદેશ આપે છે:

‘તે તમે સંસારમાં છો તેમાં શું વાંધો? એમાં તો સાધનાની વધુ સગવડ, જેમ કે કિલ્લામાંથી લડાઈ કરવી. જ્યારે શબ-સાધના કરે ત્યારે વચ્ચે વચ્ચે શબ મોઢું ફાડીને બીક દેખાડે. એટલે મમરા, શેકેલા ચણા વગેરે રાખવા જોઈએ. એ વચ્ચે વચ્ચે શબના મોઢામાં દેવા જોઈએ. એથી શબ શાંત રહે. એટલે પછી નચિંત થઈને જપ કરી શકાય. તેમ સ્ત્રી-પુત્રાદિ પરિવારને શાંત રાખવો જોઈએ. તેમનો ખાવા-પીવાનો બંદોબસ્ત બરાબર કરી દેવો જોઈએ. ત્યારે સાધનભજનની સગવડ થાય. 

જેમનામાં ભોગવાસના જરા બાકી હોય, તેમણે સંસારમાં રહીને જ ઈશ્વરને ભજવા. ‘નિત્યાનંદે વ્યવસ્થા કરી હતી કે માગુર (માછલી)નો ઝોલ (રસાવાળું શાક) યુવતીનો ખોળો, બોલ હરિ બોલ. (૧.૨૫૩)

૨૫, ઓકટોબર, ૧૮૮૫ના રોજ એક ડોક્ટર સાથેની ચર્ચા વખતે વ્યવસાયની વાત નીકળી હતી. આપણે સૌ આ સંસારમાં રહીને ગૃહસ્થ તરીકે અનેક પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓમાં સારું કેવી રીતે થઈ શકે અને આપણે સન્માર્ગે કેવી રીતે જઈ શકીએ, તેમજ આપણી દૃષ્ટિ આપણા વ્યવસાય માટે કેવી હોવી જોઈએ, એની વાત આપણને શ્રીઠાકુર સરસ મજાના ગીધ અને ગંજેરીના ઉદાહરણ દ્વારા સમજાવે છે. નક્કી આપણે ગૃહસ્થોએ કરવાનું છે. દયાને, કરુણાને, સાથે રાખીને જીવવું કે માત્ર કમાવા માટે જીવવું? જે માણસ સન્માર્ગે ચાલે એને ભક્તિ મળવાની અને ભક્તિવાળાને સાધુ-સંગનો લાભ મળવાનો અને એનો ઉદ્ધાર થવાનો એ નિશ્ચિત છે. બાકીનાની વાત જ શી કરવી?

શ્રીરામકૃષ્ણ (ડોક્ટરને) – ડોક્ટરનું કામ બહુ મહત્ત્વનું એવી ઘણાયની ધારણા છે. જો પૈસા લીધા વિના બીજાનું દુ:ખ જોઈને દયાથી કોઈ દવા કરે તો તે મહાન ખરો, તો કામ પણ મહાન. પણ પૈસા લઈને એ બધું કામ કરતાં કરતાં માણસ નિર્દય થઈ જાય. ધંધા અંગે, પૈસા સારુ મળમૂત્ર તપાસવાં! એ હલકા માણસનું કામ.

ડોક્ટર – જો એટલું જ કરે તો કામ ખરાબ ખરું! તમારી પાસે વધુ બોલવું એ પોતાનું ગૌરવ કરવા જેવી વાત 

શ્રીરામકૃષ્ણ – હા, ડોક્ટરી કામથી નિ:સ્વાર્થપણે જો કોઈનો ઉપકાર કરી શકાય, તો બહુ સારું. 

માણસ ગમે તે કામ કરે ને; પણ સંસારી વ્યક્તિને, વચ્ચે વચ્ચે સાધુસંગની બહુ જરૂર. ઈશ્વરમાં ભક્તિ હોય તો માણસ સાધુસંગ પોતાની મેળે શોધી લે. હું એક ઉપમા આપું કે ગંજેરી ગંજેરીની સાથે રહે. બીજું માણસ જોઈને એ મોઢું નીચું કરીને ચાલ્યો જાય, અથવા સંતાઈ જાય. પણ બીજા એક ગંજેરીને જોતાં ખૂબ આનંદ, વળી તેને ભેટી પણ પડે. (સૌનું હાસ્ય). વળી ગીધ ગીધની સાથે રહે. (૨.૨૫૮)

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.