અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

પવિત્રતા સ્વરૂપિણી મા! મેં એમને જોયાં છે. તેઓ મહામૂલ્યવાન મણિ સમા છે. અમે બધાએ એનો અનુભવ કર્યો છે અને શ્રીરામકૃષ્ણે એમની પૂજા કરી હતી. તેઓ જ (રામકૃષ્ણ સંઘનું) મૂલકેન્દ્ર છે. તેઓ શાંત, શક્તિમયી, માનવીય ઐશ્વર્યથી પૂર્ણ અને પરમ અંતર્દૃષ્ટિનાં અધિકારિણી છે. તેઓ આ નવા સંઘની મહિમામય માતા મેરી છે.

ગીતા ૧૮.૬૬માં કહ્યું છે: ‘બધાં ધર્મો ત્યજીને મારું શરણ લે. શોક ન કર, હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ.’ મને આ ઉક્તિના અદ્ભુત રૂપાયનની વાત ત્યારે જાણવા મળી કે જ્યારે મેં મઠમાં ગંગાના ઘાટે બેસીને બે તરુણ સંન્યાસીઓ ફણી (સ્વામી ભવેશાનંદ) અને ગોપાલ ચૈતન્ય (રામમય – સ્વામી ગૌરીશ્વરાનંદ) ના મુખેથી શ્રીમા સારદાદેવીની જીવનકથા સાંભળી. મા સારદાદેવીએ દીક્ષા આપતી વખતે એના મસ્તક પર ગંગાજળ છાંટતાં કહ્યું: ‘તમારા પૂર્વજન્મોના તથા આ જન્મના બધાં પાપનો નાશ થાઓ.’ એનું તાત્પર્ય એ છે કે ગુરુ શિષ્યનાં બધાં પાપનો ભાર પોતાના પર લઈ લે છે. આ ઘટનામાં મા સારદાદેવી જ તે ગુરુ છે. આ રીતે અમને જોવા મળે છે કે હિંદુધર્મમાં પણ બીજાનાં પાપ ગ્રહણ કરવાની વાત છે. એ પણ જોયું કે એ બંને તરુણ સંન્યાસીઓનાં મન, પ્રાણ તથા જીવન આજે પણ એવાં જ ઉજ્જ્વળ છે અને એમના સંસ્પર્શથી બીજામાં પણ અનિવાર્ય રૂપે એ જ આનંદ સંચારિત થાય છે. 

મને યાદ છે ત્યાં સુધી ફણીએ ૧૯૧૬માં પહેલ વહેલા શ્રીમાને જોયાં અને એમની પાસેથી દીક્ષા લીધી. એ દિવસે દીક્ષા આપતાં પહેલાં જ માનું ભોજન પીરસી દેવાયું હતું. છતાં પણ થાળીને દૂર કરી ને ફણીને લઈને તેઓ પૂજાઘરમાં ગયા. અને દસ મિનિટ સુધી દીક્ષાનું અનુષ્ઠાન થયું એ બધાએ મંત્રમુગ્ધ બનીને જોયું. પછીના અઠવાડિયે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ફણી સ્વેચ્છાએ સૈન્યમાં જોડાયો અને બીજા ૩૦ છાત્ર સૈનિકો સાથે કરાંચી ચાલ્યો ગયો. ત્યાંથી તે ઈરાન ગયો. દીક્ષા લેતી વખતે ફણીએ સૈન્યમાં જોડાવાની વાત વિચારી ન હતી. બધાને એનો અનુભવ થયો હતો કે શ્રીમા સારદાદેવીએ પહેલેથી જ જાણી લીધું હતું કે આ ઘટના બનવાની છે. એનો અર્થ એ થયો કે તેઓ દિવ્યદૃષ્ટિ સંપન્ન હતાં.

શ્રીમાનાં પ્રથમ દર્શન સમયે ગોપાલ ચૈતન્યની ઉંમર ૧૪ વર્ષની હતી. તે જયરામવાટીથી બે માઈલ દૂર રહેતા. પછી એમને ઘરના લોકોએ શારદાદેવીને મળવા જવાની મનાઈ કરી. એટલે એમણે બીજા ગામના પોતાના એક શિક્ષકને મળવા જઈને (એમને મળવામાં ઘરના લોકોને વાંધો ન હતો) ત્યાંથી મોટું ચક્કર ફરીને દર અઠવાડિયે શ્રીમાને મળતા. એને લીધે એમને ૧૨ થી ૧૪ માઈલ ચાલવું પડતું. એક દિવસ એમને આશ્ચર્યમાં નાખી દેતા હોય તેમ એમના પિતાએ એમને ૧૨ રૂપિયા આપીને કહ્યું: ‘આ તારી પાસે રાખ. ઇચ્છા હોય તે પ્રમાણે વાપરજે.’ (આની પહેલાં એમને પોતાની મા પાસેથી એકાદ બે પૈસાથી વધારે કંઈ મળ્યું ન હતું અને પિતાએ તો કંઈ આપ્યું ન હતું.) હવે તેઓ એ સમયથી પૈસા વપરાઈ જાય ત્યાં સુધી દર અઠવાડિયે શ્રીમા સારદાદેવી માટે ચાર થી આઠ આના સુધીનાં ફળ મીઠાઈ ખરીદીને જઈ શકતા. ત્યાર બાદ આ બાર રૂપિયા વપરાઈ ગયા. હવે એમને જવામાં સંકોચ થવા લાગ્યો. 

થોડા દિવસો પછી મા સારદાદેવી ગોપાલના ગામમાંથી થોડીક સામગ્રી ખરીદવા માટે દર અઠવાડિયે થોડાક રૂપિયા-પૈસા દેવા લાગ્યાં. ગોપાલ ચૈતન્યનું ગામ સારદાદેવીના ગામથી મોટું હતું. હવે કંઈક લઈ જવામાં સમર્થ બન્યા તેથી તેઓ ઘણા ખુશ પણ હતા. વચ્ચે વચ્ચે કોઈ વિશેષ ઉત્સવ હોય કે ખાવા પીવાની વધુ વ્યવસ્થા કરવાની હોય ત્યારે સારદાદેવી એમને સોમવારની સવારે શાળાએ જતા રોકી લેતાં અને કહેતાં: ‘તમારા શિક્ષક તમે મોડા જશો તો એના પર ધ્યાન નહિ દે.’ ખરેખર બન્યું પણ એવું જ.

જ્યાં શ્રીરામકૃષ્ણના કેવળ ગણ્યાગાંઠ્યા શિષ્યો છે અને સ્વામીજીના માત્ર સો-એક શિષ્યો છે ત્યાં સારદાદેવીના શિષ્યોની સંખ્યા હજારોમાં છે. એનું કારણ એ છે કે મા સારદાદેવી સ્વામી વિવેકાનંદના દેહત્યાગ પછી ૨૦ વર્ષ (ખરેખર ૧૮ વર્ષ) થી વધારે સમય સુધી જીવિત રહ્યાં. શ્રીમાને પોતાના પરિવારના લોકોને લીધે ઘણી ઝંઝટોમાં રહેવું પડતું. 

તેમની ભત્રીજી રાધૂ અત્યંત ખીજાળ સ્વભાવની હતી. તે એમની સાથે જ સૂતી અને એમને હંમેશાં હેરાન પણ કરતી. સારદાદેવીએ એ ભત્રીજીનાં લગ્ન કરાવ્યાં. પછીથી એના પતિએ એને ત્યજી દીધી. અંતે એ અપંગ થઈ ગઈ અને ઊભું થવુંયે મુશ્કેલ બની ગયું. શ્રીશ્રીમાએ એની સેવા-સારવાર કરાવી. 

આ રાધૂ હવે પૂર્ણ સ્વસ્થ છે. જે મહાન નારી પોતાના જીવનકાળમાં વાસ્તવિક રૂપે પૂજાઈ, ઘરગૃહસ્થી સંભાળતાં સંભાળતાં એમના યથાર્થ જીવન વિશે જાણીને મારા આનંદ અને આદરભાવનો પાર ન રહ્યો. હવે જયરામવાટીમાં એમના નામે એક સુંદર મંદિર બની રહ્યું છે. અને એ બેલૂરના સ્વામીજીના મંદિરથી પણ ઘણું મોટું છે. (અત્યારે જયરામવાટીમાં શ્રીશ્રીમાનું સુંદર મંદિર અવસ્થિત છે.)

ગોપાલે કહ્યું કે શ્રીમા સારદાદેવીએ એને સારી રીતે કામ કરવાની કેળવણી આપી છે. કે જેથી કામ ઊલટું અને અસ્તવ્યસ્ત ન થતું. એકવાર લોકોના ભોજન માટે એમણે ગોપાલ પાસે એક પંગતમાં આઠ આસન નાખવા કહ્યું. ગોપાલે એમ જ કર્યું. એમણે ગોપાલને વ્યવસ્થિત રીતે આસન પાથરવા કહ્યું. બીજીવાર પણ જ્યારે તે આસન બરાબર લગાવી ન શક્યો ત્યારે એમણે પોતે જ એ આસનને ગોઠવી દીધાં. રોટલી પાતળમાં ચોંટી ન જાય એ માટે પ્રત્યેક પાતળ સારી રીતે ધોયેલી અને સ્વચ્છ કપડાથી સાફ કરેલી હોય એ વિશે શ્રીમા બહુ કાળજી રાખતાં.

એક દિવસ ગોપાલ ફૂલ ક્યારાને ખોળવાનું ભૂલી ગયો. એણે આવીને જોયું તો શ્રીમા સારદાદેવી પોતે જ એ ક્યારાને ખોળતાં હતાં. એમ ન કરવા વિનંતી કરતા શ્રીમાએ કહ્યું: ‘મારા આ બંને હાથ બધાં કામ કરી શકે છે.’

૨૧ જુલાઈ, ૧૯૨૦નો દિવસ. તે દિવસ નિર્ભિક, શાંત, તેજસ્વી જીવનદીપ હોલવાઈ ગયો છે – અને આધુનિક હિંદુ નારીઓ ભાવિ ૩૦૦૦ વર્ષ દરમિયાન જે મહિમામય અવસ્થામાં ઉન્નત થશે તેનો આદર્શપથ તેઓ મૂકી ગયાં છે. મારા માટે એમનું જીવન અસીમ ઉત્સાહનું જીવન છે. એણે અમને બધાંને એ શરણદાયી સહાનુભૂતિપૂર્ણ જીવન પાસે એકઠાં કરી દીધાં છે. 

એ નવાં પ્રયોજનો પ્રમાણે આત્મબોધથી પૂર્ણ, સરળ પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત, નવા નવા આદર્શોનાં ઉદાહરણ પ્રસ્તુત કરે છે. અરે! એમના જીવનના આધારે આપણામાંથી પ્રત્યેક કેટલાં અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કરી શકીએ છીએ! 

તેઓ આદર્શનાં નવાં નવાં ઉદાહરણોની સૃષ્ટિ રચી ગયાં છે. આપણે પણ નિશ્ચય એવું જ કરવું પડશે. એ પણ એમનાં ઉદાહરણો દ્વારા નહિ પણ આપણા પોતાના જીવનનાં દૃષ્ટાંત દ્વારા. બીજા કોઈ ઉપાયે જગતની સમસ્યાનું સમાધાન થઈ ન શકે.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.