પ્રો.પ્રભાકર વૈષ્ણવ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમણે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

 

ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. પરંતુ તેઓ સાત વરસના થયા ત્યારે તેમનો ત્યાંનો નિવાસ પૂરો થઇ ગયો હતો. તેમનું કુટુંબ રાજકોટમાં સ્થિર થયું. તે પછી તેમણે વિદેશ જતાં પહેલાં બે વખત પોરબંદરની મુલાકાત લીધી હતી. પહેલી મુલાકાત વખતે કસ્તૂરબા સાથે લગ્ન કરવા માટે પોરબંદર પાછા આવ્યા હતા અને બીજી મુલાકાતે તેમની મહાન કારકિર્દી માટેનો માર્ગ તૈયાર કરી આપ્યો હતો.

ઐતિહાસક મુલાકાત ૧૮૮૭માં થઈ હતી. તે વર્ષમાં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા કરી હતી. ભાવનગરની શામળદાસ કોલેજમાં એક ટર્મ તેમણે આર્ટ્સ વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. પછી બીજી ટર્મમાં તેુઓ પાછા જોડાયા ન હતા. તેમના કુટુંબના એક વડીલે તેમને ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર એટ લાૅ થવાની સલાહ આપી. પરંતુ તે હેતુ માટે કુટુંબ પાસે આર્થિક સગવડ જોઈએ તેવી ન હતી. તેમને એવું સૂચન કરવામાં આવ્યું કે ‘તમે મિ.લેલીની મદદ લો.’ એ વખતે મિ. લેલી પોરબંદર રાજ્યના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર હતા અને ગાંધીજને કહેવામાં આવ્યું હતું કે મિ. લેલીને ગાંધીજીના પિતા શ્રી કરમચંદ ગાંધી પ્રત્યે ખૂબ લાગણી હતી.

ગાંધીજીએ ગાડામાં પાંચ દિવસ સુધી રાજકોટથી ધોરાજી સુધની મુસાફરી કરી. પછી જલદીથી પોરબંદર પહોંચી જવા માટે તેમણે ઊંટ પર પણ સવારી કરી.

પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી તેમણે મિ.લેલીને ચિઠ્ઠી લખીને તેમને ત્યાં જવાની રજા માગી અને પોતે જે સીડી લેલી સાહેબના નિવાસસ્થાને લઈ જતી હતી, તેના નીચેના છેડે ઊભા રહ્યા. અંતે મિ.લેલી આવી પહોંચ્યા અને કૂદતાં કૂદતાં પગલાં માંડતાં ગાંધીજી પાસે આવી પહોંચ્યા અને કહ્યું, ‘પહેલાં સ્નાતક થાઓ. તમે સ્નાતક ન થાઓ ત્યાં સુધી કશું ન થઈ શકે.’ મિ. લેલીએ ગાંધીજીને સૌજન્યના થોડાક શબ્દો પણ બોલવા ન દીધા. ગાંધીજીએ તો ખૂબ મહેનત લઈને આ મુલાકાત માટે પોતાની જાતને તૈયાર કરી રાખી હતી. સંભવ છે કે તે અંગ્રેજ અમલદારે કરેલા આ પ્રકારના ઉદ્ધત તિરસ્કારે ગાંધીજીને અંગ્રેજ રાજ પ્રત્યે બળવાખોર બનાવ્યા હોય. આ નિષ્ફળતા ગાંધીજીને તેમના હૃદયની ઇચ્છાને સાકાર કરતાં ખાળી ન શકી. ત્યાં ને ત્યાં જ અને તે જ વખતે એમણે સંકલ્પ કરી લીધો કે મારી પત્નીના દાગીના વેચી દઈને ગમે તે ભોગે હું પરદેશ જઇશ. આ રીતે પોરબંદરની તેમની બીજી મુલાકાતે ગાંધીજીને તેમના મહાન ઐતિહાસિક જીવનકાર્યમાં પરોવી દીધા.

સ્વામી વિવેકાનંદે ૧૮૯૧ કે ૧૮૯૨માં પોરબંદરની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશન ઉપર શહેરના દરોગા રણછોડજીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરોગાજીએ પોતાના સૌથી મોટા દીકરા સાથે આ સંદર્ભમાં જે વાતો કરેલી તેના પરથી આ હકીકતો રજૂ કરેલી છે. દરોગા વિવેકાનંદજીને તેમના યજમાન શંકર પાંડુરંગ પંડિતના નિવાસસ્થાને લઈ ગયા. શંકર પાંડુરંગ પંડિત એ વખતે એડમિનિસ્ટ્રેટર હતા. ત્યાં ગયા પછી વિવેકાનંદજીને ખબર પડી કે તેમના યજમાન ઘરે ન હતા. તેની તેઓ એમના ઘરની સીડીના છેલ્લા પગથિયે બેઠા. તે સમય દરમિયાન શંકર પંડિત આવી પહોંચ્યા. તેઓ વિવેકાનંદજીનો હાથ પકડીને ઉપર ગયા.

દરોગાજી સ્વામીજી હમણાં નીચે આવશે તેની રાહ જોતા જોતા નીચે ઊભા રહ્યા. એડમિનિસ્ટ્રેટરે તેમને સૂચના આપી હતી કે શહેરના શંકરના મંદિરમાં સ્વામીજી માટે એક રૂમ તૈયાર રાખવી. તેમને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે સ્વામીજી માટે ભોજનની ખાસ વાનગીઓ બનાવવી અને એવી સૂચના મળી કે સ્વામીજી યજમાનની સાથે જ ઘરે રહેશે અને તેમના માટે બનાવેલા ભોજનનું વિતરણ બ્રાહ્મણોમાં કરી દેવું.

બીજે દિવસે સવારે દરોગાજી સ્વામીજીને શહેરમાં આંટો મારવા માટે લઈ ગયા. તે સમય દરમિયાન દરોગાને માલૂમ પડી ગયું કે સ્વામીજી પરંપરાગત સંન્યાસી ન હતા અને તેમની રમૂજી વૃત્તિ પણ સારી એવી હતી.

એમ કહેવામાં આવે છે કે સ્વામીજી અગિયાર મહિના સુધી પોરબંદર રોકાયા હતા. તેઓ શંકર પાંડુરંગ પંડિતના ખાસ મિત્ર બની ગયા હતા. આ વખત દરમિયાન પંડિતે તેમને ફ્રેંચ ભાષા શીખી લેવાની સલાહ આપી હતી. તેમણે વિવેકાનંદજીને કહ્યું હતું કે માત્ર વિદેશી લોકો જ તેમની પ્રતિભાની કદર કરશે. આ રીતે પોરબંદરમાં જ સ્વામીજીના મનમાં અમેરિકા જવાની વિચારણાનું બીજ રોપાયું. બાકીનાનો તો ઇતિહાસ સાક્ષી છે.

એની નોંધ લેવી રસપ્રદ છે કે આ મહાપુરુષોના જીવનમાં એકસરખી ઘટનાઓ બની, તેમણે તેમની કારકિર્દીમાં અસમાન પરિણામોને જન્મ આપ્યો. જ્યારે ગાંધીજી ૧૮ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમનું ટૂંકુ એન્કાઉન્ટર મિ. લેલી સાથે થયું હતું. પરંતુ આ અંગ્રેજ અમલદારના ઘમંડે તેમના મન પર અમિટ છાપ પાડી દીધી. તેણે ઘૃણા ઉત્પન્ન કરી. વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણને એ જ ઉંમરે મળ્યા હતા. પરંતુ એ મહાન રહસ્યમય પુરુષનું તેમને એવું આકર્ષણ થયું કે તેઓ જીવનભર તેમના ભક્ત બની રહ્યા. ૨૮ વરસની ઉંમરે ગાંધીજી શ્રી બાલકૃષ્ણ ગોખલેને મળ્યા હતા. આ સજ્જનની મૈત્રીએ ગાંધીજીને તેમની પ્રવૃત્તિનું કેન્દ્ર અત્યાર સુધી વિદેશમાં હતું, તેમાંથી તેમના વતનની ભૂમિ તરફ ફેરવી નાખ્યું. લગભગ એ જ ઉંમરે વિવેકાનંદજી શંકર પાંડુરંગ પંડિતને મળ્યા. આ સજ્જનની મૈત્રીએ સ્વામીજીને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી પોતાની પ્રવૃત્તિઓનો વિસ્તાર સ્વદેશથી પરદેશ લઈ જવાનું નક્કી કર્યું.

Total Views: 661

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.