નવેમ્બરથી આગળ…

અહીં આપેલ આ હૃદયસ્પર્શી ઘટના સ્વામી શુદ્ધાનંદજીના ઉદાત્ત હૃદય વિશે ઘણું ઘણું કહીં જાય છે- પોતાના જીવનના અંતિમ દિવસોમાં જ્યારે એમની તબિયત વધારે ને વધારે લથડતી જતી હતી ત્યારે ડાૅક્ટરોએ તેમને દરરોજ માછલી ખાવા કહ્યું, એ એમની તંદુરસ્તી માટે આવશ્યક હતું. સ્વામી માધવાનંદજીની સૂચના પ્રમાણે એક યુવાન બ્રહ્મચારી વહેલી સવારે બજારમાં જતો અને સ્વામી શુદ્ધાનંદજી માટે માછલી લાવતો. આ બધી વાત એમનાથી ખાનગી રાખવામાં આવી હતી, કારણ કે જો તેમને એ વિશે ખબર પડે તો એવો ભય હતો કે આવું કોઈ વિશેષ ભોજન લેવાનો તે ઈન્કાર કરી દેત. એ પ્રમાણે બ્રહ્મચારીને પણ સ્પષ્ટ સૂચના અપાઇ હતી. એક દિવસ મઠના બધા અંતેવાસીઓ પરમાધ્યક્ષશ્રીને પ્રણામ કરવા ગયા અને એમની સાથે શાસ્ત્રગ્રંથોના વર્ગના અંતેવાસીઓ પણ હાજર હતા. કોઈ અજ્ઞાત કારણને લીધે માછલી લેવાનું કાર્ય જેને સાંેપ્યું હતું તે બ્રહ્મચારી ત્યાં જઈ ન શક્યા. સ્વામી શુદ્ધાનંદજીની તીક્ષ્ણ નજરે એ બ્રહ્મચારીની ગેરહાજરી આવી ગઈ અને જ્યારે તે મઠમાં પાછો આવ્યો ત્યારે તેને પોતાની પાસે બોલાવ્યો અને વર્ગમાં શા માટે આવ્યો ન હતો, તેનું કારણ પૂછ્યુું. બ્રહ્મચારીનો ખુલાસો સાંભળ્યા પછી સ્વામી શુદ્ધાનંદજીએ ખિન્ન બનીને કહ્યું, ‘શું વાત છે! મારા માટે માછલી લેવા તું બજારમાં ગયો હતો! ધૂળ પડી! આવી નાની એવી બાબત કે સામાન્ય કારણને લીધે તેં તારો શાસ્ત્રોના અધ્યયનનો વર્ગ જવા દીધો?’ થોડી વાર પછી તેમણે ફરીથી કહ્યું, ‘અરેરે! સંયમી અને વિરક્ત એવા મારા ભોજન માટે આવી વિશેષ વ્યવસ્થા થઈ! અને મારા વિશેષ ભોજનની વ્યવસ્થા કરવા જેમણે આ સંસારનો ત્યાગ કર્યો છે એવા યુવાન આધ્યાત્મિક પિપાસુએ પોતાનો અભ્યાસ અને આધ્યાત્મિક સાધના છોડી દેવાં પડે અને એક માછલી લેવા એને બજારમાં જવું પડે! ધૂળ પડી મારા જીવનમાં!’ આ વાતનો અહીં અંત ન આવ્યો. જો કે એ માટે પોતે જ દોષિત હોવા છતાં તેઓ એ બ્રહ્મચારી પર નજર રાખતા રહ્યા. પછીથી એમણે સ્વામી માધવાનંદજીને બોલાવ્યા અને સખત શબ્દોમાં આ બાબત વિશેની પોતાની લાગણીઓ એમને કહી. એક આદર્શ ગુરુ અને દૃષ્ટાંતરૂપ સંન્યાસી કેવા હોવા જોઈએ એ વાત આ ઘટનામાં કેટલી અદ્‌ભુત રીતે વર્ણવી છે! આ હતા સાચા શુદ્ધાનંદ, સ્વામી વિવેકાનંદના શિષ્ય. પોતે સંઘના અધ્યક્ષ બન્યા પછી પણ એમનામાં નાનું સરખંુ પણ પરિવર્તન થયું ન હતું.

૧૮ ઓક્ટાૅબર, ૧૯૩૮થી સ્વામી શુદ્ધાનંદજીની તબિયત વધારે લથડવા લાગી. તેમને અતિવિષમ જ્વર, હેડકી અને યુરેમિયા (લોહી વિકારને કારણે માથાનો દુ :ખાવો, ગેસ, ઊલટી તથા બેભાન થઈ જવું) જેવા રોગો થવા લાગ્યા. એમની સારવાર કરતા ડાૅક્ટરોને તેમણે કહ્યું, ‘ભાઈ, હવે કોઈ દવાની જરૂર નથી, મારે તો માત્ર પ્રભુનું નામ જ સાંભળવું છે.’ બરાબર એ જ સમયે એક અંધ બહેન એમની પાસે મંત્રદીક્ષા લેવા આવ્યાં. સ્વામી શુદ્ધાનંદજીની તબિયતને ધ્યાનમાં લઈને એમની વિનંતીને અવગણી. જો કે ૨૦ ઓક્ટાૅબરે પોતાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં તેમણે એક કમનસીબ બહેનને દિલાસો આપ્યો હતો. પોતાની મરણપથારીએ પણ આ સંન્યાસી કે જેમનું સમગ્ર જીવન સમગ્ર માનવના ક્ષેમકલ્યાણ માટે સમર્પિત થયું હતું, તે હતાશ, દુ :ખી, ભક્ત માટે ચિંતા સેવતા હતા.

એમના જીવનના અંતિમ થોડા મહિના પણ ધર્મચર્ચા અને રામકૃષ્ણ કથામૃત તેમજ બીજાં શાસ્ત્રોના શ્રવણમાં વીત્યા. જીવનના અંતિમ દિવસે પણ તેમના આ દૈનંદિન કાર્યક્રમમાંથી તેઓ ચલિત ન થયા. અંતે ૨૩ ઓક્ટોબર, ૧૯૩૮ના રોજ સવારે ૮.૪૦ કલાકે સ્વામીજીના આ પ્રિય પુત્ર પોતાની પ્રતિક્ષા અને હૃદયમાં સંઘરી રાખેલી આશાઓ સાથે મહાસમાધિમાં લીન થયા. એ વખતે તેમની ઉંમર ૬૬ વર્ષની હતી.

સ્વામીજીએ સંઘ માટે જે ઔપચારિક નિયમો નોંધી રાખ્યા હતા તેની દરેક બાબત પર સ્વામી શુદ્ધાનંદજી એક જીવંત ભાષ્ય હતા. આવા એક નિયમમાં આવું લખાણ હતું, ‘આ સંઘ સાચે જ તેમનો (શ્રીરામકૃષ્ણ દેવનો) દેહ છે અને તેઓ હમેશાં આ સંઘમાં હાજરાહજૂર છે.’ સ્વામી શુદ્ધાનંદના જીવનમાં આ નિયમ સચેતક અને હમેશાં જાગૃત રાખનારો બની રહ્યો. રામકૃષ્ણ સંઘના મૂર્તિમંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણની સેવામાં એમનું સમગ્ર જીવન સમર્પિત હતું. જ્યારે તેઓ ઉદ્‌બોધનના તંત્રી હતા ત્યારે તેઓ ક્યારેક ક્યારેક મધ્યરાત્રિ પછી પણ કામ કરતા રહેતા. આમ છતાં પણ જેમ કોઈ આધ્યાત્મિક જિજ્ઞાસુ ભક્ત મા કાલીની સેવાપૂજામાંથી (શ્રી મા કાલીની પૂજા રાત્રે જ થાય છે) જે આનંદ પ્રાપ્ત કરે એવો જ આનંદ તેઓ આમાંથી પામતા. એમને માટે કાર્ય અને ધ્યાન બંને અભિન્ન બની ગયાં. એમનાં બધાં વિચારો અને કાર્યો સ્વામીજીના આદર્શનું ઉદાહરણ છે. આધ્યાત્મિક સાધના વિશેનું એમનું દૃષ્ટિબિંદુ પણ ઘણું સ્પષ્ટ અને મહત્ત્વનું રહ્યું છે. એક આધ્યાત્મિક ઝંખનાવાળા જિજ્ઞાસુને એમને આમ લખ્યું હતું : ‘આધ્યાત્મિક સાધના એટલે માનવનાં આંતરિક બળો અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચેનો સતત ચાલતો સંઘર્ષ. એટલે જ આધ્યાત્મિક જીવનની પ્રગતિ માટે બે સ્પષ્ટ પદ્ધતિઓ દરેકની સામે ખુલ્લી રહે છે. એમાંની એક છે- પ્રાકૃતિક પર્યાવરણમાંથી પોતાનો છેડો ફાડીને વધારે સૌમ્ય અને હિતકર પથને શોધી કાઢવોે; બીજી છે એ જ પર્યાવરણમાં રહી પોતાની ભીતરની વૃત્તિઓને ઓળંગી જવાનો પ્રયત્ન કરવા માટે તેમની સાથે સતત સંઘર્ષ કરતાં રહેવું તેમજ એમ કરીને આધ્યાત્મિક દૃષ્ટિએ વધારે પ્રબળ બનવું. જે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આ સાંસારિક વાતાવરણમાં વહાવી દે છે, તેણે ચોક્કસ મરવાનું જ છે.’

દરેકે દરેક જીવનમાં પ્રભુને જોવા અને માનવને પોતાની ભીતરની દિવ્યતાની અનુભૂતિમાં સહાય કરવી એ જ છે શ્રેષ્ઠ આધ્યાત્મિક અભ્યાસ. સ્વામી શુદ્ધાનંદજી આ મહાન સત્ય સૌ કોઈને શીખવવા ઈચ્છતા હતા અને એને જ તેમણે પોતાના જીવનનું મિશન બનાવી દીધું હતું. એક શિક્ષકને એમણે લખેલા પત્ર દ્વારા આ કાર્ય કેવું ખંતથી કર્યંુર્ તેનો અંદાજ આવે છે : ‘તમે તમારા વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં જે દોષો મઢ્યા છે તે વાસ્તવિક રીતે વિચારો તો સ્પષ્ટ પણે જણાશે કે એ બધા દોષ ખરેખર વિદ્યાર્થીઓમાં નથી પણ તમારા શિક્ષકોમાં છે. શિક્ષણ વિશે વાત કરતાં સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું છે, ‘કેળવણી એટલે માણસની ભીતર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ આ આદર્શને ધ્યાનમાં રાખીને શિક્ષકોએ દુ :ખ અને દિલગીરી અનુભવવાં જોઈએ કારણ કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત દિવ્યતાને તેઓ પ્રગટ કરી શક્યા નથી.’

મધ્યાહ્નના સૂર્ય તરફ જોવું દુષ્કર છે પણ કોઈપણ વ્યક્તિ તેના એક પ્રતિ કિરણ તરફ દૃષ્ટિ નાખી શકે તો સૂર્ય શાના જેવો છે એનો થોડો ઘણો ખ્યાલ આવી શકે ખરો. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ એક એવા દિવ્ય વિલક્ષણ માનવ હતા કે સ્વામી શુદ્ધાનંદજી જેવા એમના સંદેશના ધારક અને વાહકની ઉપસ્થિતિ ન હોત તો લોકો સ્વામીજીના એ રૂપને પૂરેપૂરું માપી શક્યા ન હોત. સ્વામી શુદ્ધાનંદજીએ પ્રભુનાં શ્રીચરણકમળમાં પોતાનું સ્થાન મેળવી લીધું હોવા છતાં પણ રામકૃષ્ણ સંઘના બધા સભ્યો માટે તેઓ હંમેશાં પ્રેરણાનાં સ્રોત બની રહેશે. ·

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.