(સ્વામી ચેતનાનંદ દ્વારા રચિત How to Live with God પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વ. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા. – સં.)

પોતાની મહાસમાધિ પછી સૌ પ્રથમ ઠાકુર શ્રીમાને દેખાયા હતા. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ઠાકુરના દેહને અગ્નિદાહ દેવામાં આવ્યો અને એક પાત્રમાં એમના ભસ્માવશેષને કાશીપુરના ઉદ્યાનગૃહમાં લાવવામાં આવ્યા. હિંદુ વિધવાની રૂઢિને અનુસરીને, એ સાંજે શ્રીમા પોતાના અલંકારો દૂર કરવા લાગ્યાં. એ પોતાનાં કંકણ કાઢવા જતાં હતાં ત્યાં, એમની સમક્ષ ઠાકુર દેખાયા; એમને કેન્સર થયું તે પહેલાં દેખાતા હતા તેવા જ એ હતા. શ્રીમાનો હાથ પકડી એ બોલ્યા, ‘શું હું મૃત્યુ પામ્યો છું કે તમે વિધવાની જેમ કરવા લાગ્યાં? હું તો એક ઓરડામાંથી બીજામાં ગયો છું.’ શ્રીમાએ કંકણ ઉતાર્યાં નહીં અને પોતે જીવ્યાં ત્યાં સુધી એ પહેરવાનું એમણે ચાલુ રાખ્યું.

ઠાકુરના મહાપ્રયાણ પછી શ્રીમાએ એમને અનેક વાર જોયા હતા. વૃંદાવન યાત્રાએ જતાં રસ્તામાં એમને ઠાકુરનું દર્શન થયું હતું. ઠાકુરનું સોનાનું ઇષ્ટકવચ શ્રીમા પોતાને હાથ પર પહેરતાં. ઠાકુર દક્ષિણેશ્વરમાં આકરી સાધના કરતા હતા ત્યારે એમના દેહમાં ઊઠેલ દાહને દૂર કરવા માટે આ કવચ એમને આપવામાં આવ્યું હતું. પોતાના હાથ બારીમાં ટેકવી શ્રીમા રેલગાડીમાં પાટિયા પર સૂતાં હતાં અને એ કવચ સૌની નજરે પડતું હતું. અચાનક ઠાકુર દેખાયા અને બારીમાંથી શ્રીમા સામે જોતાં એ બોલ્યા, ‘આ કવચને આમ શા માટે રાખો છો? તમે એને ખોઈ બેસશો.’ આ દર્શન પછી શ્રીમાએ એ ઉતારી લઈ, ઠાકુરના ફોટોગ્રાફ સાથે પતરાની ડાબલીમાં એને મૂક્યું. સ્વામી યોગાનંદને દીક્ષા આપવાનું કહેવા, વૃંદાવનમાં શ્રીમા સમક્ષ ઠાકુર ફરી પ્રગટ થયા હતા.

શ્રીમા કામારપુકુર હતાં ત્યારે લાલ કિનારની સાડી અને કંકણ પહેરવા બદલ અને હિંદુ વિધવાની જેમ નહીં રહેવા બદલ, સંકુચિત મનના અને રૂઢિચુસ્ત ગામડિયા એમની ટીકા કરતા. ત્રાસી જઈને શ્રીમાએ કંકણ કાઢ્યાં એટલે ઠાકુરે ફરી દર્શન આપ્યું અને શ્રીમાને કહ્યું, ‘કંકણ ઉતારશો નહીં. તમે વૈષ્ણવ શાસ્ત્રો જાણો છો?’ ‘હું નથી જાણતી,’ એમ શ્રીમાએ કહ્યું એટલે ઠાકુર બોલ્યા કે, ‘બપોર પછી ગૌરીમા આવશે અને તમને વૈષ્ણવ શાસ્ત્રો સમજાવશે.’ એમણે કહ્યા મુજબ ગૌરીમા આવ્યાં અને એમણે શ્રીમાને કહ્યું, ‘આપના પતિ સાક્ષાત્‌ ઈશ્વર હતા એટલે તમે વિધવા નથી.’ આથી ખાતરી થતાં એમણે કંકણ ફરી પહેર્યાં અને લોકોની ટીકા તરફ આંખ આડા કાન કર્યા.

ઠાકુરની મહાસમાધિને અઠવાડિયું પણ પૂરું થાય તે પહેલાં, નરેન્દ્ર અને હરીશ એક સાંજે ૮-૦૦ વાગ્યે કાશીપુર ઉદ્યાનગૃહના નાના પુકુર પાસે ઊભા હતા અને ઠાકુર વિશે વાતો કરતા હતા. નરેન્દ્રે કપડાંથી આવૃત એક તેજસ્વી આકૃતિને અચાનક ધીમે ધીમે પોતાની તરફ આવતી જોઈ. ‘એ ઠાકુર તો નથી ને?’ એવો વિચાર નરેન્દ્રને આવ્યો. પણ પોતે ભ્રમનો ભોગ બન્યા છે એમ માની એ મૌન રહ્યા. પરંતુ હરીશે પણ એ જોયું અને નરેન્દ્રના કાનમાં એણે કહ્યું, ‘જો તો, ત્યાં શું છે?’ એટલે નરેન્દ્ર મોટેથી પૂછ્યું, ‘કોણ છો તમે?’ નરેન્દ્રનો અનાજ સાંભળી, ઘરમાંથી બીજાઓ દોડી આવ્યા. એ તેજસ્વી સ્વરૂપ પાંચ વારને અંતરે આવેલી મોગરાની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. આ દર્શને નરેન્દ્રના ચિત્ત પર ગહન અસર કરી અને ઠાકુર પોતાના સૂક્ષ્મ શરીરમાં હજી વસે છે, એમ તે માનવા લાગ્યા.

બેલુર મઠની નિયમાવલિમાં, સ્વામી વિવેકાનંદે પછીથી લખ્યું હતું: ‘પ્રભુએ હજી શ્રીરામકૃષ્ણ રૂપ તજ્યું નથી. હજીયે કેટલાક એમને એ સ્વરૂપમાં જુએ છે, એમની પાસેથી સૂચનાઓ મેળવે છે અને એમને જોવાની ઇચ્છા કરનાર બીજા લોકો તેને જોઈ શકે છે. એ સૌને દૃષ્ટિગોચર નથી છતાં, ઠાકુર આ સંઘમાં વસે છે અને સહુને માર્ગદર્શન આપે છે, તે દરેકના અનુભવની બાબત છે.’

કોઈએ સ્વામી બ્રહ્માનંદને પૂછ્યું હતું, ‘શું શ્રીરામકૃષ્ણને આજે પણ કોઈ જોઈ શકે?’ ‘હા, સ્વામીજીએ ઠાકુરને અનેક વાર જોયા હતા. અમે પણ અવારનવાર તેમ કરીએ છીએ,’ સ્વામીનો આ જવાબ હતો.

ઠાકુરનાં કેટલાંક બોધવચનોનો સ્વામી બ્રહ્માનંદે સંગ્રહ કર્યો હતો અને તેમને ક્રમશ: ‘ઉદ્બોધન’માં પ્રકાશિત કર્યાં. ‘Words of the Master’ એ શીર્ષક હેઠળ પછીથી એ કૃતિનો અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો હતો. પોતાની વારાણસીની એક મુલાકાત દરમિયાન તેમણે એ પુસ્તક પૂરું કર્યું હતું. આ બોધવચનોની હસ્તપ્રતનું કામ કરતા હોય ત્યારે પોતાના ઓરડામાં એ કોઈને હાજર રહેવા દેતા નહીં. કોઈ વાર મધરાતે ઊઠી મહારાજ પોતાના મદદનીશને એ હસ્તપ્રત લાવવા કહે. એક વાર એમાં સુધારા કર્યા પછી એ બોલ્યા, “ઠાકુરે આવીને કહ્યું, ‘હું એમ બોલ્યો ન હતો. મેં તો આમ કહ્યું હતું.’”

શ્રીમાને અને પોતાના સંન્યાસી શિષ્યોને શ્રીરામકૃષ્ણે દર્શન આપ્યાં હતાં એટલું જ નહીં પણ પોતાના કેટલાક ગૃહસ્થ શિષ્યોને પણ તેમનાં દર્શન થયાં હતાં. કાશીપુરના ઉદ્યાનગૃહમાં, ૧૮૮૬ની ૧૬મી ઓગસ્ટે ઠાકુર મહાસમાધિ પામ્યા તે પછી એમના કેટલાક યુવાન શિષ્યોને, પોતાની ઇચ્છા વિરુદ્ધ ઘેર પાછા જવું પડ્યું હતું અને બીજા કેટલાકને ક્યાંય જવાપણું જ ન હતું. એ અનાથ જેવા હતા.

સપ્ટેમ્બરમાં એક સાંજે પોતાના પૂજાઘરમાં સુરેન્દ્ર ધ્યાનમાં બેઠા હતા ત્યારે એમની સમક્ષ ઠાકુર પ્રગટ થયા અને બોલ્યા, ‘તું અહીં શું કરે છે? મારા દીકરાઓ છાપરા વગર ભટકે છે. એમને રહેવા ઘર નથી. બીજું બધું છોડી પહેલાં એનું કંઈક કર.’

સુરેન્દ્ર તરત જ સ્વામી વિવેકાનંદને ઘેર ગયા અને ત્યાં કેટલાક શિષ્યોને એમણે કહ્યું, ‘ભાઈ! તમે ક્યાં જશો? અત્યાર સુધી હું આપતો હતો તેટલી રકમ આપીશ. તેમાંથી તમે સૌ સાથે રહી શકો એવું એક ઘર ભાડે લઈએ, ત્યાં તમે રહેજો. અમે સંસારીઓ પણ સંસારની જંજાળમાંથી થોડી વાર વિશ્રાંતિ લેવા માટે ત્યાં આવતા રહીશું.’

શંકા મનના રોગ જેવી છે. એ આવે અને જાય. યોગિનમા શ્રીમાનાં નિકટનાં સાથી હતાં તે છતાં એક કાળે, એમને શ્રીમાની દિવ્યતા વિશે શંકા જાગી. એ મનમાં વિચારવા લાગ્યાં: ‘ઠાકુરને તો પરમ ત્યાગી તરીકે જોયા હતા. પણ માને તો ઘોર સંસારી તરીકે જોઉં છું. રાત-દિવસ ભાઈ-ભત્રીજાઓ અને ભત્રીજીઓમાં જ મગ્ન રહે છે.’ ત્યાર પછી એક દિવસ ગંગા કિનારે બેસી જપ કરતાં હતાં ત્યારે એમણે ભાવાવસ્થામાં જોયું કે ઠાકુર એમની સામે આવીને કહે છે, ‘જુઓ, જુઓ, ગંગામાં શું તરે છે?’ યોગિનમાએ જોયું કે લોહીથી ખરડાયેલું ને નાળમાં વીંટાયેલું એક તાજું જન્મેલું બાળક નદીના પ્રવાહમાં વહી જાય છે. ઠાકુર ફરીને બોલ્યા, ‘ગંગા શું કોઈ દિવસ અપવિત્ર બને? એને (શ્રીમા શારદાદેવીને) પણ એમ જાણજો. કોઈ દિવસ સંશય ન કરતાં. એને ને આને (પોતાના શરીરને બતાવી) અવિભક્ત જાણજો.’ યોગિનમા તરત જ શ્રીમા પાસે દોડી ગયાં અને એમને આખી વાત કહ્યા પછી એમની માફી માગી. શ્રીમાએ જરા હસીને એમને આશ્વાસન આપ્યું.

શ્રીમાએ આ ઘટના કહી સંભળાવી હતી: જે કોઈ પ્રભુની આતુરતાપૂર્વક પ્રાર્થના કરશે, તે તેમનાં દર્શન પામશે. ઠાકુરનો એક ભક્ત તેજચંદ્ર હાલ હયાત નથી. તે કેવો તો નિષ્ઠાવાન ભક્ત હતો! ઠાકુર અવારનવાર તેને ઘેર જતા હતા. કોઈકે તેજચંદ્રને બસો રૂપિયાની થાપણ આપી હતી. એક વાર ટ્રામમાં કોઈ ખિસ્સાકાતરુ એ રકમ ઉઠાવી ગયો. થોડી વાર પછી એને ખબર પડી ત્યારે એને ખૂબ મનોવેદના થઈ. ગંગાતટે જઈને, આંસુ સાથે એ ઠાકુરને પ્રાર્થવા લાગ્યો: ‘અરે પ્રભુ! આપે મને આ શું કર્યું?’ એટલી રકમ ગાંઠની આપી શકે એટલો પૈસાદાર એ ન હતો. એ આમ રુદન કરતો હતો એટલામાં, ઠાકુર એની સમક્ષ આવી એને કહેતા દેખાયા: ‘તું શા માટે આટલું રડે છે? કાંઠા પરની ઈંટ નીચે પૈસા પડ્યા છે તે જો!’ તરત તેજચંદ્રે ચોપાસ જોઈ ઈંટ શોધી કાઢી અને એને ઉપાડતાં રૂપિયાની નોટો પડેલી એને દેખાઈ. એણે આ વાત શરત (સારદાનંદ)ને કરી. શરતે કહ્યું, ‘આજે પણ ઠાકુરનાં દર્શન તમને થાય છે, તે તમે ભાગ્યશાળી છો.’

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.