(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાંથી શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

આ સ્મૃતિકથા સ્વામી ચેતનાનંદજીએ રેકોર્ડ કરી છે. તેઓ કહે છે, “૧૯૮૨માં અમેરિકાથી ભારત આવીને હું કાશીમાં કેટલાક દિવસો હતો. તે સમયે કેટલાય વૃદ્ધ સંન્યાસીઓને મળવાનું થયું અને તેમની સ્મૃતિકથાને કેસેટમાં રેકોર્ડ કરી રાખી. એ જ રેકોર્ડિંગના માધ્યમે આ મૂલ્યવાન સ્મૃતિકથા આલેખું છું. ૧૯.૮.૧૯૮૨ના રોજ સ્વામી ધર્મેશાનંદ (ધીરેન મહારાજ, ૧૮૯૯-૧૯૯૪)ને કાશી અદ્વૈત આશ્રમમાં પ્રશ્ન પૂછીને તેમની સ્મૃતિકથાને રેકોર્ડ કરી. તેઓ શ્રી ‘મ’ના ઘનિષ્ઠ સાન્નિધ્યમાં આવેલ અને ઠાકુરના બીજા ઘણા શિષ્યો સાથે પણ રહ્યા હતા. જૂની ઉદ્બોધન પત્રિકામાં તેમનું ‘શ્રી મ સમીપે’ વાંચેલ. આથી મેં તેમને શ્રી ‘મ’ના સંબંધે કહેવાની વિનંતી કરી.” -સં.)

૧૯૨૧-૨૨માં હું પ્રથમ વખત શ્રી ‘મ’ પાસે ગયેલ. તેઓ મૉર્ટન ઇન્સ્ટિટ્યૂટ, આર્મહર્સ્ટ સ્ટ્રીટ (હવે રામમોહન સરણી)ના ચોથે માળે રહેતા હતા. આ પહેલાં સુરેનબાબુ પાસેથી લઈને મેં શ્રીરામકૃષ્ણ વચનામૃતનો ચોથો ભાગ વાંચેલ અને અત્યંત આનંદિત થયેલ. તેઓએ મને કહ્યું, ‘આ ગ્રંથના લેખક હજુ પણ હયાત છે.’ ત્યાર બાદ એક દિવસ સાંજના સમયે અમે બન્ને શ્રી ‘મ’ની પાસે ગયા. તેઓ ખુરશી ઉપર બેઠા હતા અને અમે બન્ને બેંચ ઉપર બેસી ગયા. અષાઢનો મહિનો હતો. રથયાત્રાના કેટલાક દિવસો પછીનો દિવસ હતો. શ્રી ‘મ’ પુરીના શ્રીજગન્નાથદેવના મહાપ્રસાદના માહાત્મ્યનાં ગુણગાન કરવા લાગ્યા. આ પ્રસાદને ઠાકુર ગ્રહણ કરતા. શ્રી ‘મ’ પણ તેને રોજ ગ્રહણ કરતા. તેઓએ અમને તે મહાપ્રસાદ આપીને કહ્યું, ‘આ પ્રસાદ લેવાથી ભક્તિ વધે છે.’ હું એ સમયે મહાવિદ્યાલયનો વિદ્યાર્થી હતો અને બ્રાહ્મસભામાં પણ જતો હતો. પ્રત્યેક વાતો ઉપર વિચાર કરતો. મને પ્રસાદમાં જરા પણ વિશ્વાસ ન હતો. મેં શ્રી ‘મ’ને કહ્યું, ‘હા, કોઈ વિશ્વાસ કરીને ગ્રહણ કરે તો ભક્તિ થાય.’ તેઓએ કહ્યું, “ઠાકુરે કહ્યું છે, ‘આ પ્રસાદ આરોગવાથી ભક્તિ થશે.’” મેં કહ્યું, ‘એ કેવી રીતે થાય?’ મારી તર્કસહ યુક્તિ જાણીને શ્રી ‘મ’ બોલ્યા, ‘જો તું નહીં જાણીને પણ ઝેર ખા, તો તારું મૃત્યુ થશે. જો, પ્રત્યેક વસ્તુમાં એક ગુણ હોય છે.’

ત્યાર પછી તેઓએ ગંભીર બનીને મારા તરફથી મુખ હટાવ્યું અને બીજા ભક્તોની તરફ જોતાં બોલ્યા, ‘જુઓ, આ યુવક ઠાકુરની વાતોમાં વિશ્વાસ નથી કરતો.’ સૌ અચંબામાં હતા. સુરેન બાબુ મારી તરફ જોવા લાગ્યા. મેં આશ્ચર્યચકિત થઈને તેમની પાસેથી પ્રસાદનો કણ લીધો. ત્યાર બાદ હું લગભગ દરરોજ શ્રી ‘મ’ની પાસે જતો હતો.

૧૯૨૧માં સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં બેલુર મઠમાં દર્શન કર્યાં છે. ૧૯૨૪માં હું વિવેકાનંદ સોસાયટીમાં હતો અને કલકત્તા વિશ્વવિદ્યાલયમાં ભણતો હતો. ત્યાંથી બ્રહ્મચારી તારકની સાથે શ્રી ‘મ’ની પાસે ગયો હતો. અમને જોઈને શ્રી ‘મ’એ તારકને પૂછ્યું, ‘તું શું કરે છે?’ તેણે કહ્યું, ‘હું સોસાયટી માટે ધન એકઠું કરું છું. ત્યાં સંન્યાસીગણ આવી સપ્તાહમાં બે વર્ગો લે છે, ભજન અને રામનામ સંકીર્તન વગેરે થાય છે. હું તે બધી વ્યવસ્થા કરું છું.’ તદ્ઉપરાંત શ્રી ‘મ’એ મને પૂછ્યું, ‘તું શું કરે છે?’ હું બોલ્યો, ‘હું સવારે પૂજા કરું છું, સાંજની આરતી કરું છું અને બે કલાક પુસ્તકાલયમાં કામ કરું છું.’

શ્રી ‘મ’એ સાંભળીને કહ્યું, ‘વાહ! તારું કાર્ય તો ઘણું જ સારું છે! તું સુગંધી ચંદન ઘસે છે, ફૂલથી ઠાકુરને શણગારે છે. ઠાકુર અતિ પવિત્ર છે. તે જ ઠાકુરની તું પૂજા કરી રહ્યો છે, સર્વ કંઈ અર્પણ કરી રહ્યો છે. તારું આ કાર્ય સારું છે. આ કાર્ય તું છોડતો નહીં. પૂજાથી તુરંત ભગવાનનાં દર્શન થાય છે,’ આમ કહીને એમણે મને ઘણો જ ઉત્સાહ આપ્યો.

ત્યાર પછી મેં નિર્ણય કર્યો કે સંન્યાસી બનીશ અને બેલુર મઠમાં જોડાઈશ. મારી ઇચ્છા જાણી શ્રી ‘મ’એ કહ્યું, ‘જો, સાધુ બન્યા પછી મૃત્યુનું ચિંતન કરવું જોઈશે. કઠોપનિષદમાં છે કે નચિકેતા મૃત્યુના રાજા યમરાજની પાસે મૃત્યુ બાદ શું થાય છે તે જાણવા ગયા હતા. તેમણે યમરાજ પાસે મૃત્યુહીન અમર આત્માના સંદર્ભમાં જાણ્યું હતું. આજથી જ તું નિત્ય સ્મશાનમાં જજે અને ત્યાં શું જોયું તે મને બતાવજે.’ હું ઘણા દિવસો સુધી સ્મશાને ગયેલ. કેટલાની અંત્યેષ્ટિ થઈ તથા સ્મશાનનું વાતાવરણ વગેરેનું વર્ણન આપતો હતો. જે હોય તે, એક દિવસ કોઈ કારણથી ન જવાયું. આ જાણીને શ્રી ‘મ’એ કહ્યું, ‘નહીં, આ સારું નથી થયું. તારે નિયમિત જવું જોઈએ.’ મેં કહ્યું, ‘હું તે દિવસે મારા મિત્રની પાસે ગયો હતો. તેના પડોશમાં કોઈ મરી ગયેલું. મેં તે લોકોનું રડવાનું સાંભળ્યું.’ આ વાત સાંભળી શ્રી ‘મ’એ કહ્યું, ‘હા, આ પણ એક સારો અનુભવ કહેવાય. જો, મૃત્યુનું ચિંતન નહીં કરવાથી મૃત્યુ બાદ ઈશ્વર છે, એવું સમજાતું નથી.’ આ પ્રકારે તેમણે મારી અંદર વૈરાગ્ય ભાવનો પ્રવેશ કરાવ્યો.

૧૯૨૬માં હું કલકત્તાથી જઈ દેવઘર વિદ્યાપીઠમાં જોડાયો. ત્યાં ચાર વર્ષ રહ્યો. ત્યાં મારી તબિયત સારી ન રહેવાને કારણે ૧૯૩૦માં હું બેલુર મઠમાં મહાપુરુષ મહારાજ પાસે આવ્યો. શ્રી ‘મ’એ મને કાશી જવાનું કહ્યું. કાશી ગયા પહેલાં હું શ્રી‘મ’ને લગભગ દરરોજ મળવા જતો હતો. તે સમયે પ્રયાગરાજમાં કુંભમેળો ભરાયો. શ્રી ‘મ’એ મને કહ્યું, ‘ધીરેન, તું કુંભમેળામાં જા. સારું રહેશે. જોજે કે સાધુઓનો એક સમાજ હોય છે. સંસાર પ્રત્યે આકર્ષણ ઓછું થઈ જશે. ત્યાં વિભિન્ન સંપ્રદાયના સંન્યાસીઓનું મિલન થાય છે. એક મહિનાથી વધારે સમય સુધી પ્રત્યેક દિવસે ત્યાં સાધુ-સમાજ, ભગવત્ ગુણગાન, શાસ્ત્રચર્ચા, શોભાયાત્રા, ભંડારા જોઈને આનંદ અનુભવાશે અને ઘણું બધું જાણી શકીશ. ત્યાર પછી તે સઘળું વર્ણન મને લખજે.’

ત્યાર પછી બેલુર મઠના અનેક સંન્યાસીઓને માટે એક રેલનો ડબ્બો આરક્ષિત કરાવેલો. હું તે સૌની સાથે કુંભમેળામાં ગયો અને ગંગા-યમુનાના સંગમ પાસેના એક કેમ્પમાં રહ્યો. મેં કુંભમેળાનું વર્ણન લખી એક વિગતવાર પત્ર શ્રી ‘મ’ને મોકલ્યો હતો. કુંભમેળા પછી કાશી ગયો અને ત્યાંથી તપસ્યા કરવા માટે અલ્મોડા ગયો. અલ્મોડાની કુટિરનો નિર્જનવાસ અને વાતાવરણના સંબંધે એક પત્ર શ્રી ‘મ’ને લખ્યો. તેમણે જવાબમાં જણાવ્યું હતું, “તે નિર્જન હિમાલયમાં તું એકાગ્ર ચિત્તથી ઠાકુરનું ચિંતન કરીને સમય પસાર કરી રહ્યો છે. કેવું સુંદર વાતાવરણ! ઇચ્છા થાય છે કે આ વૃદ્ધાવસ્થામાં તે કુટિરમાં રહી તપસ્યા કરું. ‘તપસ્યા ચીયતે બ્રહ્મ.’ પરંતુ એકાન્તિક નિર્જનવાસમાં ‘સાધુ સાવધાન!’ ઠાકુરનું આ મહાવાક્ય કાયમ યાદ રાખજે.”

તેના એક વર્ષ પછી હું કલકત્તા પાછો આવ્યો અને શ્રી‘મ.’નાં દર્શન કર્યાં. તેમણે કહ્યું, ‘અહા! તારું કુંભમેળાનું કેવું વર્ણન હતું! મને સૌ પ્રથમ તારો જ પત્ર મળતો રહે છે. જો, ભારતવર્ષ જેવો સુંદર દેશ આ સંસારમાં અન્ય ક્યાંય પણ નથી. અહીં સાધુ-સંતો તપસ્યા કરે છે અને ભિક્ષા દ્વારા જીવનયાપન કરે છે. લોકો સાધુઓને ભિક્ષા આપે છે, જેથી તેઓ ઈશ્વરના ધ્યાનમાં જીવન વિતાવી શકે.’ હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) પોતાના જીવનમાં ગીતાનો અભ્યાસ કરી તેના સારતત્ત્વનો અનુભવ કરતા હતા. તેઓ સ્વયં મૂર્તિમંત ગીતા હતા. તેઓ શુકદેવ જેવા શુદ્ધ અને પવિત્ર હતા. મહાપુરુષ મહારાજે મને ગીતાના આ શ્લોકનું ધ્યાન કરવાનું કહ્યું હતું.

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुह्रत्।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्॥

(ગીતા. ૯/૧૮)

અર્થાત્‌ સર્વની ગતિ, ભરણપોષણ કરનાર, પ્રભુ, સાક્ષી, અધિષ્ઠાન, મિત્ર, ઉત્પત્તિ, કારણ અથવા પ્રલય, સ્થિતિ, આધાર અને અવ્યય બીજ હું છું.

અલ્મોડાના નિવાસ દરમ્યાન હું નિયમિત ગીતાના નવમા અને દશમા અધ્યાયનો પાઠ કરતો હતો. આ બે અધ્યાયમાં ભક્તિની અનેક વાતો છે, પરંતુ મને તે પ્રકારની ભાવ-ભક્તિનો અનુભવ થતો નહીં. હું ઠાકુરને ઘણી પ્રાર્થના કરતો. ઉપરાંત વિચારતો—મહાપુરુષ મહારાજ છે અને શ્રી‘મ.’ પણ હજુ હયાત છે. તેમનો સત્સંગ દુર્લભ છે. તેમની પાસે જ જાઉં છું. સાધુજીવનમાં સત્સંગ અતિ આવશ્યક છે.

જે પણ હોય, ઠાકુરે મારી પ્રાર્થના સાંભળી. પાછા ફર્યા બાદ કાશીમાં ત્રણ-ચાર મહિના રહ્યા બાદ ઓક્ટોબર મહિનામાં સ્વામી વિરજાનંદજી મહારાજનો એક પત્ર મળ્યો. તે સમયે તેઓ રામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ હતા. તેમણે લખ્યું, ‘ઉદ્બોધન પત્રિકા માટે એક સહસંપાદકની જરૂરિયાત છે. તું વિના વિલંબ અહીં આવી જા.’ મને અત્યંત ખુશી થઈ. ઉદ્બોધનમાં રહેવાની મને અત્યંત ઇચ્છા હતી, કારણ કે બેલુર મઠમાં મારી તબિયત સારી નહોતી રહેતી. ઉદ્બોધનમાં રહેતી વખતે અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ શ્રી ‘મ.’ પાસે જતો હતો.

શ્રી ‘મ.’ મોર્ટન સ્કૂલના ચોથે માળે રહેતા હતા. તેમાં એક પાટ, અનેક પુસ્તકોની અભરાઈ, દીવાલ પર ઠાકુર, શ્રીમા અને સ્વામીજીનાં ચિત્રો તથા એક બાજુ ઠાકુર દ્વારા વપરાયેલ કેટલીક વસ્તુઓ હતી.

એક દિવસ તેમનાં દર્શન કરવા ગયો. તેઓ પાટ ઉપર બેઠા હતા. મારા બેંચ પર બેઠા પછી તેમણે મને ઉચ્ચારણ કરવા કહ્યું, ‘ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥’ અર્થાત્‌ અસત્યથી મને સત્ય તરફ લઈ જાઓ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યુથી અમૃત તરફ લઈ જાઓ. શ્રી ‘મ.’ પ્રાર્થના માટે અત્યંત આગ્રહ સેવતા અને કહેતા કે, ‘Prayer is the golden link between the short life and eternal life. એટલે કે પ્રાર્થના ક્ષુદ્ર-જીવન અને શાશ્વત-જીવનને જોડતી એક સુવર્ણમય કડી છે. આ short life (ટૂંકું જીવન) પ્રભુને સમર્પિત કરવી પડશે. વધુને વધુ પ્રાર્થના કરજે. જો, તેની કૃપા વગર કંઈ પણ થતું નથી.’

શ્રી ‘મ.’ મને અત્યંત પ્રેમ કરતા અને ઠાકુરની ઘણી વાતો કરતા. તેમના ઘરની સામે જ એક વિશાળ છત અને ચારે તરફ ઊંચી દીવાલ હતી. આકાશ સિવાય અન્ય કશું દેખાતું નહીં. તે જ છત ઉપર તેમણે વિવિધ પ્રકારનાં ફૂલ, તુલસી વગેરે ઉગાડીને ઋષિઓની તપોભૂમિ જેવું તૈયાર કરેલું. નિયમિત સાંજના સમયે ભક્તો આવે ત્યારે તે લોકો સાથે ત્યાં જ ધ્યાન કરતા. એક વખત ભૂલથી આસન ત્યાં જ મૂકીને હું ઉદ્બોધન આવી ગયેલ. તેના બીજા દિવસે બપોરે ૨ વાગ્યે છુપાઈને આસન લેવા ગયો. શ્રી ‘મ.’એ મને જોઈ, મારો હાથ પકડીને પોતાની પાટ ઉપર બેસાડ્યો. ત્યાર પછી તેમણે કહ્યું, ‘તારો જ વિચાર કરી રહ્યો હતો. મારે તારી સાથે કેટલીક વાતો કરવી છે.’ મેં કહ્યું, ‘મારે હમણાં જ પાછું ફરવું પડશે. ઉદ્બોધનમાં ત્રણ વાગ્યે સ્વામી વાસુદેવાનંદજી છાંદોગ્ય ઉપનિષદ પર વર્ગ લે છે, તેમાં મારે હાજરી આપવી પડશે.’ તેમણે કહ્યું, ‘જો, અભ્યાસ કરીને ઈશ્વરની પાસે જવું એ royal path (રાજમાર્ગ) છે. એ પ્રત્યેક યુગમાં છે. જો, ઠાકુરને પકડો. તેને પકડીને સ્વાધ્યાય કરો. તેઓ હમણાં જ આવ્યા છે. આ સુવર્ણ અવસર છે. તેઓ સાક્ષાત્‌ ઈશ્વર છે. તેમનાં ચરણોમાં વેદ-વેદાંત રહ્યાં છે. તેમને પકડવાથી હમણાં જ આ બધું જ્ઞાન થઈ જશે. બહુ જલદી ગંતવ્યસ્થાને પહોંચી જઈશ, નહીંતર ઘણું મોડું થઈ જશે, ઘણું મોડું થઈ જશે.’

પરંતુ મને તે સમયે શાસ્ત્રો પ્રત્યે અત્યંત લગાવ હતો. સૌ કહેતા શાસ્ત્ર નહીં વાંચવાથી જ્ઞાન નહીં મળે. હું શ્રી ‘મ’ પાસેથી હાથ છોડાવી ઉદ્બોધન પરત આવી ગયો. મેં મૂઢ સમાન તેમના પ્રત્યે અશ્રદ્ધા વ્યક્ત કરી અને તેમની વાતોમાં વિશ્વાસ ન કર્યો. હવે સમજાય છે કે તેઓ જાણે મને કંઈક આધ્યાત્મિક તત્ત્વ બતાવવા ઇચ્છતા હતા.

ત્યાર પછી શ્રી ‘મ’ને કહ્યું હતું, ‘હું ધ્યાન કરવા માટે યોગ્ય નથી. આપ મારા માટે કંઈક કરો.’ ત્યારે તેઓએ કહ્યું, ‘જો ફક્ત શાસ્ત્ર લઈને રહેશો, તો આધ્યાત્મિક સત્યના ઊંડાણને સમજવા સફળ નહીં થાઓ. ઈશ્વરને પ્રાર્થના જ સારવસ્તુ છે. તું જ્યારે તે નથી કરી શકતો તો ફક્ત ઈશ્વરની ચર્ચા જ તારી સાધના હોઈ શકે. कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च. (ગીતા. ૧૦/૯). મતલબ મારો ભક્ત નિત્ય મારા તત્ત્વગુણ અને લીલાકથાનું ગુણગાન કરીને સંતુષ્ટ પામે છે અને આનંદ પ્રાપ્ત કરે છે. परस्परं भावयन्तः श्रेयः परमवाप्यस्थ. (ગીતા. ૩/૧૧) અર્થાત્‌ આ પ્રકારે અન્યોન્ય સંતોષ-સાધના થકી મંગલ પ્રાપ્ત થાઓ. ગીતાની આ વાતોનું પાલન કરો. ભક્તોની સાથે ઈશ્વરની કથા કહેતાં કહેતાં તને ભક્તિ પ્રાપ્ત થશે. ફક્ત તેના વિશેષ ચિંતન કરજે.’

શ્રી ‘મ.’ મારા અત્યંત હિતેચ્છુ અને મંગલ ઇચ્છનારા હતા. એક દિવસ એક વ્યક્તિની સાથે મારી ચર્ચા થઈ. બપોરના ભોજન પછી હું તેમની પાસે સાંત્વના મેળવવા ગયો. મને જોઈને તેમણે ભાવથી મને બોલાવ્યો, ‘આવ, આવ.’ મને બેંચ ઉપર બેસવાનું કહ્યું. ત્યાર બાદ મારા હાથમાં કેટલીય ચિઠ્ઠી આપીને કહ્યું, ‘આ જો, દેવાસુર સંગ્રામ ચાલી રહ્યો છે. એક ટૂકડી બીજી ટૂકડીની નિંદા કરી રહી છે. કેટલાક ટીકાકારોએ ટીકા કરી છે કે ‘બેલુર મઠ ઉપર વાઘ કૂદી પડ્યો છે.’ એમ કહીને શ્રી ‘મ.’ જોરથી હસવા લાગ્યા. તેમનું હસવું જોઈને હું પણ હસી પડ્યો. મારે મારા દુઃખની વાતો કહેવી જ ન પડી. તેઓ ઠાકુરના અંતરંગ શિષ્ય હતા. બાળક જેવા તેમના હાસ્યથી મારું દુઃખ ચાલ્યું ગયું.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.