ગતાંકથી આગળ…

ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા છીએ.

‘ચારિત્ર્ય પર કર્મની અસર’ નામના ‘કર્મ યોગ’ની ચર્ચામાં સ્વામી વિવેકાનંદ નાનાં કાર્યોનું મહત્ત્વ અને એ દ્વારા થતાં અદ્‌ભુત ચારિત્ર્ય ઘડતર તેમજ જુદાં જુદાં કાર્યો દ્વારા ભીતરની શક્તિને જગાડીને જ્ઞાન જાગૃતિનો પ્રયાસ કેવું મહાન ફળ આપે છે, તેની વાત આ શબ્દોમાં કરી છે.

‘જિંદગીના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને. વ્યક્તિ નાનાં નાનાં કાર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈએ. આ નાનાં કાર્યોમાંથી મહાન વ્યક્તિના સાચા ચારિત્ર્યની પિછાન થશે. મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહાત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૧.૨૪)

‘બધા માણસોની અંદર શક્તિ રહેલી છે, બધા માણસોની અંદર એ રીતે જ્ઞાન રહેલું છે; જુદાં જુદાં કાર્યો એ આ શક્તિ અને જ્ઞાનને બહાર લાવવા માટેના થતા પ્રહારો જેવાં છે, આ શક્તિ અને જ્ઞાનને જાગ્રત કરવાના પ્રયાસો જેવાં છે. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૧.૨૫)

યોકોહામાથી ૧૦ જુલાઈ ૧૮૯૩ ના રોજ પ્રિય આલાસિંગા, બાલાજી અને જીજી તેમજ મદ્રાસના મિત્રને લખેલા એક પત્રમાં રાષ્ટ્રના અને પ્રજાજનોના સાર્વત્રિક કલ્યાણની જવાબદારી કોને અને કેવા યુવાનોને સોંપવી જોઈએ કે જેથી આપણા દેશના ગરીબ ભૂખ્યા લોકોને નવજીવન બક્ષીને તેમને મર્દ બનાવી શકાય. આ વાત કરતાં સ્વામીજી આમ લખે છે. :

‘ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. તમારી જરઠ બની ગયેલી સંસ્કૃતિને તોડવા માટે અંગ્રેજ સરકાર તો પ્રભુએ આ દેશમાં આણેલું એક નિમિત્ત છે; અને અંગ્રેજોને પગભર બનવામાં સહાય કરનારા શરૂઆતના માણસો મદ્રાસે આપ્યા હતા. આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનમાનસને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને મદ્રાસ કેટલા નિ :સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આપવા તૈયાર છે ?’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૯.૧૯૮)

બેલુર મઠમાં ૧૯૦૧ માં પોતાના શિષ્ય સરતચંદ્ર ચક્રવર્તિ સાથેની વાતચીતમાં શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં કેવા યુવાનો આ દેશનું સાર્વત્રિક કલ્યાણ કરીને પોતાના દેશવાસીઓનું મહત્તમ યોગક્ષેમ સાધી શકે એની વાત કરતાં તેઓ આમ કહે છે. :

‘મારે તો દેશની આશાસમા યુવકોની એક ટુકડી જોઈએ છીએ. મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે, અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે ! નહિ તો, સાધારણ યુવાનો તો ટુકડીબંધ આવે છે, અને આવશે. તેમના ચહેરા ઉપર નિસ્તેજતા આલેખાયેલી જ દેખાય છે; તેમનાં હૃદય શક્તિહીન છે, તેમનાં શરીર માયકાંગલાં અને કાર્ય કરવા માટે અયોગ્ય છે તથા તેમનાં મન હિંમત વિનાનાં છે. આવા લોકોથી શું કામ થવાનું હતું ?’ (સ્વા. વિ. ગ્રંથમાળા :૯.૭૨)

યુ.એસ.એ.થી ૧૮૯૪ માં પોતાના પ્રિય શિષ્ય મદ્રાસના આલાસિંગાને લખેલા એક પત્રમાં મદ્રાસમાં એક કેન્દ્રનો પ્રારંભ કરીને ત્યાંથી જીવન્ત શક્તિને તમામ દીશાઓમાં ફેલાવવાનો તેમજ મનુષ્યને ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સેવાભાવી માનવ ઊભા કરવા કેવી રીતે કાર્યનો પ્રારંભ કરવો તેનું માર્ગદર્શન આપતાં સ્વામીજી આ વાત કરે છે. :

‘અત્યારે થોડાક ગૃહસ્થી પ્રચારકોથી શરૂઆત કરો; પછી ધીરે ધીમે, આ કાર્યમાં પોતાનું સમસ્ત જીવન સમર્પી દેનારા અન્ય લોકો તમને આવી મળશે.’(સ્વા. વિ. ગ્રંથમાળા :૯.૨૪૫)

વર્તમાન પત્ર ‘ધ હિન્દુ’ મદ્રાસ, ફેબ્રુઆરી ૧૮૯૭માં ‘પરદેશ અને દેશના પ્રશ્નો વિશેની ચર્ચામાં આપણી સામાન્ય જનતાની પ્રગતિ માટે આપ શું સૂચવો છો ? એ પ્રશ્નના ઉત્તરમાં વ્યાવહારીક જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ આપવું, આપણા પૂર્વજોએ ઘડી રાખેલી યોજનાને અનુસરવાનું અને એ બધા આદર્શાેને જીવનમાં ઉતારીને જનતામાં લાવવાના કાર્યને કેવી રીતે પાર પાડવું તેમજ આ કાર્યમાં કેવા યુવાનો ઉપયોગી નીવડી શકે તેની વાત કરતાં સ્વામીજી આ શબ્દો ઉચ્ચારે છે :

‘બેશક, આપણે ક્રમે ક્રમે એ કામ પાર ઉતારવું જ પડશે. પરંતુ જો પૂરતા પ્રમાણમાં સ્વાર્થત્યાગી નવયુવકો નીકળી આવે, અને હું આશા રાખું છું તેમ મારી સાથે કાર્યમાં લાગી જાય, તો એ આવતી કાલે પાર પાડી શકાય. એ બધું તો કાર્યમાં કેટલો ઉત્સાહ અને આત્મભોગ આપીએ છીએ, તેના પર આધાર રાખે છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા :૬.૨૭)

ઉપર્યુક્ત વિષય વિશે સ્વામીજીને શું હિન્દુઓને સમાજ સુધારાની જરૂર નથી ? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ મહાપુરુષો કઈ રીતે નવા નવા વિચારો આપતા રહ્યા છે અને એમાંથી જે તે કાળના રાજાઓ કેવી રીતે એ વિચારોને કાયદા દ્ધારા અમલમાં લાવતાં એની વાત કરે છે. પણ હવે એ રાજાઓ તો નથી રહ્યા એટલે લોકો જ કેળવાય, પોતાની જરૂરતો સમજે, પ્રશ્નોનો ઉકેલ શોધે એ માટે થોડી રાહ જોવાની વાત તેઓ કરે છે :

‘કોઈ કોઈ વખતે મહાન પુરુષો પ્રગતિના નવા નવા વિચારો આપે, અને રાજાઓ તેમને કાયદાનું સ્વરૂપ આપે. ભૂતકાળમાં ભારતમાં આ રીતે સામાજિક સુધારાઓ થતા હતા; અર્વાચીન કાળમાં એવા પ્રગતિશીલ સુધારાઓ સાધ્ય કરવા માટે પહેલાં તો આવી એક શક્તિશાળી સત્તા ઉત્પન્ન કવી પડશે. રાજાઓનું વિસર્જન થતાં સત્તા લોકોમાં આવી છે; એટલા માટે લોકો કેળવાય ત્યાં સુધી, તેઓ પોતાની જરુરિયાતો સમજે અને પોતાના પ્રશ્નોનો પોતે જ ઉકેલ લાવવાને તૈયાર અને શક્તિમાન બને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. (સ્વા. વિ. ગ્રંથમાળા :૬.૨૯)

આ જ કાર્ય માટે લોક શિક્ષણની કેવી આવશ્યકતા છે અને લોકો જ પોતાનો ઉદ્ધાર કરે એવી નવી વ્યવસ્થા લાવવાની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘લોકોને શિક્ષણ આપવું, કે જેથી તેઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ પોતે જ લાવી શકે. એ થાય નહીં ત્યાં સુધી આ બધા આદર્શ સુધારાઓ માત્ર આદર્શ જ રહેવાના. લોકો દ્વારા જ લોકોનો ઉદ્ધાર, એ આજની નવી વ્યવસ્થા છે. એને કાર્યક્ષમ બનાવતાં સમય લાગે છે. અને ભૂતકાળમાં રાજાઓ જ રાજ કરતા આવ્યા છે, તેવા ભારતમાં તો ખાસ કરીને સમય લાગશે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૬.૨૯)

‘ભારતીય જીવનમાં વેદાંત’ નામના પોતાના વ્યાખ્યાનમાં સાચું લોકકલ્યાણ કરવા માટે અને સામાન્ય જનોને વિકાસને પંથે દોરી જવા આપણે કેવી માવજત લેવી જોઈએ એ વિશે વાત કરતાં સ્વામીજી કહે છે :

‘બીજાઓ ઉપર હકૂમત ચલાવીને તમે કોઈનું ભલું કરી શકો એ ખ્યાલ સાવ છોડી દેજો. પણ નાના રોપાની બાબતમાં જેટલું તમે કરી શકો, તેટલું જ આ બાબતમાં કરી શકો; ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે સ્વાભાવિક રીતે જ લઈ લેશે; એને પોતાનામાં સમાવીને તે પોતાની મેળે, સ્વભાવિક રીતે જ વધશે. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૧૨૪)

કેલિફોર્નિયાથી ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૦૦ ના રોજ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં એમણે શરૂ કરેલા ભાગલપુરના જ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવીને આશ્રમની સંસ્થાઓએ નિરાધાર, ગરીબ, અભણ, ખેડૂતો અને મજૂરવર્ગ માટે કેવું કાર્ય કરવું જોઈએ અને એ કેવી રીતે કરવું જોઈએ એની વાત કરતાં સ્વામીજીએ કહ્યું છે :

‘માણસે પોતાના પરિશ્રમથી જ પોતાની ઉન્નતિ કરવી જોઈએ.’ આ વાક્ય પ્રત્યેક ક્ષેત્રમાં સાચું છે. તેઓ પગભર થાય તે માટે જ આપણે તેમને મદદ કરીએ છીએ. તેઓ તમને ગુજરાન ચાલે તેટલું આપે છે, તેમાં જ ખરું કાર્ય કરે છે. જ્યારે તેઓ પોતાની સ્થિતિ સમજશે અને મદદ તથા સુધારાની જરૂર છે એમ તેમને ભાન થશે, ત્યારથી જાણી લેજો કે તમારા કાર્યની અસર થઈ ચૂકી છે અને તે સાચી દિશામાં છે. ધનિકો દયાભાવથી ગરીબોનું જે થોડુંક ભલું કરે છે તે ચિરંજીવ નથી, અને અંતે બન્ને પક્ષને નુકસાનકારક નીવડે છે. ખેડૂતો અને મજૂરવર્ગના લોકો મૃતપાય અવસ્થામાં છે; એટલે પૈસાદાર લોકોએ તેમને શક્તિ પાછી મેળવવા પૂરતી જ મદદ કરવાની જરૂર છે, એથી વિશેષ નહિ. પછી તો એ લોકો પોતે જ પોતાના પ્રશ્નોમાં ઊંડા ઊતરે તથા સમજીને તેમનો ઉકેલ લાવે, એ તેમના પર છોડી દો. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૧૨.૩)

શિકાગોથી ૨૪ મી જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ મદ્રાસના પોતાના શિષ્યોને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં મનુષ્ય, વર્ગ, જ્ઞાતિ, રાષ્ટ્ર કે સંસ્થા કોઈ પણ વ્યક્તિના વિચાર કે કાર્યના સ્વતંત્ર અધિકારને દબાવે એ અયોગ્ય છે અને એના દ્વારા અધોગતિ થવાની એટલે જ વ્યક્તિ કે સમાજ કે ધર્મને હાનિ પહોંચાડ્યા વગર સમાજની અને જનતાની સાચી ઉન્નતિ કઈ રીતે કરી શકાય એની વાત કરતાં સ્વામીજી આમ લખે છે :

‘મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે એક એવી યોજના અમલમાં મૂકી દેવી કે જેથી પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને. ત્યારબાદ ભલે સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાનું ભાગ્ય નક્કી કરે. જીવનના અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિષે આપણા પૂર્વજોએ તેમજ બીજા દેશોના વિચારકોએ શું વિચાર્યું છે એ હકીકતની તેમને જાણ થવી જોઈએ. બીજાઓ અત્યારે શું કરી રહ્યા છે એ તેઓ ખાસ જુએ અને પછી પોતાના નિર્ણયો બાંધે. આપણે તો માત્ર રસાયણોનો સંયોગ કરવાનો છે; પાસા પાડવાની ક્રિયા તો કુદરત પોતાના નિયમાનુસાર કરી લેશે. સખત પરિશ્રમ કરો, દૃઢ બનો અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, કામે લાગી જાઓ. (સ્વા. વિ. ગ્રંથમાળા :૧૧.૨૧૫)

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.