(ગતાંકથી આગળ)

ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ સદ્ધર બનાવીને લોકસેવાની કેવી કેવી પ્રવૃત્તિ કરવી તેમજ લોકોની આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સંસ્થાના કાર્યકરોએ કેવી ઉદાત્ત ભાવના રાખીને લોકકલ્યાણનાં, એમાંય સામાન્ય લોકોનાં સાર્વત્રિક કલ્યાણ માટે કેવાં કેવાં કાર્યો કરવાં એની વાત આપણે જોઈ ગયા છીએ.

સ્વામીજીએ ૧૯૦૦માં કરેલી પશ્ચિમની બીજી મુસાફરીનાં સંસ્મરણો તત્કાલીન ‘ઉદ્‌બોધન’ પત્રના સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદજીને અનુલક્ષીને લખાયેલ ‘યુરોપના પ્રવાસનું વર્ણન’ એ લેખમાં કરેલ છે. આપણે સૌ આર્યોના વંશજ હોવાનું ગૌરવ અનુભવીએ છીએ અને ભારતની પ્રાચીન યશગાથા ગાઇએ છીએ. પોતાના કુળનું અભિમાન રાખીને ફર્યા કરતા ઉચ્ચવર્ગાે એટલે કે ભદ્રસમાજના, ભદ્રસંસ્કૃતિના લોકોએ ભારતની ઉન્નતિ માટે અને નૂતન ભારતને ઊભું કરવા માટે ખરેખર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વાત પણ એ વર્ગના લોકોને ઉદ્દેશીને તેમજ તેમને બરાબર ઠપકારીને સ્વામીજીએ આ શબ્દોમાં કહી છે :

‘હે ભારતના ઉચ્ચ વર્ગના આદમીઓ ! આ માયારૂપી સંસારમાં તમે જ ખરી ભ્રમણારૂપ, ખરા મૃગજળ સમાન છો ! તમે કેવળ જાતજાતના નમૂનાના ખીચડારૂપ ભૂતકાળના પ્રતિનિધિઓ છો. આજને કાળે પણ જે દેખાઓ છો એમ તમને લાગે છે તે બીજું કંઈ નહિ પણ અપચાથી ઉત્પન્ન થતી રાતની ભૂતાવળ જ છો. તમે ભાવિનાં મિથ્યા, સારહીન શૂન્યો છો. સ્વપ્ન જગતનાં પાત્રો તમે હજી કેમ અદૃશ્ય થતાં નથી ? તમે પ્રાચીન ભારતના મૃતદેહનાં રક્તમાંસ વિનાનાં હાડપિંજર છો; શા માટે તમે તમારી જાતને જલદી જલદી રાખમાં મેળવી દેતા નથી કે હવામાં અદૃશ્ય કરતા નથી ? હા, માત્ર તમારી હાડકાંની આંગળીઓમાં તમારા પૂર્વજોએ સંગ્રહેલી કેટલીક અમૂલ્ય રત્નમય મુદ્રિકાઓ તથા દુર્ગંધ મારતા તમારાં શબની બાથમાં જકડાયેલી ઘણી પુરાણી રત્નપેટીઓ છે. આજ સુધી તે સોંપી દેવાની તમને તક નહોતી મળી; હવે બ્રિટિશ રાજ્ય હેઠળ, બહોળો ફેલાવો પામેલ કેળવણીના આ યુગમાં, તમારા વારસોને તમે જેમ બને તેમ જલદીથી તે આપી દો, અને પછી તમે પોતે શૂન્યમાં મળી જાઓ. તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૮.૧૪૦)

બેલુર મઠમાં ૧૮૯૮માં સ્વામીજી પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીની એક શંકાનું સમાધાન કરતાં આપણા સમાજમાં નીચલી કક્ષાના ગણાતા લોકોને કચડનારાઓનું સમાજમાં કેટલું બધું મહત્ત્વ છે, અને એમની નિ :સ્વાર્થ અને અબોલ મનની સેવાથી સમાજનું સાર્વત્રિક આરોગ્ય કેવી રીતે જળવાય છે તેની વાત કરે છે. સાથેને સાથે ઉચ્ચ વર્ગના લોકોએ એની કેવી ખેવના કરવી જોઈએ, એમની જ્ઞાનોન્નતિ કઈ રીતે કરી શકાય એની વાત કરતાં સ્વામીજી આ શબ્દો ઉચ્ચારે છે :

‘ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે… આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે; હવે તેનો બદલો લેવાનો તેમનો વારો આવ્યો છે. તમે નોકરીને તમારું જીવન સર્વસ્વ બનાવીને તેની મિથ્યા શોધમાં જ નાશ પામવાના છો… મજૂરો કામ બંધ કરે તો તમને રોજનાં અન્ન અને વસ્ત્ર મળતાં પણ બંધ થાય. અને છતાં તમે એ લોકોને હલકા વર્ણના લેખો છો, અને તમારી સંસ્કૃતિનાં બણગાં ફૂંકો છો! … જો આ લોકો કામ કરતા અટકી જાય તો તમે તમારાં અન્ન અને વસ્ત્ર ક્યાંથી મેળવવાના છો ? જો કોલકાતાના ઝાડુવાળાઓ એક દિવસ પણ કામ બંધ કરે તો ગભરામણ પેદા થાય; અને ત્રણ દિવસ જો હડતાલ પાડે તો રોગચાળો ફાટી નીકળવાથી આખું શહેર ખલાસ થઈ જાય ! (સ્વા.વિ.ગ્રંથમાળા : ૧૧.૮)

મદ્રાસના વિક્ટોરિયા હોલમાં ‘મારી સમર યોજના’ નામના વ્યાખ્યાનમાં કોઈપણ સુધારો કરનારી સંસ્થાએ કયું પાયાનું કામ કરવું જોઈએ જેથી ભારતની પ્રજા એક ભારતીય તરીકે તૈયાર થાય એની વાત કરતાં સ્વામીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘ગયા સૈકા દરમિયાન જેને માટે આંદોલન ચલાવવામાં આવ્યાં હતાં તેવા ઘણા ખરા સુધારાઓ માત્ર શોભાના રહ્યા છે. આ સુધારાઓ માંહેનો દરેકે દરેક માત્ર પહેલા બે વર્ણને સ્પર્શે છે, બીજા કોઈને નહીં. વિધવાવિવાહનો પ્રશ્ન ભારતની સિત્ત્ોર ટકા સ્ત્રીઓને સ્પર્શશે નહીં. આવા બધા પ્રશ્નો ભારતના લોકોના માત્ર ઉચ્ચ સુશિક્ષિત વર્ણાેને જ સ્પર્શે છે. વળી ધ્યાન રાખજો કે તેમને મળેલું શિક્ષણ સાધારણ લોકોને ભોગે મળેલું છે. દરેક પ્રશ્ન તેમનાં પોતાનાં ઘર સાફ કરવા પૂરતો રહ્યો છે. પણ એ કાંઈ સમગ્ર સુધારણા નથી. તમારે તો વસ્તુના પાયા સુધી, તેના ખુદ મૂળ સુધી પહોંચવું જોઈએ. એને હું આમૂલ સુધારો કહું છું. મૂળમાં અગ્નિ પ્રગટાવો પછી એ ભલે બળતો બળતો ઊંચે જાય અને એક ભારતીય પ્રજાને તૈયાર કરે.’(સ્વા.વિ.ગ્રંથમાળા : ૪.૯૭)

૨૦ મી ઓગષ્ટ, ૧૮૯૩ ના રોજ બ્રિઝી મેડોઝથી પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને લખેલા એક પત્રમાં કહેવાતા ઉચ્ચવર્ગના લોકોએ સામાન્ય સમાજ અને નારીઓની કેવી વિષમ અને વિપરીત દશા કરી મૂકી છે તેની વાત સ્પષ્ટ શબ્દોમાં, હૃદય સોંસરવી ઊતરી જાય તે ભાષામાં કરતાં સ્વામીજીએ લખ્યું છે :

‘તેઓ બાળકો છે, ખરેખર બાળકો છે. પોતાની દિનચર્યા, ખાવું, પીવું, કમાવું, સંતાનો પેદા કરવાં ને ગણિતના જેવી ચોકસાઈથી એકબીજાને અનુસરવું – આવી તેમની સાવ નજીક રહેલી ક્ષુદ્ર ક્ષિતિજથી આગળ તેમની આંખો કશું જોઈ શક્તી નથી. આટલાથી બહારનું કશું તેઓ જાણતા નથી, આ સ્વસુખમાં રાચતા અલ્પ આત્માઓ ! તેમની ઊંઘમાં કદી ખલેલ પડતી નથી. સદીઓના જુલમનાં પરિણામરૂપે ભારતમાં પ્રવર્તી રહેલા સંતાપો, દુ :ખ, અધ :પતન અને ગરીબીની ચીસો, તેમનાં જીવનરૂપી સુંદર દીવાનખાનાંમાં કદાપિ ખલેલ પાડતાં નથી. યુગોથી ચાલ્યા આવતા, માનસિક, નૈતિક અને શારીરિક જુલમોએ પ્રભુની પ્રતિકૃતિ સમા મનુષ્યને કેવળ ભારવાહી પશુની કોટિમાં ઉતારી દીધો છે; જગદંબાના પ્રતીક સમી સ્ત્રીને સંતાન પેદા કરનાર ગુલામડી બનાવી મૂકી છે, અને ખુદ જિંદગીને એક શાપરૂપ કરી મૂકી છે, તેનો તેમને સ્વપ્નેય ખ્યાલ નથી. પરંતુ બીજા કેટલાક એવા છે કે જેઓ આ બધું જુએ છે, જેમને લાગી આવે છે અને પોતાના હૃદયમાં લોહીનાં આંસુ વહાવે છે. આવા લોકો માને છે કે આનો ઉપાય છે જ. અને કોઈપણ ભોગે, પ્રાણત્યાગ કરવો પડે તો પણ, આ ઉપાય અજમાવવા માટે તેઓ તૈયાર છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૧૧.૨૦૨)

પોતાના પ્રિય શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીને ભારતના નીચલા વર્ગના લોકો જીવન સંઘર્ષમાં ઉચ્ચવર્ગના લોકોને મહાત કરવાની સત્તા અને શક્તિ ક્યાંથી મેળવશે એ પ્રશ્નના ઉત્તરમાં ઉચ્ચવર્ગના લોકોનું કલ્યાણ ખરેખર શેમાં સમાયેલું છે અને નીચલા વર્ગમાં કેવી રીતે નવજાગૃતિ આવી રહી છે, એની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે, અને પોતાના વાજબી હકો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે. યુરોપ અને અમેરિકાની જનતા પહેલાં જાગ્રત થઈ છે, અને તેણે લડત શરૂ પણ કરી દીધી છે. ભારતમાં પણ આ જાગૃતિનાં ચિહ્નો જણાવા લાગ્યાં છે, કે જે હાલમાં નીચલા થરના લોકોની હડતાળો પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી રાખી શકશે નહીં. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.

માટે જ હું તમને કહું છું કે આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે ‘‘તમે અમારા ભાઈઓ છો, અમારું જ અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી.’ તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સોગણો વધશે. આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનદીપ પ્રગટાવો. તેમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં ગૂઢ તત્ત્વો પણ સમજાવો. આ શિક્ષણના બદલામાં તેવા શિક્ષકોની ગરીબી પણ દૂર થશે. પરસ્પર આપ-લેથી બંને પક્ષો એકબીજા પ્રત્યે મૈત્રીભાવ રાખતા થશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૧૧.૮-૯)

પોતાના શિષ્ય મદ્રાસના આલાસિંગા પેરુમલને શિકાગોથી ૧૮૯૪ માં લખેલા પત્રમાં સ્વામીજી લખે છે : ‘પ્રજાના પૈસે ભણેલો ગણેલો અને સુશિક્ષિત કહેવાતો માણસ જ્યાં સુધી સામાન્ય જનના કલ્યાણનો વિચાર નહીં કરે ત્યાં સુધી એને ‘સુધરેલો જંગલી માનવ’ ગણવો જોઈએ :

‘જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું ! ગરીબોને પીસીને પોતાનો તમામ પૈસો કમાનારા, ફૂલફટાક થઈને દમામભેર ફરનારા લોકો જ્યાં સુધી ભૂખ્યા જંગલીઓની કોટિમાં આવી રહેલા આ વીસ કરોડ લોકો માટે કશું કરતા નથી, ત્યાં સુધી એવા લોકોને હું અધમ કહીશ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૧૧.૨૪૨-૪૩)

કેલિફોર્નિયાથી ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૦૦ ના રોજ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને લખેલ પત્રમાં માણસે પોતાના પરિશ્રમથી જ પોતાની ઉન્નતિ કરવી જોઈએ અને એ જ રીતે ગામડાંના ખેડૂત અને મજૂર વર્ગનું કલ્યાણ થઈ શકે તેમ છે એવી શિખામણ ધનિકોને આપતાં સ્વામીજી આ શબ્દો લખે છે :

‘ધનિકો દયાભાવથી ગરીબોનું જે થોડુંક ભલું કરે છે તે ચિરંજીવ નથી, અને અંતે બન્ને પક્ષને નુકસાનકારક નીવડે છે. ખેડૂતો અને મજૂરવર્ગના લોકો મૃતપ્રાય અવસ્થામાં છે; એટલે પૈસાદાર લોકોએ તેમને શક્તિ પાછી મેળવવા પૂરતી જ મદદ કરવાની જરૂર છે, એથી વિશેષ નહિ. પછી તો એ લોકો પોતે જ પોતાના પ્રશ્નોમાં ઊંડા ઊતરે તથા સમજીને તેમનો ઉકેલ લાવે, એ તેમના પર છોડી દો. પરંતુ ગરીબ ખેડૂતો અને મજૂરવર્ગના લોકો તથા ધનિકવર્ગ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે તમારે જોવાનું છે. ધનિકોને ગાળો ન આપવાનો નિશ્ચય કરજો. स्वकार्यमुद्धरेत्प्राज्ञः। ‘ડાહ્યા માણસે પોતાનું કામ કાઢી લેવું જોઈએ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા :૧૨.૩)

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.