રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન જોષીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

તમે પોતાની જાતે વધુ સારા માનવ બનો !

જે વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ, જેની આપણે વિસ્તારથી વિચારણા કરવાના છીએ, તેને માટે પ્રસ્તાવના આવશ્યક છે. પ્રસ્તાવનામાં આપણે આપણા મૂળ સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ.

આપણે કેવી રીતે વિચારીએ છીએ ? જે ભાષાના આપણે જાણકાર હોઈએ તેમાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. આપણે હાલ મનન, ચર્ચા અને આપણા વિચારો વ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા વિચારોની આપલે એકબીજા સાથે ગુજરાતી ભાષામાં કરીશું.

શીર્ષક છે – ‘તમે પણ વધુ સારા માનવ બની શકો.’ આપણું વ્યક્તિત્વ સારું હોય તો તેનાથી વધુ સારું બની શકે છે. આ સારા થવાનો અર્થ શું છે ? વધારે સારા થવંુ એ તુલનાત્મક વિષય છે. એટલે જેના માટે આ શબ્દોનો પ્રયોગ થયો છે, તે વસ્તુ પહેલી વસ્તુથી થોડી વધારે સારી છે, થોડી વધારે ઉપયોગી, ફાયદાકારક અને સુંદર મજાની છે.

હવે વધારે સારા થવાનો અર્થ એટલે આપણે પહેલાં હતા તેનાથી થોડા વધારે સારા બનીશું. હાલ જેવા છીએ તેનાથી વધારે સારા, સુસંસ્કૃત બનીશું. આપણા વર્તમાન કરતાં થોડા વધારે ઉપયોગી, વ્યવસ્થિત અને કુશળ બનીશું. એનો અર્થ એ થયો કે આપણું વ્યક્તિત્વ હાલ જે છે તેના કરતાં દરેક ક્ષેત્રમાં વધુ ઉચ્ચતર હશે.

મનુષ્યની નૈતિક અને આધ્યાત્મિક શક્તિ માણસમાં રહેલી સારપની કસોટી છે. એટલે આપણી બધી મહત્તાઓનું મૂલ્યાંકન આપણી આધ્યાત્મિક અને નૈતિક પ્રગતિથી થવું જોઈએ. જેમ જેમ આપણે વધારે ને વધારે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણને ઉન્નત કરીશું તેમ તેમ દિવસે ને દિવસે સારામાંથી વધુ સારા બનતા જઈશું. અંતે આપણે જ્યારે સંપૂર્ણપણે નૈતિક અને આધ્યાત્મિકરૂપે ઉન્નતિ પામીશું ત્યારે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બની જઈશું.

આ પ્રમાણે જોઈએ તો વધુ સારા માનવ બનવાનો અર્થ – ‘વ્યક્તિના દિવ્ય ગુણોનો સર્વાંગીણ વિકાસ છે.’ તેને અંતે દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. વધુ સારા બનવા માટે પ્રયત્ન કરવાનો એક માત્ર હેતુ છે, ‘મનુષ્યમાં પહેલેથી જ સુષુપ્ત દિવ્યશક્તિને પૂર્ણપણે જાગૃત કરવી.’

દિવ્યતાનો અર્થ છે, ‘મનુષ્યના અંતરમાં રહેલી અવ્યક્ત શક્તિઓને વ્યક્ત કરવી અને તેનો વિકાસ કરવો.’ મનુષ્યમાં અનંત શક્યતાઓ છે, એટલે દિવ્યતાનો એક બીજો અર્થ પણ છે – મનુષ્યના દૈનંદિન જીવનમાં અનંત શક્તિનો અનુભવ કરવો, તેને વ્યક્ત કરવી અને તેનો વિકાસ કરવો.

જાણકાર અને જાણકારી

આપણું શીર્ષક કહે છે કે તમે વધુ સારા માનવ બની શકો છો. તમારું વ્યક્તિત્વ સારાથી વધારે સારું બની શકે છે.

આ શીર્ષકનો અર્થ શું ? એમાં બે વસ્તુ બરાબર સ્પષ્ટ થાય છે :

* તમે એક માનવ છો.

* તમે વધારે સારા માનવ બની શકો છો.

આ બંન્ને વચ્ચે કંઈક છુપાયેલું છે. તે એ છે કે તમે હાલમાં પણ સારા છો. જ્યાં સુધી કોઈપણ વસ્તુ કે વ્યકિત સારી ન હોય તો એ ઉત્તમ કેવી રીતે બની શકે? વ્યક્તિ એટલે જીવંત મનુષ્ય, એ મરેલી વ્યક્તિ ન હોઈ શકે. એટલે આપણે કેવી રીતે વધુ સારા બની શકીએ એ જાણતાં પહેલાં આપણે જીવન વિશે પણ જાણવું જોઈએ, કારણ કે આપણે બધાં જીવંત છીએ.

જીવન શું છે ?

અર્વાચીન યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે જીવનની વ્યાખ્યા આપતાં કહ્યું છે, ‘વિપરીત સંજોગોમાં ચેતનાની અભિવ્યક્તિ અને વિકાસ એ જ જીવન છે.’

આવો, થોડીવાર માટે આપણે ગંભીર ચિંતન કરીએ. સ્વામીજીએ કહ્યું છે કે જીવન ચેતનવંતુ છે. ચેતના સિવાય બીજી બધી વસ્તુઓ પરિવર્તનશીલ છે. ચાલો, આપણે આ બન્ને, ચેતના અને પરિવર્તનશીલ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. ચેતના અપરિવર્તનશીલ અને જ્ઞાનમય સત્તા છે. એટલે જે ચિરંતન હોય છે તેને આપણે શાશ્વત, સમત્વ અને અસ્તિત્વ કહીએ છીએ.

સંસાર સતત પરિવર્તનશીલ છે. એ ક્યારેય સ્થિર રહેતો નથી. તે એકમાંથી બીજી અવસ્થામાં પરિવર્તિત થતો રહે છે.

વ્યક્તિ શાશ્વત તેમજ પરિવર્તનશીલ સત્તાનો સમન્વય છે. તેમાં પરિવર્તનશીલ તેમજ શાશ્વત તત્ત્વ સમાયેલાં છે.

આપણે અત્યાર સુધી જે થોડીઘણી ચર્ચા કરી, તેને બે શબ્દોમાં આ રીતે વર્ણવી શકાય – જાણકાર અને જાણકારી. મનુષ્ય ચૈતન્ય છે. એટલે તે જાણકાર છે. આટલું યાદ રાખો કે જાણકાર હંમેશાં ચૈતન્ય હોય છે.

સંસારની બીજી બધી વસ્તુઓ, જે જાણકાર દ્વારા અનુભવી શકાય છે, તે જાણકારી છે. તેવી જ રીતે જાણકાર સિવાય બીજી બધી સાંસારિક વસ્તુઓને જાણકારી કહે છે. આપણે જેને વ્યક્ત જાણીએ છીએ એવા સંસાર વિશે ઘણું બધું જાણીએ છીએ. હવે આપણને આ બે તથ્ય સારી રીતે સ્પષ્ટ લાગે છે. – જાણકારનું અસ્તિત્વ છે; સંસારનું અસ્તિત્વ છે. (ક્રમશ:)

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.