આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન અને સ્પર્શન બંનેય થાય છે.

આ સંબંધિત બે ઘટનાઓ છે. જ્યારે શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં નિવાસ કરતા હતા ત્યારે શ્રી વિજયકૃષ્ણ ગોસ્વામીજી એક વખત ઢાકા ગયા. તેમને શ્રીરામકૃષ્ણદેવ પર અગાધ શ્રદ્ધા હતી. ઢાકામાં જ્યારે તેઓ પોતાના પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક જોયું કે શ્રીઠાકુર ત્યાં બેઠા છે. તેમને પહેલાં તો એમ લાગ્યું કે તે ભ્રમ છે. ફરીથી એમણે બીજી વખત જોયું, તેમને ફરીથી પ્રસન્ન વદન શ્રીઠાકુર દેખાયા. ત્યારે પોતાના ભ્રમના નિવારણ માટે શ્રીઠાકુરનો સ્પર્શ કર્યો અને અનુભવ કર્યો કે ખરેખર શ્રીઠાકુર જ બેઠા છે. ત્યાર બાદ જ્યારે તેઓ દક્ષિણેશ્વર આવ્યા ત્યારે તેમણે શ્રીઠાકુરને પોતાનો અનુભવ કહી સંભળાવતાં જણાવ્યું કે, ‘હું તમને ઓળખી ગયો છું.’ તેમની વાત સાંભળીને શ્રીઠાકુર માત્ર હસી પડ્યા.

શ્રીઠાકુરના દેહત્યાગનાં ઘણાં વર્ષો પછી શ્રી બલરામ બસુ, જેમનું ઘર ઠાકુરનું કલકત્તાનું બેઠકખાનું હતું, જેઓ ઠાકુરના અત્યંત પ્રિય ગૃહસ્થ ભક્ત હતા, ઠાકુરના આશ્રિત હતા, તેઓ મૃત્યુશૈયા પર હતા. શ્રીમા શારદાદેવી અને કેટલાક સંન્યાસી ભક્તોએ જોયું કે શ્રીઠાકુર અત્યંત પ્રસન્ન વદને એક દિવ્યરથ લઈને બલરામ બસુના ઘેર ઊતર્યા અને બલરામને રથમાં બેસાડીને અનંતમાં વિલીન થઈ ગયા. પાછળથી સમાચાર મળ્યા કે તે જ સમયે બલરામ બસુનો દેહત્યાગ થયો હતો.

આ ઉદાહરણોથી એવું સમજવું જોઈએ કે પહેલાં તો આપણા ગુરુ, આપણા ઇષ્ટ સર્વદા વિદ્યમાન છે. બીજું, શ્રીમા શારદાદેવીનું આશ્વાસન છે કે શરણાગત થવાથી કમ સે કમ મૃત્યુના સમયે તો તેઓ (શ્રીરામકૃષ્ણ) આવશે જ.

ઉપનિષદનું વચન છે : र्इश्वरः अस्ति इति विश्वासः। પ્રશ્ન છે : र्इश्वरः कुत्र अस्ति? ‘ઈશ્વર ક્યાં છે?’

સંતો કહે છે : र्इश्वरः मम हृदये अस्ति। ‘ઈશ્વર મારા હૃદયમાં છે.’

તેથી ઈશ્વર સર્વદા વિદ્યમાન છે અને મારા હૃદયમાં જ છે. હૃદયમાં રહેલા ઈશ્વર પ્રત્યક્ષ થાય, એ છે આધ્યાત્મિકતાનું લક્ષ. પોતાના અંતરાત્મામાં ઈશ્વરની અનુભૂતિ કરવા માટેનો પ્રયાસ સાધના છે. આથી જુદી આધ્યાત્મિકતા કંઈ પણ છે નહીં.

શરીરની ઉંમર ગમે તેટલી હોય, પરંતુ આધ્યાત્મિક ઉંમર તો એટલી જ છે, જેટલા સમયથી આધ્યાત્મિક લક્ષનું નિર્ધારણ થયું અને ગુરુ પાસેથી ઇષ્ટમંત્ર મળ્યો. આ આધ્યાત્મિક દિવસે સ્વયં શ્રીઠાકુર અથવા ઇષ્ટને ચરણે સમર્પિત થઈ જાઓ. વર્ષ પર્યંત આ સમર્પણભાવ અખંડ રહે એવું કરો. ગુરુએ જે પ્રકારે જપ-સાધના કરવાનો નિર્દેશ કર્યો છે તે મુજબ કરો. યથાસંભવ પ્રયાસ ચાલુ રાખો. ફરીથી બીજા વર્ષે જ્યારે આ તિથિ આવે ત્યારે વિચારો કે એક વર્ષ પહેલાં તમે શો નિશ્ચય કર્યો હતો? એને અનુરૂપ કેટલું આચરણ કર્યું? પુન : એ પ્રકારે સાધન-ભજન કરવાનો સંકલ્પ કરો અને યથાવત્ પાલન કરો. આમ અવિરતપણે કરવાથી સાધનાપથ પર અવશ્ય અગ્રસર થવાશે.

જેવી રીતે એક નવજાત શિશુ કે નવીન છોડનું અત્યંત સાવધાનીપૂર્વક રક્ષણ કરવામાં આવે છે, બરાબર એ જ રીતે પોતાના આધ્યાત્મિક શૈશવની સાવધાનીથી રક્ષા કરો. સાથે સાથે એ સાધનમાં સમયને અનુરૂપ વૃદ્ધિ થાય, તે પુષ્ટ થાય એવા પ્રયાસ કરો. માત્ર ત્યારે આ દેહ રહે તે દરમિયાન ‘આપણા હૃદયમાં ઈશ્વર છે’-આપણને એની અનુભૂતિ થશે. ‘नान्य पन्थाः विद्यते अयनाय’-આથી બીજો કોઈ માર્ગ નથી. આ રાજમાર્ગ છે.

કોઈ ગૃહસ્થને ઘેર જઈને જો અમે ક્યારેક મૃત્યુની વાત કરીએ છીએ તો તરત તેઓ કહે છે, ‘અરે મહારાજ, અશુભ વાત ન કરો.’ આમાં અશુભ શું છે? કહીશું નહીં, તો શું મૃત્યુ નહીં આવે? મૃત્યુનું સ્મરણ રાખવું જોઈએ. દેહ કોઈ એક નિશ્ચિત સમયે અવશ્ય નાશ પામશે તેથી મૃત્યુની તૈયારી કરવી જોઈએ. એ વિશ્વાસ રાખવો જોઈએ કે જ્યારે આપણે ઇષ્ટનો આશ્રય લીધો છે, તો પછી કમ સે કમ અંત સમયે તો શ્રીઠાકુર અવશ્ય આવશે. પરંતુ માત્ર કહેવાથી આશ્રય નથી થતો. પ્રતિક્ષણ સ્વયંને સમર્પિત કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. ભગવાને ગીતામાં કહ્યું છે :

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्।

यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्।।9-27।।

આ સમર્પણની ભાવના સર્વદા બનાવી રાખો. ત્યારે મૃત્યુ સમયે પોતાનાં કૃત્યો યાદ કરીને પશ્ચાત્તાપ નહીં થાય અને દરરોજના અભ્યાસથી આપણે ઠાકુર પર નિર્ભર બની શકીશું. ત્યારે તેઓ અંત સમયે આવશે. આપણને પોતાના ઇષ્ટ પર દૃઢ શ્રદ્ધા-વિશ્વાસ હોવાં જોઈએ અને પોતાના સાધન-ભજનમાં નિષ્ઠા હોવી જોઈએ. ભગવદ્ સમર્પણના ભાવથી સઘળું થઈ જશે.

જ્યાં સુધી પોતાની અંદર શિવત્વની જાગૃતિ ન થાય ત્યાં સુધી ‘શિવજ્ઞાનથી જીવસેવા’ સાધનાનો માર્ગ છે. જ્યારે પોતાનામાં પ્રતિક્ષણ શિવત્વનો અનુભવ થશે ત્યારે બરાબર રીતે શિવજ્ઞાનથી જીવસેવા થશે.

ઈશ્વરમાં અનુરાગ અર્થાત્ પ્રેમ કેવી રીતે જાગે? ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના રચયિતા શ્રી મ. એ શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું હતું, ‘ઈશ્વરમાં મન કેવી રીતે લાગે?’ શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘સર્વદા ઈશ્વરનાં નામ-ગુણગાન કરવાં જોઈએ.’ ઈશ્વરનાં નામ-ગુણગાનથી શું થશે? આ સંબંધમાં એક ઉદાહરણ છે. એક વખત હું એક પરિવારના નિમંત્રણને માન આપી તેમને ત્યાં ભિક્ષા માટે ગયો હતો. ગૃહસ્વામિની પોતાની પુત્રીના ઘેર એક વર્ષ રહીને આવ્યાં હતાં, કારણ કે પુત્રીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને તેની સારસંભાળ રાખનાર અન્ય કોઈ ન હતું. તેમને ત્યાં પહોંચીને બે-ત્રણ મિનિટ ખબરઅંતર પૂછ્યા બાદ તેમણે પોતાનાં સંબંધીઓ વિશે જણાવવાનું શરૂ કર્યું. તેમનાં રંગ-રૂપ-નામ, વિભિન્ન ક્રિયાકલાપ વગેરે અંગે તેઓ અતિ આનંદિત થઈને કહેવા લાગ્યાં. એમાં એમને સમયનું પણ ભાન ન રહ્યું અને લગભગ પચાસ મિનિટ તેઓ બોલતાં રહ્યાં. છેલ્લે અમને વિદાય લેવા તૈયાર થતા જોઈને તેમને યાદ આવ્યું, ‘અરે, ભોજન તો બાકી છે!’

આમાં ખાસ વાત તો એ છે કે તેઓને પોતાનાં સંબંધીઓ સાથે અનન્ય પ્રેમ છે, તેથી તેઓ સહજભાવે જ તેમનાં નામ-ગુણનું વર્ણન કરી રહ્યાં હતાં અને તે પ્રેમની અભિવ્યક્તિ કરવાની સાથે સાથે તે પ્રેમના સંસ્કારને વિશેષ પુષ્ટ કરી રહ્યાં હતાં.

આ એક ગોળ ચક્ર છે. નામ-ગુણ-કીર્તનથી પ્રેમ ઊપજે છે અને પ્રેમથી નામ-ગુણ-કીર્તન. જો કે આપણને અત્યારે ઈશ્વરમાં સાહજિક પ્રેમ નથી અને નથી તો તેની સ્પષ્ટ ધારણા, તેથી તેમનાં નામ-રૂપ-ગુણનાં સ્મરણ-કીર્તન કરવાથી આપણે તેમના અંગે જાણી શકીશું અને ક્રમશ : તેમના પ્રત્યે પ્રેમ પણ ઊપજશે.

આ માટે આપણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું વાંચન, ભક્તોનાં જીવન અને અનુભવો તથા ઉપદેશોનું વાંચન કરવું જોઈએ અને જ્યારે એકથી વધુ સાધક ભેગા થાય ત્યારે એની ચર્ચા કરવી. ત્યારે આપણે કંઈક કંઈક સમજી શકીશું અને સાધનાના, ઈશ્વર પ્રત્યેના પ્રેમના ધીરે ધીરે સંસ્કાર પડશે. અંકુર ફૂટવામાં વાર લાગે છે, વૃક્ષ થવામાં વાર લાગતી નથી.

બીજી વાત, શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘સત્સંગ કરવો જોઈએ. વચ્ચે વચ્ચે ભક્તો અને સાધુઓને મળવું જોઈએ.’ જુઓ, આપણને વચ્ચે વચ્ચે, અવારનવાર સાધુસંગ અને ભક્તસંગ કરવા માટે કહે છે. પરંતુ સત્સંગ કાયમ કરવો જોઈએ.

સત્સંગ કેવી રીતે કરવો? સત્સંગ કેવી રીતે થાય? સંગ મનનો થાય છે. તેથી આપણે મનમાં ઇષ્ટનું નામ-સ્મરણ કરવું. તેમના ઉપદેશોનું સ્મરણ કરવું. તેનું આપણા જીવનમાં આચરણ કરવાની કોશિશ કરવી અને સાધુસંગ કરવો. સાધુસંગથી જીવનમાં પ્રેરણા મળે છે.

સાધુઓને જોઈને પ્રેરણા મળે છે. તેઓએ લોકોત્તર ઉદ્દેશ માટે સાંસારિક અર્થાત્ લૌકિક જીવનનો ત્યાગ કર્યો છે. એવા તે લોકોનાં જીવન જોવાથી તે માર્ગે કંઈક કરવા માટે મન સ્વયં પ્રેરિત થાય છે. ભક્તો સાથે મળવાથી ઇષ્ટ અને સાધનાપથની ચર્ચા થાય છે. જેની ચર્ચા થાય છે, તેના સંસ્કાર મન પર પડે છે અને તેમાં નિષ્ઠા વધે છે.

સાધુદર્શનનો અર્થ છે કે સાધુને જોઈને ઈશ્વરનું સ્મરણ થઈ આવવું જોઈએ, સન્માર્ગે ચાલવાની દૃઢતાની ભાવના જાગવી જોઈએ, જીવનમાં યથાર્થ પરિવર્તન આવવું જોઈએ. ભક્તોનો સમાગમ કરતી વખતે હંમેશાં યાદ રાખવું કે આપણે ભક્તો છીએ, સાધક છીએ અને ક્યારેય સાધનાથી વિપરીત એવી ચર્ચા ન કરીએ કે જે આપણા મનને ઈશ્વરપથથી ચ્યુત કરી દે.

ભક્તે ક્યારેય કુસંગ ન કરવો. સાંસારિક ચર્ચા, પરનિંદા, પરચર્ચા, મિથ્યાચાર, મિથ્યાવચન-આ બધાં કુસંગ છે. સાધકે ક્યારેય આવી બાબતોમાં પોતાનો સમય બરબાદ કરવો જોઈએ નહીં. આમ કરવાથી મન પર સંસારના સંસ્કાર વિશેષ પ્રગાઢ થઈ જાય છે અને આપણને ભગવાનથી દૂર કરી દે છે. ખરું તો મનમાંથી સંસાર નીકળી જતાં હૃદયમાં વિરાજમાન ઈશ્વર પ્રગટ થઈ જાય છે. તેથી એવા કોઈ કાર્યમાં સમય નષ્ટ ન કરો કે જે સંસારમાં મનને બદ્ધ કરે છે.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘સંસારમાં દિવસ-રાત વિષયોમાં પડી રહેવાથી મન ઈશ્વરમાં ચોંટતું નથી. ક્યારેક ક્યારેક નિર્જન સ્થાનમાં જઈને ઈશ્વરચિંતન કરવું અતિ આવશ્યક છે. પ્રારંભિક અવસ્થામાં અવારનવાર વચ્ચે વચ્ચે એકાંતવાસ કર્યા વગર ઈશ્વરમાં મન લગાડવું ઘણું કઠિન છે. નવા રોપેલા છોડને ચારેય તરફથી રક્ષણ આપવું પડે છે, નહીંતર બકરી ચરી જશે.’

જ્યાં ઇચ્છા, ત્યાં માર્ગ : કેટલાક લોકો કહે છે કે નિર્જનસ્થાન ક્યાંથી મેળવીએ? હું તમને પૂછું છું કે શું તમે શૌચ-સ્નાન ઇત્યાદિ માટે નિર્જન સ્થાનની વ્યવસ્થા કરો છો? સંસારધર્મ માટે નિર્જન સ્થાનની વ્યવસ્થા કરો છો? જો આ બધા માટે નિર્જન સ્થાનની વ્યવસ્થા કરી શકો છો, તો સાધના માટે કેમ ન કરી શકો?

ભોગ અને યોગ બન્ને માટે નિર્જન સ્થાનની આવશ્યકતા છે. જો તમે ઇચ્છો તો થોડા સમયના એકાંતની વ્યવસ્થા ચોક્કસ થઈ શકે છે. આ ભારતવર્ષ છે. હજુય અહીં ધર્મના સંસ્કારો છે. જો બાળક ભૂખ્યું હોય અને માતા પૂજા કરી રહી છે, તો બાળક ભોજન માટે પ્રતીક્ષા કરી લેશે-માતા જ્યારે પૂજા પૂર્ણ થયા બાદ ઊઠશે ત્યારે ભોજન આપશે. બાળક યથાસંભવ વિઘ્ન નહીં નાખે. એટલે થોડા સમય પૂરતું એકાંત જરૂર મળી શકે છે. વળી અહીંયાં તો દરેક બે-ત્રણ કિલોમીટરના અંતરે કોઈ ને કોઈ ધર્મસ્થળ અવશ્ય છે. અહીં ઠાકુરજીનું વિશાળ મંદિર છે. અહીં આ મંદિરમાં કે કોઈ પણ મંદિરમાં એકાંતમાં બેસીને ઈશ્વરચિંતન થઈ શકે છે, પરંતુ એ તો આપણે જ્યારે અને જો ઇચ્છીએ ત્યારે અને તો!

મૂળ વાત છે, મનમાં નિર્જન હોવું જોઈએ. મનમાં નિરંતર સંસારનું, સ્ત્રી-પુરુષ-પુત્રનું, વ્યવસાયનું, કીર્તિ વગેરેનું ચિંતન થતું રહેશે તો ઈશ્વરચિંતન થઈ શકશે નહીં. ધીરે ધીરે ઈશ્વરચિંતનનો, સચેતન ચિંતનનો અભ્યાસ કરવો જોઈએ. એક-બે મિનિટથી શરૂ કરીને ઉત્તરોત્તર આ સમયમાં વધારો કરવાનો પ્રયાસ કરવો. મન જેટલો વધુ વખત ઈશ્વરનું ચિંતન કરવામાં સમર્થ થશે, તેટલી જ મનમાં નિર્જનતા વધતી જશે અને સંસારની જે મરણતોલ પકડ છે, જે આપણે પોતે જ ઊભી કરી છે, તે ઢીલી પડી જશે.

આ રીતે આપણે જ્યારે ઈશ્વરચિંતનનો સચેતન નિર્ણય લઈએ છીએ, જ્યારે વચ્ચે વચ્ચે આના માટે સમય કાઢીએ છીએ, ત્યારે આપણું મન પણ માનવા લાગે છે કે જીવનને માટે આ પણ મહત્ત્વપૂર્ણ છે. પછી તો ઈશ્વરમાં મન જોડવામાં ખાસ મુશ્કેલી નડતી નથી. જ્યાં સુધી આપણે પોતાના આધ્યાત્મિક જીવનને મહત્ત્વ આપતા નથી, ત્યાં સુધી આપણું મન પણ કેવી રીતે મહત્ત્વ આપશે? તેથી પ્રારંભમાં નિશ્ચિત સમયે બેસો અને અંત : કરણપૂર્વક પ્રાર્થના કરો કે ‘પ્રભુ! મારું મન તમારામાં લગાડી દો.’ આથી સંસ્કાર પડશે અને ક્રમશ : મન લાગવા માંડશે.

શરૂઆતમાં દૃઢ નિશ્ચયપૂર્વક મનમાંથી બીજા વિચારોને દૂર કરવા પડશે. નાના છોડને વાડ કરવી પડે છે. મોટા વૃક્ષની સાથે હાથી પણ બંધાઈ શકે છે. તેથી સાધના પુષ્ટ થાય ત્યાર બાદ સંસારનું બંધન રહેશે નહીં.

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ધ્યાન કરવું જોઈએ મનમાં, ખૂણામાં અને વનમાં. અને સર્વદા સત્-અસત્નો વિચાર કરવો જોઈએ. ઈશ્વર જ સત્ વસ્તુ અથવા નિત્ય વસ્તુ છે અને બાકી બધું અસત્-અનિત્ય છે. વારંવાર આ રીતે વિચાર કરતાં કરતાં મનમાંથી અનિત્ય વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.

અહીં ઠાકુર આપણી બુદ્ધિને ઈશ્વરોન્મુખી કરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આપણી બુદ્ધિએ અનિત્ય સંસારને નિત્ય સમજીને પકડી રાખ્યો છે. બુદ્ધિને નિત્ય અપરિવર્તનશીલ વસ્તુનો વિચાર કરવાનો અભ્યાસ કરાવવો પડશે, ત્યારે તે ક્ષણભંગુર સંસારમાં આસક્ત નહીં બને અને મન નિત્ય વસ્તુ ઈશ્વરનું ચિંતન કરવામાં સમર્થ બનશે.

સદ્ઉપયોગ કરો, આસક્ત ન બનો : તમે સૌ ગૃહસ્થ છો. માસ્ટર મહાશય પણ ગૃહસ્થ હતા. શ્રીઠાકુર તેમને કહે છે, ‘મનથી ત્યાગ કરવો પડશે.’ એનો અર્થ છે-વસ્તુનો યથાર્થ ઉપયોગ કરો પણ આસક્ત ન થાઓ. નિત્ય-અનિત્ય વિચારથી જ્યારે વિવેક જાગ્રત થશે ત્યારે આ સંભવ થશે. તેથી સર્વદા નિત્ય-અનિત્ય વિચાર કરવો પડશે કે જેથી મન-બુદ્ધિ એ વાતને બરાબર સમજી લે કે ઈશ્વર જ એકમાત્ર સત્ વસ્તુ છે.

એક મિત્રે મને શેવિંગ રેઝર આપ્યું અને કહ્યું કે આ Use and Throw વાળું છે. વાપરો અને ફેંકી દો, એમાં કંઈ બદલવાનંુ નથી. ધાર ખરાબ થાય પછી તેને ફેંકી દેવાનું છે. મને લાગ્યું કે કેવું તો સુંદર જીવન-દર્શન છે! બધી ચીજવસ્તુઓ માટે આ ઉપયોગી દર્શન છે. ઉપયોગ કરો અને ઉપયોગિતા પૂરી થાય પછી તેનો ત્યાગ કરી દો. એમાં ‘હું’ ‘મારું’નો યોગ ન કરો. ત્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મનને બાંધી શકશે નહીં. તેથી ગૃહસ્થે સાંસારિક આસક્તિનો ત્યાગ કરવાનો છે, બાહ્ય ત્યાગ નહીં. મન જે સાંસારિક પ્રેમમાં સંલગ્ન છે, તેને ત્યાંથી હટાવીને ઈશ્વર-પ્રેમમાં જોડવું પડશે, ત્યારે મન ક્રમશ : સહજતાથી ઈશ્વર સાથે પ્રેમ-અનુરાગ કરવા લાગશે.

અંતમાં, તમે જયાં હો ત્યાંથી શરૂઆત કરો. પરંતુ ધ્યેયને કાર્યાન્વિત કરો ત્યારે તમે પોતાના જીવનના આધ્યાત્મિક લક્ષ તરફ કેટલા આગળ વધ્યા તેનું જાતે જ મૂલ્યાંકન કરી શકશો.

Total Views: 187
By Published On: February 1, 2021Categories: Satyarupananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram