ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને ગહનતાપૂર્વક સમજી લેવું પડશે. એની સૂક્ષ્મતાથી પરીક્ષા કરી લેવી પડશે કે આખરે આપણાં દુઃખો અને અશાંતિનાં મૂળ છે ક્યાં?
સૂક્ષ્મ પરીક્ષણ કરવા જતાં, ગહનતાપૂર્ણ વિચાર કરવા જતાં, આપણને એ સમજમાં આવે છે કે આપણી પોતાની જ ભૂલોને કારણે આપણે દુઃખ અને અશાંતિના ખાડામાં પડેલા છીએ. આપણી આ મહાન ભૂલોને કારણે આપણે પોતાના મૂળ સ્વરૂપથી જ કપાઈ ગયા છીએ. બધાં શાસ્ત્રો, બધા અનુભૂતિ-સંપન્ન મહાપુરુષો આપણને જણાવે છે કે આત્મા સત્-ચિત્—આનંદ સ્વરૂપ છે. તે સત્ અર્થાત્ નિરંતર રહેવાવાળો અજર, અમર, અવિનાશી છે. ચિત્ અર્થાત્ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા બધા જ્ઞાનનો અસીમ, અનંત, અખંડ ભંડાર છે. આનંદ અર્થાત્ આત્મા સર્વથા સર્વ દુ:ખ રહિત અસીમ પરમાનંદ સ્વરૂપ છે. તે જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. તેને આપણે ભૂલી ગયા છીએ અને તે ભૂલને કારણે જ આપણે દુઃખ અને અશાંતિના વમળમાં પડીને તરફડી રહ્યા છીએ.
આપણે પોતાના દુઃખ અને અશાંતિના આ મૂળ કારણ અંગે વિચાર કરવો પડશે. તે પ્રેય અને યોગક્ષેમની ચિંતાને કારણે આપણી ચેતના મૂર્છિત થઈ ગઈ છે. આપણા જીવન-વ્યવહાર આ મૂર્છિત અવસ્થામાં જ ચાલી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે મૂર્છિત અવસ્થામાં આપણું આચરણ ક્યારેય સ્વસ્થ, સુવ્યવસ્થિત અને કલ્યાણકારી થઈ શકતું નથી.
શ્રેયના સતત ચિંતનથી આપણી આ મૂર્છા દૂર થશે, આપણી ચેતના જાગ્રત થઈ જશે. જાગ્રત ચેતના દ્વારા જ વ્યક્તિત્વને સુગઠિત કરીને સુવ્યવસ્થિત કરી શકાય છે. કઠોપનિષદ (૧.૩.૩-૪)માં માનવ-વ્યક્તિત્વની તુલના રથ સાથે કરવામાં આવી છે.
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥३॥
इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेिन्द्रयमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिण:।।४।।
અર્થાત્ આ શરીર રથ છે, આનો રથી અથવા અશ્વાર આત્મા છે. ઇન્દ્રિયો ઘોડા છે, સંસારના વિષયો તે ઘોડાને વિચરણ કરવાના માર્ગ છે, મન લગામ છે અને બુદ્ધિ સારથિ છે. ઇન્દ્રિય અને મનથી યુક્ત આત્મા જ ભોક્તા કે માનવ-વ્યક્તિ છે.
રથ ત્યારે જ બરાબર ચાલી શકે છે, સન્માર્ગ પર ચાલીને અશ્વારને ગંતવ્ય સ્થાન પર પહોંચાડી શકે છે, જ્યારે સારથિ સજગ અને સાવધાન હોય; તથા તેણે લગામ દ્વારા ઘોડાને વશમાં રાખ્યા હોય.
જો સારથિ અસાવધાન હોય, મૂર્છિત હોય તો અશ્વાર ક્યારેય ગંતવ્ય સ્થાન પર નહીં પહોંચી શકે. ઊલટું તે કોઈક ખાડામાં પડીને મહાન કષ્ટ ભોગવતો રહેશે. તેથી શ્રેયની સાધના માટે, તેની ઉપલબ્ધિ માટે આપણે પોતાના વ્યક્તિત્વ અંગેનું ચિંતન કરવું પડશે, તેનો વિચાર કરવો પડશે.
પહેલાં એ જોવું પડશે કે ઇન્દ્રિયરૂપી ઘોડા વિષયોના મેદાનમાં અર્થાત્ વિષયોની પાછળ અનિયંત્રિત અને ઉચ્છૃંખલ બનીને દોડી તો નથી રહ્યાનેે? જો એમ દોડી રહ્યા હોય તો, તાત્કાલિક સાવધાન બનીને સારથિ- બુદ્ધિને જણાવવું પડશે કે ‘જો, મનરૂપી લગામ ઢીલી થઈ ગઈ છે, ઇન્દ્રિયરૂપી ઘોડા અનિયંત્રિત બનીને વિષયો પાછળ દોડી રહ્યા છે. સજાગ બનીને લગામ ખેંચો અને ઘોડાને વિષયો તરફ જવામાંથી રોકો.’
સારથિને જગાડવાનું, તેને સાવધાન અને સક્રિય કરવાનું કાર્ય વિવેકપૂર્ણ ચિંતન જ કરી શકે છે. આ વિવેક પ્રેય અને શ્રેયની તુલના કરીને, પ્રેયનાં દુઃખદાયક અને વિનાશક પરિણામોના વિચાર દ્વારા મનની આંખોથી જોઈને તથા શ્રેયનાં કલ્યાણકારી અને પરમશાંતિપ્રદ ફળને પણ માનસિક દૃષ્ટિ સામે રાખીને જ જાગે છે. અને આ કાર્ય ચિંતનથી જ શક્ય છે.
ઇન્દ્રિય-નિગ્રહ માટે ઉચ્ચ લક્ષ્ય આવશ્યક:
અહીંયાં એક વ્યાવહારિક મનોવૈજ્ઞાનિક મુસીબત ઊભી થાય છે. કોઈ વિશેષ આકર્ષક અને અધિક સુખદાયક ઉચ્ચ આદર્શ વિના માત્ર ઇન્દ્રિય-નિગ્રહ માટે જ ઇન્દ્રિયોને વિષયોની પાછળ દોડતી રોકી શકાતી નથી. મન અને ઇન્દ્રિયોને વર્તમાનમાં જે સુખ મળી રહ્યું છે તેનાથી વિશેષ અને દીર્ઘકાલીન સુખની પ્રાપ્તિનું આશ્વાસન જયાં સુધી મનને આપવામાં નહીં આવે, ત્યાં સુધી ઇન્દ્રિયનિગ્રહ રેતી પર બનાવેલા મકાનની જેમ સાબિત થશે, જે હવાના પહેલા ઝપાટામાં જ ધરાશાયી થઈ જશે.
પ્રલોભક આદર્શ:
એવો કયો આદર્શ છે જે એટલો પ્રલોભક હોય કે જેના તરફ મન અને ઇન્દ્રિયો આકર્ષિત થાય? આપણાં શાસ્ત્રોએ માનવજીવનની બધી સમસ્યાઓનું સમાધાન કરીને જીવનની સફળતા અને પરમ કલ્યાણની સઘળી વ્યવસ્થા કરી રાખી છે.
કઠોપનિષદ(૨.૧.૧)માં યમરાજ નચિકેતાને કહે છે – कश्चित् धीर: अमृतत्वं इच्छन् आवृतचक्षु: प्रत्यग् आत्मानम् ऐक्षत् – કોઈ ધીર પુરુષે અમૃતત્વની ઇચ્છા રાખીને આંખો મીંચી લીધી અને તેણે અંતરાત્માને જોઈ લીધો.
મૃત્યુને જીતવાની, અમર બનવાની ઇચ્છા બધા મનુષ્યોમાં સ્વાભાવિક છે. ચિંતન દ્વારા જો આપણે સંસારનાં અન્ય આકર્ષણો પ્રત્યેથી આંખો ખેંચી લઈને પોતાના મનની આંખો સામે અમરતા પ્રાપ્ત કરવા માટેની સંભાવના કેળવીએ તથા તેની સામે એવા મહાપુરુષોનાં ઉદાહરણ રાખીએ કે જેમણે સંસારનાં અન્ય આકર્ષણો તરફથી પોતાની આંખો ફેરવી લઈને આત્માનું દર્શન કરી લીધું છે અને અમર બની ગયા છે તો આપણું મન અને ઇન્દ્રિયો ઇન્દ્રિય-નિગ્રહના આદર્શને સ્વીકારશે.
જીવન-પરિવર્તનનો નિશ્ચય:
પરમાત્માએ મનુષ્યને પોતાને અનુરૂપ જ ઘડ્યો છે. મનુષ્યને તેમણે અસીમ આધ્યાત્મિક સામર્થ્ય પ્રદાન કર્યું છે. યોગ્ય માર્ગદર્શન દ્વારા સંયમ અને અભ્યાસનો અમલ કરીને મનુષ્ય પોતાના આ સુપ્ત આધ્યાત્મિક સામર્થ્યને જાગૃત કરીને આ જ જીવનમાં જન્મ-મૃત્યુથી મુક્ત બનીને પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે. મનુષ્યમાં એ અદ્ભુતશક્તિ છે કે જો તે નિશ્ચય કરી લે તો જીવનની કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ અવસ્થામાં પોતાના જીવનમાં એક નવા અધ્યાયનો પ્રારંભ કરી શકે છે, જીવનને નવેસરથી ઘડી શકે છે. મનુષ્યની અંદર સ્વયંને પરિવર્તિત કરવાની અદ્ભુત ક્ષમતાઓ છુપાયેલી છે.
કોઈ એક વિશેષ ઘટના, કોઈ વિશેષ પરિસ્થિતિ મનુષ્યના સામર્થ્યને જાગૃત કરી શકે છે અને મનુષ્ય તે વિશેષ અવસરનો લાભ ઉઠાવીને દૃઢ નિશ્ચય કરી લે તો તે પોતાના જીવનમાં ચોક્કસપણે આમૂલ પરિવર્તન કરી શકે છે.
Your Content Goes Here