પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. દેવરાજ ઇન્દ્રના મનમાં પણ એક વખત જીવનનું પરમ શ્રેય જાણવાની ઇચ્છા જાગી. પ્રેયથી તેમને શાંતિ મળી શકી નહીં. દેવાધિપતિએ રાજવૈભવ છોડીને તપસ્વી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને ગુરુ બૃહસ્પતિની સેવામાં ઉપસ્થિત થયા. તેમણે પૂછ્યું, ‘ભગવન્! જીવનનું પરમ શ્રેય શું છે?’

ગુરુદેવે જીવનના શ્રેયની વ્યાખ્યા કરી પરંતુ ઇન્દ્રને સંતોષ ન થયો. તેમણે પુન : જિજ્ઞાસા વ્યક્ત કરી, ‘ગુરુદેવ! તેનાથી પણ શ્રેષ્ઠ શ્રેય શું છે?’ ગુરુદેવે સ્મિતપૂર્વક કહ્યું, ‘વત્સ! તમારા આ પ્રશ્નનો જવાબ દૈત્યગુરુ ઋષિ શુક્રાચાર્ય જ આપી શકે તેમ છે, તમે તેમની સેવામાં જાઓ.’

જ્ઞાનની પિપાસા જિજ્ઞાસુના હૃદયમાં ઉચ્ચ-નીચ અને નાના-મોટાનો ભાવ દૂર કરી દે છે. ઇન્દ્ર પણ આ જ પ્રેરણાથી પ્રેરિત થઈને દૈત્યગુરુ શુક્રાચાર્યની શરણમાં ગયા.

આચાર્ય શુક્રે પણ જીવનના પરમ શ્રેયની વિસ્તૃત વ્યાખ્યા કરી. પરંતુ તેનાથી પણ ઇન્દ્રને સંતોષ ન થયો. તેઓએ ફરીથી પ્રશ્ન કર્યો, ‘ભગવન્! આનાથી પણ શ્રેષ્ઠ શ્રેય શું છે?’

આચાર્ય શુક્રે જવાબ આપ્યો, ‘વત્સ! જીવનના શ્રેષ્ઠતમ પરમ શ્રેયનું જ્ઞાન દૈત્યરાજ પ્રહ્‌લાદને છે. તમે તેમની પાસે જાઓ. એમની કૃપાથી જ તમને જીવનના પરમ શ્રેયનું જ્ઞાન થઈ શકે છે.’

બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર મહારાજ પ્રહ્‌લાદની સેવામાં ઉપસ્થિત થયા. ઇન્દ્રે તેઓને પણ એ જ પ્રશ્ન કર્યો. જ્ઞાનના આલોકથી આલોકિત પ્રહ્‌લાદે એક વખત નખશિખ પર્યંત આ જિજ્ઞાસુને જોયા અને કહ્યું, ‘વિપ્ર! હું ત્રૈલોક્યની રાજ્ય વ્યવસ્થામાં વ્યસ્ત છું, તેથી મારી પાસે સમય નથી કે તમને જીવનના પરમ શ્રેયનો ઉપદેશ હું આપી શકું.’

જ્ઞાનપિપાસુ માટે પ્રત્યેક પરિસ્થિતિ અનુકૂળ અને પ્રત્યેક ક્ષણ શીખવા માટેનો સુઅવસર હોય છે.

બ્રાહ્મણ વેશધારી ઇન્દ્રે કહ્યું, ‘ભગવન્! તમે મને તમારી સેવામાં રહેવાની અનુમતિ આપો. સેવા કરતાં કરતાં જ્યારે પણ તમને યોગ્ય સમય મળે ત્યારે મને જીવનના પરમ શ્રેયનો ઉપદેશ આપજો.’

પહેલી પરીક્ષામાં ઇન્દ્ર ઉત્તીર્ણ થયા. પ્રસન્નતાપૂર્વક પ્રહ્‌લાદે સમજી લીધું કે વિપ્રને જ્ઞાનની સાચી પિપાસા છે. તેઓએ સ્નેહપૂર્વક તેમને પોતાની સેવામાં રહેવાની અનુમતિ આપી.

ઇન્દ્ર અત્યંત શ્રદ્ધા-ભક્તિપૂર્વક ગુરુ પ્રહ્‌લાદની સેવામાં તત્પર રહેતા તથા સતર્કતાપૂર્વક તેમના આચરણનું નિરીક્ષણ કરતા. તેઓએ એક દિવસ પૂછ્યું, ‘મહારાજ! તમને આ ત્રૈલોક્યનું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત થયું?’

પ્રહ્‌લાદે કહ્યું, ‘વિપ્રવર, હું રાજા છું- આ અભિમાનમાં મેં ક્યારેય જ્ઞાનીજનોની નિંદા અથવા તેમના ઉપદેશોની અવહેલના કરી નથી. તેઓ મને જે પણ ઉપદેશ આપતા તે હું એકાગ્રતાપૂર્વક સાંભળતો અને તે મુજબ આચરણ કરવાનો પ્રયત્ન કરું છું. હું નિરંતર સત્-સંગમાં રહું છું. કોઈનાય દોષ જોતો નથી. ક્રોધને જીતીને મારી ઇન્દ્રિયોને સંયમમાં રાખું છું. આ જ શ્રેય છે. અને રાજાએ તેનું પાલન કરવું જોઈએ. આ આચરણથી બધો વૈભવ પ્રાપ્ત થાય છે.’

ઇન્દ્રે એકાગ્રતાપૂર્વક શ્રેયનું રહસ્ય સાંભળ્યું અને દૈત્યરાજની સેવામાં તત્પરતાથી પ્રવૃત્ત થયા. પ્રહ્‌લાદ તેમની સેવાથી અત્યંત પ્રસન્ન થયા અને એક દિવસ કહ્યું, ‘વત્સ, હું તમારી સેવાથી પ્રસન્ન થયો છું, ઇચ્છિત વરદાન માગો.’

ઇન્દ્રે નમ્રતાપૂર્વક કહ્યું, ‘ભગવન્! તમે મારી બધી ઇચ્છાઓ પૂરી કરી દીધી છે. હવે મને કોઈ પણ વસ્તુની અભિલાષા નથી.’

પ્રહ્‌લાદે ફરીથી આગ્રહ કર્યો. ગુરુનો આગ્રહ જોઈને બ્રાહ્મણે કહ્યું, ‘પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન હો અને મને વરદાન આપવા માગતા હો તો કૃપા કરીને મને તમારું ચારિત્ર્ય આપો.’

બ્રાહ્મણ દ્વારા મગાયેલ આ વરદાનથી પ્રહ્‌લાદ પ્રસન્ન થયા પરંતુ સાથોસાથ આશ્ચર્ય પણ થયું. તેઓ સમજી ગયા કે બ્રાહ્મણ વેશધારી આ વ્યક્તિ ચોક્કસ જ કોઈ વિલક્ષણ પુરુષ હશે. સત્યનિષ્ઠ પ્રહ્‌લાદે પોતાનું વચન પાળ્યું અને પોતાનું ચારિત્ર્ય આપી દીધું.

વરદાન આપ્યા પછી પ્રહ્‌લાદ હવે વિચાર કરી રહ્યા હતા કે આગળ શું કરવું જોઈએ, ત્યારે એક અત્યંત તેજસ્વી પુરુષ તેમના શરીરમાંથી બહાર નીકળીને તેમની સમક્ષ ઉપસ્થિત થયા.

પ્રહ્‌લાદે વિસ્મિત થઈને તે પુરુષને પૂછ્યું, ‘ભદ્ર! તમે કોણ છો?’

તે તેજસ્વી પુરુષે જવાબ આપ્યો, ‘રાજન્! હું ચારિત્ર્ય છું. તમે મને દાનમાં આપી દીધું છે તેથી હું જઈ રહ્યું છું. તેથી હવે હું આ બ્રાહ્મણના શરીરમાં રહીશ કે જેને તમે આપી દીધું છે.’ આમ કહીને ચારિત્ર્ય અદૃશ્ય થઈ ગયું.

ચારિત્ર્ય જતાં જ પ્રહ્‌લાદના શરીરમાંથી તેવો જ એક બીજો તેજસ્વી પુરુષ પ્રગટ થયો. વિસ્મયતાપૂર્વક પ્રહ્‌લાદે તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો.

તે તેજસ્વી પુરુષે કહ્યું, ‘રાજન્ ! હું ધર્મ છું. હવે તે બ્રાહ્મણ પાસે જઈ રહ્યો છું, કારણ કે જ્યાં ચારિત્ર્ય હોય છે ત્યાં મારો વાસ હોય છે.’ ત્યાર બાદ પ્રહ્‌લાદના શરીરમાંથી ત્રીજો તેજસ્વી પુરુષ પ્રગટ થયો. રાજાએ તેનો પરિચય પૂછ્યો. તેણે કહ્યું, ‘રાજા હું સત્ય છું. ધર્મની સાથે જઈ રહ્યો છું. ધર્મમાં જ મારી સ્થિતિ છે.’ આમ કહીને સત્ય પણ અદૃશ્ય થઈ ગયું.

સત્ય ચાલ્યું જતાં એક બીજો પુરુષ પ્રગટ થયો અને તેણે પરિચય આપતાં કહ્યું, ‘મહારાજ! હું સદાચાર છું, સત્યનો અનુયાયી છું, તેની સાથે જ જાઉં છું.’ સદાચારના જવાથી ભીષણ અવાજ સાથેે પ્રહ્‌લાદના દેહમાંથી એક દૃઢપુરુષ પ્રગટ થયો અને કહ્યું, ‘હું બળ છું, સદાચાર એ મારું નિવાસસ્થાન છે.’ તદ્ઉપરાંત પ્રહ્‌લાદના દેહમાંથી અત્યંત તેજસ્વી દેવી ઉત્પન્ન થઈ. પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું, ‘અસુરરાજ! હું લક્ષ્મી છું. હવે હું બળની સાથે જઈ રહી છું. કારણ કે હું બળની અનુગામિની છું.’ આમ કહીને લક્ષ્મી પણ ત્યાંથી ચાલી ગઈ.

પ્રહ્‌લાદ અત્યંત વ્યાકુળ થયા અને કહ્યું, ‘હે દેવી! તમે સત્યવ્રતા છો. મને સાચે સાચું કહો કે તે બ્રાહ્મણ કોણ હતો?’

દેવીએ કહ્યું, ‘રાજન્! બ્રહ્મચારી બ્રાહ્મણના વેશમાં સાક્ષાત્ ઇન્દ્રે તમારું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. તમે ચારિત્ર્ય દ્વારા જ ત્રણેય લોક પણ વિજય મેળવ્યો હતો. તમારી સેવામાં રહીને ઇન્દ્રે આ વાત સમજી લીધી. એટલા માટે તેમણે તમારી પાસે વરદાનમાં ચારિત્ર્ય માગ્યું. ધર્મ, સત્ય, સદાચાર, બળ અને હું પણ સર્વદા ચારિત્ર્યના જ આધારે રહીએ છીએ. તેથી જે મને પ્રાપ્ત કરવા માગતા હોય તેમણે એકાગ્રતાથી મન-પ્રાણપૂર્વક ચારિત્ર્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચારિત્ર્યના આગમનથી જ બાકીની બધી વસ્તુઓ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય.’

Total Views: 561

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.