ગતાંકથી આગળ…

ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી રીતે આગળ વધી શકે, એમની સાર્વત્રિક ઉન્નતિ માટે ભદ્ર સમાજના લોકોએ શું શું કરવું જોઈએ તેમજ એમ નહીં કરે તો ઇતિહાસનું ચક્રપરિવર્તન કેવાં પરિણામ લાવશે, નૂતન ભારત ક્યાંથી કેવી રીતે ઊભું થશે, એની વાત સ્વામીજીની વાણીમાં આપણે જોઈ. સ્વામીજીના એ વખતના ઉચ્ચારેલા શબ્દો આજે પણ પ્રાસંગિક છે એમ કહેવાની જરાય જરૂર નથી.

‘ભારતીય જીવનમાં વેદાંત’ વિશેના પોતાના એક વ્યાખ્યાનમાં સામાન્યજનનાં દુ :ખ, દરિદ્રતા અને દુર્બળતાનાં કારણો આપે છે અને આત્મશ્રદ્ધા વિહોણા બનેલા આ લોકોને આત્મશ્રદ્ધાવાન બનાવવા અને પોતાની ગુમાવેલી શક્તિને પાછી લાવવા સ્વામીજી આવા લોકોને ઉપનિષદોની વાણી સાંભળવાનું કહે છે. એટલે કે એમને ઉપનિષદોની આત્મશક્તિ લાવતી અને મરેલાંને પણ સજીવન કરતી વિદ્યા આપવાની આવશ્યકતા પર તેઓ ભાર મૂકીને કહે છે :

‘છેલ્લાં સો વરસથી સુધારાની, આદર્શાેની અને એવી ઘણી બધી બાબતોની તમે વાતો કરતા આવ્યા છો; પણ જ્યારે પ્રત્યક્ષ કામ કરી બતાવવાનો વખત આવે છે ત્યારે તમારો ક્યાંય પત્તો જ લાગતો નથી. પરિણામે આખી દુનિયાને તમારા પ્રત્યે તુચ્છ ભાવ આવી ગયો છે અને સુધારાનું નામ પણ હાંસીને પાત્ર થઈ પડ્યું છે ! એનું કારણ શું ? તમે એ કંઈ નથી જાણતા ? તમે બહુ સારી રીતે જાણો છો. એનું એક જ કારણ છે કે તમે દુર્બળ છો, દુર્બળ છો, દુર્બળ છો! તમારું શરીર દુર્બળ છે, તમારું મન દુર્બળ છે, તમને તમારી જાતમાં શ્રદ્ધા નથી. મારા બંધુઓ ! સૈકાંઓ થયાં, હજારો વર્ષો થયાં, ચાલ્યા આવતા જ્ઞાતિઓના, રાજાઓના, પરદેશીઓના અને તમારા પોતાના જ લોકોના કચડી નાખે એવા જુલમે તમારી શક્તિ શોષી લીધી છે; એણે તમારો મેરુદંડ ભાંગી નાખ્યો છે; તમે જાણે છુંદાયેલા અળશિયા જેવા થઈ ગયા છો ! તમારામાં શક્તિ કોણ લાવશે ? હું કહું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, બસ સામર્થ્ય ! અને સામર્થ્ય મેળવવાનું પહેલું પગથિયું છે ઉપનિષદોને અપનાવવાનું. તમે માનવા લાગો કે ‘હું આત્મા છું.’(સ્વા.વિ.ગ્રંથમાળા : ૨.૧૨૧-૨૨)

‘હું આત્મા છું.’ આવી પ્રતીતિ થાય તો બધાં દુ :ખ દૂર થાય. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ કાર્ય કોણે અને કેવી રીતે કરવું જોઈએ ? આ વેદાંત અને ઉપનિષદના આ વિચારો અરણ્ય કે ગુફામાં પડ્યા ન રહે એ જોવું જોઈએ. આ વિચારોને ન્યાયાલયોમાં, વ્યાસપીઠ પર લાવવા જોઈએ. કારણ એ છે કે આ વિચારોમાં સામાન્યમાં સામાન્ય માણસને ઉદ્‌બોધન મળે છે. જો આ વિચારો નિમ્ન અને નિમ્નતર વર્ગ સુધી પહોંચી જાય તો એમાંથી દેશને ઉપયોગી થાય તેવા પ્રબુદ્ધ નાગરિકો ઘડી શકાય અને એ દ્વારા એમની સાચી ઉન્નતિ સાધી શકાય. એ માટે સ્વામીજી આ શબ્દો ઉચ્ચારે છે :

‘આ બધા વેદાંતના વિચારો બહાર આવવા જ જોઈએ; એ કેવળ અરણ્યમાં કે ગુફામાં જ પડ્યા રહેવા ન જોઈએ; એ બહાર ન્યાયાલયમાં આવવા જોઈએ; વ્યાસપીઠ ઉપર એ આવવા જોઈએ; ગરીબની ઝૂંપડીમાં તેમજ માછલી પકડતા માછીમારની પાસે અને અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે પણ એ પહોંચવા જોઈએ. એ વ્યક્તિ ગમે તે ધંધાની હોય, ગમે તે જગ્યાએ હોય, પણ એ વિચારો આબાલવૃદ્ધ દરેકને, દરેકે દરેક સ્ત્રી અને પુરુષને ઉદ્બોધે છે; …જો માછીમાર માને કે પોતે ‘‘આત્મા છે’’, તો એ વધુ સારો માછીમાર થશે; જો વિદ્યાર્થી માનશે કે પોતે ‘‘આત્મા’’ છે તો એ વધુ સારો વિદ્યાર્થી થશે; જો વકીલ માનશે કે પોતે ‘‘આત્મા છે’’, તો એ વધુ સારો વકીલ થશે; એમ બધી બાબતોમાં સમજવાનું છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૧૨૨-૨૩)

જો આવી કેળવણી માછીમારનાં ઝૂંપડાં સુધી પહોંચે, ખેતમજૂર, સાફસફાઈ કરતા ભંગીઓ, સામાન્ય મજૂરી કે પરચૂરણ કામગીરી કરીને પોતાનું પેટિયું રળતાં જન સુધી પહોંચે તો એ સૌ સમોવડો બની જશે. એનાંમાં એવી અતૂટ શ્રદ્ધા ઊભી થશે કે જેથી એ પોતાનામાં અને બીજા સૌમાં – ઉચ્ચતમ અને નિમ્નતમમાં પણ ઈશ્વરને જોવાની અને બીજાને એ વિશે હિમ્મતપૂર્વક કહી શકવાની શક્તિ મેળવી શકશે. આવી અમૃતસંજીવની ઉપનિષદ અને વેદાંતમાંથી પ્રાપ્ત કરી શકે. એ વિશે વાત કરતાં સ્વામીજી કહે છે :

‘માછીમારને જો તમે વેદાંત સમજાવશો તો એ બોલી ઊઠવાનો છે કે હું તમારા જેવો જ માણસ છું; હું માછીમાર છું. તમે ફિલસૂફ છો; પરંતુ તમારામાં જે ઈશ્વર છે તે જ મારામાં પણ છે અને આપણે એ જ ઇચ્છીએ છીએ. કોઈને માટે વિશેષાધિકાર ન હોય; સૌને સમાન તક હોય. માટે સૌ કોઈને શીખવો કે દિવ્ય આત્મા દરેકની અંદર રહેલો છે અને દરેકે પોતાની મુક્તિનો માર્ગ મેળવી લેવાનો છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૧૨૩)

આ જ્ઞાન જીવનમાંથી મુક્તિ તો આપે છે પણ ભૌતિક સમૃદ્ધિ પણ આપે છે. એટલે આ જ્ઞાનને જગાડવા ઘેર ઘેર જઈને વેદાંતનું, ઉપનિષદનું સાચું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવો જ પડે.

તા. ૨૪ એપ્રિલ, ૧૮૯૭ના રોજ દાર્જિલિંગથી શ્રીમતી સરલા ઘોષાલ, બી.એ. પર લખેલા પત્રમાં સાચી મુક્તિ અને ભૌતિક સમૃદ્ધિ અપાવવાની વાત સ્વામીજી કરે છે : ‘હવે એનો ઉપાય કેળવણીનો પ્રચાર એ જ છે. પ્રથમ આત્મજ્ઞાન. બેશક, તે શબ્દમાં જે ભાવ ગર્ભિત છે, જે જટા, દંડ, કમંડળ અને પહાડોની ગુફા સૂચવવા હું નથી માગતો. ત્યારે હું શું કહેવા માગું છું ? સાંસારિક જીવનમાંથી મુક્તિ અપાવનાર જ્ઞાન શું સામાન્ય ભૌતિક સમૃદ્ધિ પણ ન લાવી શકે ? જરૂર તે લાવી શકે જ…. ઉચ્ચમાં ઉચ્ચ દેવથી માંડીને તુચ્છમાં તુચ્છ તૃણમાં પણ તે જ સત્તા રહેલી છે, પછી તે પ્રકટ હોય કે અપ્રકટ. ઘેર ઘેર જઈને આપણે તે સત્તાને જગાડવી પડશે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪.૨૧૧-૨૧૨)

મુંબઈથી ૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૨ના રોજ ખેતડીના પંડિત શંકરલાલને લખેલા એક પત્રમાં સ્વામીજી કહે છે કે અંગ્રેજોના આગમનથી આપણી પ્રાચીન સંસ્કૃતિ જે જરીપુરાણી બની ગઈ હતી તે તૂટી પણ અંગ્રેજો તો ઈશ્વરનાં કાર્યનું નિમિત્ત બન્યા. હવે આ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા આ દેશને હજારો નવયુવાનોની જરૂર છે. આ નવયુવાનો પણ આત્મસમર્પણ કરનારા હોવા જોઈએ. એ નવયુવાનોમાં આપણા ગરીબ ભૂખ્યાજનો માટે સહાનુભૂતિ હોવી જોઈએ અને એમને સાચા જ્ઞાનનો પ્રકાશ આપીને એક અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા જીવનમરણનો જંગ ખેલવાની તાકાત પણ એમનામાં હોવી જોઈએ.

‘ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. તમારી જરઠ બની ગયેલી સંસ્કૃતિને તોડવા માટે અંગ્રેજ સરકાર તો પ્રભુએ આ દેશમાં આણેલું એક નિમિત્ત છે; અને અંગ્રેજોને પગભર બનવામાં સહાય કરનારા શરૂઆતના માણસો મદ્રાસે આપ્યા હતા. આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનમાનસને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને મદ્રાસ કેટલા નિ :સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આપવા તૈયાર છે ?’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૧૯૮)

(ક્રમશ 🙂

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.