હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર સારરૂપે ત્રીસ રૂપિયાની કારકુની મેળવવી કે બહુ બહુ તો વકીલ થવું, એ ભારતીય નવજવાનોની સર્વોચ્ચ મહત્ત્વાકાંક્ષા ! અને દરેક વિદ્યાર્થીની પાછળ ચીસાચીસ કરતી, ખાવા માટે સતત રડ્યા કરતી બાળકોની આખી લંગર ખડી હોય છે ! શું તમારે ત્યાં તમારાં ચોપડાં, ઝભ્ભાઓ અને યુનિવર્સિટીની ડિગ્રીઓ વગેરે બધાંને ડુબાડી દેવા જેટલું દરિયામાં પાણી નથી ?

ચાલો, મર્દ બનો ! પ્રગતિનો હંમેશાં વિરોધ કરનારા પુરોહિતોને લાત મારીને હાંકી કાઢો, કારણ કે તેઓ કદાપિ સુધરવાના નથી અને તેમનાં હૃદય કદાપિ વિશાળ બનવાનાં નથી. તેઓ તો સદીઓથી જામેલા વહેમો અને સામાજિક અત્યાચારોનાં સંતાનો છે. પહેલાં તો એ પુરોહિતોના અત્યાચારોનો જડમૂળથી નાશ કરો. આવો, મર્દ બનો ! તમારાં સાંકડાં ઘોલકાંમાંથી બહાર આવો અને બહારના દેશો પ્રત્યે દૃષ્ટિ કરો. બીજાં રાષ્ટ્રો કેવી રીતે આગેકૂચ કરી રહ્યાં છે તે નિહાળો ! તમને માનવ પ્રત્યે પ્રેમ છે ? સ્વદેશ પ્રત્યે પ્રેમ છે ? તો આવો, આપણે વધુ ઉચ્ચ બાબતો માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર ન કરો; હરગિજ નહિ, તમારાં પ્રિયમાં પ્રિય અને નજીકમાં નજીક રહેતાં સ્વજનોને કાગારોળ મચાવતાં જુઓ તો પણ નહિ. નજર પાછળ નહિ, પણ આગળ કરો !

ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. તમારી વેરવિખેર બની ગયેલી સંસ્કૃતિને તોડવા માટે અંગ્રેજ સરકાર તો પ્રભુએ આ દેશમાં આણેલું એક નિમિત્ત છે; અને અંગ્રેજોને પગભર બનવામાં સહાય કરનારા શરૂઆતના માણસો મદ્રાસે આપ્યા હતા. આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનમાનસને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને મદ્રાસ કેટલા નિ :સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આપવા તૈયાર છે ? (સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૮૬ અને ૮૭ પત્રોમાંથી)

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.