સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સીલ સ્કોલર અને લ્યાલપુર ખાલસા કોલેજ જલંદરના ભૂતપૂર્વ પ્રાચાર્ય અને હાલ ડી.એ.વી.યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. સતીશ કપૂરના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદ પેસ્ટોલોજી (૧૭૪૩-૧૮૨૭), ફ્રેડરિક ફ્રોબેલ (૧૭૮૨-૧૮૫૨) કે જ્હોન ડયુઈ (૧૮૫૯-૧૯૫૨) જેવા શિક્ષણ જગતના ચિંતકો કરતાં વિલક્ષણ હતા. તેમના વિચારોમાં ગહન દર્શન રહેલું છે, કારણ કે એ બધા વિચારો માનવના સંપૂર્ણ વિકાસ સાથે સંલગ્ન છે; આજના કેળવણીકારો માને છે તેમ હાડ-માંસના માનવના બાહ્યવિકાસ જેવા એ વિચારો ન હતા. સમય-અવકાશની સીમાઓથી પર અને અનંત બાહ્ય વિશ્વ સાથે સંલગ્ન ભીતરના માનવ-આત્માના વિસ્તાર સાથે એમને સંબંધ છે.

મહાન શિક્ષક અને કેળવણીકાર (૧૭૪૬-૧૮૨૭) જ્હોન એમોસ કોમોનિયસની જેમ સ્વામી વિવેકાનંદના કેળવણીના વિચારો માત્ર ધાર્મિક કે ગૂઢ જ્ઞાનમૂલક કે રૂઢિવાદી ન હતા. એમાં માનવતાપૂર્ણ – વાસ્તવિક સ્વરૂપ કે જે મૂળભૂત રીતે દિવ્ય છે, તેની વાત છે. કેળવણી વ્યક્તિગત જીવનના સુસંવાદી પ્રગટીકરણમાં ઉપકારક અને સાનુકૂળ થવી જોઈએ અને પ્રકૃતિની ઉત્ક્રાંતિ, માનવમનની ઉત્ક્રાંતિમાં પ્રગટ થાય છે, એવા ફ્રોએબલના વિચારો સાથે સ્વામી વિવેકાનંદ સહમત થતા હોય એવું લાગે છે. ફ્રોએબલની જેમ તેમણે માનવના સંપૂર્ણ અને અખંડ વિકાસ પર ભાર દીધો છે. આવો પૂર્ણ અને અખંડ માનવ સંવાદિતા અને શાંતિનું જીવન જીવી શકે છે. એ માટે સ્વામી વિવેકાનંદ કહે છે :

‘આપણા સ્વભાવની શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને ક્રિયાશીલ બાજુનો સમાન વિકાસ કરીને આપણે સંવાદી મનુષ્યો બનવા માગીએ છીએ. ઘણી પ્રજાઓ અને વ્યક્તિઓ આમાંની એકાદ બાજુ કે પ્રકારના વિકાસના ઉદાહરણરૂપ હોય છે અને તેના સિવાય વધારેને સમજી શકતા નથી. તેઓ એક આદર્શમાં એવા ઘડાઈ જાય છે કે બીજા કોઈ આદર્શને જોઈ શકતા નથી… સાચો આદર્શ આપણે બહુમુખી બનવું જોઈએ એ છે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા ૩.૧૬૭)

સ્વામી વિવેકાનંદે ‘હૃદયથી મહાન અને પ્રજ્ઞામાં ઉચ્ચ’ એવા કરુણાભાવવાળા અને બુદ્ધિશાળી માનવના સર્જનની ધારણા કરી હતી અને આવો માનવ પોતાની ગતિશીલતા-ઊર્જા દ્વારા સમાજમાં ભાવાત્મક પરિવર્તનો લાવી શકે :

‘આપણે માગીએ છીએ બંનેના સમન્વયપૂર્વક વિકસેલો માનવી…મહાન હૃદય, મહાન મન, (મહાન કર્મવાળો)… આપણે માગીએ છીએ એવો માણસ કે જેના હૃદયમાં દુનિયાનાં દુ :ખો અને શોકને માટે ખૂબ જ લાગણી હોય. અને આપણે એવો માણસ માગીએ છીએ કે જે વસ્તુઓને માત્ર અનુભવી શકે એટલું જ નહિ, પણ તેમનો અર્થ કાઢી શકે, જે પ્રકૃતિના અને સમજશક્તિના હૃદયમાં ઊંડો ઊતરે. આપણે એવો મનુષ્ય માગીએ છીએ કે જે આટલેથી જ અટકે નહિ, પણ જે પોતાની લાગણીઓને અને અર્થને ખરેખરાં કાર્યોમાં ઉતારે. બુદ્ધિ, હૃદય અને બળના આવા સંયોગની આપણને જરૂર છે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા ૩.૧૮૩)

ઇસોક્રેટ્સ (ઈ.સ. પૂર્વે ૪૩૬ – ૩૩૮) કે ક્વિન્ટિલિયને (ઈ.સ. ૩૫-૧૦૦) એક વખત વિચાર્યું હતું તેમ કેટલીક પરીક્ષાઓમાં વાક્ચાતુર્ય કેળવવામાં સફળ થવું એ જ કેળવણી નથી, એમ સ્વામી વિવેકાનંદ માનતા હતા; વળી જેમ પ્લેટોએ વિચાર્યું હતું તેમ માનસિક શક્તિઓને કેળવવામાં જ કેળવણી સમાઈ જતી નથી. સ્વામીજી માનતા કે બૌદ્ધિક વિકાસની સાથે ઉદાર હૃદય, હાથ અને ચૈતન્યનો વિકાસ પણ થવો જ જોઈએ. માનવનું હૃદય ગરીબ, પીડિતો માટે દ્રવી ઊઠવું જોઈએ, એના હાથમાં કાર્ય કરવાની કુશળતા હોવી જોઈએ, એના ચૈતન્ય-આત્માએ સામાજિક કાર્યો માટે પ્રેરણ પૂરું પાડવું જોઈએ. એરિસ્ટોટલની દૃષ્ટિએ બુદ્ધિ-પ્રતિભા માનવનો શ્રેષ્ઠ સદ્ગુણ છે અને માનવનું સર્વશ્રેષ્ઠ ધ્યેય પણ ચિંતન-મનન છે. પરંતુ કર્મવિહીન અને નૈતિકમૂલ્યો વિનાનાં ચિંતન-મનન બહુ ખપનાં નથી. સાથે ને સાથે તે માનવ કે સમાજને ઉન્નત ન કરી શકે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના આ શબ્દો નોંધમાં રાખવા જોઈએ :

‘જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને વધારતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા ૮.૪૮૩)

પોતાની કેળવણીની સંકલ્પનાનું આલેખન કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.’(સ્વા.વિ. ગ્રંથમાળા ૪.૨૧૨)

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.