સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલર અને લ્યાલપુર ખાલસા કોલેજ, જલંદરના ભૂતપૂર્વ પ્રાચાર્ય અને હાલ ડી.એ.વી.યુનિ.ના રજિસ્ટ્રાર ડૉ. સતીશ કપૂરના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

કેળવણી અને પૂર્ણતા

૩ માર્ચ, ૧૮૯૪ના રોજ કિડીને લખેલ એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું, ‘કેળવણી એટલે માનવની ભીતર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ આ પૂર્ણતા માનવનો આદર્શ અને સ્વભાવિક સાધના છે. એ જ સૂક્ષ્મ વિકાસ તેમજ અત્યંત ભીતરનાં મનોવલણોનું, આશા-અપેક્ષાઓનું ખીલવું-ફાલવું પણ છે. પૂર્ણતા એટલે માત્ર કૌશલ્યો પર પ્રાવીણ્ય કેળવવું જ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનું સમૂહ પરિવર્તન છે – એમાં વર્તન, વલણ અને સૂઝબૂઝનું પરિવર્તન સામેલ થવું આવશ્યક છે, પોતાની અધોગતિમાંથી બેઠા થવાની અને પોતાના જીવન ધ્યેયને પરિપૂર્ણ કરવાની વાત પણ એમાં છે. નૈતિક પૂર્ણતા સત્ય, પ્રેમ જ્યાં જીવનનાં ઉચ્ચતર મૂલ્ય પર આધારિત છે. એ અભ્યાસ દ્વારા કેળવી કે શીખી શકાય છે અને માનવની મહાનતાનો મુખ્ય મુદ્દો પણ છે. ગ્રીક વિચારદર્શન પ્રમાણે દુર્ગુણો પર અંકુશ …. મેળવવાની જ વાત એમાં નથી પણ લોભ, ઈર્ષ્યા, મોહ કે અહંભાવ જેવાં ભયંકર ખરાબ મનોવલણોનું ઊર્ધ્વીકરણ એમાં સમાયેલું છે. મન પર સંપૂર્ણ સંયમ મેળવવો એ જ સંપૂર્ણ …… નીતિમત્તા છે. ‘જેમ જેમ મન વધુને વધુ નિર્મળ, પવિત્ર બને તેમ તેમ તેના પર સંયમ લાવવો વધારે સરળ બને.’ પાંચ કલેશને તોડવામાં માનવીય પૂર્ણતા રહેલી છે. આ પાંચ કલેશ – બંધનો છે :

‘અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેષ’ – આ બંધનોને મનની અસ્થિરતા – ચંચળતા પર સંયમ કેળવીને તોડી શકાય છે. (યોગ સૂત્ર : ૧૯૩) સ્થૂલ જાગતિક સ્તરે ‘પૂર્ણતા’ એ વ્યક્તિની શારીરિક, માનસિક અને ચિંતનાત્મક આકલન શક્તિઓની ખીલવણી અને કેળવણી, આત્મસંયમ તેમજ દૈવીકૃપા દ્વારા શકય બનેલ જાગૃતિ સૂચવે છે. દિવ્ય પૂર્ણતાનો આધાર કોઈપણ માનવના બ્રહ્માંડીય અસ્તિત્વની ચેતનાના વિકાસની માત્રા પર આધારિત છે. એમાં પોતાના અસલ-મૂળ અસ્તિત્વની છુપાયેલી પરિસીમાઓનું સર્વગ્રાહી અન્વેષણ પણ સામેલ થાય છે. જ્યારે મુમુક્ષુ માનવ પોતાની મૂળ પ્રકૃતિને પરિપૂર્ણ કરવા સમર્થ બને અને સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરે અને જ્યારે પોતાની ભીતરના અસ્તિત્વની કળી વિકસે અને એક પુષ્પરૂપે ખીલી ઊઠે, સમગ્ર બ્રહ્માંડ કે જેનો તે એક અંશ છે, તેના સર્વગ્રાહી સિદ્ધાંતોની અનુભૂતિ કરે ત્યારે પૂર્ણતાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

પૂર્ણતાના સર્વોત્કૃષ્ટ આદર્શ પર આધારિત કેળવણી જન્મજાત વૃત્તિઓને નાથે છે, મનની શક્તિને પોષે છે, લાગણીઓને શિસ્તમાં લાવે છે અને દિવ્યતાના દીપકને પ્રજ્વલિત કરે છે. સ્વામી વિવેકાનંદે વર્ણવેલ ‘જ્ઞાનયોગ’નો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ આને સુલભ બનાવી શકે.

પૂર્ણતા, દિવ્યતા અને વ્યક્તિત્વ

માનવનું ઘડતર એ સૂક્ષ્મ સ્તરે ઈશ્વરની સૂક્ષ્મ પ્રતિમા ઘડવા જેવું છે. સ્વામી વિવેકાનંદના પૂર્ણતાના આદર્શમાં માનવની ભીતર રહેલ દિવ્યતાની સંકલ્પના નિહિત છે, તે વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ ઉપયોગી છે. વ્યક્તિત્વ દેહ-માંસના સૌંદર્ય, શરીરની વર્ણકાંતિની બાબત નથી. પરંતુ એ તો છે મનની પરિશુદ્ધિ અને આત્માની નિર્મળતાનો વિષય. આનું માપ-મૂલ્યાંકન કોઈપણ વૈજ્ઞાનિક ઉપકરણોથી શક્ય નથી. એમાં સુંદર રીતે સજધજ થવાની, અદ્‌ભુત વાક્ચાતુરી ધરાવવાની, બીજાઓ સાથે મજાની રીતે હળવા-ભળવાની વાત જ નથી; પણ એમાં સત્ય, પ્રમાણિકતા, ઐક્ય, આત્મસંયમ અને નિ:સ્વાર્થભાવના જેવા પરમ સદ્ગુણો ગ્રહણ કરવાના હોય છે; સાથે ને સાથે જે તે વ્યક્તિના વિચારો કેટલા પ્રમાણમાં પરિશુદ્ધ છે અને એનાં કાર્યો કેટલા પ્રમાણમાં બીજાનું ક્ષેમકલ્યાણ સાધનારાં છે, એનો પણ સમાવેશ થવો જ જોઈએ. ‘વ્યક્તિત્વ’ મૂળ સંસ્કૃત શબ્દ છે. એમાં ‘વ્યક્તિ’ના મૂળ-વાસ્તવિક અસ્તિત્વનું સૂચન છે. ‘દિવ્યતાની ભવ્યતાને ધરાવતો માનવ કોઈ બાહ્ય કે ક્ષણિક, પોતાના વ્યક્તિગત સામાજિક, બાહ્ય, સામાન્ય અને મૂળભૂત સિદ્ધાંત વિહોણા જીવનના બાહ્ય વર્તન-વલણનું બનેલ સ્વરૂપ નથી.’ વ્યક્તિત્વમાં વધારે પ્રમાણમાં શક્ય ઘટનાઓથી ઉદ્ભવેલ, વ્યક્તિએ પોતે કેળવેલ આંતરિક સદ્ગુણો સમાયેલ છે કે પ્રાપ્ત કરેલ પર્યાવરણમાંથી એમાં ઉપરછલ્લા બહારથી ઉભરાયેલ બાહ્ય છદ્મમુખવટા જેવા ગુણોનું પ્રમાણ અતિ અલ્પ હોય છે. એટલે જ ભારતીય પરંપરામાં ‘વ્યક્તિ’ નહીં પરંતુ દિવ્યતાના તેજયુક્ત વ્યક્તિના સદ્ગુણોવાળું ‘વ્યક્તિત્વ’ પૂજ્ય છે. ૭ જૂન, ૧૮૯૬ના રોજ કુ.માર્ગારેટ નોબલ (ભગિની નિવેદિતા) ને લખેલ એક પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે :

‘મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેેશ આપવો…. દુનિયા દુ:ખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે ? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો.’

ભીતરના માનવનું જાગરણ

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે માનવ અનંત શક્તિઓ સાથે જન્મ્યો છે. આ શક્તિઓને ‘પદ્ધતિપૂર્વક અભ્યાસ કરી શકાય, આચરણમાં મૂકી શકાય અને પ્રાપ્ત પણ કરી શકાય.’ તેમણે એવું નિરીક્ષણ કર્યું હતું કે વિશ્વના માનવજાતના મહાન નેતાઓએ પોતાના વ્યક્તિત્વની આ શક્તિ વિકસાવી હતી. અલબત્ત, તે એમના દેહના રાસાયણિક સંયોજનો કે એમાં રહેલા કોષ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ ચેતાતંતુની સ્થિતિ પર અવલંબિત નથી પણ એ શક્તિ તો તેમના અંતરની જાગૃતિમાં રહી છે.

આ વિશેની તુલનામાં સ્વામીજીએ કહ્યું હતું : ‘જ્યારે આપણી પાસે અંતરની શાંતિ નથી હોતી ત્યારે આપણે બાહ્ય અવકાશ પામવા હંમેશાં પ્રયત્નશીલ હોઈએ છીએ.’ સ્વામી વિવેકાનંદે ગંભીરતા સાથે કહ્યું છે, ‘બધાં પ્રશિક્ષણનો મૂળ હેતુ માનવની ભીતર રહેલાં સામર્થ્યને ફળીભૂત-પરિપૂર્ણ કરવા; ‘‘માનવને ઉન્નત કરવા માટે પ્રેરિત કરવાનો છે’’.’ આવા સમર્થ આત્માઓએ કરોડો લોકોનાં જીવનને કેવી રીતે એમના જીવનકાળમાં પરિવર્તિત કર્યાં છે અને કરતા રહેશે તેમજ ઇતિહાસના કાળ અને પરંપરાઓને ધન કે બાહુબળ વિના કેવી રીતે પરિવર્તિત કર્યાં છે, એ વાત ભૌતિક કાયદાઓ-નિયમો આપણને સમજાવી ન શકે.

વેદાંતની દૃષ્ટિએ માનવ અસ્તિત્વ એ પોતાના દૈહિક અસ્તિત્વ કરતાં કંઈક વધુ છે. વ્યક્તિનું સ્થૂળરૂપ જડ દ્રવ્યમાં, અપાર્થિવ સ્વરૂપ ઊર્જા અને સૂક્ષ્મસ્વરૂપ વિચારમાં પ્રતિબિંબિત થાય છે. અસ્તિત્વનું મહાન રહસ્ય વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી)માં રહેલું છે. બ્રહ્માંડના સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રગટીકરનારૂપે ‘સાચો-વાસ્તવિક માનવ’ (જ્યોતિષાં જ્યોતિ) પ્રકાશોનો પણ પ્રકાશ છે, જે બધાનું એ કારણ છે (સર્વમિદમ્), સર્વ કંઈ છે. સ્વામી વિવકાનંદ દૃઢપણે કહે છે કે ભીતર રહેલ એ ‘સત્યસ્વરૂપ માનવ’ જ પોતાના સહબાંધવો પર પ્રભાવ પાડે છે અને એમને આગળ ધપાવે છે. તેની બુદ્ધિ પ્રતિભા, ગ્રંથરચના, કાર્યો-સંરચનાઓ તો માત્ર તેમનાં નામનિશાન કે સગડ માત્ર છે. જ્યારે માનવના મનનો સૂર સમગ્ર વિશ્વ સાથે ભળી જાય – એક બની જાય ત્યારે માનવમાં સર્જનાત્મક અને વિલક્ષણ તત્ત્વ જાગી ઊઠે છે. વ્યક્તિ પ્રબુદ્ધ આત્માવાળો, ઊર્જા ઉત્પાદક યંત્ર બની જાય છે અને અનોખું તેજપુંજ વિકસાવે છે. આ તેજપુંજ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી જગત અને માનવ વિશ્વ પર પ્રભાવ પાડે છે. આવી પ્રોજ્વલતા એક રામબાણશક્તિ મેળવે છે, આ શક્તિ અજ્ઞાનીને બોલતો કરે છે અને અધ્યયન – અધ્યાપનની બધી સીમાઓને ઓળંગતો કરી મૂકે છે. સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા હતા કે જો કોઈ વ્યક્તિ આ મહાન ધર્મ-વિભૂતિઓને દર્શનશાસ્ત્રીઓ સાથે સરખાવશે તો એવું સમજાશે કે પેલા તત્ત્વજ્ઞાનીઓએ ભાગ્યે જ કોઈના ‘અંદરના માનવી’ને પ્રભાવિત કર્યા હોય, પછી ભલે એ બધાએ અદ્‌ભુત ગ્રંથો રચ્યા હોય કે નવા નવા સિદ્ધાંતો આપ્યા હોય, જ્યારે આ મહાન ધર્મોપદેશકોએ તો ‘પોતાના જીવનકાળમાં દેશોને ભાવાંદોલિત કરી દીધા હતા.’ સ્વામી વિવેકાનંદ આ વિશે કહે છે :

‘શિક્ષકોએ ‘‘ભીતરના માનવ’’ને પ્રશિક્ષણ આપવું જોઈએ કે જેથી સર્જનાત્મકતા અને કૌશલ્યોને વિદ્યાર્થીઓ પર ન લદાય, પરંતુ આ બધાં ખીલતાં પુષ્પોની સૌરભ ભીતરથી વિકસે.’ એ સ્વામીજીની દૃઢ સંકલ્પના હતી.

એકાગ્રતા દ્વારા મનની શક્તિ કેળવવી

ભીતરના માનવને જાગૃત કરવા સ્વામી વિવેકાનંદે વિદ્યાર્થીઓને મનની શક્તિ કેળવવાની સલાહ આપી છે. જેમ જેમ વધુ પ્રમાણમાં મન એકાગ્ર થાય તેમ તેમ તેની શક્તિ મહત્તર બને છે. શાંત અને ચિરસ્થિર મન કોઈપણ વ્યક્તિના સાચા સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, કલ્પનાને ઉત્તેજિત કરે છે અને સ્મૃતિશક્તિને વધારે છે. ૨૮ માર્ચ, ૧૯૦૦માં સાનફ્રાન્સિસ્કોમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મનને માહિતી-જ્ઞાનથી ઠાંસી ઠાંસીને ભરી દેવું એ કેળવણી નથી પણ મન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું એ કેળવણી છે. તેમણે ફ્રેંકલીન સ્પ્રેગ ર્હોડહેમેલ (ફ્રેંક) ને કહ્યું હતું કે આજની શિક્ષણ પ્રણાલીમાં પોતે કેવી રીતે વિચારવું એ જાણે તે પહેલાં મનને માહિતી-જ્ઞાનથી ભરી દેવામાંઆવે છે.

મન પર પ્રભુત્વ મેળવવા એમણે ઋષિ પતંજલિના પદ્ધતિસર રજૂ કરેલ યોગોના રાજા ‘રાજયોગ’નો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો અને કોઈ પણ જાતની વિમાસણ વિના કોઈ પણ વિષય પર તે પોતાના વિચારોને એકાગ્ર-કેન્દ્રિત કરવાની સહાય કરે છે. જ્યારે આપણી દેહેન્દ્રિયો બાહ્ય ઉત્તેજનો સાથે ઉત્તેજિત થતી બંધ થઈ જાય ત્યારે મન પોતાના કાર્યની ભીતર રહેતું થાય છે, પરિણામે વિષય પર ચેતના ચોવીસે કલાક-આખો દિવસ નિર્ણય-નિર્ધાર માટે મગ્ન રહે છે. પછી તો બાથરૂમના ટબમાંથી પડેલા પાણીની તારકશક્તિના સિદ્ધાંતને આકસ્મિક રીતે શોધીને સિરેક્સની શેરીઓમાં ‘મેં શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું’ (Eureka) એવી બૂમો પાડતા દોડ્યે જતા આર્કિમિડિઝની જેમ કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગીના ક્ષેત્રમાં મેદાન મારી જાય છે, નવાં-તાજાં ખેડાણ મેળવી શકે છે.

સ્વામી વિવેકાનંદ મનની એકાગ્રતાને ‘કેળવણીનું મહત્ત્વનું સારભૂત તત્ત્વ’ ગણતા. તેમણે એવું સૂચન કર્યું હતું કે કોઈપણ વ્યક્તિએ પોતાના મનને એક વિષય કે વસ્તુ પર લગાડવું, સાથે ને સાથે પોતાની ઇચ્છા પ્રમાણે તેનાથી વિમુક્ત કરવાનું શીખવું જોઈએ. એકાગ્રતા માટે સંગીત, મીમાંસા કે ઔષધોની અવારનવાર થતી ભલામણ કરવા કરતાં મનની ચંચળ પ્રવૃત્તિઓને સંયમમાં રાખવા માટે તેને લયબદ્ધ રીતે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં આવરી લેવાનું સ્વામીજીએ સૂચવ્યું છે. આ પદ્ધતિને સ્વામીજીએ ‘મનને પહોંચવા માટે દેહ દ્વારા થતી પ્રક્રિયા’ રૂપે વર્ણવી છે. મનની આ કાર્યયંત્ર રચના સમજાવવા સ્વામીજીએ આવું સ્પષ્ટ નિરીક્ષણ સાથે સૂચન કર્યું.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે માનવનો દેહ તે સ્થૂળરૂપે માત્ર મન જ છેે અને મન પર સંપૂર્ણ સંયમ મેળવીને કોઈપણ વ્યક્તિ દેહ પર અંકુશ લાવી શકે છે. ઉપનિષદના ઋષિની જેમ તેમણે આવું નિરીક્ષણ કર્યું હતું : ધ્યાન અને એકાગ્રતા કેળવવા દેહ, મન, હૃદયની પવિત્રતા જેવી પૂર્વ ભાવશક્તિઓ અતિ આવશ્યક છે. જેટલું વધુ પવિત્ર મન એટલું વધારે સરળ એને સંયમમાં લાવી શકાય; એટલા જ પ્રમાણમાં વધુ પ્રબળ શક્તિ નભી શકે-પાંગરી શકે.

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.