સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન
સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉત્સવ નિમિત્તે આજ બેલુર મઠમાં આપણે બધા સાથે મળ્યા છીએ. હું આ મોટી ઉંમરે સ્વામીજીના પવિત્ર ઉત્સવમાં ઉદ્‌બોધન કરીને મારી જાતને સદ્ભાગી માનું છું.

બેલુર મઠમાં સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉત્સવ નિમિત્તે જે ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે, તે બધા જ ભાગ્યવાન છે. કદાચ હવે પછીના આવા કોઈ શતાબ્દિ ઉત્સવમાં આપણામાંથી કેટલાક લોકો નહીં પણ હોય. પરંતુ શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા, સ્વામીજી તો રહેશે જ, એમના બધા ગુરુભાઈઓ રહેશે, રામકૃષ્ણ સંઘ રહેશે. આ યુગ માટે આ લોકો પહેલાં પણ આવ્યા હતા અને ફરીથી પણ આવશે. તેઓ તો જગતને આપી ગયા પોતાની અમૃતમય વાણી.

શ્રીરામકૃષ્ણ સ્વામીજીને સપ્તર્ષિમંડળમાંથી લાવ્યા હતા. તેઓ નર સખા હતા. તેઓ નરરૂપી નારાયણ હતા. જીવોનાં દુ :ખોનું નિવારણ કરવા તેમનું આ ધરતી પર આગમન થયું હતું. તેઓ તો શ્રીરામકૃષ્ણ પાસે સમાધિમાં લીન થઈને મુક્ત થવા ઇચ્છતા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણે એમને એવું કરવા ન દીધું. ઊલટાનું સ્વામીજીને એમણે એ માટે ધિક્કાર્યા હતા. તેમણે સ્વામીજીને કહ્યું હતું કે વિશાળ વટવૃક્ષ જેવો બનજે. એની શિતળ છાયામાં હજારો તપ્ત માનવો શાંતિનો આનંદ મેળવવા આવશે, હજારો મનુષ્યો શાંતિથી વિરામ કરશે. શ્રીરામકૃષ્ણની આ મર્મકથાને સ્વામીજીએ અનુભવી હતી. તેઓ એકાકી માણસની મુક્તિ માટે આવ્યા ન હતા, તેઓ તો આવ્યા હતા જગતના સર્વ માનવની મુક્તિ માટે. એટલે જ તેઓ ફરીફરી જન્મ લેવા રાજી હતા.

શ્રીરામકૃષ્ણે બતાવેલા પથે ચાલીને વિશ્વના માનવના મંગલ માટે, જગતકલ્યાણ માટે તેમજ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ સ્વામીજીએ રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી હતી.

સ્વામીજીએ માનવમાં રહેલી દિવ્યતાનો પ્રચાર કર્યો હતો. બધા મનુષ્યો એક છે. બધા માનવો અમૃતનાં સંતાનો છે. આ દેવત્વને માનવ પામે એ માટે સ્વામીજીએ આપણને પથ બતાવ્યો છે. ચાર યોગના સમન્વય દ્વારા કે કોઈ પણ એક પથે ચાલીને માનવ દેવત્વ સુધી પહોંચી શકે છે. વિશેષ તો કર્મયોગની વાસ્તવિકતાની વાત – વ્યાખ્યા સ્વામીજીએ નવીન રીતે કરી છે. કર્મયોગના માધ્યમથી પણ અમૃત્વ પામી શકાય છે, ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય છે. કર્મયોગ પણ ઈશ્વરપ્રાપ્તિનો એક માર્ગ છે. સ્વામીજીએ એક નવો પથ બતાવ્યો. આ જ કર્મયોગને એમણે ‘સેવાયોગ’માં રૂપાંતરિત કર્યો છે. શ્રીરામકૃષ્ણ પાસેથી આ બોધપાઠ મેળવ્યો હતો – ‘જીવ પ્રત્યે દયા નહીં, પણ શિવભાવે જીવ સેવા’. માનવમાં જ ઈશ્વર રહેલો છે, એ ભાવે માનવના કલ્યાણ માટે કાર્ય કરો. સેવાયોગ જ આ યુગ માટે મુખ્ય અવલંબન છે, પ્રધાન પથ છે. આપણાં હોસ્પિટલો, વિદ્યાલયો, રાહતસેવાકાર્યો, ગ્રામકલ્યાણ સેવા, ભાવપ્રચાર, પુસ્તકાલયો, વિદેશનાં આધ્યાત્મિક કાર્યો, આ બધાં કાર્યો સેવાયોગ જ છે. ભિન્ન ભિન્ન રૂપે અને રીતે, વિભિન્ન ભાવે, જુદા જુદા પરિવેશમાં, અલગ અલગ દેશોમાં, આપણે માનવની સેવા કરીએ છીએ. જ્યારે અમારી હોસ્પિટલોમાંથી બાળકની મા હસતે મુખે પોતાનાં રોગમુક્ત બાળકને લઈ જાય છે, ત્યારે અમને સેવાનો સાચો આનંદ મળે છે. વિદ્યાલયનો કોઈ છાત્ર માનવકલ્યાણ માટે પોતાનું જીવન અર્પણ કરે છે, ત્યારે અમારી છાતી ગર્વથી ફૂલે છે. ગામના લોકોને જ્યારે હાથ અને કલમ દ્વારા (હાથની કળા અને શિક્ષણ દ્વારા) આર્થિક ઉન્નતિનો પથ બતાવાય છે, ત્યારે અમારાં મનમાં ખુશીનું પૂર ઊમટી પડે છે. આવી રીતે અમે જ્યાં છીએ, ત્યાં રહીને માનવની સેવા કરીને ધન્ય બનીએ છીએ.

સ્વામીજીએ જે સમયે નરનારાયણની સેવાની વાત કરી હતી, ત્યારે પ્રાચીન પરંપરાવાળા સંન્યાસી સંપ્રદાય, મઠ, અખાડા વગેરેએ તેનો સ્વીકાર કર્યો જ ન હતો. એકાદ-બે વિરલાએ આ સેવાની ભીતર રહેલા ભાવને અનુભવ્યો હતો.

સ્વામીજીના શિષ્યોએ જ્યારે ઉત્તરાખંડના રોગીનારાયણની સેવાનો આરંભ કર્યો હતો ત્યારે એ વિસ્તારમાં સાધુઓ આ સેવાની ઠેકડી ઉડાડતા, વ્યંગ પણ કરતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધા સંન્યાસી સંપ્રદાય, મઠ, અખાડામાં સાધુઓ હાલમાં કોઈ ને કોઈ પ્રકારે સ્વામીજીના ત્યાગ અને સેવાયોગનો આશ્રય લઈને કાર્ય કરે છે અને સેવાયોગને કોઈ ને કોઈ રીતે પકડી રાખ્યો છે. આ સેવાયોગ રથની જેમ આવનારા સમયમાં પણ આગળ ધપતો રહેશે.

સ્વામીજીએ જ્યારે જોયું કે એમના ગુરુભાઈઓ અને દેશીવિદેશી શિષ્યો પ્લેગરોગથી પીડાતા માનવોની હસતા મુખે સેવા કરે છે, પ્રકૃતિના પ્રકોપથી પીડાતા લોકો પાસે સેવા-થાળી લઈને દોડતા જાય છે, નિમ્ન વર્ગના લોકોની સેવા કરવા આત્મસમર્પણ કરી રહ્યા છે, ત્યારે તેઓ રાજી થયા હતા. એ જોઈને એમણે કહ્યું હતું, ‘હજુ તો હમણાં જ સેવાયજ્ઞનો પ્રારંભ થયો છે, આવનારી પેઢી દરપેઢી આ યજ્ઞ ચાલુ રહેશે.’

આ સેવાયોગ બહુ ચર્ચિત છે, બહુ પ્રશંસનીય વેદાન્તનો વાસ્તવિક પ્રયોગ છે. સ્વામીજીએ જ પ્રથમવાર વ્યવહારુ વેદાન્તનો પથ ખુલ્લો કર્યો હતો. સ્વદેશ વિદેશમાં એમણે આ વેદાન્તના નવીનરૂપ આપ્યાં. વેદાન્તનાં વાક્યોનો અંગ્રેજી ભાષા દ્વારા પાશ્ચાત્ય દેશોના માનવોમાં પ્રચારપ્રસાર કર્યો હતો.

આ કામ કેટલું કઠિન છે, એની વાત સ્વામીજીએ પોતે કરી હતી. એમના અને એમના ગુરુભાઈઓએ વિદેશમાં કરેલા વેદાન્ત પ્રચારના પરિણામે ભારતના મહિમાનો જયનાદ ગૂંજી ઊઠ્યો. વિશ્વમાં ભારતના આધ્યાત્મિક પ્રભાવને પુનર્જીવન મળ્યું. વિશ્વના દરબારમાં ભારતનું પ્રદાન પ્રતિષ્ઠિત થયું.

ભારતમાં સ્વામીજીએ વેદાન્તનો પ્રચારપ્રસાર કરીને ભારતીય લોકોને ગાઢ નિદ્રામાંથી જગાડી દીધા અને એમની તામસિકતા દૂર કરી દીધી. જનગણમાં ચેતનાની ચિનગારી પ્રગટાવી દીધી અને ભારત જાગી ઊઠ્યું. માનવમાં ચેતના ફરી પાછી આવી. નવજાગરણનું સ્રોત વહેવા માંડ્યું. કેળવણી, નવીનીકરણ, આત્મનિર્ભરતા, શિલ્પસ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન, કલાકારીગીરી જેવાં ક્ષેત્રોમાં નવા પ્રાણનો સંચાર થયો. ચોતરફ નવપ્રણનો શોર થવા લાગ્યો. આજે દોઢસો વર્ષ પછી જોઉં છું તો ભારતે બધાં ક્ષેત્રોમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. સ્વામીજીની આશા હતી કે એક દિવસ ભારત વિશ્વમંચ પર શ્રેષ્ઠ આસન પર બિરાજશે.

સ્વામીજીએ વારંવાર કહ્યું હતું કે દેશ અને જાતિની ઉન્નતિ ત્યારે જ સંભવ બનશે જ્યારે પુરુષ અને સ્ત્રી એકી સાથે ઉન્નતિ કરશે. કોઈ પક્ષી પોતાની બે પાંખ વિના ઊડી શકતું નથી. નારીને પગતળે કચડીને, તેની અવગણના કરીને ક્યારેય ઉન્નતિ સાધી ન શકાય. નારીજગતને જગાડવું પડશે. એમને આત્મનિર્ભર કરવી પડશે. એમને અલગ પ્રકારની કેળવણી આપવી પડશે. એટલે સ્વામીજીની આ યોજના હતી કે શ્રીશ્રીમા, યોગેનમા, ગૌરીમા, ગોલાપમાને કેન્દ્રમાં રાખીને એક સ્વતંત્ર મહિલાઓના મઠની સ્થાપના થાય. આજનો આપણો સારદા મઠ સ્વામીજીની ભાવનાનું વાસ્તવિકરૂપ છે. આજે બધાં ક્ષેત્રોમાં નારીઓ પુરુષોની સાથે તાલ મેળવીને ચાલે છે.

સ્વામીજીના મત પ્રમાણે નિમ્નજાતિ, ઉપજાતિના લોકોને નીચે ઉતારવાને બદલે એમને દરેક ક્ષેત્રમાં અને દરેક રીતે ઉપર લાવવા પડશે. એમના આહાર અને જીવનયાપનની બધી વ્યવસ્થા કરવી પડશે. એમને કેળવણીના કિરણ નીચે લાવવા પડશે. એમને મૂળ જનસ્રોતમાં ફરીથી લાવવા પડશે. સ્વામીજીના આ ભાવનું પ્રત્યક્ષ પ્રમાણ આપણાં દૂરસુદૂરનાં ગામડાં, શહેરો, ઝૂંપડપટ્ટીઓ, પહાડી અને પર્વતીય પ્રદેશોમાં અને ગાઢ જંગલોમાં રામકૃષ્ણ મિશનની જેમ બીજી અનેક સેવાસંસ્થાઓ ભિન્ન ભિન્ન પ્રકારે માનવસેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. જાતિજાતિના ભેદભાવ, મારાતારાના ભાવને દૂર કરીને બધા ભેદભાવને મટાડી દીધા છે. પછાત વર્ગના લોકો, અંત્યજ લોકો બરાબર સમજે જાણે છે કે તેઓ પણ મનુષ્ય છે, તેઓ પણ ભારતવાસી છે. પહાડી, સમતલ પ્રદેશોમાં રહેનારા મૂર્ખ અને પંડિત બધા મનુષ્ય ભારતવાસી છે. બધાં એક જ માતાનાં સંતાન છે. બધાંમાં એક જ માતાનું લોહી વહે છે. બધાંમાં એક જ ભાવ છે, બધાં એક જ જાતિનાં છે, માનવજાતિનાં. મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારની ભઠ્ઠીમાંથી, ઝાડી-જંગલો, પર્વતો અને ટેકરીઓ, બજારોમાંથી આજે નવીનભારત ઊભરી રહ્યું છે. મધ્યઆકાશમાં પ્રકાશતા સૂર્યની જેમ સ્વામીજીનું ભારત અમરભારત છે.

અહીં ઉપસ્થિત બધા સ્વામીજીના અનુગામી છે. સ્વામીજીને બધા ચાહે છે. સ્વામીજીએ જે કહ્યું છે તેને આપણે કાર્યમાં પરિવર્તિત કરી દેવું પડશે. આ જવાબદારી બધાની છે. સ્વામીજી આપણને યાદ અપાવીને કહે છે કે આપણે ગરીબ માનવીઓના પૈસાથી ભણ્યાગણ્યા છીએ. એમના પૈસાથી ભણીગણીને જો કોઈ ગરીબોનું કલ્યાણ ન કરે, તો હું એને પામર, પાગલ કે હતભાગી પણ કહીશ.

એટલે આપણું કર્તવ્ય એ છે કે જે જ્યાં, જે અવસ્થામાં છે, ત્યાં રહીને પોતાનાં સાધન પ્રમાણે ગરીબ લોકો માટે, દરિદ્ર માનવ માટે, અવગણાયેલા લોકો માટે કંઈક કરે. આ રીતે આપણે ગરીબોનું ઋણ ચૂકવી શકીશું. આ પથ દ્વારા સ્વામીજીએ કહેલ ‘પામરતા’, ‘હતભાગીપણા’માંથી આપણે મુક્ત થઈ શકીએ.

શ્રીઠાકુર, શ્રીશ્રીમા, સ્વામીજી પાસે હું પ્રાર્થના કરું છું કે એમની અમીકૃપા આપણા સૌના પર વરસે.

જય ઠાકુર ! જય મા ! જય સ્વામીજી !

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.