(સપ્ટેમ્બરથી આગળ…)
ધર્મો સામેના પડકારો
માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ ઘણા વિખવાદો નજરે પડે છે, જેને કારણે માનવજાત વધુ વિભાજિત થઈ રહી છે. આવા પડકારોનો સામનો કરવા માટે ક્ષેત્ર ઘણું સજ્જ છે કે જ્યાં બધા ધર્મો વચ્ચે એખલાસ અને સન્માનની ભાવના પ્રવર્તમાન હોય.
મનુષ્ય માટે બીજો પડકાર છે, પર્યાવરણની સુરક્ષા. પર્યાવરણ વિશેષજ્ઞો આ બાબતમાં ધર્મો અને તેના આગેવાનો સક્રિય રીતે અગ્રેસર બને તેવી અપેક્ષા સેવી રહ્યા છે. આ અપેક્ષા ખરેખર વાજબી છે. વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે કદી તૃપ્ત ન થતી ઇચ્છાઓ, સંતોષનો અભાવ અને લોભ આ સમસ્યાનું ઉદ્ગમસ્થાન છે. ઇચ્છાઓ અને લોભને નિયંત્રિત કરીને વ્યક્તિત્વ અને વ્યવહારને જ ઉપકારક વળાંક આપવાની ક્ષમતાની કેળવણી બધા ધર્મો ઉપદેશે છે. બીજું, હું માનું છું કે બધી ધાર્મિક પરંપરાઓ આમ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એટલું જ નહીં, પણ એ તેમનું મહાન દાયિત્વ છે.
બીજી મહત્ત્વની વાત મને એ લાગે છે અને તેની જવાબદારી પણ આ ધર્મ પરંપરાઓએ ઉપાડી લેવી જોઈએ તે, એ છે કે તેમણે સહુએ યુદ્ધ અને વિખવાદો સામે સંયુક્ત મોરચો માંડવો જોઈએ. ઇતિહાસમાં કેટલાંક યુદ્ધો દ્વારા સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાયું છે અને કેટલાક ધ્યેયો સિદ્ધ કરાયા છે તેનો ઉલ્લેખ છે. પરંતુ મારી વ્યક્તિગત માન્યતા છે કે યુદ્ધ એ સમસ્યાઓનો અંતિમ ઉકેલ નથી. તેથી બધા ધર્મના લોકોએ યુદ્ધના ખ્યાલનો વિરોધ કરવા એકત્ર થવું જોઈએ. પરંતુ માત્ર વિરોધ જ પર્યાપ્ત નથી. યુદ્ધ અને ઝગડાઓના વિરોધ ઉપરાંત નિ :શસ્ત્રીકરણ વિશે પણ આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. ધિક્કાર અને ક્રોધ જેવી માનવીય ભાવનાઓ જ શસ્ત્રો બનાવવાનાં મુખ્ય કારણો છે. આવી ધિક્કાર, ક્રોધ અને આવેશ જેવી ભાવનાઓને માણસ સ્વભાવમાંથી સદંતર નિર્મૂળ કરવાનો કોઈ ઉપાય નથી, પરંતુ તેના ઝનૂનને ચોક્કસ નિયંત્રિત કરી શકાય છે. આમ આપણે નિ :શસ્ત્રીકરણના વિરોધ માટેના સઘન પ્રયત્નોમાં આપણું યોગદાન પ્રદાન કરવું જોઈએ.
બીજી સમસ્યા છે, વસ્તી વધારાની. હું જાણું છું કે દરેક ધર્મના દૃષ્ટિબિંદુથી જોતાં જીવન, ખાસ કરીને મનુષ્ય જીવન અતિમૂલ્યવાન છે. છતાં વૈશ્વિક દૃષ્ટિકોણથી વિચાર કરતા, વસ્તી વધારાના પ્રશ્નો પર બધા ધર્મોએ ગંભીરતાથી વિચારવું જોઈએ, તે જ જરૂરી બન્યું છે. કારણ કે કુદરતી સંપત્તિઓ ક્ષીણ થતી ચાલી છે.
મારા માનવા મુજબ કોઈ પણ ધર્મના અનુયાયીઓ માટે સૌથી મહત્ત્વનું કાર્ય એ છે કે તેણે ઊંડા વિચારપૂર્વક પોતાની જાતનું નિરીક્ષણ કરવું જોઈએ અને મન, વચન અને કાર્યનું પોતાના ધર્મના આદર્શાે અને ઉપદેશો અનુસાર પરિર્વતન કરવું જોઈએ. તેથી ઊલટું, તેના આચાર-વિચારોનું ધર્મ-જ્ઞાનના બૌદ્ધિક સ્તરે અટકી પડવું, ધાર્મિક વિચારો અને ક્રિયાકાંડોથી માત્ર માહિતગાર બની રહેવું, તે એક ગંભીર ભૂલ છે.
ભવિષ્ય વિશે આસ્થા
સમગ્ર પ્રાચીન ઇતિહાસમાં માણસ એક યા બીજી રીતે શાંતિની ખોજ કરતો રહ્યો છે. વિશ્વશાંતિ આપણને લાધશે તેવી અપેક્ષા એ માત્ર આશાવાદ જ છે. વિનાશક શસ્ત્રોનું વિશાળમાત્રામાં નિર્માણ થયું હોવાં છતાં હું નથી માનતો કે લોકોની ધિક્કારની ભાવનામાં વૃદ્ધિ થઈ હોય. તેથી ઊલટું, આવાં શસ્ત્રોએ આ સદીમાં આચરેલા સામુહિક નરસંહારના પુરાવાઓના સાક્ષી તરીકે હું એમ કહી શકું છું કે આવા વિનાશે આપણને યુદ્ધ નિવારવાની એક તક પ્રદાન કરી છે. સ્વાભાવિક છે કે વૈશ્વિક શાંતિ ત્વરિત રીતે સાંપડતી નથી. દુનિયાની પરિસ્થિતિમાં વિવિધતા હોય. આ ભાવનાની વૃદ્ધિ તબક્કાવાર રીતે થતી રહેશે. પરંતુ તે એક ધર્મપરંપરામાંથી ઉગમ પામી ધીમે ધીમે એક ખંડથી બીજા ખંડમાં ફેલાશે.
આપણા વૈજ્ઞાનિકો અત્યંત પ્રતિભાવાન છે. આ પ્રતિભા વિશ્વના વિકાસમાં ઉપકારક ન બનતાં, ફક્ત ભયપ્રદ પ્રવૃત્તિઓમાં કાર્યરત રહે તેવું માનવાને કારણ નથી. તેમની પ્રતિભા સહારા અને ગેબીનાં મોટાં રણો ને કૃષિ ઉત્પાદનો અને વસ્તી ફેલાવવાની સમસ્યા હળવી કરવાના ઉપયોગમાં લઈ શકાય. આજે ઘણાં રાષ્ટ્રોને વરસો સુધી દુષ્કાળનો સામનો કરવો પડે છે. ખારા પાણીના શુદ્ધિકરણની ઘણી સસ્તી તેમજ નવી નવી પદ્ધતિઓની ખોજ થઈ રહી છે. તેથી આ પાણીનો ઉપયોગ માનવજાત તથા અન્ય બાબતોમાં થઈ શકે છે. આપણી આ પૃથ્વીને કુદરતી સંપત્તિઓનું વરદાન મળ્યું છે. યુદ્ધ અને સૈનિકીકરણ નિવારીને, આવી પ્રતિભાનો ઉપયોગ માનવની સમૃદ્ધિ અને સારી સારસંભાળ લેવામાં કરવો શક્ય બને છે.
ઉપસંહારરૂપે હું એટલું કહીશ કે સાધારણ રીતે હું ભવિષ્ય માટે આશાવાદી છું. છેલ્લી કેટલીક ઘટનાઓ વધારે સારા વિશ્વ માટે શુકનવંત છે. તેમાંથી બોધપાઠ લેવાની શરૂઆત આપણે કરી છે, તેથી આવતી સદી (એકવીસમી સદી) વધુ મૈત્રીપૂર્ણ, વધુ એખલાસથી ભરેલી અને ઓછી હાનિકારક હશે, તેવું આપણે કહી શકીએ છીએ. શાંતિની બીજરૂપ કરુણા વિકસિત થશે, તેવી મને ખૂબ આશા છે. સાથે સાથે આપણા આ વસુધા-કુટુંબને સાચી દિશામાં દોરી જવામાં સહાયરૂપ થવાનું દરેક વ્યક્તિનું કર્તવ્ય હોવું જોઈએ, તેવું હું માનું છું. ફક્ત ઈશ્વર-ઇચ્છા જ પૂરતી નથી. આપણે આ જવાબદારી વિશે સભાન થઈ જવું જોઈએ. મેં વ્યક્ત કરેલા આ વિચારો સાથે ઘણા પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકો સહમત હશે, તેની મને ખાતરી છે. વ્યક્તિ તરીકે હું એવી ચોક્કસ માન્યતા ધરાવું છું કે વ્યક્તિઓ દ્વારા જ સમાજમાં બદલાવ આવી શકે છે. માનવ ઇતિહાસમાં આવી તકોનું ભાગ્યે જ નિર્માણ થાય છે, તેથી આવો, આપણે દરેક આ તક ઝડપી લઈને વધુ આનંદભર્યા વિશ્વનું નિર્માણ કરીએ.
Your Content Goes Here