ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય
ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત
ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં
ખૂબ ફાલી હતી ભોગવૃત્તિ, વધી સ્વાર્થી હિંસક પ્રવૃત્તિ

આમ સ્થિતિ સર્જાઈ જ્યારે, પ્રગટ્યા પરમેશ્વર ત્યારે
આપેલું વચન પોતે પાળે, મહિમા ધર્મનો વધારે
અવતર્યા જે ત્રેતામાં રામ, જે થયા દ્વાપરે શ્યામ
ધરી રામકૃષ્ણ નામ ફરી, એમણે લીલાઓ ઘણી કરી

ધર્યું સાત્ત્વિક એવું તન, ને જ્ઞાન ભક્તિભર્યું મન
થયા સાધક સાધના લીન, ત્યજ્યા કામ ને સર્વ ધન
કરી સાધના સર્વ પ્રકારે, અંતે સર્વેમાં સ્વને નિહાળે
બહુ સુખ હરિજનને પમાડે, અનંતને પોતામાં દેખાડે

લીલા એવી બહુ હરિ કરે, સમરતાં જેને હૈયું ઠરે
જે છે મન બુદ્ધિથી પાર, એનો કેમ કહેવાય સાર
જે છે પ્રભુ રાય અનંત, એ આવ્યા બનીને સંત
દોરવા સર્વને મોક્ષ ભણી, ભગવાન આવ્યા ગુરુ બની

કહું એવી લીલા અહી એક, જેને સમરીને તર્યા અનેક
નથી એવી કોઈ આવડત, છતાયે કરું છું હું વાત
જ્યારે ત્યાગીને માયાનું રૂપ, ધર્યું ઠાકુરે સત્ય સ્વરૂપ
દેવા ભક્તોને મુક્તિની છાંય, કલ્પતરુ બન્યા પ્રભુરાય

સાંભળો આ વાત મારી, થાય છે હવે શરૂ કહાણી
ગ્રહી શ્રીઠાકુરે બીમારી, ગળામાં છે ગાંઠ એવી ધારી
ભાવ સમાધિ કથા કીર્તન, અનુકંપા કેરું નર્તન
અનંત જીવોનાં પાપ, ગળામાં આપે છે તાપ

કરી સુખિયા ભક્તોને અમાપ, કર્યો સ્વધામ સંકલ્પ
કરીશ હું બધું પ્રગટ, સૌને બતાવી મારું સ્વરૂપ
આ રૂપ છે બધું માયા, આમાં છે પરબ્રહ્મ સમાયા,
એમ બોલ્યા શ્રીઠાકુર, બતાવીને પોતાનું શરીર

કાશીપુરે આવ્યા ઠાકુર, ભક્તો સેવા કરે નિરંતર
સાથે આવ્યા શ્રીમા પણ, બ્રહ્મ ને શક્તિનું સગપણ
રોગી બન્યા છે સર્વના નાથ, કરે સર્વના મોક્ષની વાત
ચિંતા કરે છે સૌ ઠાકુરની, જાય મલિન વૃત્તિ મનની

આવ્યો દિવસ પ્રાગટ્યનો, પહેલી જાન્યુઆરી તણો
ભક્તો બાગમાં કરે વિશ્રામ, શિષ્યો કરે છે થાકી આરામ
રોગ ને કષ્ટ કરી દૂર, થયા છે ઊભા આજે ઠાકુર
ઊતર્યા નીચે કરુણાસિંધુ, આવ્યા બહાર દીનબંધુ

જોઈ શ્રીઠાકુરને આમ, ભક્તો ભાવથી કરે પ્રણામ
જે હૃદય મધ્યે નિવાસે, નાથ આવ્યા ચાલીને પાસે
આવી ગિરીશચંદ્ર સન્મુખ, એમને આપ્યું ઘણુંય સુખ
ભક્તો લીલાનો મર્મ વિચારે, ઠાકુર ત્યારે આમ ઉચ્ચારે

ગિરીશ, તમે શું જોયું આમાં, દેહનાં આ ખોળિયામાં
મને અવતાર તમે કહો છો, પુરુષોત્તમ મને વદો છો
જાઓ છો જ્યાં જ્યાં તમે, કહો છો ભગવાન મને
આમ વાતો કરો છો મારી, જરા કારણ કહો વિચારી

સુણી શ્રીઠાકુરની વાણી, ગિરીશની આંખો ભીંજાણી
કરી ભાવ ભીના પ્રણામ, ગિરીશ વદે છે આમ
જેને પામ્યા નહિ વેદ ચાર, જે છે વેદાંતનો સાર
જેના વાલ્મીકિ ને વેદ વ્યાસ, ગુણ ગાવા કરે પ્રયાસ

એ પરબ્રહ્મ પરમેશ, અનંત અનાદિ અખિલેશ
પુરુષોત્તમ મહિમાવાન, અવતર્યા છે ભગવાન
હું વર્ણવું કેમ એને, વાણી પહોંચી શકે ના જેને
ગિરીશ કહી આમ ભાવે, ઠાકુરના શરણે આવે

સુણી ભાવસભર સ્તુતિ, ઠાકુર બન્યા કરુણામૂર્તિ
થયા સ્વ સ્વરૂપે સ્થિર, મુખે હાસ્ય ને નેણ ગંભીર
દિવ્ય તેજથી મુખ સાજે, જોઈ સૂર્ય-શશી પણ લાજે
થયો સ્થિર સમય ત્યારે, સર્વે દેવો દર્શને પધારે

પ્રેમથી ભક્તોને નિહાળી, પછી બોલ્યા જે શ્રી હરિ
તમે સૌ છો મારા અંતરંગ, રહું છું હું ભક્તોને સંગ
બીજું શું કહું હું તમને, જાઓ આશિષ છે સૌને
થશે ચૈતન્ય જાગૃત, પામશો અક્ષર અમૃત

આમ બોલી ઠાકુર પોતે, ગયા ભક્તોની સમીપે
અતિ કૃપા કરી છે નાથે, ધરી ચરણ સૌને માથે
જય રામકૃષ્ણ જય જય, જય રામકૃષ્ણ જય જય
જય રામકૃષ્ણ જય જય, જય રામકૃષ્ણ જય જય

એવો જય ઘોષ ઉચ્ચારે, ભક્તો નૃત્ય ને કીર્તન કરે
એમ રચાયું એવું દૃશ્ય, દેવોને ય જે છે અલભ્ય
આમ કલ્પતરુ બની ત્યારે, શ્રીજી સર્વ શંકાઓ નિવારે
કરે સંકલ્પો ભક્તોના પૂરા, કોઈ રહ્યા નથી અધૂરા

પ્રભુ કરે લીલા કાંઈ એવી, ભક્તોની થઈ સ્થિતિ કેવી
કોઈ દિવ્યાનંદમાં ફરે, નામ કીર્તન કોઈ કરે
ધ્યાનમગ્ન થાય છે કોઈ, કોઈએ ઇષ્ટની મૂર્તિ જોઈ
કોઈ થયું સમાધિમાં લીન, થયા સૌ વાસનાવિહીન

સર્વે થયા ઠાકુરશરણ, ગયાં દુ :ખ અને મરણ
જાગૃત થયું ચૈતન્ય, ભક્તો સર્વે થયા છે ધન્ય
આપ્યું આમ અભયદાન, મોક્ષ ભક્તિ અને જ્ઞાન
શ્રીઠાકુર જ એક એવા, બીજું કોણ સમર્થ એ દેવા

આવી હરિની લીલા વિચારી, મતિ મારી મેં શુદ્ધ કરી
કરાવી નામ ગુણ કીર્તન, ઠાકુરે હર્યાં ભવ-બંધન
એમ કરશે જે નરનારી, ભજશે પ્રભુ લીલા સમરી
શરણાગતના શ્રીઠાકુર, તારશે સૌને ભવ પાર.

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.